ચાલો લ્હાણ કરીએ – (૨૦)જિંદગી-નિરંજન મહેતા

 

 

 

જિંદગી એટલે જન્મથી મૃત્યુ સુધીનો સમયગાળો. આપણે તેના અન્ય નામોથી પણ જાણીએ છીએ – જીવન, જીવતર, જન્મારો.

પરંતુ દરેક વ્યક્તિની જિંદગી સરળ નથી હોતી. તેમાં ઉતાર ચઢાવ આવતા રહે છે. કોઈને ઓછા તો કોઈની વધારે. જે તેણે તેનો સામનો કરવો પડે છે. જીવનના આ ઉતાર ચઢાવને સમજીને જે જીવી જાણે છે તેનું જીવન સાર્થક ગણી શકાય. આવા ઉતાર ચઢાવને અનુલક્ષીને કેટલાય ફિલ્મીગીતો દ્વારા આપણને ફિલસૂફીનો આસ્વાદ મળે છે. તેમાંના થોડાકનો આ લેખમાં ઉલ્લેખ છે. અહી જણાવાયેલા ગીતો ઉપરાંત વાંચતા વાંચતા કેટલાય અન્ય ગીતો પણ તમને યાદ આવશે તો તેને તમારી રીતે માણી લેજો.

જિંદગીની એક ફિલસુફીને વર્ણવતું ફિલ્મ ‘આનંદ’નું આ ગીત સદાબહાર છે:

જિંદગી કૈસી હૈ પહેલી હાયે

કભી એ હસાયે કભી એ રુલાયે

ઉપર કહ્યું તેમ જિંદગીના ચઢાવ ઉતારને અનુરૂપ આ ગીતમાં કહેવાયું છે કે આપણી જિંદગી એક કોયડો છે. ક્યારે તે આપણને હસાવશે અને ક્યારે રડાવશે તેની આપણને ખબર નથી. આ જાણવા છતાં વ્યક્તિ સપનોની પાછળ ભાગે છે અને પસ્તાય છે.

બહુ જ જૂની ફિલ્મ ‘આહ’નું આ ગીત પણ જિંદગી માટે કહે છે:

છોટી સી યે જિંદગાની રે

ચાર દિન કી કહાની તેરી

હાયે રે હાયે

ગમ કી કહાની તેરી

આપણે સૌ જાણીએ છે કે જિંદગીને ચાર દિવસની ચાંદની સાથે સરખાવાઈ છે અને તે દુ:ખોથી ભરેલ છે. કહેવાય છે કે ચાર દિનની ચાંદની અને પછી ઘોર અંધારું.

જિંદગી જીવતા જીવતા આપણા જીવનની રફતારમાં અનેક લોકો આવે છે અને આવા કેટલાક લોકો આપણને અધવચ્ચે છોડીને જાય છે પણ જ્યારે આ છોડનારની યાદ રહી જાય છે ત્યારે તે આપણને આપણી એકલતામાં તડપાવે છે. પણ આ તો એક કુદરતનો નિયમ છે અને તે જ તો જિંદગીની ખાસિયત છે. આવા અર્થનું ગીત ફિલ્મ ‘મુનીમજી’માં અપાયું છે જેના શબ્દો છે:

જીવન કે સફર મેં રાહી

મિલતે હૈ બિછડ જાને કો

ઓર દે જાતે હૈ યાદે

તન્હાઈ મેં તડપાને કો

આ ગીત ફિલ્મમાં બે વાર છે જેમાં લતાજીએ ગાયેલું ગીત દર્દભર્યા સ્વરમાં છે જે જિંદગીની ફીલસુફીને ઠીક ઠીક ઉજાગર કરે છે.

પણ જિંદગી માટે એક અન્ય ફિલસુફી છે કે આ જિંદગી તો એક સપનું છે. આવા અર્થનું ફિલ્મ ‘જાગતે રહો’નું ગીત પણ માણવા લાયક છે: જિંદગીમાં સાચું શું અને ખોટું શું તેની કોઈને ખબર નથી હોતી એવા ભાવાર્થનું આ ગીત છે:

જિંદગી ખ્વાબ હૈ

ખ્વાબ મેં જૂઠ ક્યાં

ઓર ભલા સચ ક્યાં

પણ જે બેફિકરાઈથી જીવન જીવી જાણે છે તેને માટે તો જિંદગી સુગમ થઇ રહે છે. ફિલ્મ ‘હમદોનો’માં દેવઆનંદ આવા જ કોઈ અંદાજમાં ગાઈ ઊઠે છે:

મૈ જિંદગી કા સાથ નિભાતા ચલા ગયાં

હર ફિક્ર કો ધુએ મેં ઉડાતા ચલા ગયા

કેવી ઝિંદાદિલી !

ભલે આપણે જાણીએ છીએ કે જિંદગીમાં ચઢાવ ઉતાર છે પણ તેને હકારાત્મક દ્રષ્ટિએ જોઈએ તો તે એક આનંદમય સફર બની શકે. આવી જ ફિલસુફી લઈને રાજેશ ખન્ના ફિલ્મ ‘અંદાઝ’માં કહે છે:

જિંદગી એક સફર હૈ સુહાના

યહાં કાલ ક્યાં હો કિસને જાના

મતલબ કે આપણે સૌ જાણીએ છીએ કે કાલે શું થવાનું છે તેની કોને ખબર છે. તો પછી જિંદગીની સફરને માણી લો અને મોજ કરો.

પણ આ જ રાજેશ ખન્ના જિંદગીની થપાટ ખાઈને દુ:ખી થાય છે ત્યારે જુદા જ સૂરમાં કહે છે:

જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ

વો ફિર નહિ આતે, વો ફિર નહિ આતે

ફિલ્મ ‘આપ કી કસમ’નું આ ગીત પણ એટલું જ ફિલસુફીભર્યું છે

અન્ય એક ગીતમાં જિંદગીના ગમનો સામનો કરવા સક્ષમ ગુલઝાર કહે છે

યે જિંદગી ગલે લગાલે

હમને ભી તેરે હર એક ગમકો

ગલે સે લગાયા હૈ

ફિલ્મ ‘સદમાં’નું પશ્ચાદભૂમિમાં મુકાયેલ આ ગીત પણ માણવા જેવું છે. આ ગીત એટલે જ ફિલ્મ ‘ડીયર જિંદગી’માં પણ અપાયું છે.

જિંદગી માટેનો એક ઓર અંદાઝ પણ માણવા લાયક છે:

જિંદગી પ્યાર કા ગીત હૈ

ઈસે હર દિલ કો ગાના પડેગા

ફિલ્મ ‘સૌતન’’ના આ ગીતની ફિલસુફીને જે સમજી શકે છે તે ખરેખર આનંદથી જિંદગી વિતાવી શકે છે અને માણી શકે છે.

નિરંજન મહેતા

ચાલો લહાણ કરીએ -ક્ષણ-‘મનુજ’ હ્યુસ્તોનવી

મિત્રો

મનોજ મહેતા-તખલ્લુસ – ‘મનુજ’ હ્યુસ્તોનવીના નામે જાણીતા હ્યુસ્ટન, ટેક્ષાસ્ માં રહેતા પ્રથમ વાર આપણા બ્લોગ પર આવ્યા છે તો એમને વાંચી આપના પ્રતિભાવ આપી સત્કારશો.અનુભવી કલમ માણવાની મજા આવશે અને સાથે કૈક નવું શીખવા મળશે.

મનોજભાઈ આપનું “બેઠક”માં  સ્વાગત છે.

 

જો પળ છે, દૂરસુદૂર,

જીવન,પણ છે, મોતથી સુમધૂર.

જુઓ, અટકળ કરે, મન જીવવાને,
પાઈ લપસ્યા કરે, રુપિયો બનવાને,
ધૂળ રજકણ બને, ઉંચે ઊડવાને,
બીજ વળગણ કરે, વૃક્ષ બનવાને,
ભ્રમર ચાહે વન ઉપવન ભમવાને,
ચન્દ્ર ભટકે ગગન ઉજળો થાવાને,
ક્રિયા ઝાઝી પણ કર્તા છે ક્ષણભંગૂર,
જીવન, પણ છે, મોતથી સુમધૂર.

પળનો શ્વાસ જુઓ, અવિશ્વાસ જુઓ,
પળનું અંતર જુઓ કે વૃધ્ધિ જુઓ,
પળનું માપ જુઓ યા વજન જુઓ,
પળનાં રાગ જુઓ અથવા રંગ જુઓ,
પળનાં વેણ સૂણો, શ્રવણનું ઝેર જુઓ,
પળની ખ્યાતિ જુઓ, અધોગતિ જુઓ,
ભાસ, આભાસનો કેવો મગરૂર!
જીવન, પણ છે, મોતથી સુમધૂર

તમે માનો, જો પળ છે, દૂરસુદૂર,
જીવન,પણ છે, મોતથી સુમધૂર.

