અંતર ની અભિલાષા [Mothers Day]

અભિલાષા
 
 મા ! તારી આ અદ્વિતીય શક્તિ ,
ચાપલ્ય,  શૌર્ય અને  સુશીલતા ,
લાવી અમ જીવનમાં ઉજ્જવળતા.
 પ્રેમાળ ,ચમકતી કાળી  આંખોમાં ,
સ્મિત ભરેલ , સુકાયેલ ગાલો માં , 
કરચોળી  વાળી રૂક્ષ હથેળી માં 
મા ! મેં દેખી હીરની  સુંવાળપતા.
અમૃત  સમ ઉપદેશ  અર્પતી , 
અમૂલ્ય દિવ્ય પ્રેમ વરસાવતી ,
એ જનની  ને જન્મોજન્મ પામું 
એ મુજ  અંતર ની અભિલાષા.
માતૃદિન “ના શુભ અવસરે 
પ્રભુને પ્રાર્થું અંત:કરણ થી,
દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને 
સુખ સંતોષ બક્ષજો સૌ માડીને.

ફુલવતી શાહ 

મનની મોસમ – લલિત નિબંધ (16)જે જીવ્યા એજ મોસમ

મનની મોસમ …જે જીવ્યા માણ્યું એજ મોસમ ….’મૌસમ ‘ શબ્દથી તો આપણે સૌ પરિચીત છીએ. જિંદગીના જેટલાં વર્ષો જીવ્યાં એટલી મૌસમનો તો આ દેહને અનુભવ કરવો જ પડે છે. એમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. આપણે ત્યાં વર્ષ દરમિયાન આવતી ત્રણ ઋતુઓ કે છ મોસમને કુદરતે જ ઘડી છે કે જેનો અનુભવ પ્રાણી માત્રને થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ કે હેમંત, શિશિર ,વસંત, ગ્રીષ્મ, વર્ષાઅને શરદ ઋતુને આપણે માણતાં આવ્યા છીએ. અને એનાથી થતી શારીરિક અસરને સહેલાઇથી અનુરૂપ થઇ જઈએ છીએ અને સુખરૂપ માણીએ છીએ.પણ મનની વાત જ જુદી છે.મનની મોસમ તો માનવીમાં રહેલી ઈશ્વર બક્ષી પ્રેમ, લાગણી, દયા, કરુણા, ક્રોધ, સુખ, દુઃખ વિગેરે ભાવનાઓ સાથે સંકળાયેલ છે. તો આપણે જરાં એ વિષે વિચારીએ
હેમંત કે શિશિરની સવારે, આરોગ્યવર્ધક વસાણાનું સેવન અને ગરમાગરમ દૂધમાં બદામ, પિસ્તા અને કેસરનાં ગ્લાસ સાથેની મીઠાશમાં શિયાળાની ઠંડી જરાય નડતી નથી. ટાઢની તકલીફ હોવા છતાં એને ભૂલી જવાય છે અને મનની મોસમ ખીલી ઉઠે છે. ગરમ સ્વેટર ,શાલ અને મફલર લપેટી ઠંડીને જાકારો આપી દઈએ છીએ. સાંજ પડે તાપણી કરી,ફાયરપ્લેસ પાસે બેસી સહ કુટુંબ ટી.વીના શો જોતાં આનંદ માણી લઈએ છીએ. આમ મન આનંદની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. પણ…જો ટી.વીના શોમાં ઠંડીથી થીજવાઇ ને કેટલાક ‘ઘર વિહોણાં લોકો ફુટપાથ પર મૃત્યું પામ્યાં’ આ સાંભળતા કે જોતાં જ ક્ષણવારમાં જ આનંદનો પારો નીચે ઉતરી જશે. આમ દયાળુ માનવીનાં મનની મોસમને કરમાતાં પણ વાર નહિ લાગે.
“વસંત આવી ફુલડાં લાવી ” સૃષ્ટિના અણુએ અણુમાં નવ યૌવન પ્રગટ્યું. કેસુડે ફૂલ ફોર્યા , આંબી મોર આવ્યા કોયલના ટહુકાથી વાતાવરણ ગાજી ઉઠ્યું.વતાવરણ ઉત્તેજિત થઇ ગયું તો માનવીનાં મનની મોસમ ક્યાંથી કાબુમાં રહે? એ આનંદની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. પણ એ ક્યાં સુઘી ? ગ્રીષ્મએ એનું ગુમાન ના ટકવા દીધું. ગ્રીષ્મની એ કાળઝાળ ગરમીએ મનને બેચેન બનાવી મૂક્યું.આમ મનને આનંદથી વિમુખ થતાંય વાર ન લાગી. ચારેકોરથી પ્રાર્થના સંભળાતી થઇ..
“આવો મેહુલિયા, આવો મેહુલિયા
ધરતીનો સાદ સુણી…આવો મેહુલિયા.”
અને..
વર્ષા ના ઓવારણાં લીધા
” એ….ધરતીનો સાદ સુણી , આવ્યો મેહુલિયો;
લીલુડી ચૂંદડી લાવ્યો મેહુલિયો.”
આમ ધોમ ધીખતી ધરતીને ટાઢી પાડવાં અરજી સુણી મેહુલિયો આવ્યો.. પહેલા વરસાદના છાંટાએ ભીની માટીની મહેકથી વાતાવરણને સુંગંધિત કરી દીધું. સૂકી ધરતીને લીલી ચાદરથી મઢી નવો ઓપ આપ્યો..ડુંગરો રળિયામણા દેખાવવાં લાગ્યા.ખેતરોમાં ભવિષ્યની શુભ કામનાઓ સાથે ખેડુતોએ નવા વાવેતરની શરૂઆત કરી દીધી. નદી, સરોવર જળે ભરાયાં. આખી સૃષ્ટિ જળ સમૃધ્ધ બની ગઈ. તો મનની મોસમમાં પણ મોટી ભરતી જ આવે! પણ જ્યાં વાદળ ફાટ્યું , નદીઓમાં પૂર આવ્યાં, માલ મિલકત ને નુકશાન પહોચ્યું કે નિરાધાર માનવીઓ પાણીનાં પ્રવાહમાં તણાઈ જવાનાં સમાચાર જાણ્યાં તો મોસમની ભરતીને ઉતરવામાં જરાય વાર નહિ લાગે !આમ તરત ઓટ પણ આવી જાય.
શરદના પુર્ણિમાના ચંદ્રની ચાંદનીને મનની મોસમ આનંદપૂર્વક માણે છે. રઢિયાળી રાત્રીએ ગરબા અને રાસની રમઝટ તેમજ દૂધ પૌંઆનો પ્રસાદ મનને પ્રફુલ્લિત કરે છે. રાધાકૃષ્ણ અને ગોપગોપીની રાસલીલાને યાદ કરી સાત્વિક આનંદ મેળવે છે. ચંદ્રના પ્રકાશમાં સરોવર અને સરોવરમાં ખીલેલાં કમળની સુંદરતાનું વર્ણન શું કરવું? એ તો કવિ શ્રી કાલિદાસ જ કરી શકે!
આમ મનની મોસમ પરિસ્થિતિને અનુરૂપ થઇ એક ક્ષણમાં હિમાલયને શિખરે પહોંચી શકે
અને બીજી જ ક્ષણે પેસિફિકના તળીયા સુધી પહોંચવાને સમર્થ છે અને..કુદરત જ્યાં સુધી સૌમ્ય સ્વરુપ ધારણ કરે ત્યાં સુધી મનની મોસમ એને પ્રેમપૂર્વક સ્વીકારશે અનુભવશે અને આનંદ કરશે. પણ જ્યાં કુદરત વકરી, અને એણે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું તો કોઈ ક્યારેય મનને બહેલાવી નહિ શકે.

