Vicharyatra : 15 Maulik Nagar “Vichar”

મા સૃષ્ટિ છે.

હંમેશની જેમ આજે પણ કહું છું કે આમ તો મારાં મૌલિક વિચારોની દ્રષ્ટિએ જીવનનો મળેલો એક નવો દિવસ એ ઉત્તમ અને પવિત્ર જ છે. છતાંય તારીખો અને તિથિઓની માયાજાળ પણ મને ગમે છે. થોડાંક જ કલાકોમાં આખું વિશ્વ્ “મધર્સ ડે” ઊજવશે. પોતપોતાની મમ્મીઓને ભેટ-સોગાદ આપશે. વિશ્વ એટલું જાગૃત છે કે હવે ભેટ-સોગાદની જગ્યાએ તેઓ પોતાનાં માતા-પિતાને સમય આપશે. ખરેખર, આ જાગૃતિ ફેલાવવા બદલ સોશ્યલ મીડિયાનો ખૂબ આભાર માનવો જોઈએ. આ અભિયાન સોશ્યલ મીડિયાનું ઘણું સારું અને પોઝિટીવ પાસું છે. જો મા સૃષ્ટિ છે તેમ કહીએ તો ૩૬૫ દિવસ મધર્સ ડે, બાકી બધાં અધર ડે…મા શબ્દ આવે એટલે કંઈ જ બાકી નથી રહેતું. હાલમાં જ એક વિડીયો માટે સ્ક્રિપ્ટ લખવાની હતી તો તેનું પ્રથમ વાક્ય જ મને એ સૂઝ્યું કે “મા એ શબ્દકોશનો એક અક્ષરવાળો એવો શબ્દ છે કે જેની સામે મોટાં-મોટાં ગ્રંથો પણ નાના લાગે.

મને ક્યારેક એવો વિચાર આવે કે આપણે ક્યારેય પણ સૃષ્ટિ સાથે શું સંબંધ છે તેવું ક્યારેય નથી કહેતા. તો એ જ ન્યાયે મા અને દીકરા/દીકરીનો સંબંધ પણ ન જ કહી શકાય. કેમકે મારાં અનુભવે મેં તો દરેક સંબંધમાં હંમેશા કોઈકને કોઈક કન્ડિશન જ જોઈ છે. પરંતુ મા હંમેશાં આપવાનો જ વ્યવહાર રાખે છે.
પહેલા રક્ત પછી દૂધ અને અંતમાં આંસુ.. એટલે જ માનું દિલ પ્રવાહી જેવું નિર્મળ છે. કોઈ પણ સ્ત્રી, સ્ત્રીરૂપે ગમે તે હોઈ શકે પરંતુ તે મા સ્વરૂપે માત્ર મા જ હોય છે. મા શબ્દનો પણ કોઈ પર્યાય નથી. એ જે છે, એ જ છે. આપણા તન અને મનનું જતન તે માની દિનચર્યા છે. તે પાત્રએ આપણને નવ-નવ મહિના પેટમાં ઉછેર્યા અને એનો ભાર સહન કર્યો. અને હજી થોડુંક આગળ દ્રષ્ટિ કરીએ તો તેણે આપણને આપણા સ્કૂલની બેગનો ભાર પણ ઉંચકવા નથી દીધો. મા જયારે પણ ફૂંક મારીને ગરમ ગરમ રોટલી ખવડાવતી તે કોળીયાંમાં મીઠાશ જ અનેરી હતી.

તમને ખબર છે..માએ આપણાં શોખ એ તેનાં શોખ બનાવી લીધાં અને આપણાં ચહેરાં પરનું સ્મિત એ તેનું મનોરંજન હતું. કવિઓએ કોયલનો ટહુકો ભલે મધુર વર્ણવેલ હશે, પણ માના સ્વરથી મધુર બીજો કોઈ સ્વર નથી. ગઝલકારો માટે કદાચ પ્રિયતમાના સ્પર્શમાં નાજુકતા હશે, પણ માના ટેરવાંનો એકેએક સ્પર્શ અદ્ભૂત છે.

અંતે એક ઝાંખી વાસ્તવિકતા કહું તો કુદરતે દરેકને ત્રણ-ત્રણ માના વરદાન આપેલ છે. પ્રથમ જેના કૂખે જન્મ લીધો તે જનની. બીજી, આપણો ભાર સહન કરી આપણને વીર બનાવ્યા તે માતૃભૂમિ, અને છેલ્લે આપણા સંસ્કારના પરિવહન માટેનું જે માધ્યમ બની તે માતૃભાષા.
કુદરતે આપેલ આ ત્રણેય માને શત શત વંદન.
કારણ કે,
મા જ સૃષ્ટિ છે.
– મૌલિક “વિચાર”

HopeScope Stories Behind White Coat – 3૮ / Maulik Nagar “Vichar”

સોરી

બસ બે જ દિવસમાં ડિસ્ચાર્જ! અત્યારે તો પરફેક્ટલી ઑલરાઇટ છે. હમણાં જ એને ચેક કરીને આવ્યો છું. હવે તો એને માત્ર ઓબ્સર્વેશનમાં જ રાખેલ છે.” ફિલ્મના હીરો જેવાં દેખાતા ડૉ. પરીખે કેટલાય દિવસોની માંદગીથી સપડાયેલા સર્વાયુના ડિસ્ચાર્જના સમાચાર આપી એનાં મમ્મી પપ્પાને ચિંતા મુક્ત કર્યા.
“પરંતુ સર, યુવરાજ સરે તો…??!!” ડૉ. યુવરાજ પાસેથી કંઈક અલગ જ માહિતી મળેલ હોવાથી સર્વાયુના મમ્મી અને પપ્પાએ બંનેએ સાથે ઉદ્દગાર કર્યો.
પરંતુ એ ઉદ્દગાર ઉચ્ચારમાં બદલાય તે પહેલાં જ સાથે ભણેલાં, સરખી ડીગ્રી અને હોસ્પિટલમાં સરખી જ પદવીવાળા ડૉ. પરીખે સર્વાયુના મમ્મી પપ્પાને અડધે જ અટકાવ્યા અને થોડું બીજું મરચું મીઠુ ભભરાવ્યું.

સાહેબજી, કેટલી ચમચી સુગર?” ડૉ. પરીખે પોતાની કૉફીમાં નાખેલી બે ચમચી સુગર હલાવતા હલાવતા ડૉ. યુવરાજને પૂછ્યું.
“પરીખ મને તારી આ હરકત નથી ગમતી. તને ખબર જ છે કે સર્વાયુ બે-ચાર દિવસનો જ મહેમાન છે. વ્હાય કાન્ટ યુ બી ટ્રાન્સપેરન્ટ. ખોટા હીરો બનવાની શી જરૂર છે?” ડૉ. યુવરાજના અવાજમાં થોડી અકળામણની સાથે ભીનાશ પણ હતી.

“સાહેબજી, તમારી કાઉન્સેલિંગ કરવાની સ્ટાઇલ અલગ હશે! મારી કાઉન્સેલિંગ કરવાની સ્ટાઇલ અલગ છે.” ડૉ. પરીખના ‘સાહેબજી’ સંબોધનમાં ભરપૂર ઇર્ષા નીતરતી હતી.
જોવામાં ડૉ. પરીખ લાગતા’તા તો હીરો જેવાં પરંતુ એમનાં વાણી, વર્તન, વિચાર બધામાં કપટ હતું.
એમનાં શબ્દો મીઠ્ઠા હતા પરંતુ એમની દાનતમાં મીઠાશ ન હતી.
એમને હંમેશા ડૉ. યુવરાજની અદેખાઈ આવતી હતી.
ડૉ. યુવરાજ પીડિયાટ્રિક ઇન્ટરસીવિસ્ટ તરીકે આખા ગુજરાતમાં ખૂબ જ જાણીતું નામ હતું.
નર્સિંગ સ્ટાફ હોય કે મેડિકલ ઓફિસર બધાની જ લાપરવાહીથી તે અજાણ ન હતાં. એટલા માટે જ જો તેમણે હોસ્પિટલમાં જ જો રાતવાસો કરવો પડે તો તે તૈયારી સાથે જ આવતાં હતાં.
લક્ઝરી કારના શોખીન ડૉ. યુવરાજના પાંચ એકરના મોટાં બંગલામાં ગૌશાળા પણ હતી અને બે-બે તાલીમ પામેલા ઘોડાં પણ હતાં.

સાચે જ, સાધનો જોઈએ તો તેઓ સંપન્ન હતાં.
રંગે ઘઉંવર્ણા ડૉ. યુવરાજની વાણીમાં સચોટતા અને નમ્રતા પણ એટલી જ સંપન્ન હતી.
તેમની જીવનશૈલી જોતાં જ પેલી કહેવત યાદ આવી જાય,”ઑલ્ડ વાઈન ઈન અ ન્યૂ બૉટલ”
ઈમાનદારી અને મહેનતથી કમાયેલી સંપત્તિને તેઓ બખૂબી ભોગવતા હતા પરંતુ ડૉ. યુવરાજને તેનું જરાક પણ ઘમંડ ન હતું.
બધી જ સુખ સાહેબીની સાથે તેમને નાના-નાના ભૂલકાઓની સેવા કરવામાં જે સંતોષ મળતો હતો તે જ તેમના નાદાન હસમુખા ચહેરાનું કારણ હતું.
દરેક પેશન્ટને જાણે તે પોતાનું બાળક હોય તેમ જ ટ્રીટમેન્ટ આપતા હતા.
બસ માત્ર એક જ કમી હતી..”આ બધું જ કમાયેલું ભોગવનાર જન્મતાની સાથે જ શૂન્યતામાં ભળી ગયો હતો.”

ડૉ. પરીખે બનાવેલ બે ચમચી નાખેલ ખાંડવાળી કૉફી ડૉ. યુવરાજને કડવી લાગતી હતી.
વારંવાર એમની આંખ સમક્ષ સર્વાયુ અને એનાં મમ્મી પપ્પાનો ચહેરો જ આવતો હતો.
આટલા અનુભવી ડૉક્ટર આજે છલકપટની જાળમાં ફસાઈને બેચેન થઇ ગયાં હતાં.
એમનાં મગજમાં તો સર્વાયુની મમ્મી પપ્પા સાથે કરેલ કાઉન્સેલિંગના સંવાદો જ ગુંજતા હતા.

“સોરી, સર્વાયુની હાલત ખૂબ જ નાજૂક છે.”
“એટલે..એટલે…એને ડિસ્ચાર્જ ક્યારે મળશે?”
“ગણતરીના જ કલાકો…”
“ડિસ્ચાર્જ?”
“ના…” અને આ જ શાબ્દિક ગૂંગળામણ ડૉ. યુવરાજના મગજમાં પડઘા બનીને ગુંજતી હતી.
સાથેસાથ ડૉ. યુવરાજને એ પણ ખૂંચતું હતું કે ડૉ. પરીખને જાણ છે કે સર્વાયુ હવે થોડાંક જ કલાકનો મહેમાન છે તેમ છતાં પણ એના સગાને અંધારામાં શું કરવા રાખે છે?
ડૉ. યુવરાજના મનમાં હજી વિચારોના ઝંઝાવાતે જોર પકડ્યું જ હતું ને ત્યાં જ નર્સિંગ સ્ટાફે આવીને સર્વાયુના સમાચાર જણાવ્યાં.
ડૉ. પરીખ અને ડૉ. યુવરાજ પી.આઈ.સી.યુમાં જઈને સર્વાયુને તપાસ્યો અને એનાં પેરેન્ટ્સને કાઉન્સેલિંગ રૂમમાં બોલાવ્યાં.

ડૉ. પરીખના ચહેરા પર દર વખતની જેમ બેફિકરાઈ જણાતી હતી.
સત્તાવાર રીતે ડૉ. યુવરાજ જ હંમેશા પેરેન્ટ્સ સાથે પ્રથમ વાત કરતા હોય તેથી
“ૐ શાંતિ”
“સોરી ટુ સેય..સર્વાયુ ઇઝ….?” વાક્ય પત્યું ન પત્યું અને સર્વાયુની મમ્મીએ ડૉ. યુવરાજને એક સમસમાટ લાફો ઝીંકી દીધો.
“વ્હોટ ધ હેલ આર યુ ડુઇંગ? સિક્યોરિટી…..સિક્યોરિટી…! ડૉ. યુવરાજના ગાલની સાથે એમનું મગજ પણ ગરમાગરમ થઇ ગયું.
સિક્યોરિટી..સિક્યોરિટીની બૂમો સાંભળતા ઉશ્કેરાયેલા સર્વાયુના મમ્મીએ બે-ચાર બીજાં લાફા ઝીંકી દીધાં.

“ચોર છે તું…બેદરકાર છે તું..ઈર્ષા આવે છે તને લોકોના બાળકોની..” ઘસાઈ ગયેલી ટેપ-રેકોર્ડરની જેમ ચીસો પાડતા સર્વાયુના મમ્મી સાથે એનાં પપ્પાએ પણ સૂર પૂરાવ્યો.
“સાંજ સુધી તો ડૉ. પરીખ કહેતા હતા કે એ એકદમ ઑલરાઈટ છે અને એને બે દિવસના ઓબઝર્વેશન પછી ડિસ્ચાર્જ કરવાના છે. કેમ અચાનક શું થઇ ગયું એને?”
સેન્ટ્રલી એરકંડીશનવાળી હોસ્પિટલમાં માહોલ ગરમાગરમ થઇ ગયો.
“વી આર ગોઈંગ ટુ સૂ યુ ડૉ. યુવરાજ”

શોકમય વાતાવરણ વચ્ચે વાત અંતે કાયદેસર કાર્યવાહી પર પહોંચી.
હોસ્પિટલનાં પ્રાંગણમાં આજે પ્રથમ વખત વકીલ આવ્યાં હતા.
ડૉ. યુવરાજની પ્રતિષ્ઠાને આજે પ્રથમ વખત ઠેસ પહોંચી હતી.
એમના વિશે છાપા અને સમાચાર પત્રોમાં જાતભાતના આક્ષેપો છપાતા હતાં.
કિસ્સો સી.સી.ટી.વીના જમાનાનો હતો.
એટલે પોલીસ અને વકીલ દ્વારા સૌ પ્રથમ પી.આઈ.સી.યુના સી.સી.ટી.વી ફૂટેજની માંગણી થઇ.