મનુજહ્યુસ્તોનવી
૦૪/૦૮/૨૦૧૭

આજે લહાણ મારે કરવીછે એક નજમની..મનુજ હ્યુસ્તોનવી દ્વારા લખાયેલ તાજી પહેલી ધારની નજમ એટલે “ક્ષણ”

કવી એક પળની… એક ક્ષણ ની વાત કરે છે.સૌ જાણે છે તે પળ જિંદગીમાં આવવાની નક્કી છે છતા સૌ માને છે તે પળ હજી દુર છે ખાસ્સી એવી દુર છે હજી જિંદગી મજબૂત છે તે માન્યતા થકી થતી અટકળો તેની જીંદગાની ને મજબુત બનાવતી રહે છે.તે માટે પ્રયોજાયેલા રુપકો પણ બળુકા છે ..પાઇ રુપિયો બનવા.. ધૂળ રજકણ બનવા, બીજ વળગણ બનવા, ભ્રમર વમ ઉપવન ભમવા  અને ચંદ્ર ઉજળો થવા ગગને ચઢે પણ વાસ્તવીકતાની ઢાલ છેલ્લી બે લીંટીમાં આપી દે છે

ક્રિયા ઝાઝી પણ કર્તા છે ક્ષણભંગૂર,
જીવન, પણ છે, મોતથી સુમધૂર.

કર્તા છે ક્ષણ ભંગુર.”ની લાલબત્તી ધરી કવી સ્પષ્ટ કહે છે કે જીવન મધુર છે મોતથી… આપણ ને વધુ વિગતે સમજાવતા તેઓ કહે છે પળનો શ્વાસ જુઓ કે અવિશ્વાસ જુઓ, પળનું અંતર જુઓ કે વિકાસ જુઓ, પળનો રાગ જુઓ કે રંગ જુઓ,,પળનાં વેણ જુઓકે શ્રવણ નું ઝેર, પળની ખ્યાતિ જુઓ કે અધોગતિ, ભાસ આભાસનો કેવો મગરૂર… આ જીવન, પણ છે, મોતથી સુમધૂર.

ફરી ફરીને એક જ વાત આવે છે આ જીવન ,પણ છે, મોતથી સુમધુર…

મોતથી આ જીવન સુમધુર છે જેવો હકારાત્મક સંદેશ આપતા કવી કહે છે એ બહુ અપેક્ષીત ક્ષણ ગમે ત્યારે આવી જાય તે પહેલાનું જીવન સુમધુર છે માણો અને માણ્તા રહો

મનોજ મહેતા નો પરિચય આહી આપું છું
-તખલ્લુસ – ‘મનુજ’ હ્યુસ્તોનવી
-જન્મભૂમિ- ડભોઇ, ગુજરત રાજ્ય, ઇન્ડીયા
-સાઠોદરા નાગર ગ્રુહસ્થ
-અભ્યાસ, બાળપણ અને વ્યવસાય ફિઝિકલ થેરાપી આસિસ્ટન્ટ લેક્ચરર શ્રી સયાજી જનરલ હોસ્પીટલ/ મ. સયાજીરાવ યુનિવસ્રિટી ૧૯૮૩ સુધી વડોદરા, ગુજરાત રાજ્ય ખાતે,
-હાલમાં હ્યુસ્ટન, ટેક્ષાસ્ ખાતે વસવાટ
-વ્યવસાયઃ કન્સલ્ટીંગ ફિઝિકલ થેરાપીસ્ટ અને ફિઝિકલ થેરાપી સ્ટુડન્ટ એજ્યુકેશન ક્લિનીકલ કોઓર્ડીનેટર.
-શોખઃ મ્યુઝીક-સાંભળવું શાસ્ત્રિય,ભક્તિ સંગિત અને ગાવું કેરીઓકી ફોર્મેટ
લખવું- ગઝલ, ભજન, નાટક, લઘુકથા, પ્રકાશિત પુસ્તક ‘મનોકલ્પ’ ગઝલ સંગ્રહ સપ્ટેમ્બર, ૨૦૦૩
રંગભૂમી- હ્યુસ્ટન નાટ્ય કલા વ્રુન્દ ના સૌજન્ય હેઠળ ૧૯૮૮ થી ચાલુ.
-પત્નિ કલ્પના મહેતા, પુત્રીઓ વિતસ્તા સોમૈયા અને મિતાલી મહેતા, અને જામાત્ર અનિરુદ્ધ સોમૈયા

મનોજભાઈ મહેતા http://mamehta.gujaratisahityasarita.org/-

ચાલો લહાણ કરીએ (19) હોં કે પેલું

એકવાર વાર મારવાડ જાજો રે, હો, મારવાડા !

તમે મારવાડની મેંદી લાવજો રે, હો, મારવાડા !

મિત્રો નાની હતી ત્યારે આ લોકગીત  ખુબ ગમતું ,નવરાત્રીના ગરબા ગાવા જતા ત્યારે અચૂક ગાતી,એમની સૌથી પ્રિય પંક્તિ એટલે

તમે ઓલું લાવજો, પેલું લાવજો,પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !

મને આ ગીત અને પંક્તિ એકતાળી પાડી ગાવાની ખુબ મજા આવતી.

ઓંલું અને પેલું  આ બે શબ્દોમાં કેટલી બધી માંગણી આવી જાય છે જાણે! આપણે સહજ કહીએ ઓંલું જરૂર ખાજો હ !અને ત્યાં માત્ર મણવાનું નહિ પણ યાદગીરી પણ લેતા આવવાની આ વાત એક પછી એક પંક્તિમાં ગુંથી માનવ સહજ સ્વભાવને સુંદર રીતે પ્રગટ કરે છે.

બીજો એક સુંદર શબ્દ છે “મારવાડા”  સાવરિયો ,પિયા ,પીયુ,છેલાજી વગેરે શબ્દોની જેમ પતિ કે પ્રિયતમ માટે ખુબ સુંદર શબ્દ “મારવાડા ” વાંચતા જ ખબર પડે કે આ મારવાડ બાજુ લખાયેલ લોક ગીત છે.આવું જ એક ગીત અવિનાશ વ્યાસનું  “મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો. અહી યાદ આવી જાય છે.

અને ત્રીજી વાત આ ગીતમાં નોખી છે એ છે આ પંક્તિ

પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
          હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !

પતિ મારવાડ જાય,  ઘોઘા જાય, કે ચિત્તળ જાય… પણ “પાનસોપારી પાનનાબીડા એલચી સાથે રાઈના દાણા  લાવજો રે “ની માંગણી સમજવા જેવી છે સ્ત્રી ભોજનની શરૂઆતથી માંડી અંત સુધીનું શોપ્પીંગ લીસ્ટ માત્ર એક પંક્તિમાં આપી બધું માગવી લે છે ઓલું લાવજો પેલું લાવજો બધું લાવજો એવો અર્થ પણ સુંદર રીતે ઉપસે છે.

અહી  “હોં કે પેલું લાવજો રે “ અહી હોં કે શબ્દ પણ નોખો તરી આવે છે આ સ્ત્રીનું રિમાઇન્ડર છે. કઈ ભૂલતા નહિ,મને પણ ભૂલતા નહિ. ક્યારેક નાયક મારવાડ જાય  તો ક્યારેક ઘોઘા,પણ સ્ત્રીસહજ સ્વભાવ યાદગીરી તો માંગાવાની  જ ! વાત અહી નાની સુની દેખાય છે,  તો બીજી તરફ અહી માંગણી કરતા પણ પતિને યાદ આપે છે કે મને ભૂલી નહિ જતા  એ ખુબ મોટી વાત છે. ત્યારે  ફોન ક્યાં હતા કે પુછાય ક્યાં છો તમે ?સાંજ પડે બારણે ઉભા રહી ચાતરની જેમ રાહ જોવાની કે ફળીયામાં સ્ત્રીઓ ભેગી થાય ત્યારે ગીતો ગાઈ યાદ કરવાના અને સંવેદનાઓ મોકલવાની….

લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. પોતાની યાદગીરીરૂપ બનેલ ઘટનાઓને આ ગીતોમાં વણી લેવામાં આવતી,મને કે તમને આના રચયીતાના નામ  આજે પણ ખબર નથી છતાં સૌના હૃદયમાં વસેલા છે, પહેલા લોકો કવિતા લખતા ગીતો લખતા પણ જગ જાહેર થવા માટે નહિ એક નિર્દોષ આનંદ હતો ,પેઢી દર પેઢી માત્ર  સહજ આગળ વધતા ત્યારે ક્યાં હતા  ફેસબુક  અને મિડિયા છતાં ગીતો સદાય જીવંત રહ્યા , વધુ કહું એના કરતા માણો આ ગીત

એકવાર વાર મારવાડ જાજો રે, હો, મારવાડા !

તમે મારવાડની મેંદી લાવજો રે, હો, મારવાડા !
          તમે ઓલું લાવજો, પેલું લાવજો,
          પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
          હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !

તમે એક વાર ઘોઘા જાજો રે, હો, મારવાડા !
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે, હો, મારવાડા !
          તમે ઓલું લાવજો, પેલું લાવજો,
          પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
          હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !

તમે એક વાર ચિત્તળ જાજો રે, હો, મારવાડા !
તમે ચિત્તળની ચૂંદડી લાવજો રે, હો, મારવાડા !
          તમે ઓલું લાવજો, પેલું લાવજો,
          પાનસોપારી, પાનનાં બીડાં, એલચી સાથે રાઇના દાણા,
          હોં કે પેલું લાવજો રે, હો, મારવાડા !

પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા

ચાલો લહાણ કરીએ (18)બારી એટલી નાખી શકાતી હોત –

 

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ઘણી વાર કોઈ પંક્તિ જાણે આપણે માટે જ રચાય હોય તેવું મહેસુસ થાય છે.એવા ઘણા પ્રસંગો જિંદગી માં આવતા હોય છે કે એમ થાય કે જો એક જ વખત પાછા વળીને ફરી કરી શકાય તો  ? આ પ્રસંગ નો અંત કૈક જોડે જ લાવી શકાય .. એક વખત હું રસ્તો ચુકી ગઈ એટલે બીજા રસ્તે ગાડી વાળી અને ત્યાં કોઈ માણસ ખુબ ગતિએ ગાડી હંકારી ને આવતો હતો તેને મારી ગાડીને એવી ટક્કર મારી કે મારી ગાડી ચાર ગોથા ખાય ગઈ.  અમને બધાને વાગ્યું પરંતુ મારી મમ્મી ની તો જિંદગીજ બદલાઈ ગઈ. તેમને અત્યંત શારીરિક ઇજા ઉપરાંત સખત મગજમાં અસર થઇ ગઈ  અને તેને લીધે તેમની યાદશક્તિ  ચાલી ગઈ અને વ્યક્તિત્વ પણ બદલાઈ ગયું। આવા સમયે એમ થાય કે એક ક્ષણ જો પાછી ફરી ગઈ હોત તો ! રસ્તો  કેમ બદલ્યો ? એક “guilt” ની ભાવના સદાને માટે રહી જાય છે.

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,

પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

કેટલીયે વખત કહેવાનું કહેવાતું નથી અને સાંભળવા મથતું મન આશાના તોરણ બાંધે છે.

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,

એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

માણસ વગર એકલા અટુલા  તો જિંદગી જીવાયજ નહિ. પણ દુઃખ પણ મૉટે ભાગે માણસ ના લીધેજ થતું હોય છે. દરેક આવનારા જો સુખની લહેરી લઈને આવે તો જીવન કેવું સુખમય જાય?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,

ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

સમય ની તાકાત  તો જુઓ…. છુટી ગયેલો સમય પાછો આવતો નથી એ વાત સત્ય છે.સમય જિંદગીના તાંતણા જોડે છે તેમ  સમય ને લીધેજ તાંતણા છૂટે છે, તરાડો પડે છે, દીવાલ બંધાય છે, સબંધો તૂટે છે અને દુઃખ પેદા થાય છે. ક્યારેક સબંધો સંધિ શકાય છે. પણ ઘણી વખત અતૂટ વેદના મૂકી ને તે સમય આગળ ચાલ્યો જાય છે.

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,

વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ધૂળ ને ખંખેરવાની વાત લાગણી માટે વ્યક્ત કરતા  દિલની વેદનાને ખુબજ નાજુક રીતે વ્યક્ત કરે છે.  આમ તો મૉટે ભાગે આપણે ઉદાસી ખાંખેરીને જ પ્રસંગો માં પ્રવેશ કરતા હોઈએ છીએ. અને ખંખેરી ન શકાય ત્યારે તેને ઢાંકીએ તો છીએજ। પણ છતાંયે આપણી ઉદાસી આપણા હૃદય સાથે જોડાયેલી હોય છે અને હાસ્ય વચ્ચે ડોકિયાં કરતી હોય છે. ભલે લોકો તે જોય ન શકે પણ આપણે તો જાણીએ છીએ કે  રંગબેરંગી કપડાં નીચ્ચે, મેકપ ના થથોડા નીચ્ચે, હાસ્યના ઝબકારા નીચ્ચે એક ઉદાસીની નાની લહેર છે.

અનિલભાઈ ચાવડા જેટલી સુંદર રચનાઓ લખે છે તેવુંજ હૃદયસ્પર્શી તેમનું સુંદર વ્યક્તિત્વ છે.  તેમની બધીજ રચનાઓ મારા હૃદય ને તરતજ સ્પર્શી જાય છે માટે મેં તેમની રચના પસંદ કરી છે.  તેમની આ ગઝલ મને ગમે છે કારણ કે દરેક લીટી ગહેરા અર્થસભર છે.  જીવનના ઘણા પ્રસંગોને લાગુ પડતી હોય તેવી આ ગઝલ છે.

કેટલી સુંદર છે આ ગઝલ?

 

Darshana

Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000

Updates on Twitter @DarshanaN

Blog – http://darshanavnadkarni.wordpress.com/
“Success is the ability to go from one failure to another, with no loss of enthusiasm” – Sir Winston Churchill

ચાલો લહાણ કરીએ -(17)સહજ -પદ્માબેન શાહ

“સહજ”

ના મોટી કછુ કુચ કરવી છે,કછુ કહું તો કૈક કરવું છે,

“સ” ની સાથે રહેવું છે,સકારાત્મકતામા જીવવું છે,

સરસ્વતીમાં ની સાથે રમવું છે

રમવામાં ખોવાઈ જાવું છે ને તેમાંજ વિરમવુંછે.

ખોવાઈ જવાનો સહજ જ આનંદ લેવો છે

જન જનમાં સહજ જ પ્રગટ થાવું છે,

ભલે હોય ઉગમણી ઉષા કે આથમતી સાંજ,

તેમાં જ કરવા સેટ, મારા શ્વાસોચ્છવાસ

ડાબેથી ચડું દિને ને ઉતરું જમણે,

રાત્રે જમણેથી ચડીને ઊતરું ડાબે

,સહજ જ કરું હું શ્વાસોછ્વાસને તાબે!

સહજમાં જ થઇ જાય હરદ્વારની હજ!

ત્રણ માત્ર ત્રણ જ અક્ષરમાં કરું હું સહજ જ  હજ!

હાશ,સરસ્વતીમાની સાથે રમતાં રમતાં ને તેમા ખોવાઈ જતાં,શબ્દોને સહારે મારી કવિતા

સહજ  જન જનમાં  પ્રગટ થઇ ગઈ!ખોવાઈ જવાનો આનંદ પણ ખુબ માણ્યો,પણ પણ લ્હાણી કરવાની તો રહી જ ગઈ?

કવિતા લખાઈ ગઈ તેનો સંતોષ સાથે આનંદ થયો.પણ વિચારમાળા તેથી અટકી ના ગઈ.ચારો ચરવાનો વિચારનો સ્વભાવ છે સગપણમાં ભત્રીજા વહુ,સત્સંગની વાતો કરીએ બહુ.એક દિવસ વાતવાતમાં તેને મેં કહ્યું,જયશ્રી મારે હરદ્વાર જાવું છે.તો તેણે મને કહ્યું કે ફઈબા અહી ઘેર બેઠા તમને જાત્રા કરાવી દઉં? પણ કેવી રીતે?

સહુથી પહેલા તમારે સુખાસન કે પદ્માસનમાં બેસવાનું.ત્યાર પછી અંગુઠાને બાજુની આંગળી ટેરવાથી જોડી દેવાની ને હથેળીને સીધી રાખી ઢીંચણ પર રાખવા.આ નાકનું દ્વાર જે દેખાય છે ને તે હરદ્વારનું પ્રવેશદ્વાર છે બસ ડાબે દ્વારથી તમારે ઉપર ચડવાનું ને જમણેથી ઉતરવાનું .આમ કર્યા કરવાથી તમારી હરદ્વારની જાત્રા થઇ  જાય.હા પણ એમ એક જ વારમાં ન થાય.વારંવાર કરવાથી તેના દ્વાર ખુલતા   હરીના દર્શન ત્યારે  જ થાય.

હા,આ વિચાર તો સારો છે.ભલેને શરીરને થોડું કષ્ટ પડે,તે પણ વગર નાણાએ અને કોઈ પણ હાડમારી વિના  જાત્રા થઇ જાય  ને તે પણ ઘેર બેઠા! વાહ  માર્ગદર્શન પણ મળી ગયું.વહેલી પરોઢે ઊઠી સ્નાન કરી સુખાસનમાં બેસી ગઈ.ઉરમાં ઉમંગ ખુબ હતો.એકાગ્રતા માટે અંગુઠાને બાજુની આંગળી સાથે જોડી દીધી.હજી ઉપર ચઢવાની શરૂઆત જ કરી, થોડા શ્વાસ લીધા ના લીધા ત્યાં તો કેરી વગરના ગોટલા આવ્યા ચઢી! હોસ્પિટલ વગરની નસો પણ  આમતેમ ભાગવા લાગી!રસ્તો મારો રોકવા લાગી.કેમ પહોંચીશ હું હરદ્વાર?

ના  ભાવે કે ના ફાવે શબ્દ સાથે જ મારી મમ્મી મારી સામે જાણે આવી ગઈ! ના ભાવે એના કોળિયા એ પહેલા ભરાવતી ના ફાવે એ પહેલા કરાવતી.મા,તું મને માફ કરી દે.તારું પોઝીટીવ થીંકીંગ તો મારામા આજે પણ છે. પણ શું થાય ને હાલત મનને નબળું પાડી નાખે છે.પણ હવે તું મારી જરા પણ ચિંતા ના કરીશ.હવે સકારાત્મક એજ મારો મંત્ર અને એજ મારું ધેય.             

