અંતર ની અભિલાષા [Mothers Day]

અભિલાષા
 
 મા ! તારી આ અદ્વિતીય શક્તિ ,
ચાપલ્ય,  શૌર્ય અને  સુશીલતા ,
લાવી અમ જીવનમાં ઉજ્જવળતા.
 પ્રેમાળ ,ચમકતી કાળી  આંખોમાં ,
સ્મિત ભરેલ , સુકાયેલ ગાલો માં , 
કરચોળી  વાળી રૂક્ષ હથેળી માં 
મા ! મેં દેખી હીરની  સુંવાળપતા.
અમૃત  સમ ઉપદેશ  અર્પતી , 
અમૂલ્ય દિવ્ય પ્રેમ વરસાવતી ,
એ જનની  ને જન્મોજન્મ પામું 
એ મુજ  અંતર ની અભિલાષા.
માતૃદિન “ના શુભ અવસરે 
પ્રભુને પ્રાર્થું અંત:કરણ થી,
દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને 
સુખ સંતોષ બક્ષજો સૌ માડીને.

ફુલવતી શાહ 

અણમૂલ ભેટ -તરુલતા મહેતા

મિત્રો ,

મધર્સ ડે’ ના અવસર માટે તરુલતા બેને  મોકલેલ આ વાર્તા અત્યારે જ મુકું છું.”

“માં –હંમેશા પોતીકો ભાવ – એક અનુભૂતિ, એક વિશ્વાસનો સંબંધ” ,આ વાતને રજુ કરતી આ વાર્તા માણશો તો આજે જ મધર્સ ડે છે તેવું અનુભવશો.

અણમૂલ  ભેટ –

રીના અને લીના બન્ને જોડિયા બહેનો છે.રીના થોડી ઊચી અને ભરાવદાર છે,ટેનિસની રમતમાં ઘણા મેડલ જીતી છે.કિશોરી થઈ ત્યારથી મિત્રો સાથે પાર્ટીમાં જવાની શોખીન,લીના નાજુક અને નમણી છે.ગીતો સાભળે અને પુસ્તક વાચે,બન્ને બહેનો જોડિયા હતી,પણ હજારો માઈલો અને વર્ષોનું અંતર તેમની વચ્ચે પડી ગયું હતું, સોળ વર્ષ પછી તેમનો જન્મ દિવસ મે મહિનામાં શનિવારે  સાથે  ઉજવાશે.તેમની મમ્મી આનદથી ઘેલી થઈ હતી,યોગાનું યોગ બીજે જ દિવસે મધર્સ  ડે પણ હતો.રીના ઉત્સાહમાં અનેક યોજનાઓ ઘડતી હતી.લીનાનું મન ક્યાય દૂર ઉડતું હતું,મધર્સ ડે શબ્દ તેના હદયમાં ડંખ મારતો હતો.

રીના એના મિત્રો સાથે જન્મ દિવસની પાર્ટી કેમ ગોઠવવી તે વિચારતી હતી,એને ખબર હતી કે રાત્રે બહાર જવાની મમ્મી મનાઈ કરશે,તેમાં આ વર્ષે એની જોડિયા બહેન લીનાનો પ્રશ્ન પણ ખરો.લીનાનો એની સાથે કોઈ મેળ જામતો નથી.એ બે મહિના પહેલાં ઇન્ડિયાથી આવી હતી.એને મમ્મી -ડેડી  ,બહેન અજાણ્યા લાગતા હતા.આ ઘર એનું નહોતું ,આ દેશ પારકો હતો,સાવ એકલી અટૂલી હોય  તેમ બારી પાસેની ખુરશીમાં કોઈ પુસ્તક લઈ બેસી રહેતી, કે પછી આઈ ફોનમાં ;ગીતોમાં મસ્ત રહેતી,ન એ કોઈ સાથે હસી;ખુશીથી વાત કરતી કે જિજ્ઞાસાથી કોઈ વાતમાં રસ લેતી,

એમની મમ્મી સારિકા આજે  સવારથી ખરીદી કરવા એની સાહેલી સાથે ઉપડી હતી.રીનાએ  સ્કૂલેથી આવી,લીનાને પૂછ્યું ;’મમ્મી કેટલા વાગ્યે આવશે? લીનાનું ધ્યાન એના સંગીતમાં હશે,એણે રીના આવી તે તરફ ન જોયું ,એના પ્રશ્નનો કોઈ જવાબ આપ્યો નહિ ,એટલે રીના ગુસ્સે થઈ ,પોતાના રૂમમાં જતી રહી,જન્મદિવસની પાર્ટીમાં એ એના મિત્રો સાથે રાત્રે  બહાર જાય ત્યારે લીનાને કેવી રોતે સાથે લઈ જવાય? બઘાં એની આ કોઈની સાથે મજાક મશ્કરી ન કરતી મૂગી  રહેતી બહેનની બરોબરની ઉડાવશે।કોઈ વળી પૂછશે ‘આજ સુધી ક્યાં સંતાઈ ગઈ હતી ? કોને ખબર કેટલું રહેવાની છે?

