આજે શિક્ષકદિવસ -શિક્ષકને તર્પણ..

pratapbhai
આજે શિક્ષકદિવસ 
શિક્ષક એટલે જે તમારામાં વિચારો રોપે તે
 જીવનના બે અંતિમ છેડા જન્મ અને મૃત્યુ વચ્ચે અનેક વ્યક્તિ આપણા જીવનમાં આવે છે અને જાય છે પણ કોઈ એક વ્યક્તિ આપણને એવો ઉજાસ આપીને જાય છે જે તેમની ગેરહાજરીમાં દીવાદાંડી બની સદાય દિશા સૂચવી માર્ગદર્શન આપે રાખે છે એવા માનનીય શ્રી પ્રતાપભાઈ પંડ્યા આપણા બે એરિયા ગુજરાતી સમાજના વડીલ, “પુસ્તક-પરબ’ ના સ્થાપક અને અખિલ ભારતીય ગુજરાતી પરિષદ ના પ્રમુખ, સમાજચેતનાના જાગ્રત પ્રહરી અને ‘બેઠક’ના પ્રણેતા અને એક શિક્ષક શ્રી પ્રતાપભાઈ પંડ્યાને  શ્રદ્ધાંજલિ અર્પિત કરતા અને તેમના અમૂલ્ય  યોગદાનને મુલવતા વંદન કરું છું.   

 એકવાર એમણે વાતચીત દરમ્યાન મને કહ્યું હતું કે  “હું પહેલા શિક્ષક્ છું” લોક્ભારતીએ મને મૂલ્યો અને અર્થસભર કેળવણી આપી છે તેનું હું સદૈવ જતન-સંવર્ધન કરતો આવ્યો છું.લોકભારતી પરિવારે મને “માણસને માણસ તરીકે મૂલવવાનો” મહામોંઘો મંત્ર આપ્યો છે,જેને મેં સદ્-સાહિત્ય વાંચન દ્વારા જાળવી રાખ્યો અને માટે જ પુસ્તક પરબ દ્વારા સદ્ સાહિત્યના વાચનનો યજ્ઞ શરુ કર્યો, પરદેશમાં સતત અંગ્રેજી વાતાવરણમાં,આપણી માતૃભાષાનો ધબકાર જાળવી રાખવા અને વાંચન દ્વારા સંવેદના ખીલવવા એમણે પુસ્તકો ની પરબ ખોલી અમરેલીથી અમેરિકા સુધી પુસ્તકો પોહોચતાં કર્યા છે,તેમના આ સેવાયજ્ઞમાં આપણે સૌ જોડાયા, અને સમય જતા,વાંચન સાથે કલા સાહિત્યને પણ વિકસાવ્યા,   “પુસ્તક પરબ” એજ ‘બેઠક’ બની અને આમ વાંચન સાથે અભિવ્યક્તિ પણ કરી,
મારા જીવનને ધ્યેય આપવાની મહત્વપૂર્ણ ભૂમિકા એક આજીવન શિક્ષક એવા શ્રી પ્રતાપભાઇ પંડયાએ ભજવી છે. પુસ્તકો આપી જ્ઞાનની ‘પરબ’ તો એમણે અમને આપી પણ અમારી કુશળતા અમને દેખાડી અમારા આત્મવિશ્વાસને વધારી અમને વાંચન સાથે સર્જન કરવાનો અને  ‘બેઠક’ ચલાવવાનો એક ઉદે્શ આપ્યો છે, સાથે જીવનમાં કેવી રીતે આગળ વધવું એનું માર્ગદર્શન આપી સદાય વડની જેમ વડિલ થઇ ઉભા રહ્યા છે એક સારા શિક્ષક તરીકે ‘બેઠક’ના કાર્યમાં આવતા અવરોધ કેમ ઓંળગવા તેનું માર્ગદર્શન આપી અમારું મનોબળ વધારી આગળ વધવાની સદાય પ્રેરણા આપી છે.
જીવનભર “પુસ્તક પરબ “ દ્વારા નિસ્વાર્થ સેવા  કરી અગણિત વિદ્યાર્થીઓના જીવનમાં પુસ્તકો આપી ઉજાશ ફેલાવ્યો છે એક શિક્ષક તરીકે શિસ્ત,ક્ષમા,ઋણ અને કર્તવ્યનિષ્ઠાનું મુલ્યનુ ભાતું આપીને ગયા છે. પોતે જાગૃત શિક્ષક હતા અને અનેકને જગાડી ગયા છે.આમ વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય માત્ર મારા જ નહી અનેકના જીવનમાં એમણે કર્યું છે.એવા વડિલ અને ગુરુ સમાન પ્રતાપભાઈ આજે હાજર ન હોવા છતા આપણા સૌના હ્રદયના જીવિત છે. આજના આ ગૌરવવંતા દિવસે આ એક સમૃદ્ધ વ્યક્તિત્વ, સાહિત્ય-પ્રેમી માનનીય વડીલ શ્રી પ્રતાપભાઈ ને આપણે સૌ અભિનંદન આપતા નવાજીએ છીએ, એમની  પુસ્તક પરબ ‘બેઠક ‘બની અત્યારે મોટું વટવૃક્ષ બની ગયું છે ત્યારે એમની ગેરહાજરીમાં તેમના યજ્ઞને ગતિમય રાખીએ એજ ધ્યેય અને એજ આજના દિવસે પ્રણ અને એક શિક્ષકને સાચું તર્પણ…  
“પુસ્તક પરબ એજ બેઠક”
પ્રજ્ઞા દાદભાવાલા  -​
 

