દ્રષ્ટિકોણ 39: નાના આંતરડાનો રોગ અને નવી ટેક્નોલોજી – દર્શના

મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપર અને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું.  આ પહેલા આપણે એક વાર રેર ડીઝીઝ એટલે દુર્લભ અને અનોખા રોગો વિષે વાત કરેલી http://bit.ly/2IvHJtZ . આજે તેવાજ એક રોગ અને નવી ટેક્નોલોજી ઉપર થોડી વાતો શેર કરું છું. 
નાના આંતરડા નો રોગ
આ રોગ વિષે અને નવી ટેક્નોલોજી વિષે માહિતી આપતા પહેલા ચાલો આપણે જાણીએ કે આપણે ખાઈએ તે ખોરાક નું કઈ રીતે પેટ માં પાચન થાય છે. 
પાચન ક્રિયા
સામાન્ય રીતે પાચનની શરૂઆત ખોરાક મોઢામાં પંહોચે છે ત્યારે જ થાય છે. ખોરાક ને ચાવવાની સાથે, મોઢામાંનું થુંક અને લાળ ખોરાકને તોડવાનું શરૂ કરે છે. તે આગળ વધતા, અને અન્નનળીમાંથી પસાર થતાં, ખોરાક સંકોચાય છે અને તે સંકોચન ખોરાકને પેટ તરફ આગળ ધપાવે છે. પેટમાં, ખોરાક વધુ તૂટી અને પ્રવાહી અથવા પેસ્ટ ના સ્વરૂપ માં બદલે છે અને ત્યાં એસિડ્સ અને એન્ઝાય્મ (ઉત્સેચકો) સાથે ભળી જાય છે. પેટ ધીમે ધીમે તે બધું નાના આંતરડામાં ઠાલવે છે. 
નાનું આંતરડું
આ ટ્યુબ આકારનું અંગ શરીર નું સૌથી લાબું અવ્યય છે.  તે પેટ અને મોટા આંતરડા વચ્ચે સ્થિત છે. નાના આંતરડાને પાચક તંત્રના વર્કહોર્સ તરીકે ગણવામાં આવે છે. તે 20 ફૂટ લાબું અંગ છે અને તેમાં ડ્યુઓડેનમ, જેજુનમ અને ઇલિયમ નામના ત્રણ ભાગ છે.
ડ્યુઓડેનમ એ નાના આંતરડા નો  પ્રથમ ભાગ છે જ્યાં સામાન્ય રીતે આયર્ન (લોહ)  અને અન્ય મિનરલ્સ (ખનિજો) શોષાય જાય છે.
જેજુનમ એ મધ્યમ વિભાગ છે જ્યાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, અને મોટાભાગના વિટામિન્સ શોષાય છે.
ઇલિયમ એ નાના આંતરડા નો નીચલો ભાગ છે જ્યાં (પિત્ત) એસિડ્સ અને વિટામિન બી 12 શોષાય અને શરીર માં ઉતરે છે.
નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટું આંતરડું પુખ્ત વયના લોકોમાં લગભગ 5 ફુટ લાબું હોય છે અને ત્યાં પાણી અને બાકીના પોષક તત્વો નું શોષણ થાય છે. તે પછી પ્રવાહીમાંથી તે ઘન પદાર્થમાં બદલાય છે અને શરીર ને ન જોઈતી વસ્તુઓ કુદરતી રીતે બહાર નીકળી જાય છે. 
ટૂંકા આંતરડા નો રોગ 
ટૂંકા આંતરડા સિંડ્રોમ અથવા Small Intestine Syndrome (SBS) એ બહુ ખરાબ રોગ છે. નાના આંતરડા ની અપૂરતી લંબાઈ મુખ્યત્વે પોષક તત્વો નું શોષણ અને પાચન થવા દેતી નથી.  ક્યારેક રોગ અથવા ઈજા ને લીધે આંતરડું નાનું થાય છે અને ક્યારેક જન્મ થી આ રોગ લઈને બાળક જન્મે છે. 
માલએબ્સોર્પશન 
SBS વાળા લોકો ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પાણી, વિટામિન, ખનિજો, પ્રોટીન, ચરબી, કેલરી અને અન્ય પોષક તત્ત્વોને ગ્રહણ કરી શકતા નથી. આ ખુબ ગંભીર વાત છે. તેઓને વારંવાર ઝાડા થાય છે, વજનમાં ઘટાડો અને આવશ્યક વિટામિન્સ અને ખનિજોના ન મળવાથી ખુબ શરીર માં નુકશાન થાય છે. 
રોગનો વ્યાપ
અમેરિકામાં દર વર્ષે આશરે 8 હજાર નવા કેસ થાય છે. પીડિયાટ્રિક દર્દી બાળકો 3 વર્ષની વયે પહોંચે તે પહેલા મૃત્યુ પામે છે. તેમનું ટૂંકું જીવન એક બેકપેક જોડે બંધાયેલ હોય છે અને તેમાંથી એક સોય દ્વારા બાળકોની નસ માં તેમને ન્યુટ્રિશન પંહોચાડવા માં આવે છે. આ રીતે પોષક તત્વો જઠર માર્ગને બાયપાસ કરીને સીધા લોહીના પ્રવાહમાં આપવામાં આવે છે. 
એક્લીપ્સ રીજેનેસિસ સોલ્યુશન
આ પહેલા ના દુર્લભ રોગો વિષે ના આર્ટિકલ માં મેં કહેલું કે જે કંપની આવા અનોખા રોગો ઉપર કામ કરી રહી હોય તેમના રસ્તા માંથી સરકાર અને FDA બધા વિઘ્નો દૂર કરી અને તેમનો રસ્તો સાફ કરી આપવા માંગે છે. ખાસ કરીને જો બાળકોને રાહત મળે તેવી ટેક્નોલોજી હોય તો તેવી કંપની નો રસ્તો થોડો આસાન બને છે. 
 એક્લીપ્સ રિજેનેસિસ કરીને કંપનીએ એક નવું સંશોધન કર્યું છે તેમાં શરીર ની કુદરતી તાકાત નો ઉપયોગ કરેલ છે. એક નાની નિટીનોઇલ કોઇલ નાના આંતરડામાં એક નળી દ્વારા દાખલ કરવામાં આવે છે. પછી તે આઘીપાછી ન થાય તે માટે તેટલા ભાગમાં નાના આંતરડાને બહારથી સુચર્સ લગાવીને સાંકડું કરવામાં આવે છે. આ કોઇલ 2 થી 3 અઠવાડિયા સુધી ત્યાં રહેવા દેવા માં આવે છે. તે દરમ્યાન કોઇલ ને ધીમે ધીમે લાંબી કરવામાં આવે છે. આ સમજવા માટે તમને એક ઉદાહરણ આપું। કોઈના દાંત સીધા કરવા માટે બ્રેસિસ લગાડવામાં આવે ત્યારે તે બ્રશીસ ધીમે ધીમે, દર અઠવાડિયાની વિઝિટ માં ડોક્ટર  ટાઈટ કરતા જાય છે અને ધીમે ધીમે તે પ્રમાણે દાંત ને જોઈએ તેવી દિશામાં ફેરવે છે. 
તેજ રીતે અહીં કોઇલ ધીમે ધીમે લાંબી કરતા, સાથે સાથે આંતરડું પણ ધીમે ધીમે લાબું થતું જાય છે.  મજાની વાત એ પણ છે કે આ 2-3 અઠવાડિયા દરમ્યાન પોશાક તત્વો પણ આંતરડામાંથી નિયમિત રીતે વહેતા રહે છે. લગભગ ત્રણ અઠવાડિયા ના અંતે સુચર્સ ઓગળી જાય છે અને કોઇલ ખોરાક સાથે વહેવા માંડે છે અને કુદરતી રીતે તે શરીર માંથી નીકળી જાય છે.  અત્યાર સુધી આ ભયજનક, દયાજનક, અને વિનાશકારક રોગ નું કોઈ સારું નિવારણ જ નહોતું. આ રોગ થી પીડાતા લોકોનું નાનું જીવન પણ ક્યારેક અતિશય પીડામાં ગુજરતું। અને તેમને જીવિત રાખવાનો વાર્ષિક  ખર્ચ ત્રણ લાખ ડોલર્સ થી ઉપર આવતો હતો. અને આ કેટલું સુંદર અને સરળ સોલ્યૂશન છે. શરીર ની પેશીઓ અને સ્નાયુઓ ને ધીમે ધીમે થોડી મદદ વડે અને બાકી તેમની કુદરતી તાકાત વડે લંબાવી અને આંતરડા ને લંબાવવાના। અત્યારે આ કંપનીએ ઉંદર અને ડુક્કર ઉપર પ્રયોગો કરેલ છે અને તેમાં તેમને સફળતા મળી છે. ધીમે ધીમે લંબાયેલ આંતરડામાં બધાજ પોષણો શોષણ કરવાની તાકાત છે અને તે પાછું સંકુચિત થતું નથી. અને વારંવાર  (થોડા થોડા મહિનાના અંતરે) થોડું થોડું લંબાવીને બહુજ નાના આંતરડાને જોઈતી લંબાઈ આપી શકાય છે. 
દુર્લભ રોગો ઉપર કામ કરનારાઓને FDA ખાસ રસ્તો સાફ કરી આપે છે તેથી આ કંપની માને છે કે તુરંત નાના બાળકો ના શરીર માં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। આપણે ઇચ્છીયે કે તેમને સફળતા મળે. 
તમને વિડિઓ માં આ ટેક્નોલોજી કેવી રીતે કામ કરે છે તે જોવું હોય તો આ લિંક ઉપર ક્લિક કરશો
http://eclipseregenesis.com/#the-team  