થોડી સાત્વિક બુદ્ધિની લઇ રજ એટલે કે  ધીરજ રાખી આ અંતરમુખી યાત્રામાં જેમ જેમ આપણે આગળ વધતાં જઈએ અથવા ઊંડે ઉતરતા જઈએ તેમતેમ એ પ્રદેશમાં અજવાળું પથરાવા લાગે છે.એમ આંતર યાત્રીઓ કહે છે.જાગૃતિના આરંભની એ અવસ્થા જ્ઞાનની નથી મળી શક્તિ.જ્ઞાન,ભક્તિ, સાધના,સેવા,સત્સંગ,એ અવસ્થા પ્રાપ્ત કરવાના સહારા જરૂર હોય છે.પણ એ આખો પ્રદેશ અનુભવનો હોય છે.જેમજેમ આપણો અહમ ભાવ,કર્તાભાવ ઓગળવા લાગે તેમતેમ એવા અનુભવોની માત્રા,તીવ્રતા,સતતતા વધવા લાગે છે.નિર્ભેળ આનંદ પરમશાંતિ,સમસ્ત સૃષ્ટિ પર કૃતજ્ઞતાનોભાવ,કરુણાભાવ,સર્જકતા,અપાર કાર્યશીલતા ઉભરવા લાગે છે.એ અનુભવના નાનકડાં ઝરણાનો ખળભળાટ એવી અનુભૂતિઓ તેવા પ્રદેશના હોવા વિષે આપણી પોતીકી પ્રતીતિ કરાવે છે.સહજ -સત્સંગ કરવાથી થોડી ભાળ મળી જાય, પણ એમ પણ કહેછે આ આખો પ્રદેશ અનુભવનો હોય છે.અનુભવ લેવા જતા મારી કેવી દશા થઇ?થોડા વખત  માટે એતો હું ભૂલી ગઈ.

સત્સંગમાં

શિવાનંદ બાબાનું પ્રવચન સાંભળતા ખબર પડી  કે દરેક પ્રોબ્લેમ કે શારીરિક બીમારીનું સોલ્યુશન આપણા શરીરમાં જ તેની વ્યવસ્થા પ્રભુએ પહેલેથી જ કરીને આપણને ધરતી પર મોકલ્યા છે.એટલું સાંભળતા જ હું તો આશ્ચર્ય વિભોર થઇ ગઇ!કલ્પનામાં ઘોડા દોડવા માંડ્યા.કોઈ દવા ન ખાવી પડે ને બધું ફોગટ!ને પછી આગળ જે બોલ્યાતે સાંભળીને હું આશ્ચર્ય કરું કે નિરાશા પ્રગટ કરુ?આ દેખાતા શરીરની અંદર બીજા ચાર શરીર છે.એક શરીરને સંભાળવાના તો  ફાંફાછે તો ચાર ચાર શરીરને કેવી રીતે સંભાળી શકીશ?.પ્રવચન આગળ ચાલ્યું.જબ કોઈ બાત બિગડ જાયે,જબ કોઈ મુશ્કિલ આ જાયે તબ તુમ લેના હરિકા નામ ઓમ નમઃ શિવાય.આ તો અતિ ઉત્તમ! મારો બેડો પાર! આમાં તો કોઈ કરતા કોઈ જ બેસવાનું,ઉભા રહેવાનું  કે ના   ચાલવાનું બંધન!પણ નસીબ બે ડગલા આગળ.. ને  આ સાયેટીકાનો દુખાવો થયોને તો ભગવાનનું નામ જ લેવાનું ભૂલી ગઈ હું મારા દુઃખને રડું કે પ્રભુ તને યાદ કરું? .પ્રવચન આગળ ચાલ્યું.સબસે ઊંચી પ્રેમ સગાઈ.પણ એમાં ય ભાવ તો ખરો.ઊંચા ભાવને મહત્વ આપ્યું છે.જેમકે રાધા,મીરાં,કે નરસિહ મેહતાનો ભાવ.ભાવ સાંભળીને આપણા હાંજા ગગડી જાય.ક્યાં રાધા,ક્યાં મીરાં ને ક્યાં હું? તમે દુઃખમાં ગાવ કે સુખમાં “જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો.”ડગલે ને પગલે તે આપણને સાથ આપે જ છે.આપણે સમજતા નથી.કઈ સારું થયું તો મેં કર્યું,ને કઈ ખોટું થયું તો કહેશે કે મેં તારું કે કોઈનું કઈ બગાડ્યું નથી, સ્વપ્નમાં પણ વિચાર્યું નથી.તો આ ક્યા ગુનાની સજા? ને દોષ તેના માથે ઢોળી દે છે.નાનો રજ સરખો દોષ પણ તે કબૂલ કરવા તય્યાર નથી થતો.પણ હવે સકારાત્મક ને સહારે મારે આગે કુચ કરવી જ  છે.

કરવી હતી લહાણીને સહજમાં જ કરવી હજ,એ બે મનમાં ઘોળાયા કરતું હતું .મને માસી કહેતી મારી ભાણી પ્રજ્ઞા મને બેઠકમાં હતી જેણે  તાણી મારા જીવનમાં નિમિત્ત બની આવી.  સાહિત્યની બેઠકમાં જતા નવા નવા વિષયો ‘ક્યા સંબંધે, પ્રભુ જ્ઞાની જીવન દે,વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા ‘આવા અનેક વિષયો મળતા ગયા,વાચન વધ્યું, વિચાર શક્તિ કેળવાઈ,મારી માની શક્તિ સકારાત્મકમા પુષ્ટિમળી.વળી બેઠકમાં પુરુષોત્તમ સુણાવે ગીતામાં ક્ર્ષ્ણની વાણી,મહેશની ગજબ ગઝલ સુણી હર એક વ્યક્તિ અહી સાહિત્યની બેઠકમાં છે એક એક જ્યોતિ સમી જાણી,એટલું જ નહીં હવે તો એ જ્યોતિઓનો સંઘ “મહાગ્રંથ” પ્રયાણ કરી રહ્યો ગીનીસ બુક ભણી!સારું વિશ્વ રહ્યું એ જાણી!તો કેમ રહું હું અજાણી?ના હવે હું નથી અજાણી.આ સહુના સંઘમાં ને સંગમાં જ થઇ રહી છે મારી હજ એની મને પ્રતીતિ થઇ.

દરેક અવસ્થામાં બાળપણ,યુવાનીમાં ને વૃધ્ધાવસ્થા  આપણે ખાધું,પીધું ને લીધા શ્વાસ તે ગયું બેભાનમાં.હવે તેજ ક્રિયા કરો  સભાનમાં.યોગ્ય અયોગ્યનો આવશે વિચાર વાટમાં મળશે થોડો વિશ્રામ,બેઠકે બેઠકે મારીએ ડૂબકી ને તેમાંજ થઇ જાય હર હર ગંગે ગોદાવરી સ્નાન! પહેલા પણ નાહ્યા હતા પાણીથી પણ  હવે તે ધ્યાનમા ને   ભાનમા  સહજ જ  થઈ ગયું હરહર ગંગે સ્નાન! હવે  લો ધીમા શ્વાસ,ધીમા શ્વાસની પાછળ પાછળ ચાલતા ચલતા સહજમાં જ થઇ જાય ધ્યાન!તેનું પણ ના રહે ભાન ને ત્યાં તો ઉગી આવે ભાણ!.હવે તો જયારે જાગો ત્યારે સવાર કદિ ના થાય મોડું.

લાફીંગમા મળે હસતા ચહેરા,સિનિયરોને લાવે નીયર સિદ્ધિ વિનાયક ને ફ્રિમોન્ટ મંદિર જાણે આવ્યા મહિયેર.વળી સીનીયર સેન્ટર “on lok life ways”માં ના પહેરવા પડે કોઈ જૂતા જાપાની કે પતલુન  ઇન્ગ્લીસ્તાની,ના કોઈ ભાષા જાણી,પાંચ આંગળીયો ને પંજા સાથ સહુ કરતાં હાય અને બાય,ભરકે આંખોમેં  પ્યાર,સબ પહચાન ગયે યેતો દિલ હય હિન્દુસ્તાની!

સ રસ્વતીમાની શરણમાં રહેતાં તે ઉતુંગ શીખરે પહોચતા,

હ  લ કરતા સહુ પ્રોબ્લેમ લક્ષ્મી માતા જય જયકાર તેમનો કરતા

જ  પ કરતાં સમુહમાં, ગાયત્રી માતાના વિશ્વની શાંતિમાં સહુ પરિવાર જોડાઈ જાય  એક યજ્ઞ બની જાય! જ્યાં ત્યાં પ્રેમની વર્ષા વરસી જાય!ત્રણ ત્રણ માતાની સાક્ષીમાં સહુ માતાઓને મધર’સ ડેની શુભકામનામા સહજ જ કરું હું લ્હાણી ને સહજ માણી રહી હું હજ!

