ઊર્ધ્વગતિ નો ઉત્સવ-શુભ ભાવના

 

 

કલમની પતંગ
શાહી માંજો
આકાશનો અનુભવ
જ્ઞાનથી દિશા
વિચારો ના આરોહ
ઉંચેરા આભમાં
કલમ ચગાવતા
સદાય રહે ,ઉંચી નજર
ઉંચી ગરદન
ને ઉચ્ચ મસ્તક
અનેક કલમો વચ્ચે
ન કાપવા ની ઈચ્છા
કે ન કપાવવાનો ડર
મૌલિકતા નો દોર
એજ સૂર્ય તરફનું પ્રયાણ
“શબ્દોનું સર્જન “ઊર્ધ્વગતિ નો ઉત્સવ
રચાય આકાશમાં વિહંગમ દ્રશ્ય.
વાચક ના મુખ માં સંવાદ…વાહ

 “શુભેચ્છા સહ”

બસ સૌ વાચક,સર્જકને આ ઓચ્છવ ફળે ..
સાથે આપ સૌ તલ અને સીંગની ચીકી અને તલ, સીંગ, મમરાના લાડૂ સાથે સાથે આજે તો ઉંધીયાની પણ મજા માણજો। .વાસ્તવિકતા કહે છે શબ્દોથી પેટ ન ભરાય…’બેઠક’ તરફથી ઉત્તરાયણની શુભ કામના.

સહજ ભાવે -(પતંગોત્સવ સ્વસ્થ પ્રતિસ્પર્ધાની ઊર્જાનો સંચાર કરે છે )

 

પ્રજ્ઞાજી

 

 

 

 

 

 

 

 

ડાયા સ્પોરા-અછાંદસ -(16)પ્રજ્ઞા દાદભાવાળા (૧૭)અર્ચના શાહ

 

હું અમેરિકા આવી
ના મારા માતા પિતા મને અહી લઇ આવ્યા,
અમે શા માટે અહી આવ્યા ખબર નથી!
અમારી પાસે શું નહોતું ?
સંયુક્ત કુટુંબમાં બા, દાદા ,કાકા કાકી બધું જ
હા બધા સાથે હતા
મારા પિતા નવી નોકરીમાં બોસ ને બદલે
હવે  અહી એક પગારદાર નોકર બન્યા
મારી માં ક્યારેય કામે નહોતી ગઈ
પણ હવે નોકરી કરે છે.
હું અને મારી બહેન
હવે પ્રાઈવેટ સ્કુલની બદલે
પબ્લિક સ્કુલમાં ભણી આગળ વધીએ છીએ
વધારામાં અમે એક ગ્રેડ પડીએ છીએ
ત્યાં શાળામાં યુનિફોર્મ હતો.
અહી મારી પાસે નવા કપડા નથી
માટે મિત્રો મને અલગ નજરે જોવે છે.
મમ્મી કહેતી ઘર લેવા ડોલર ભેગા કરવાના છે.
મારા વિશ્વમાં ઊંધુંચત્તુ થઇ જાય છે.
મને અમેરિકા જેલ લાગે છે.
શનિ રવિ માત્ર મંદિર જવાનું
ક્યારેક ટમેટો કેચપ સાથે  બર્ગર ખાવાના
અને બધાનું એ હસવાનું !
અને ત્યારે સવાલ થતો,
અહી પીઝામાં મીઠું કેમ નથી નાખતા ?
મમ્મી પાઉંવાળા નથી મળતા ?
ખોરાક, વરસાદના દિવસો, બધું જ ચૂકી ગયા
ઉનાળામાં અહી ખૂબ ગરમી
અને શિયાળામાં  ખૂબ ઠંડી  છે.
પાછા જવાના વિચાર માટે,
મમ્મી કહે છે ડોલર ભેગા કર
હું ભણતા ભણતા,
એરલાઈનમાં નોકરી લઉં છું.
વોલમાર્ટ ના વખાર જેવા
સ્ટોરમાંથી મિત્રો માટે ખરીદી કરું છું.
અને એક દિવસ ફરી એ ગલ્લીમાં
પહોંચી જવું છું.
હું ખુશ છું
ફરી મજા કરશું ,બધે ફરશું
બધા  મિત્રો સાથે પાણી પુરીના ગલ્લા પર
ખાવા જાવ છું
અને ભૈયાજી કહે છે,
બેબી કબ આયી ?
થહેરો….
તુમારે લીએ મિનીરલ વોટર વાલી આલગ હે!
હવે ભૈયાજી પણ મને  NRI ગણતરીમાં  મુકે છે.
હું હવે જુદી છું
અમેરિકન સીટીઝન
અને અમેરિકા જવા માંગતા ઉત્સાહી
જુવાન  મારા મિત્રો માટે
એક વિઝા બની જાઉં છું.
અને પાણીપુરી આંખોમાં આંસુ બની
 અને ગળામાં અટકીને ડૂમો  બને છે.
પ્રજ્ઞા દાદભાવાળા

ગલગોટા કે મેરીગોલ્ડ્સ 

પીળા ચટક હળદરીયા રંગના ગલગોટા 

ઝુલી રહ્યા છે ડોલમ ડોલ મારા બેકયાર્ડમા 

ફહેવાય છે અહી મેરીગોલ્ડસ અને શોભે છે ફક્ત પ્રાંગણમા

પણ નીરખું છું જયારે મેરીગોલ્ડસને ગલગોટાની ઝંખના થઇ છે 

વાતાવરણમાં તહેવારની ખુશ્બુ લાવતો કેસરિયો રંગ 

ગલગોટા અને દશેરાનો જાણે જનમોજનમ નો નાતો 

બહેન લઇ લ્યો 20 રૂપિયાના બે 

છાબડીમાં મઘમઘતા ગલગોટાનાં હાર વાળી ફૂલવાળી 

હિલોળા લેતા હાર દરેક ધ્વાર ઉપર જોવાની કુતુહુલતા 

ને વળી જલેબીફાફડાના નાસ્તાની સોડમ 

કહેવાઈ ભલે મેરીગોલ્ડસ પણ ગલગોટા વતનની મીઠી યાદો સંભરાવે 

રહું ઘણી દૂર પણ ભૂલવા નથી દેતા વતનને 

અજબના મેરીગોલ્ડસ

અર્ચનાબેન શાહ  

હેપી બર્થ ડે-પ્રજ્ઞા દાદભાવાળા

આજ કાલ કોકીલાબેનને ખાસ ખવાનું મન ન થતું,વારંવાર ઝાડે જવું પડતું નબળાઈ પણ આવી ગઈ હતી. ઘરમાં એકલા હતા તેમના પતિ કનુભાઈ કામ માટે બે દિવસ ફ્લોરીડા ગયા હતા,આમ પણ છેલ્લા એક મહિનાથી કોકીલાબેન ની તબિયત ક્યાં સારી હતી પેટમાં કેન્સર છે એ ખબર જ હતી, દવા અને થેરાપી ચાલુ હતા,નબળાઈ ખુબ જણાતી હતી,ઘરમાં બે જ જણ એકલા, કનુભાઈને પણ ડાયાબીટીસ હતું ધ્યાન રાખવાવાળા કોઈ નહિ.

અચાનક ફોનની ઘંટી વાગી

હલો કોણ ? દીકરા કેમ છો ?

મમ્મી તારી તબિયત કેમ છે ?

છે, ચાલ્યા રાખે છે.

તમારે હવે નર્સિંગ ફેસીલીટી માં મુવ થવું જોઈએ ,મેં પપ્પાને કાગળ મોકલ્યા હતા ને !

મને  નથી ખબર બેટા, તારા પપ્પા તો ફ્લોરીડા ગયા છે કામ માટે.

અચ્છા તો સારું મેં એમની ખાસ મુલાકાત માટે સમય લીધો હતો ,કે જોઈ આવો તો ત્યાં સિફ્ટ થવાય

પણ બેટા આ ઘર મને છોડવું નથી ગમતું! આ ઘર સાથે તારી આપણી ઘણી યાદો જોડાયેલી છે.

હમણાં મેં તારી રૂમમાં તારો કબાટ ખોલ્યો હતો ,તારા બધા એવોર્ડ જોયા  ફોટા જોયા,

એ રહેવા દેજે તમે જશો ત્યારે લઇ જઈશ, પણ તું બીજું બધું બધાને આપી દે,નર્સિંગ હોમ ખુબ સરસ છે ફર્નીચર સાથે અને ટીવી પણ,હવે તમે ત્યાં એકલા ન રહો  તો સારું.

તું ક્યારે આવે છે ?