સી.સી.ટી.વી ફૂટેજની સેકંડ્સ જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ ડૉ. યુવરાજની છબી છત્તી થતી હતી.
એમનાં સ્પર્શમાં સર્વાયુ માનું વાત્સલ્ય અનુભવતો હોય તેવો હરખાતો હતો.
જે ક્ષણે ડૉ. યુવરાજે સર્વાયુના મમ્મી પપ્પાને કહ્યું હતું કે એની હાલત ખૂબ જ ગંભીર છે, તે જ ક્ષણથી ડૉ. યુવરાજ સર્વાયુ પાસેથી ક્યાંય ખસ્યા ન હતાં.
આખી રાત એની પડખે બેસીને એનાં માથા પર હાથ ફેરવ્યો હતો.
સાથેસાથ એને બચાવવાના અથાગ પ્રયત્નો તો ચાલુ જ હતાં.
જે સમયે ડૉ. પરીખે કહ્યું હતું કે ‘હું હમણાં જ એને ચેક કરીને આવ્યો છું’, ‘બે દિવસમાં ડિસ્ચાર્જ!..વિગેરે..વિગેરે..’ એ જ સમય દરમ્યાન ક્યાંય પણ ડૉ. પરીખની હાજરી જણાઈ ન હતી.
દર વર્ષે સર્વાયુના મમ્મી પપ્પા સર્વાયુની પુણ્યતિથિએ ડૉ. યુવરાજને એમની ગૌશાળાની ગાયોના ધાન માટે નાની અમથી રકમનો ચેક મોકલે છે અને સાથે એક ચિઠ્ઠી મોકલે છે. જેમાં માત્ર એક જ અક્ષર લખેલો હોય છે. “સોરી..”

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 3૭ / Maulik Nagar “Vichar”

“આઈ એમ વેરી હેપ્પી ટુડે પપ્પા!!”

“તો મારા બચ્ચાએ આજે શું ખાવાનું બનાવ્યું છે?”
“ઉમમ..પપ્પા આજે તો હું પૂડલા ખાવાની છું.” બોલતાની સાથે જ હૈદ્રાબાદમાં મેડિકલનું ભણતી પ્રાઇવેટ ફ્લેટમાં રહેતી જ્ઞાનીએ ડબૂક કરતા ઈંડાની સફેદી ફ્રાયપેનમાં પધરાવી.
“પ્રાઉડ ઑફ યુ બેટા.”
“પપ્પા..આઈ એમ વેરી હેપ્પી ટુડે.”મિત્રોના શોરબકોરની વચ્ચે, ફ્રાયપેન પરની ઑમલૅટ ઉથલાવતા જ્ઞાનીએ પપ્પાને પોતાની ખુશી વ્યક્ત કરી.
વાત આગળ ધપે તે પહેલા જ રાતપાળી કરી રહેલાં ડૉ. પંડ્યાને જાણે કે ઍમ્બ્યુલન્સની રથયાત્રા નીકળી હોય એમ ઉપરાછાપરી ચાર-પાંચ ઍમ્બ્યુલન્સનો ચિત્કાર સંભળાયો.
“ચલ બેટા ટૉક ટુ યુ ઈન સમટાઈમ. ઈટ સિમ્સ સમ ઈમરજંન્સી.” વાત અધૂરી મૂકતા જ ડૉ. પંડ્યાએ જ્ઞાનીને પછી વાત કરીશું તેમ જણાવ્યું.
હજી દીકરી જ્ઞાનીનો ફૉન મૂકે અને ડૉ. પંડ્યા કોરીડોરમાં આવે ત્યાં તો કાળી મેસ જેવાં બળી ગયેલા પાંચ-છ દર્દીઓના સ્ટ્રેચર અંદર આવતાં જોયાં.
“ઑહ માય ગૉડ..ઍક્સિડન્ટ કેસ?” ડૉ. પંડ્યાએ સ્ટ્રેચરની સાથે ઘસી આવતાં ડૉ. દવેને પૂછ્યું.
“ના, કોમી હુલ્લડ” ડૉ. દવેના ઉત્તરમાં અને બોડી લેંગ્વેજથી જણાતું હતું કે હજી પણ ઘણી ઍમ્બ્યુલન્સ લાઈન લગાવીને ઊભી છે.
ફેબ્રુઆરીની મોડી રાત હતી.
વાતાવરણમાં ઠંડક હતી પરંતુ શહેરમાં આગના ગુબ્બારા ઝગારા મારતા હતાં.
થોડાં કલાકો પહેલાં જ અમદાવાદ શહેરની નજીકમાં આવેલાં ગોધરામાં સ્વયંસેવકોનો ટ્રેનનો ડબ્બો બાળ્યો હોવાના સમાચારથી ડૉ. પંડ્યા અજાણ હતા.
પોતાની ધૂનમાં જ મશગૂલ, વિવેકી, ચૂસ્ત કર્મકાંડી ડૉ. પંડ્યા સમાચાર સાંભળવા કે વાંચવામાં ઝીરો હતાં.
એમનાં વાંચનના શોખમાં ધર્મનું વાંચન પહેલાં હતું.
દરેક વેકેશનમાં હિલ સ્ટેશન કરતા મંદિરોની મુલાકાતની પસંદગી મોખરે રહેતી.
ધણી વખત એમનાં પત્ની ગીતાબહેન તો મજાકમાં કહેતા કે “મેં તો સંસારી સાધુ સાથે લગ્ન કર્યા છે.”

ગોધરાની દુર્ઘટનાને પંદર કલાક જેટલાં થઇ ગયાં હતાં. સાથેસાથ શહેરમાં પણ વાતાવરણ તંગ થઇ ગયું હતું.
વહેલી સવારે થયેલી દુર્ઘટનાના સમાચાર વાયુ વેગે ફેલાતા બપોરથી જ અમદાવાદ શહેરમાં નાનામોટા છમકલાં ચાલુ થઇ ગયા હતાં.
મોડી સાંજ સુધીમાં તો શહેર ભડકે બળવાનું ચાલુ થઇ ગયું હતું.
જે શહેરમાં માણસ વસતા હતાં ત્યાં અચાનક દાનવોએ પગપેસારો કરી દીધો હતો.
હોસ્પિટલના પરિસરમાં પીડિતોની કતાર લાગી ગઈ હતી.
કોઈકના ગળામાં હનુમાનજીનું માદળિયું હોય તો કોઈકના હાથમાં લાલ નાડાછડી.
સંપ્પન ધમાલી હોય એનાં હાથમાં ૐ કોતરેલી વીંટી હોય તો કોઈકના કપાળે લાલ કંકુનો માતાજીનો તિલક.
પરંતુ એ બધાની સાથે જ કોઈકનો પગ ભાંગેલો તો કોઈકનો હાથ તૂટેલો.
કોઈકના કપાળેથી લોહી વહેતુ તો કોઈકના ગળામાં ચપ્પાનો ઊંડો ઘા જણાતો.
ઉપરાછાપરી કેસ પર કેસ આવતા હતાં. એમ.એલ.સી માટે પણ પોલીસ આવી શકે તેમ ન હતી.

ચુસ્ત બ્રાહ્મણ ડૉ. પંડ્યાને પહેલેથી જ વિધર્મીઓ માટે ખારાશ તો હતી જ.
હવે તો એમની વાણીમાં અવનવાં શ્લોકો આવી ગયાં હતાં.
ખાસ મિત્ર ડૉ. દવેએ તો ડૉ. પંડ્યાની વાણીમાં માત્ર ધર્મધ્યાનની પવિત્ર વાતો જ સાંભળી હતી.
અત્યારે તો એમનું રૂપ જ બદલાઈ ગયું હતું.
શહેરની લગભગ બધી જ હોસ્પિટલની બહાર જાણે કે હાઉસફૂલનું પાટિયું વાંચીને એક રિક્ષા હોસ્પિટલના ઈમરજંસી ડિપાર્ટમેન્ટના દરવાજે આવીને અટકી.
લગભગ અડધો અડધ બળી ગયેલો માણસ રિક્ષામાંથી સ્ટ્રેચરમાં ઠાલવ્યો.
ઔપચારિક વિધિ પતાવવા એનો રીક્ષાચાલક નાનો ભાઈ રિસેપ્શન પર ગયો.
દર્દીનું નામ પૂછતાની સાથે જ ચકચકાટ ક્લિન શેવ કરેલા નાનાભાઈએ પોતાનાં મોટાભાઈ ઈબ્રાહિમ પઠાણનું નામ ઈશ્વરભાઈ પટેલ જણાવ્યું.
સમય જ એવો હતો કે બીજી કોઈ પણ ઓળખવિધિ થાય તે પહેલાં દર્દીની સારવાર કરવી ખૂબ જ જરૂરી હતી.
નામ : ઈશ્વર પટેલ ઉંમર વર્ષ : ૩૯ માત્ર આટલી જ જાણકારી સાથે ઇબ્રાહિમ પઠાણને ઈમરજંસી ડિપાર્ટમેન્ટમાં બર્ન કેસ છે તેમ કરીને એને અંદર લેવામાં આવ્યો.
ખડે પગે સમાજની સેવા કરવાં ઊભેલા ડૉ. પંડ્યા અને ડૉ. દવે ઇબ્રાહિમ ઉર્ફ ઈશ્વરની સારવાર કરવા તૈનાત થઇ ગયાં.
અચાનક જ ડૉ. પંડ્યાની નજર ઇબ્રાહિમના કપાળ પર લાગેલાં કાળા ડાઘ પર પડતા જ એણે હાથમાં લીધેલા સારવારના શાસ્ત્રો હેઠાં મૂકી દીધા.
પહેલાં તો ડૉ. દવેને સમજાયું નહીં. પરંતુ ડૉ. પંડ્યા એ કહ્યું કે “દવે, આ દર્દીનો ભાઈ આપણને ઉલ્લુ બનાવે છે.”
“કેમ?”
“આ તો નમાઝી માણસ છે.” ડૉ. પંડ્યાનો પીતો આસમાને ચઢી ગયો.
“પંડ્યા, જીભની સાથે તારું મગજ પણ અવળે પાટે ચઢી ગયું છે.”
“નો..દવે…આઈ એમ સ્યોર..”
ડૉ. દવે બહાર ગયા અને એનાં ભાઈને કડકાઈથી પૂછતાછ કરતા એણે કબૂલ્યું કે “હા, સાહેબ! પણ મારો ભાઈ નિર્દોષ છે.
એ તો ટ્રેન સ્ટેશનેથી આવતો હતો અને અચાનક એનાં પર હુમલો થયો. સદ્દભાગ્યે હું સમયસર ત્યાં પહોંચી ગયો અને એને ત્યાંથી લઈને ટોળાઓની વચ્ચેથી ભાગી નીકળ્યો.”
“મિત્રની રિક્ષામાં ઘણી બધી હોસ્પિટલ ફર્યો પણ અંતે ફરતા ફરતા માત્ર આપની હોસ્પિટલમાં જ એને સારવાર માટે અંદર લેવામાં આવ્યો.”
“હા તો એમાં જુઠ્ઠું કેમ બોલ્યો?” ડૉ. દવે એ છણકો કર્યો.
“સાહેબ સાચું બોલત તો…….” સાવ સીધાસાદા ઘરનો લાગતો ઇબ્રાહિમનો ભાઈ ઢીલો પડી ગયો.
“સારું ચિંતા ન કર. અમે એની પ્રાથમીક સારવાર કરી દઈએ છીએ. પણ તુરંત જ તમે અહિયાંથી સહી સલામત નીકળી જજો.” કહીને ડૉ. દવે અંદર ગયા.
“પંડ્યા, યુ વર રાઈટ, બટ ઇટ્સ ઑ.કે. લેટ્સ ડુ અવર ડ્યુટી.”
“નો દવે…” ડૉ. પંડયાએ જોરથી રાડ નાખી.
ડૉ. પંડ્યા અને ડૉ. દવે વચ્ચે બોલાચાલી ચાલુ થઇ ગઈ.
આજે ગીતાનો સાર સંભળાવવાનો વારો ડૉ. દવેનો હતો.
અંતે ડૉ. પંડ્યાએ પોતાના મિત્રની વાત માની.
એમને પણ પોતાની ડ્યૂટીનું ક્ષણિક ભાન ભૂલાઈ જવાનો અહેસાસ થયો.
અંતે તેઓ સારવાર કરવા તૈયાર થયા અને ઇબ્રાહિમને ઇબ્રાહિમ સમજીને જ સારવાર શરૂ કરી.
પીડિતોની કતાર તો લાંબી જ હતી.
સવારના સાત વાગી ગયાં હતાં.
ડૉ. દવે અને ડૉ. પંડ્યા બીજાં ડૉક્ટર્સ આવી ગયાં હોવાથી કૅન્ટીનમાં ચા પીવા ગયાં.
નવા-સવા લીધેલા મોબાઈલ ફૉનમાં પોલિફૉનિક રિંગ વાગી.
જ્ઞાનીનો ફૉન હોવાથી આખી રાત દર્દીઓની સારવાર કરીને થાકેલા ડૉ. પંડ્યાના ચહેરા પર ચમક આવી.
“હેલ્લો, બેટા..ગુડ મોર્નિંગ!”
“ગુડ મોર્નિંગ પપ્પા!” સામેથી એટલી જ ઉષ્માથી જ્ઞાનીએ ડૉ. પંડ્યાની સવાર ઉઘાડી.
“કાલે તો તું બહું ખુશ હતી બેટા!” રાતની અધૂરી રહી ગયેલ વાત માટે પપ્પાએ આતુરતા દાખવી.
એમ.બી.બી.એસ.ના છેલ્લા વર્ષમાં ભણી રહેલી જ્ઞાનીએ પપ્પાને કહ્યું, “પપ્પા, આઈ એમ ઈન લવ ઍન્ડ હી ઇઝ રૅડી ટુ મૅરિ મી.”
કંઈ જ પણ બોલતાં પહેલાં બાપની આંખમાં હરખના આંસુ છલકાયા.
એમ.બી.બી.એસ. પત્યાં પછી જે કામ કરવાનું હતું અને જે કપરું લાગતું હતું તે કામ દીકરીએ પહેલેથી જ પતાવી દીધું.
“વાહ બેટા…આઈ એમ વેરી હેપ્પી ટુડે..શું નામ છે ભૂદેવનું?!”
“જ્ઞાનીએ પોતાનાં ઊપસી ગયેલાં પેટ પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું, આરીફ!”