 

 

 

Fulvati Shah
Sunnyvale, CA.

હાસ્ય સપ્તરંગી -(૩૫)પોદળો-ફૂલવતીબેન ,મનહરભાઈ શાહ

                        અરરર ! આ શું પોચું પોચું  મુજ પાદ  તળે?
                        શું દેડકાનો દેહ કે પછી સર્પ ગુચળુંપડ્યું છે?

                        અરે, કોઈ બત્તી તો ધરો ! હું જોઉં તો ખરો ?
                        કે  શું  છે  આ ? કે  જેમાં  મુજ  પાદ પડ્યો ?

અરરર..! આ તો  છે છાણ  તણો  પોદળો !

                        પથમાં અટૂલો એ પડ્યો  ઘેરાલીલા રંગનો,
                        વળી મહીં કંઈક છે, મિશ્રિત બંટ અને કોદરો
                        એ છાણ તણો પોદળો, જેમાં મુજ પાદપડ્યો.

                        અરે ઓ ગંદા?  તું  વિધાયક  સ્વચ્છતાનો!
                        ખેતરે ખાતર થઇ, લીંપાઈ ભૂમિ દીપાવતો
                        સુકાઈ ને છાણું તું બનતો, તારા અનેક રૂપો
                        ગરીબનું બળતણ બન્યો સળગાવીને ચૂલો.

પ્રાચીનયુગે ઋષિમુનીઓનાં યજ્ઞોને ઉજાળતો 

                      ગોબરગેસરૂપે  યંત્ર ચલાવે તું અર્વાચિનયુગનો 
                      લગ્નની  વેદીએ  તું જ  છે ‘ જીવન ‘ બે જોડતો ,
                     સ્મશાને ય તું  છે  ‘મરણ’ ને ‘જીવન’ થી છોડતો  .

