દ્રષ્ટિકોણ 18: ગિનિસ રેકોર્ડ અને સંવર્ધન માતૃભાષાનું – દર્શના

મિત્રો હું, દર્શના વરિયા નાડકર્ણી તમને બેઠક ની “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર આવકારું છું.  આ કોલમ ઉપર આપણે વિવિધ દ્રષ્ટિકોણ થી અને વિવિધ વિષયો ઉપર વાત કરીએ છીએ. ગયા અઠવાડિયે  ગિનિસ રેકોર્ડ દિવસ ઉજવાયો તેના નિમિતે તેના વિષે થોડી વાત કરીએ. વાર્ષિક પ્રકાશિત થતું The Guinness Book of World Records પ્રકાશન દુનિયા ના અવનવા રેકોર્ડ્સ ની નોંધ રાખે છે. બે મેકવાર્ટર ભાઈઓ એ તેની શરૂઆત 1954 માં કરેલ.
કેવી રીતે તેની શરૂઆત થઇ તે સાંભળો. 1951 માં, ઇંગ્લેન્ડ માં, સર બીવર જે ગિનિસ બીયર નો ધંધો ચલાવતા હતા તે પક્ષીઓના શિકાર માટે ગયા. ત્યાં કોઈની સાથે તે દલીલ માં ઉતાર્યા કે વિશ્વ માં ક્યુ પક્ષી સૌથી વધુ ઝડપી હતું। તેમણે ઘરે જઈને ચોપડીઓ માં આ માહિતી ગોતવા માટે ખુબ પ્રયત્ન કર્યો અને તેમને લાગ્યું કે આવી માહિતીઓ ની નોંધ ક્યાંય નથી. તેમના એક કાર્યકરે તેમને બે ભાઈઓ જે માહિતી એકઠી કરવાનો શોખ ધરાવતા હતા તેમનો સંપર્ક કરવાનું કહ્યું અને તેમની વાતચીત આખરે આ પુસ્તકની શરૂઆત થવામાં નિમિત્ત બની.
64 વર્ષ થી ચાલતું ગિનિસ  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પોતે “best-selling copyrighted book of all time” નો રેકોર્ડ ધરાવે છે. 2019 ના પ્રકાશન ના આધારે અત્યાર સુધી તેનું પ્રકાશન 100 દેશોમાં અને 23 ભાષાઓમાં થઇ ચૂક્યું છે. તેની આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝ ના આધારે તે પ્રિન્ટ ઉપરાંત ટેલિવિઝન શ્રેણી અને સંગ્રહાલયો અને મ્યૂઝિમ દ્વારા પણ આગળ વધી ગયું છે. ફ્રેન્ચાઇઝની લોકપ્રિયતાના પરિણામે અને તેમના સૂચિબદ્ધ ચકાસણી માં નામ કમાવાને લીધે વૈશ્વિક રેકોર્ડ્સ દુનિયા માં આવી અંતરરાષ્ત્રિય માહિતી અને નોંધમાં પ્રાથમિક આંતરરાષ્ટ્રીય સત્તા નું સ્થાન ધરાવે છે. આ સંસ્થા કોઈ પણ રેકોર્ડ્સ ના દાવા ની સ્વતંત્ર ચકાસણી માટે ખાસ કાર્યકરો રાખે છે.
ચાલો આપણે “સંવર્ધન માતૃભાષાનું” એ મહાગ્રંથ ઉપર થોડી વાત કરીએ. એ 12000 પાનાનું દળદાર પુસ્તક જે આપણે બેઠક માં કરેલા લખાણ થી તૈયાર કરેલ છે તે કદાચ આપણી માતૃભાષાને વિશ્વના સ્તરે આપણી ઓળખ બની રહે અને પુરા વિશ્વની જાણકારીમાં લાવી શકે. એ મહાગ્રંથ કઈ રીતે બન્યો?  “બેઠક” કે “સહિયારા સર્જન”માં નિતનવા વિષય કે વાર્તા ઉપર લખી ને સર્જકોએ ભાષાને કેળવી અને ભાષામાં ધીમે ધીમે પાંગરતા થયા અને તેમની ઉછળતી પ્રવીણતા આ પુસ્તક માં પરિણમી. 