રીના અને એનાથી બે વર્ષે મોટો ભાઈ કેતન મમ્મી ડેડી સાથે શાર્લોટ શહેરના પોશ વિસ્તારમાં વર્ષોથી રહેતા હતા.એમનું પાંચ બેડરૂમનું મોટું ઘર હતુ,એનો ભાઈ કેતન બોસ્ટનની યુનીમાં ભણતો હતો.લીના હજી એને મળી નહોતી।રીનાએ એક વાર મમ્મીને પૂછ્યું હતું કે એની બહેનને ઇન્ડિયા કેમ મોકલી હતી?ત્યારે  એ સાતેક વર્ષની હતી ,મમ્મી કહેતી ‘તું તોફાન કરીશ તો તને પણ મોકલી દઈશ,હવે બન્ને બહેનો સમજણી થઈ હતી,રીનાને ફરીવાર એનો એ જ પ્રશ્ન મનમાં ચકડોળે ચઢયો હતો.આજે ઘરમાં બે બહેનો એકલી  છે.રીનાને થયું લાવ લીનાને જ પૂછું,એ નીચે આવી,તે વખતે લીના રસોડામાં ઉભી  હતી.રીનાએ પૂછ્યું ;’ભૂખ લાગી છે?’ ‘ હા  ‘ લીના બોલી, રીના ‘આપણે નૂડલ્સ બનાવીએ ‘ લીનાએ કહ્યું ‘ મમ્મી ;ડેડી નો પણ જમવાનો સમય થશે.શાક કાપેલું તેયાર છે.તે બનાવી દઉં’ ,રીનાને નવાઈ લાગી તેણે પૂછ્યું તને રસોઈ કરતા આવડે છે? લીના બોલી,’દીદીમાંને રસોઈમાં મદદ કરતી।ઘરમાં એટલા મહેમાનો આવે કે દીદીમાં થાકી જાય’એમની મમ્મી સારિકાની મોટીબેન સરલાને સૌ દીદીમાં કહેતા,એઓ વડોદરામાં અલકાપુરી સોસાયટીમાં ‘નીરવ ‘ નિવાસમાં રહેતા હતા.લીનાનું આજસુધી એ જ ઘર હતું, અહી શાર્લોટના વિશાળ ઘરની બારીમાંથી એ અલકાપુરીના બગીચામાં ખીલેલા મોગરા કરેણ મધુમાલતી ના ફૂલોને જોતી હતી.એક નાની લીના ફૂલોને ચુંટીને દીદીમાંના પાલવમાં આપતી હતી.દીદીમાંના પાલવમાંથી આવતી ઘીની દિવેટની અને

મોગરાની સુગંઘને  એ મિસ કરતી હતી.એ દીદીમાંના પાલવ વગર હિજરાતી હતી , અહી મમ્મી એનું ખુબ ધ્યાન રાખતી,રાત્રે ગુડનાઈટ કહી વ્હાલ કરતી ,ત્યારે એના ગાઉનમાંથી આવતી  ક્રીમ અને સેન્ટની સુગંઘથી એને મનમાં હીબકું (રડવું)આવી જતું।

રીનાએ એના મનને હેરાન કરતો પ્રશ્ન પૂછ્યો ‘તું વડોદરા દીદીમાંને ઘેર કેમ રહેતી હતી ?  લીનાના મૂ રઝાએલા ચહેરાને જોઈ તે  પસ્તાઈ,એણે લીનાના બન્ને હાથ પોતાના હાથમાં ઝૂલાવતાં કહ્યું ‘સીસ તું મારી જોડે પાર્ટીમાં આવીશ? રીનાના મનમાં એમ હતું કે લીના ના જ પાડશે,પણ તેની બહેને હકારમાં માથું હલાવ્યું,

 લીનાએ કહ્યું,’દીદીમાં રજા આપે ત્યારે વડોદરા પણ હું પાર્ટીમાં જતી ,પણ દસ વાગ્યે ઘરભેગા,

રીનાએ મો મચકોડી કહ્યું ‘અહી તો પાર્ટી શરુ દસ વાગ્યે થાય.’

લીનાના ચહેરા પર આશ્ચર્ય ઉભરાયું, તેણે પૂછ્યું ,મમ્મી રજા આપશે?’

રીના કોઈ પ્લાન બનાવતી હોય તેમ બોલી,’રજા તો નહી આપે.પણ આપણે મારા મિત્રો જોડે જઈશું,પછી દસ વાગ્યે મમ્મીને ફોન કરીશું કે અમે ‘રાઈડની રાહ જોઈએ છીએ.વળી કલાકેક રહી ફરી ફોન કરીશું કે અમે નીકળીએ છીએ.એમ મોડા આવીશું,તારો અવાજ ફોન પર સાંભળશેએટલે  એને શંકા નહી જાય.’

લીના બોલી ઉઠી,’ના,ના,મમ્મી કેટલી ચિતા કરશે,ડેડીને  પણ આરામ નહી કરવા દે,ડેડીનું બી.પી.વધારી દેશે ,

રીના એકદમ ગુસ્સે થઈ બોલી ‘તું  શું કામ એ લોકોની ચિતા કરે છે ? તું નાની હતી ત્યારે એવું તોફાન કરતી કે મમ્મીને ગમતી નહોતી ,તને વડોદરા મોકલી દીઘી હતી.

ઘણા દિવસથી લીનાએ  દબાવી રાખેલો ડૂમો નીકળી ગયો.તે બારી પાસેની ખુરશીમાં  બે હથેલી  વચ્ચે મો  દબાવી હીબકા ભરવા લાગી,હવે રીનાને ખરેખરો પસ્તાવો થયો.એનો જીવ બળવા લાગ્યો

‘અરે ,આ હું શું બોલી ગઈ,પિસ્તોલમાંથી ગોળી નીકળી ગઈ,.