હું તો રત્નાને મુકીને કેવી રીતે આવું! એ એકલી કેવી રીતે બધું સંભાળે ? પણ તમારું જવાનું નક્કી થાય તો કહેજે હું આવી જઈશ,એ પહેલા તું બધું કાઢી નાખ, પપ્પા આવે એટલે ફોન કરજે અને તબિયતનું ધ્યાન રાખજે, મારે ફોન મુકવો પડશે રત્ના હમણાં આવશે, જમવાનું બનાવું છું,હા સમયસર જમી લેજે અને ફોન કટ થઇ ગયો.

કોકીલાબેન કહે કોની સાથે જમું ? આજે કનુભાઈ પર ગુસ્સો પણ આવ્યો, મને કહ્યું કે કામે જાવ છું પણ ફ્લોરીડા નામ લખવા ગયા છે,આવે એટલે વાત છે!મેં કહ્યું હતું હું આ ઘર મરીશ પછી જ છોડીશ, તો ત્યાં જવાની શું જરૂર હતી? એકલા એકલા બબડતા પલંગમાં આડા પડ્યા,નબળાઈને લીધે આંખો ઘેરવા લાગી  અને મન જૂની યાદોના સપનાં જોવા માંડ્યું…32 વર્ષ થશે આ ઘરમાં, છોકરાવ અહી જન્મ્યા અને પરણ્યા અને એક દિવસ બધા પોત પોતાના ઘરે ગોઠવાઈ ગયા.

લગભગ 7 વાગે ફોનનો અલાર્મ વાગતા ઉઠ્યા, ઓ.. ચાલો દવાનો સમય થઇ ગયો કોકીલાબેન એકલા એકલા બોલ્યા,આમ પણ જ્યારથી એકલા થયા ત્યારથી એકલા વાત કરવાની ટેવ પડી ગઈ હતી, ઘરમાં પોતે જ પોતાને ઉઠાડે અને જમાડે.

શું જમશું કોકીલાબેન ? તમે જે જમાડશો તે ! એકલા સવાલ પુછતા અને એકલા જ જવાબ આપતા અને પછી પોતે રસોડામાં જઈ કૈક બનવાની પરોજણ કરતા,કનુભાઈ હોય તો એને ભાવતું બનાવતા,પણ આજે શું જમવું? મનમાં વિચાર આવ્યો કનુભાઈને ફોન કરું,પણ ગુસ્સો કરતા કહે જાવ તમારી સાથે વાત નથી કરવી,કાલે સવારે આવો એટલીવાર છે,પછી ફોન ઉપાડી વાત કરી,  કેમ ફોન પણ નથી કરતા? તમે મને કહ્યું પણ નહિ તમે શે કામ ગયા છો ?

તને કહેતે તો તું થોડું જવા દેવાની હતી?

આ મારો માળો છે એમ હું ખાલી કરવાની નથી.

જો કોકી સંભાળ આ નવો માળો હવે આપણે યાદોના તણખલા ભેગા કરી બનાવશું અને એક બીજાની હુંફથી આ માળાને હુંફાળો રાખશું,કનુભાઈ આ વાત કદાચ પ્રત્યક્ષ ન કહી શક્યા હોત,આંખના આંસુ ફોનમાં સહેલાઇ થી છુપાવી શકાય ને ! એટલે જે કહેવું હતું તે કહી ગયા.એમને પણ કોકીની ભાવના સ્પર્શતી હતી અને સાંભળ હજી તો આપણો નંબર લાગે ત્યારે વાત! આ તો માત્ર એપ્લીકેશન આપી છે.કોકીએ ફોન મૂકી દીધો.તે દિવસે કોકીબેન ખુબ રડ્યા.

બીજે દિવસે કાંતિભાઈ આવી ગયા, બે દિવસના રિસામણા પછી કોકિલા વાતને ભૂલી ગઈ એટલે ધીરેથી કનુભાઈએ કહ્યું ચાલો આ બધું જુનું કોઈકને આપીએ અને તમારા જન્મદિવસ પહેલા ઘરને ફરી શણગારીએ એમ કહી કાંતિભાઈએ વાત માંડી,ન જોઈતી વપરાતી વસ્તુઓ આપી દઈએ, ચાલો થોડો ઉત્સાહ ભરીએ તો મજા પડશે.

હા પણ ઘર ખાલી કરવાની વાત નહિ કરતા નહીંતો તમારી સાથે અબોલા લઈશ.અને બંને થોડું થોડું કરી બધાને આપી દીધું,કોકીલાબેન બોલ્યા જોઓં તમે કહું એટલે મારી ઘણી સાડી બધાને આપી દીધી,હવે નવી લઇ દેવી પડશે, ફરી જશો એ નહિ ચાલે!અને જન્મ દિવસ નજીક આવી ગયો  નવી સાડી લઈને છુટકો કર્યો અને અચાનક એમનો દીકરો અને નાનકો પૌત્ર આવી ચડ્યા, કોકીલાબેન તો રાજીના રેડ થઇ ગયા, આમ અચાનક ? સરપ્રાઈસ !

પણ રત્ના કેમ ન આવી ?  

મમ્મી એને કામેથી રજા ન મળી.

પણ આમ અચાનક આવી તે મને ખુશ કરી દીધી અને માં દીકરો રસોડામાં વાતો કરતા બેઠા,ચા પીધી. બીજી રૂમમાં કાંતિભાઈએ ભારે હૈયે ટપાલ ખોલી,આમ તો વાંચી હતી, પણ ફરી વાંચી congratulation આપ બંને માટે નર્સિંગ હોમમાં જગ્યા થઇ ગઈ છે. આ મહિનાની 30 તારીખ પહેલા આપ આવી જજો,એટલે દીકરાને બોલાવ્યો હતો, પોતાની પાસે કોકિલાને કહેવાની હિંમત ક્યાં હતી ?

આખી રાત બધા ખુબ હસ્યા, દીકરાનો કબાટ ખોલી બધું વસ્તુ કાનાને આપતા કોકિલાબેન હરખાતા હતા,બધું જોતા 3 વાગ્યા. આજે તો કોકિલાબેનને થાક પણ વર્તાતો ન હતો. સવારે કોકી ઉઠે તે પહેલા દીકરા સાથે વાત કરતા કનુભાઈએ પોતાના ઘરના બધા કાગળ એમને સોંપી દીધા,અમે પરમ દિવસે સાંજે અહી થી નીકળશું અમને મૂકી પછી તું અહી આવી આ બધી વસ્તુ અને ઘરમાં જે કંઈ છે તે તને યોગ્ય લાગે તેમ કરજે,એટલામાં કાનો આવ્યો અને કહે ચાલો કેક ખાવા, કનુભાઈ આંખનો ખૂણો લુછતા બોલ્યા હા હા ચાલો…અને કાનો કેમેરામાં બધાને ઝડપવા ખુરશી પર ચડી ગયો.

બધા હશો આજે મમ્મીજીનો જન્મદિવસ છે.

ઓ ઓ દાદાજી હશો ને!

 કનુભાઈએ પરાણે મોઢું હસતું રાખ્યું,કોકીબેન પણ સ્મિત આપી બોલ્યા આજે હેપી બર્થ ડે છે અને જન્મદિવસ હંમેશા હેપી જ હોય માટે બધાએ હેપી રહેવાનું અને નજીક જઈ બોલ્યા મેં કાગળ વાંચ્યો છે હવે છોકરાવ આવ્યા છે તો હશો.કાંતિભાઈ એને જોઈ રહ્યા,અને મનમાં બોલ્યા ભગવાન સ્ત્રીને કઈ માટીમાંથી બનાવતા હશે ?

   -પ્રજ્ઞા દાદભાવાળા –       

થાવ થોડા વરણાગી-(4)પ્રજ્ઞાજી

બેઠકનો આ મહિનાનો વિષય છે “થાવ થોડા વરણાગી”

rosex

મિત્રો,

ગઈકાલે મેં વેલનટાઈન ડે ઉજવ્યો ,

આમ તો ભારતમાં હતી ત્યારે પ્રેમ માત્ર ગજરો કે સાડી મેળવી વ્યક્ત કરાતો હતો,પ્રેમમાં માગણી કે અપેક્ષા ઓછી હતી હા ક્યારેક સ્ત્રીઓ રિસાતી ત્યારે કહેતી “ઝટ જાઓ ચાંદન હાર લાવો ઘૂંઘટ નહિ ખોલું”…પરંતુ ક્યાંય અપેક્ષા ન હતી,..એથી પણ વધારે મેઘલતામાસીના શબ્દોમાં કહું તો..

અમણે મોગરો ધર્યો ને તમે મહેકી ઉઠ્યાં
ને પછી ગજરો ગૂંથવાનું તો પૂછવું જ શું ?

હા, પહેલા આજ રીતે પ્રેમ વ્યક્ત થતો હતો પણ જમાના સાથે જાણે બધું બદલાય છે મારી દીકરી કહે છે મમ્મી તમે થાવ થોડા વરણાગી અને લ્યો બસ આજ વરણાગીપણા ને કવિતામાં વ્યક્ત કરું છું.