99 જેટલા લેખકોએ નવલકથા, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી વાતો, પ્રાયોગીક કે નવતર લખાણો, ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”, જેવા વિષયો ને નવાજ્યા અને વિવિધ દ્રષ્ટિકોણ અને વિવિધ શબ્દોથી સજાવ્યા. ડૉ ચીનુમોદીએ આ મહાગ્રંથને આવકારતા કહ્યુ હતું કે આવું સંવર્ધન કાર્ય કદાચ ભારતની કોઇ પણ ભાષામાં થયુ નથી. અને તે બહુજ આવકારનીય પ્રયાસ છે.
Image result for "સંવર્ધન માતૃભાષાનું"
આ મહાગ્રંથ આવતી પેઢી માટે માતૃભાષાને ધબકતી રાખવાનો પ્રશંસનીય પ્રયાસ માત્ર નથી પરંતુ આ ગ્રંથ ના સર્જન, સંપાદન અને સંકલન માટે થયેલ ૭૦૦૦ કરતા વધુ મેન અવર અને અઢી વર્ષ ના તપ નો વાસ્તવિક પુરાવો છે.  લેખકો ના સર્જન ઉપરાંત પાયામાં ડૉ પ્રતાપભાઈ પંડ્યા ની આગવી ઝુંબેશ “પુસ્તક પરબ”થી લઈને આ જ્ઞાનયજ્ઞની વેદી ટેક્સાસ માં વિજયભાઈ શાહ, પ્રવિણાબેન કડકિયા અને હેમાબેન પટેલ ના સૌજન્યથી પ્રેરણા પામીને,  કેલિફોર્નિયા માં પ્રજ્ઞાબેન દાદભાવાલા ની અથાગ મહેનત ના શિરોબિંદુ સમાન પ્રતીક બની છે. આપણે ઇચ્છીએ કે તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ માં સ્થાન મળે અને એ રીતે આપણી ભાષા વિશ્વ ના સ્તરે ઓળખાણ પામે.
“સંવર્ધન માતૃભાષાનું” એ મહાગ્રંથ ને ગિનિસ બુક માં સ્થાન મળે તે માટે એક મહાયજ્ઞ પ્રજ્ઞાબેને આરંભ્યો છે. પરંતુ ગિનિસ બુક માં સ્થાન મેળવવું એ નાનીસૂની વાત નથી અને એ નાનું એવું કામ નથી. વિશ્વના સૌથી લાંબા વાળ નું સ્થાન મળ્યું છે ચાઈના ની યુવતી ક્ષી ક્વિપિંગ ને. તેના વાળ ની લંબાઈ, 2004 ના માપ પ્રમાણે, 18 ફીટ થી વધુ હતી. તેજ રીતે વિશ્વની સૌથી લાંબા પુસ્તક નું સ્થાન મળ્યું છે માર્સેલ પ્રૌસ્ટ ની નવલકથા ને જેમાં 9,609,000 અક્ષરો છે (including spaces). બેઠક ના મહાગ્રંથ ની દુનિયા ના લાંબા પુસ્તક ની કેટેગરી માં નહિ પરંતુ દુનિયાના સૌથી દળદાર પુસ્તક ની કેટેગરી માં સ્થાન માટે અરજી કરેલ છે. તે માટે ગિનિસ ના ઘણા ઘણા નિયમો છે જેનું પાલન કરવું પડે. જયારે તેના કાર્યકરો ચકાસવા આવે ત્યારે તેઓ એક એક પાના ફેરવી ને પુસ્તક ને તપાસે અને જોવે કે દરેક પાના ઉપર કેટલા અક્ષરો છે, અને કેટલા પાના વચ્ચે અડધા લખેલા છે. તે લોકો લેખકો ના નામ અને તેમની રોયલ્ટી બાબત પૂછતાછ કરે. બધુજ તેમના નિયમ મુજબ હોય ત્યારેજ તેનું ગિનિસ બુક માં સ્થાન મળે.  
અત્યારે ગિનિસ નું મુખ્યાલય ઇંગ્લેન્ડ માં છે અને તેની બીજી ઓફિસો ન્યુ યોર્ક અને ટોક્યો માં છે. તેના મ્યુઝિયમ નું મુખ્યાલય ફ્લોરિડામાં Ripley headquarters માં છે.