પદમા-કાન  

ચાલો લહાણ કરીએ – (16)મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ – કલ્પના રઘુ

 

મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ

ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું છે,

जातस्य हि ध्रुवों मृत्युः। ध्रुवं जन्म म्रुत्यस्य च।

तस्मादपरिहार्येर्थे न त्वं शोचितुमर्हसि॥

“જે જન્મ્યો છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નક્કી છે, માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તુ શોક ન કર. બની ગયેલી ઘટનાને છેકી શકે એવું કોઇ રબ્બર-ઇરેઝર હજુ શોધાયુ નથી. માનવી મૃત્યુ પામે પછી એના ખોળીયામાં પ્રાણ ફૂંકી શકાતો નથી. “સમયના કાંટાને રીવર્સ ગીયર હોતુ નથી”. માનવનાં મૃત્યુ માટે કોઇ કારણ જોઇએ છે. ઇશ્વરને થાય છે તેનું સર્વોત્કૃષ્ટ સર્જન (મરનાર વ્યક્તિ) પૃથ્વીના બદલે સ્વર્ગમાં હોવુ જોઇએ, એટલે તેને બોલાવી લે છે. પછી કારણ ગમે તે હોય! યમરાજાના ભાથામાં શસ્ત્રોની ખોટ નથી હોતી. જીવંત વ્યક્તિ એકાએક અતીત બની જાય છે … કેલેન્ડરનાં ફાટેલાં પાનાની જેમ … આખરે ૬ ફૂટની વ્યક્તિ અસ્થિની રાખ બનીને એક કુંભમાં સમાઇ જાય છે. પરંતુ મરનાર પાછળની વ્યક્તિ માટે, ‘દુઃખનું ઓસડ દહાડા’, ‘તૂટી તેની બુટી નહીં’, મૃત્યુ આગળ કોઇનુંય ચાલતુ નથી’, જેવા આશ્વાસનસભર વાક્યો જેવાં હથિયારમાં મૃતકને ભૂલાવી દેવાની અને જીવતાને ટકાવી રાખવાની કેટલી મોટી ધારદાર શક્તિ છૂપાયેલી હોય છે? ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે:

‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

આત્મા કદી મરતો નથી, શસ્ત્રો તેને છેદી નથી શકતાં. અગ્નિ તેને બાળી નથી શકતો … તો પછી મૃત્યુ શેનું છે? શરીરનું મૃત્યુ એટલે … આત્માનું નામ સરનામુ બદલાય એટલે કહેવાતી વ્યક્તિનું મૃત્યુ થયુ તેમ કહેવાય. જેમ સાપ એક કાંચળી ઉતારી બીજી ધારણ કરે છે, તેમ મૃત્યુથી આત્મા એક કહેવાતું વ્યક્તિત્વ, ખોળીયું, શરીર રૂપી ઝભલું જે જૂનુ પુરાણું થયું હોય તે છોડીને નવું ધારણ કરે છે … એક નવા પંથે પ્રયાણ કરે છે. એટલેકે મરેલાનો બીજો જન્મ નિશ્ચિત છે. જૂનું મકાન ત્યજીને નવા મકાનમાં પ્રવેશે છે. જૂનાં કર્મો ફેડીને નવાં કર્મો કરવાં, નવું શરીર ધારણ કરે છે. માટે મોતનો માતમ ના હોય જશન જ હોય.

શ્રીમંતાઇને રોજ રોજ સવાઇ કરવાનાં પેંતરા રચતો માનવ, પોતાની બ્રાન્ચમાં પ્રથમ નંબર મેળવવા અને એ સ્થાન પચાવી પાડવા હુંસાતુંસી કરતો એ માનવ, શ્રીમંતાઇનો સાગર ઉછાળા મારતો હોય ત્યારે તેનું એક બૂંદ પણ મેળવીને માણવાનો સમય ના હોય તેવો માનવ જ્યારે મૃત્યુને ભેટે છે ત્યારે એને ચીર શાંતિ મળે છે. એ અશાંતિની દોટ થંભી જાય એટલે જ મૃત્યુ. તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે એક માત્ર મૃત્યુજ નિશ્ચિત છે અને જે નિશ્ચિત છે તેને સ્વીકારે જ છૂટકો છે. તો મૃત્યુને કેવી રીતે સ્વીકારવું?

સ્મશાનમાં રોજ દિવસ-રાત ભડભડતી ચિતાઓ જોનાર ચંડાલ કે જેને શબ પર ઓઢેલી શાલ, સાડી, ધોતી કે કફન જેવી વસ્તુઓ લેવામાં રસ હોય છે. તેને મૃત્યુ એટલે શું? જીવન કેટલું ક્ષણભંગુર છે તેનો ખ્યાલજ નથી આવતો. જ્યારે માનવી એ ચિતા જોઇને જીવન કેટલું ક્ષણભંગુર છે એ વિચારતો થઇ જાય છે. એકજ ઘટના એક વ્યક્તિ માટે જાગરણનુ નિમિત્ત બને તો ચંડાલ માટે સોડ તાણીને સૂઇ રહેવામાં પણ મદદ કરે છે. ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો, પતિ કે પત્ની, બાળકો, સગાં-સંબંધીઓ તમને જોઇ રડી રહ્યાં છે. હવે એમના જીવનમાં કોઇ આનંદ-ઉલ્લાસ નહીં આવે એવું ક્ષણભર તમને લાગશે. તમેજ તેમનું સર્વસ્વ હતાં, સુખનું કારણ કે ઉત્સવનું નિમિત્ત હતાં તેવું લાગશે. જીવતે જીવત તમને જે જોવા-અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછી જોવા અને જાણવા મળશે. બસ … થોડી સબૂરી … અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો તમને જોવા મળશે. આજે જે મીઠાઇ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો જ સવાલ છે. આજે રંગીન કપડાં થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આજ ઘરમાં ઉત્સવનું વાતાવરણ આવી જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે. અહીં કોઇના વીના કાંઇજ અટકતું નથી. કોઇના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી. ગઝલકાર ઓજસ પાલનપુરીની એક ગઝલ યાદ આવે છે,

‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ

આંગળી જળમાંથી નિકળીને જગ્યા પૂરાઇ ગઇ …’

દરેક વ્યક્તિ તેની રૂટીન જીન્દગીમાં ગોઠવાઇ જાય છે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે … થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદ થશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિચિહ્ન જેવી લાગે છે … જતે દિવસે કોઇ ખૂણામાં ચાલી જશે, અથવા જગા રોકી રહી હોય તેવું લાગશે. આજે તમારા માટે બધું કરવાની લાગણી દેખાઇ રહી છે, તેનાં સ્થાને ક્યારેક બેંક-બેલેન્સ, વીમો, વસિયતનામું કે સંપત્તિની વહેંચણીની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવુંજ થતું રહ્યું છે અને થતું રહેશે. કારણ? કારણકે ઇશ્વરે માનવને સ્મૃતિ સાથે વિસ્મૃતિની અણમોલ ભેટ આપેલી છે. અને બીજું, આગમન સાથે ગમન પણ ના હોય તો? પૃથ્વી પર ભાર વધી જાય અને દરેક કુટુંબમાં એક સાથે કેટલી પેઢી?!! માટે ઇશ્વરે બેલેન્સ કરવા માટે જીવન-મૃત્યુની ઘટમાળ સુંદર રીતે ઘડી છે. માટેજ મૃત્યુને સ્વીકારો. અને મૃત્યુ નિશ્ચિત છે માટે સંસારમાં કેવી રીતે રહેવું તે નક્કી કરો. શ્રીમદ્‍ આદ્ય શંકરાચાર્યજીએ ચર્પટ પંજરીકા સ્તોત્રમાં ખરુંજ કહ્યું છે.

यावद्वित्तोपार्जनसक्त:, तावत् निज परिवारो रक्तः।
पश्चात् धावति जर्जर देहे, वार्तां पृच्छति कोऽपि न गेहे ॥

भज गोविन्दं भज गोविन्दं, गोविन्दं भज मूढ़मते।
सम्प्राप्ते सन्निहिते मरणे, नहि नहि रक्षति डुकृञ् करणे ॥

જ્યાં સુધી તું ધન કમાવવામાં લાગેલો છે, ત્યાં સુધીજ તારો પરિવાર તને પ્રેમ કરે છે. જ્યારે શરીર વૃધ્ધ થશે અને તું દોડાદોડ કરીશ ત્યારે કોઇ તારો ભાવ પણ નહીં પૂછે. માટે હે મૂઢ! નિરંતર ગોવિંદને ભજ. મૃત્યુ નિકટ આવશે ત્યારે કાંઇ કામ નહીં લાગે. કોઇ અમરપટ્ટો લખાવીને નથી આવ્યું, સૌએ એક દિવસએ તો જવાનુ છે માટે આ સંસાર છોડવાની વાત નથી સંસારમાં રહીને જળકમળવત્‍ કેવી રીતે જીવવું તે ખૂબજ જરૂરી છે.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલું ગુમાન ઘટી જશે. તમે વાસ્તવિક્તાની ધરતી પર જીવી શકશો. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશેની સમજ અપનાવીને શેષ જીવનને ઉત્સાહભર્યુ બનાવવાથીજ જીવન અને મૃત્યુ ઉત્સવ બની જશે. જીવનને વહેતુ રાખીને મૃત્યુને સાર્થક બનાવવાનો પ્રયત્ન એટલેજ આત્મજ્ઞાન, જાગરૂકતા. આ આત્મજ્ઞાન થકી સંસારમાં તમારે જે કર્મો કરવાનાં છે તે ઇશ્વરને સાક્ષી રાખીને કરવા જોઇએ. જેથી બીજા જન્મે તે લઇ જવા ના પડે. શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે, કર્મ કરવામાં, કર્મ ભોગવવામાં ઇશ્વરને સાક્ષી રાખો. તમામ કાર્યો તેને અર્પણ કરો. પછી જીવન અને મૃત્યુમાં કોઇજ ભેદ નહીં રહે. મૃત્યુને જ્યારે દિલથી સ્વીકારશો ત્યારે કોઇ ફરીયાદ નહીં રહે, સ્વ સામે, સમાજ સામે કે ઇશ્વર સામે. એક વાત સત્ય છે, કોઇ કદી એક પરિસ્થિતિમાં ટકતુ નથી, ક્યારેક તો અટકવું પડે છે. નાટકમાં એન્ટ્રી અને એક્ઝીટનો સમય નિશ્ચિત હોય છે જ્યારે જીવનમાં અનિશ્ચિત હોય છે. જીવનમાં એક્ઝીટ એટલે મૃત્યુ જે નિશ્ચિત છે. મૃત્યુ એટલે જીવનનું પૂર્ણવિરામ.