દ્રષ્ટિકોણ 30: LGBTQ તરફ સમાજ નો પૂર્વગ્રહ – દર્શના

શનિવારે પ્રકાશિત થતી દર્ષ્ટિકોણ કોલમ ઉપર આપનું સ્વાગત। ગયા અઠવાડિયાની દ્રષ્ટિકોણ કોલમ ઉપર આપણે સસલા ના લગ્ન કરીને એક બાળવાર્તા જેમાં કાળું અને ધોળું સસલું લગ્ન કરે છે તે બાળવાર્તાએ કેવો ઉહાપોહ મચાવેલો તે વાત કરેલી http://bit.ly/2DPveFg . પણ સમાજ સ્વીકારે કે નહિ પ્રેમ ની ઉપર કોઈપણ બંધન ચાલતું નથી. બે દિવસ પહેલા જિગીષાબેને એક સરસ વાર્તા રજુ કરેલી અને તેમનો સારાંશ તેમણે આ પ્રમાણે વ્યક્ત કર્યો હતો – “વ્યક્તિનું ગે કે લેસ્બીયન હોવું તેને જન્મ સાથે કુદરતે આપેલ વૃત્તિ છે તેમાં તેનો કોઈ વાંક નથી.જેમ એક પુરુષનું સ્ત્રી સાથે આકર્ષણ સહજ છે તેવું જ ગે લોકો માટે પુરુષ નું પુરુષ સાથે આકર્ષણ  સહજ છે” આ કુદરતી વૃત્તિ હોય તો પણ સમાજ ને તે ઘણી વાર મંજુર નથી હોતી. આજે તેના વિષે થોડી વાત કરીએ। આવતે અઠવાડિયે વેલેન્ટાઈન્સ દિવસ છે જયારે લોકો પ્રેમ ની નાજુક લાગણીઓને વધાવે છે અને છૂટ થી પોતાના પ્રેમી તરફ પ્રેમ વ્યક્ત કરવામાં આનંદ લ્યે છે. આશા રાખીએ કે LGBTQ લોકો પણ પોતાના પ્રેમીઓ તરફ કોઈના પૂર્વગ્રહ વગર પોતાની લાગણીઓ દર્શાવી શકે.
એક સત્ય ઘટના છે. એલિસન બેચડેલ નામની ચાલાક છોકરી એક સરસ કુટુંબ માં તેની મમ્મી પપ્પા અને બે ભાઈઓ જોડે ઉછરી રહી હતી. તેના ભાઈઓ સાથે છૂપાછૂપી, પકડા પકડી અને એવી જાત જાત ની રમતો રમતા તેનું બાળપણ વીતી રહ્યું હતું. તેના પપ્પા સાથે તેને ખુબ નિકટતા હતી. પરંતુ ક્યારેક તેના પપ્પા નું વર્તન વિચિત્ર બની જતું. ક્યારેક તે અચાનક ગાયબ થઇ જતા, ક્યારેક તેના વિદ્યાર્થોને ઘરે લઇ આવતા અને તેમની સાથે ખુબ સમય વિતાવતા. ક્યારેક તેની મમ્મી અને પપ્પા વચ્ચે નું અંતર અને તાણ વર્તાઈ આવતા. તેના પપ્પા ઘર ની બાબત માં એકદમ ઓબ્સેસ્સિવ કમ્પલ્સિવ પણ હતા કે ઘર ને એકદમ સાફ સુથરું રાખવાનું. ક્યારેક માતા પિતા વચ્ચે શું ગોપનીય ભેદ હોય તે વાત થી બાળકો અણજાણ હોય પણ ટેન્શન તો જણાય જ ને? એલિસન અને તેના પપ્પા વચ્ચે બીજું પણ એક ટેન્શન હતું કે એલિસન ને પેન્ટ ને શર્ટ પેરીને તેના ભાઈઓ જોડે છોકરાઓ સાથે જ રમવાની આદત હતી.  એલીસોન ને ડ્રેસીસ પેરવા ગમતા નહિ અને તેના પપ્પા તેની ઉપર ડ્રેસીસ પેરવા માટે ખુબ દબાણ કરતા અને તેને છોકરીઓ જેમ વાળ ઓળીને વાળ માં ફેન્સી ક્લિપ વગેરે નાખવા માટે દબાણ કરતા.
Image result for alison bechdel, cartoonએલિસન ના પપ્પા એક મોટો ભેદ છુપાવીને જીવી રહ્યા હતા. ઢાંકપિછોડો કરીને જિંદગી જીવવામાં માણસ ઘણું ગુમાવે છે અને સતત માનસિક દબાવ નો અનુભવ કરે છે તેની આ વાત છે. આપણને એલિસન ની જિંદગી વિષે કેમ ખબર છે? એલિસને ઘણા પુસ્તકો લખ્યા છે. તેમાં એક પુસ્તક તેની પોતાની આત્મકથા વિશેનું ચિત્ર પુસ્તક છે. તે પુસ્તક ને ઘણા પારિતોષક ઇનામો મળ્યા છે અને બ્રોડવે માં અને અહીં તે ઉપર નાટકો ભજવાઈ ચુક્યા છે.  
એલિસન મોટી થઇ અને દૂર કોલેજ માં ભણવા ગઈ. એલિસન ને ચિત્ર અને કાર્ટૂન દોરવાનો ખુબજ શોખ હતો. નવરાશના સમયે તે દોર્યા જ કરતી. એક વખત કોલેજ ની ક્લબ ની યુવતી ક્લબ ના સુચનાપત્ર માટે કોઈ ચિત્ર દોરાવવા એલિસન પાસે આવી. જોતજોતામાં બંને વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ ગઈ. ધીમે ધીમે મૈત્રીનો સબંધ પ્રેમ માં પરિણમ્યો. એલિસને દિલ માં નવા જાગતા ઉમળકાને ધરબાવી દેવાની કોશિશ કરી. પણ શરીર અને દિલ માં પ્રેમ ના પડઘા પડે તેને તેમ શમાવી શકાતા નથી. આખરે એલિસને સત્ય ને અપનાવી લીધું કે તે લેસ્બિયન હતી.
લગભગ તેજ સમયે તેના પપ્પા ના મ્રત્યુ ના સમાચાર એલિસન ને મળ્યા. એલિસન ના પપ્પા ગાડી દ્વારા એકસીડન્ટ માં મ્ર્ત્યુ પામ્યા। જયારે એલિસન ને તેમની જિંદગીની પુરી માહિતી મળી ત્યારે તેનું માનવું રહ્યું કે તેમણૅ આખરે જીવેનથી કંટાળીને આત્મહત્યા કરી. તેના પપ્પા ની જિંદગીનો એવો શું ભેદ હતો જે છુપાડીને તેઓ જીવન જીવી ગયા? એલસન ને તેના પપ્પા ગુજરી ગયા પછી ફોડ પાડતા તેની મમ્મીએ વાત કરી કે તેના પપ્પા હોમોસેક્સ્યુઅલ હતા. તેમના જમાનામાં આવી વાત બિલકુલ અપનાવવામાં આવતી નહિ. તેથી તેમણે સમાજ ના નિયમોને અનુસરીને લગ્ન કર્યા અને તેમને ત્રણ બાળકો પણ થયા. પણ તેમની શારીરિક સચ્ચાઈ બહાર નીકળવા હંમેશા મથતી રહી અને ક્યારેક કોઈ તેવા માણસો મળે તેમને જોડે તેઓ સબંધ બાંધી લેતા.
એલિસન નું માનવું છે કે  ઢાંકી ઢાંકી ને જિંદગી જીવવાથી વ્યક્તિ જીવન માં થી હર્ષ અને ઉત્સાહ ગુમાવી બેસે છે. અને હવે તો ઘણા તેવું માને છે. દાખલ તરીકે તમે ઓફિસ માં સહ કાર્યકરો જોડે કામ કરતા હો અને સોમવારે કામ ઉપર વાત નીકળે કે વિકેન્ડ દરમ્યાન શું કર્યું. કોઈ એમ ક્યે કે હું મારા હસબન્ડ જોડે ફરવા ગયેલ અને કોઈ એમ ક્યે કે આ વિકેન્ડ માં તો મારી પત્ની એ મારી પાસે બહુ કામ કરાવ્યું વગેરે. પણ હોમોસેક્સ્યુઅલ વ્યક્તિ ને ડર હોય કે લોકો તેમની જીવન પદ્ધતિ અપનાવશે નહિ તો તેમને ડરીને, તેમની વાત છુપાવીને, ખુબ સાવચેતીથી પોતાની જિંદગીની વાત કરવી પડે. બધા તેમની ડેસ્ક ઉપર કુટુંબના ફોટા રાખે પણ તે રાખી ન શકે. આમ વાતે વાતે તે વ્યક્તિને ગુપ્તતા થી જિંદગી જીવવી પડે તો ટીપે ટીપે તેની જિંદગીનો ઉત્સાહ ઘટતો જાય.
એલિસન તો નવા યુગ માં જન્મેલ છોકરી છે અને તે છૂટ થી પોતાની જિંદગી જીવી રહી છે. પણ બધીજ જગ્યાએ આજે પણ લોકો LGBTQ લાઈફ સ્ટાઇલ ને પૂર્વગ્રહ થી જોવે છે. તમારો શું ખ્યાલ છે? તમને નથી લાગતું કે જો બે વ્યક્તિ પ્રેમ થી જીવતા હોય અને કોઈને હેરાન ન કરે તો શા માટે આપણે કે સમાજે તેમના જીવનમાં દખલ કરવી? દુનિયા માં ઘણું દુષ્ટ કાર્ય લોકો કરી રહ્યા છે તેમની તરફ નજર અને ધ્યાન દોરવાની બદલે પ્રેમ કરતા માણસો સામે પૂર્વગ્રહ બાંધવાની શી જરૂર? તમારો શું મત છે?