દ્રષ્ટિકોણ 29: પુસ્તક ઉપર પ્રતિબંધ – દર્શના

પુસ્તક પરત્વેનો પ્રશ્ન
મારા, દર્શના વારિયા નાડકર્ણી તરફથી શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર તમારું સ્વાગત છે. થોડા સમય પહેલા આપણે “પુસ્તક ના પ્રભાવ” વિષે વાત કરેલી http://bit.ly/2oV0SsE .  આપણે બ્રોનટે બહેનો ના અંગ્રેજી સાહિત્ય ઉપરના પુસ્તકોની પણ  વાત કરેલી http://bit.ly/2Ttldmy . તે સમયે માત્ર પુરુષો લખતા અને તે સામાજિક ધોરણો ને અવગણીને તે લેખિકા બહેનોએ અદભુત પુસ્તકો લખ્યા છે. આજે પુસ્તક ના પ્રભાવ ને જુદા દ્રષ્ટિકોણ થી જાણીએ। આજે આપણે “પુસ્તક ઉપર પ્રતિબંધ” “Book Censorship” વિષે વાત કરીએ. ક્યારેક પુસ્તકો લોકોમાં એવી માન્યતા ઉજાગર કરવાની તાકાત ધરાવે છે. તેવી ફ્લિમ પણ બનતી હોય છે.  ફિલ્મ ઉપર ની મારી કોલમ આ લિંક http://bit.ly/2W2Xuez ઉપર મળશે। તો અમુક સામાજિક ધોરણો ની તમે વિરુદ્ધ હો અને તો તેવા પુસ્તકો અથવા ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવો જરૂરી છે કે તેવો પ્રતિબંધ ક્યારેય નહિ મુકવો અને લોકોની સમજણ ઉપર વિશ્વાસ રાખવો? તમારું શું માનવું છે?
મિત્રો આજે ફરી ઇતિહાસ માં ડૂબકી મારીએ।  આ ઘટના બનેલી 1958 માં મોન્ટગોમરી અલાબામા માં. મોન્ટગોમરી અલાબામા કોન્ફેડરેસી ના પારણાં તરીકે ઓળખાય છે. એટલે કે ત્યાં જ કોન્ફેડરેસી ની શરૂઆત થયેલી.  1958 માં આફ્રિકન અમેરિકન વિરોધી લાગણીઓ જોરદાર હતી. અને આ  બાજુ તેમને સમાન હક માટે ચળવળ પણ શરુ થઇ ગયેલી. તે સમયે ગાર્થ વિલિયમ્સ નામના લેખક દ્વારા લખાયેલ એક બાળવાર્તા પ્રકાશિત થઇ અને તેનું નામ હતું “સસલાના લગ્ન”. તે બાળવાર્તામાં ઘણા પશુઓ અને પ્રાણીઓ એકત્રિત થયેલા અને આખરે એક કાળા સસલાના લગ્ન એક ધોળા સસલા સાથે થયા. બસ આવી નાની એવી વાર્તાએ ઉહાપોહ મચાવી દીધો. સ્ટેટ સેનેટર થી લઈને બધાજ નેતાઓ મંત્રણા કરવા ભેગા થયા અને આખરે એવો નિર્ણય લેવાયો કે સ્ટેટ લાઈબ્રેરી માંથી તે પુસ્તક હટાવી લેવું. તે પુસ્તક ધોળા અને કાળા રેસ નું મિશ્રણ થવા માટે લોકોને પ્રેરિત કરે છે અને તે કારણસર તે પુસ્તક હટાવી લેવાનો આદેશ અપાયો।