  !
             સ્વ.  મનહર  કે. શાહ અને ફૂલવતી મનહર શાહ

પગરખું-ફૂલવતી શાહ

Mom 75th birthdayપગરખું

કાંટા, કાંકરા, કાદવ, કીચડથી, પગ ને આપ્યું રક્ષણ

 તું ‘ પગ-રક્ષક ‘  અપભ્રંશે, આજ  બન્યું ‘ પગરખું  ‘.

 

ઊચાં-નીચાં,લાંબા-પહોળાં, કાપડ,પ્લાસ્ટિક કે ચર્મ,

રાતાં, કાળા,  ભૂરાં , લીલા,  અનેક ધર્યાં  રુપ-રંગ.

 

ઠંડી – ગરમી,  ભીને – સુકે, ઘરની  અંદર કે બહાર ,

આજ્ઞાપાલક સેવક બની,   તેં સંભાળ્યું  નિજ કામ.

 

બુટ,ચંપલ,સેન્ડલ,સપાટ, પાવડી,મોજડી કે સ્લીપર

અનેક નામ ધરીને તું, સદા રહ્યો  ‘ કર્તવ્ય નિષ્ઠ’. 

 

જાત ઘસી  તેં  પરોપકારે  , તારાં રૂપરંગ બદલાયાં

છીદ્રપડ્યાં, કાયાતૂટી, ‘ના’ પામ્યો પુરસ્કાર એક્કેય !

 

ઘર, મેડી , મંદિર, ગુરુદ્વાર  કે પાઠ શાળાના દ્વારે

તિરસ્કૃત થઇ પ્રવેશ ‘ન’ પામ્યો એવી છે દર્દકહાણી.

 

ફૂલવતી શાહ 

મહા ગ્રંથનું લક્ષ્યાંક-ફૂલવતી શાહ

Mom 75th birthdayમહા ગ્રંથનું  લક્ષ્યાંક  સમય કરતાં વહેલું થઇ  રહ્યું છે.” એ  સમાચાર આપણે  શ્રી વિજયભાઈની ઈ-મેઈલ થી શ્રી પ્રજ્ઞાબેન દ્વારા જાણ્યાં. અને  આ જાણી ને સૌ ને ઘણો જ આનંદ થયો હશે. મારી દ્રષ્ટી એ  આ સફળતાનાં  મુળમાં પ્રજ્ઞાબેનનો શ્રમ  સિંચાયેલો  છે.  જેમણે કદીપણ  લખ્યું  ન હોય તેની પાસે પણ કલમ પકડાવી છે. એમની  કાર્ય માટેની ધગશ અને ચીવટ  પ્રશંસનીય છે. તેથી  જ શબ્દો ના સર્જનને આટલા  બધા નાના મોટા લેખો મળ્યાં. મારા જેવી સાયન્સની વિદ્યાર્થિની કે જેને ભાષા પર જરાય પ્રભુત્વ ન હોય તેને પણ લખો – કઈ પણ લખો- હાથમાં પેન લેશો તો આપોઆપ શબ્દો જડશે. આવું પ્રેમ થી સાહસ કરવાનું પ્રોત્સાહન  એ જ આપી શકે. એમણે  સુતેલાને  જાગ્રત કર્યા છે.
       મેં  જ્યારે  જ્યારે લખ્યું છે ત્યાંરે  ટેવ  નહિ હોવાથી મોટા કદ નાં આર્ટીકલ નથી લખ્યાં છતાં મારા વિચારો વ્યક્ત કર્યા છે. જો કે એજ લખાણ જ્યારે ફરી ફરી વાચું છું ત્યારે તેમાં વધારો થાય એવા ઘણા વિચાર પણ  આવે છે, શબ્દો નાં સર્જન પર મુકાતાં પ્રત્યેક લેખ  વાંચવાનો ઘણો જ આનંદ આવે છે.  અને  ખરેખર સૌ લેખકોને મારા અભિનંદન .

ફૂલવતી શાહ

 

પ્રેમે આખું વર્ષ વીતાવીએ – ફૂલવતી શાહ –

મિત્રો નવા વર્ષની શુભેચ્છા માત્ર એક દિવસ માટે નથી હોતી પરંતુ સમગ્ર વર્ષ આપણને લાગુ પડે છે  આ વખતે દિવાળી અને નવા વર્ષની ઘણી શુભેચ્છા આપણને સૌને મળી ઘણી મેં મારા કોમ્પુટર ના કારણે શબ્દોના સર્જન પર મૂકી ન હતી  તો હું મુકું તેમ માણતા જજો 

પ્રેમે આખું વર્ષ વીતાવીએ  

 નુતન  વર્ષે  નવાં જ  થઇને  ,એકબીજાને આનંદે મળીયે,

 જુના રાગ દ્વેષ દૂર કરીને, હસી-ખુશી સૌને વહેંચતા રહીએ .