9. દ્રષ્ટિકોણ – “શબ્દોમાં માં વસેલ શક્તિ” દર્શના

મિત્રો તમને સર્વે ને હું, દર્શના વારિયા નાડકર્ણી બેઠક ની કોલમ અને ચેનલ ઉપર આવકારું છું.
આ ચેનલ ઉપર દ્રષ્ટિકોણ વિકસાવવાની કોશિશ કરીએ છીએ.
આજ નું શીર્ષક છે “શબ્દોમાં માં વસેલ શક્તિ”
ગયા અઠવાડિયે આપણે વાત કરી તેનું શીર્ષક હતું “અર્થસભર મૌન ની તાકાત”. (તે આ લિંક ઉપર વાંચી શકશો http://bit.ly/2wWlUvj ). આજે આપણે સમયે ઉચ્ચારેલા શબ્દોની શક્તિ વિષે થોડી વાત કરીએ.
પહેલા તમને 1964 માં, ન્યુ યોર્ક માં બનેલ એક સત્ય ઘટના સંભળાવું છું. રાતનો સમય હતો અને કીટી જિનોવિસ કરીને કે જુવાન યુવતી બહાર થી ઘરે પછી ફરી રહી હતી. તે તેના ઘર સુધી પહોંચી, ત્યારે કોઈ જુવાને તેની ઉપર છરી થી હુમલો કર્યો. આ છોકરી જુસ્સાવાળી હતી અને તેણે બરોબર સામનો કર્યો અને ચીસાચીસ કરી મૂકી. એક માણસે બૂમ મારી, “તેને છોડી દે”, પેલો ભાગ્યો પણ ઇજા પામેલ યુવતી ત્યાંજ પડી ગઈ અને ચાલી નહિ શકી. પેલો યુવાન પાછો આવ્યો અને પછી લગભગ 30 મિનિટ સુધી તેની ઉપર હુમલો કરતો રહ્યો અને છેલ્લે તેણે બળાત્કાર કર્યો. પેલી યુવતી ની ચીસો ચાલુ હતી પણ અંતે તે મૃત્યુ પામી. બે દિવસ પછી છાપાવાળાઓએ પૂછપરછ કરીને ખબર છાપી કે 38 લોકોએ ચીસો સાંભળેલી પણ ન કોઈએ પોલીસ ને ફોન કર્યો કે ન કોઈ 40 મિનિટ સુધી તેની મદદે આવ્યું. ફક્ત એકજ વ્યક્તિએ મૌન તોડીને પોલીસ ને ફોન કરવાની જરૂર હતી. પણ ઘણી વખત આપણને લાગુ ન પડતું હોય તેમાં આપણે સંડોવામાં માંગતા નથી.
નીચેના માર્ટિન લુથર કિંગ ના મશહૂર વાક્ય ઉપર વિચારો। તેમણે કહેલું: સામાજિક પ્રગતિ માટે લોકોએ મૌન ને તોડવાની જરૂર છે. ખરી દુર્ઘટના સમાજ માટે તે નથી કે થોડા ખરાબ લોકો બીજા ઉપર જુલમ કરે છે પણ ખરી દુર્ઘટના એ છે જયારે મોટા ભાગના સારા લોકો દુર્ઘટના થતી જોઈને મૌન રહે છે. જેમકે ભારતમાં બહેનો ઉપર થતા અત્યચારથી ભાઈઓનું પણ લોહી ઉકળી જવું જોઈએ. 
મેં નીચેનું કાવ્ય લખ્યું હતું જયારે દિલ્હી માં નિર્ભયા યુવતી નો બળાત્કાર થયેલો. સારાંશ માં કહું તો તેના મિત્ર સાથે તે બસ માં જતી હતી ત્યારે બસ માં, ડ્રાઈવર સાથે મળેલા તેના બીજા 4 મિત્રોએ તેનો બળાત્કાર કર્યો અને ક્રૂર રીતે અંદર ઓજાર નાખી તેના આંતરડા પણ બહાર ખેંચી કાઢેલા. અને છતાંય જયારે તે મળી આવી ત્યારે બોલી ન શક્તિ હોવા છતાં તેણે પત્રો દ્વારા જણાવ્યું કે તે જીવવા માંગે છે અને જુલ્મીઓને શિક્ષા પહોંચાડવા ઈચ્છે છે.  તે સમયે અંગ્રેજી માં લખેલ મારા કાવ્યનું મેં હમણાં ગુજરાતી માં ભાવાનુવાદ કર્યો છે તે નીચે સાંભળો અથવા વાંચો. અને મૌન તોડીને વિચારો જણાવશો. 🙂
https://photos.google.com/photo/AF1QipO2rcYvqcxUFgCQx9frw7b9ko3C-vAu6AJ5bx7l
મારા ભાઈઓ મારી જોડે બોલશો?
પુરુષોની લગોલગ ઉભી રહુ હું
એમ તો મા અંબા નું સ્વરૂપ છું
મોકો મળે તો અઘરું ગણિત ગણું
દાક્તરી ને એન્જિનિરીંગ ભણું
પણ બળાત્કાર અને હિંસા સામે
માત્ર હતું મૌન મારી પાસે
છે કોઈ મા નો લાલ જે જરીકે
રહેશે ઉભો કોઈ ભાઈ તરીકે?
એક બસ ની સફર માં જયારે
ઉંધી વળી ગયી જિંદગી ત્યારે
છ જડ મનુષ્યના અત્યચાર હેઠળ
હું બેબસ ત્યારે મદદ માટે છે બળ?
હોશ આવતા મારે જીવવું છે, મેં કહ્યું
મદદ મળતા મને આશાનું કિરણ દેખાયું
એ પાપીઓને મળવી જોઈએ સજા
કોઈને આવા અત્યાચાર ની નથી રજા
આંતરડા ગુમાવ્યા છે, કરોડરજ્જુ નહિ
આત્મવિશ્વાસ ડગ્યો નથી, જરાપણ નહિ
હિમ્મત છે. હા, હું જજુમીશ
સાથ આપશો કે નહિ, હું જજુમીશ
મારા હૃદયમાં માનવભક્તિ છે
સંબંધો ને સાંકળવાની શક્તિ છે
સદીયો સુધી મેં સહન કર્યું છે
પણ આજે મારા મૌન ને તોડ્યું છે
કોપાયમાન હું, મારા રૂંવે રૂંવે ક્રોધ છે
ભાઈઓ મારી સાથે બોલે તેની શોધ છે
ઉઠાવો આજે શબ્દોના હથિયાર
કે બંધ થાય બહેનો સામેનો અત્યાચાર
સદીયો ના આ અત્યાચાર ને
બળાત્કાર જેવા અંધકારને
આજે શબ્દોનું પરોઢ સત્કારે
મારા ભાઈઓ ના મૌન ને પડકારે  
મારો એક માત્ર સવાલ
આજે હું માંગુ જવાબ
બળાત્કાર સામે મારી જોડે બોલશો?
મારા ભાઈઓ મારા માટે બોલશો?
By: Darshana Varia Nadkarni. Ph.D.
www.darshanavnadkarni.wordpress.com
Twitter @DarshanaN

https://www.youtube.com/edit?o=U&video_id=623ErBkjzqc

જન્મભૂમિ-ભરતભાઈ દેસાઈ

મિત્રો
ચાલો આજે ભરતભાઈ દેસાઈને વાંચીએ ,
ભરતભાઈ દેસાઈ બે એરિયાના એક સારા લેખક છે ,તેઓ માત્ર ગુજરાતી નહિ પરંતુ અંગ્રજી માં પણ પોતાના વિચારોને શબ્દ્સ્વરૂપ આપે છે,લખાણમાં સરળતા સાથે અનુભવોનો પડઘો દેખાય છે હું વધુ કહું એના કરતા આપ જ એને માણો અને અભિપ્રાય આપો તે જ વધુ યોગ્ય રહશે.
આપણે સહુ વતન ને ભૂલી અહી રહેવાની કોશિશ કરીએ પરંતુ જ્યાં રહ્યા હોઈએ મોટા થયા હોઈએ તેની સારી યાદો અને સારા અનુભવો વાગોળવામાં મને કોઈ વાંધો દેખાતો નથી અને ભરતભાઈ પણ આમજ માને છે માટે એમણે જે માણ્યું અને અનુભવ્યું તેને શબ્દોમાં ઉતારી આપને પીરસ્યું છે તો ચાલો આજે તેમના વતનમાં એમની જન્મભૂમી પર  પોંહચી જઈએ..એક ઝલક વલસાડની ભરતભાઈની કલમે …
 