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 30 / Maulik Nagar “Vichar”

નફ્ફટ

હાશ!! ફોન લાગ્યો તો ખરા. મનોજની હાશમાં ટાઢક નહીં પણ અકળામણ છલકાતી હતી.
“યાત્રા, ડિડ યુ પિક-અપ હૃદય?” સંગીતમાં વાગતી ક્રિસેન્ડો નોટ્સની જેમ મનોજનો ટોન પણ ધીરે ધીરે વધ્યો.
“આઈ થોટ યુ આર ગોઈંગ ટુ પિક હિમ!” યાત્રાએ એનાથી પણ બમણા ઉકળાટમાં ઉત્તર આપ્યો.
પ્રેમ લગ્નથી બનેલા આ બંને જીવનસાથીઓનો ફોન હંમેશા આવાં ભારે ભરખમ ગરમાગરમ ઝગડાઓથી અને અંગ્રેજી ગાળોથી છલોછલ રહેતો હતો.
જેમાં યાત્રાનું પલ્લું હંમેશા ભારે રહેતું.
અંતે મનોજે જ નમતું જોખવું પડતું અને માત્ર હૃદયના ભવિષ્ય માટે એ બધું જ સહન કરી લેતો હતો.

હવે તો મનોજ અને યાત્રાને જ નહીં પણ સાત વર્ષના હૃદયને પણ ખબર પડી જતી હતી કે આજે ઘરે જઈને મમ્મી પપ્પાની જામવાની છે.
ઘરનો દરવાજો ખોલતાની સાથે જ યાત્રાએ કરમાઈ ગયેલાં શબ્દોનાં તોરણ બાંધ્યા. “ટ્રાય ટુ કન્ફેસ યોર મિસ્ટેક, ડૉ. મનોજ પાટીલ.”
“યાત્રા, આપણે સવારે જ નક્કી થયું હતું કે આજે મારે બૅક ટુ બૅક સર્જરીસ છે. એટલે હૃદયને તારે સ્કૂલેથી લેવો પડશે.”
“હં..હ..સર્જરીસ??” પોતાની ભૂલ જણાતા જ હંમેશની માફક યાત્રાએ વાત બીજાં પાટે જ ચઢાવી દીધી.
“મનોજ એ માત્ર કાકા-કાકીઓના મોતિયાની સર્જરીનું કામ છે. ઈટ ઇસ નોટ એક્સપર્ટાઇઝ.” યાત્રાએ દર વખતની જેમ પાછી શબ્દોની ચાબુક મારવાની ચાલુ કરી.
“તો શું થયું યાત્રા કામ એ કામ છે.” હૃદયના લીધે મનોજની જીભ હંમેશા મોળી જ રહેતી હતી.
“તું થોડાં સમય માટે તારા ઇન્ટર્નને ચેક કરવા આપીને જઈ શક્યો હોત. યુ સી હમણાં સ્ટાફ શોર્ટેજ પણ બહુ છે.” ગોલ્ડ મૅડલિસ્ટ યાત્રા આખા ઇન્ડિયામાં માત્ર ત્રણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જનમાંથી પોતે એક હતી. જેનાં લીધે એની આંખે ઘમંડના પાટા બંધાયા હતાં.
દરેક ઝગડાની વચ્ચે યાત્રા સ્કિલડ સ્ટાફ શોર્ટેજના ટૉન્ટ સાથે મનોજની કાબિલિયત અને લગ્ન કરીને પસ્તાયા હોવાની જ વાત કરતી.
જોકે મનોજ પણ પ્રખ્યાત આંખનો ડૉક્ટર હતો.
પ્રેમાળ અને લાગણીશીલ પણ ખૂબ જ હતો. પરંતુ યાત્રા માટે એની લાયકાત એનાં જુનિયર સ્ટાફ કરતા પણ ઓછી હતી.
હૃદયને પ્રેમ કરવો એ પણ યાત્રા માટે એક માત્ર જવાબદારી જેવું જ હતું. એની મમતાની મત્તામાં પણ થોડી ઉણપ આવવા લાગી હતી.
હૃદય કુમળું નાનું નાદાન બાળક હતો પરંતુ દેખાવે એટલો પણ રૂપાળો ન હતો.
પોતાનું બાળક હોવા છતાં પણ યાત્રાને એ ખૂંચતું હતું અને એ દોષનો ભારણ પણ મનોજના માથે જ આવતો હતો.

“આજે સ્કૂલમાં પેરેન્ટ ટીચર મિટિંગમાં એનાં મૅડમ પૂછતાં હતાં કે હૃદયના મમ્મી કેમ નથી આવ્યાં?”
“એ ટીચરો તો બધા નવરા જ છે. કમ ઓન મનોજ હેન્ડલ ઑલ ધિસ્ સ્મૉલ થિંગ્સ બાય યોરસેલ્ફ.”
“ઇટ્સ નોટ સ્મૉલ થિંગ્, એ આપણા હૃદય માટે જ છે.” મનોજે આપણા હૃદય પર ઘણો ભાર મૂક્યો.
“આપણો હૃદય…..હં” મોઢામાં લાડવો મૂકીને બોલી હોય તેવાં ટોનમાં યાત્રાએ આખી વાતની મજાક બનાવી દીધી.
“યાત્રા, તું આમ હૃદયની સામે મારી સાથે આવું વર્તન કરે છે એ યોગ્ય નથી. હવે તો તું એની સાથે પણ સારું બિહેવ નથી કરતી.” મનોજે ખૂબ જ દબાયેલા સ્વરે કહ્યું.
“મનોજ તને શું ખૂંચે છે? યાત્રા તાડૂકી. “
તું હંમેશા મારી ભૂલો જ કેમ જોવે છે?” હૃદય રૂમમાં પોતાના રમકડાંઓ સાથે રમતો હતો પણ એના નાનકડા કાન દીવાલમાં જ સંતાડી રાખ્યાં હતાં.
જે દિશામાં બંનેની વાત જઈ રહી હતી એનાં પરથી લાગતું હતું કે હવે મમ્મી પપ્પાની પાછી જામશે.
વળી પાછું એમ જ થયું. પરંતુ જામવામાં થોડી વાર લાગી.
આખરે દરેક પ્રેસેંટેશનના અંતે કન્ક્લુઝન હોય એમ યાત્રાએ જ કન્ક્લૂડ કર્યું, “વર્કલોડ, સ્ટાફ શોર્ટેજ અને તારી કાબિલિયત.”
થોડી વાર તો વાતાવરણ શાંત રહ્યું.
કોણ જાણે કેમ પણ આજે મનોજનો પારો પણ થર્મોમીટરની બહાર આવી ગયો હતો.
“યાત્રા, હૃદયની પ્રવૃત્તિઓ સ્કૂલમાં બગડતી જાય છે. એનાં ટીચર….”વાક્ય પતે એ પહેલા જ યાત્રાએ ચોપડાવી દીધી.
“થાય જ ને, બાપ એવાં બેટા…હું તો પહેલાથી જ કહું છું ને!” યાત્રાની દલીલ તો તૈયાર જ હતી.
વધુમાં યાત્રાએ ઉમેર્યું કે ” આઈ ડાઉટ કે હૃદય મારો જ દીકરો…..” વાત પતી ના પતી અને યાત્રાના કહેવાતા પતિએ એને એક થપ્પડ ઝીંકી દીધી.
“હાઉ ડેર યુ….યુ એ…… અને અંગ્રેજીમાં ગાળોની વર્ષા ચાલુ થઇ.”
છુપાઈને જામેલી બાજી જોતા હૃદયના કાને આજે પહેલી વખત આવા અંગ્રેજીનાં અવનવા શબ્દો પડ્યા.
આ વખતે ઝગડાનું આયુષ્ય થોડું લાંબુ હતું. ત્રણેય જણા પોતપોતાની મર્યાદા જેટલું રડ્યાં અને સૂઈ ગયાં.
સવારે મનોજ હૃદયને સ્કૂલના કપડામાં તૈયાર કરીને બહાર હોલમાં લઈને આવ્યો.
યાત્રા એક બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને બેઠેલાં માણસ સાથે વાત કરતા જોઈ.
“મિ. શેલત, હી ઇઝ માય હસબન્ડ, નાઉ યુ ડીલ વિથ હિમ.”
“મિ. શેલતે થોડાં કાગળિયાં મનોજના હાથમાં થમાવ્યા, “મિ. પાટીલ, પ્લીઝ સાઈન ધિસ પેપર્સ.”
“સાઈન?….વ્હોટ….?” મનોજને કઈ સમજાયું નહીં.
હૃદય પણ કંઈક અવનવું થતું હતું તે જોતો જ રહ્યો.
“ડિવોર્સ પેપર્સ…ઇટ્સ ડિવોર્સ પેપર્સ..” યાત્રાએ પોતાના વાળ સરખા કરતા હિન્દી ફિલ્મની હિરોઈન બોલે એવા જ લહેકામાં બોલી.
હાથમાં ઉંચકેલા હૃદયને મનોજે નીચે મૂક્યો અને પેપર્સને ઉપરછલ્લું વાંચવા લાગ્યો.
સ્વાભાવિક છે કે ડિવોર્સ પેપરમાં એક બાપ પોતાનાં બાળકની કસ્ટડીનો મુદ્દો પહેલાં ઊઠાવે.
હૃદયની સામે જોવાં મનોજે નજર નીચી કરી તો હૃદય ત્યાં ન હતો.
પોતાના રૂમમાંથી દોડીને આવતા હૃદય ઉપર ત્રણેયની નજર પડી.
ગળામાં સ્ટેથોસ્કૉપ, લાંબો લચક વ્હાઇટ કોટ, અને આંખ પર મોટા મોટા ડાબલા જેવડાં ચશ્મા.
દોડતો દોડતો હૃદય યાત્રા પાસે ગયો અને કહ્યું, “મમ્મી તને સ્ટાફની શોર્ટેજ છે ને!! ડૉન્ટ વરી…આજથી હું પણ તારી સાથે હોસ્પિટલ તને મદદ કરવા આવીશ.”
સાંભળતાની સાથે જ યાત્રાના મોંઢામાંથી મોઢું મચકોડતા એક જ શબ્દ નીકળ્યો, “હં…હ”

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – ૨૯ / Maulik Nagar “Vichar”

“ડાઇપર”

કપડાંની ગડી વાળતા વાળતા મધુનું માતૃત્વ આંખથી જ દીકરા માધવને પંપાળતુ હતું ત્યાં જ ફુલ ટાઈમ રાખેલ બાઈ શકીરાના શબ્દો એનાં કાને પડ્યા.
“મૅડમ, હવે તો બમણો પગાર કરવો પડશે!”
મધુને આ બીજી વખતનું સફળ માતૃત્વ સુખ હતું. છતાંય બંને બાળકની વચ્ચે બાર વર્ષનું અંતર હતું.
બાર-બાર વર્ષ પછી મધુનું બીજું સંતાન શારીરિક રીતે તો તંદુરસ્ત લાગતું હતું પણ મોટા દીકરા ઈશાનની જેમ એની માનસિક સ્થિતિ તો બે-ચાર વર્ષ પછી જ ખબર પડે તેમ હતી.
લોકોના ડિપ્રેશન, આઘાત, ડર જેવાં માનસિક રોગોને દૂર કરવામાં માહેર મનોચિકિત્સક અને સ્પીચ થેરાપિસ્ટ ડૉ. મધુને પોતાનું આ બીજું બાળક પણ માનસિક રીતે નાદુરસ્ત હશે એ અંગે શંકા અને ડર બંને હતાં.
બાઈ શકીરાને માથે હવે બે બાળકને સંભાળવાની જવાબદારી હતી. એ પણ માનસિક રીતે ડામાડોળ.
બંને બાળકોને આવી કોઈ બાઈ પાસે મૂકીને ક્લિનિક જવામાં મધુનો જીવ તો ચાલતો ન હતો પરંતુ એ વગર કોઈ છુટકો પણ ન હતો.
આવાં અનેક વિચારોની વચ્ચે મધુને થોડાં સમય પહેલાં આવેલા એક પેશન્ટ યાદ આવી ગઈ અને એનાં વિચારોમાં સરી પડી.

થોડાક વખત પહેલાં મધુ પોતાની કેબિનમાં લંચ લીધાં બાદ મોઢામાં પાણીનો ઘૂંટડો ગડગડાવતી હતી તે જ સમયે રિસેપ્શનિસ્ટે “લય આવી ગયો છે” એમ જણાવ્યું.
પાણી ભરેલા ફુલાયેલા મોઢે મધુએ લયને અંદર લઇ આવવા ઈશારો કર્યો.
લયનો આજે સ્પીચ થેરાપીનો પ્રથમ સેશન હતો. આ અગાઉ મધુએ લયને એક જ વખત જોયો હતો. એની મમ્મી સાથે.
લબડતી લાળ, ઘસાઈ ગયેલું ખાખી પેન્ટ, ચાંદામાં કાણું પડ્યું હોય તેવી કાણાંવાળી ઑફ-વ્હાઇટ ટી-શર્ટ અને એક જ પિચમાં મહાપરાણે કોઈ બેસૂરો ગાયક ગાતો હોય તેવો ગણગણતો અવાજ.