Image result for rabbits weddingતે સમયે સ્ટેટ લાઈબ્રેરીના મુખ્ય સંચાલક એમિલી રીડ કરીને એક બહેન હતા. તેમણે દલીલ કરી કે પુસ્તકો પ્રભાવશાળી યુવા વય માટે શિક્ષણનો મહત્વપૂર્ણ માર્ગ છે. યુવા વય ના છોકરા છોકરીઓને બધીજ માહિતી ઉપલબ્ધ થવી જોઈએ જેથી તેઓ પોતાની જાતે પોતાના નિર્ણયો કરી શકે. સેનેટરે તેની દલીલ ના માન્ય રાખી અને આદેશ આપ્યો કે પુસ્તક ને જનરલ સર્ક્યુલેશન માંથી હટાવી દેવું. એમિલી બહેને તેમની વાત માન્ય રાખીને પુસ્તક ને જનરલ સર્ક્યુલેશન માંથી હટાવી અને રિઝર્વ સર્ક્યુલેશન માં મૂકી દીધું જેથી કરીને તે પુસ્તક હંમેશા ઉપલબ્ધ રહે.
આ સત્ય હકીકત નું મુખ્ય બિંદુ શું છે? આ એક સરળ સત્ય હકીકત છે કે જે બતાવે છે કે દરેક ઇતિહાસ માં એવી ઘણી નાની નાની ઘટના બનતી રહે છે જે ઇતિહાસ માં મોટા અક્ષરે લખાયેલ ન હોય પણ સામાન્ય લોકોની તેમાં કસોટી થતી હોય છે.  એમિલી રીડ ને ત્યાંના નેતાઓનો એક નજીવા પુસ્તક બાબતે જબ્બર સામનો કરવો પડેલો. એમીલીબહેન સહેલાઈથી તે પુસ્તકને સર્ક્યુલેશન માં થી હટાવી શકતે. પરંતુ તેમણે કહ્યું કે આ પુસ્તકમાં કોઈના માટે ખરાબ સંકેત હતો નહિ. આ માત્ર નિર્દોષ બાળવાર્તા હતી અને તેને હટાવવાની કોઈજ જરૂર હતી નહિ. એક વર્ષ બાદ લેખક ગાર્થ નો ઇન્ટરવ્યૂ લેવામાં આવેલો. ત્યારે લેખકે કહ્યું કે આ માત્ર બાળવાર્તા હતી અને તેમાં કોઈ છુપાયેલ સંદેશ હતો નહિ અને સફેદ અને કાળી રુવાંટી વાળા પશુઓ તો કાયમ મળતા હોય છે અને પશુની દુનિયા માં તેવો કોઈ બાધ નથી.
પણ શું લેખક નો ગૂઢ હેતુ હોઈ શકે, રેસ મિશ્રણ અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવા માટેનો? તમને શું લાગે છે? આજ વાર્તા જો ભારત માં લખાણી હોય અને તેમાં એક સસલું એક ધર્મ માં માનતું હોય જેમાં તે મૂર્તિઓની પૂજા કરતુ હોય અને બીજું સસલું નીચે ચટાઈ ઉપર ગોઠણ ટેકવી આકાશ તરફ આગળના પંજા ઉઠાવી ખુદા પાસે દુઆ માંગતું હોય તો શું તે વાર્તા ઉપર ભારતમાં પ્રતિબંધ મુકવો જોઈએ કે ચાલવા દેવી જોઈએ? અથવા એક સસલો હોય અને સસલી ની જગ્યાએ બીજો પણ સસલો હોય તો તે ચોપડી ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ કે તેવી બાળવાર્તા ને સર્ક્યુલેશન માં રાખવી જોઈએ? તમારું શું માનવું છે?
આજના નિબંધ માં જવાબ નથી, માત્ર પ્રશ્ન છે. મન થાય તો તમારો મત જણાવશો.