 જન્મભૂમિ

                                  વલસાડ ગુજરાતનો મહારાષ્ટ્ર સાથેની સરહદ પર આવેલો જીલ્લો છે. વલસાડની ઍકબાજુ પર અરબી સમુદ્ર છે. ઉત્તરે ઔરંગા નદી વહે છે અને  દક્ષીણે વાકી નદી વહે છે. વાંકી નદી વાંકી ચૂકી વહે છે આથી ઍનુ નામ વાંકી રાખવામા આવ્યુ લાગે છે. આશ્ચર્યની વાત તો ઍ છેકે ઍ વાંકી ચૂકી વહી દરિયાને નથી મળતી પણ ઔરંગા નદીમા મળી જાય છે. પરંતુ આ નદીઓ અને ફળદૃપ જમીનોઍ ચારે બાજુ  લીલોતરી ફેલાવેલી છે. આથી ઍ વલસાડની સુંદેરતામા વધારો કરે છે. બાજુમા આવેલો તીથલનો દરિયાકિનારો કુદરતી રીતેઅને આબૂહવાની દ્રષ્ટિે ઍ વલસાડને રમણીય બનાવે છ.વલસાડની આજુબાજુમા આંબા, ચીકુ, કેળાની ભરપુર વાડીઓ આવેલી છે જેઑ હરીયાળીની શોભા વધારે છે. વલસાડની બાજુમા બહુ  ઉદ્યોગો નથી જે ઍને પોલ્યુજૅન મુક્ત બંનાવે છે જેથી રહેવા લાયક સ્થળ બન્યુ છે. લોકો વાપી અને સૂરત જેવા ઉદ્યોગિક સ્થળે અહીથી જ આવજાવ કરે ,બાજુમા પારનેરાનો ડુંગર છે જેનાપર શિવાજી વખતનો ખંડેર કિલ્લો અને માતાજીનુ મંદિર છે. વલસાડની પ્રાકૃતીક સૌદર્ય જોવુ હોય તો પારનેરા સારામા સારુ સ્થળ છે.

પારનેરાની બાજુમાજ અતુલ અને સિબાના કારખાનાઓ આવેલા છે.વલસાડ રાજકીય દ્રષ્ટિેઍ પણ ઇતીહાસ ધરાવે છે. સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ગાંધીજી તીથલ પર રહેલા છે.  વલસાડ માજી વડા પ્રધાન મોરારજીભાઇનુ, સ્વતંત્ર સેનાની અને  પ્રસિધ્ધ કાયદા સાસ્ત્રી ભૂલા ભાઈ દેસાઇનુ જન્મ સ્થળ છે. ભારતના માજી મજુર પ્રધાન  ખંડુભાઇ દેસાઇ ની ભૂમિ છે. જાણીતા કવિ  ઉનનસની કર્મ ભૂમિ છે. વલસાડમા પારસી, મુસ્લિમ, ઈસાઈ અને હિન્દુઓની પણ વસ્તી છે પણ કદી હૂલ્લડો થયા નથી. અહિઍ કુદરતી સૌદર્ય સાથે લોકો હળીમળીને રહે છે. આવી જન્મભૂમિમા વારે વારે જન્મ લેવાનો પણ ઍક લાહવો છે. ઍવી જન્મ ભૂમિને આમ જ અંજલી આપી શકાય.

 

 ઍક બાજુ છે—

ઍક બાજુ છે દરિયો બીજી બાજુ નદિયા
વચમા મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નીત સવારેને સંધ્યાકાળે, મંદિરોના ઘંટારવમા
દિનદુખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનૂ નામ
ઍક બાજુ છે—
કોઈના આંસુઍ આંસુ વહાવે, ગામ આખુ શોક મનાવે
હર્ષની રેલીમા  જ્યા ઍક્મેકના દિલ મિલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે—
વર્ષામા નદિયાના પાણી, હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાંની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે

-ભરતભાઈ દેસાઈ-

એમનો વધુ પરિચય એમના બ્લોગ પર મેળવી શકશો..http://www.bharatgujaratipoemssongsarticles.blogspot.in/

લગ્નોત્સવ

કયારેક વિચાર આવે છે….,શું જીવનમાં લગ્ન કરવા જરૂરી છે ?….વ્યક્તિ એકલી પરણ્યા વગર કેમ ન રહી શકે ?….સમાજમાં વાંઢા કે વાંઢી ને જુદી દ્રષ્ટિથી કેમ જોવાય છે ?…આજ ના જમાનમાં લોકો પરણ્યા વગર પણ ઘણું બધું કરે છે ?
હું લગ્નની વિરોધી નથી ખુદ પરણેલી છું અને પરણીને કશું ગુમાવ્યું નથી ! ખરેખર તો ઘણું મેળવ્યું છે. બાળકો, સમાજ, મિત્રો, સ્નેહીઓ…………. 
અને તો પ્રશ્ન એ છે કે  જેણે મેળવ્યું છે એજ  કે સુખી? બાકી  જેણે ન મેળવ્યું તેઓ ,લગ્ન ​નથી કર્યા માટે… અથવા નાકામયાબ રહ્યા… અથવા આખી જિંદગી કુંવારા રહ્યા એ અથવા છુટા પડ્યા તેમનું શું ?
દામ્પત્ય કોને કહેવાય? સુખી દામ્પત્ય જ સારું જીવન ?
સમાજમાં રહેવું હોય તો પરણવું જ જોઈએ ?…..નહિ તો લોકો એની ચિંતા કરવા માંડે,…. ,ચર્ચા નો વિષય બની જાય,…..કેમ?….. શું કામ ?….શંકા થાય ?……….
ધર્મના નામે એકલા રહી શકાય ખરું,લોકો માન થી જોવે ,પ્રશ્નો નો વણઝાર બંધ થઇ જાય ,બિચારો એકલો છે કે એકલી છે એ વાત જ ઉભી ના થાય કારણ ભગવાન સાથે છે…. …
ખેર વર્તમાન સમયમાં યોગ્ય યુવક-યુવતીઓ ન મળવાથી લગ્નમાં અનેક પ્રકારની અડચણ આવે છે. ઘણીવાર વિવાહ યોગ્ય ઉંમર વટી જાય છે. આજકાલ આપણા સમાજમાં છોકરા છોકરી ને પરણાવા એક મોટો પ્રશ્ન છે ?કાંતો બાળકો તૈયાર નથી ,અથવા કેરિયર પાછળ દોડી રહ્યા છે ,મિત્રો સાથે જ સુખી છે.અથવા લગ્નની પરોજણ ગમતી નથી ,બંધન અનુભવે છે કે ખુબ જવાબદારી છે તેવું અનુભવે છે અથવા too much commitment  લાગે છે., લગ્નમાં શુ રાખ્યુ છે.?
અને કદાચ આનું કારણ સમાજ અને સમાજની વ્યવસ્થા પણ હોઈ શકે તો પ્રશ્ન અહી એ છે કે લગ્ન બંધન કરતા ન થાય તે માટે શું હોવું  જોઈએ ?
અહી  પ્રસિદ્ધ ફિલસૂફ ખલિલ જિબ્રાન ના વાક્યો જવાબ રીતે કહીશ।…….
તમે ( લગ્નમાં ) સાથે જન્મ્યા હતા . . .
અને મૃત્યુ’ની સફેદ પાંખો તમારા દિવસો ખંખેરી નાખશે ત્યાં સુધી તમે સાથે રહેશો અને ઈશ્વર’ની શાંત યાદમાં પણ તમે સાથે હશો ……   
ખુબ સરસ જવાબ છે માણસ લગ્ન સાથે જન્મ્યો ન હતો તો પછી આટલી ચર્ચા કેમ? તો પ્રશ્ન એકલતાનો છે ?
એકલી વ્યક્તિ એટલે જ દુઃખી  ? આ ને આ દુ:ખ એટલે શું… 
દર્દ તમારી સમજદારીનું કવચ તોડવાનું નામ છે . જેમ ફળ’નો ઠળીયો તૂટવો જોઈએ . એમ તમારે દર્દને સમજવું પડશે . . . અને તમારે તમારા હૃદયની બદલાતી મૌસમોને સ્વીકારવી પડશે . . . તમારું ઘણુંખરું દર્દ તમે ખુદ પસંદ કરેલું છે
અને મૈત્રી રાખવી ખોટી નથી  અને એ કહે છે : તમારી જરુરતોનો જવાબ એ તમારો મિત્ર છે.
મૈત્રી એ ધરતી છે જેમાં તમે પ્રેમ વાવો છો અને આભાર લણો છો .મૈત્રીમાં શબ્દો વિનાના વિચારો , ઈચ્છાઓ , અપેક્ષાની સાઝેદારી હોય છે મિત્રો તરીકે પણ જીવી શકાય। ….આપણાં એટલે કે હિન્દુસ્તાન/ભારત દેશમાં આપણી હિન્દુ સંસ્ક્રુતિમાં આ સંબંધને પવિત્ર સંબંધ ગણાવાયો છે તો એની પાછળ કોઇ તર્ક જરુર હોવો જોઈએ.તો તે શું હોઇ શકે?
 જિબ્રાન’ની ગણના વિશ્વના 20મી સદીઓના રહ્સ્યવેતાઓમાં થાય છે .બીજી એક સુંદર વાત આપણા બધા જ પ્રશ્નો ના જવાબ છે! ..
પ્રેમ કરજો એકબીજાને , પણ પ્રેમની સાંકળ ન બનાવશો . 
તમારા બે આત્માઓનાં કિનારાઓની વચ્ચે એક ઘૂઘવતો સમુદ્ર રાખજો।…… 
 એકબીજાના પ્યાલાઓ ભરી દેજો પણ એક જ પ્યાલાઓમાંથી પીશો નહિ …..
સાથે ગાજો , સાથે નાચજો , સાથે ખુશ રહેજો પણ તમે બંને એકલા રહેજો ……
સ્વતંત્ર  જે રીતે એક જ વાદ્યનાં તાર એકલા હોય છે , પણ એક જ સંગીત’માં ઝણઝણતા રહે છે .
તમારું શરીર તમારા આત્માનું વાદ્ય છે . આપણી ફરજ છે નક્કી કરવાની . સુમધુર સંગીત કે બેસુરો કોલાહલ ? 
તમારા હૃદયો આપજો , પણ સોંપી દેશો નહિ . સાથે ઉભા રહેજો પણ બહુ પાસે પાસે નહિ …….. મંદિર’નાં થાંભલાની જેમ દુર રહેજો। …..
ઓક’નું વૃક્ષ અને સાયપ્રસ’નું વૃક્ષ એકબીજાના પડછાયામાં ઉગતા નથી . . દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને તેમના વિચારો પણ। .બંધન ન બનાવો !
 તો હવે પ્રશ્ન એ છે કે દરેક પરણેલી વ્યક્તિ  આવી જ રીતે જીવે છે ખરા ?….ફિલસૂફ ખલિલ જિબ્રાન લગ્ન વિષે માર્ગ દર્શન આપી શકે પરંતુ જીવવાનું તો આપણે  જ છે ને …તો આમ જ કેમ નહિ !
સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા
 