 અજ્ઞાનનો  અંધકાર  દુર કરીને જ્ઞાનની જ્યોત જલાવીએ  

નિરાશા ખંખેરી, સદગુણો અપનાવી,આશા-દીપ પ્રગટાવીએ

 સૌને કાજે સુખ,  સમૃધ્ધી, આરોગ્ય અને દીર્ઘાયુ  ઇચ્છી 

 નવા વર્ષે  નવાં જ  થઇ,  પ્રેમે આખું વર્ષ વીતાવીએ  .

    હાર્દિક શુભેચ્છા સહ …

    ફૂલવતી શાહ  

દિવાળી ઉત્સવ-ફૂલવતી બેન શાહ

દિવાળી ઉત્સવ

           વર્ષનો સૌથી મોટો  અને મહત્વનો તહેવાર એટલે  દિવાળી !

        ચાલુ વર્ષની વિદાયની  વેળા એટલે દિવાળી. એનું  સમાપ્ત થવું. આખા વર્ષ દરમિયાન કરેલી સફળતા અને  નિષ્ફળતાનું સરવૈયું કરવાનો સમય.વર્ષના છેલ્લાં ત્રણ દિવસો અને નવા શરુ થતા વર્ષનાપહેલાં  બે દિવસો  એમ કુલ પાંચ દિવસોને દિવાળીનાં   તહેવાર રૂપે ઉજવવામાં આવે છે.નવા વર્ષ નો  પ્રવેશ! એના  સત્કારની  તૈયારી  !  નવો ઉમંગ  ,ઉલ્લાસ  અને આનંદ. નાના મોટા સૌ દિવાળીનો આનંદ   મનાવે છે.નવરાત્રી , દશેરા અને શરદ પુનમ ની ઉજવણી પૂરી થતા જ  દિવાળીની  ઉજવણીની પૂર્વ તેયારી શરુ થઇ જાય છે. ઘરમાં સ્વચ્છતાઅને નવીન  દેખાવ લાવવાનાં પ્રયાસો શરુ થઇ જાય છે.દિવાળીને દીપાવલી નામ થી પણ  સંબોધવામાં  આવે છે.સાંજ થી જ ઘરને રોશની કરી પ્રકાશિત કરવામાં આવે છે.ફટાકડા ફોડી વાતાવરણ ને  ઉત્તેજિત કરી દેવામાં આવે છે. આ પાંચ દિવસોને  વિશિષ્ટ નામ અપાયા છે.અને પાંચ   દિવસો દરમ્યાન વિવિધ પ્રકારની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિ ને મહત્વ અપાયું  છે.કેટલાંક ઉત્સાહી લોકો એક દિવસ આગળ થી તહેવાર ની શરૂઆત કરે છે. બારશ નાં દિવસને વાગ્હ બારશ  કહેવાય છે.એ દિવસે વાણી ની દેવી  માતા શ્રી સરસ્વતી નું પૂજન થાય છે.ધન તેરશ ના દિવસે લક્ષ્મી પૂજન કરાય છે.સાંજને પહોરે લક્ષ્મીજી ની મુર્તિ અને પૂજન માટે રાખેલા નાણાં ને દુધ,દહીંથી સ્વચ્છ કરી પાણી થી સ્નાન કરાવી કકું ચોખા અને પુષ્પ થી પુજવામાં આવે છે.  કાળી ચૌદશને  દિવસે મારુતિ એટલે કે  હનુમાનજી નું પૂજન થાય છે.  આ દિવસે ખાસ તાવડી મૂકી તેલમાં વડા , ભજીયા કે ગોટા  તળવાનો રીવાજ છે.આ દિવસ સાથે ઘણાં કુરિવાજો પણ સંકળાયેલાં છે. દિવાળીનો   દિવસ વર્ષ નો છેલ્લો દિવસ છે.
ઘારી, ઘુઘરા, સુતરફેણી બુંદીના લાડું વિગેરે અવનવી મીઠાઈઓ ઘરમાં બને કે કંદોઈને    ત્યાંથી લાવીને પણ  જમણમાં  વપરાય છે .ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર આસોપાલવ નાં પાન અને કેસરી ગલગોટા નાં ફૂલના તોરણ બંધાય છે .વેપારી વર્ગ
તેમજ  જેમણે  સરસ્વતી પુજન બારશે નાં કર્યું હોય તે સૌ આ દિવસે સાંજ પછી ચોપડાં પૂજન એટલે કે શારદા પુજન  કરે છે. અને માં સરસ્વતી ને અજ્ઞ્યાન ટાળવા પ્રાર્થના