“કમ ઈન બેટા!” પોતાના સગા દીકરા માધવ અને ઈશાનને બોલાવતી હોય તેવા જ વ્હાલ સાથે મધુએ લયને અંદર આવકાર્યો.
સૂરોના ગણગણાટનો અવાજ પોતાની દિશામાં આવતા અવાજની પિચ થોડી ઊંચી જવા લાગી.

મધુએ એની ટ્રીટમેન્ટ ચાલુ કરી.
બે-ચાર ઔપચારિક પ્રશ્નો બાદ લયના સૂરોના લયની ઝડપ કોઈક ઈશારા સાથે વધી.
પહેલા તો મધુને એ ઈશારામાં કંઈ ખબર ન પડી.
મનોચિકિત્સક અને સાથે સ્પીચ થેરાપિસ્ટ મધુએ પોતાનું થોડું મગજ કસ્યું તો એનાં મૌન ઈશારાનો અવાજ પારખી ગઈ.
લય પોતાનાં લબડી ગયેલાં હાથે ઈશારો કરીને એનું પેન્ટ ઉતારવાનો ઈશારો કરતો હતો.
અજુક્તું તો હતું જ છતાંય મધુએ સ્ટાફને બોલાવી લયનું પેન્ટ કાઢવા જણાવ્યું.
મધુ અને સ્ટાફ બંનેને લાગ્યું કે લયને બાથરૂમ જવું હશે.
ક્યાં તો એણે પેન્ટ બગાડ્યું લાગે છે!
“હાશ! ડાઇપર તો પહેર્યું જ છે.” સ્ટાફના મોઢાનાં ભાવ પરથી મધુએ પારખી લીધું.
પણ ડાઇપર તો ચોખ્ખું જ હતું!
પેન્ટ કાઢતાની સાથે જ લયના ચહેરા પર અનુકૂળતાના ભાવ દેખાયા.
મધુના મધુર સ્વભાવના કારણે ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરમાં તે પ્રખ્યાત હતી.
ઘણાં ખરા વર્ષથી પ્રેક્ટીસ કરતી મધુ માટે આવો બનાવ પ્રથમ વખત બન્યો હતો.

પ્રથમ સેશનમાં એટલી સફળતા તો ન જ મળે પણ લય તરફથી મળતો પ્રતિસાદ માયાળુ લાગ્યો.

નિર્ધારિત સમયે બીજાં સેશનમાં પણ લય ટાઈમ પર આવ્યો. આ વખતે રિસ્પૉન્સ એવો જ પોઝિટિવ!
પરિણામમાં માત્ર મોંઢા પરનું સ્મિત થોડું વધ્યું હતું.
પરંતુ સેશન દરમ્યાન એ જ પેન્ટ કાઢવાના ઈશારાથી મધુના ચહેરા પરનું સ્મિત થોડું મંદ પડી ગયું.
મધુના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલુ થઇ ગયાં.
મધુને લાગ્યું કે નક્કી આ મેઇડ જ લયની કાળજી રાખવામાં કંઈક અધૂરું રાખે છે.
જોકે બંને સેશનમાં લયના માતા-પિતા તો આવ્યાં જ ન હતા.
લયની મમ્મી શરૂઆતમાં માત્ર એક જ વખત મળવા આવી હતી.
મર્સીડીઝમાં આવેલી એની માએ દરેક સેશન માટે ખાસ્સું એવું ડિસ્કાઉન્ટ પણ કરાવ્યું હતું.
ઘણી ખરી કચકચ સાથે “મારાં દીકરાને આમ, મારા લયને તેમ” જેવી આરતી પહેલાની અઢળક પ્રસાદી પણ આપીને ગઈ હતી. તે નફામાં.
લયની સાથે આવતી મેઇડ પહેરવા-ઓઢવામાં એકદમ સાફસૂથરી હતી.
“બાબા..બાબા” કરીને લયને સગા દીકરા કરતાંય સારી રીતે સાચવતી હશે એવું લાગતું હતું.

શેડ્યૂલ પ્રમાણે લય નિયમિત રીતે એનાં સ્પીચ થેરાપીના સેશનમાં આવવા લાગ્યો.
લગભગ પાંચ-છ સેશન થયા હશે. લયની સ્પીચના સુધારાની ગતિ થોડી મંદ હતી.
હંમેશની માફક એને એની મેઇડ જ લઈને આવતી હતી.
દરેક સેશનમાં લય જેવો મધુની સામેના ટેબલ ઊપર બેસે એટલે તરત જ પેન્ટ ખેંચીને એને કાઢવા માટે ઈશારો કરે.
સાથે સાથે આમ તેમ ડાફોળિયાં પણ મારે. જાણે કે બિલિયન ડૉલર્સ ખર્ચીને ચંદ્ર પર આવી ગયો હોય એમ.
વળી પાછું એ જ ટી-શર્ટ, એ જ પેન્ટ અને એ જ પ્રવૃત્તિઓ.
મધુને આ 12 વર્ષનાં છોકરાને ડાઇપરમાં બેસેલો જોઈને અજુક્તું તો લાગતું જ હતું પણ એનું કારણ જણાતું ન હતું.
લય ડાઇપરમાં જે કમ્ફર્ટ અનુભવતો તેવી જ કમ્ફર્ટ એણે પેન્ટ પહેર્યું હોય ત્યારે જણાતી ન હતી.
લયની મમ્મી તો એક પણ સેશન દરમ્યાન આવી જ ન હતી.
હકીકતમાં મધુની પણ એ જ ઈચ્છા હતી. કે એની મમ્મી ના જ આવે તો સારું!
મધુ મનમાં વિચારતી કે લયની મમ્મી સાથે કાઉન્સેલિંગ કરવાનું આવશે ત્યારે પાછું એનું એ જ “અમે તો આમ અને અમે તો તેમ”ની માથાઝીંક ચાલુ થશે.
લયની મમ્મી એક જ વખત મળી હતી પણ એ એપિસોડ ઘણો લાંબો ચાલ્યો હતો.

હવે તો મધુએ પણ પોતાની બાઈ પર નજર રાખવાનું ચાલુ કરી દીધું હતું.
પોતાના દીકરા ઈશાનની કાળજીમાં પણ બાઈ…..!!!

લયની સ્પીચમાં કોઈ જ સુધારો જણાતો ન હતો એ તો મધુ માટે એક મોટો પ્રશ્ન હતો જ પણ સાથે લયના દર વખતના એ જ કપડાં, રૂમમાં ડાફોળિયાં મારવા અને જેવો ટેબલ પર બેસે એટલે ઠરાવી નાખે તેવાં એ.સીમાં પણ લય પેન્ટ કાઢવા માટે ઈશારો કરે.
કોઈ પણ પેશન્ટની મેઇડને પૂછવું એ મધુ માટે તો અયોગ્ય જ હતું છતાં પણ એક સેશન દરમ્યાન જેવો લયે ઈશારો કર્યો ત્યારે પોતાના સ્ટાફને બોલાવાની જગ્યાએ મધુએ એની મેઈડને અંદર મોકલવા જણાવ્યું.
મહારાષ્ટ્રીયન લિબાસમાં હિન્દી ભાષી બાઈ મધુની કેબીન-કમ-થેરાપી રૂમમાં પ્રવેશી.
“જી..મે’મ સા’બ?”
“બાઈ..દેખો યે ક્યાં કેહ રહા હૈ?”
લયનો ઈશારો જોઈને બાઈને જરાક પણ નવાઈ ન લાગી.
મધુએ વિચાર્યું કે બાઈને તો શું ખબર પડે! બાઈને એમ હશે કે મારે ઈન્જેકશન મારવું હશે એટલે લય આમ ઈશારો કરે છે.
“અચ્છા બહેન આપ કિતને સાલ સે લય કી દેખભાલ કરતે હો?”
“લયબાબા જબ એક સાલ કે થે તબ સે..”
બાઈના અવાજમાં લય માટે લાગણી છલકાતી હતી.
મધુને થયું કે આ યોગ્ય સમય છે પૂછવા માટે.
“એક બાત બતાઓ..ઇસે યે પેન્ટ પસંદ નહીં હૈ, ફીર ભી ઉસે યે હી પેન્ટ કયું પહેનાતે હો?” હિન્દીભાષાએ ગુજરાતી સાડલો પ્હેર્યો હોય એવાં ગુજરાતી લહેકામાં મધુએ બાઈને પૂછ્યું.
“મેડમ એક બાત બતાઉં…આજ તક બાબાને કભી પેન્ટ પહેના હી નહીં હૈ, યે સમજ લો કે કપડે હી નહીં પેહને હૈ!
ઉનકો પહેનાને કે લીયે માલકીનને હમે સિર્ફ યે એક પેન્ટ ઓર એક ટી-શર્ટ હી દીયા હૈ!
લયબાબા કભી ભી રૂમ કે બહાર નહીં નિકલ શકતે. ઓર ઠંડી હો યા ગર્મી ઉનકો પૂરા દિન સિર્ફ ડાઇપર મે હી રહેનેકા.
કિસી કો ઉનકી નહીં પડી હૈ…ઇન્સે અચ્છા તો ઘર કે ચાર કુત્તે…….”

“ડાઇપર મંગાવી લેજો મૅડમ…પતવા આયા સ..” સાંભળતા જ મધુ ઝબકી અને વાળવા માટે હાથમાં પકડેલ મોટાં દીકરાનું પેન્ટ આંસુથી ભીનું લથબથ થઇ ગયેલું જોતી જ રહી.

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 18 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

દરવાજો ખુલતાની સાથે જ ફૂલનો ગુલદસ્તો લઈને ઉભેલા શૈલેન્દ્રદાદાને જોઈને દિવ્યતા ખુશ ખુશ થઇ ગઈ.
“દા…દા…આજે તો ઇંજી નથી લાવ્યાંને?”
“અરે બેટા, તારા માટે તો ચૉકલેટ કેક લાવ્યો છું..મેની મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધ ડે ટુ માય એંજલ દિવ્યતા એન્ડ યોર મમ્મી અવની.” હેપી બર્થ ડેના મધુરા સૂરો પછી શૈલેન્દ્રદાદાએ પ્રેમાળ અવાજે પૂછ્યું, “ક્યાં ગઈ અવની?
“એ જાડી તો ઉપર હશે! મમ્મી અને પપ્પા બંને કંઈક રક્ઝક કરતા હતાં.” દસ વર્ષની દિવ્યતાએ કાલા કાલા લહેકામાં દાદાને કહ્યું.
“જાડી” અને “રક્ઝક” સાંભળતાની સાથે જ શૈલેન્દ્રદાદા બાર વર્ષ જૂની સ્મૃતિમાં ખોવાઈ ગયાં.

“જીદ હું નથી કરતી મિસ્ટર શાલીન, તમે જીદ કરો છો!” ત્રીસ ત્રીસ વર્ષે પણ માતૃત્વથી કોરી રહી ગયેલ અવનીની જીદ આજે તોફાને ચડી હતી.
“અવની, આઈ લવ યુ સો મચ ડાર્લિંગ, પણ જે શક્ય નથી તે નથી જ.” શાલીનને આ “મિસ્ટર શાલીન”નો કટાક્ષ અસહ્ય લાગ્યો. જયારે કોઈ પણ વિવાહિત સ્ત્રી જો માતૃત્વથી વંચીત રહે તો એનામાં પણ આવાં કટાક્ષકાર લેખકોની આત્મા આવી જાય.
“મારે પણ બાળક જોઈએ છે, પણ શૈલેન્દ્રફુઆએ તને શું કહ્યું છે કે હજી થોડું વજન વધાર તો ડિલિવરીમાં તને કોઈ વાંધો ના આવે.” સુકલકડી અવનીના સૂતળી જેવા બાવડા પકડીને હિન્દી સીરિયલના હીરોની જેમ શાલીન બોલ્યો.
“હા, તો શું? આજથી પણ જો ગણતરી કરીયે તો મારી પાસે નવ-નવ મહિના છે.” નવ મહિના બોલતાની સાથે જ અવનીમાં રોમાંચ આવી ગયો.
“તું નહીં સમજે એટલે નહીં જ સમજે અવની, ખરું ને?” શાલીનથી એક રાડ નંખાઈ ગઈ.
શાલીનમાં આવું વર્તન પહેલી જ વખત જોઈ રહેલી અવનીનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને સોફા પર જોરથી પછડાઈ.
શાલીને પણ બધો ગુસ્સો અને ચર્ચા બાજુ પર મૂકીને કાગળિયા જેવા અવનીના શરિરને આલિંગન કર્યું અને એનું માથું પોતાનાં ખોળામાં લઇ પીઠ થાબડવા લાગ્યો.

“શાલીન મને બહું જ ચક્કર આવે છે, મારી કમર બહું જ દુઃખે છે.”
“પાછી તારી આ કમ્પ્લેઇન્ટ ચાલુ થઇ ગઈને! જયારે જયારે પણ તું ગુસ્સે થાય છે કે નારાજ થાય છે ત્યારે તારી આ કૉમન કમ્પ્લેઇન્ટ હોય છે.”
“અત્યારે અસહ્ય દુખે છે, આઈ નીડ પરમેનન્ટ સોલ્યૂશન યાર. સીન્સ લાસ્ટ ફ્યુ ડેયઝ ઇટ્સ ઈમ્બેરેબલ.”
“સારું, કાલે હું વર્કફ્રોમ હોમ કરીને આપણે શૈલેન્દ્ર ફુઆને બતાવી આવીએ.” આજે રજા નહીં લેવાય..હમણાં હમણાં બહું જ રજાઓ પાડી છે.