વેલેન્ટાઈને પ્રેમ પર હાસ્ય કવિતા

વેલેન્ટાઈને નાના-મોટોઓને પ્રેમમાં પડતા કરી દીઘા,​​
‘સેલ-ફોન’ પર પ્રેમનો એકરાર કરતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
કબુતર અને પ્રેમ પત્ર ભૂલી, ઈમેલ કરતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત જોગીંગ કરવાના ​બહાને, 
અત્તર છાંટી કાર્ડ અને ગુલાબ વેચતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ એમ થોડો છુટે છે,
​​વેલેન્ટીન ના નામે ચોકલેટ​નો વેપાર કરતા ​કરી દીધા!

​ઝાંઝર ​વેણી અને ગજરો અંબોડા ને​ ઘૂંઘટ ​ ભૂલી,
પ્રેમમાં છુટા વાળ ,હવામાં ઉડાડતા કરી દીધા! 

શરમાવા કરમાવાની વાત છોડી દયો ​પ્રજ્ઞાજી, ​
જાહેરમાં પ્રેમનો એકરાર કરી,​​ચુંબન ​કરતા કરી દીધા! 

-પ્રજ્ઞાજી-

માનનીય ચીમનભાઈ
આપની લખવાની કળા ખુબ ગમે છે. એ જોઈ મેં પણ લખવાની કોશિશ કરી.

આ લખવા માટે મને ચીમનભાઈ પટેલે “ચમન”મદદ કરી માટે આભાર

http://chimanpatel.gujaratisahityasarita.org/ ​

દીકરી

10891729_10205086687862403_3646118357294668551_neha
આજે મારી દીકરીના  લગ્નનો પ્રસંગ ઉજવી અમેરિકા પાછી તો આવી ગઈ છું પરંતુ કોણ જાણે પાછળ કૈક છુટી ગયું છે એમ કેમ અનુભવું છું….તો વારંવાર એક પ્રશ્ન મને જાણે કોરી ખાય છે કે  દીકરી મોટી કેમ થાય છે ?
ઝાંઝરી પહેરી રમતી દીકરી 
ઉંબર ઓળંગતા અળગી થઇ જાય છે. 
દીકરી મોટી કેમ થાય છે ?
કંકોતરીમાં છાપેલું નામ ,દીકરીની  
જાણે નવી ઓળખ થઇ જાય છે. 
દીકરી મોટી કેમ થાય છે ?
મહેમાનને ચા -પાણી પિરસતા 
એકાએક દીકરી મહેમાન થઇ જાય છે 
દીકરી મોટી કેમ થાય છે ?
વરરાજા અને જાન પૈડું સિચતા 
મારી “જાન”ને લઇ થઇ જાય છે 
દીકરી મોટી કેમ થાય છે ?
માં બાપના ધબકારા બોલતા નથી
હોશ-આંસુ થઇ જાય છે

દીકરી મોટી કેમ થાય છે ?
ઘર એનું એજ છે પણ ​
આગણું સુનું થઇ જાય છે 
દીકરી મોટી કેમ થાય છે ?
 
pragnaji-
 

 

“ના હોય” માસી..(3)પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો ભાષા આવડે તો કળા,નહિ તો …..

એ વાત ને પુરવાર કરતી મારા બાજુવાળા માસીની વાત કહું…

મારા પેલા બાજુ વાળા માસીને ઓળખો છે ને અરે પેલા “અરર” માસી  જે બધી વાત અરર થી શરૂ કરે ,હા… .હું પણ જાણું છું એ ભુલવા શક્ય જ નથી

એમના ઘરે એમની બેન દેશ થી આવ્યા એમ કહો કાયમ માટે આવ્યા …આમ તો માસી પોતે એક અલગ તરી આવતી વ્યક્તિ  છે.પણ જયારે માસી ના બેનને મળી ત્યારે અજાણતા જ પુછી જવાણું  માસી આવી કેટલી  બેન તમને છે ?

માસી કહે “અરર” આમ કેમ પૂછે અલી ?

મેં  કહ્યું તમે બધા થોડા નોખા તરી આવો છો  ને એટલે!

..ત્યાં તો એમના બેન આવ્યા અને કહે “ના હોય”!…

જોયું માસી તમે “અરર” માસી અને તમારા બેન “ના હોય” માસી..  

હા… આ માસીના બેનનો “ ના હોય” તકીયાકલામ છે.  

ના હોય શબ્દ થકી માસી બધા જ હાવભાવ દેખાડી શકે છે.

આપણે બધાની  વાતચીત ‘કેમ છો’, ‘મજામાં ને’ થી શરૂ થાય છે અને માસી “ના હોય” થી શરુ કરે છે….માસી ગુજરાતીમાં દુનિયાની કોઈ પણ ભાષા બોલી શકે છે એ અમેરિકા આવ્યા ત્યારે અમારા ત્યાં અમેરિકન પાડોશી  પણ અમારે ત્યાં આવ્યા એમણે પોતાનો પરિચય આપતા કહ્યું…..હાય હું નાન્સી તમે જાણો  છો માસી એ જવાબમા શું કહ્યું

“ના હોય” ..

મારા પાડોશી કહે શું કહે છે મેં  કહ્યું she  can not  believe..તો નાન્સી હેબતાઈ ગઈ..પણ પછી મારા ખુલાસાથી હસવા માંડી.

માસી ની ખુશી, આશ્ચર્ય ,શોક બધા જ ભાવો માટે એક જ ઉદગાર છે “ના હોય”..  

એટલું જ નહિ એ ગરબો પણ માસી “ના હોય” સાથે ગાઈ શકે છે। .

ના હોય શ્યામ.. .મારા રાધા વીના ના શ્યામ કદી…  એકલા  “ના હોય” રે લોલ। ..  

એક વાર તો  માસી ભાણા પર જમવા બેઠા હતા અને હાથ માં કોળિયો લીધો ત્યાં અચાનક મહેમાન  આવી ચડ્યા અને મહેમાને દરેક ગુજરાતી જેમ  કહ્યું   આવું  શાંતાબેન જમવા ?

તો માસી બોલી પડ્યા  “ના હોય”..

ત્યારે તો જોવા જેવો સીન થયો હતો

પછી મારી મમ્મીએ વાળી લેતા કહું   ચાલો, જમવા।..અને તરત માસીએ પણ સાથ પુરાવ્યો હા હા ચાલો જમવા। ..

આમ આવો, આવજો, કેમ  છો ?. હા અને ના બધુ જ માસી “ના હોય” દ્વારા પ્રગટ કરે.

માસીના મોઢે “ના હોય” શબ્દ સંભાળતા મને નાનપણ માં સાંભળેલી ભવાઈ ના પત્રો યાદ આવી ગયા ..અમારા ઘરની બાજુમાં એક ચાલ હતી  અને વચ્ચે એક મોટું મેદાન ત્યાં ઉત્સવો દરમ્યાન ભવાઈ કરવા આવતા,પરંપરાગત પોશાકો, ભાતીગળ ભાષાશૈલી ખુબ મજા પડતી .।.. ‘ભવાઇ’માં મોટે ભાગે દરેક પાત્રો પુરુષો જ ભજવતા…એમ કહું કે  સામાન્‍ય રીતે સ્‍ત્રીપાત્રોની ભજવણી માત્ર પુરુષો દ્વારા જ કરવામાં આવતી . …પુરુષો સ્‍ત્રીઓનો પોશાક પહેરે  સ્ત્રીની જેમ લટકા મટકા અને હાવભાવ પણ સ્ત્રી જેવા…  નવ દિવસ નાટકો ચાલે પ્રોગ્રામ રાત્રે હોય અને દિવસ દરમ્યાન આજ પાત્રો ખરીદી થી માંડી રસોઈ અને કપડા ધોવા સાથેનું બધુ જ કામ જાતે કરે.

આ ચાલના મેદાનમાં શાકવાળા શાકભાજીની જથ્થાબંધ માર્કિટમાંથી શાક ભાજી ખરીદી, લારીઓમાં ભરી વેંચવા સવારમાં આવે  . તાજા શાકભાજી ” ની બુમો પડતા આવે,અને ત્યારે  હું બજારનો ધક્કો બચાવવા અનેક ગૃહિણીઓની જેમ ત્યાં શાક લેવા જતી, ત્યારે સ્ત્રીનું પાત્ર ભજવનાર પુરુષ પણ ત્યાં પોતાની મંડળી માટે શાક ખરીદવા આવતા,એના લટકા મટકા બધુજ સ્ત્રી જેવું અને આદત પણ સ્ત્રી જ જેવી શાકભાજી ભાવતાલ કરવ્યા વગર ના લે પણ એનો એ લટકો મને આજે પણ યાદ છે શાકભાજીના ભાવ સાંભળી કહે “ના હોય” મારા વીર “ના હોય”… રીંગણ ના ભાવ આટલા “ના હોય”….અને ખુબ કસ્યા પછી થોડી કોથમીર મફત ની  લઈને લટકો મટકો કરતા જાય ત્યારે એને સારું લાગે..