કરે છે. પુજનમાં શ્રી ગણેશ અને સરસ્વતી માતાજી નો ફોટો , નવા વર્ષનું પચાંગ, હિસાબ લખવાની ડાયરી કે દુકાનના હિસાબી ચોપડા તેમજ કલમ/ પેન  રાખવામાં આવે છે. અત્યારના જમાનાં  મુજબ કંપ્યુટર ને પણ પૂજામાં સ્થાન મળી ચુક્યું છે.નવા વર્ષ ની વહેલી  પ્રભાતે છોકરાઓ  કોથળીમાં મીઠું  લઇ  ‘ સબરસ’ ની બુમ પાડતાં વેચવા નીકળી પડે.દિવસ શરુ થતાં દેવ મંદિરોમાં દર્શનાર્થે, વડીલોને પ્રણામ કરવા તેમજ સગાસ્નેહી અને મિત્રમંડળ ને મળી સાલમુબારક  / નુતન વર્ષાભિનંદન કરવા દોડાદોડી  માં પસાર થાયછે .કેટલાક મંદિરો માં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. નવા વર્ષનો બીજો દિવસ ભાઈબીજ કહેવાય છે.આ દિવસે બેન ભાઈની ખાસ પરોણાગતિ કરે છે.  આનંદ પુર્વક જમી પરવારી છુટા પડતાં ભાઈ બેન ને યથાયોગ્ય ભેટ આપે.એવો રીવાજ ચાલ્યો આવ્યો છે.
         મને મારા માતુશ્રીએ નાનપણ માં એક દિવાળી નો ગરબો શીખવાડ્યો  હતો હું કાયમ નવરાત્રી માં પોળ માં એ ગવડાવતી હતી  કોણે લખ્યો હશે એ ખબર નથી પણ વડીલ વર્ગને એ ઘણો ગમતો હતો .ચાલો,આજે આપણે એનો  આનંદ માણીએ  …    .
                                 આવે છે ઘણા હર્ષથી…
                    ધન્ય ધન્ય  દિવાળી , આવે છે ઘણા હર્ષથી ;
                    આવે છે ઘણા હર્ષથી , આવે છે ઘણા હર્ષથી. ધન્ય ધન્ય …..
                    નાના મોટા બાળકો ફોડે ફટાકડા , ફોડે ફટાકડા
                    આસોપાલવનાં તોરણ બંધાય, આવે છે ઘણા  હર્ષથી ..ધન્ય ધન્ય …..
                    ધનતેરશનાં દિવસે લક્ષ્મી પૂજન  થાય છે ,
                    નારીઓ  સાથીયા  પૂરે , આવે છે ઘણા  હર્ષથી ..ધન્ય ધન્ય …..
                    કાળી ચૌદશના દિવસે મારુતિ પૂજન થાયછે ,
                    ખીર પૂરી ને વાડાં  તળાય , આવે છે ઘણા હર્ષથી …ધન્ય ધન્ય …..
                    દિવાળીના દિવસે  શારદા   પૂજન  થાય છે  ,
                    ઘારી ને ઘુઘરા કરે , આવે છે ઘણા હર્ષથી …ધન્ય ધન્ય ….
                    નવું વર્ષ સૌને  મુબારક હો જો , મુબારક હો જો,
                    આનંદ  જય જય કાર , આવે છે ઘણા હર્ષથી …  ધન્ય ધન્ય …..
                    ભાઈબીજને દિવસે  બેન ભાઈને જમવા તેડે;
                    હૈયે હરખ ના  માંય ,    આવે છે ઘણા હર્ષથી …ધન્ય ધન્ય ….
                    જમી કરીને  ભાઈ  બેનને ભેટ આપે ,બેનને ભેટ આપે;
                    આનંદ ઉર ના સમાય ,   આવે છે ઘણા હર્ષથી…  ધન્ય ધન્ય …..
ફૂલવતી બેન  શાહ

ઘર એટલે ઘર…..(18). ફૂલવતી શાહ

 ” ઘર ” એ કેટલો સરળ શબ્દ છે !  નહિ કા’નો કે નહિ માત્રા. જેટલો સરળ  છે તેટલો જ અર્થસભર અને ઉષ્માભર્યો શબ્દ છે. એની સાથે આત્મીયતા અને નિર્ભયતા સંકળાયેલી છે.એનું મૂલ્ય આપણી કહેવત બતાવે છે. ” પૃથ્વી નો છેડો ક્યા?” તો કહેવાય  કે  ” ઘર.”  સંતોષ ,પ્રેમ અને આનંદનું ધામ  એનું નામ ઘર. પછી  એ તપોવનમાં  વૃક્ષ નીચે બાંધેલી કુટીર કેમ નાં હોય !.  ઈટ ચૂનાનું બનાવેલું  મકાન હોય કે સિમેન્ટ કોન્ક્રીટ અને એર કંડીશન વાળી  ઈમારત હોય કે પછી આરસ પહાણ જડીત મહેલ હોય- પણ જો તેમાં રહેનાર વ્યક્તિઓ માં પરસ્પર પ્રેમ, વિશ્વાસ કે સહાનુભુતિ ના હોય તો એ રહેઠાણ- ” ઘર ” નથી.  