7 દ્રષ્ટિકોણ – પુસ્તકોનો પ્રભાવ – દર્શના

મિત્રો તમારું મારા, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી સ્વાગત.
આજે આપણે પુસ્તક વિષે થોડી વાત કરીએ. તમારો વાંચવાનો શોખ ક્યારથી જાગ્યો? શું તમને યાદ છે કોઈ સુંદર વાર્તાઓ, સુંદર પાત્રો કે સુંદર પળો તમારા બાળપણની જયારે તમારા બા, બાપુજી, મોટી  બહેન કે ભાઈ એ કોઈ સુંદર ચોપડી વાંચી હોય અને કલાકો સુધી તમે તે વિષય અને તેના પાત્રો વિષે વિચારતા સપના ની દુનિયામાં ડૂબી ગયા હો? કેવા રંગબેરની રંગો માં તમારી દુનિયા ત્યારે રંગાઈ ગઈ હતી? પુસ્તકો આપણા સપનાને પાંખ આપે છે ને? હું આજે મારા બાળપણના એક વ્હાલા પાત્ર વિષે વાત કરવા માંગુ છું. પણ તે પહેલા મારા બાળપણ વિષે થોડી વાત કરું.
મારુ બાળપણ વીત્યું આફ્રિકાના ઇથિયોપિયા દેશની રાજધાની એડીસ અબાબા માં. એડીસ માં ગુજરાતીઓએ એક ગુજરાતી શાળા સારું કરેલી અને તેમાં મારા ભણતર ની શરૂઆત થઇ. બધુજ ભણતર ત્યાં ગુજરાતીમાં થયું. શનિવાર નો દિવસ ખાસ દિવસ હતો. એક તો તે દિવસ નિશાળ અડધા દિવસ ની ને ઉપરથી તે દિવસ લાઈબ્રેરી નો દિવસ. આતુરતા થી હું શનિવાર ની રાહ જોવ. લાઇબ્રેરીમાંથી મારા પ્રિય પુસ્તકો લાવું અને ઘરે આવીને બાફેલા મગ નો વાટકો ભરી ને તે ખાતા ખાતા ચોપડી વાંચવા બેસી જાવ. મમ્મી ક્યે કે એક વાર મારા હાથમાં ચોપડી આવે એટલે પછી આગ લાગી હોય તો પણ હું ચોપડી માંથી માથું ઊંચું નહિ કરું. મેં માત્ર ગુજરાતી વાર્તાઓ જ વાંચેલી। તેથી તે વખતના મારા પ્રિય પાત્રો હતા, બકોર પટેલ, શબરી પટલાણી, છેલ અને છબો, મિયાં ફુસકી, તભા ભટ્ટ વગેરે.
પાંચમા ધોરણમા મારુ ભારત આવવાનું થયું અને તે પછી મને અંગ્રેજી શાળા માં દાખલ કરવામાં આવી. તે વખતે હું ખુબજ ઉદાસ થઇ ગયેલી. તે શાળામાં ન તો ગુજરાતી પુસ્તક મળતા હતા કે ન તો ગુજરાતી નો વિષય હતો. થોડા મહિના નાસીપાસ રહીને પછી મેં હિન્દી પુસ્તકો અને પછી અંગ્રેજી પુસ્તકો વાંચવાના શરુ કર્યા। તે પછી મેં ગુજરાતી છાપા સિવાય ખાસ કંઈ ગુજરાતી વાંચ્યું નહોતું. પણ પછી અંગ્રેજી નો લ્હાવો લેતા લેતા અંગ્રેજી અને હિન્દી સાથે પ્રેમ થઇ ગયો. અને વર્ષો પછી બેઠકમાં આવતા ગુજરાતી ભાષા સાથે મારો ફરી પરિચય થયો અને હવે આ ત્રણ ભાષા ની મધુર સુંદરતા જાહોજલાલી થી માણું છું.
પુસ્તક માટે ઘણું કહેવાયું છે. તમે કેવા પુસ્તકોને બિરદાવતા  યાદગાર શબ્દો સાંભળ્યા છે?
નીચે લખેલા થોડા વાક્યો પુસ્તકો માટે મેં જોયા છે ……
* એક પુસ્તક, એક કલમ, એક બાળક, અને એક શિક્ષક દુનિયા બદલી શકે છે.
* પુસ્તક જેવો ઈમાનદાર કોઈ મિત્ર નથી.
* તમે ચોપડી ખોલો તો કંઈ શીખ્યા વગર રહી જ ન શકો
* ચોપડી એક નદી જેમ છે. તમે જોઈને તેમાં કૂદી પડો અને તરવા લાગો છો
* સરસ ચોપડી એક હસ્તધૂનન સમાન છે. ના, એક આલિંગન સમાન છે.