હવે મૂળ આપણા માસીની બેન “ના હોય” ની વાત કરું।. માસી ની ખાસિયત વિષે તો ખબર પડી જ ગઈ હશે બધી બાતમાં “ના હોય” કરી ટપકી પડે…અને  બીજું આ માસીએ “ના હોય” “ના હોય” કરતા ભાવ-તાલ કરવામાં તો  પી.એચ.ડી હાંસલ કરી છે.

માસીને “ના હોય” કરી  ભાવતાલમાં ફેઈલ કરનારા હજી જન્મ્યા નથી હોંકે..

“ના હોય” માસીને ભાવ-તાલ કરવાનો રક ઝકનો અનેરો આનંદ આવે.

ઉપરાંત આ ભાવતાલ કરતા “ના હોય” “ના હોય” કરતા લારીમાંથી ગાજર કે ટમેટાં જેવા શાક કાચા ખાવાનો લ્હાવો પણ માસી બે જીજક માણે।..   એટલું જ નહિ ખરીદ્યા પછી ” મસાલો ” અર્થાત કોથમીર, ક્ટકો આદુ, એકાદ બે મરચાં,થોડો મીઠો લીમડો વગેરે વિના મૂલ્યે ઉપરાણમાં મેળવવાનો અબાધિત અધિકાર પણ માસી પોતાના જન્મસિદ્ધ અધિકારની જેમ  ભોગવે।.

અલબત્ત ઘણીવાર કેટલાક માસીથી વધુ ચાલાક શાકવાળા કોઈક શાકનો થોડો ભાવ વધારી મફત લ્હાણી માસીને કરાવતા રહે એ વાત જુદી છે….આ ભાવતાલ ચક્કરમાં “ના હોય” ના હોય કરતા  ક્યારેક માસી ૧૦ રૂપિયાની મફત ગિફ્ટ માટે ૧૦૦૦ રૂપિયા ખર્ચી નાખે , કારણ કે ફ્રીમાં મળે એટલે મજા આવી જાય સેલ નો આનંદ

કાકા  માસીના નકારદર્શક એક શબ્દ “ના હોય” ના ઉદગાર થી ઘણી વાર કંટાળી જાય।  અને ક્યારેક તો એમના આ આશંકાવાળા ઉદગાર થી કાકા ખીજાઈ જાય। ..કેટલીય વાર કહે ..બોલવામાં પરેજી પાળો..

પણ માસી માને તો ને ….

એકવાર માસીએ રસોઈ બનાવી  અને કાકાને પીરસી શાક ખારું હતું એટલે કાકા કહે શાકમાં મીઠું વધારે છે અને માસી કહે “ના હોય” અને કાકા નું મગજ  ગયું। . કાકા કહે નહિ માનતી જા મારે જમવું નથી  અને ભાણે  થી ઉભા થઇ ગયા..કાકી માંડયા રડવા એવામાં હું અને મમ્મી ત્યાં પોહ્ચ્યા મમ્મી કહે કેમ રડો છો પણ માસી  જવાબ ન આપે અને સાડલાના છેડા થી આસું   અને નાક લુછે રાખે…..

મેં મમ્મી ને કહ્યું મને લાગે છે કાકા એ માસીને માર્યું અને મમ્મી બોલી “ના હોય”। ….આવડા મોટા। ..તું  પણ… મૂંગી રહે….

ફરી મ્મીએ પુછ્યું શું થયું કહો તો ખરા….  ફરી માસી રડે અને  સાડલાના છેડાથી નાકના શેડા લુછે।…

મમ્મી કહે  જ જઈ ને  કાકાને બોલવ।… પણ કાકા પણ ગુસ્સામાં આવવા તૈયાર ન થાય   ..એટલે છેવટે મમ્મી જ કાકાને બોલવા ગઈ..     

,ભાઈ ચાલો ઘરે ગુસ્સો થુકી નાખો। ..કાકા કહે હું,,  હું મારી પત્નીથી પરેશાન થઈ ગયો છું..પચાસ વર્ષથી મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી બધી વાતમાં  “ના હોય” મારે એને કેવી રીતે સમજાવી કે ભાઈ આમ..મ.. જ હોય .. તમને  બેન શું કહું ઘરના છો તો સાંભળો। …અમારા લગ્નની રાતે મેં તમારા માસીને કહ્યું તું ખુબ સુંદર છે તો કહે “ના હોય”। ..અરીસો લાવી એનું મોઢું દેખાળ્યું  તો  શરમાણી। … ગયા વેલેન્ટાઈન માં મેં એને કહ્યું કે આઈ લવ  યુ તો કહે છે “ નાં હોય” મારે એનું કરવું શું ?બેન થોડા વર્ષ પહેલા।.. હું અમારી 25મી દસમી લગ્નતિથિએ કાશ્મીરની ટીકીટ લાવ્યો તો મને કહે “ના  હોય” અંતે  મારે કહેવું પડ્યું કે હું બીજી સાથે જાવું છુ ત્યારે માની …મારી એકપણ વાતમાં સહમત નથી થતી….હવે હું કંટાળ્યો  છુ…  આ બે દિવસ પહેલાની જ વાત છે। ..

રસ્તે ચાલતા એક આંધળો ભિખારી મળ્યો મેં કહ્યું તારી પાસે છુટા હોય તો આપ… બીચાળો  આંધળો છે, તો કહે   “ના હોય” ત્યાં તો ભિખારી બોલ્યો આ જુવાનીયા ની વાત સાંભળો બેન થોડા પૈસા આંધળા ને આલો। .. .એટલે એને ખાતરી થઇ કે આ નક્કી આ આંધળો છે ત્યારે પૈસા આપ્યા। …

અરે એકવાર તો હદ થઇ ગઈ મારો જન્મદિવસ હતો મેં કહ્યું ચાલ આજ કેક ખાઈએ  તો કહે  “ના હોય” .મેં કહ્યું હા આજે મારો જન્મદિવસ છે તો ફરી કહે “ના ..હોય”….  

અને તે દહાડે પણ હું ખીજાણો …

એક તો મારો જન્મદિવસ ભૂલી ગઈ અને કહું છુ  તો પાછી માનતી પણ નથી

અને કહ્યું। .તો શું મારું જન્મ નું સર્ટીફિકેટ દેખાળું તો જ માનીશ…..

હવે તમે જ કહો  મારે આનું શું કરવું ?

મમ્મી એ કાકા નો પક્ષ લેતા કહ્યું …વાત  આપની બરાબર છે.

પણ…. આમ ભાણે થી તમારે ન ઉઠવું જોઈએ…ભાઈ જમવા પર ગુસ્સો ન કરવો.  

પણ બેન હું મુંગો  મુંગો જમતો હતો.  

અણે જ  મને પુછ્યું  કે કેવી છે રસોઈ ?

મેં કહ્યું શાકમાં મીઠું વધારે છે તો કહે  “નાં હોય”

મેં કહ્યું શાક માં મીઠું વધારે છે!

તો કહે “ના હોય” ! ..

મેં કહ્યું તું જ ચાખી જો

અને ચાખ્યા પછી પણ માનવા તૈયાર નથી પોતે જ થુકીને કહે છે “ના હોય” ..

બેન પછી તો મારો પિત્તો ગયો। ..એટલે હું જમવાનું છોડી નીકળી ગયો। ..

બસ બહુ થયું  હવે હું એની સાથે નહિ રહું। ..

મમ્મી કહે એમ નાં હોય ભાઈ ચાલો ઘરે… બીચાળા  ક્યારના ખાધા વગર હિબકે ચડ્યા છે ચાલો ઘરે…  બીજું શાક  બનાવી દવું  અને માનમાન કાકાને સમજાવી ઘરે લાવ્યા ત્યાં તો માસી એ બીજું શાક બનાવ્યું।.

કાકા બોલ્યા પહેલા માની લીધું હોત તો ? આવા ધજાગરા ન થતે ને.. ..

માસી કહે  મેં ક્યાં ના પાડી ?

કાકા કહે તો શું હું મુરખો છુ

અને માસી તુંરત બોલ્યા ના હોય.. ..

જોયું !કોઈ વાતમાં સહમત નહિ થાય..

એટલે માસી કહે સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.

કાકા તાડૂક્યા આખી જિંદગી મારી સાથે સહમત  ન થઇ..  

અને જોયું કેવી છે? .. મને મુરખો કહેવા સહમત થઇ ગઈ । …

મમ્મી એ માનમાન  કાકા ને શાંત કર્યા। ..બધા શાંત પડ્યા એટલે મમ્મીએ માસીને સમજાવતા કહ્યું

તમને પણ શાક  ખારું  લાગ્યુંને ?તો માસી નીચુ મો રાખી હા પાડી।..  