“love one another, but make not a bond of love: 
let it rather be a moving sea between the shores of your souls. 
fill each other’s cup but drink not from one cup.
give one another of your bread but eat not from the same loaf
sing and dance together and be joyous, but let each one of you be alone,
even as the strings of a lute are alone though they quiver with the same music.”

સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …

મિત્રો 

 
આજે આપણા  કલ્પનાબેન એક સુંદર ટુંકી વાર્તા લઈને આવ્યા છે,શબ્દોમાં સરળતા છતાં ખુબ મોટી વાત વાર્તામાં વર્ણવી છે, અંત સુધી જકડી રાખે છે , વાર્તા આપ જ વાંચી આપના અભિપ્રાય જણાવશો.

સ્ત્રી – તેનાં અસ્તિત્વની શોધમાં …..

આજથી ૫ વર્ષ પહેલાં સોમવારની સવારે વૃંદાવન સોસાયટીના મહાદેવમાં ચંપાબેન મળી ગયાં. ત્યારે તેમની ઉંમર ૬૫ વર્ષની હતી. મને કહે, “બહેન મેં સાંભળ્યું છે કે તમને બહુ બધાની જિંદગી વાંચવાનો અનુભવ છે. મારે પણ તમને કંઇક કહેવું છે.” આમ તો ઘણાં વર્ષોથી મહાદેવમાં અવારનવાર મળતાં. ક્યારેક સ્મિત તો ક્યારેક વેદના એમનાં ચહેરા પર જોવા મળતી અને મને પણ તેમનાં જીવનમાં ડોકિયું કરવાનો સળવળાટ જાગતો. આજે મને મળતી એ તક હું કેવી રીતે જવા દઉં? મેં કહ્યું, આજની બપોર તમારી સાથે.

અને હું પહોંચી ગઇ તેમનાં ઘરે ….. તેમની આંખોમાં મારા માટેની પ્રતિક્ષા હતી. મને કહે, બહેન, હવે તો મારી આંખોનાં આંસુ પણ સૂકાઇ ગયાં છે. હું થાકી ગઇ છું. મેં થોડું આશ્વાસન આપ્યું. અને, તેઓ જાણે ભૂતકાળમાં સરી પડ્યા.

બહેન, મારી જિંદગી એક બાળકી, દીકરી, બહેન, ભાભી, નણંદ, પ્રેયસી, પત્નિ, માતા, દાદીમા ….. કેટ કેટલાં સંબંધોનાં જાળામાં, એક રસ્તે રઝળતી વાર્તા બની ગઈ છે.

મારી મા પુષ્પાબેન, તેમની કોખે બાળકી અવતરી નામે ચંપા. દિકરો હોત તો પેંડા વહેચાત પરંતુ બાળકી સ્વરૂપે મને કમને સ્વીકારી – સમાજે, કુટુંબે …… અને મારો ઉછેર શરૂ થયો. તેમાં પણ સરખામણી મારા મોટા ભાઇ રમેશ સાથે. રમેશ કંઇ પણ કરી શકે. કોઇ રોકટોક નહીં કારણ કે એ દિકરો હતો, જ્યારે હું દિકરી. અમુક રીતે બેસવું, ઉઠવું, ચલાવી લેતા શીખવું જોઇએ. કારણ? તેને પરણીને સાસરે જવાનું છે.

પિતાના આંગણે ઉછરતી, પાંગરતી, એવી હું જ્યારે યુવાનીમાં પ્રવેશી ત્યારે મારા હૈયામાં ઢબુરાયેલો છાનો  અસંતોષ, એ પારકાપણાંની ભાવના આકૃતિ લે છે ….. યુવાનીનાં ઉમરે સોણલામાં રાચતી એવી આ ચંપાએ તેનું ઘર અને પતિનાં સ્વપ્ના જોવાનાં શરૂ કર્યા.

અને બહેન, જિંદગીનાં જંગલમાં અથડાય છે એક પ્રેમી નામે રમણલાલ. હું શું કહું બહેન, મને લાગ્યું કે મને મારી મંઝિલ મળી ગઇ. તેની સાથેનુ એ મિલન અદ્‍ભૂત, અકલ્પ્ય હતું. પગમાં કાંટો વાગે તો પ્રેમી પગ હાથમાં લઇ, સાચવીને કાંટો કાઢી લઇને પગ ચૂમી લે, અને એ દુઃખ ગાયબ થઇ જાય. પ્રેમમાં કેટલી તાકાત હોય છે? હું તે વખતે સુખનાં સર્વોત્તમ શિખર પર સ્વપ્નામાં રાચતી. ખરેખર બહેન, દુનિયાના તમામ સંબંધોની વ્યાખ્યાઓ તે સમયે મને નામશેષ લાગી. હું કેટલી ભોળી? મને હાશ થઇ અને મારું નસીબ કે એ પ્રેમી સાથે લગ્ન થયા ….. અને હું પ્રેયસીમાંથી પત્નિ બની.

ક્યારેક એમ કહેવાય છે કે લગ્ન એટલે પ્રેમનું પૂર્ણવિરામ અને પતિના અધિકારની ભાવનાની શરૂઆત. સપ્તપદીનાં ફેરામાં બન્ને પક્ષે કંઇક વચનોની આપલે થઇ. પરંતુ મને બિચારીને ખબર ન હતી કે તે વેદીમાં મંત્રોચ્ચાર વખતે ઘી હોમાય છે અને બોલાતાં વચનોનો તે સમયે જ ધૂમાડો થતો જાય છે. હું મારા પતિ અને તેના કુટુંબ સાથે બંધાઇ ગઇ. અને મારા ગૃહપ્રવેશ પછી કંઇ કેટલાંય સંબંધોના સ્વરૂપોથી મને આવકારી. આતો છે માત્ર સ્ત્રીના નસીબમાં મેળવવાનું – અને મારા જીવનમાં શરૂ થઇ જાય છે જવાબદારીઓની ઘટમાળ …..

હનીમુનની રાત્રિએ કંઇક વચનોની આપલે થાય છે. કલાકો, દિવસો, મહિનાઓ પસાર થાય છે. પિયરમાં જે નથી મળ્યું તે મેળવવા અને તેનાથી અનેકગણું ન્યોચ્છાવર કરવાનાં સ્વપ્ના સાથે આવેલી આ ચંપા, આ નવવધુ, પાછી શરૂ થઇ જાય છે સોણલા જોવા …..

હવે આ મારું ઘર છે, મારો વર છે, બધુંજ મારું છે. હવે હું મારું ધાર્યુ કરી શકીશ. બધાને પ્રેમ કરીશ. અને બધા મને પ્રેમ કરશે. એ ભ્રમણાનાં વમળમાં અટવાઇ જાય છે. સમય સરતો જાય છે. જીવનની આ ભાગદોડમાં ક્યારેક પતિ કહે છે આ મારું ઘર છે, હું જે કહીશ તે થશે. આ મારા પૈસા છે, તું કમાવા નથી જતી, તારા બાપાએ બાંધી આપ્યા નથી. સાસુ – સસરા, જેઠ – જેઠાણી, દિયર – દેરાણી, નણંદ – નણદોઇ અને ભત્રીજા – ભાણેજા ….. આ બધાં સંબંધોમાં ફંગોળાતી, ક્યાંક કોઇ મારું લાગે ત્યાં હારી, થાકીને વિસામો લેતી, અને રાત્રે પાછી પતિની સોડમાં હાશ અનુભવતી, નવા દિવસની સવારે તાજી-માજી થઇને મારી ફરજોમાં ફંગોળાતી હું, તમને બહેન પૂછી રહી છું કે આમાં મારું સ્થાન ક્યાં છે? મારું અસ્તિત્વ ક્યાં છે? અને ચંપાબેન ફીક્કા હાસ્ય અને સંતોષની લાગણી સાથે પાણીનો ઘૂંટડો ગળે છે અને ખોવાઇ જાય છે પાછા તેમના અતીતમાં …..