         સૃષ્ટિ પર નાં તમામ સજીવો ને પોતાના જીવને સાચવવાની  કુદરતી  વૃત્તિ હોય છે.  આથી  પ્રત્યેક પ્રાણીને  આશ્રય સ્થાનની જરૂર પડે  છે. દરેક પોતાની જરૂરીઆત મુજબ સ્થાન શોધે છે અથવા બનાવી લે છે.  આશ્રય  સ્થાનની પસંદગીમાં  પ્રથમ  જરૂરીઆત પોતાની અને  પોતાના પરિવારની   સંરક્ષણની  છે.  પોતાનાથી વધુ શક્તિશાળી પ્રાણી નો પોતે શિકાર ના બને તે મુખ્ય ધ્યેય હોય છે.   પવન, તાપ, ટાઢ અને વરસાદ  જેવી કુદરતી ઘટમાળ થી બચવા દરેક પ્રાણી અને મનુષ્યે પોતાને અનુકુળ રહેઠાણ બનાવ્યા.ઉંદર, છછુંદર કે સાપ  દર બનાવી રહે. પક્ષીઓ પોતાના વિશ્રામ માટે માળો બાંધે છે.વાઘ, સિહ ,વરુ જંગલી પ્રાણીઓ બોડકે ગુફા શોધે છે ગાય,ઘોડો બકરી વિગેરે પાલતું પ્રાણીઓને એમના પાલકો ઋતુ અનુસાર સગવડ સાચવી ગભાણ , તબેલો ઈત્યાદી બનાવે છે.જ્યારે માનવી પોતાને માટે મકાન બનાવે છે. માણસ જ માણસનો દુશ્મન બની શકે છે. એટલે માનવી ચોર, લુંટારા  કે અનિષ્ટ તત્વોથી બચાય તેવું રહેઠાણ પસંદ કરે છે.બને ત્યાં સુધી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.આ વિચારધારાએ  જ આપણને ખડકીઓ, પોળો , મહોલ્લા વિગેરે આપ્યા.અને એના પરિણામે ગામડા, ગામ અને શહેરો બન્યાં. 

સજીવની જરૂરીઆત પ્રથમ આત્મરક્ષણ , બીજી આહાર અને ત્રીજી  આશ્રયસ્થાન. એટલે માનવી પોતાનું  રહેઠાણ ભયરહિત સ્થળ છતાં નોકરી ધંધાની નજીક પસંદ કરશે .જેથી સમય અને શક્તિ બન્નેનો  બચાવ કરવાનું વિચારશે.પોતાના બાળકો નાં ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સારા સ્કુલ એરિયા માં  મકાન પસંદ કરશે.આવી બધી તકેદારી રાખવા છતાં એ રહેઠાણ ” ઘર ” ક્યારે બને ? જ્યારે એમાં રહેનારા સૌ સભ્યો સ્નેહ સાકળથી બંધાયેલા હોય, એમના વિચારોમાં સામ્યતા હોય.  તેઓના સ્વભાવમાં  ક્ષમા અને સંતોષ ગુંથાઈ  ગયા હોય. જ્યાં  પતિ-પત્ની,  દીકરા-દીકરી, ભાઈ-બેન, માતા-પિતા, કે વૃદ્ધ દાદા -દાદી પ્રેમ અને સન્માન પૂર્વક રહી શકતા હોય , જ્યાં   આદરપૂર્વક  અતિથી   આવકાર પામતા હોય   અને જ્યાં આનંદ  કિલ્લોલ નો ગુંજારવ સંભળાતો હોય તો  તે  રહેઠાણ જ સાચું

” ઘર ”  છે. સૌને સાચા અર્થમાં રહેવા માટે નું  ” ઘર ” મળે એ જ શુભેચ્છા. 