તો ક્યારના “ના હોય” “ના હોય” કેમ કરો છો ?

અને તમે કેમ માનવા તૈયાર ન થયા ?…  .

માસી પોતાનો કક્કો સાચો કરતા બોલ્યા ના મીઠું વધારે નથી .આ ..તો શાક થોડું ઓછુ છે.  

“ના હોય” અને અમે બધા એક સાથે બોલ્યા અને બધા ખળખળાત હસતા હતા..

એવામાં માસીના ત્રીજા બેન આવી ચડ્યા અને બોલ્યા “શું વાત છે”

 

મિત્રો “શું વાત છે” માસીની વાત બીજા પ્રકરણમાં

 

પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા

 

  

અહેવાલ -શુભેચ્છા સહ -10/31/2014​

“ઇન્ડિયા કોમ્યુનીટી  સેન્ટર કેલીફોર્નીયા ખાતે  મળેલી ગુજરાતી “બેઠક” શુભેચ્છા થી વરસાદ સાથે  છલકાણી..દિલની અંદર શુભેચ્છાના ભાવો જાગૃત થયા​,​વિચારો શુભેચ્છા બની શબ્દ્સ્વરૂપે ઝરમર વરસાદમાં ટપક્યા અને “બેઠક” લીલીછમ થઇ.  

 Presentation1
 (​ફોટો- રઘુભાઈ શાહ,-અહેવાલ -પ્રજ્ઞા દાદભાવાળા)

 તારીખ 31મી ઓક્ટોબર ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર મિલ્પીટાસ ખાતે મળેલી “બેઠક”માં “શુભેચ્છા” વિષય જાણે સંવેદના જગાડી.બેઠકની શરૂઆત સરસ્વતી વંદના કુંતાબેને ગાઈ​ને ​કરી, જયશ્રીબેન મર્ચન્ટ નો કાર અકસ્માત થયો હોવા છતાં એમણે ફોન પર વાત કરી બધાને અભિનંદન પ્રેક્ષકોને આપ્યા તો બધાએ   તેમની તબિયત માટે સ્વાસ્થય સારું રહે તેવી શુભેચ્છા પાઠવી.  દિનેશભાઈ શાહએ  ફ્લોરીડા થી બેઠકના દરેક સર્જકોને વધાવ્યા, તો કવિ કૃષ્ણ દવે એ પણ ફોન પર બધાને શુભેચ્છા આપી સાથે એમની જ કવિતાની બે પંક્તિ ઓ સંભળાવી ને પ્રેક્ષકોને ખુશ કરી દીધા..પ્રજ્ઞાબેને “બેઠકે  માં ભાષા પ્રેમીઓએ લેખક, વાંચક, પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો એક નૂતન સંનિષ્ઠ પ્રયત્ન  લોકોને ગુજરાતી ભાષાના પ્રેમ થકી કર્યો છે. પણ આજે ભાષા અને શબ્દો કરતા દરેક વ્યક્તિની અંદરની સંવેદનાએ બધાને વરસાદની મોસમમાં ભીજવી દીધા વધારમાં પૂરું બેઠકના ખાસ મહેમાન અરવિંદભાઈ દેસાઈ જે ભારત થી આવ્યા હતા તેમણે એક સુંદર વાત કહી કે મારી દીકરી જાગૃતિ અહી મારાથી ઘણી દુર છે પણ બેઠકમાં આવતી  દરેક વ્યક્તિ માબાપની જેમ મારી દીકરીને શુભેચ્છા આપીને આગળ વધવાનું બળ આપો છો તે માટે મારી પાસે શબ્દો નથી , “શુભેચ્છા સહ” વિષય પર આજે  બેઠકના દરેક વ્યક્તિ કૈક બોલ્યા,  બેઠકમાં એક પછી એક રજૂઆત ખુબજ હૃદય સ્પર્શી રહી કોઈએ સ્વાનુભવ તો કોઈએ દ્રષ્ટાંત આપી શુભેચ્છા આપી.આમ માત્ર વિષય ન રહેતા લાગણીઓ જાણે વરસાદની જેમ વરસી ઉષાબેને આંશુથી શુભેચ્છા આપી .સૌથી મોટી વાત બધાએ રજૂઆત પોતાની માતૃભાષામાં કરી..આમ હૃદય માંથી સ્ફુરેલા શબ્દો થકી સૌએ શુભેચ્છા વિષય પર બોલી એક બીજાને શુભેચ્છા આપી….કલ્પનાબેને અંતમાં એક સુંદર વાત કહી કે”શુભેચ્છા સહ” કોઇ વાણી, વિચાર કે વસ્તુની આપ-લે થાય તો તમારૂં હ્રદય લીલુંછમ બની જાય છે.  શુભેચ્છાનાં વરસાદમાં છત્રી ના જોઇએ. તેમાં પલળવાનું, ભીંજાવાનું મન થાય. તો ચાલો, આપણે સૌ એકબીજા માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવતા રહીએ . . રાજેશભાઈ એ એક ફૂલ​ના ​ગુચ્છા નું ​દ્રષ્ટાંત આપીસુંદર વાત કરીકે કોઈ શુભેચ્છા આપે છે ત્યારે તે પ્રેરણાનું બળ બને છે.પ્રજ્ઞાબેને કહ્યું..જાગૃતિ કોઈ વિષય પર બોલતી નથી પણ બેઠકનું બળ છે.એજ શુભેચ્છા ભર્યો ફૂલનો ગુચ્છો જાણે ..  જાગૃતિની પાવભાજી અને પ્રજ્ઞાબેન ની ફાડા લાપસી સાથે દર્શનાબેન ના  ફળ થી લોકોએ દિવાળી અન્નકોટ જેટલો આનંદ મેળવ્યો અંતમાં એક સુંદર શ્લોકથી બેઠકની પુર્ણાહુતી  કરી..

સર્વે ભવન્તુ સુખીન:, સર્વે સન્તુ નિરામયા:

        સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ્‍ દુ:ખમાપ્નુયાત્।      

( food sponsor by Jagruti)

વરિષ્ઠ નાગરિકનું સુખ-તે જાતે નર્યા-(2)-પ્રજ્ઞા દાદભાવાળા

pragna

કોઈને ફોન કરો છો ત્યારે પહેલું વાક્ય શું બોલો છો ? કે, કેમ છો ?મજામાં છો ને? તબિયત સારી છે ને ? એ વાક્ય અચૂક બોલાય અને બોલવું જોઈએ, કેમ ? આ એક જાતની કોઈ વ્યક્તિને શુભેચ્છા છે !માણસ બીમાર ન પડે, નરવો રહે તે પહેલું સુખ છે. શરીરનું નીરોગીપણું માણસ માટે મોટામાં મોટું સુખ છે.ઘણીવાર આરોગ્ય, દૈનિક જવાબદારી અને વ્યવસ્થા માટે પાછલી બેઠક લઈ લે છે , પરિવારો , કારકિર્દી અને અઢળક ધન હોય છતાં માણસ ભોગવી શકતો નથી.લીલીછમ વાડીનો અહેસાસ આપણને થવો જોઇએ એ થતો નથી ,તંદુરસ્તી વગર માણસભરપૂર જીવન જીવતો જ નથી.એક સક્ષમ જીવન જીવવા માટે તંદુરસ્ત જીવનશૈલી જરૂરી છે. માટે નીરોગી રહેવાના ઉપાય શોધવા જ રહ્યા।..એક વાત નક્કી છે કે શરીર ઘોડા જેવું હોય તો જીવનમાં બધું સારું અને વ્હાલું લાગે છે  ..આખી જિંદગી જે સુખ માટે દોડ્યા તે શરીરને લીધે માણી ન શકીએ તો શું થાય ? તો ચાલો જોઈએ દાદીમાનું વૈદું શું કહે છે , જે વાત સમજાવતાં જીભના કુચા વળી જાય તે વાતને થોડાં શબ્દોમાં વધુ સચોટ રીતે ગળે ઉતારવાનું કામ કહેવતો અને રૂઢિ પ્રયોગ કરી શકે…છે। ખુબ જાણીતા જોડકણા શરીર માટે અમુલ્ય વાતો કહે છે સ્વાસ્થ્યની ચર્ચા થાય ત્યારે ‘પહેલું સુખ તે જાતે નર્યા’ બોલો છો ને ? બસ એના જ જેવા અનેક જોડકણા જે તમે ગાઈ ને દીકરા દીકરીને મોટા કર્યા  છે હવે એજ જોડકણા આપણે આપણા જ માટે ગાઈએ .

 

‘પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘરે દીકરા,

ત્રીજું સુખ કુળવંતી નાર, ચોથું સુખ તે કોઠીએ જાર.’