“આવો..આવો શાલીનકુમાર, આવ બેટા અવની, હોલીડેનો થાક હજી ઉતર્યો નથી હે ને?” અમદાવાદ શહેરના નામી ગાયનેકોલોજિસ્ટ અને અવનીના ફુઆ ડૉ. શૈલેન્દ્ર શાહે શાલીન અને અવનીને માનભર્યો આવકાર આપ્યો.
“સોનોગ્રાફી રિપોર્ટ લઈને આવ્યાં છો ને?” ફુઆએ શાલીનકુમારને પૂછ્યું.
“હા, ફુઆ..પણ…”
“મને ખબર છે તમે બંને ચિંતિત છો કે મેં અવનીને ચકાસ્યા વગર જ સોનોગ્રાફી કરાવવાનું કેમ કહ્યું. હે ને?” ડૉક્ટર કમ ફુઆએ સોનોગ્રાફી રિપોર્ટ હાથમાં લેતાં હળવેકથી કહ્યું. “અમે ડૉક્ટરો થોડાં શંકાશીલ તો ખરા જ!!”
“હા, પણ એ શંકા ક્લિનિક સુધી જ..” આવા ગરીબ જોકનું માન રાખવા શાલીન અને અવની ખોટું તો ખોટું હસ્યાં!
ફુઆ પણ રિક્ષાના ડાંચકા વાગે એમ થોડું હસ્યાં પણ રિપોર્ટ વાંચતાની સાથે જ એમનાં બાળસહજ મોઢાં પર ગંભીરતા આવી ગઈ.
“આઈ હેડ અ ડાઉટ એન્ડ ઈટ…” ડૉ. શૈલેન્દ્ર એમનાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન માટે પ્રખ્યાત હતાં.
શાલીન અને અવનીએ એમને મળવાની વાત કરી હતી તે જ વખતે તેમણે અવનીનો સોનોગ્રાફી રિપોર્ટ કરાવીને જ આવવા જણાવ્યું હતું.
બંનેને આ રિપોર્ટ કરાવવું અજુક્તું તો લાગ્યું હતું પણ એમને ડૉક્ટર ફુઆની કાબિલિયત પર ઊંડો વિશ્વાસ હતો.
“બેટા, આઈ એમ સોરી ટુ સે બટ યુ હેવ “સી.કે.ડી” (ક્રોનિક કિડની ડિસીઝ).”
“ઈનફેક્ટ આ રિપોર્ટ પ્રમાણે તારી એક કિડની નાનપણથી જ કામ નથી કરતી અને એનાં કારણે તને આ બીજી કિડની ઉપર ખૂબ લોડ પડે છે.” ફુઆ ડૉક્ટરના અંદાજમાં બોલ્યા તો ખરાં પણ સૌથી વધારે એમને જ વેદના થઇ. કારણકે એમની પત્નિ દિવ્યાનું અવસાન પણ ક્રોનિક કિડની ડિસીઝના કારણે જ થયું હતું.
થોડીવાર વાતાવરણ ઠંડુ ગાર થઇ ગયું. શાલીન અને અવની બંને તો બરફની મૂર્તિની જેમ સજ્જડ થઇ ગયાં. ભવિષ્ય સામે દેખાતું જ હતું કે અવની ટૂંક સમયમાં પીગળીને પાણી થઇ જવાની અને એનાં વગર શાલીન પણ ક્યાં જીવી શકવાનો હતો. ફુઆનું એક વાક્ય જ વાવાઝોડું બની ગયું.
“શાલીનકુમાર આમ બંને જણા ઢીલા ન પડો. હવે આ જમાનામાં આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવાં અનેક ઉપાયો છે.” બંનેના ડુસકાઓને ઘડીક આશ્વાશન મળ્યું.
“પણ એ ક્યાંથી…કઈ રીતે..કોણ…” શાલીનની અધીરતા એનાં પ્રશ્નોમાં દેખાઈ.
“જુઓ, મારાં બે-ત્રણ મિત્રો નેફ્રોલોજિસ્ટ છે. આપણે એમની સલાહ લઈશું. જો આપણને કોઈ કિડની ડોનર મળી જાય તો અવનીની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવીને એને નવજીવન આપી શકીશું.”
‘રામ રાખે તેને કોણ ચાખે’ના ન્યાયે સ્ટેટ કિડની ફાઉન્ડેશનની મદદથી એક કિડની ડોનર મળી જ ગયો. અવનીની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ પણ થઇ ગયું. પણ નેફ્રોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ હતી કે મોડે મોડે પરણેલ આ યુગલ હવે સ્વપ્ને પણ બાળકનું ન વિચારે.

ટ્રાન્સપ્લાન્ટના થોડાક જ સમયમાં અવનીનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે સુધરવા લાગ્યું હતું. મનના મક્કમ સ્વભાવને લીધે એનાં શરીરની નબળાઈ હવે સ્વસ્થ થવા લાગી હતી.
રોજીંદુ જીવન પાછું આવતા બંને જણાએ એકાદ બે વર્ષ તો જનેતા બનવાની ઈચ્છાને દબાવીને રાખી. પણ એક દિવસ અચાનક જ ડૉક્ટરની સલાહને અવગણીને અવનીએ શાલીન સમક્ષ મા બનવાની ઈચ્છા વ્યક્ત કરી.
શાલીન અને શૈલન્દ્રફુઆના ઘણું સમજાવવા છતાં પણ અવની એકની બે ન થઇ. જીદે ચડેલી અવનીની ઈચ્છાને અંતે હકારની મહોર લાગી.
કુદરતને પ્રાર્થના કરીને બે-બે વખત પ્રયત્ન કરવાં છતાં પણ અવનીના ખોળાને અસફળ ડિલિવરીની જ સોગાદ મળી.
અવનીની મા બનવાની લગની હજી પણ અકબંધ હતી. એની આટલી બધી હકારાત્મકતા જોઈને પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અને પોતાના સગા ફુઆ ડૉ શૈલેન્દ્ર શાહે અવનીને “આઈવીએફ” પધ્ધતિ દ્વારા પણ માતૃત્વ પ્રાપ્ત કરી શકાય છે તેવી નવી આશા આપી.
આખરે માતૃત્વની જીત થઇ અને અવનીના જન્મદિવસે જ એને કુદરતે એક પુત્રીની સોગાદ આપી.
સલાહ, સૂચન, સાથ, સહકાર અને સકારાત્મકતામાં હંમેશા સંગાથે રહેલા શૈલેન્દ્ર ફુઆના ફાળે આજે ફોઈનું કર્મ કરવાનું નસીબમાં આવ્યું.
અવનીની ઇચ્છામાં માતૃત્વની દિવ્યતા નીતરતા જોઈ ફુઆએ અવની અને શાલીનની દીકરીનું નામ “દિવ્યતા” રાખ્યું.

HopeScope Stories Behind White Coat – 16 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

‘પંક્તિ?’
‘હા મમ્મી!’
‘શું કરે છે મારો બચ્ચો? મમ્માને એક હેલ્પ જોઇતી’તી!’
એક ક્ષણ પણ વેડફ્યા વગર આ કિશોરાવસ્થાના ઉંબરે પહોંચેલી ‘પા પા પગલી’ મમ્મીને મદદ કરવા રૂમમાં આવી.
છત્રીસ વરસની હીના પોતાના સ્માર્ટ ફોનમાં મોઢું નાખીને બેઠી હતી. નાકની કિનારી સુધી લબડતા ચશ્માં અને વાળની એકાદ બે ધોળી પડી ગઈ લટના કારણે હીનાની ઉંમર છેતાલીસની લાગતી હતી.
આ સોશ્યલ મીડિયાની કવીન હંમેશા હકારમાં જ જીવતી હતી. હીના દિવસમાં કેટલાય લોકોને વર્ષગાંઠની શુભેચ્છાઓ આપે, એનિવર્સરીનાં મેસેજ કરે અને કોઈક દુઃખદ સમાચાર હોય તો તેઓને શાંત્વન આપવા પહેલી જ પહોંચી જાય. દંપતીની સમસ્યા હોય કે સંપત્તિની સમસ્યા બધાં જ હીનાની કોઠાસૂઝની સહાય હંમેશા લે. વાણીયા ધંધાદારી પરિવારમાં જન્મેલી હીનામાં ત્રણસો સાઠ ડિગ્રીનાં એંગલથી વિચારવાની ક્ષમતા હતી. સમયસૂચકતા અને હાજર જવાબી એ બંને ગુણ એને વારસામાં મળ્યાં હતાં. હીનાનાં ઓળખીતા પાળખીતા લોકો એને ફાઈટર કહીને જ બોલાવતા હતાં.

કોઈને પણ મદદની જરૂર હોય એટલે એના લોહીનું પરિભ્રમણ બમણું થઇ જતું.
“થઇ જશે વ્હાલા, થઇ જશે વ્હાલી” એ તો એનો તકિયા કલામ હતો.
સફેદ લટોનું કારણ કદાચ પારકી પંચાત નહીં પણ પારકી ચિંતા પણ હોઈ શકે.

‘પંક્તિ બેટા, મારા ફેસબુકમાં કંઈક એરર આવે છે. મને પાસવર્ડ બદલી આપ ને!’
પંક્તિએ એનાં પંજાથી મોટો સ્માર્ટફોન હાથમાં પકડ્યો. પંક્તિની નાની નાજુક આંગળીઓના સ્પર્શથી એક ક્ષણ માટે તો હીનાને ધ્રુજારી છૂટી ગઈ.
નદીના પાણીની જેમ લહેરાતી પંક્તિની આંગળીઓ જોઈને હીનાની મમતાનું “લાસ્ટ સીન” છ મહિના પાછળ ઠેલાઇ ગયું.


‘ચિંતન, મને લાગે છે હવે આપણે બીજું બેબી પ્લાન કરવું જોઈએ. આઈ ફીલ આઈ એમ ગેટીંગ ઓલ્ડર નાઉ.’ હીનાએ એનાં પતિ ચિંતનની બાહોપાશમાં સમાઈને ઈચ્છા વ્યક્ત કરી.
‘જો હવે તો પંક્તિ પણ સમજણી થઇ ગઈ છે. કેટલી ટેલેન્ટેડ છે. કવિતાઓ પણ મસ્ત લખે છે. આપણું બીજું બેબી આવશે આપણે એને મ્યુઝિશ્યન બનાવીશું અને પંક્તિને રાઇટિંગ બહું ગમે છે તો એને જર્નાલિસ્ટ બનાવીશું.
‘અરે ઓ સપનાઓની રાજકુમારી…પહેલાં આ બારીઓ બંધ કર ખુબ વાવાઝોડું આવ્યું છે.’ પ્રેમાળ ચિંતને હીનાના મનમાં પ્રવેશેલા વાવાઝોડાને અલ્પવિરામ આપવા આડકતરી રીતે સંકેત કર્યો.
હીના ઉભી થઇ. ઉડતા પડદાઓને ખસેડીને બારીઓ બંધ કરે એ પહેલાં બહારથી ધડામ કરતો દરવાજો પછડાવાનો અવાજ આવ્યો.
બીજી જ ક્ષણે પંક્તિનો ભેંકડો સંભળાયો.
ચિંતન અને હીના બંને બહાર ગયાં. હૃદય કંપાવી નાખે તેવી ચિચિયારીઓ સાથે પંક્તિ હાથ પકડીને ભોંય પર બેઠી હતી.
એનાં આંગળાઓમાંથી લોહીની ધારા વહેતી હતી અને પ્રથમ ત્રણ આંગળીઓના ટોચના ટેરવાં વાવાઝોડાથી ફંગોળાઈને આવેલા પાંદડાઓની બાજુમાં પડ્યાં હતાં.
હંમેશા બધાંની પડખે ઉભી રહેતી હીના આજે પોતાની પુત્રીની આવી હાલત જોઈ સુન્ન થઇ ગઈ હતી.
પંક્તિ અને એની કપાયેલી આંગળીઓ જોઈને હીના લગભગ બેભાન જેવી જ થઇ ગઈ. ચિંતનને પણ સમજાતું ન હતું કે શું કરવું.
ચિંતને હીનાને પાણીની છાલક મારી અને ફટાફટ પંક્તિને ડૉક્ટર પાસે લઇ જવી પડશેનું ભાન કરાવ્યું.
હીના થોડી સ્વસ્થ થઇ. હીના ફટાફટ રસોડા તરફ દોડી. પંક્તિને લઈને ચિંતનને ગાડીમાં બેસવા જણાવ્યું.
હીના રસોડામાંથી બે થેલી લાવી અને કપાઈ ગયેલા ટેરવાં પાસે ગઈ.
આ કંઈ શાક સમારતા કરેલ એક ગવારના ત્રણ કટકા ન હતા. આ તો પોતાના હૃદયનો કટકો સમાન વ્હાલસોયી દીકરીના કપાઈ ગયેલા ટેરવાં હતાં. હીનાની સામે વળી પાછા આંખોમાં અંધારા આવી ગયા. બે ત્રણ ઊબકાની સાથે ભગવાનનું નામ દઈને એક પછી એક એમ ત્રણ આંગળીના ટેરવા પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યા.
ત્રણે જણા હોસ્પિટલ પહોંચ્યા. ત્રણ કિલોમીટરના રસ્તામાં હીના ત્રીસ વખત “થઇ જશે વ્હાલી”નું તકિયા કલામ બોલી હશે.
હીનાને માનસિક રીતે સ્વસ્થ જોઈને ચિંતનમાં પણ થોડી હિંમત આવી. છતાંય હીના અને ચિંતન બંનેના ચહેરા ડરેલા હતા.
કાન અને ખભાની વચ્ચે ફોન દબાવી પ્લાસ્ટિક સર્જન ડૉ. સુશીલને ફોન કરતા કરતા ઓન ડ્યૂટી રેસિડેન્ટ ડૉક્ટરે સૌ પ્રથમ પંક્તિને ડ્રેસિંગ ટેબલ પર બેસાડી પેઈનકિલર ઈંજેક્શન આપ્યું.
‘સર, નાઈન યર ઓલ્ડ ગર્લ. થ્રી ફિંગર્સ એમ્પ્યુટેડ ઈન રાઈટ હેન્ડ.’
‘ગીવ હર પેઈન કિલર, આઈ વિલ બી રાઈટ ધેર’
‘ગીવન સર’ રેસિડેન્ટ ડૉક્ટરે ખોંખારો ખાઈને સરને જણાવ્યું.