એણે  બહેનને  વાગેલા ઘાથી જાણે આખું ઘર ઘણઘણી ઉઠ્યું હોય તેવું અનુભવ્યું,કાચની કેબીનેટો તૂટીને કચ્ચરઘાણ થઈ ગઈ ,એ ઘીરે પગલે બહેનની પાસે આવી પણ એના પગમાં કાચની કરચો વાગ્યાથી લોહી નીકળતું હતું,

,એનો અવાજ ગળગળો થઈ ગયો.તે બોલી’,સોરી ,લીના ,’હું મમ્મીને સમજી શકી નથી ,એ તને  મિસ કરતી હશે ,તે તારા માટે મને આપે તેવી ભેટ લેતી,તને મળવા અમે વડોદરા આવતા ત્યારે મમ્મી કહેતી આપણે તારી બહેનને અમેરિકા  લઈ આવીશું તમે બન્ને બહેનો મઝા કરજો ,’ લીનાએ રડતાં પૂછ્યું’ તું મને મિસ કરતી હતી?’ રીનાએ ડોકું જોરથી હલાવી હા પાડી,બન્ને બહેનો નાની બાળકીઓની જેમ  રડતાં રડતાં એકબીજાને વળગી પડી.

રીના કહે હું નાની હતી ત્યારે કેતન એના ભાઈબંઘ સાથે રમવા ઉપડી જતો ત્યારે હું જીદ કરતી કે મને સિસ્ટર લાવી આપ.મમ્મી રડતી ,પછી ઘાટો પાડી કહેતી,તું પજવીશ તો તને ઇન્ડિયા મોકલી દઈશ,લીના ખુશ થઈ બોલી ‘તું  વડોદરા  આવી હોત તો કેરમ અને સંતાકૂકડી રમવાની કેવી મજા કરત.!

રીના બોલી ‘સીસ ,આપણે પાર્ટીમાં મજા કરીશું,મમ્મીને ખોટો ફોન કરવાનો,મારા મિત્રો એવું જ કરે છે.’

લીના કહે,મારું મન માનતું નથી.પછી વિચારીશું,બન્ને જોડિયા બહેનો હતી,પણ લીનાને લાગ્યું એની નાની બહેનનો પ્લાન બરોબર નથી.દીદીમાં કહેતા માને છેતરીએ એ ભગવાનને છેતરવા જેવું છે.

ડોરબેલ સાંભળી બન્ને બહેનો દોડી,બન્નને ખુશમાં જોઈ મમ્મી -ડેડીના ચહેરા ખીલી ઉઠ્યા,સારિકાના હાથમાંથી બેગ લઈ લીનાએ અંદર મૂકી,વિનોદે બન્નેને ટપલી મારતા કહ્યું,’આજે શું વાત છે?

સારિકા રસોડામાં આવી,રસોઈ તેયાર જોઈ ખુશ થઈ ગઈ, તેણે   તાળી  પાડી વિનોદને બોલાવ્યો,તે બોલી ‘જો મને આજે જ મધર્સ ડેની ભેટ મળી ગઈ ‘ વાહ અપણા માટે ડીનર તેયાર ‘ વિનોદ રાજી થઈ બોલ્યો। સારિકા બન્ને દીકરીઓને  ખભે હાથ મૂકી પોઝ આપતા બોલી અમારો ફોટો લઈ લે,આજ રાત્રે કેતન આવે ત્યારે આપણો ફેમિલી ફોટો લઈશું ,વિનોદે કહ્યું’ સારિકા,તું શું કામ અઘીરી થાય છે?આપણે નિરાતે ઘણા બઘા ફોટા લઈશું,અત્યારે બરોબરની ભૂખ લાગી છે.સારિકા લીનાને વ્હાલ કરતાં બોલી ‘દીદીમાં પાસે બધું શીખી ગઈ ‘રીના કહે મમ્મી ,સલાડ નુડલ્સ ,રાયતું મેં બનાવ્યાં છે.સારિકા બોલી,’હવે તારી બહેન પાસેથી દાળ શાક રોટલી પણ શીખી લેજે,રીના કહે,મને દેશી ખાવાનાનો શોખ નથી.વિનોદે બીજી વાર દાળ લેતાં કહ્યું’,મને  તો આજે મઝા આવી ગઈ ‘

બધાં નિરાતે બેઠાં એટલે સારિકાએ શોપીગની બેગો ખોલવાની તૈયારી કરી.તે બોલી,અમે તમારા માટે શું ભેટ લાવ્યા છીએ,બોલો ,જે સાચું કહેશે તેને બે ભેટ મળશે,લીનાએ પૂછ્યું ‘,ડેડી તમે પણ મમ્મી જોડે શોપીગમાં ગયા હતા?વિનોદ બોલ્યો,’તારી મમ્મીને ખુશ કરવા મેં અડઘી રજા લીઘી હતી’.સારિકાના મુખ પર ઉદાસીનતા ઉભરાઈ,તે બોલી’,ડેડી ને બસ કામ ને કામ ,છોકરાઓ મોટા થઈ ગયા, પહેલાં બબ્બે જોબમાં વ્યસ્ત રહેતા,તેથી જ ડીલીવરી ટાણે  દીદીમાને મદદ માટે આવવું પડ્યું હતું ,મારાથી ત્રણ છોકરાઓનું કામ  થતું નહિ ,દીદીમાની  એક દીકરીને પોતની સાથે વડોદરા લઈ જવાની વાત મેં અને ડેડીએ સ્વીકારી,પછી તો દીદીમાને લીનાની  એવી માયા લાગી કે સોળ વર્ષો નીકળી ગયા,લીનાને થયું દીદીમાં હોશે હોશે અને  પ્રસનતાથી એના જન્મની,બાળપણની વાત કરતા,મમ્મી દુ ;ખી થઈ હતી,એવી તો એને ધારણા પણ નહોતી,એની બહેન ખોટું સમજી હતી.મમ્મીને તે રીના જેટલી જ ગમતી હતી.લીના  ને  આજસુધી અજાણ્યું લાગતું   ઘર પોતાનું લાગ્યું ,પોતાના ,કુટંબમાં આવી હોય તેમ રાજી થઈ,વડોદરા એ નિશાળેથી ઘેર આવતી ત્યારે દીદીમાને વળગી પડતી ,દીદીમાં એને વ્હાલથી કહેતાં,’ તારું બાળપણ હજી ગયું નથી.’ લીનાને મમ્મીને ભેટી પડવાનુ મન થયું , એ દોડીને ભેટવા ગઈ પણ  સોળ વર્ષની યુવતી અટકી ગઈ,એનું બાળપણ દીદીમાંના ખોળામાં હતું,