-આંખે છાલક દાંતે લૂણ,પેટ ન ભરીએ ચારે ખૂણ.

-ખાંડ, મીઠું, સોડા ને મેંદો સફેદ ઝેર કેવાય,

નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી લેવાય.

-‘ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય,

દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય.’  

-મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના

-નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી લેવાય.’ઢી મેલ.’

-ફણગાયેલાં કઠોળ જે ખાય,

લાંબો, પહોળો, તગડો થાય.’

-‘ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,

-બાફેલા ચણાને ગોળ ખાય તે ઘોડા જેવો થાય.’

-‘દૂધ, સાકર ને એલચી, વરિયાળી ને દ્રાક્ષ

ગાનારાઓ ખાય તો તેનો ખૂલે રાગ.’

-‘ઉનાળે કેરી ને આમળાં ભલાં, શિયાળે સૂંઠ ને તેલ ભલાં,

ચોમાસે અજમો-લસણ ભલાં, ત્રિફળા બારે માસ ભલાં.’

-‘મધ ને આદું મેળવી ચાટે પરમ ચતુર,

શ્વાસ શરદી સળેખમની વેદના ભાગે દૂર.’

-‘લીબું કહે હું ગોળગોળ, રસ છે મારો ખાટો,

મારું સેવન જો કરો તો પિત્તને મારો લાતો.’

-રાત્રે  વહેલા  જે  સૂવે,  વહેલા  ઊઠે વીર,

બળ, બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.

આંખે ત્રિફલા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ.

– જમીને ડાબે પડખે સૂવે, તેની નાડ વૈદ્ય ના જુએ.

– તનને પાજો ગાવડીના દૂધ, મનને પાજો માવડીના દૂધ.

– જેવું ખાય અન્ન, તેવું થાય મન;  જેવું પીએ પાણી, તેવી થાય વાણી.

– હવા અજવાળા વિનાનું ઘર,  તે   રોગ   ઉછેરવાનું   દર.

– તાજું ખાય, વખતસર સૂએ તેનો   રોગ   સીમાડે   રુએ.

– જેને ઘેર તુલસી ને ગાય, તેને  ઘેર  વૈદ્ય  ન  જાય.

દરદ આવે ઘોડા વેગે, ને  જાય  કીડી  વેગે.

– રોગ અને દુશ્મન ઊગતા જ ડામવા.

– પેટ સફા, દરદ દફા.

– ઝાઝો સ્વાદ તે રોગનું મૂળ.

– જે  બહુ  ગળ્યું  ખાય, તે નિત્ય વૈદ્ય ઘર જાય

-.અન્ન અને દાંતને વેર

-અન્ન તેવો ઓડકાર

-અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?

– એક  જ  રસ  જે  નિત  ખાય, તે  માનવ  નિત  દરદી થાય.

  સઘળા રસ જે નિત નિત ખાય, તે  માનવ  ના  દરદી  થાય.

– ગળ્યું એ ગળ્યું, બાકી બધું બળ્યું.

 આપણું પરંપરાગત જ્ઞાન આવી કહેવતોમાં સચવાયું છે. સદીઓથી ઊતરી આવેલાં આ નીવડેલા ડહાપણે બાજુએ હડસેલીને આપણે આપણી સુખાકારીને-સ્વાસ્થ્યને જાકારો આપી રહ્યા છીએ. આજે તમારો દીકરો ને વહુ કહેતા હશે સાકર ઓછી ખાવ ,ફણગાવેલા મગ ખુબ સારા ,sprouts is Good for health.. માણસની તાસીરની પરખ અને વિકાસ તેના આહાર વિહારથી થાય છે.કહે છે જેવા અન્ન તેવા ઓડકાર।.ફ્રાન્સના લોકો  સોડિયમ-શર્કરા કે ટ્રાન્સફેટ યુક્ત પ્રક્રિયા કરેલો આહાર નથી લેતાં.એક પ્રકારનો ખોરાક લેવાં કરતાં નિયમિત રીતે જુદી જુદી  જાતની ખાદ્ય સામગ્રી તમને સંતોષનો અનુભવ કરાવે છે. ફ્રાન્સના લોકોેએ સ્વસ્થ અને પાતળા રહેવા આ રીત અજમાવી છે.સ્વસ્થ રહેવા માગતા હો તો આ પ્રયોગ કરી જુઓ.જ્યાં સુધી વ્યક્તિ પોતેપોતાની તબિયત વિશે જાતે ધ્યાન ન આપે ત્યાં સુધી બધી દવાઓ નકામી એ પછી ભલેને આયુર્વેદ હોય કે હોમિયોપેથી.અહીં મુદ્દો એક જ છે કે જરૃર પડે તો, દવા લો, ઉપચાર કરો, પણ મનની સોયમાં તબિયતનો દોરો જ સતત પરોવેલો ન રાખો- એવી રીતે ન પરોવી રાખો કે રોજેરોજની જિંદગીનું કંઈ ભરતગૂંથણ તમે કરી જ ન શકો! ઉપચાર કરો, પણ તબિયતની ચિંતા છોડો! છેવટે ઉત્તમમાં ઉત્તમ ઔષધિ માત્ર દારૃગોળો- મન છે, લડવાનું તો તમારે જ છે! રોગના ગમે તેવા મોટા શત્રુને હરાવવાનું કામ તમારે જ કરવાનું છે…

બસ ત્યારે આજ થી નિર્ણય કરો કે હું  સારા સ્વાસ્થ્ય,  સારા  વિચારો અને કાર્યો દ્વારા મારી જાતે જ પ્રોત્સાહિત થતો રહીશ.હું ‘પહેલું સુખ તે જાતે નર્યા’ તે સુવાક્યને જાતે સાર્થક કરીશ.

(ગુગલ મંથન )- પ્રજ્ઞાજી

“ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર”-પ્રજ્ઞા દાદભાવાળા

pragna

“ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર”

ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર .

જીવ થકી શીવમાં સમાઇ  જવું

જીવ માંથી  શીવ તો, માનવી ઇચ્છાએ થાય છે.

એજ એક સનાતન સત્ય

  સમજપૂર્વકનું, ભાવસહિત,

સર્વસમર્પણ..એજ  સ્વિકાર

જીવન કેવું સુંદર બને

જયારે ચૈતન્ય નો સ્વીકાર થાય

જ્યારે તમે પ્રભુને સર્વત્ર જુઓ,

ચૈતન્ય સાથે સંવાદ સાધાતા

તે આવે….

તમારી સાથે વાત કરે। ..

તમને માર્ગદર્શન આપે, ત્યારે

દિવ્ય પ્રેમનો પ્રણય શરૂ થાય છે .

જે શાશ્વત મુક્તિ નો માર્ગ બને છે   

અનંત આનંદ ની અનુભૂતિ વર્તાય છે  

 નથી નકારાત્મકતા ,

અને હકારાત્મકતા પણ નથી .

બન્ને પરિબળોને સમાન મૂકી દે છે.

ફૂલની સુગંધને માણતા

કાંટા ના વાગવામાં પણ

મન પ્રભુને અનુભવે છે   

મારા આ કાન

હવે માત્ર તમને સાંભળે છે

મારી આંખો  

તમને જ જોવે  છે.

આ સ્પર્શમાં પ્રભુ

માત્ર આપનો અનુભવ છે.

મારો સ્વીકાર

દિવ્યતમ તત્ત્વનો સ્વીકાર  

આત્માના સ્વભાવને હવે જાણે છે.

અને ભ્રમની ભૂમિકા સ્વચ્છ થાય છે.

કે મારું આસ્તિત્વ દેહ આધારિત નથી.

આત્મા એજ પરમાત્મા છે.

ભ્રમણા ભાંગે છે.

હવે  અહંમ રહેતો નથી.

એને રાગ કે દ્વેષ સતાવતા નથી.

મારી પોતાની ઈચ્છા જેવું કાંઈ રહેતું જ નથી.

વાસ્તવિકતા ને

વિવિધતાને સ્વીકારી લેવાથી

મારા સંકલ્પ વિકલ્પો શાંત થઈ જાય છે.

એજ

અનુભૂતિએ  

હવે હું ક્યારેક મીરાં

તો ક્યારેક નરસિંહ બનુ છું

હવે ક્યારેક ભરવાડણ બની

હું સાદ પાડું છું,

સામન્ય  સભાનતામાં

જાણે હું અભાન છું.

મારો જીવનરથ હવે અર્જુન ની જેમ

દિવ્ય શક્તિ થી જ ચાલે છે.  

નરસિંહ ની જેમ મારી

લાજ રાખવા

પ્રભુ આવે છે.

હવે પહેલાની જેમ હું ભયભીત નથી.

હું હવે સંતોષી, નિસ્પૃહી,બનું છું.

હતાશ, નથી,

પરાધીન નથી,

સંદેહ નથી,

સહજતા મને નિર્ભય બનાવે છે.