દ્રષ્ટિકોણ 10 – વિશ્વ કૃતજ્ઞતા દિવસે માતાપિતા ને નવાજીએ – દર્શના

નમસ્તે મિત્રો. આજે વિશ્વ કૃતજ્ઞતા દિવસ ઉજવાઈ રહ્યો છે. સૌ પ્રથમ આ દિવસ 1965 માં ઉજવાયો અને ત્યાર બાદ United Nations Meditation Group દ્વારા દર વર્ષે September 21 ના આ દિવસ મનાવવાની પ્રથા જાહેર થવામાં આવી. જિંદગીમાં કૃતજ્ઞતા કેળવવાથી અને દર્શાવવાથી વ્યક્તિને પોતાને ઘણા ખુબ ફાયદા થાય છે અને સૌથી પહેલે માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું તેઓ સૂચન કરે છે. આમેય માતા પિતા નું સ્થાન જ ઔર છે. એક માતાના કે એક પિતાના પ્રેમ ની ઊંડાઈ માપી શકાય નહિ. તે બીજા કોઈ સંબંધ જેવો પ્રેમ નથી. તેમના હૃદય માં બાળક માટે ચિંતા અને બાળક ની ભલાઈ માટેની ભાવના સતત વહેતી હોય છે. અને છતાં માતાપિતા અને બાળકો વચ્ચે મતભેદ તો થવાના જ. એક જેનેરેશન ગેપ છે તે ન રહે અને બાળકો માતાપિતાના ઘાટ માં જ બીબાની જેમ ઢળે તો જિંદગીમાં ઉન્નતિ કેમ થાય? બાળકોના મત માતા પિતાના મત કરતા ઘણી વખત જુદા પડે, બાળકો તરફ તેમને નિરાશા ઉપજે, બાળકો તેમનું ન સાંભળે અને મનમાન્યું કરે તેમજ ધીમે ધીમે બાળકો પોતાની ભૂલો કરે અને તે ભૂલો માંથી જિંદગીના પાઠ શીખે અને તેમની નવી સમજણ અને સચ્ચાઈ પ્રમાણે નિર્ણયો લ્યે અને તેમજ જિંદગીની પ્રગતિ ચાલુ રહે.
પરંતુ ઘણી વખત બાળકો માતાપિતાની તેમના પ્રત્યેની નિરાશાને વળગી રહે છે અને તેની પાછળ છુપાયેલ તેમના પ્રેમ અને લાગણી ને જોઈ નથી શકતા. ક્યારેક માતા પિતા ની ઉમર મોટી થાય અને તેઓ ભૂલો કરવા લાગે અને ત્યારે બાળકો ધીમે ધીમે કારોબાર અને વધુ જવાબદારી સંભાળતા થાય અને માતા પિતા બાળકો જેવા બનતા જાય અને તેમને વધુ મદદ ની જરૂર પડે તો પુખ્ત વયના બાળકો ને તેમના ઉપર રોષ આવવા લાગે છે. આ બધું તો જીવન માં થાય જ છે. પણ આજે હું એમ કહેવા માંગુ છું કે જો માતા પિતા ભગવાનના આશીર્વાદે ખુબ મોટી વય સુધી પહોંચે ત્યારે એક દિવસ બેસીને પુખ્ત વયના બાળકે મનોમન એક નિર્ણય કરવાની જરૂર છે. તેઓ મૃત્યુને શરણ થાય તે પહેલા આ નિર્ણય થાય તો વધુ ઉત્તમ. પુખ્ત વયના બાળકો એક દિવસ બેસીને નિર્ણય કરી શકે કે હવેથી જેવો પ્રેમ અને કાળજી મારા બાળપણમાં મને મારા માતા પિતાએ દાખવ્યો તેજ નિખાલસ અને અવિરત પ્રેમ હું તેમને અર્પણ કરીશ. અને તે દિવસ થી તેમને ખીજાવા, ઠપકાવવાની બદલે તેમના તરફ ના વર્તન માં ખુબ કાળજી અને પ્રેમ ભરી દઈએ અને તેમનો હાથ પકડી, આંખમાં જોઈને તેમના તરફ ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ તો કેવું? ક્યારેક મોડું થઇ ગયું હોય અને માતા કે પિતા પ્રત્યક્ષ હાજર ન હોય તો પણ મનોમન આભાર વ્યક્ત કરવાની હળવાશ આપણે અનુભવી શકીએ છીએ.
ક્યારેક આવા કાર્ય માટે નિમિત્ત ની જરૂર હોય છે. તો આજે આ બ્લોગ ને નિમિત્ત માનીને વિશ્વ કૃતજ્ઞતા દિવસે ચાલો આપણે આપણા માતા પિતાને આપણા વર્તન અને વાણી દ્વારા કૃતજ્ઞતા અને અવિરત પ્રેમ ની લાગણી દર્શાવીએ. જો તેઓ જીવિત ન હોય તો શબ્દો દ્વારા વર્તાવી શકાય છે.
નીચે મેં મારી મા માટે લખેલ કાવ્ય તમે લિંક માં સાંભળી શકો છો અને નીચે વાંચી પણ શકો છો.