મારા જીવનમાં એક વળાંક આવે છે. મારી કોખે ગર્ભ આકાર લે છે. મારા રોમરોમમાં એક નવી ચમક ફૂટે છે. એ નવ મહીના મારી જિંદગીના સર્વોત્તમ હતાં કારણકે મારું બાળક, મારા પતિ અને આખું કુટુંબ મારી સાથે હતું. અને ….. એ  નવ મહિના ગર્ભાધાન અને પછી પ્રસૂતિની પીડા સહન કરી મેં એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ઘરમાં બધાંનો વ્યવહાર મારા માટે બદલાયો. કારણકે મારા ઘર માટે હું વંશવેલો વધારવાનું સાધન બની ગઇ હતી. અને હું પણ બધાંનો દુર્વ્યવહાર ભૂલી જતી. એ તો ભગવાને મને ભૂલવાની બક્ષિસ આપી હતી.

પાછાં સ્વપ્નાની વણઝાર શરૂ ….. ભલે મારું કોઇ નથી, મારો પતિ પણ પહેલાં તેના કુટુંબનો , તેના મા-બાપનો છે. પણ મારો દિકરો હરેશ તો મારો જ છે ને? તેને ભણાવી – ગણાવી, સારા સંસ્કાર આપીને મોટો માણસ બનાવીશ અને મને હાશ થશે ….. એ દિવસની રાહ જોઇને આ ચંપા તડકા-છાંયડા, વાદળ-વંટોળ, ખાડા-ટેકરામાં અથડાતી, કૂટાતી, તેની જુવાનીને કુટુંબ પાછળ સમર્પિત કરીને, તેની ભાવનાઓને હોમી દઇને, સમયનાં વહેણના આવેગમાં ધસડાય છે.

હું થાકી ગઇતી બહેન, પણ મને માત્ર આશા હતી મારા દિકરાની અને હરેશ મોટો થાય છે. ભણીને સ્થિર થાય છે, ત્યારે તેનાં લગ્નની વાત ચાલે છે. મને હતું કે એવી વહુ લાવીશ કે જે મને હુંફ આપશે. પરંતુ બહેન, આ કંઇ થોડું કોઇના કપાળ પર લખેલું હોય છે? અને વાજા વાગે છે …..

દીકરાની સાથે રહીએ છીએ. કંઇક આશાઓ બંધાય છે પરંતુ દીકરો પણ તેની પત્નિ હિરલ, જે તેના મા-બાપના ઘરેથી આવી છે તેને સાચવવા માને હડધૂત કરે છે. મા જૂના વિચારોની છે. તે તેનું મન, વિચારો બદલી નથી શકતી. અને શરુ થાય છે સંઘર્ષ ….. આ મારું ઘર છે, ફાવે તો રહો નહીં તો જાઓ     “ ઘરડા-ઘર “ માં. આ આઘાત મારા માટે અસહ્ય હતો. વર્ષો જાય છે. હવે તો મારા માટે કોઇ રસ્તો જ નહતો. પત્નિ અને માનું મ્હોરું પહેરીને હું હંમેશા ફંગોળાતી. કોઇ મને સમજવા તૈયાર ન હતું. રમણલાલ સાથે નિરાંતની પળોમાં હું ક્યારેક બનતી ઘટનાઓની આપ-લે કરીને વિસામો લેતી. હવે તો એ માત્ર એકજ મારા ઘડપણનાં વડલાનો વિસામો હતાં. બન્ને એક બીજાને હુંફ આપી ને દાં’ડા કાઢતા. એવામાં એમને વિચાર આવ્યો, ચાલને આપણે જાત્રાએ જઇએ. ઇશ્વરનાં સાનિધ્યમાં જીવને હાશ થશે – અને જાત્રાએ જવાનું નક્કી કર્યુ. વહુને હાશ થઇ.

જાત્રાએથી પાછા આવીને જોયું તો ઘરમાં બધું બદલાઇ ગયું હતું. મારી અને એમની તસ્વીર જે દિવાનખાનામાં લટકાવેલી તે ઉતારી લીધી હતી. આમ પુત્રે પહેલાં દિલમાંથી અને પછી દિવાલો ઉપરથી મા-બાપને જાકારો આપ્યો. અહીં રહેવું હોય તો અમારી પધ્ધતિથી, અમે કહીએ તેમ અને અમને ગમે તેવી રીતે તમારે રહેવું પડશે ….. મેં મારા દિકરાને જન્મ આપ્યો, દિકરો માને શિખવાડે છે કે મારે કેવી રીતે રહેવું, ખાવું, ઉઠવું, બેસવું ….. મારું હ્રદય નંદવાય છે ….. ચિત્કાર કરી ઉઠે છે ….. વલોવાય છે. શું મારું, મારું કોઇ નથી?

હે ભગવાન, હું એટલી બધી ખરાબ છું કે તને પણ મારી જરૂર નથી? તો મને પેદાજ શા માટે કરી? મને શા માટે કોઇ પણ જેવી છું તેવી સ્વીકારવા માટે તૈયાર નથી? શા માટે? આનો જવાબ છે કોઇની પાસે? બહેન, કોઇ સમજી શકશે મને? કે જે તેના અસ્તિત્તવની શોધમાં અહીં તહીં ઘડીયાળના લોલક્ની જેમ, સંબંધોનાં ગૂંચવાળામાં ગૂંચવાતી, પોતાનાંજ અસ્તિત્વને સમજી નથી શકતી, તેને કોણ સમજશે?

મને પણ થયું, “हाय! अबला नारी तेरी यही कहनी, होठोंपे मुसकान, आंखोमें पानी.” અને હું ઘરે આવી …..

બીજા દિવસની સવારે ચંપાબેનની પડોશનો છોકરો દોડતો મને બોલાવવા આવ્યો. હું તેમના ઘરે ગઇ. જોયુ તો ….. ચંપાબેન પ્રભુપ્યારા થઇ ગયા હતા.છેવટે ચંપાબેનની પ્રાર્થના પ્રભુએ સાંભળી ખરી. તેમના ચહેરા પર ચિર શાંતિ મેં મહેસુસ કરી. ઘરમાં રૂદનનું વાતવરણ હતુ – સ્વાભાવિક છે. તેમની પુત્રવધૂ હિરલે મને એક પત્ર આપ્યો અને કહ્યું, “રાત્રે માની તબિયત અચાનક બગડી. ઉપરાઉપરી બે એટેક આવ્યા તે પહેલાં આ પત્ર મને તમને આપવા માટે કહ્યું હતું અને પછી તરતજ તેમની આંખો બંધ થઇ ગઇ.”

મેં તેજ વખતે પત્ર વાંચ્યો. તેમા લખ્યુ હતુ, બહેન, મારી માએ મને શિખમણ આપી હતી, “भोज्येषु माता, कार्येषु मंत्री, शयेनेषु रंभा બનીને સાસરીમાં રહેજે. હવે તો તારુ સાસરુજ તારુ અંતિમધામ છે. જ્યાં ડોલી જાય છે ત્યાંથી અર્થી નિકળવી જોઇએ. ઘેર આવે તો તારા વર સાથે આવજે અને પિયરમાં મહેમાનની જેમ રહેજે.” બહેન, મેં મારી માની શિખમણ માની. હવે હું થોડા સમયની મહેમાન છું. મારા પ્રાણ આ ખોળીયું છોડીને ઉડી જશે. અને મારા પતિ જીવે છે માટે આ સુહાગણને સજાવી – શણગારીને સ્મશાનમાં લઇ જશે – અગ્નિદાહ આપવા. બળી જશે આ શબ, ચિતા અને અનેક ચિંતાઓનાં રાફડામાંથી મુક્ત થઇને આખરે રાખ બનીને હાશ અનુભવશે, સ્મશાનમાં …… બહેન, મેં તમને મારી આપવીતી કહીને દુઃખી કર્યા. પણ મારી વાર્તા વાંચીને ઘણી બહેનોને સાંત્વન મળશે ….. કે ભારતીય આર્ય સ્ત્રી આજ હોઇ શકે – અને સાચું કહું બહેન, આજે મને મારું જીવન જીવ્યાનો સંતોષ છે. મેં મારા તમામ સંબંધોનું જતન, પાલન, પોષણ અને સિંચન તન, મન અને ધનથી, મારી તમામ લાગણીઓને પોષીને કર્યુ છે. ફળ ના મળે તેમાં અન્યને હું દોષિત ગણતી નથી. એ તો મારા કર્મનો વાંક છે. હું તમામને માફ કરું છું બહેન, તમે પણ મને માફ કરજો. નમઃ શિવાય.

અને હું મારી આંખોમાં આંસુઓને રોકી ના શકી. મારું મન તેમને નતમસ્તક પ્રણામ કરી રહ્યું. આ ચંપાબેનની કહાણી મને હચમચાવી ગઇ. ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે.