‘સ્વરૂપ’ શબ્દનો અર્થ બદલાયો છે.

સ્વ..રૂપ! એ બધું ‘સ્વ’નું જ ‘રૂપ’ છે!

સ્વમાં રાચી.. સ્વગુણો પ્રગટ થતા

પૂર્ણ સભાનતાથી

પૂર્ણ એકરૂપતા…

મન, શરીર, આત્મા,

ચૈતન્ય.. સમરૂપ…

આત્માના સ્વબળે સંપૂર્ણપણે

ખીલેલું જીવન..

અનુભવે  છે.

”અહમ્‌ બ્રહ્માસ્મિ.”

માત્ર આચરણ..નથી.

સમજપૂર્વકનું, ભાવસહિત,સહજ સ્વીકાર છે.

હા “ચૈતન્ય સ્વરૂપનો પૂર્ણ પણે સ્વિકાર”

 

-પ્રજ્ઞાજી -પ્રજ્ઞા દાદભાવાળા-

વરિષ્ઠ નાગરિકનુ સુખ- હકારાત્મક અભિગમ(૭) પ્રજ્ઞા દાદભાવાલા

happyseniorseeveeaarFlickr-300x228

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને વૃદ્ધ થવું પસંદ નથી તેમ વૃદ્ધાવસ્થા કે નિવૃત્તિકાળ પણ પસંદ નથી. આ આવી પડેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .જયારે હકારાત્મકતા એ માનવીના પોતાનો અભિગમ છે જેમ સુખ અને દુઃખ  માનવીની માનસિકતા પર આધાર રાખે છે.તેમ .હકારત્મક વિચારો અને નકારત્મક વિચારો એ આપણી મનની સ્થિતિ પર જ નિર્ભર છે..શું આપણે રોજના જીવનની સામાન્ય ..તુચ્છતાઓથી પર  રહી શકીએ છીએ? અનેક તુચ્છ મહત્વાકાંક્ષાઓનાં બંધનથી બાંધેલો મનુષ્ય સુખ અને આનંદ પામી જ કેવી રીતે શકે ?…હકારાત્મક અભિગમ કોઈ પણ વયને  લાગુ પડે છે  કારણ કોઈ પણ અવસ્થામાં કેવો અભિગમ રાખવો એ માનવીનો પોતાનો વિચાર માંગતો પ્રશ્ન છે….

ઉંમર  સાથે માનવીની શરીરની જેમ અનેક શક્તિઓ ધીમી પડે છે જેને કસરત યોગ અને ધ્યાન  દ્વારા કેળવી શકાય છે અને કેળવો છો ને ? તો હકારત્મક અભિગમ બીજી અનેક નબળી શક્તિને સતેજ કરે છે..એ ભૂલવું ન જોઈએ .મનની મોટાઈ છે માનવી માટે આનંદની સહેલી કડી…ઉમર સાથે આભિગમ માનવીને સુખના ઓડકાર ખવડાવે છે  હકારત્મકને કદાપિ સાંકડાં-રાંકડાં હૃદયોમાં વસવાનું ફાવે જ નહીં. સંસારમાં આનંદો જાતજાતના છે, અસંખ્ય છે, પરંતુ એમાં અન્યને આનંદ આપવાના આનંદ જેવો બીજો આનંદ એક પણ નથી. પરિવારના ચહેરા પર ક્ષણભર ચમકી જતો આનંદ જોઈ, જીવનની સાર્થકતાનો આનંદ અનુભવવાની ટેવ એટલે જ હકારત્મક અભિગમ।…ક્યારેક પૃથક્કરણાત્મક નિરીક્ષણ કરી જોજો।…શું નકારત્મકતા તમારા જીવનને પોષણ આપી શકે તેમ છે ? જે સુખને પામવા આખી જિંદગી દોડ્યા અને અંતમાં નકારત્મક વિચારો કે અપેક્ષા દ્વારા જીવનને વેડફી નાખવાનું?..

હકારત્મક અભિગમ ને સ્વસ્થ અભિગમ કહેવાનું પસંદ કરીશ।..મન અને તન બંને સારા રહેશે ..તુચ્છતાની વ્યાખ્યાને ત્યજી, ઉદારતાની વ્યાખ્યા।..એજ..તો..હકારત્મક..અભિગમ।..હળવાફૂલ બનીને વિહરીવું એટલે હકારત્મક અભિગમ।.લીલુંછમ જીવવાની કેવી મજા છે એતો જે જાણે એજ માણે। …નાની નાની ઇચ્છાઓ અને તેની તુચ્છ પ્રાપ્તિઓના થરના થર ને હટાવી નિરંતર વિસ્તારતા રહીએ તો ખોટું શું છે. પ્રસરવાનો  જે આનંદ છે તે સંકુચિતતા માં ક્યાંથી હોય! માનવી પોતાની સમય મર્યાદાને ભૂલી જાય છે. અને જે જીવનનો અર્થ જ નથી સમજ્યા, ત્યાં જીવનનો આનંદ તો પામી શકવાના જ શી રીતે ? .

લોભથી લોલુપતા દાખવતા, ક્રોધથી ફાટફાટ થતા, અહંભાવથી ફુલાતા-ફરતા, જિંદગીના અંતિમ તબક્કે પણ પોતાની તુચ્છ સ્થૂળ પ્રાપ્તિને જળોની જેમ વળગ્યા કરતા, અજ્ઞાનમાં ડૂબેલા, તુચ્છતાપીડિત  વડીલ જનોને જોઉં છું અને મારી જેમ તમને પણ પ્રશ્ન થતો જ હશે કે  ‘આ લોકો સાથે શું બાંધી જવાના ?’  બસ આજ નકારાત્મકતા વરિષ્ઠ નાગરિકનું સુખ,…  અરે  કોઈનું પણ સુખ છીનવી  લે છે…નકારાત્મક વિચારો ને તમારા પર પ્રભુત્વ ન જમાવવા દો… માનવજાતની આ જ તો મોટી કરુણતા છે કે, તેનું ચિત્ત નિરંતર જીવનની સાવ સામાન્યમા પણ  સામાન્ય, નગણ્ય ઘટનાઓના મિથ્યા મોહમાં અને અહમમાં રમમાણ રહે છે

વડીલો ઘરના માળી છે પણ માલિકીનો ભાવ ઘરનાને સમાજને અકળાવે છે તો  માલિકીભાવના શા માટે ?’જ્ઞાન કરતાં પણ દષ્ટિ મહત્વની હોય છે એ વાત અહી યાદ રાખવાની છે હકરાત્મકતા એ દ્રષ્ટી છે… ઘણા ને પ્રશ્ન થાય છે કે શું હું હકારત્મક નથી ? તો તમારી જાતને પ્રશ્ન પૂછજો કે હું માનવીનો માનવી તરીકે સ્વીકાર કરું છું  કે માલિકીનો અધિકાર છે ?દીકરા પર અધિકાર જમાવતું મન કયાંથી આનંદ પામે ? સામેની વ્યક્તિને સહી  લેવાની ભાવના માણસને આપો.. જે સ્વીકાર કરાવે છે.ઘણા વડીલો આ વૃધ્ધાવસ્થા નો સ્વીકાર કરતા નથી. મન પરિવર્તન ને સ્વિકારતો નથી…..નકારાત્મકતા આપણામાં  નથી પણ આપણા  અભિગમમાં છે। ..

હકારાત્મકત વ્યક્તિ પોતાની મહત્ત્વાકાંક્ષા પર કાબુ રાખે છે….. જીવનના ઉત્તરાર્ધમાં જ્યારે જીવનના સંબંધને નવો આયામ આપવાનો હોય છે… હવે ખોવાયેલાંને ફરી ખોળવાના હોય છે – ફરીથી પામવાના હોય છે… ફરીથી એકત્વ સાધવાનું હોય છે.ત્યાં એકલા જીવતા વડીલોને ઘરથી વિખુટા પડતા જોઈએ તો નકારાત્મકતા દેખીતી નજરે પડે છે સંતાનો અને તેમનાં સંતાનો-પૌત્ર-પૌત્રીઓ સાથે હળવા-મળવાનો આ આનંદભર્યો સમય છે.ત્યારે  મંદિરના ઓટલે આંસુ સારતા  દાદીને જોઇને દુઃખ  થાય છે ને ?..પોતાનો શોખ-રુચિ કેળવવાનો હવે વખત છે અને ધીમે ધીમે કુટુંબનાં સંકુચિત વર્તુળમાંથી થોડા બહાર નીકળી સમાજ અભિમુખી થવાનું હોય છે.ત્યારે ઘરમાં ગોંધાય ને મુંજાતા વડીલો કેમ દેખાય છે ? આવા અવરોધ શેના ?અને તેના માટે જવાબદાર કોણ ?..આ માત્ર તમારો મારો કે કોઈ એક વ્યક્તિનો પ્રશ્ન નથી  સમગ્ર સમાજ આનો ઉકેલ માંગે છે .