ચાલો લ્હાણ કરીએ – (15)ભવસાગર-નિરંજન મહેતા

ફિલ્મ ‘રફ્તાર’નું એક ગીત છે:

સંસાર એક નદિયા હૈ

સુખ દુ:ખ દો કિનારે હૈ

ના જાને કહાં જાયે

હમ બહતી ધારા હૈ

એકવાર તો વિચાર થાય કે આપણે સંસારને સાગરરૂપે – ભવસાગર તરીકે જાણીએ છીએ તો પછી કવિ તેને નદી સાથે કેમ સરખાવે છે? પણ થોડો ઊંડો વિચાર કરતા થયું કે ભલે કવિને તે નદી તરીકે લાગે પણ આપણા માટે તો તે સાગર જ છે કારણ નદીના સંકુચિત રૂપ કરતા સાગરનું વિશાળ રૂપ આપણા જીવનની ભવ્યતાને સાર્થક કરે છે.

આમેય તે નદી છેવટે સાગરમાં સમાય છે એટલે નદીનું અસ્તિત્વ વિલીન થાય છે, જ્યારે બીજી બાજુ સાગરના વિશાળ હૃદયમાં કઈ કેટલીએ નદીઓ સમર્પણ કરે છે. તે સાથે તેમાં રહેલો બધો કચરો પણ સાગરમાં ઠલવાય છે અને સાગર તે ખુલ્લા દિલે સ્વીકારી પોતાના પેટાળમાં સમાવી લે છે. આ જ કચરાથી ઉત્પન્ન થતી ઉર્જા મનુષ્ય જાતને જ ઉપયોગી થઇ પડે છે.

તે જ રીતે આપણા સંસારરૂપી સાગરમાં કઈ કેટલાય લોકો નદીની માફક આવે છે. તે બધા માટે આપણે સાગરધર્મ અપનાવીએ અને તેમને જેવા છે તેવા સ્વીકારીએ. જેમ નદીના કચરાને સાગર સમાવી લે છે તેમ અન્યોના અવગુણને પણ આપણે અવગણીને આપણામાં સમાવી લઈએ તો આપણું જીવન પણ જીવવા યોગ્ય બની રહેશે. તેને કારણે આપણી સહનશીલતા વધશે અને અન્યો પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ પણ સકારાત્મક બની રહેશે. શું આમ કરવાવાળા લોકો જ સાગરપેટા નથી કહેવાતા?

ગીતમાં વર્ણવાયું છે કે નદીને બે કિનારા છે – સુખ અને દુ:ખ. પણ આપણને સાગરનો એક જ કિનારો નજર આવે છે. નજર નાખતા દૂર દૂર સુધી ફક્ત પાણી અને પાણી જ દેખાય છે બીજો કિનારો તો નજરમાં આવતો નથી. જેમ દરિયાખેડુઓ પોતાની નજરમાં આવતા આ કિનારાને ધ્યાનમાં રાખી સાગર ખેડે છે એમ આપણે પણ આપણા સંસારસાગરના કિનારા – સર્જનહારને ધ્યાનમાં રાખી આપણી જીવનયાત્રાની સફર કરતા રહેવું જરૂરી છે કારણ તેમ ન કરતા આ ભવાટવિમાં ક્યાં અટવાઈ જશું તેની ખબર પણ નહી રહે અને તેથી જ સર્જનહારરૂપી કિનારો આપણો આશરો છે.

ગીતમાં કહ્યું છે તેમ જો આપણે સંસારને નદી સ્વરૂપે સ્વીકારીએ તો નદીની જેમ આપણે પણ કોઈ સાગરમાં સમાવાનું છે અને તે માટે આપણે આપણી સંસારરૂપી નદીને કોઈ સાગર શોધવો રહ્યો. વળી જેમ નદીને બે કિનારા છે તેમ આપણા સંસારણા પણ બે કિનારા હોવા જોઈએ. પણ હકીકતમાં તેમ નથી. આપણા માટે તો એક જ કિનારો છે અને તે છે સર્જનહાર. તેને પામવાનો એક જ ધ્યેય આપણા જીવતરને સાર્થક કરશે.

આ સંદર્ભમાં એક અન્ય ગીત યાદ આવે છે ફિલ્મ ‘સાગર’નું.

સાગર કિનારે દિલ યે પુકારે

તું જો નહી તો મેરા કુછ ભી નહી.

આ ગીત પણ જો ફિલસુફીણા અર્થમાં લઈએ તો તે સમજાવે છે કે આ સંસારરૂપી સાગરના કિનારે ઊભા રહી આપણે કર્તાને કહીએ છીએ કે તું જ મારો આધાર છે. તું જો મને નહી મળે તો મારું જીવન સાર્થક નથી તું મને મારું જીવન સુખમય અને શાંતિથી જીવવાની શક્તિ આપ અને અંતે મને તારામાં સમાવી લે.

સાગરમાં જેમ ભરતી અને ઓટ આવે છે તેમ આપણા જીવનસાગરમાં પણ સુખ અને દુ:ખરૂપી ભરતી અને ઓટ આવતા રહે છે. જેમ સાગર આને પોતાનું રોજિંદુ કાર્ય સમજી સરળતાથી નિભાવે છે તેમ આપણે પણ તેને અનુસરીએ અને આવતા સુખ અને દુ:ખને સરળતાથી સ્વીકારીએ તો શાંત સાગરની માફક આપણું જીવન પણ શાંત અને નિર્મળ બની રહેશે. અન્યથા તોફાની સાગરની જેમ આપણું જીવન પણ ઉથલપાથલભર્યું બની રહેશે. સહનશક્તિની સીમામાં રહી જે આ પચાવે છે તે અન્યો માટે દાખલારૂપ બને છે. સંતોનો આદર અમસ્તો કરાય છે?

એમ જોવા જઈએ તો સાગરના અનેક ગુણધર્મો છે અને તેને અનુસરીએ તો આપણે અન્યો કરતા થોડા ઉપર ઊઠી શકીએ. આ જ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ.

નિરંજન મહેતા

ચાલો લ્હાણ કરીએ -(૧૪)સાંવરિયો રે મારો સાંવરિયો-જીગીષાબેન પટેલ

સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં

એવી લથપથ ભીંજાણી હું વ્હાલમાં

                                                  મારા વાલમનું નામ મારું નાણું

ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું

જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો કરીયો

ખોબો માંગુ ને દઈ દે દરિયો !

કોઈ પૂછે કે ઘર તારું કેવડું

મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકે ઉજાગરાથી રાતી

ઝીણા ધબકારે ફાટ ફાટ થાતી

છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

ખોબો માંગુ ને દઈ દે દરિયો !

સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

કવિશ્રી  રમેશ પારેખ નું ખુબ જાણીતું અને ખુબ ગવાયેલ સૌને ગમતું ગીત એટલે સાંવરિયો. સરળ ભાવાર્થ માં સમજીએ તો પ્રીતમના પ્રેમથી અભિભૂત થયેલ પ્રિયતમાનું પોતાના વ્હાલમના વ્હાલનું હૃદયસ્પર્શી વર્ણન છે.પિયુ ના પ્રેમમાં ઓળઘોળ થયેલ પ્રિયા સ્વર્ગના સુખનો અનુભવ કરી રહી છે. પ્રેમની પરાકાષ્ટાની અનુભૂતિ થતા તે આસમાનમાં ઉડી રહી છે.પોતાના સાંવરિયો તેને પ્રેમમાં પાગલ કરી દે છે અને પ્રેમાનંદમાં રસતરબોળ પ્રેમિકા કહે છે કે મારો સાંવરિયો તો હું ખોબો માંગુ  ને મને અખૂટ દરિયા જેટલો પ્રેમ દઈ દે છે. સોળ  વર્ષની મુગ્ધાવસ્થામાં દરેક સ્ત્રી પુરુષ પહેલા પ્રેમમાં પડે છે ત્યારે બધા જ આ પ્રેમના સ્પંદન અનુભવે છે ખરું ને? વહાલાંનો પ્રેમ તેને સાતમા આસમાનમાં પહોંચાડી દે છે પ્રેમ રૂપી અત્તરથી તે લથબથ ભીંજાઈ જાય છે.તેને જીવતર ગુલાબી ગુલાલ જેવું લાગે છે ને વ્હાલમ જ સર્વશ્રેષ્ઠ નાણું  લાગે છે.હૃદયમાં પ્રેમના ટહુકાથી તેનું રોમ રોમ નાચી ઉઠે છે.તેની દુનિયા પિયુથી શરુ થઈ પિયુ સાથે જ પુરી થાય છે અને એટલે જ એનું ઘર પણ તેને વ્હાલમની બાથ ભરે તેટલું  લાગે છે. છબીલા ,બાવરિયાં  સાથે ગાળેલી રોમાંચિત ઉન્માદ ભરી રાતોથી એની આંખો લાલ થઈ જાય છે.આ ગીત બધાનું ગમતું છે કારણ પ્રથમ પ્રેમમાં સાંવરિયો બધાને આવો જ લાગે છે પણ તેનું આબેહૂબ વર્ણન તો રમેશભાઈ જેવા કોઈ શ્રેષ્ઠ કવિ જ કરાવી શકે.