== કલ્પના રઘુ ==

 

 

 

 

એન આર જી ને રહેવું બંધન માં

મિત્રો
આપણા  કવિ  હેમંત  ઉપાધ્યાય પોતાના વતનથી પાછા આવી ગયા છે અને સાથે  એક બંધન વિષે સુંદર કવિતા લખી મોકલી  છે.  બંધન વિષે લખે છે ત્યારે મનમાં એક પ્રશ્ન જાગે છે કે આ ? બંધન કોને હોય છે, આત્માને કે દેહને? સંબંધ ફરજ,કાર્ય,ધર્મ,પ્રથા,રીતરિવાજ,કર્તવ્ય જો બંધન કરતા હોય તો આપણે  અભિપ્રાય થી બાંધેલા છે.માન્યતા જ વ્યક્તિને બાંધી રાખે છે.
અને અભિપ્રાય થી બાંધેલ મુક્ત કયાંથી હોય શકે ! આવા બંધનને જીવનને  નિયતિ ની વાસ્તવિકતા સમજી સ્વીકારવાની જરૂર નથી પરંતુ માન્યતાના બંધનને તોડી મુક્ત થવાની  જરૂર છે.
એન   આર   જી  ને  રહેવું   બંધન  માં
રક્ષા   નું  બંધન  છે  હાથે   ને  હૈયે  વતનનું   બંધન
એક છે  હેત નું   બંધન   ને બીજું  વહાલ   નું   બંધન
અહીં  છે  બોલ  ના  બંધન   ને અહીં  મહેલ ના  બંધન
અહીં સમય ના ચક્ર નું  બંધન  ને જુઓ વાહન  નું  બંધન
અહીં વંશ તણા છે    બંધન  ને અંશ તણા   બંધન
અહીં આનંદ તણા   બંધન   ને ઉત્સવો તણા    બંધન
અહીં ડ્રેસ તણા છે  બંધન  ને  address   તણા   બંધન
અહીં  નામ તણા  છે  બંધન  ને કામ તણા   છે   બંધન
અહીં  મુહુર્ત તણા   છે   બંધન   ને  વીક   એન્ડ ના  બંધન
અહીં જન  જન ના છે   બંધન  ને  સ્વજનો  ના  બંધન
અહીં  તન ના છે   બંધન  ને વળી મન ના છે  બંધન
 બંધન  માં ભલે રહીએ અમે પણ  પરદેશ  ને છે  વંદન
                                                  પરદેશ  ને છે  વંદન
ઓમ માં ઓમ
 હેમંત  ઉપાધ્યાય

“આ છે મારું અમદાવાદ” …………

૨ વર્ષ અમેરીકા રહ્યા બાદ ૨૦ દિવસની અમદાવાદની મારી ટૂંકી મુલાકાતમાં મને અમદાવાદ કેવું લાગ્યું? તે અંગે મારા અનુભવો મેં રજુ કર્યા છે.

“આ છે મારું અમદાવાદ” 

આજના અમદાવાદની સૂરત બદલાઇ છે,

સૂરત સાથે મૂરત પણ બદલાઇ છે,

કહે છે, અમદાવાદ મેટ્રોસીટી બનવા જઇ રહ્યુ છે.

ભડ નરેન્દ્ર મોદીના રાજમાં ફ્લાયઓવરની છે કમાલ,

બી. આર. ટી. એસ.ની સવારીમાં આમ જનતાને છે નિરાંત,

કાંકરીયા તળાવ અને સાબરમતી રીવરફ્ર્ન્ટ જોઇને સહેલાણીઓ કરે છે વાહ! વાહ!

ઉત્સવો અને તહેવારોની બદલાઇ રહી છે સીકલ, આ છે મારું અમદાવાદ.

પરંતુ — પરંતુ નથી બદલાઇ અમદાવાદીની એ સવાર,

જ્યાં મસાલા ચ્હાની ચૂસકી સાથે ગરમાગરમ ફાફડા ચટણી અને જલેબી ખવાય છે,

નથી બદલાયો મંદિરનો એ ઘંટારવ અને આધ્યાત્મિક દોટ,

વહેલી સવારે મોર્નિગ વોક અને કસરત માટે બગીચા ઉભરાય છે,

રંગીન કપડામાં રંગીન મીજાજી અમદાવાદી ઘુમે છે,

ભારતની પચરંગી પ્રજા અમદાવાદમાં સમાય છે, આ છે મારું અમદાવાદ.

અહીં વૈભવી ઇમારતોની ઝાકમઝાળ છે, પણ રાહી ભટકી જાય છે.

માનવ ભાગદોડમાં ભટકાય છે, કોલાહલમાં અથડાય છે.

દિન-રાત ચોરાહે પર ટ્રાફીકજામ દેખાય છે,

સમીસાંજે વાહનોનું કિડિયારૂ ઉભરાય છે,મારામારી ગાળાગાળી હંમેશ જોવા મળે છે,

ચોરી-લૂટ, ખૂન ખરાબાથી ન્યૂઝપેપર ઉભરાય છે,

ક્લબો, હાઇવે, હોટલો, હોસ્પીટલો હકડેઠઠ ઉભરાય છે,

પ્રદુષણનો વરસાદ વરસાવી કુદરત પણ બદલાઇ છે,

સિમેન્ટનાં આ વન-વગડામાં શ્વાસ પણ રૂંધાય છે,

ત્રિસંધ્યા સમયે સ્નાન કરો, તો પણ મેલા થવાય છે, આ છે મારું અમદાવાદ.

પગારધોરણ અને મોંઘવારીની હૂંસાતૂંસીમાં માનવમોલ હારી જાય છે,

મોંઘવારીના ખપ્પરમાં કંઇક ગરીબ હોમાય છે,

મધ્યમવર્ગીય માનવીના બે છેડા માંડ ભેગા થાય છે,

અમીરો પણ મોંઘવારીની જ્વાળામાં લપટાય છે,

આમ સળગતી મોંઘવારીમાં ભડકે બળે છે અમદાવાદ, આ છે મારું અમદાવાદ.

આ જીવન-ચક્કીની ભીંસમાં કંઇક સંબંધો, કંઇક જીવન ભીંસાય છે, ચગદાય છે, મરણને શરણ થાય છે.

ક્યાં છે સમય કોઇની પાસે?

પ્રેમની પરિભાષા પણ બદલાય છે.

નિતનવા ઘરડાઘર ખૂલી રહ્યા છે,

આ છે ઘરેણાં મેટ્રોસીટીના, આ છે મારું અમદાવાદ.

ક્યાં જઇને આ અટકશે?… કોઇ કહેશે?…

હા…આ જીવનચક્ર જરૂર બદલાશે…

ચક્રને બદલાવું જ રહ્યું…

જેમ રાત પછી દિવસ, સંધ્યા પછી પ્રભાત…

એક નવા પ્રભાતની મીટ માંડીને ઉભો છે અમદાવાદી…

ભારતની આ તપોભૂમિને યોગીઓનાં ફળશે આશીર્વાદ…

અંતે તો કહીશ હું અમે અમદાવાદી… અમે અમદાવાદી.

આ છે મારું અમદાવાદ.