રીના ઉઠીને મમ્મીને ભેટી પડી’.સોરી મમ્મી ,હું સાવ અણસમજુ હતી ,’મમ્મીએ એને હળવેથી ધબ્બો મારતા કહ્યું ,’હજી એવી જ તો છુ ‘રીના દોડીને લીના પાસે ગઈ ,પછી લટકો કરી બોલી ,લે આ તારી સમજુ દીકરી આવી ગઈ ,હવે હેપી!

બીજે દિવસે’ હેપી બર્થ ડે’ ના અવાજથી બન્ને બહેનો રૂમની બહાર દોડી આવી.કેતન ભેટની બેગ લઈને આડી અવળી ઘુમાવતો હતો.રીના ગુસ્સામાં આવી ,’મૂકી દે મૂકી દે ‘કહેતી કેતનની પાછળ દોડી,લીના એમને જોઈ હસતી હતી.કેતન એની પાસે આવી એની આસપાસ ચકરડી મારવા લાગ્યો,ડેડી બોલ્યા,આને તો હવે બે જણાને સતાવવાની મઝા આવે છે.’સારિકા એમના ફોટો લેતી હતી.વિનોદે એની મશ્કરી કરી ‘તારા ત્રણે રતન નાસી નથી જવાના તે ફોટા લીઘા કરેછે।’

બન્ને બહેનોને  ભેટમાં પાર્ટીના ડ્રેસ અને ઊચી એડીના ચમકદાર સેન્ડલ મળ્યા હતાં,પાર્ટીમાં શોભે તેવી નાનકડી પર્સ અને મેક- અપ કીટ પણ હતાં,રીના મમ્મીને વ્હાલ કરતા બોલી ‘મને આજે રાતની પાર્ટી

માટે સરસ ડ્રેસ મળી ગયો.થેંક્યું મોમ,’એને પાર્ટીમાં જવાની સમ્મતિ મળી ગઈ ,

લીના ડ્રેસ હાથમાં લઈ ઉભી હતી.એનાથી મમ્મીને વ્હાલ ન કરાયું પણ’ થેક્યું’ બોલતા આંખોમાંથી  આંસુ ટપકી પડ્યું,મ્મ્મ્મી એને ભેટી પડી.હળવી થતા બોલી ‘જાવ ડ્રેસ પહેરી જુઓ.’

રીનાઅને કેતન મઘર ડે ની ભેટ લેવા બહાર જતા હતા,કેતને લીનાને બોલાવી,એ બઘા સાથે ગઈ,તેઓ મોલમાં બઘે ફર્યા,લીનાને કઈ સૂઝ પડી નહિ, તે વિચારતી હતી કે દીદીમાં માટે શાલની ભેટ લેવાય,પણ મમ્મીને    એવું તે  શું આપું કે એમની  મારા વિનાના સોળ વર્ષોની ઉદાસીનતા ચાલી જાય.રીનાએ ઉતાવળ કરી,મમ્મી  માટે ,તારે શું લેવું છે? લીનાએ ઘીમેથી કહ્યું,’ જાદુઈ છડી ‘ તને મશ્કરી કરતાં આવડે છે,તેની જાણ થઈ,રીના બોલી।

સૌએ ભેટ આપી.લીના માથું નમાવી મમ્મીને પગે લાગી,સારિકાએ એને હદયસરસી ચાંપી ,રીના બોલી,’તારી ભેટ બતાવ ‘ લીનાએ હાથમાં દબાવી રાખેલો ફાટેલો  કાગળ મમ્મી સામે ધર્યો ,

સારિકા નવાઈ પામી બોલી,’અરે,આ શું છે?તારી ઇન્ડિયાની રીટન ટિકીટ ? લીના મમ્મીનો હાથ પકડી બોલી’,મધર્સ ડેની ભેટ.’

તરુલતા મહેતા 24 અપ્રિલ 2014

તા.ક.સૌ મિત્રોને મધર્સ ડેની અગણિત શુભેછાઓ

રમેશ પટેલ(આકાશદીપ

-રમેશ પટેલ

મિત્રો ,

મધર્સ ડે’ ના અવસર માટે  રમેશભાઈ પટેલે મોકલેલો આ લેખ અત્યારે જ મુકું છું ,શું માંને યાદ કરવા માટે કોઈ દિવસ જોઈએ ખરા ?ખુબ જાણીતા લેખક રમેશભાઈ પટેલે ખાસ શબ્દોના સર્જન માટે આ લેખ મોકલાવ્યો છે તો માણીએ ,”બા બોલુંને ઝૂલે રે બાળપણ”,સ્પર્શી જાય તેવી પંક્તિ।. પરંતુ લેખ વાંચશો તો માની યાદથી આંખો ભીજાય જશે ,એમણે વર્ણવેલા પ્રસંગ સાથે તમારાં માં સાથેના પ્રસંગ એવા જોડાઈ જશે કે માતૃવંદના થી માથું ઢળી પડશે,આપ સહુ વાંચો અને અભિપ્રાય આપી શબ્દોના સર્જનપર આવકારી લો તો સારું……

વિષય-માતૃવંદના…કાશીબા…રમેશ પટેલ(આકાશદીપ)

 લેખ-‘મધર્સ ડે’ ના અવસર પર….આપના આમંત્રણ બદલ આભાર સાથે.