ધોધમાર વરસાદની વચ્ચે ડૉ. સુશીલ ગણતરીની મિનિટોમાં જ હોસ્પિટલ આવી પહોંચ્યાં અને ઑર્ડર કર્યો : ‘ટેક હર ટુ ઓ.ટી’
બધા જ સ્ટાફે સાથે સૂર પૂરાવ્યો, ‘યસ સર’
બીજી બાજુ હીના અને ચિંતન તો લગ્નમાં વણબોલાવેલ મહેમાનની જેમ સાઈડ પર જ ઊભા રહ્યાં. એમનો કોઈયે ભાવ જ ન પૂછ્યો.
દીકરીની આંગળીઓનું ઓપરેશન ચાલુ થઇ ગયું. હીનાએ ધીમા અવાજે મોબાઇલમાં હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી.
એક કલાક…બે કલાક…ત્રણ કલાક…..ઓ.ટી.માં ન કોઈ જાય, ના કોઈ બહાર આવે.
જાણે ચાર ચાર કલાક પછી પિક્ચરનો શો છૂટ્યો હોય એમ ઓ.ટી.માંથી એક પછી એક બધા બહાર આવ્યા.

ડૉ. સુશીલ પણ બહાર આવ્યા.
એણે ચિંતન અને હીના પાસે આવીને જણાવ્યું કે ‘ડોન્ટ વરી નાઉ.’
‘દીકરીને તમે અહીંયા સમયસર લાવ્યા એટલે વી કુડ ફિક્સ હર ટિપ્સ.’
‘વેલ, તમને આ પ્લાસ્ટિકની થેલીવાળો આઈડિયા ક્યાંથી મળ્યો?’
ચિંતનને કંઈ સમજાયું નહીં. એણે હીનાને પૂછ્યું, ‘કયો આઈડિયા?’
‘સર, મેં ફેસબુક ઉપર એક વિડીયો જોયો હતો કે આવી રીતે આંગળી કપાઈ જાય તો એને એક થેલીમાં ભરીને બીજી થેલીમાં મૂકી દેવી અને બહાર વાળી થેલીમાં ઠંડુ પાણી અથવા બરફ મુકવો. એવું કરવાથી જો સમયસર ઑપરેશન થઈ જાય તો જોઈન્ટ પાછો જોડાઈ શકે.’
આ જાણકારી સાંભળીને ડૉ. સુશીલના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું.
હીનાએ વધુમાં ઉમેર્યું, સર જોગાનુજોગ એ જાણકારી આપતો વિડીયો તમારો જ હતો.


‘લે મમ્મી, પાસવર્ડ બદલી નાખ્યો.’ સાંભળતાની સાથે જ હીનાનું મગજ પાછું ઓનલાઈન થઇ ગયું.
પંક્તિના કપાળ પર એક ચુમ્મી કરતા હીનાની નજર સામેની દીવાલ પર ટીંગાવેલ સર્ટિફિકેટ પર પડી.

“પોયમ-વર્લ્ડ.કોમ દ્વારા યોજાયેલી કાવ્ય સ્પર્ધામાં પ્રથમ”
કાવ્ય શીર્ષક : વાવાઝોડું
કવયિત્રી : ચિ. પંક્તિ આચાર્ય

HopeScope Stories Behind White Coat – 12/ Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

“અલ્યાં એય મીઠીબુન, કાં આજે હવાર હવારમાં પોદરાથી હોળી રમો સો”, અધકચરું ભણેલાં, રમુજી સ્વભાવનાં ઝીણાંભાઈ સરકારી શાળાના માસ્તર હોઈ વહેલી સવારે નિશાળે જતાં જતાં મીઠીબેનને આવો રમૂજી સાદ આપ્યો.
“અમને મૂઆ શીની હોળી ને શી દિવાળી, અમાર તો વસ્તારે પરદેસમાં સે. દીકરો દાક્તર બનીને પરદેશ જતો રયો. ઈ તો ન્યાં બોલાવે સે પણ મારે તો મું ભલી અને મારું આ ગોમ ભલું.
આ’તો અમસ્તી હાથ ટાંટિયા હાલે અને અમારાં ઝૂંપડામાં થોડી ઠંકડ રી’યે.” મીઠીબુનનું વાક્ય પતે એ પહેલાં તો ઝીણાંભાઈ સાયકલના કચૂડકચૂડ અવાજ સાથે પગ વડે હલેસાં મારતા ક્યાંય પહોંચી ગયાં હતાં.
કેમકે મીઠીબુન અને ઝીણાં કાકાની આ રોજની દીનચર્યા હતી. મીઠીબુન રોજ સવારમાં પોતાનાં ઝૂંપડાની બહાર કોઈકની કોઈક રોજિંદી પ્રવૃત્તિ કરતાં હોય અને ઝીણાંભાઈ આવી ખાટીમીઠી ટીખળથી કૂકડે-કુક કરીને જતાં હોય.
મીઠીબુનનું ગામ નાનું હતું એટલે ગામડાનાં સીમાડાની જેમ ગામ લોકો પણ એકબીજાની નજીક હતાં. વિધર્મી પરિવારના સભ્યો કરતાં પણ ઓછાં ગામમાં ઘર હતાં.
ગામનાં લોકોમાં સંપ પણ વખાણવા લાયક હતો, સદ્ભાગ્યે હિન્દી ફિલ્મની જેમ એકેય વિલન પણ હતો નહીં. એટલે આ ગામનાં લોકોને ‘ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય’ એ કહેવતની ખબર જ ન હતી.
ગામનાં દરેક લોકો હંમેશાં એકબીજાની પડખે ઊભાં રહે. સુખ હોય તો બધાં સાથે મળીને ઉત્સવ ઊજવે અને દુઃખ હોય તો એક એકબીજાનાં સાડલે આંસુ લૂછે.
ગામનાં લોકોએ પોતપોતાનાં કામ સારી પેઠે વહેંચી લીધાં હતાં.
ઝીણાંભાઈ માસ્તર હોઈ ગામનાં છોકરાઓને ટ્યુશન આપતાં. શહેરમાંથી લાવીને વેલજીભાઈ ઘરે ઘરે કરીયાણું આપવાં આવતાં. નરસિંહભાઈના પણ નામ એવાં ગુણ હતાં. નરસિંહભાઇ ભજનીક હોઈ આખા ગામને સંધ્યાકાળે આરતી અને ભજનો સંભળાવતા અને એ બધામાં મીઠીબુન એમનાં વડીલ હતાં. મીઠીબુને એક હોમિયોપેથીક દાક્તરને ત્યાં આયાનું કામ કર્યું હોવાથી થોડી ઘણી ઘરઘથ્થુ ઉપચારની જાણકારી એમને પણ હતી એટલે મીઠીબુન એ બધાંના વૈદ્ય હતાં.

મીઠીબુન અને ઝીણાંભાઈ બંને જણા ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા જેવાં હતાં. બંને પોતપોતાનો સમય સાચવી લેતાં હતાં. નિત્યક્રમ અનુસાર વહેલી સવારે એ જ સાઇકલનો કચૂડકચૂડ અવાજ અને ઝીણાંભાઈનો રમૂજી ટહુકો સંભળાયો તો ખરા પણ આજે મીઠીબુન ગાયોને નવડાવતા નજરે ના પડ્યાં. ઝીણાંભાઈના હૃદયમાં ફાળ પડી. આટલાં વર્ષોમાં આજ પહેલીવાર સૂરજ સંતાઈ ગયો હોય એવું લાગ્યું. ઘભરાયેલા ચહેરે ઝીણાંભાઈ એ સાઇકલ દીવાલે ટેકવી, મીઠીબુનની ભાળ લેવાં ઝૂંપડીની અંદર ગયાં.
મીઠીબુન તો મસ્ત મજાની સુખડી બનાવતાં હોય એવી ગોળની સુગંધ આવતી હતી.
“અરે ઓ મીઠીબુન, ચમ ઝૂંપડીમાં બેઠાં સો, ગાયો રીસાણી સે કે તમે એમનાથી રીસાણા સો”
“ઝી..ભાઈ, અમાર ગાયુ હારે આખુંય દા’ડો કચકચ હાલે પણ ક્યારેય રિસામણાં નો થાય, આ તો ગાયુને બોંધવાની મોરી બનાવતી’તી તો ત્યાં રાંડની ફાંસ વાગી ગઈ.”
“તો ઈમા આ સુખડી ચમ બનાવો સો.”
“સુખડી નથ ભઈ, ગોળ ગરમ કરીને લગાવું સુ, હમણાં જ મારી રોયી ફાંસ બારે નિકરી જાસે.
અવે આવ્યાં જ સો અમાર ઉંબરે તો આવ ચાય પીતા જાઓ ઝીણાંભાઈ. મારેય અત્તારે બીજીવારની પીવાની બાકી જ સે, આ લોયુ જ ચડાવતી’તી, સંગાથે ભજીયાં પણ ઉતારતી’તી.”
“ભજીયાં” સાંભળીને ઝીણાભાઈ પોતાની જાતને રોકી ના શક્યા.
“લો આ ફાંસ પણ બહારે આઈ ગઈ, હવે થોડો સમય સણકા વાગશે અને પસી મટી જશે” મીઠીબુનનું કરચલીવાળું દાંત વગરનું બોખું મોઢું મલકાઈ ગયું.
“બુન એક વાત કઉ, તમે તો વૈદ્યુને ન્યાં કોમ કર્યું સ ઈટલે તમને આવું બધુંય આવડે.”
“હારુ તા’રે બુન, બૌ બધી વાત્યું કરી આજે તો, હવે નિહાળે જાવું પડસે આજે તો મારે જ ઘંટ વગાડવાનો સે, મૂઓ પટ્ટાવાળો એ રજા પર સે.”
 રામ રામ કહીને ઝીણાભાઈ ચા-નાસ્તો કરીને નીકળ્યાં અને અહીંયા મીઠીબુન પણ કામે લાગી ગયાં.

એ જ વળી પાછા સૂરજમામા ઉઠક-બેઠક કરતાં હોય એમ દા’ડા વીતતા ગયાં. ગામે ભેગાં મળીને હોળી ધુળેટી પણ ઊજવી, નિશાળે વેકેશન હોવાથી ઝીણાંભાઈ અને મીઠીબુનને બે-ચાર દિવસે સાંજે વડલા પાસે આવેલી હનુમાનની દેરી એ મુલાકાત થતી. અને એક બીજાનાં ખબર અંતર પૂછી લેતાં હતા.
ગામ એટલે લાગણીઓનું પ્રાપ્તિ સ્થાન. વાડકી વહેવાર તો શહેરમાં થાય. આ તો ગામ હતું, અહીંયા તો થાળીઓનો વહેવાર થાય. એક દિવસ ઝીણાંભાઈની પત્ની એ ખમણની થાળી ઉતારી અને એ એમનાં દીકરાનાં હાથે મીઠીબુનને આપવાં મોકલી.
 ચાલતો ચાલતો ગયેલો દીકરો “બાપા ભૂત…..બાપા ચૂડેલ……”ની બૂમો સાથે હાંફતો હાંફતો પરસેવે રેબઝેબ થાળી સાથે જ પાછો આવ્યો.
“બાપા..પેલાં મી..મી..મીઠી બા…ને ચૂડેલ વળગી લાગે સ.”
ઝીણાંભાઈએ પણ બધાને બૂમો પાડીને બોલાવ્યાં અને ગલીની નાકે રહેતાં મીઠીબુનને ત્યાં પહોંચી ગયાં.
મીઠીબુનનો એક હાથ ઊત્તર દિશામાં અને બીજો હાથ દક્ષીણ દિશામાં હતો, હાથની આંગળીયો મોરની કલગીની જેમ ફેલાયેલી હતી. નટરાજની મુર્તિ જેવું રૂપ ધારણ કર્યું હતું અને ઘવાયેલ સૈનિક ધરતી પર આળોટતો હોય એમ મીઠીબુન ઘરનાં વરંડામાં આળોટતા હતાં. મીઠીબેનને દાંત તો હતાં નહીં પણ જડબેસલાક કિલ્લેબંધી કરી હોય એમ જડબાં એકબીજાં સાથે બીડાયેલા હતાં.  
મીઠીબુનનું આ ભયાનક રૂપ જોઈ એમણે ફટાફટ નરસિંહભાઈને તેડાવ્યાં. બધાં જ મીઠીબુનની પાસે જતાં ડરતાં હતાં. નરસિંહભાઈ આવ્યાં અને સંગાથે એક ભૂવાને પણ લેતાં આવ્યાં.
ભૂવો એની સાથે સાવરણી જેવું કંઈક ભૂત ભગાડવાનું હથીયાર લઈને આવ્યો હતો.
બધાંને પાછળ ખસેડી ભૂવો મીઠીબુન પાસે ગયો.
‘અગલી, બગલી કરમ કી પગલી બહાર નિકલ તું બહાર નિકલ’, ઊંચા સાદે વળી પાછો બોલ્યો, ‘અગલી, બગલી કરમ કી પગલી બહાર નિકલ તું બહાર નિકલ’નો તકિયાકલામ ચાર પાંચ વાર બોલ્યો અને સાથે લાવેલ પેલું ઝાડું ફટકાર્યું. મીઠીબુનમાં કોઈ ફરક ન પડ્યો, માત્ર હાંફતા જ રહ્યાં.
જોતજોતામાં આખેઆખું ગામ ભેગું થઇ ગયું. કોઈક ઝાડ પર તો કોઈક મેટાડોર પર, કોઈક પાળી ઊપર તો કોઈક થાંભલે ચડીને દૂરથી મીઠીબુન અને ભૂવા વચ્ચેનો ખેલ જોવાં લાગ્યાં.
બધાય પેલા ભૂવાની સાથે સૂર પુરાવા લાગ્યાં, “અગલી, બગલી કરમ કી પગલી…….”
ઝીણાંભાઈ જે શાળામાં શિક્ષક હતાં એ શાળાના આચાર્ય ત્યાંથી પસાર થતાં હતાં. ટોળાંને ત્યાં ભેગું થયેલ જોઈ તેમને આશ્ચર્ય થયું. એમની નજર ટોળાનું પ્રતિનિધિ કરતો હોય એમ આગળ ઊભેલાં ઝીણાંભાઈ પર પડી. તેઓ તેમની પાસે ગયાં.
ઝીણાંભાઈ તરફથી જાણવાં મળ્યું કે એમને ચૂડેલ વળગી છે અને આ ભૂવો એ ચૂડેલ જોડે કબ્બડી રમે છે..દૂરથી આચાર્યને અગલી-બગલીની જગ્યા એ કબ્બડી કબ્બડી જ સંભળાયું.
“અલ્યાં ઓય ગવારો, ઘેલાં ના થાઓ આમ, બધાંય શાંત પડો” આચાર્ય એ જોરથી હાંક મારી.
બગલથેલો ઝીણાભાઈને આપી આચાર્ય મીઠીબુન પાસે પહોંચ્યા. મીઠીબુનનો કલગી જેવો હાથ મસળ્યો અને શું થયું છે પૂછ્યું. જડબું બિડાઈ ગયેલું હોઈ મીઠીબુન કંઈ બોલી ન શક્યાં પણ ઈશારો તો કરતાં જ હતાં. આચાર્યસાહેબે ઝીણાંભાઈને નજીક બોલાવ્યાં. ઘભરાતા પગલે ઝીણાંભાઈ બે ડગલાં દૂર જ ઊભા રહ્યાં.
આચાર્ય એ કહ્યું કે “એમને નજીકમાં આવેલ શહેરની હોસ્પિટલમાં લઇ જવા પડશે. ક્યાં તો એમને લકવો મારી ગયો છે, ક્યાં તો મગજ સુધી લોહી પહોંચતું નથી.” આચાર્યસાહેબ દાક્તર તો ન હતાં પણ ગમે તેમ હોય આ બીજાં બધાં ગામવાળાઓ કરતાં તો ભણેલાં જ હતા ને!!
બાજુમાં પડેલી મેટાડોરમાં જ મીઠીબુનને નજીકના શહેરમાં આવેલી હોસ્પિટલમાં લઇ ગયાં. સંગાથે આચાર્યસાહેબ અને ઝીણાંભાઈ પણ મેટાડોરમાં બેસી ગયાં. આખા ખેલની મજા લેતાં અર્ધનગ્ન છોકરાઓ પણ મેટાડોરને લટકી ગામની પાદર સુધી મેટાડોર અને મીઠીબુનનો સાથ આપ્યો.
 સરકારી હોસ્પિટલ પહોંચતા ત્યાંના દાક્તરો એ જાત જાતનાં રિપોર્ટ્સ કર્યા અને મીઠીબુન વિશે જેટલી પણ બને એટલી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો.
પરિવારનું સભ્ય તો કોઈ હતું નહીં પણ ઝીણાંભાઈને રોજના ‘કેમ છો, કેમ નહીં કહેવાં ના માત્ર સંબંધ હતાં’, એટલે ઝીણાંભાઈ જ એક માત્ર થોડાં ઘણાં અંગત હતાં.