 ફૂલવતી શાહ 

તસ્વીર બોલે છે….(14) ફૂલવતી શાહ

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

તસ્વીર તો ઘણી સુંદર છે.એને જોતાં નકારાત્મક   તેમજ  હકારાત્મક  બંને પ્રકાર ના વિચારો આવી જાય છે. બંને રીતે વિચારણા કરીએ .આપણી કહેવત છે , ” જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટી ”  કાળા રંગના કાચ માંથી જોનારને દુનિયા વાદળ ઘેરી ઘુન્ઘળી દેખાશે,પછી ભલેને સૂર્ય સોળે કળાયે પ્રકાશી રહ્યો હોય.જ્યારે શુદ્ધ રંગ વિહીન  સ્વચ્છ  કાચમાંથી જોનારને દુનિયા એના કુદરતી રંગે રંગાયેલી રળિયામણી  દેખાશે  .આ  તસ્વીર પણ માનસ પટ પર  કૈક એવી જ દ્વિધા ઉત્પન્ન કરે એવી  છે. એક દેડકો આપ બળે ઉપર ચઢી રહ્યો છે(1) જ્યારે બીજો દેડકો તેનો પગ પકડી  તેને  આગળ વધતો અટકાવી રહ્યો  છે.  અથવા (2)  બીજો દેડકો તેનો પગ પકડી સાથે ઉપર જવા પ્રયત્ન કરી રહ્યો છે.
કોઈક ને એવો  વિચાર આવે કે આગળ વધી રહેલા દેડકા ને પાછળ પકડી રહેલ દેડકો રોકી રહ્યો છે. પાછળ  પડી ગયેલો  દેડકો વિચારે કે મારાથી  આગળ કોઈ જાય શું? આગળ વધતાને હું અટકાવું ત્યારે જ હું સાચો . તેનો પગ તાણી  નીચે પાડવા પ્રયત્ન કરી રહ્યો છે.આમ બીજાની પ્રગતિ સહન ન થતાં ,બીજાની પ્રગતિમાં વિઘ્ન નાખવાની વૃત્તિ દેખાઈ આવે છે.  ઈર્ષા અને અદેખાઈની ભાવના! આનાં થી જુદું એમ પણ હોઈ શકે કે ઉપર ચઢી રહેલ દેડકાભાઈ જ ગર્વિષ્ટ હોય. “હું “ પણું  એ અજ્ઞાનતા છે. મારા જેવું કોઈ નાં હોવું જોઈએ. હું જ કંઈક છું. પહેરવું , ઓઢવું કે બોલવું ….કોઈ મારી બરાબરી કરનાર ના હોવું જોઈએ.સમાજમાં મારી તોલે કોઈ આવવું ના જોઈએ . રખે કોઈ એનું અનુકરણ કરનાર નીકળે તો પગની લાત મારી એવો તો પછાડવો કે ફરી ઉભો જ ના થઇ શકે.આવી પણ શક્યતા હોઈ શકે.
પરન્તુ આ જ તસ્વીરને હકારાત્મક  દ્રષ્ટી બિંદુ થી નિહાળીએ તો કંઈક ઉચ્ચ આદર્શ આપી જશે. હું  (ઉપર વાળો દેડકો) આગળ વધવા પ્રયત્ન કરું છું,મારા આપબળે ઉપર ચઢવા જઉં  છું. તું પણ મારી પાછળ  ઉપર આવ. મારો પગ પકડ. હું તને મારી સાથે જ ઉંચે  ચઢાવીશ. એમાં  ઉત્તમ  ભાવના એ રહેલી છે કે મારા વિચારો  અને મારા વર્તન નું અનુકરણ કરી ને જેટલી તાકાત હોય તેટલી તાકાત અજમાવી મારો પગ પકડી રાખ.મારી સાથે ઉપર ચઢ. ઉપર વાળો દેડકો સાવધાનીપુર્વક આગળ વધી રહ્યો છે. સાથેસાથે પોતાને ભરોસે પગ પકડી પાછળ આવી રહેલા દેડકાનું પણ એને ધ્યાન છે.”વાડ  હોય તો વેલો ચઢે ” . ઉપર વાળા દેડકાની જેમ  માતા- પિતા બાળકો ની  ઉન્નતિ માં રસ લે. પતિ – પત્ની એકબીજાની  પ્રગતિમાં સહકાર આપે. સશક્ત યુવાન વર્ગ કુટુંબના  વૃધ્ધ અને અશકતોને સહાયરૂપ બને. આર્થિક સદ્ધર વ્યક્તિઓ અને  ઉત્તમ અભ્યાસ કરેલી વ્યક્તિઓ  નિરક્ષરતા નું નિવારણ કરવા કટિબદ્ધ થાય. શાળાઓ અને કોલેજો નું પુરતા પ્રમાણમાં નિર્માણ કરે / કરાવે  કે જેથી  કોઈ પણ બાળક અભણ ન રહે. ધનવાન અને સાહસિક વ્યક્તિ નવા ઉદ્યોગો સ્થાપી સમાજમાં રોજગારી ની તકો પૂરી પાડે જેથી કોઈ યુવાન બેકાર ન રહે. સમાજની જ્ઞાન અને વૈભવથી સમૃધ્ધ એવી  વ્યક્તિઓએ  પોતાની શક્તિ પ્રમાણે જરૂરીઆતમંદો ને મદદ રૂપ થવાની ઉચ્ચ ભાવના ઉપર વાળો દેડકો આપી રહ્યો છે.  આશા રાખીએ કે સમાજ આ તસ્વીર માંથી સુંદર બોધ ગ્રહણ કરે!
ફૂલવતી શાહ