સંસારનું વટવૃક્ષ ખીલે છે મા થકી.

પશુ પંખી કે માનવજાત માટે વ્હાલ એજ અમૃતપાન.

માનું હૈયું એટલે મમતાની સુગંધ.

માતાના આ ઋણનાં સંભારણાં એટલે બાળપણનો મજેદાર લ્હાવો.

બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળેજી રે
તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવેજી રે
લીલુડી ડુંગરમાળ અને રમતી રમતી વહેતી નાનકડી નદીને કાંઠે,
ખેડા જીલ્લાના બાલાશિનોર તાલુકાના પ્રખ્યાત  ડાયનોસર અસ્મી પાર્ક વાળા,
રીયોલી ગામની નજીકનું ગામ જેઠોલી , મારી માતા કાશીબાનું પિયર.બેઠી દડી ,પણ મજબૂત બાંધો અને ગોળમટોળ મુખ અને હસમુખો સ્વભાવ.આઝાદી સંગ્રામ અને આઝાદી બંન્નેની હવા માણેલી આ પાણીદાર પેઢી.ચાર ચોપડી ભણેલાં પણ જીવનનું ગણતર ખૂબ જ પાકું. ચૌદ વર્ષની કુમળી વયે પરણીને , ડાકોર પંથકમાં શ્રી રછોડરાય મહારાજા, ફાગવેલા મહારાજ અને નડીયાદના શ્રી સંતરામ મહારાજની કૃપા ઝીલતા , ત્રિભેટે ઉભેલા ગામ મહિસામાં આવ્યા. બા એજ કહેલી થોડીક વાતો આ નિમિત્તે માનસપટ પર રમવા લાગી ,જાણે કોઈ  રસપ્રદ ઈતિહાસ,એ જમાનામાં ભણ્યા ના ભણ્યા ને સંતાનો બાપોતી ધંધામાં જોતરાઈ જતા,પણ અમારા વડીલો કેળવણી બાબત સજાગ એટલે મારા દાદાશ્રી દ્વારકાદાસ છેક પુના જઈ ફોજદાર થયેલા  અને  ભારે રુઆબ અને કડપ. બા તો બિચારા   નાના ને ગભરું, અને મુખી કુટુમ્બનું પાંચમાં પૂછાતું ખોરડું એટલે પરોણાગતનો પાર નહીં . મારા પિતાશ્રી અમદાવાદ અભ્યાસ કરે. દાદાજીનો રસાલો તેમના ઘોડા અને ઘરના સામાન સાથે સુરત , ભરુચ અને સાદરા વગેરે સ્થળોએ ઘૂમતો અને નાનીવયનાં બા સૌની સાથે જીવનમાં ગોઠવાતાં જતાં. દાદીમાં વહેલાં ગુજરી ગયેલાં અને કોઇ નણંદ નહીં, એટલે ઘરની બધીજવાબદારી  નાનકડી વયે જ બાને ઉપાડવાની આવી. દાદાજીની તબિયત બગડતાં, પિતાજી અભ્યાસ છોડી મહિસા આવી ગયા અને બા ની બીજી ઈનીંગ્સ શરુ થઈ.ખેતીવાડી સાથે ઘર આંગણ દુધાળાં જાનવર  તથા બળદો એટલે ઘરનો ઠાઠ ગણાતો. એ જમાનામાં વીજળીની સુવિધા નહીં એટલે ગામડા ગામે ઘર ઘંટી , વલોણાં અને કુવાથી પાણી લાવી પાણિયારે ઝગમગાટ દાખવવામાં જ ઘરની મહિલાઓ ખૂંપી જતી. બા એ આ સઘળી જવાબદારી ઊપાડી ને સાથે સાથે અમે ચાર ભાઈ અને એક બહેનના ઉછેરમાં પણ કોઈ કચાશ ના રાખી.માવતરની આ તપસ્યાનાં ઋણ તો ઉતારે ના ઉતરે તેવાં છે.બા ભણેલાં ચાર ચોપડી પણ વાંચનનો શોખ ભારે અને મારા પિતાશ્રી ઝવેરભાઈએતો આ શોખ ને બિરદાવતાં , ધાર્મિક પુસ્તકો , સ્વામિવિવેકાનંદના આખ્યાનો,શ્રી ઝવેરચંદ મેઘાણીજી અને ચારિત્ર્ય ઘડતરનાં પુસ્તકોથી , ઘરમાં જ પુસ્તકાલય ઉભું કરી દીધું. અમારા ઘેર તે વખતે શ્રી પૂજાભાઈ બારોટ નામના વડીલ આવતા, બા તેમને અમારા ઘરના ચોકમાં રાખેલી મોટી પાટ પર બેસાડી , ફળિયાના છોકરાઓને બોલાવી , તેમની રસપ્રદ શૈલીમાં સુંદર ચાતુરીની વાતો  કહેવડાવતા. પૂજાભાઈનો તો પછી એ નિત્ય સેવાક્રમ થઈ ગયો અને આખા ગામના બાળકો વાર્તાઓ સાંભળવા આવવા લાગેલા. પૂજાકાકા પછીતો અમારા ઘરમાંની કોઈ ચોપડી પસંદ કરી વાર્તા કહેતા અને છોકરાઓને બાકી વાર્તાઓ વાંચવા પ્રોત્સાહિત કરતા ને બાળકોને મજાથી વાંચવાની આદત પાડી દેતા. બાના ઉત્સાહ વધ્યો ને કામમંમાં વધારો થયો ,એ નોંધી  નોંધીને વાંચવા પુસ્તકો આપે ને  પાછા લે .પૂજાભાઈના સહકારથી શરુ થયેલું એ પુસ્તકાલય , મોટાભાઈ વિષ્નુભાઈ આજે પણ ગ્રામજનો માટે ચલાવે છે. મને કવિતાઓ લખવાની અને સાહિત્યને મજાથી માણવાની  દેન ,એ કાશીબા અને પિતાશ્રી તથા પૂજાભાઈ  બારોટ જેવા પરગજું વડીલોના બાળપણમાં દીધેલા સંસ્કારોને આભારી છે…કેવાં કેવાં ઋણ આપણે શીરે છે,આ નિમિત્તે યાદ આવી ગયાં.  