હવે જરા આપણે તેના ગૂઢાર્થ પર નજર કરી એ તો આ ગીત સાંવરા એટલે શામળિયા શ્રી કૃષ્ણ ને સંબોધીને કવિએ વ્હાલથી સજાવ્યું છે.કૃષ્ણપ્રેમની પ્રતીતિ  અલૌકિક છે. કવિ કૃષ્ણપ્રેમનું દર્શન કરાવતા  ગદગદિત થઈ જાય છે ને સાચું જ કહે છે કે હું તો મારા સાંવરા  સલોના પાસે ખોબો માંગુ છું ને તે તો દરિયા જેટલું અધધ આપી દે છે. સાચેજ સૃષ્ટિનું સર્જન કરીને સર્જનહારે આપણને શું નથી આપ્યું? ચાંદ,સુરજ ને તારા ભરેલ આસમાન ,રંગબેરંગી ફૂલ ફળથી ભરપુર વૃક્ષો અને હરિયાળા પર્વતોની હારમાળા  ,લહેરાતો સાગર ને કલરવ કરતા પક્ષીઓ ,માતાપિતા ,ભાઈબહેન,મિત્રો ને પ્રિયતમ નો અખૂટ પ્રેમ। સાંવરિયાના પ્રેમમાં ભીજાયેલ કવિ અવર્ણનીય  આનંદની અનુભૂતિ કરે છે.કૃષ્ણ તો આમ પણ નિરાળો છે. એકવાર તમે એને તમારું સર્વસ્વ સોંપી દીધું પછી તમે તેનામાં જ સમાઈ  જાવ છો.

કૃષ્ણના વ્હાલમાં રાધા ,મીરા,નરસિંહ,સુરદાસ,ગોપીઓ અને આખું ગોકુલ, કોણ ઘેલું નથી થયું? કવિ કહે છે તેના પ્રેમ રૂપી અત્તર નું એક ટીપું જ અંતરમાં પડતા જ ચારે કોઠે દિવા પ્રગટી જાય છે. જીવ પરમસુખનો- પરમ-આનંદનો અનુભવ કરે છે.આ આનંદ વર્ષાની  હેલીથી લથબથ ભીંજાઈ જવાય છે.અહીં આત્મા ને પરમાત્મા સાથેના પરમ મિલનની વાત છે.કૃષ્ણ નામરૂપી નાણું  મળે પછી કોઈ ધનની જરૂર નથી રહેતી. એટલે જ તો મીરાંએ ગાયું “પાયોજી મૈને રામરતન ધન પાયો” અને આ નાણું મળ્યા પછી જીવતર ધન્ય થઈ જાય છે. જીવન મેઘધનુષ્યના રંગોથી રંગાઈ  જાય છે.ખાલી હૃદયમાં જયારે તેના પ્રેમના પ્રાગટ્યનો ટહુકો થાય છે ત્યારે આખી કાયનાત આપણામાં સમાઈ  ગઈ હોય તેમ લાગે છે તેનું શબ્દો  દ્વારા વર્ણન કરવું મુશ્કેલ છે.

“કોઈ પૂછે કે ઘર  તારું કેવડું ? મારા વ્હાલમજી બાથ ભરે  એવડું “. અહીં કવિની કલ્પના આસમાનને આંબી જાય છે.સાંવરાની  બાથમાં તો આખા બ્રહ્માંડ નો સમાવેશ થયો છે એટલે સમસ્ત સૃષ્ટિ એક કુટુંબ થઈ ગયું. આતો થઈ “વસુધૈવ કુટુંમ્બક્મ “ની વાત ,કેવી અદભુત કલ્પના ! જયારે જગતના સર્વે લોકો આપણા જ થઈ જાય તો સર્વત્ર પ્રેમ  પ્રેમ જ રહે.આમ સહજ રીતે વેદ ને ઉપનિષદ ની ભાષા સમજાવી  દીધી છે.પરમતત્વ સાથે ઐક્ય  સધાઈ જાય પછી તો વાત જ શી કરવી.  પ્રેમ બાણ વાગ્યા હોય તે જ જાણે. આ પ્રેમરસ પીવા જ નરસિંહ મહેતા કહે છે મારે મોક્ષ નથી જોઈતો હું તો માંગુ જન્મો જન્મ અવતાર. સાક્ષાત્કારની અનુભૂતિમાં રાતોની રાતો ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન નથી રહેતું.  આથી બાવરા સાથે ના ઉજાગરા  પણ મીઠા લાગે છે.આવા પરમ તત્વ સાથે ના પ્રેમ ને વ્હાલ ની વાત  આટલી રસિકતાથી કોણ વર્ણવી શકે?

દુન્યવી રીતે જોઈએ તો  પ્રિયતમા સાથેના પ્રીતમના પ્રેમમાં સુખ ને આનંદ નો અનુભવ થાય છે પણ તે ક્ષણિક છે.પરંતુ સાંવરિયા સાથે  સાધેલ ઐક્ય  અવિનાશી  ,અનંત છે.એટલે તો આપણા કવિ મુકેશ જોશી પણ કહે છે,

“જપુ  તો જપુ  કૃષ્ણના નામ જાપો,

હવે આ નયનમાં ફક્ત કૃષ્ણ વ્યાપ્યો,

 મળે વાંસળી સુર એકાદ રાતો

અને કૃષ્ણની સાથ હો જન્મ નાતો.”

આમ મને  અને   સૌને  રોમાંચિત કરતા આ ગીત ને શ્રેષ્ઠ ગાયકો એ સુંદર સ્વરોથી ગાયું છે.તેનો સરળ ભાવાર્થ ને ગૂઢાર્થ  મન ને અભિભૂત કરી દે છે.

સાંવરિયો રે મારો સાંવરિયો

Jigisha Dilip

ચાલો લ્હાણ કરીયે -(૧૩)મન ભરીને જીવો, મન માં ભરીને નહીં -રાજેશ શાહ

 
 

ચાલો લ્હાણ કરીયે …એ વિષય ઉપર મન વિચારે ચડયું ત્યારે વિષય ના વ્યાપ નો ખ્યાલ આવ્યો..જીવન એટલે શું? જીવન એક યાત્રા..જીવન એક વાર્તા, જીવન એક પરીક્ષા, જીવન એક રમત …કેટ કેટલી વ્યાખાઓ અને કેટલા બધા અર્થઘટનો.

મને તો જીવન ની સરખામણી ક્રિકેટ ની રમત સાથે કરવાનું મન થાય છે. તમે જાણો છો? ક્રિકેટની રમત માં કોઈ નિશ્ચિતતા જ નહિ…બોલર બોલ કેવા નાખશે ..બેટ્સમેન કેવી રીતે બોલ ને રમશે…હવામાન કેવો બદલાવ લેશે…સામેની ટીમ કેવો જુસ્સો બતાવી લડત અપાશે…બેટ્સમેન ને એ પણ ખબર નથી હોતી કે કયો બોલ તેના માટે છેલ્લો બોલ છે. ક્યારેકતો પહેલો બોલ જ તેના માટે છેલ્લો બોલ બની ને આવે છે…આપણી જિંદગીનું પણ કંઈક આવુજ છે….આપણને ક્યારેય ખબર નથી કે કયો શ્વાશ આપણી જિંદગી નો આખરી શ્વાશ હશે…અને લિમિટેડ ઓવેરની મેચ નું તો ગજબનું આકર્ષણ હોય છે…બધાને ખબરજ હોય છે કે રમતનું પરિણામ તો આવશેજ હવે જો આ રમતમાં પણ બેટ્સમેન ચીટકીને રન કર્યા વગર ઉભો રહેશે તો રમતના ચાહકો તેનો હુરિયો બોલાવશે અને કપ્તાન પણ ચિઠી મોક્લશેકે હવે રન કર કે પાછો આવી જા ..જિંદગી માં પણ આવુજ છે…પાંસઠ કે સિત્તેર વર્ષ સુધી પેલા ચીટકી રહેલા બેટ્સમેનની જેમ વર્ષો પસાર કરી નાખીયે અને પછી ખબર પડે કે જીવવાનુંતો રહીજ ગયું…ગાદલા બિછાવવામાં રાત તો વહી ગયી…ઉંઘવાનું રહી ગયું ને સવાર થયી ગયી.