કલ્પના રઘુ

આ મુંબઈ છે ….10

મુંબઈનો ટ્રાફિક 

 
મિત્રો
 
 મુંબઈના ટ્રાફિકની વાતો શું કરું  …આવી ત્યારે તો અનુભવ્યો પરંતુ પાછા આવતી વખતે અને  એરપોર્ટ પર પોચતા તોબા પોકારી ગયો,…. થયું આજે વિમાન છુટી જશે। ….અનેક સમસ્યાથી ઝઝૂમતું આ શહેર ટ્રાફિકથી થાકી ગયું છે .મુંબઈગરાઓ ભલે દોડી જાણતા હોય પણ ટ્રાફિક  તેમને હંફાવી દીધા છે…….લેન શું હોઈ ટ્રાફિક માં .. એનું જ્ઞાન છે જ  નહિ કે   હોતું જ નથી …. જમણી બાજુ વાળવા ના હોઈ સિગ્ન પછી તો છેક ડાબી બાજુ ના ખૂણા માં ઉભા હોય ….. સિગ્ન જેવું ખુલે એટલે એનું વાહન પોતાની મરજીથી વાળી ભગાવે  …… અમુક જણ  ઓ આખી સિગ્નલ પર ગાડી નું ઈન્જીન ચાલુ રાખી ને વાતાવરણ ને પ્રદુષિત  કરે। …અને ઈધન નો વ્યય કરે છે એતો ફાયદામાં  … .સૌથી વધારે હદ ત્યાં થાય જયારે એમ્બુલન્સ કે ફાયર બ્રિગેડ એમનું સાયરન વગાડતી પસાર થતી હોઈ અને ગાડી બાજુ કે કરી એને જગ્યા આપવાને માટે કયાં ગાડી ખસેડવી ખબરજ ના પડે। …..   ગમે ત્યાં રોકાઈ જતાં વાહનો અને સિગ્નલ તોડી ભાગી નીકળતા અશિસ્ત મુંબઈગરાઓ આ ટ્રાફિક પોલીસને  નકામા સાબીત કર્યા  છે ……..મુંબઈના ટ્રાફિકમાં જવાનું એટલે લોઢાના ચણા ચાવવાનાં.. ફ્લાયઓવર નીચે આવેલાં જંક્શનોમાં તો આ પરિસ્થિતિ વધારે વણસેલી છે. એરપોર્ટ જવાનો એક જ રસ્તો,…… એકવાર તમે ટ્રાફિકમાં સલવાણા પછી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો જ નહિ  નાનકડા રોડ અને રોડની બન્ને બાજુ ખડકાયેલાં વાહનોએ  ટ્રાફિક જામની અતિ ગંભીર સ્થિતિ સર્જી છે. .ચાર લેન રોડ પર બે લેન જેટલી જગ્યા પાર્ક કરવામાં આવેલાં વાહનો જ રોકી રાખે છે…મુંબઈગરાઓ ..ટ્રાફિક સિગ્નલ ને કેમ તોડવો એનાં પર વધુ ધ્યાન આપે છે  નહી કે એ સિગ્નલ નું પાલન કરવાં ઉપર..સિગ્નલ લાઈટ નો કોઈ મતલબ જ નથી …પીળી લાઈટમાં ધીમા પડવાની બદલે લોકો જટ ભાગે છે  પાર્કિંગ પોલિસી જોઈએ તેટલી અસરકારક ન હોવાથી લોકો રોડનો પાર્કિંગ માટે આડેધડ ઉપયોગ કરે છે. આમ જોવા જઈએ તો મુબીગરાઓને કલાકો સુધી ટ્રાફિકમાં પડ્યા રહેવાની આદત છે કે પડી ગઈ છે। નવી પેઢી સાથે લેપટોપ અને રિલાયન્સ નું કાર્ડ રાખી પોતાનું કામ કરતા હોય છે તો કોઈ ટ્રાફિકમાં ફસાયેલા લોકો સાથે પસાર કરવા મળતી આ અમુક ક્ષણોમાં આનંદ અને મિત્રતા માણી લે છે .. અંધેરી કુર્લા રોડના જંકશન પાસે અમુક વોલીનટીયર સાંજના સમયે ટ્રાફિક મેનેજ કરવા પોતાની સેવા આપે છે તો બીજી તરફ બીએસટી ની બસો ટ્રાફિક નિયમનના ધજિયા ઉડાડતી હોય તેવું લાગે છે ….  ક્યારેક ટ્રાફિક સિગ્નલ પાસે વાહનો અટકે ત્યારે .ફેરિયાઓ પોતાનો વકરો પણ કરી લે….. પ્રેમી ફૂલ લેવાનું ભૂલી ગયો હોય તો ત્યાં બેઠા બેઠા ગાડીમાં થી જ ખરીદી લે . …..તો ગૃહિણી ફ્રુટ લેવા બજારમાં ન ગઈ હોય તો ટ્રાફિકમાં તેના સમયનો ઉપયોગ થઇ જાય અને ખરીદી પણ….પતિ પત્નીને ખુશ કરવા ટ્રાફિકમાં બેઠા ગજરો લઇ લે। ..ભિખારી ને ભીખ માગવાની તક મળે છે। .તો પાવૈયા પોતાનું ગુજરાન ટ્રાફિક માં જ કરે છે .મને મુંબઈના લોકોની એક વાત ગમે છે કે અહી લોકોને ફરિયાદ કરવા કરતા રસ્તો શોધતા આવડે છે …… રોજ તમે દિવસના કલાકોના કલાકો જે મુસીબત સામે ઝઝૂમો છો, તે સમસ્યાને હલ કેમ નથી શોધતા તેના જવાબમાં કહે છે કે ટ્રાફિક ક્યુબિક જેવો છે એક ખસેડો તો બીજું ગોઠવાય જાય। …..ધસમસતા જીવનની ઝડપ સાથે  – ટ્રાફિક પણ તમારી સાથે દોડતો રહે છે …..અને બધું  ગોઠવાય જાય છે .
બસ  મિત્રો આટલું જ …. મારી જેમ બીજા બધા ને આવા અનુભવો થતા રેહતા હશે હું હવે મુંબઈની વાતો લખવાનું બંધ કરી એટલું જ કહીશ કે મિત્રો આજ મુંબઈ  છે। …હા આ  મુંબઈ છે 

આ મુંબઈ છે……3

 

મિત્રો 

 

 

 

મુંબઈ ની ખાસિયત એ છે કે એ તમને રડાવી પણ શકે છે તો દિવસે સપના પણ દેખાડે છે ઉમીદો જગાડે છે નાની મોટી અનેક ચીજો માંથી તમે જિંદગીનો આનંદ પામી શકો છો અને તેથીજ લોકો તેને માયા નગરી કહે છે। …..તો મિત્રો અહી શું નથી  …..આજના જીવનની બધી જ સવલતો શાક થી માંડી ને વીજળી ટેલીફોન મોબાઈલ,કોમ્પુટર અને આ બધું ખરીદવા માટે મોટા મોટા   મૉલ …..મિત્રો એક વાર માં મૉલ જશો તો રાત સુધી પાછા નહિ આવો  મેં જે બે અંકમાં વાત કરી એનાથી વિપરીત જ આ દુનિયા છે। લોઢા નું મુબઈમાં સોનાની બાજું ..મૉલ એટલે સપના પુરા કરવાની જગ્યા। ..સપના સજવાની દુનિયા, બહારનો ઘોંઘાટ ,શોરબકોર ,દુઃખ બધું ભૂલી માણવાની જગ્યા જાણે અલ્લાદીનનો જીન તમે માગો તે મળે…. .

 

 શોપિંગ મૉલના ભપકાદાર પ્રવેશદ્વાર, ઝળહળતી લાઈટોનું ડેકોરેશન, અદ્યતન વસ્ત્રોમાં સુસજ્જ માણસોની ભીડ,ચડવા કે અન્ડરગ્રાઉન્ડમાં ઉતરવા એસ્કેલેટર,.મૉલ મનોરંજન અને શોપિંગ રિસોર્ટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે… ….કેટલાય  સ્ક્વેર મિટરમાં વિસ્તરાયેલા આ મૉલ ખાસીયત એ છે કે તમે  એરકન્ડીશન માં ઇન્ડોર  ખરીદી કરી શકો છો.સુંદર, સ્વચ્છ, પ્રદૂષણરહિત …..હવે અહી વાહનોનો આવાજ નથી અને ડીઝલના ધુમાડા પણ નહિ..ટ્રાફિક નથી, ફેરિયાઓનો ઘોંઘાટ નહિ, ભાખારીઓની ભીખ નહિ,ભાવતાલ નહિ , કોઈની લાચારી નથી, અહી છે રૂઆબ ,શાન દરેક ખરીદનાર વ્યક્તિ સાહેબ, કામ કરનાર, ઝાડું મારનાર પણ લાચારી વગર કામ કરે છે‘…..અને સાંભળવા મળે Yes madam, may I help you ?’… બીજા શબ્દોમાં કહું તો” સાલા મેં તો સાબ બન ગયા” એવો અહેસાસ છે। …હું કોહીનુર સીટીમાં કોહીનુર હોસ્પિટલ માં હતી ,હોસ્પીટલમાં ખાવાનું ઘરેથી લાવવા ન દેતા અને ઘર ઘણું છેટું તો સારું ચોખક્કખું  ખાવા ફીનીક્ષ મૉલમાં જતી..  અહી આવતી ત્યારે હોસ્પીટલનો માહોલ ભૂલી જતી ….બધું એકદમ ચકાચક હોય ત્યાં સુધી કે શોપિંગ મોલના બાથરૂમો પણ વાતાનૂકુલિત હોય છે.  આ શોપિંગ મૉલ જાણે કેટકેટલાય  રિટેલર્સનું ઘર …. તેની સાથે તમામ પ્રકારના મનોરંજન વિકલ્પો ઉપલબ્ધ ….  ઇન્ડોર પારિવારીક મનોરંજન સેન્ટર પણ . આટલું જ નહીં, કેટલાય  સ્ક્રીન ધરાવતુ સિને સ્ટાર સિનેમાધર, ઉપરાંત  આર્ટ્સ એન્ડ થિએટર, આર્ટ ગેલેરી પણ આ મૉલમાં ઉપલબ્ધ હોય છે.ખરીદશક્તિની બાબતે ભારતીયો હવે અમેરિકા સાથે તાલ મિલાવી રહ્યાં છે. અને એટલે જ  પિશ્વમી ઢબે ખરીદી કરવામાં પણ લોકોને ફાવટ આવતી જાય છે.પહેલા આપણા બા અને દાદી શાક મારકેટમાં લારીવાળા કે ફેરીયા પાસે ખરીદી કરતા ,ઘરમાં પ્રંસગ હોયતો ઝવેરીબઝાર કે ભૂલેશ્વર જાય  જ પણ હવેની નવી પેઢી  મૉલમાં રિલાયન્સ જેવા સ્ટોરમાં ,કે બુટીક માંથી જ ખરીદી કરી લે છે। ..અહી ફેશનની પણ એક દુનિયા છે રોજ નવું કૈક જોવા મળે છે નવાકપડાથી માંડી  સાધનો થી દાગીના પણ અહી નવા જોવા મળે અને થાકી જાવ કે ભૂખ લાગે તો ફૂડ કોર્ટ પણ હોય જૈન ફૂડ પણ મળે  …હવે તમેજ કહો બજારમાં ગર્દી ને ગંદકીમાં  શોપિંગ કરાય કે મોલમાં। …અને પાછુ મેં કહ્યું તેમ સાહેબ જેવો રૂઆબ લટકામાં બાય વન અને ગેટ ફ્રી।….. જી હા આજ છે મોલની દુનિયા ચળકતી, ભળકતી, શાન શોકત શી  , પરફ્યુમ થી મહેકતી।.. લાચારી બેબસીને ભુલવતી।….ગજવું ભારે ન હોય તો એરકંડીશન થી ઠંડી કરતી ,કલર ફૂલ  અને આજ છે ચળકતું મહેકતું મુંબઈ …..મિત્રો .આ જ  મુંબઈ છે

 

 

 

 

—