આજે હરખનો ઉત્સવ હતો. નવાં નક્કોર કપડાની જેમ ઘરનાં એકેએક સદસ્યના ચહેરા પણ ચળકતાં હતાં. બધાં જ લોકો ઘડિયાળના કાંટાની સામે ટાંકીને બેઠાં હતાં. બધાંની લાડકી ખુશાલીને આજે નાતનાં પ્રતિષ્ઠિત શૈલેષભાઈને ત્યાંથી સગપણ માટે જોવાં આવવાનાં હતાં. લગભગ ફાઇનલ જેવું જ હતું, પણ ગુજરાતી એ ગુજરાતી, ગુજરાતીઓને રીતરિવાજો અને મુહૂર્તના પગલે ચાલવું એ તો ગળથૂથીમાં હોય.
“દીદી, આજે તો તું દુલ્હન લાગે છે. તને રોજ વ્હાઇટ કોટમાં જોઈને તો અમે લોકો પણ કંટાળી ગયાં હતાં. જીજુ તો તારી અદાઓના ઇન્જેક્શનની જાળમાં ફસાઈ જ જવાનાં છે!!” ઉંમરમાં લગભગ સમોવડા ખુશાલીનાં નાના ભાઈ જીગરે ખુશાલીની ટાંગ ખીંચાઈ જેવી ચાલુ કરી અને ડોર બેલ વાગ્યો.
બધાં એક સામટા ઊભાં થઇ ગયાં. ખુશાલીના પપ્પા દિનેશભાઈ એ દરવાજો ખોલ્યો અને શૈલેષભાઈ અને પરિવારને આવકારો આપ્યો.
ખુશાલીને જોતાંની સાથે જ પ્રિયમને લાગ્યું કે બાયોડેટામાં જાણે અધૂરી ડેટા એન્ટ્રી કરી હોય. ખુશાલીના હસમુખા ચહેરા વિષે બાયોડેટામાં ક્યાંય ઉલ્લેખ ન હતો. નાજુક પાંપણ કે ઘુમ્મરિયાં વાળ વિશે કે ચા આપતી વખતે નિહાળેલ લીસ્સા પોચાં સ્પર્શનો પણ ઉલ્લેખ બાયોડેટામાં ક્યાંય ન હતો.
ખુશાલી અને પ્રિયમના પરિવારવાળા તો વાતોએ વળગી ગયાં હતાં. જોતજોતામાં તો બે પરિવાર એક થવાની દિશામાં જઈ રહ્યાં હતાં. ખુશાલીનો ભાઈ જીગર પણ આજે ફૂલ ફોર્મમાં હતો. એક તો બહેનના લગ્નમાં બધી જ તૈયારીઓ એણે કરવાની છે એનો આનંદ હતો અને પ્રિયમની નાની બહેન રિદ્ધિ તરફથી મળતાં આંખનાં સિગ્નલ એ બીજું કારણ હતું.
પ્રિયમની મમ્મી દિશાબેનથી રિદ્ધિ અને જીગરની આ આંખોનો વાર્તાલાપ છાનો ના રહ્યો. એમનાં મનમાં પણ હરખની ગલીપચી ચાલુ થઇ ગઈ આ તો બોનાન્ઝા ઑફર મળી ગઈ. દિશાબેને બધી વાત બાજુ પર મૂકીને રિદ્ધિનું પ્રમોશન ચાલુ કરી દીધું. શૈલેષભાઈને અણસાર આવી ગયો કે દિશાબેન કઈ દિશામાં જઈ રહ્યાં છે.
રિદ્ધિ દેખાવે તો રૂપાળી હતી, ભણેલી ગણેલી પણ હતી, આ સગપણ થાય તો બંને પરિવાર માટે કાંઈ ખોટું લાગતું ન હતું. જીગર પણ હવે કોલેજ પતાવીને પપ્પાના ધંધે બેસવાની તૈયારીમાં જ હતો એટલે એનાં પણ માંગા આવવાનાં ચાલુ થઇ ગયાં હતાં. રિદ્ધિને જોઈને જીગરનાં મમ્મી પપ્પાને પણ થયું કે “બગલમાં છોકરું અને ગામમાં ઢંઢેરો.” શૈલેષભાઈને આ સગપણમાં રસ ઓછો લાગતો હતો એટલે જયારે જયારે પણ દિશાબેન રિદ્ધિની વાત કરે ત્યારે એ તરત જ વાત બદલવાની કોશિશ કરે. એમનાં મોંઢા પર અણગમો સાફ દેખાતો હતો.
ખેર, પ્રિયમ અને ખુશાલીનાં ગોળધાણા અને લગ્નની તારીખની ચર્ચા કરી બંને પરિવારે મોઢું મીઠું કર્યું અને પ્રિયમના પરિવારે ત્યાંથી રજા લીધી.
લગ્નના દિવસો નજીક આવ્યાં, પ્રિયમ અને ખુશાલી પણ એક બીજાંની નજીક આવ્યાં. અરેન્જ્ડ મેરેજ હોવાં છતાં બંનેના સંબંધમાં બહુ જ જલ્દી પ્રેમ સંબંધ પણ કેળવાઈ ગયો.