પણ બધાજ પુસ્તકો થી આવી લાગણી જન્મતી નથી. જયારે પુસ્તક, પાત્ર અને વાચક નો એવો અદભુત મેળાપ થાય છે અને ત્રણેય શબ્દોમાં વર્ણવી ન શકાય તેવા તંતુથી જોડાઈ જાય છે ત્યારે વાચક ચોપડી ના પાનાઓમાં ખોવાય જાય છે. જેમ્સ બોલ્ડવિને એક વખત કહેલું કે “જયારે તમે કોઈ યાતના માં થી ગુજરો ત્યારે તમને લાગે છે કે આટલું ભયંકર દુઃખ અને હાર્ટબ્રેક કોઈને વિશ્વનાં ઇતિહાસમાં ક્યારેય નહિ થયું હોય. પરંતુ પછી તમે વાંચો છો. અને જયારે વાચક બનો છો ત્યારે તમને જાણવા મળે છે કે જિંદગીની જે વાસ્તવિકતા તમને ખુબ પજવતી હતી, રડાવતી હતી તે જ વાસ્તવિકતા તમને બીજા વ્યક્તિઓ અને પાત્રો સાથે એક તંતુએ જોડે છે”.
તમે શું માનો છો? તમારા પ્રિય એવા કોઈ પુસ્તકો છે કે જે તમે નાની વયમાં વાંચ્યા હોવા છતાં તેમનો તમારા ઉપર એટલો ઊંડો પ્રભાવ હોય કે હજુ તમે વિચારો ત્યારે તે પાત્રો તમારા મગજ માં જીવંત થઇ જાય? તમારા બાળપણના અને એક યુવા વયના પ્રિય પુસ્તક નું નામ કોમેન્ટ માં જરૂર  લખશો તે વિનંતી.
ગુલઝાર સાહેબ નું કાવ્ય કિતાબે નો અનુવાદ કર્યો છે તે સંભળાવું છું,
પુસ્તકો ડોકિયાં કરે છે, બંધ કબાટ ના કાચ માંથી
સંવેદનશીલ પુસ્તકો ડોકિયાં કરે છે
મહિનાઓ સુધી મુલાકાત નથી થતી
જે સાંજ તેની સાથે વિતાવાતી હતી, તે હવે
કમ્પ્યુટર ની સાથે ગુજારાય છે
પુસ્તકો બેચેન છે
હવે તેમને ઊંઘમાં ચાલવાની આદત બની ગઈ છે
સંવેદનશીલ પુસ્તકો ડોકિયાં કરે છે
જે પ્રબળ વાતો કરતાતા
કે જેના દિલ ક્યારકેય મરતા નતા
એ પ્રબળ વાતો હવે ઘરમાં દેખાતી નથી
જે સંબંધની વાતો થતીતી
એ ઉઘાડા થઇ ગયા છે
પડખું ફરું છું તો નિસાસો નીકળે છે
શબ્દોમાં ક્ષતિઓ હોવા લાગી છે
વગર લીલાશ ના સુખા પાનખર લાગે છે શબ્દો
હવે તેનામાં ઉગવાની શક્યતા નથી
કેટલાય શબ્દોના કામ હતા
બધાય વિખરાયેલા પડ્યા છે
ચશ્મા નકામા થયા
પાના ફેરવવાની જે મજા આવતીતી
હવે બસ આંગળી ક્લીક કરવામાં
સમય વીતે છે
પડદા ઉપર ઘણુંય ખુલે છે
પણ પુસ્તક સાથે જાતીય હિસાબ હતો તે કપાઈ ગયો
ક્યારેક છાતી ઉપર રાખીને સુઈ જતા
ક્યારેક ખોળામાં લઇ લેતા
ક્યારેક ઘૂંટણ ઉપર પુસ્તક ને બેસાડતા
ક્યારેક પૂજા કરતા તેને માથે લેતા
ખેર એ બધા સપનાઓ તો ફળતા રહેશે ફરી પાછા
પણ એ પુસ્તકોમાં સુકાયેલા ફૂલ મળતાતા
મહેકતા થોભી ગયેલા પુસ્તક માંગવા, પડવા, ઉપાડવામાં સબંધ બનતા હતા
Sidebar – વાત કરીએ તો આપણે ઘણા એ રીતે મોટા થયા ક્યારેક બહેનપણી વાંચી લ્યે પછીએ પુસ્તક વાંચવા લેવા જઈએ ને પાછું આપવા જઈએ. ક્યારેક પુસ્તક ના આપવા લેવાના બહાને કોક ભાઈબંધ બની જાય. અને આ રીતે પુસ્તક સબંધના બહાના બનતા હતા. પુસ્તક માંગવા, પડવા, ઉપાડવામાં સબંધ બનતા હતા
તેનું શું થશે?
એ હવે કદાચ નહિ થાય  
આ સાથે બે યૂટ્યૂબ ની લિંક મુકેલી છે.
પહેલી લિંક માં હું મારા બાળપણના પ્રિય પાત્ર બકોર પટેલ ની વાત કરું છું.
Bakor Patel