આજથી આશરે સો વર્ષ અગાઉ મારા ગામ મહિસામાં ફક્ત ચાર ધોરણ સુધીની શાળા અને આગળ અભ્યાસ માટે કુમળી વયે માવતરથી છૂટા પડી, નજીકના કઠલાલ ગામે બોર્ડીંગની વ્યવસ્થાવાળી જગ્યાએ બાળકોને જવું પડતું. મારા મોટાભાઈ વિષ્નુભાઈને જ્યારે આટલી નાની વયે  ભણવા બહાર મૂકવા પડ્યા ને બા નો જીવ કપાઈ ગયો. બા એ ભારે હૃદયથી પિતાજીને એ સમયે જે કહ્યું  અને સૌને એ પ્રસંગની વાત કહેલી એ આજે પણ ભાવવિભોર કરી દે તેવી છે.મારે મારા આ બીજા નાનકાને ઘરથી દૂર કરી ભણાવવો નથી…બા બોલ્યાં.પિતાજી કહે છોકરાં ને તો ભણાવવાં જ પડે…આમ કેમ વાત કરોછો?તમે ગામના મુખી છો અને આટલા વડીલો …જુઓ ને આખો વર્ગ અબૂધ જેવાં બાળકો બહાર જાય છે તો આગળ નવા વર્ગ માટે સગવડ કરોને?મા અને આ નાનાં છોકરાની આંખોમાં આંખો પરોવશો તો કઈંક દેખાશે અને સમજાશે.બાની વાત સાંભળી આખી રાત પિતાજીને ઉંઘ ના આવી. બીજે દિવસે..ગામ લોકોએ મળી, એક કેળવણી મંડળ સ્થાપ્યું , પિતાજી ટ્રસ્ટી બન્યા અને શાળા માટે જમીન દાનમાં આપી. અમારા ગામમાં ધર્મશાળા હતી તેમાં તાત્કાલિક ઓરડાની વ્યવસ્થા કરી , મંજૂરી મેળવી એકપછી એકવર્ગ ખોલવા પ્રયત્ન કરતા ગયા. બા નો આ બીજો દીકરો એટલે હું , ઘર આંગણે ભણ્યો અને આગળ વધી ઈલેક્ટ્રીક એન્જીનિયર થઈ , આજે ગુજરાતને ઝળહળ કરતા…મહાકાય વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણનો સહભાગી બન્યો.મારી સાથેના ઘણા સહાધ્યાયી ધર્મશાળાના એ ઓરડાઓમાં બેસી ભણીને યુએસએ આવેલા છે અને મળીએ ત્યારે , એ વાતોની યાદ  આજે પણ મમરાવે છે.ઘર આંગણે કેળવણીનો વ્યાપ કરવાની બાની આ પહેલથી બાળમાનસને કેટલી મોટી વ્યથાથી કેવો મોટો છૂટકારો કે હાશ મળી હશે? … સાચે જ કાશીબાનું ઋણ ચૂકવે ના ચૂકવાય તેવું છે.કાશીબા એટલે પરોપકારની સુગંધ અને એ તેમની જીવન મૂડી.યુવાન વયે  એક ગોરપદું કરતા , બ્રાહ્મણની દીકરી વિધવા બની, માવતર ગુજરી ગયાં એટલે શહેરમાં ભાઈ ભાભી સાથે ગઈ પણ સાથે રહેવું કઠિન લાગતાં , એક દિવસ કાશીબા પાસે આવી બોલી…ઓ કાશીબા…. તમારા આશરે આવી છું. મરજાદી છું અને મારા આ લાલજી ઠાકોર સાથે આયખું પૂરું કરવું છે. તમે જાણો છો કે  ગોરપદુ હતું એ બાપ ગયા પછી હવે આવકમાં કંઈ નથી. હવે આ ગામમાં તમારે ને આ લાલજીને આશરે આવી છું.દીકરીની વ્યથા જોઈ બાની  આંખ ભીંની થઈ ગઈ. બહેન..તમે ચીંતા ના કરશો. આ મારા ફળિયાને તમારું ઘર જ માનજો. દૂધમાં સાકર ભળે તેમ એ દીકરી બની ગયાં ખડકીનાં બાળકોનાં ફોઈ રામરતિફોઈ.અગિયારસ પૂનમ કે ખડકીના કૌટુમ્બિક  પ્રસંગોએ સૌ  ફોઈના લાલજીમહારાજના ચરણોમાં સેવા અર્પતા..દાન સીધું દઈ પૂણ્ય કમાતા . ફોઈનું આંગણું બાળકોને ભેગા થવાનું ,પ્રસાદ લેવા દોડતા જવાનું સ્થાન બની ગયું.આખી જીંદગી તેમણે સુખથી વિતાવી ,કોઈ ઊણપ કાશીબાએ વરતાવા ના દીધી.રામરતીફોઇના અંતરના આર્શીવાદથી આખું ફળિયું સુખી થઈ ગયું.ક્યાં શોધવા હવે એવા માનવતાના દીવડા જેવા કાશીબા ને રામરતિફોઇ ને?કાશીબાના સંતાનમાં અમે ચાર ભાઈ અને બહેન જશોદા ,પિતાની વ્હાલસોયી છાયા ઝીલતું કુટુમ્બ. દિવાળીનો તહેવાર  આવે એટલે  સાફસૂફી અને સજાવટ. સાંજે લાડવાની ઉજાણી બાદ ઘરના ચોકમાં અમને લઈબા દારુખાના સાથે આવી જતા. નાના ભાઈ બળવંત અને અશોકને લઈને તે પાટપર બેસતા અને અમે મોટા એટલે તારામંડળ , ભોંયઘંટી કે તડતડિયાં જેવાં બાળકોને લાયક આઈટમો અમને ફોડવા મળતી. બા ,અમારા નાનાભાઈ અને અમારી ખુશીથી જે હરખ અનુભવતાં , એ ભાવનો ચહેરો યાદ કરતાં, એ   દિવાળીના દિવસોની ખુશાલી , આજે લાખોના ‘ફાયર વર્ક્સ-આતશબાજી’ કરતાં પણ ચઢિયાતી લાગે છે. બા અને કુટુમ્બ સાથેની એ દિવાળી , મીઠાશને યાદ કરતાં સાચે જ હૈયું ઊભરાઈ ગયું ને બોલાઈ ગયું ..કાશીબા એ કાશીબા.મારી ધર્મપત્ની સવિતાને સોનેરી શીખામણ આપતાં કહેતાં કે દુનિયાનું સાચું સુખ ઘરમાં જ મળે અને એ ઘરનો આધાર ઘરવાળી, સુખદુઃખની સાચી સાથી. કુટુમ્બ, ગામ અને દેશ કાજે ભારતીય સંસ્કૃતિથી આયખુ ઉજાળનાર મારી બા કાશીબાને , ‘ગુજરાત ટાઈમ્સ’ના સૌજન્યથી યાદ કરતાં, આજે ગૌરવ સાથે વંદન કરું છું.