બાળકો ના સપના માં માતાની જીંદગી
એકવાર માં તું હતી સૌન્દર્યપૂર્ણ, સુશોભિત, યુવાન
ડૂબી ગયા હશે ઘણા જુવાનો, જોઈ તારા નયન
સાકાર થઇ રહેલા હશે તારા દિલ માં ઘણા સપના
ઘણી ઈચ્છાઓ, દેશ દેશાંતર ફરવાની ભાવના
પરંતુ સામાજિક ધોરણો ને અનુસાર તે દિશા બદલી
તારા સપના ને ધરબી દઈ ને તું સાસરે ચાલી
તારી કુખે અમે જન્મ્યા, તું તારી ફરજ નિભાવતી રહી
ક્યારેક અમે સમજ્યા નહિ, જીદ કરી, તારું માન્યા નહિ
પરંતુ તારા પ્રેમ માં ક્યારેય તે કચાસ ન કરી
એવું બન્યું નહિ કે તે અમારી વાત ને કાને ન ધરી
તે ફેરવ્યું તારા સપના નું અમારા સપના ઉપર લક્ષ્ય
અમને હસતા રાખવા એ જ તારી ખુશીનું રહસ્ય
તું ભૂખી રહી પણ અમારું ખાવાનું રાખ્યું નિત્ય ગરમ
બની ગયા તારા બાળકોજ તારા ભગવાન, તારો ધરમ
જીવનની મુસીબતો ગળીને હસતા હસતા તે નિભાવી ફરજ ,
અમે તો વિચાર પણ ના કર્યો, આ તે કેટલું મોટું કરજ
તે જાડુ વાળ્યું, વાસણો વિછર્યા, રસોઈ બનાવી, કપડા ધોયા
મોડી સવાર સુધી સપના અમારી પાંપણો ઉપર નાચતા રહ્યા
કદાચ હવે તને યાદ પણ નહિ હોય તારા સપના ને તારું મોટું બલિદાન
હવે તું નથી જુવાન, નથી બળવાન, કે નથી સૌંદર્યવાન
અમારા સપના થયા સાકાર, તારી મહેનત નું પરિણામ
ઘર, બંગલા, ગાડી માં અમે થયા ઠરીઠામ
અમે પણ શું ભૂલી ગયા તારું અમારા ઉપરનું મોટું ઋણ?
તો આ તારી નહિ, પણ અમારા જીવન ની કથની છે, કરુણ.
https://youtu.be/dFhGpgpJ_cE 