અને બીજી લિંક માં ગુલઝારજી ના સુંદર કાવ્ય “કિતાબે” નો ભાવાનુવાદ કર્યો છે તે સાંભળજો. આ કવિતા સાંભળીને કયો કયું જૂનું હિન્દી ગીત યાદ આવે છે? ચોપડી માંગવા જતા, ઉછીની લેવા દેવા માં અને પડી જાય તેની ચોપડીઓ ઉપાડવામાં ક્યારેક માશુક અને માશૂકા વચ્ચે કેવા સબંધ બંધાય છે? ગુલઝારજી ની કવિતા કિતાબે નો ભાવાનુવાદ પ્રસ્તુત છે.
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com


 

કેવા રે મળેલા મનના મેળ

અમારા મિત્ર દાવડા સાહેબની એક કોમેન્ટે મને વિચાર કરવા પ્રેરી,કે “ગુજરાતી ભાષાની બેઠકમાં અજાણતા જ આપણા સૌનો પરિવાર જેવો સંબંધ બંધાઈ ગયો છે”.
આ લોહીના સબંધની  માત્રની  વાત નથી.સંબંધ જેના થાકી આપણું સમગ્ર જીવન વણાયેલું છે તો એ વશે વિચાર કરવા જેવો ખરો.સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી, પરંતુ જે કંઇ બને છે તે સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો સંબધનો અનુભવ છે. હું હકારત્મતામાં માનનારી છુ કોઈકવાર હું કોઈ વ્યક્તિ સાથે હું વિચારોમાં સંમત ન થવું એનો અર્થ એવો નથી કે મારા સંબંધ કાપી નાખું ભગવાનની કૃપાથી એના સારા ગુણ જોઈ શકું છું.અને સંબંધોમાં  તિરાડ આવતી નથી. ગુચવાડો સારો કે ખરાબ અભિપ્રાય થકી જ થાય છે.એને સંબધ સાથે જોડી ન દેવાય. સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. એક જીવનો બીજા જીવ સાથેનો સંબંધ, પછી તે માનવ હોય, પશુ હોય કે પક્ષી સાથેનો. કોઈ સંબધ જીવનમાં અનેક રંગો પૂરે છે તો કોઈ સંબધ જીવવાનું બળ આપે છે.કોઈ સંબધમાં આંખો તરસતી હોય છે તો કોઈ આંખો વરસતી હોય છે.કોઈ સંબધ ઠાઠડીમાં ગયા પછી પણ જીવે છે અને યાદોમાં આપણામાં જીવંત હોય છે.આપમેળે બંધાય તે સંબધ. એક ખુબ જીવનનું મહત્વનું પાસું છે.એ કરતા પણ વાસ્તવિકતા છે. અમે કહું તો વધુ યોગ્ય લાગશે  સંબધ એટલે આપ્તભાવ. એક મારાપણાનો અનુભવ છે.અહેસાસ છે. પોતીકી લાગણી એજ તો સંબધ છે, એક સંયોગ જે આપણને વિચાર કરતા મુકે છે,આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય અને સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે,માનવી નો સ્વભાવ ટોળું છે એકલતા તેના સ્વભાવમાં છે જ નહિ કોઈ પણ વ્યક્તિ,વસ્તુ કે જીવન સાથે કોઈપણ કારણ થી જોડાવું એટલે જ સંબધ.એક પક્ષી જેમ ઝાડ સાથે જોડાઇ જાય છે ને ?
મને યાદ આવે છે એક સુંદર ગીત “કેવા રે મળેલા મનના મેળ”
 આ મનના મેળ એટલે શું ?પ્રેમ,ત્યાગ,સમપર્ણ,સ્પર્શ,વેદના,સંવેદના,આનંદ,વિરહ આ સંબધની પરિભાષા છે. સંબધમાં તરવરતા છે. સંબંધ માપવા કરતા માણવાની વાત છે. દરેક સંબધનું એક મહત્વ અને એક માહાત્મ્ય હોય છે.કળીની મૃદુતામાં તો પાનખરમાં પણ સંબધો નો અહેસાસ છે અને સત્યે છે કે માનવી સંબધો થકી લીલોછમ્મ છે…કોઈ સાથ અને એકાદ હાથ આપણને હૂંફ આપતો હોય છે. વળી કોઈ સંબંધ બંધાતા શીતળતા મહેસૂસ થાય છે.માનવી જન્મતાની સાથે સંબંધોમાં અજાણતા જ બંધાઈ જતો હોય છે અને ત્યાર પછી સંજોગો, સમય, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર થાય.ક્યારેક અજાણતા તોડી નાખતો માનવી આખી જંદગી વણઉકેલી ગુંચમાં અટવાય છે,તો કયારેક દુઃખી કે સુખી પણ થાય છે પરંતુ સત્ય એ છે કે એ  સંબંધ જ માનવીને જીવનતા બક્ષે છે.સંબધો વિણ તો માનવી જાણે અધુરો ..સંબધ માણસ નું વ્યક્તિત્વ સર્જે છે.
 
માણસ સંબંધો વગર જીવી ન શકે.દરેકની જિંદગીમાં એવા સંબંધો હોય છે જેના માટે માનવીને જીવવાનું મન થાય છે.પછી એ પ્રભુ સાથે નો નાતો કેમ ન હોય.મારી કોઈ રાહ જોવે છે એ સંબંધોનો કેટલો મોટો અહેસાસ છે,મિત્રોને કે સ્વજનને તમારા વગર પ્રસંગ  અધૂરો  લાગતો  હોય માનજો કે તમે સંબધોને જાળવ્યા છે.ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે સંબધોથી જોડાયેલા છો.​કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો ​માનજો કે તમને સંબધોનું મુલ્ય છે,તમે સંબધોને સાચવ્યાં છે.રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમને સંબધોમાં મારાપણાનો અહેસાસ છે.કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે સંબધોના દરેક અર્થ જાણો છો.એકલા કોળીયો ગળે ના ઉતરતો હોય તો સમજજો કે સંબધથી તમે બંધાયેલા છો.કોઈનું હૃદય તમારા માટે ધડકે છે તો તમારો એક અનોખો સંબંધ છે.ક્યારેક કોઇ સંબંધો વિશે કોઇ શબ્દો જ નથી હોતા કે તેને વિશે વિચારવુ શક્ય નથી હોતું, શાંત ચિત્ત અશાંત બની જાય છે. તેને વિશે વિચારવાને બદલે તેની લાગણીઓને મહેસૂસ કરવી જોઇએ.કોઈની હાજરી માત્ર થી ઘણા સંબધો મઘમઘે છે,સંબંધની બાબતમાં તમે કોઇને ભ્રમમાં લાંબો સમય રાખી ના શકો. તમને કોણ ચાહે છે કે કોણ નથી ચાહતું એની ખબર આપોઆપ પડી જાય છે.હા,પણ ત્યાં નિશ્ચિતપણે બન્ને પક્ષે સમજદારી જ સંબંધને વિકસાવે છે.
 