સરકારી હોસ્પિટલના એક દાક્તર ઝીણાંભાઈ અને આચાર્ય સાહેબ પાસે આવ્યાં અને કહ્યું કે એમની ઓપિસ્થોટોનસ અવસ્થા એટલે કે  જડબું બિડાઈ જવું અને  આવી રીતે શરીર અકડાઈ જવું એ એવું સૂચવે છે કે બાને ધનુર ઊપડ્યું છે. ડૉકટરે વધુમાં આગળ કહ્યું, “બાને આજથી થોડાં દિવસ કે મહિનાઓ પહેલાં કંઈક લોખંડ કે બીજી કોઈ ધાતુંથી ઇજા થઇ લાગે છે.”
ઝીણાંભાઈનું અધકચરું જ્ઞાન કામમાં લાગ્યું, “ડૉક્ટર સાહેબ આ ‘ધનુર’ ફાંસ વાગે તો થાય ખરાં?”
“હા, જો કોઈ પણ ઘાવ થયો હોય અને એને આપણે ખુલ્લો રહેવાં દઈએ અને એને ધૂળ, રજકણ લાગે તો પણ ‘ધનુર’ થઇ શકે.”
“ઓ માડી, નક્કી બુનને ધનુર જ સ”, આચાર્યની સામે જોતાં ઝીણાંભાઈ એ બુનને ફાંસ વાગ્યાની વિગતવાર વાત કરી અને ભજીયા ખાતાંખાતાં મીઠીબુને કહ્યું પણ હતું કે, “એમને આ પાણી ભરેલી બાટલીઓમાં કોઈ વિશ્વાસ નથી એટલે એમણે ક્યારેય પણ ધનુરની કે બીજી કોઈ પણ જાતની રસી લીધી નથી.”  
“ચિંતા ના કરો, બાને જરૂરી ઇંજેક્શન આપી દીધાં છે, થોડાંક દિવસોમાં સાજા થઇ જશે.”
આચાર્યસાહેબ અને ઝીણાંભાઈને પણ થોડી હાશ થઇ. એક જીવ બચાવવાનાં આનંદ સાથે એક નવો બોધપાઠ મળ્યો અને બંનેને પોતાની શાળામાં અવારનવાર આવાં રસીને લગતા જાગૃતિ અભિયાન અને રસીકરણના કેમ્પ યોજાવાની જિજ્ઞાસા જાગી.

HopeScope Stories Behind White Coat – 11 / Maulik Nagar “Vichar”

By : Maulik Nagar “Vichar”

જાપાનનો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હોલ દેશ-વિદેશનાં પ્રખ્યાત ડૉક્ટરોથી ખચોખચ હતો. ચક્મકીત ઝીણી ઝીણી લાઈટો હોલની ઊંચી અને તોતિંગ સીલિંગને શોભાવી રહી હતી અને નીચે દેશ-વિદેશનાં નામાંકિત ડૉક્ટરો તારલાની જેમ કોન્ફરન્સ હોલને ચમકાવી રહ્યાં હતાં. આજે કોન્કલેવનો પ્રથમ દિવસ હોઈ ટોક્યોના મેયર પણ હાજર હતાં. સૌ પ્રથમ માઈક ટેસ્ટિંગ અને પ્રોજેક્ટરના ઓપેરેશન ચેકીંગ પછી એનાઉન્સમેન્ટ થયું.
“લેડીઝ એન્ડ જેન્ટલમેન, થેન્ક યુ વેરી મચ ફોર કમીંગ ટુ ધ ઇન્ટરનેશનલ મેડિકલ કોન્કલેવ ફ્રોમ ડિફરેન્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ”,…..,……,…..!!!
લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પેપર પ્રેઝન્ટેશન બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇમર્જન્સી મેડિસિન સોસાયટી-ઇન્ડિયન ફોરમ, યંગ એન્ડ ડાયનામિક “ડૉ. મીનલ”.
ડૉ. મીનલ જાપાનમાં યોજાયેલ ‘ધ ઇન્ટરનેશનલ મેડિકલ કોન્કલેવ’માં ભારતીય ડૉક્ટર્સ ટીમની પ્રતિનિધિ હતી. વિદેશી ડોક્ટર્સના જાત જાતનાં કિસ્સાઓ સાથે એમની ટીમનું પણ આજે પ્રેઝન્ટેશન હતું. ડૉ. મીનલનું નામ અનાઉન્સ થતાં જ ભારતીય પોષાકમાં સજ્જ મીનલ પોતાનાં લેપટોપ સાથે સ્ટેજ પર પહોંચી ગઇ.
ધારદાર અંગ્રેજી અને પડછંદ અવાજ સાથે ડૉ. મીનલનું પ્રેઝન્ટેશન ચાલુ થયું. જેમ જેમ પ્રેઝન્ટેશનની સ્લાઈડ પર સ્લાઈડ બદલાતી ગઈ એમ એમ મીનલના દિવસોની સ્લાઈડ પણ ભૂતકાળમાં જતી રહી.
*********
“હેલ્લો ડૉ. અભિજીત, એક ગુડ ન્યૂઝ આપવા છે, બ્રેકમાં કેન્ટીનમાં મળીએ.” મીનલના મેસેજમાં એનાં પપ્પાએ બંનેના સંબંધને હકારની મહોર લગાડી છે એવો સંકેત દેખાતો હતો.
“કમ ઓન બેબી, લાગે છે સારાં સમાચાર આપવાં માટે તે મુહૂર્ત જોયું લાગે છે.” મીનલ ભટ્ટ બ્રાહ્મણ હોવાથી અભિજીત અવારનવાર આવી હળવી મજાક કરી લેતો હતો.
મીનલ અને અભિજીત બંને કોલેજના સમયથી જ સારાં મિત્રો હતાં. એમ.બી.બી.એસ. સાથે ભણ્યાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ સાથે જ કર્યું.
જોગાનુજોગ બંનેની નોકરી પણ એક જ હોસ્પિટલમાં સાથે લાગી. એમની મિત્રતા હવે પ્રેમ સંબંધના ઉંબરે આવી પહોંચી હતી.
બસ, આઈ લવ યુ નામની ચાવીથી કોણ એ સંબંધનું તાળું ઉઘાડે એની જ રાહ જોવાતી હતી. આખરે મીનલે જ માસ્ટર કી વાપરીને એક દિવસ અભિજીતને પ્રપોઝ કરી દીધું.
“હા” તો માત્ર એક ઔપચારિક હતું, અભિજીતે એક કસકસતા ચુંબન સાથે જ સંબંધને લોક કરી નાખ્યો. મીનલના મમ્મી-પપ્પાને કંઈ રીતે મનાવવા એ ખૂબ મોટો પ્રશ્ન હતો. કેમ કે, મીનલ ચુસ્ત બ્રાહ્મણ અને અભિજીત પંજાબી શીખ છોકરો હતો, અધૂરામાં પૂરું માંસાહારી પણ હતો.

અભિજીત એક પેશન્ટનું પેપર વર્ક ચેક કરતો હતો ત્યાં વળી પાછો મેસેજ રણક્યો, ‘આઈ એમ વેઇટીંગ ઈન કેન્ટીન.’
અભિજીતે બધું કામ બાજુ પર મૂકી ગુડ ન્યૂઝની દિશામાં ચાલવાનું ચાલું કર્યું.
મીનલે પહેલેથી જ બંનેની ફેવરિટ લાટે કોફી અને ચોકલેટ મફીન મંગાવીને રાખ્યાં હતાં.
અભિજીતે આવતાની સાથે જ અધીરાઈ દેખાડી, “ટેલ મી વ્હોટ આઈ વોન્ટ ટુ લિસન”.
“માય ડિયર….વિયેનાની કોન્ફરન્સ માટે હોસ્પિટલ મેનેજમેન્ટે આપણાં બેની પસંદગી કરી છે”. મીનલનો અવાજ તો અત્યારથી જ યુરોપ પહોંચી ગયો હતો.

“ઓહ માય ગોડ…..ઇટ્સ અમેઝીંગ ન્યૂઝ!!” અભિજીતને સાંભળવા હતાં તે સમાચાર તો ન મળ્યાં પણ રોકાણ પહેલાં જ ઇન્ટરેસ્ટ મળવાની લાલચ એનાં મોંઢા પર છલકી રહી હતી.
બંનેની ફ્લાઇટની ટિકિટ અને ૨ અલગ અલગ રૂમના બુકિંગની વિગત હોસ્પિટલ મેનેજમેન્ટે ઈમેલ દ્વારા મોકલી આપી હતી. જોકે રૂમ તો એક જ વપરાવાનો હતો.
કોન્ફરન્સને બે અઠવાડિયાંની વાર હતી, મીનલ પોતાનાં પ્રેઝન્ટેશનની તૈયારી કરતાં પોતાનાં અનઓફિશ્યલ હનીમૂનની ખરીદીમાં વધારે વ્યસ્ત હતી.
પાર્ટી વેર, વન પીસની ખરીદી, ન્યુ હેર સ્ટાઇલ અને બ્યુટી પાર્લરનાં આંટાફેરામાં બે અઠવાડિયાં ક્યાં નીકળી ગયાં ખબર જ ના પડી.
‘એરબસ – એ 220 ઇસ બોર્ડીંગ’
‘કુર્શી કી પેટી બાંધકે…..’
‘આપકે ઇલેક્ટ્રોનીક ઉપકરણ…’
‘સામાન કક્ષ મેં યા આપકે સામનેવાલી ખુરશી….. ‘
‘ગલીયારો યા દરવાજે કે પાસ…’
‘આપત સ્થિતિ મેં….’
આવી અનેક સૂચનાઓ વચ્ચે આછા પાતળા અડપલાં અને મીઠ્ઠી મીઠ્ઠી વાતોની વચ્ચે બંને જણા એકમેકમાં મશગૂલ હતાં.  
ફ્લાઈટ તો ઉપડી અને થોડીક જ વારમાં મેમ સરના અવાજ સાથે ડીનર આપવાં માટે આખે આખું રસોડું ગરગડી પર આવી પહોંચ્યું.
અભિજીત પાસે એર હોસ્ટેસે આવીને પૂછ્યું, “સર, વેજ ઓર નોનવેજ”
“નોન વેજ” સાંભળતા જ મીનલે મોઢું બગાડ્યું.
“અરે બેબી, આ છેલ્લી જ વખત છે. પછી તારાં પપ્પાને પ્રોમીસ આપવાની જ છે ને!!’
“ઓકે, અભિજીત, ઇટ્સ લાસ્ટ ટાઈમ”
“વ્હોટ આર ધ ઓપશન્સ?” અભિજીતે એર હોસ્ટેસને પૂછ્યું.
“ચીકન કરી ઓર ફિશ કરી”
‘”ફિશ કરી, પ્લીઝ” વળી પાછું મીનલે મોઢું બગાડ્યું અને ફીક્કું હસીને અભિજીતને પરવાનગી આપી.
છેલ્લી વખત ઓફિશિયલી નોન વેજ ખાતો હોઈ અભિજીતે “ફિશ કરી” ધરાઈને આરોગી અને મીનલે પણ આલુ પરોઠાં અને દહીં ખાઈ અભિજીતના ખભા પર માથું ઢાળીને સૂઈ ગઈ.