વાજતે ગાજતે, પાંચ-પાંચ દિવસોના પ્રોગ્રામ કરીને ધામધૂમથી બંને પરિવારોએ લગ્નને ઉત્સવ બનાવી દીધો.
ખુશાલી મનોચિકિત્સક ડૉક્ટર હતી એટલે બધાંના મન કઈ રીતે જીતવા તે તેને બખૂબી આવડતું હતું. ખુશાલી અને પ્રિયમને એકબીજાનો સંગાથ પ્રિયમય અને ખુશખુશાલ લાગવાં લાગ્યો. ખુશાલી અને રિદ્ધિ ભાભી નણંદ નહીં પણ મિત્રો હોય તેમ જ લાગતું હતું. દિશાબેને પણ જીગર અને રિદ્ધિનાં સગપણ માટે ખુશાલીને અનેક વખત આડકતરી રીતે વાત કરી હતી. દિશાબેનને સમય અને સંજોગ સાથ ન હોતા આપતાં.
સમય જતા શૈલેષભાઈ અને દિશાબેન પણ હવે નવી પેઢીની રાહ જોવામાં લાગી ગયાં અને જવાબદારી વધે એ પહેલાં બાકી રહેલાં દેશ દુનિયાનાં પ્રવાસ પતાવી લેવાનો નિર્ણય કર્યો. શૈલેષભાઇ અને દિશાબેન તો ખુશીઓના વહાણમાં વહેતાં વહેતાં હોલીડે પર નીકળી ગયાં.
ખુશાલી પણ પોતાનો પ્રોફેશન અને પર્સનલ બંને સમય બખૂબી મેનેજ કરતી હતી. સાસુ સસરા બહાર ગયાં પછી ઘરનાં બધાં જ કામ એ અને રિદ્ધિ બંને જાતે જ કરતા હતા. કોઈક દિવસ રિદ્ધિ નવી રેસિપી શોધી લાવે તો કોઈક દિવસ ખુશાલી નવી રેસિપી બનાવે.
સાંજનો સમય હતો, પ્રિયમ ઘરમાં પ્રવેશ્યો અને જોયું તો ઘરમાં સાવ અંધારું હતું. લાઈટ ચાલુ કરી તો કિચન પાસે લોહીનાં ધબ્બા દેખાયા. પ્રિયમે જોરથી ખુશાલીનાં નામની ચીસ પાડી. હાથમાં મલમપટ્ટીનો સામાન લઈને રિદ્ધિ બહાર આવી અને કહ્યું, “ડોન્ટ વરી ભાઈ, આતો હું અને ભાભી જમવાનું બનાવતાં હતાં અને હું શાક સમારતી હતી, મારાં હાથમાં ચપ્પુ હતું અને ભાભી ફર્યા અને ભૂલથી એ ચપ્પુ એમને કમરમાં ઘસાઈ ગયું.”, “ભાભી જ મને ડ્રેસિંગ કરતાં શીખવાડે છે. તમે ભાભી પર ચિડાશો એટલે એ બહાર નથી આવતાં.”
‘ખુશી…પ્લીઝ કમ આઉટ…’ પ્રિયમે પ્રેમથી પોકાર કરી.
ત્રણે જણ સાથે જમ્યાં અને “ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ” કહી પોતપોતાનાં રૂમમાં સૂવા ગયાં.
‘ખુશી, હવે આપણે બેબી પ્લાન કરી દેવું જોઈએ.’ જમવાનો ઓડકાર હજી આવ્યો ન હતો અને પ્રિયમ અને ખુશાલી પ્રેમની મિજબાની લઇ રહ્યાં હતાં.
‘મારાં ગ્રહો હમણાં સારાં નથી ચાલતાં લાગતાં, થોડો સમય થોભી જાઓને પ્રિયમ.’ ખુશાલીનાં અવાજમાં છૂપે છૂપે ક્યાંક કોઈક વાતનો ડર હતો.
‘ગ્રહ…!!!’, કેમ શું થયું?’
‘પ્રિયમ ખબર નહીં પણ ગઈ કાલે બહાર હું કપડાં સૂકવતી હતી તો ઉપરથી પેલું મોટું કૂંડું મારી બાજુમાં જ પડ્યું. જો હું એકાદ ઇંચ પણ આમતેમ હોત તો એ મારું માથું ફોડી નાખત.’ આજે આ ચપ્પુ વાગ્યું, મમ્મી પપ્પા ગયા એ દિવસે હું માળીયે ચડી હતી, ત્યારે પણ હું સીડી પરથી પડી ગઈ હતી.’
‘આ તો બધું જોગાનુજોગ હોય. કાંઈ વાંધો નહીં ખુશાલી, તને જેમ ઠીક લાગે તેમ.’