સુખ એટલે …(2)-ફૂલવતી શાહ

 

Mom 75th birthdayસુખ એટલે   …

કેટલો સુંદર વિષય  છે ! સુખ એટલે શું ? સુખ કોને કહેવું ? સુખના કેટલા બધા પ્રકાર છે. શારીરિક સુખ, માનસિક સુખ, પૈસેટકે પુરતાં  હોવું એ  આર્થિક સુખ  , સમાજ માં માનપાન મળવું એ   સામાજીક પ્રતિષ્ઠા નું સુખ  વિગેરે….વિગેરે….
જુના જમાનાની કહેવત છે  કે…..

” પહેલું સુખ તે જાતે નર્યા ,   બીજું સુખ કોઠીએ જાર;
ત્રીજું સુખ  સંતોષી  નાર ,  ચોથું સુખ ઓરડે સપૂત. ”
આજે  આપણે  વર્તમાન  પરીસ્થિતિ  પ્રમાણે  વિચારીએ તો કોઈની પાસે ઘણી મિલકત છે  તો તેને સાચવવાની ચિંતા એ એનું મોટું દુ:ખ છે. અને જેની પાસે   પૈસા નથી તેને કેમ જીવાશે તેની ચિંતા એ પણ  દુ:ખ છે .  કોઈ પોતાના સ્વભાવે દુ:ખી છે.કેટલાક  લોકો પોતાના  દુ:ખે  દુ:ખી હોય  તો કોઈ બીજાનું સુખ જોઇનેદુ:ખી થાય છે. ઈર્ષ્યાળુ  માનવી સુખે જીવી શકતો નથી .  કેટલાંક  ભૂતકાળને યાદ કરીને  દુ :ખી થાય છે, ગઈગુજરી યાદ કરી  દુ:ખ અનુભવે છે તો કોઈ  ભવિષ્યની ચિંતામાં  ડૂબી ને રિબાય છે. જગતમાં અનેક જગાએ લોભ અને દગાબાજી કરી અરસપરસ  દુ:ખદાયક પરિસ્થિતિ પેદા કરાય છે. જુઠું બોલવું કે ખોટું આચરણ  કરી કોઈને દુ:ખી કરવાની નવાઈ નથી રહી. આ ઉપરાંત  કેટલીક  વ્યક્તિઓ  પોતાના વહેમી સ્વભાવને લીધે  દુ:ખી થાય છે. દરેક બાબતમાં  નકારાત્મક વિચાર કરી કોઈ ઉલટી જ કલ્પના કરી દુ:ખ અનુભવે  છે.આમ જોવા જઈએ તો સર્વત્ર દુ:ખ ફેલાયેલું છે, પણ એની બીજી બાજુએ સુખછુપાયેલું છે.તો એ સુખના દર્શન ક્યારે થાય? આ સુખના દર્શન કરવા તમારે ક્યાંય જવાની જરૂર નથી.અપેક્ષા નો ત્યાગ કરવાની જરૂર છે.હું જાણું છું કે  લખવાનું જેટલું સહેલું  છે તેટલું કરવાનું સરળ  નથી.છતાં પણ માનવીએ  હકારાત્મક વિચારોથી મનને   કેળવવું જરૂરી છે.  સ્વપ્રયત્ન થી જ મન  ધીરે ધીરે કેળવી શકાય.મારો પ્યાલો અડધો ખાલી છે તેનેબદલે મારો પ્યાલો અડધો ભરેલો છે એ ભાવના કેળવવી જોઈએ. અને આનું જ નામ સંતોષ.આપણી કહેવત છે કે —
“સંતોષી નર સદા સુખી”  આપણે પોતાની વર્તમાન પરિસ્થીતી ને અપનાવવાની છે. અહીં પોતાની વર્તમાન પરિસ્થિતિ નેઉજ્જવળકરવા પ્રયત્ન કેપુરુષાર્થનેત્યાગવાની વાત  નથી એ યાદ રાખવું તેટલું જ જરૂરી છે. અંત માં એટલું જ  કહીશ કે ‘સંતોષ જેની પાસ છે, તે છે સદા સુખી ‘

ફૂલવતી શાહ