સાચવવા પડે તે સંબંધ નહિ,સચવાય તે સંબંધ નહિ.​આવું ઘણા કહેતા આવ્યા છે.જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો સંબધો થી જોડાયેલો છું ​અને જો સંબધો નો ભાર લાગે તો અટક્જો અને વિચાર જો જરૂર.સમયના વહેણ માં કયારેક સંબધો બદલાય. ક્યારેક સુગંધ જેવો અનુભવાય પણ પકડી ન શકાય.. પરિભાષા પણ બદલાય છે અને ​સંબંધ નવા નામ નવા સ્વરૂપ જરૂર આવે પરંતુ તે સો ટચના સોનાં જેવા જ હોય છે.એકદમ કુદરતી. સંબંધમાં મોસમનાં પહેલાં વરસાદ પછીની માટીની સુગંધની જેમ બધું કુદરતી હોય છે. જે સંબંધોને કોઇ નામ કે ઓળખ નથી હોતી તેવાં સંબંધો દરેક સીમાઓ પાર કરીને પણ વિસ્તરે છે. સહજ,નામ અને ઓળખ વગરના સંબધોને આપણે ઋણાનુબંધ નામ આપીએ છીએ તો કયારેક સંજોગો વિચારો, સમય અને પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર જરૂર થાય છે અને મેળવવાની ખેચ તાણમાં કયારેક તૂટે છે કારણ પામવાનું ભૂલી મેળવવામાં પડીએ છીએ., સંબધને માપીએ છીએ હું આ સંબંધ ને વહેવાર નું નામ આપીશ.માનવી વહેવાર ને સાચવવામા કયારેક પોતાનું સાચું સ્વરૂપ ભુલી જતો હોય છે,સંબધોની કયારેક થોડી ગુંચ ઉકેલાય તો એમ સમજે છે કે હું ડાહ્યો પરંતુ નિરાંતે વિચારે તો ખબર પડે છે કે આપણે સહુ માત્ર નિમ્મિત ,કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને સંબંધો રચાય છે અને જશ પોતાને આપે છે  અને વ્યવસ્થિતને આધારે સમય થતા અચાનક જિંદગીમાંથી દુર પણ ચાલ્યા જાય છે,ત્યારે કયારેક આપણને અને વધારે બીજાને દોષિત ઠર્વીએ છીએ.કોઈને દોષિત ઠરાવવાથી  શું ફાયદો દોષ માત્ર અપેક્ષાનો છે.પ્રેમ,લાગણી,સ્નેહ,આત્મીયતા,સાથે માન,કદર, અહમ અને યશ આ બધું સંબધ સાથે જોડાઈ જાય છે.સંબંધ અને અપેક્ષા એવા વણાંયેલા છે કે એની પારદર્શક રેખા સામન્ય માનવીને કયારેય દેખાતી નથી.
 
 સંબંધો તો બગીચાનાં છોડ જેવા,વધુ કે ઓછુ પાણી ખપે નહી.ખોટ પડી ત્યાં મુરજાય જાય અને ફરીથી સિંચન કરો સ્નેહનું કદાચ ઝરણુ ફૂટી નીકળે.  સંબંધોમાં ક્યારેક એવું લાગે કે સાવ અલગ થઇ જવાયું છે કે બધું છીનવાઇ ગયું છે ત્યારે જ તે સંબંધ એકબીજાનો સાચો અંશ બને છે. દૂર રહેવાથી સંબંધનું સ્વરૂપ જરૂર બદલાય પણ બંનેને ગાઢ સંબંધની અનુભૂતિ થાય છે.આપણી લાગણીનો વિસ્તાર આપણને ઘણીવાર નડે છે.ઓછા પણ કિંમતી અને અમૂલ્ય સંબધ રાખો.કોઇ કહે કે આ સંબધ માં કોઈ અપેક્ષા નથી,એવુ હોતુ જ નથી.હા,વળતરમાં સ્નેહની અપેક્ષા હોય……..જે ચૂકવવી અઘરી હોતી નથી.બસ થોડો સ્નેહનો વરસાદ પૂરતો છે.
 
સંબંધ જ્યારે જન્મે છે ત્યારે આયુષ્ય લઈને આવતા નથી ક્યારેક સંબંધો તૂટે છે સંબધો ગાળાની ભીસ બને છે. ત્યારે માણસ મુક્ત થવા તરફડે છે.પણ સંબંધોમાં અળગા થવું સહેલું નથી, હૂફ આપતો હાથ અચાનક ગરમ થઈ જાય અને હૂંફની જગ્યા દાહ લઈ લે છે. રોમેરોમ બળવા લાગે છે. આપણી અપેક્ષા જ આપણને દુઃખી કરે છે જે સંબધ મુરઝાઈ ગયા છે,એમાં આપણે ક્યાંક તો આપણે જવાબદાર હોઈએ છીએ.ક્યારેક સંજોગો, સમય, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર થાય. સંબંધની નિષ્ક્રિયતા થતા એક સમયે સાથે હોય તેવી વ્યક્તિ સામસામે છેડે મૂકાઇ જતા ઘણીવાર તૂટી ગયેલા સંબધો નો સામનો કરવો પડતો હોય છે પરંતુ યાદ રાખવાનું એ છે કે આપણે સંબંધોથી પરાસ્ત નથી થયા. સંબંધ ભલે ખતમ થાય ‘ગ્રેસ’ સહજતા ખતમ ન થવી જોઈએ,જે સરળતાથી સંબંધ શરૂ થાયા હતા અને એ જ સરળતાથી સંબંધ આગળ વધ્યા હતા ,અને એ જ સંબંધમાં જ પ્રેમની સુવાસ ભળી હતી તો સંબંધ પૂરો થાય ત્યારે કે કોઇ કારણસર અલગ થવું પડે આમાં માત્ર સરળતા સિવાય કશાનું મહત્વ જ ના હોવું જોઇએ.આજ સંબંધોનું તથ્ય છે અને સત્ય છે. સંબધને વહેવા દો….ઊડવા દો……અવકાશ આપો……લાગણી છે ત્યાં સંબધ છે.એને મુક્તપણે વિસ્તરવા દો.જો સંબંધો કુદરતી જ હોય તો એને નદીના વહેણ ની જેમ વહેવા દો….. બાંધશો તો તોફાન આવ્યા વગર નહિ રહે.
 