એટલેજ જિંદગી નો દરેક દિવસ છેલ્લો દિવસ છે એમ પુરી તૈયારીઓ સાથે, સજાગતાથી, જાગૃતિથી  જીવવાનું..પ્રભુના લાડકવાયા થવું હોય તો કર્મ પુષ્પથી પ્રભુની સેવા કરવાની અને સમર્પિત થઈ સાક્ષી ભાવથી કર્મ કરે જવાના….બસ એજ યાદ રાખવાનું કે આપણે અર્જુન જેવા થવાનું છે અને કૃષ્ણ પાસે જવાનું છે….આમ મન ભરીને જીવશો તો પછી બસ આનંદ જ આનંદ

જુવોને પુષ્પનું આયુષ્ય કેટલું ટૂંકું છે? છતાંય ખુબ જ ઓછા સમયમાં પણ તે સુવાસ પ્રસરાવી, ઉપવન ને મહેકતું કરીને, કુદરતની સુંદરતામાં વધારો કરીને જાય છે…મેઘધનુષ્ય પણ ખુબ ટૂંકા સમય માટે દેખાય છે….સૌ કોઈ તે જોવાનું અને માણવાનું ચુકતા નથી….મેઘધનુષ્ય એટલા ઓછા સમયમાં પણ નભ ના પ્રાંગણમાં સપ્તરંગી રંગોળી પુરી આપણા સૌના મન ને પ્રફુલ્લિત કરીને જાય છે….તો આપણે મનુષ્યો કેમ પાછા પડીએ?

તો ચાલો આજેજ મન ભરીને જીવી લઇએ……

કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે ..જિંદગી તોય મધુરી હોય છે

દ્રાક્ષ ખાટી દરવખતે હોતી નથી, જીભ પણ ક્યારેક તૂરી હોય છે                     

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે, માણસ ના બોલ કરતા મીઠા લાગ્યા છે 

જીંદગી રોજ મને શીખવે – જીવતા શીખ… એક સાંધતા તેર તૂટશે પણ જીવતા શીખ.

 – રાજેશ શાહ

ચાલો લ્હાણ કરીએ (૧૨)કાળજા કેરો કેટકો -કેદારસિંહજી મે. જાડેજા ગાંધીધામ -કચ્છ

કાળજા કેરો કટકો
કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો,
મમતા રોવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો….
છબતો ન’ઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો
ડુંગરા જેવો ઉંબરો લાગ્યો, માંડરે ઓળંગ્યો….
બાંધતી નહીં અંબોડલો બેની, ભલે હોય ઇ છૂટી ગ્યો
રાહુ થઈ ઘૂંઘટડો મારા, ચાંદને ગળી ગ્યો…
આંબલી પીપળ ડાળ બોલાવે, એકવાર સામું જો
ધૂમકા દેતી જે ધરામાં,  ઈ આરો અણોહરો…
ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઊતરી ધીડી,    સૂરજ ડૂબી ગ્યો..
લુટાઈ ગ્યો મારો લાડ ખજાનો, “દાદ” હું જોતો ર્યો
જાન ગઈ જાણે જાન લઈને,   હૂંતો  સુનો માંડવડો…
મારા પરમ સ્નેહી શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી (કવિ શ્રી “દાદ”) દાદ બાપુના નામે આજે સમગ્ર ભારતમાં જાણીતા છે. તેમની અનેક ઉચ્ચ સ્તરની રચનાઓ માંહેની એક રચના આજે  અહીં મુકુ છું.
દાદ બાપુ એક સ્નેહીઓના આમંત્રણને માન આપીને તેમની દીકરીના લગ્નમાં પધારેલા, લગ્નના એક પછી એક પ્રસંગો ક્રમ બદ્ધ પૂર્ણ થતા રહ્યા, છેલ્લે કન્યા વિદાયનો સમય થયો, લગ્નના એ પ્રસંગે દરેક મહેમાનો અને સ્નેહીઓમાં એક જાતની ગમગીન છવાઈ ગઈ, ત્યારે દાદ બાપુના હ્રદયમાં આ પ્રસંગને અનુરૂપ એક કવિતાએ જન્મ લીધો, એ કાવ્ય હતું ” કાળજા કેરો કટકો”
પ્રસંગ પૂરો થયા પછી એક ડાયરા જેવો માહોલ બની ગયો, દાદ બાપુ પધાર્યા હોય પછી તેમને સાંભળ્યા વિના મહેમાનો અને ઘરના સભ્યો કેમ રહે ? બધા ઉપસ્થિત લોકો દાદ બાપુને સાંભળવા આતુર બની ગયા, ત્યારે દાદ બાપુએ હમણાંજ જન્મ પામેલી એ રચના એવા ભાવથી રજૂ કરી કે જ્યારે કન્યા વિદાય વખતે પણ અડગ રહેવાની હિંમત કેળવી ચૂકેલા તેઓ પણ આ રચના અને કવિ શ્રીની રજૂઆત થી ભાવ વિભોર બની ગયા.
કેવો અદ્ભુત ભાવ આ કાવ્યમાં છે ? શરીરના કાળજા માંથી જાણે આજે કોઈએ એક કટકો કાપી લીધો, ત્યારે એવું લાગે છે જાણે નાનકડા ગમની પણિયારી વીરડામાંથી પાણિ ભરવા ગઈ હોય અને જ્યાં વીરડાને અડકવા જાય ત્યાં કોઈ કારણસર વીરડો ફૂટી જાય અને પાણિ નદીની રેતીમાં અદ્રશ્ય થઈ જાય, એવોજ માહોલ આજે આ પ્રસંગમાં બન્યો છે, મમતા રૂપી પણિયારી આજ ફૂટેલા પાણીને અદ્રશ્ય થતું જોયા સિવાય કંઇજ કરી શકતી નથી, એવીજ લાગણી આજે આ મંડપમાં દરેક વ્યક્તિની હતી.
જે બાલિકા અત્યાર સુધી ધરતી માથે એવી કૂદતી, રમતી જાણે તેનો પગ જમીન પર અડતો નહીં, એજ કન્યાને આજે બાપના  ઘરના ઉંબરાને ઓળંગતાં એવું લાગ્યું જાણે કોઈ મોટો પહાડ ઓળંગવો હોય.
જે બાળાના માથાના વાળ વિખેરાઈ ગયા હોય, સાહેલીઓ કે મા બોલાવીને તેને ટપારે કે બેટા આવ તારા વાળનો અંબોડો બાંધી આપું, પણ ત્યારે તેને તેના અંબોડાની કોઈ ફિકર ન હતી, ભલેને છૂટેલો હોય! પણ આજે એજ લાડકીના ચહેરા પરથી એક ક્ષણ માટે પણ ધુંધટ હટતો ન હતો, જાણે લાડલીના ચન્દ્ર રૂપી ચહેરાને ઘુંધટ રૂપી રાહુ બનીને આવ્યો હોય અને તેને ગળી ગયો હોય.
વેલડું ગામના પાધર પાસે પહોંચ્યું ત્યાં જાણે તળાવની પાળ અને વૃક્ષો બોલાવવા લાગ્યા કે બહેન, એક વાર તો અમારી સામે જોતીજા, આ એજ ધરો છે, જ્યાં તું આંબલી પીપળી રમતી અને આ ધરામાં ધુબાકા મારતી, આજ એ આરો, ઉદાસ; ખિન્ન. બની ગયો છે.
જે કન્યા દોડાદોડી કરીને આખા ઘરને અને ગામને માથે લેતી, તે હરણી જેવી ને આજે ધીમા ધીમા ડગલાં માંડતી જોઈને લાગે છે જાણે આજે તેને દરેક ડગલું સો સો ગાઉનું ભરવું પડતું હોય. પિતા જાનને વળાવીને ગામના પાધરે હથેળીની છાજલી કરીને વ્હાલસોઈ દીકરીની જતી જોઈ રહ્યો છે, પણ જ્યાં વેલડું સામેની ધાર પરથી નીચે ઉત્તરી ગયું અને દેખાતું બંધ થયું ત્યારેતો જાણે સૂરજ દાદો અસ્તાચલમાં ડૂબી ગયો હોય.
આનંદ સાથે પણ ક્યારેક એવી ઉદાસીનતા છવાતી હોયછે કે ત્યારે શું કરવું તે સમજાતું નથી, રડવું કે હંસવું, આજે એવીજ સ્થિતિ આ બાપની છે, પુત્રીના લગ્નનો આનંદ છે તો તેની વિદાય ની વ્યથા છે, આનંદ અને બાળકોના કિલકારથી ગુંજતા માહોલ ના બદલે હવે હું જાણે એક સુનો માંડવો બનીને ઊભો છું.
આ છે કવિ “દાદ” ની કલમની તાકાત, કોઈ પણ માનવી થોડુ ઘણું પણ ગુજરાતી જાણતો હોય અને એમાં પણ જો તે દીકરી નો પિતા હોય તો આ રચના સાંભળીને ભાવ વિભોર બન્યા વિના ન રહી શકે.
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