સવારમાં રિદ્ધિ ક્યાંય દેખાઈ નહીં, બે ત્રણ બૂમો પાડી ક્યાંયથી રિદ્ધિનો પ્રતિસાદ ન મળ્યો. ભાભીને લાગ્યું કે જરૂર રિદ્ધિ છુપાઈને જીગર સાથે ફોન પર ખપાવતી હશે. રંગે હાથ પકડવા માટે બધાં જ રૂમ ચેક કરી લીધાં. અંતે ધાબે જોવાં ગઈ, ત્યાં તો રિદ્ધિને જોઈને એનું હસવાનું રોકાયું જ નહીં.
‘અરે આ શું કરે છે, તારાં ગાલ તો જો કાળા મેશ જેવાં થઇ ગયાં છે, કેટલો કાર્બન ચોંટ્યો છે.’
‘હાસ્તો ભાભી, તમે જ કીધું છે ને કે ઘરનું બધું કામ આપણે જાતે જ કરીશું એટલે આ ગીઝર રિપેર કરતી હતી.’ બંને જણાએ એક બીજાની ટાંગખીચાઈ કરી અને નીચે આવ્યાં.
રિદ્ધિ થોડી વારમાં આવું છું કહીને બહાર ગઈ. ખુશાલી પણ એની ઓનલાઇન કન્સલ્ટન્સીનું કામ પતાવી, ન્હાવાના વિચાર સાથે બધું આમ તેમ ગોઠવવાં લાગી. રિદ્ધિના રૂમમાં સાફસફાઈ કરતા એક સ્કેચ બુક નજરે પડી. મનમાં વિચાર્યું કે રિદ્ધિ પોતે ચિત્રો દોરે છે એવી વાત ક્યારેય કરી નથી. આઉટ ઓફ ક્યુરિયોસિટી એણે સ્કેચ બુકનું મુખ્ય પાનું ફેરવ્યું અને જોતાંની સાથે જ હાથ કાંપવા લાગ્યાં. કબાટના એકેએક ડ્રોઅર ફેંદી નાંખ્યાં.
તરત જ એણે પ્રિયમને ફોન કર્યો. સઘળી વાત કરી અને ઘરે તુરંત જ આવી જવા જણાવ્યું.
ટેલિફોનિક ટોક ઉપરથી એક પણ મિનિટ વિલંબ કર્યા વગર પ્રિયમ ઘરે આવી ગયો. સ્કેચબુક જોઈને એનાં પગ નીચેથી જમીન ખસી ગઈ.
પહેલાં પાના પર એક સુંદર છોકરી ઘરનાં ઓટલા ઉપર વાળ ઓળતી હતી, ધાબાની પાળી પર વાંદરું બેઠું હતું અને એ વાંદરું પાળી પર મૂકેલા કૂંડાને ધક્કો મારતું હોય એવું ચિત્ર દોર્યું હતું.
પાનું ફેરવતાં બીજાં પાના પર એક ધારદાર ચપ્પુ દોર્યું હતું અને એક બાજુમાં લોહીથી લથબથ એક સુંદર સ્ત્રી અને સાથે કપાઈ ગયેલી આંગળીઓ હતી.
પાનું ફેરવતાં ત્રીજું એક ચિત્ર નજરે પડ્યું જેમાં ભોંય પર પડેલી એક સ્ત્રી હતી, આડી પડી ગયેલ સીડી હતી અને બીજી સ્ત્રી એનાં પર હસતી હતી.
આગળ બીજું એક ચિત્ર હતું જેમાં બાથરૂમનું દ્રશ્ય હતું, જેમાં એક સ્ત્રી ફસડાઈને ભોંય પર પડેલી હોય છે અને બાથરૂમની સીલિંગના ભાગમાં ગીઝરમાં આગ લાગેલી આકૃતિ દોરી હતી.
ચોથું ચિત્ર જોતાં જ પ્રિયમનાં હાથ પણ ધ્રૂજવા લાગે છે. એમાં એક સુંદર સ્ત્રી અને એક પુરુષ હતાં અને બંનેની પીઠ પાછળ એક બીજી યુવાન સ્ત્રી ધારદાર છરો લઇને ઉભી હતી.
આ સ્કેચ બુક છે કે ડેથ બુક એ પ્રિયમને સમજાતું જ ન હતું પણ ખુશાલી તરત જ બોલી ઊઠે છે, ‘પ્રિયમ, ઇટ્સ અ સ્કિઝોફ્રેનિઆ!!’
ત્યાં જ પ્રિયમ વળી પાછું સ્કેચ બુકનું એક પાનું ફેરવે છે અને જોવે છે કે એક યુવાન અને યુવતી કેફેટેરિયામાં બેઠાં છે અને યુવતીના હાથમાં એક કૅપ્સ્યૂલ દોરેલી છે અને સંતાડીને કૉફીની અંદર નાખતી નજરે પડે છે.
‘ઓહ શીટ, ખુશાલી આસ્ક જીગર વ્હેર ઇસ હી?’
ખુશાલીએ જીગરને તરત જ ફોન લગાડ્યો અને ખુશાલી બોલે એ પહેલાં જ જીગર જોરથી ખુશીમાં બૂમો પાડવા લાગ્યો, “શી સેઈડ “યસ” દીદી, શી સેડ “યસ” દીદી, આઈ એમ વીથ હર દીદી…લવ યુ…’