મહાન ફિલસૂફ  ,ખલિલ જિબ્રાનનું આ વાક્ય સંબંધ અને બંધન  વિષે સરસ સમજણ આપે છે. એકબીજાને પ્રેમ કરો, પરંતુ પ્રેમનું બંધન ન કરો: તમારા આત્માઓના કિનારે ચાલતા રહો. એકબીજાના કપ ભરો પરંતુ એક કપથી પીવું નહીં.
 
 જો સંબધના મુલ્યો યુગે યુગે બદલાય છે તો જે બદલાય એ શાશ્વત કેવી રીતે હોય શકે ? આધ્યાત્મ કહે છે સંબંધ બંધન કરતા છે જે વહેવારની અસર આપણે અનુભવીએ  તે બંધન નહિ તો બીજું શું ? ​જન્મતાની સાથે છારી જેવા આવરણો શુદ્ધતા ઉપર એવા ચડવા માંડે છે…દૂધ આપે એ મારી માં જે મારાપણા નો અહેસાસ દેવડાવે છે. હકીકતમાં આ માત્ર ભાસછે કે ખોટા અભિપ્રાય છે એ માનવી ભૂલી જાય છે અને પછી એ ભાસને સંબંધોના નવા સ્વરૂપે જોઇએ છીએ. કયારેક દુઃખી તો કયારેક સુખી થઇ મહાલતો રહે છે.આવા ખોટા અભિપ્રાય સાથે આપણે જીવીએ છીએ ત્યારે આધ્યાત્મ  કહે છે શુદ્ધતા જુવો હું,તું, તમે,મારું,તમારું,આપણું માત્ર વિવિધ નામો… તો પછી સંબંધ ના વિશેષણો ને ભૂસી કેમ ન નાખવા ?માનવીના સાચા સ્વરૂપને કેમ ન ઓળખવું ? દરેકમાં શુદ્ધ આત્મા કેમ ન જોવો ? નિશ્વાર્થ,શુદ્ધ સાત્વિક પરિપૂર્ણ સંબંધ કેમ ન બાંધવો ?અને સંબધોના ખોટા અભિપ્રાય થી મુક્ત થઇ કેમ ન વિહરવું !
 
 
Pragnajiઅમે બસ અહીં સુધી પહોંચ્યા…!-ડો.મહેશ રાવલ

મિત્રો
એક ખુશીના સમાચાર સાથે જાણવાનું કે સાહિત્યક્ષેત્રે  કાર્યરત એવા ડૉ. મહેશભાઈ રાવલ(રાજકોટ)   બે એરિયામાં કાયમી વસવાટ માટે આવી ગયેલ છે અને તેનો લાભ રજૂઆત દ્વારા આપણને મળતો રહેશે પરંતુ ,જેઓં લખવા ઈચ્છતા હોય અથવા લખતા હોય તેમને તેનું માર્ગદર્શન પણ મળતું રહેશે. તો વિના સંકોચે તેમને email  અથવા ફોન દ્વારા સંપર્ક કરી શકશો .
આ સાથે એમની લખેલી નો  તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” ની ૧૦૦મી  છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહી  છું .આ ગઝલની પહેલી બે લાઈન મને એટલી સ્પર્શે છે કે સહજતાનો સહારો લઇ તેઓ અહી સુધી પહોચ્યા. આમ જોવા જઈએ તો આખી ગઝલમાં કયારેક ઉત્તમ વિચારો તો કયારેક જાતઅનુભવ અને અંતે આધાત્મિકતા નજરે ચડે છે ,આમ  ભાવ અને લયનો જવાબ જ નથી ટુકમાંએક સફળ કવિના શબ્દોની તાકાત અનુભવી છે.

આપ સર્વે પણ આ અનુભવી કલમને માણો.

ડૉ. મહેશભાઈ રાવલ શબ્દોનુંસર્જન  બ્લોગ પર આપનું  હાર્દિક સ્વાગત..

તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા

અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.

ડો.મહેશ રાવલ

ડૉ.મહેશ રાવલ.http://navesar.wordpress.com

408-329-3608