૩-શબ્દના સથવારે – ખોળિયુ-કલ્પના રઘુ

ખોળિયુ

ખોળિયુ શબ્દ ગાદલાની કે ઓશીકાની ખોળની યાદ અપાવે છે. સાપની કાંચળી કે શરીરરૂપી ઝભલાને ખોળિયુ કહેવાય.

ઉપનિષદ આત્માને હંસ કહે છે અને હંસ જે પીંજરામાં રહે છે તેને દેવળ કહે છે,

‘જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું

મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું’.

અંદરનો માંહ્યલો ગમે તેટલો જવાન હોય, સમય જતાં શરીર જૂનુ થાય છે. જે દેહને અરીસા સામે જોઇને શણગાર્યો હતો, જૂઠી વાહ વાહ સાંભળીને મોહ કર્યો હતો તે દેહ  જર્જરિત થાય છે. આ સનાતન સત્ય મીરાંબાઇ સમજાવે છે. દેવળમાંથી પ્રભુની મૂર્તિ જતી રહેતાં એક સામાન્ય ચાર દિવાલનુ ઘર રહે છે. દેહમાંથી આત્મારૂપી હંસલો ઉડી જતાં ખોળિયાની કોઇ જ કિંમત ન રહેતા તેને બાળી નાંખવામાં આવે છે. આત્મા જૂનુ ખોળિયુ ત્યજીને નવા મકાનમાં પ્રવેશે છે, આ રૂપક દ્વારા આત્માની શાશ્વતતા અને દેહની નશ્વરતા બતાવી છે.

એક ભજનના શબ્દો ખોળિયા શબ્દનું ભાન કરાવે છે.

‘હે જીવ, શાને ફરે છે ગુમાનમાં, તારે રેવુ ભાડાના મકાનમાં,

ખોળિયુ એકાદી ખાલી કરવુ પડશે’

ખોળિયાની મોહમાયા ન રાખવી. ખોળિયુ માનવનું હોય કે પશુ પંખીનુ. માયા બંધાય એટલે ઋણાનુબંધ શરૂ થાય. આ રાખના રમકડા, માટીના ખોળિયામાં પ્રાણ કે ચેતનાનો સંચાર થાય છે અને તે સળવળે છે. અમુક વર્ષ બાદ જેવી ચેતના ચાલી જાય છે, ખોળિયુ નિષ્પ્રાણ બની જાય છે ત્યારે તે પંચમહાભૂતમાં ભળી જાય છે. શરીર નાશવંત છે જ્યારે પ્રાણ, આત્મા અવિનાશી છે. એક ખોળિયુ છોડીને બીજુ ધારણ કરવું, નિરાકાર આત્માનો ખોળિયામાં પ્રવેશીને આકાર ધારણ કરવાનો સ્વાભાવ છે. નવી ઘોડી નવો દાવ!

આદ્યાત્મિક દ્રષ્ટિએ વિચારીએ તો ખોળિયાની મોહમાયા ન રાખવી કહીને તે વગોવાયેલુ છે. પરંતુ ખોળિયા દ્વારાજ મોક્ષની અનુભૂતિ શક્ય છે. કોઇપણ યોનીમાં પછી તે દેવ હોય કે દાનવ, મોક્ષ નથી મળતો. માનવ દેહ દ્વારા જ મોક્ષ મળે છે. માનવજીવનનો ઉદ્દેશ મોક્ષ છે. આત્મા સંચિત કર્મો સાથે બંધાયેલો છે. તેને રીલીઝ કરવા માટે માનવનુ ખોળિયુ જરૂરી છે. પંચમહાભૂત એટલે કે પૃથ્વી, જળ અગ્નિ, વાયુ અને આકાશ. ખોળિયાને સાચવવા અને તેને શુધ્ધ રાખવા માટે પંચમહાભૂતની શુધ્ધિ જરૂરી છે. તેના માટે પ્રકૃતિના નિયમોનુ વિવેકથી પાલન કરીને સમતોલન જાળવવુ જોઇએ. પાંચ ઇન્દ્રિયો દ્વારા રસ, ગંધ, સ્વાદ, તાલ, લય, પક્ષીઓનો કલરવ, ફૂલોની ફોરમ, ચૂડીઓની ખનખનાટનો અનુભવ ખોળિયા દ્વારાજ શક્ય છે. સર્જનહારની  સર્જનાત્મક શક્તિનો ખોળિયા દ્વારા અનુભવ કરીને સર્જનહારને મળવાની ઝંખના થાય, સાક્ષાત્કાર! એજ અંતિમ ધ્યેય માનવ જીવનનુ ખોળિયુ ધારણ કરવાનો હોવો જોઇએ. બાકી તો નિર્જીવ ખોળિયુ કાઢોજ કાઢો … નામ વગરનુ ડેડ બોડી બની જાય છે અને આત્મા બીજુ સરનામુ શોધવા નિકળી પડે છે!

વિશ્વ માતૃભાષા દિવસ

મિત્રો
માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે.
“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે

ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષી આ અમર રચના


જે જન્મતાં આશિષ હેમચન્દ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની

દ્રઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપત પુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા 

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

 

                                                                      – ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)