સમગ્ર સમાજને નિર્દેશન છે કે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને તેના વિચારોને સમજનારાઓની, પરિવાર અને મિત્રોના પ્રેમની, વાસ્તવમાં તેમને ખાસ તો જરૂર છે માનવીય હૂંફની.તેમના શબ્દો પર ભરોસો રાખનારાઓની જરૂરત છે. જો વૃદ્ધો નિવૃત્તોને આવી મદદ મળતી રહે તો વૃદ્ધો નિવૃત્તો અનેક નવા આવકાર્ય કાર્યો કરી શકે. આપણે તો મરતા સુધી વિકસી શકીએ છીએ. તેવી જ રીતે  હકારત્મક અભિગમ કેળવવો અઘરો નથી.વૃદ્ધોએ જાતને જાણવા પ્રયત્નશીલ થવું જ રહ્યું..આશાસ્પદ વિચારો વૃદ્ધાવસ્થામાં નવું બળ પ્રેરે છે..

નકારત્મક વિચારોને ઠેલી અને હકારત્મક વિચારો લાવવા એ મનુષ્યના પોતાના હાથમાં છે ને ?…..વૃદ્ધાવસ્થા એ ચેતનાના બદલાતા સ્તરની અવસ્થા છે..ઘણા વૃદ્ધાવસ્થાની ચેતના ને ધસાઈ ગયેલી, ચીમળાઈ- કરમાઈ ગયેલી, ધરેડે ચઢી ગયેલી બનવાજ નથી દેતા . કારણ તેઓ જાણે છે કે વૃદ્ધાવસ્થાની ચેતના અનુભવસમૃદ્ધ ચેતના છે. જે બીજાને પ્રેરણા આપી આગળ વધવામાં મદદ કરી  શકે તેટલી તાકાતવાન છે। ..જે ચેતના બીજાને સમૃદ્ધ ન કરે તો તેનો શું ઉપયોગ ? આપની  કાર્ય શીલતા બીજાને ઉપયોગી થાય તો તેના જેવું શું જોઈએ ?.ઉકલેલા વિચાર, સ્પષ્ટ દૃષ્ટિકોણ તથા જવાબદારી સમજવાની અને નિભાવવાની ૫રિ૫કવતા એ જ તો વરિષ્ઠ નાગરિકનો વિકાસ છે ,જે વિકસે તે વૃદ્ધ અને એની એજ ઘરેડમાં ઘસાય તે ઘરડા। ..

અંતિમ સમયે સંતોષના ઓડકાર ખાવા છે ને ? તો જાતને જાણવા પ્રયત્નશીલ થવું રહ્યું. સ્વાર્થવૃત્તિ છોડવી  જ રહી . નિંદા ટીકાથી વ્યગ્ર ન બનવું.,નાની ઇચ્છાઓ,માલિકીનો ભાવ,.લોભથી લોલુપતા દાખવતા, ક્રોધથી ફાટફાટ થતા, અહંભાવથી ફુલાતા-ફરતા. સ્વભાવને બસ કેળવવો જ રહ્યો .જયાં જયાં શુભ હોય ત્યાં ત્યાં દિલથી પ્રશંસા કરીએ।…જ્યાં જ્યાં ગુણ હોય ત્યાં ત્યાં ગુણપ્રાપ્તિ ની ઝંખના।..તો બસ અહી વિચારોની થકી જીવન ની અંતિમ પળોમાં સંતોષ પ્રાપ્ત કરવાનો છે. એમાં કોઈ શક નથી… .આપણે મનુષ્ય તો મરતા સુધી વિકસી શકીએ છીએ. આપણી અંદર રહેલી અનેકવિધ સુષુપ્ત શક્તિઓને આપણે જગાડી શકીએ છીએ. પોતાની શક્તિઓને ઓળખી સુષુપ્ત શક્તિઓને જગાડી કામ કરતા રહો સતત તમે કોઈ ને કોઈ કાર્ય માં વ્યસ્ત રહો.બીજાને તમારા જ્ઞાનનો અનુભવનો લાભ આપો। ..ઘર બેઠા અનુભવસિદ્ધ લેખો લખતા ને બ્લોગ પર કે છાપામાં વરિષ્ઠ નાગરિક ને  જોયા છે ?

દરેકમાં કંઇક ને કંઇક અદભૂત શક્તિ રહેલી જ છે. તેને સર્જનાત્મક માર્ગે વાળવી અને રચનાત્મક કાર્યો કરવા તથા નવીન સર્જન કરવું, તેવી જ રીતે હકારત્મક વિચારો કરવા તેમજ દ્રઢતા પૂર્વક તેને અમલમાં મુકવા….સમય સાથે તાલ મિલાવી આધુનિક ટકનોલોજી નો ઉપયોગ કરી નવું જાણવાની અવિરત ધગસ એટલે  હકારત્મકતા (ઘણા વડીલોને કોમ્પુટર વાપરતા જોયા છે ને ?) મારે ઘરના ખૂણામાં પડેલી નકામી ચીજ બનવું નથી બસ એજ નિરાધાર એજ હકારાત્મકતા આવા તો અનેક દાખલાઓ આપણી  આસ પાસ તમને દેખાતા હશે..અમેરિકામાં  વરિષ્ઠ નાગરિકને કોમ્યુનીટી સર્વિસ કરતા ખુબ જોયા છે આજ તો આનંદ છે જે સમાજમાંથી મેળવ્યું તેને પાછુ દેવું જે આત્મસંતોષ પણ આપે છે., વહેચવું એ માંગલ્ય પ્રગટાવવાની પ્રક્રિયા છે.અન્ય ને મદદ કરી પોતાની જાતને ને લાભ મેળવો।…આપણે શુભ કર્તવ્યોની અનુમોદના કરતા રહેવાથી જાણ્યે અજાણ્યે એના સંસ્કાર બીજ આસપાસની વ્યક્તિના અંતરમાં રોપાતા હોઈએ  છીએ ……આમ હકારાત્મક વિચારોનાં તરંગો આપણી આસપાસનાં પરિસરમાં પ્રસરતાં બીજાને પણ હકારાત્મકતા બક્ષે છે. તેવી જ રીતે હકારાત્મક વ્યક્તિનો સંગ આપણને પણ હકારાત્મક બનાવે છે. બસ અંતમાં વૃધા અવસ્થાને શણગારો-અંતમાં મેઘલતા બેન મહેતાની થોડી પંક્તિ ટાંકીશ

ભૂતકાળનો પાલવ પકડી …

જે ટમટમ્યા કરે ..

તેનો વળી વિકાસ  કેવો ?…

જે ભૂતકાળ ના ભૂત ની પકડ થી છટકી ,

જે દોડ મુકે આંખ મીચી –

તેજ આગળ આવે છે …વિકાસ સાધે છે .

 

 

સહિયારું સર્જન - ગદ્ય

happyseniorseeveeaarFlickr-300x228

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિને વૃદ્ધ થવું પસંદ નથી તેમ વૃદ્ધાવસ્થા કે નિવૃત્તિકાળ પણ પસંદ નથી. આ આવી પડેલું અડવડતું ઘડપણ ,અણગમતા અતિથી જેવું ભાસે છે .જયારે હકારાત્મકતા એ માનવીના પોતાનો અભિગમ છે જેમ સુખ અને દુઃખ  માનવીની માનસિકતા પર આધાર રાખે છે.તેમ .હકારત્મક વિચારો અને નકારત્મક વિચારો એ આપણી મનની સ્થિતિ પર જ નિર્ભર છે..શું આપણે રોજના જીવનની સામાન્ય ..તુચ્છતાઓથી પર  રહી શકીએ છીએ? અનેક તુચ્છ મહત્વાકાંક્ષાઓનાં બંધનથી બાંધેલો મનુષ્ય સુખ અને આનંદ પામી જ કેવી રીતે શકે ?…હકારાત્મક અભિગમ કોઈ પણ વયને  લાગુ પડે છે  કારણ કોઈ પણ અવસ્થામાં કેવો અભિગમ રાખવો એ માનવીનો પોતાનો વિચાર માંગતો પ્રશ્ન છે….

ઉંમર  સાથે માનવીની શરીરની જેમ અનેક શક્તિઓ ધીમી પડે છે જેને કસરત યોગ અને ધ્યાન  દ્વારા કેળવી શકાય છે અને કેળવો છો ને ? તો હકારત્મક અભિગમ બીજી અનેક નબળી શક્તિને સતેજ કરે છે..એ ભૂલવું ન જોઈએ .મનની મોટાઈ છે માનવી માટે આનંદની સહેલી કડી…ઉમર સાથે આભિગમ માનવીને સુખના ઓડકાર ખવડાવે…

View original post 976 more words