રમેશ પટેલ(આકાશદીપ)-http://nabhakashdeep.wordpress.com/

મા ‘ એક નિસ્વાર્થ સંબંધ

મિત્રો આ વખતે Mothers Day ઊજવવાનો મોકો મને મારી માં સાથે મળ્યો .મારા નવ્વાણું વર્ષના સાસુ અને માં બંને સાથે ઉજવ્યો ત્યારે માસીની આ કવિતા જાણે સાર્થક અનુભવી ..માં નો દિવસ માત્ર એક દિવસ માટે ના હોય એ આપ સહુ જાણો છો ….માટે આ કવિતા Mothers Day વિના ગમે ત્યારે વાંચશો તો માંના  વ્હાલ સમી મીઠી લાગશે .

મા …   …  મા


સૌથી વ્હાલી છે મને જગમા મારી મા
નમન કરૂં હું તુજને મારી વ્હાલી મા
હરખે ઉછેરી મને અંતરના કોડ ભરી
આશિષ સદાવરસાવતી મારી મા

હાલરડા સંભળાવતી ને હેતે સુવાડતી
શ્રવણ, પ્રહલાદની વાર્તા સંભળાવતી
હળવે પગલી ભરાવતી ને પ્રેમે જમાડતી
બીક, ડરપોકપણું દૂર કરાવતી , મા

શિસ્ત અને સત્ય કેરૂ વાંચન તું કરાવતી
ક્ષમા અને દયા કેરી આપવીતી સુણાવતી
હિંમત ના હારવી ‘  સૂત્રો ભણાવતી
સ્નેહ અને  સંપ કેરી ભાવનાઓ રેડતી

પળ પળ જીવનની એક વ્યર્થના વિતાવવી
તનમન જીવનની ક્ષણને નિષ્ક્રિય ના રાખવી
હૈયાના ભક્તિ ભાવે ચરણ સ્પર્શ કરૂ આપને
જન્મો જન્મ પ્રભુપાસે માગુ હું  ” મા ” આપને

      પદ્માબેન કનુભાઈ શાહ

મા તે મા બીજા વગડા ના વા

મા તે મા બીજા વગડા ના વા

‘મા’ શબ્દને ગુજરાતી સાહિત્યકારોએ એકાક્ષરી મંત્ર કહ્યો છે.

માતા જગતને ધારણ કરનારું તત્વ છે

            આ….આજે માતૃદિને  મને મળેલી મારી દીકરી ની ભેટછે (Painting done by Neha)

આજે માતૃદિને પદ્મામાસીની રચના

મારી વ્હાલસોયા  સાસુને અર્પણ

..જે આજે ચોરાણું વર્ષે પોતાના બાળકો પર એટલોજ પ્રેમ વર્શાવે છે ..જેણે આખી  જિંદગી ફ્ક્ત બાળકોને ઉછેરવામાં કાઢી …જેણે આપણને આજે પણ કોઈ પણ શરત વગર અને

કશાય કારણ વગર અતીશય ચાહેછે…

આનાથી વધારે માતૃદિનની અંજલી કોને હોય શકે?