સ્વર્ગ જેવાં દેશમાં નવાં સંબંધના ઉમંગ સાથે બંને જણા ઝુરીચથી વિયેના જવા રવાનાં થયાં.
હંમેશની માફક બંને જણાએ પોતાનું પ્રેઝન્ટેશન બખૂબી નિભાવ્યું. તાળીઓના ગડગડાટ સાથે બે દિવસની કોન્ફરન્સ પૂરી થઇ.
બાકીના દિવસો તેમણે ફાઈવ સ્ટાર હોટેલના બંધ કમરામાં જ ગાળ્યા.
રાતનાં ઉજાગરાં અને શારીરિક કસરતના કારણે બંનેના શરીર પર થાક વર્તાતો હતો પરંતુ એક સંબંધના સંતોષ પાછળ આ થાક છુપાઈ જતો હતો.
અભિજીતનને શરદી ખાંસી અને ગળું છોલાવાનું શરૂ થયું હતું. મીનલને પણ હળવો તાવ આવતો હતો અને હજી તો ભારત પાછા આવવાની અઢાર કલાકની મુસાફરી તો હતી જ.
લગ્ન પહેલાંની પોતાની યાદગાર યાત્રા પતાવીને બંને જણા પાછા ભારત આવવા રવાના થયા.
ઇન્ડિયા પાછા આવ્યાંને દસ બાર દિવસ વીતી ગયાં હતાં.
મીનલ સાથે સુવર્ણ દિવસોની ચર્ચા અને યાદગીરી તો બાજુ પર રહી અહીંયા તો અભિજીતને ‘અસહ્ય માથું દુખે છે’ અને ‘ગળું છોલાય છે’ ની ફરિયાદો વધતી જતી હતી. ડાબા હાથમાં અસહ્ય દુખાવો થતો હતો અને સેન્સેશન ઓછું થતું હોય તેવું પણ લાગતું હતું.
અભિજીતને લકવાની અસર લાગતાં મગજનો એમ.આર.આઈ. કરાવ્યો, તે પણ નોર્મલ આવ્યો. મીનલને પણ સમજાતું નહોતું કે અભિજીતની તબિયત અચાનક કેમ બગડી ગઈ.
લકવાની અસર હોવાનાં કારણે બે દિવસથી અભિજીતને ઓબ્સર્વેશન માટે હોસ્પિટલમાં જ રાખ્યો હતો.
મીનલ હવે ડૉક્ટરની જેમ નહીં પણ દર્દીના સગાવ્હાલાની જેમ અભિજીતની બાજુમાં બેઠી હતી. અભિજીતનો હાથ હાથમાં લઇ પોતાનાં એ અમૂલ્ય દિવસોને યાદ કરતી હતી. અભિજીતના ડાબા હાથના પલ્સ એનાં જમણાં હાથના પલ્સ કરતાં ઓછાં અને અસામાન્ય લાગ્યા. મીનલે અભિજીતની હાથને સપ્લાય કરતી લોહીની નળીઓની એંજિયોગ્રાફી કરાવી. એંજિયોગ્રાફી કરતાં જાણવાં મળ્યું કે ગળાની નીચેનાં ભાગમાં કોઈ ફોરેન બોડી છે, જે લોહી સપ્લાય કરતી નળીને કાપી રહ્યું છે જેના કારણે લોહીનો પ્રવાહ ઓછો થઇ રહ્યો છે. ઘણું મગજ કસ્યાં પછી એ ફોરેન બોડીનો આકાર જોતાં મીનલને ખબર પડી કે, “ઈટ ઇસ નથીંગ બટ અ ફિશ બોન.”
મીનલે પાછું ડૉક્ટરનું રૂપ ધારણ કર્યું અને અભિજીતને ઓપરેશન થિયેટરમાં લઇ જવા માટે ઓર્ડર કર્યો.

********

પ્રેઝન્ટેશનની લાસ્ટ સ્લાઈડમાં મીનલે કહ્યું, “હી ઇસ માય હસબંડ, હી ઇસ પ્રેઝન્ટ હીયર એટ ધ મોમેન્ટ, સીટિંગ નેક્સટ ટુ ઓનરેબલ મેયર મેડમ”.

જાપાન જેવાં દેશમાં, જ્યાં “સી ફૂડ” ખાવું સામાન્ય બાબત છે, ત્યાં આવા કેસના પ્રેઝન્ટેશન સાથે જ વિદેશી ડૉક્ટરો એ “ઇટ્સ અ યુનિક કેસ” કહીને બિરદાવ્યો.
ટોક્યોના મેયર મેડમે પણ ડૉ. મીનલ અને ડૉ. અભિજીતને પોતાનાં આવાસે ડિનર માટે આમંત્રણ આપ્યું.
મીનલે પણ આમંત્રણ સ્વીકાર્યું અને કહ્યું, “યસ મેડમ ઇટ્સ આર ઓનર!” 

અભિજીતે પણ વધુમાં ઉમેર્યું,“યસ મેડમ બટ નો ફિશ !!!”

HopeScope Stories Behind White Coat – ૮ / Maulik Nagar “Vichar”

By Maulik Nagar “Vichar”

‘સોનિયા..તું કહેતી હોય તો કંકુ ચંદન લઈને તને ઊપર ઉઠાડવાં આવું, આ કંઈ તારી હોસ્ટેલ નથી’, પ્રગતિબેનની આ રોજની કચકચ હતી. સવાર સવારમાં એમનાં આવાં નકામાં બૂમ બરાડા ચાલુ થઇ જાય. ત્યાંથી ગુજરતા ભંગારવાળાને પણ થઇ જાય કે આપણું કોઈ નવું પ્રતિસ્પર્ધી આવ્યું છે.

‘મમ..મમ..મમ્મી, આ..આ..આવું છું, તૈયાર તો થ.થ….’ સોનિયા બોલવામાં થોડું હકલાતી હતી, બોલતી વખતે એની જીભ ઉપડતી ન હતી. જો ઉપડતી હોત તો પ્રગતિબેન ઉપડવા ના દેત.
‘તારા લાલી લિપસ્ટિકના કારણે મામા મામી રાહ જોઈને બેઠાં ના રહે, તું એકલી નવાઈની નથી ભણી, નીચે આવ જલ્દી નાસ્તો ઠંડો થઇ જશે.’

પ્રગતિબેનનો સ્વભાવ પહેલાંથી જ ચીડિયો હતો. ઉછેર એમનો ગામડામાં થયો હતો. થોડું ગણું તો ભણ્યાં હતાં. એમનાં આખાં પરિવારમાં શિસ્ત હતી પણ એમનામાં જ થોડી કચાશ રહી ગઈ હતી.

એકની એક દીકરી સોનિયાને પ્રગતિબેન હંમેશા દબાઈને જ રાખતા હતાં. પપ્પાનું પણ ઘરમાં એક ન ચાલે. એમને તો એ ભલા અને એમનો ધંધો ભલો.

‘આવી તારી ભાણી, ટાપટીપ તૈયાર થઇને’ મામાની દીકરીના લગ્ન હોઈ મામા અને મામી કંકોત્રી આપવાં આવ્યાં હતાં.
‘મમ..મમ્મી તું પણ શું? અ..અમારે તૈયાર થઈને જ..જ..જઉં પડે’ સોનિયા એ બધાથી નજર નીચી રાખીને જ ઉત્તર આપ્યો.
‘દાક્તરીનું ભણી છે તો તારું આ બોલવાનો પણ કંઈક ઈલાજ કર, તો અમે પણ આવી રીતે તારી કંકોત્રી આપવાં જઈ શકીયે.’
‘અરે પ્રગતિ તું પણ કેવી વાત કરે છે, થવાં કાળે બધું થઇ જશે’ મામા એ સોનિયાનું ઉપરાણું લીધું. સારું હતું મામામાં સોનિયાની બે મા જેવાં ગુણ ન હતાં.
સોનિયા સ્વભાવે સાવ ગાય જેવી હતી.
“દીકરી ને ગાય દોરે ત્યાં જાય” પણ અહીંયા તો દીકરી સોનિયાને કોઈ દોરનાર ન હતું, એની જાતે જ સોનિયા ભણીગણી ને ડૉક્ટર થઇ હતી.
સોનિયાની હોસ્પિટલમાં એને બધાં “મૅડમ-મૅડમ” કરે અને ઘરે આવે એટલે એની કમાયેલી બધી ઈજ્જત પ્રગતિબેન એક જ ઝટકે ઉતારી દે.

‘મા..મા..રિદ્ધિ નથી આવી?’
‘ના બેટા..હું અને મામી તો એક્ટિવા પર આવ્યાં છીએ’, બહું બધી જગ્યા એ કંકોત્રી આપવાની છે એટલે સમય અને પૈસા બંનેની બચત થાય.’
મામા એ મામીને કોણી મારતાં વધુમાં ઉમેર્યું, ‘કોસ્ટ કટિંગ યુ સી’.
‘પ..પ..પણ મામા તમે તો હેલ્મેટ પણ નથી પહેરતા,’આવી બે..બે..બેદરકારી કરો તો આપણને જ જો..જો….’
વાક્ય પત્યું ન પત્યું અને પ્રગતિબેન ટપકી પડ્યાં.

‘તું ચિબાવલી પ્રસંગ ટાણે જ આવાં વિચારો કરે છે.’ બસ, તને તો બધામાં ખોડ ખાંપણ જ દેખાય છે.’ પોતાનું કર પહેલાં…’

‘પ્રગતિબેન, એની વાત પણ એકંદરે સાચી જ છે, હું પણ એનાં પપ્પાને આ બાબતે બહું જ ટોકું છું, પણ એમની તો એકનો એક જ ડાયલોગ કે “ફાટવાની હશે તો ગમે ત્યારે ટિકિટ ફાટી જશે” મામી એ સોનિયાનાં બચાવમાં સત્ય પીરસ્યું.

‘સારું મા..મામા હું હોસ્પિટલ જઉં, બી સેફ…ક..ક..કંઈ કામ હોય તો કહેજો.’
‘લો..બધું ટેબલ પર એમનું એમ મુકીને ઉપડ્યાં, સોનિયા તું કોઈ કામની નથી’ આ તો પ્રગતિબેનનું પોતાનું મેદાન હતું એટલે તેઓ સોનિયાને ઉતારી પાડવાની એક પણ તક છોડતાં ન હતાં.
સ્વાભાવિક છે કોઈને વાંક વગર બધાંની વચ્ચે આવી રીતે ઉતારી પાડે તો ખાવાનો કોળીયો શું ગળેથી થૂંક પણ નીચે ન ઉતરે અને સોનિયા તો ભણેલી ગણેલી ન્યુરો સર્જન હતી.


‘અરે મૅડમ, તમને જ શોધતી હતી અને તમે અહીંયા કેન્ટીનમાં ચાની ચુસ્કી મારો છો, લો આ “ડેરી મિલ્ક”.’ જુનીયર ડૉ કીંજલે ચક્મકીત ચોકલેટનો ડબ્બો એની તરફ ધરતા કહ્યું.
‘એ..એ..એની ગુડ ન્યુઝ?’
‘મૅડમ, હવે સ્કુટીને ટાટા-બાય-બાય, કાલે જ મેં નવી કાર છોડાવી, “હોન્ડા જેઝ-ઓટોમેટિક”, આંખ મચકાવતાં ડૉ કીંજલે વધુમાં ઉમેર્યું,
‘મે’મ તમે તો મારાં મેન્ટર છો, તમારી એકેએક સલાહ મારાં માટે તો પથ્થર કી લકીર જેવી છે, સારું થયું તમે મને આ સ્કૂટી છોડીને ગાડી લઇ લેવાની સલાહ આપી.’
‘જોગાનુજોગ તો જુઓ તમને શોધતી શોધતી હું ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં ગઈ હતી ત્યાં હમણાં જ એક મેલ પેશન્ટ આવ્યું છે. RTAનું (રોડ ટ્રાફિક એક્સિડન્ડ) પેશન્ટ છે, હેડ ઈંજરી છે, હમણાં જ તમારાં નામનો કોડ એનાઉન્સ થશે, જો…જો…’
કીંજલની વાત પતી ના પતી અને હોસ્પિટલની કેન્ટીનના સ્પીકરમાં ટ્રોમા કોડ એનાઉન્સ થયો.
હેડ ઇન્જરીનો મામલો હોવાથી સોનિયા તાત્કાલિક ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ તરફ દોડી, દૂરથી પેશન્ટના સંબંધી બે મહિલાઓ બીજાં જુનિયર ડૉક્ટર્સ સાથે માથાઝીક કરતાં નજરે પડ્યાં.
સોનિયાની ચાલવાની ગતિ ફાસ્ટ થઇ ગઈ.
‘તમે પેશન્ટ પાસે અંદર ન જઇ શકો.’
‘ડોન્ટ વરી મૅડમ, ડૉ સોનિયા ઇસ કમિંગ ઈન જસ્ટ વન મિનિટ,’ રઘવાયેલાં સબંધીને આશ્વાસન આપતાં એક જુનિયર ડૉક્ટરે કહ્યું,
ડૉ સોનિયા નજીક આવતાં જ તૂટ્યાં ફૂટ્યાં અંગ્રેજીમાં એનાં કાને શબ્દો પડ્યાં, ‘સી ઈજ નોટ ઓન્લી ડૉક્ટર સોનિયા, સી ઈજ માય ડૉટર.’
ડૉટર શબ્દ કાને પડતાં જ સોનિયાના મોંઢામાંથી એક અધૂરી ચીસ સરકી ગઈ….”મા….મા…..”

આ ચીત્કારમાં ખબર ન પડી કે સોનિયાનાં મામાનાં અકસ્માતના કારણે એણે મા..મા..ચીસ પાડી કે પ્રથમ વખત એની માના મોઢેથી સાંભળેલ “ડૉટર શબ્દનો” હરખ હતો.