મા જેવું સ્નેહ વિશ્વમાં અન્ય કોઈ પાસે નથી, પૃથ્વી પર જન્મ લીધાં બાદ બાળક સૌ પ્રથમ‘મા’ બોલતાં શીખે છે. માવડીનો ખોળો, હાલરડાં ને હેતનાં મોલ અણમોલ છે ..બાળક સૌપ્રથમ પોતાની માતાને જ ઓળખતાં શીખે છે. મા પ્રત્યેક નારીમાં હોય છે ..આ કુદરતનો ક્રમ છે..સ્ત્રીત્વનું શ્રેષ્ઠ રૂપ એટલે માં.

માં  એટલે  સ્વથી સર્વમાં વહેંચાય જાય તે …..  માં વાત્સલ્યની વીરડી…માં   સાક્ષાત પ્રેરણામૂર્તિ,….શિક્ષકોની શિક્ષક,…..અપણા.હૃદયનો ધબકાર..માં……. માં એટલે રણમાં વૃક્ષની છાયા, માં એટલે મમતાનો હીંચકો,…….માં એટલે વહાલની પરિભાષા…કરુણા તણી જ મૂરત  માં …,માના પ્રેમ ની વ્યાખ્યા શબ્દોથી કદાચ આપી શકાય એમ જ નથી..

“મધર્સ ડે”ના   માતૃ  વંદન

શત  શત વંદન મા તવ ચરણે,  ૠણ  કદીના  ભૂલુ રે
બાળપણના મધુરા સ્મરણો, ઉપકાર અગણિત તારા રે
ભીનેથી સુકે સુવાડી, ચૂમીઓ લઈ મા તુ  હરખાતી રે
હૂંફ ભરેલા જનની  તુજ ખોળે, જતન  મધુરા પામી રે

અમૃતમય  પયપાન  કરાવી,  પારણીએ પોઢાડી રે
મૃદુ કુસુમવત હૈયે ચાંપી,મીઠા હાલરડા તુ ગાતી રે
પાપા પગલી ભરતા શીખવી, ઝાલ્યો મારો હાથ રે
રક્ષણ કીધા શિક્ષણ દીધા, ચિંધ્યા માર્ગ અમૂલા રે

મા તુ  સઘળાને  જમાડી, ભક્તિ કરી તું જમતી રે
ગાય પીપળો પૂજન અર્ચન, ઉપવાસ ઘણા કરતી રે
બીમાર વડીલોને જમાડી, તુલસીને જળ ના ભૂલતીરે
દયા પરોપકાર તારી રગ રગમાં, નિંદા તુ નવ સૂણતી રે

જનનીમા  અને  સાસુમા, સૌ  માતાને  મારા વંદન રે
ધરતીમા ને  ભારતમા, શત શત વંદન તુજ ચરણે રે

પદ્માબેન કનુભાઈ શાહ

‘ મા ’

માતૃ દિને “માં” ને ઋણાજલી

માં ની  મમતા ના મૂલ્ય  મુલવ્યા  મૂલવાય નહી
માં ની  કોમળતા ના કુંમ
કુંમ કદીયે કરમાય
નહી
માં ની  ઓરતા ના અમોલ હાર કદી  હણાય
નહી
માં ની દિવ્યતા
ના દર્શન દશે દિશા  છુપાય નહી

દોહદના દિવસે તું સદા દુઃખી, સૌને સૂખે તું સૂખી
અંતરમાં ઉમળકા ભરી, અતિ આનંદ ઉછાળે સહી
પ્રસંગે  તું જ ખોળો ખુંદી, રોજ
રમણી રમતી  રહી
હૈયે હંમેશા વળગાડું માં તને, ઉપકારના ઉર ભરી

કાયા નીચોવી પોષી તે, તરૂવર સમી પ્રીત  તારી
કદી ભૂલી ભૂલાય ના, ઉષ્માભરી તુંજ ગોદ  ન્યારી
આવકારતી અમ-સર્વને સદા, પ્રેમ અમી-દ્રષ્ટિભરી
વરસાવતી વરસાદ મમતાના, વાણી  અમૃત ભરી

કરતી ઘરકામ, ભરતી કુવે પાણીડાં, માવડી તું મારી
બદલતી ડાયપર મધરાતે, સૂકી રાખતી કાયા મારી
પોઢાડી મને, ગાતી હાલરડાં, રામ-કૃષ્ણ વાતો સારી
દોડતી અધીરી, લેવા ઓવારણાં, પા-પગલાં નિહારી

અણમોલ છે  સ્ત્રોત તારું, સદા પોષ્યો આ દેહ નિરાળો
અણુએ અણુમાં રહ્યો છે, તારા રક્ત રૂધિર
  રંગ રૂપાળો
વીત્યા વર્ષો મારી માવડીના, કથળી કાયા  કેડી  કાળે
ભૂલ્યા હંમેશા ઋણ માવડી તારા, સંસારમાયાના જાળે

ક્ષમતાની દેવી,  ભોળી વીરડી, સદા તું  વન – વાવડી
પાપ-કર્મોને ભૂલી, હવે હંકારજે હંમેશા જીવન -નાવડી
અશ્રુ- અભિષેક અર્પું, રક્ષણ માગું તારું,
પાવન -પાવડી
જનમે-જનમ રહીશ તું, ગંગા -જમના
માખન – માવડી