10 -આવું કેમ ?: જીસસ ક્રાઈસ્ટ અને શ્રી કૃષ્ણ !-ગીતા ભટ્ટ

આ દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ક્રિસમસ એટલેકે નાતાલનો તહેવાર પૂર જોશમાં ઉજવાઈ રહ્યો છે ! સ્કૂલમાં બે અઠવાડિયાનું વેકેશન અને જાહેર ઓફિસોમાં અને બેંકમાં પણ ક્રિસમસની રાષ્ટ્રિય રજા ! જેનો જન્મદિવસ માત્ર ક્રિસ્ચન જ નહીં દુનિયા આખ્ખી ઉજવે અને જેમના જન્મદિવસથી આ ઈસ્વીસન સંવત શરૂ થઇ , કોણ છે આ જીસસ ક્રાઈસ્ટ? અને કૃષ્ણ અને ક્રિસ્ટ વચ્ચેના સામ્યનું શું છે ?

ભગવાન શ્રી કૃષ્ણ સાથે ક્રાઈસ્ટ ને શું લાગેવળગે ?
પણ એ સરખામણી કરવાનો વિચાર અનાયાસે જ આવ્યો’તો !

વર્ષો પહેલાં એક ક્રિસમસ પાર્ટીમાં અમારા એક મિત્રની દીકરીએ બાળક જીસસના જન્મ સ્થળનું મોડલ બનાવેલ. નાનકડાં એક ખોખામાં એણે તબેલો કે ઘેટાં બકરાં માટેનો વાડો બનાવેલ અને એક ટોપલામાં બાળક ઈશુ ખ્રિસ્તને બેસાડેલા ; એ જોઈને મને મથુરાથી ટોપલામાં ગોકુલ આવેલ બાળ કાનુડો યાદ આવી ગયો ! આ જીસસ ક્રાઈષ્ટ છે કે જશોદાનો કૃષ્ણ? ! માતા યશોદાના ઘરના વાડામાં ગાયોની ગમાણમાં જાણેકે રમતો કાનુડો!

કૃષ્ણ અને ક્રાઈસ્ટ બંને નામ પણ સરખાં છે ! મૂળ ગ્રીક ભાષામાં તો બનેનો અર્થ ” શ્યામમાંથી સુંદર ” એમ કાંઈક થાય છે! બંને અસામન્ય જગ્યાએ જન્મ્યા : એક જેલમાં , બીજાનો જન્મ મેન્જરમાં ( ઢોરને ખડ નાખવામાં આવે તેમાં ) અને બંનેના જન્મસમયે કાંઈક દિવ્ય સંકેત મળ્યો : એકમાં આકાશવાણી થઈ તો બીજામાં એંજલે આવીને કહ્યું ! વળી બંનેના જન્મ સમયના સંજોગો જુઓ ! મથુરાથી કૃષ્ણ ગોકુલ આવે છે!

તો જીસસ ક્રાઈષ્ટના જન્મ પહેલાં મેરી નઝારેથ રહેતી હતી અને જોસેફ સાથે લગ્ન કરવાની હોવાથી , એની નોંધણી કરાવવા એ લોકો ૬૫ માઈલ દૂર બેથ્લેહામ આવે છે. ત્યાં રહેવાની જગ્યા ના મળતાં છેવટે ઢોરોનાં વાડાની મેન્જર – જ્યાં ઘેટાં બકરાને ખાવાનું ખડ રાખવામાં આવે તેવી જગ્યાએ દુનિયાની આ મહાન વિભૂતિનો જન્મ થાય છે!
જન્મસ્થળ પણ જુઓ ! ક્રષ્ણના જન્મ પછી દૈવી રીતે જેલના દ્વાર ખુલી જાયછે અને મથુરાથી કૃષ્ણ ગોકુલ આવે છે!
તો જીસસ ક્રાઈષ્ટનો જન્મ થયો ત્યારે ત્રણ ભરવાડોએ આકાશમાં તેજસ્વી તારો જોયો ! (દૈવી રીતે )અને રોમન ઍમ્પરરને એની જાણ કરી ; રાજાને પેટમાં ધ્રાસ્કો પડ્યો પણ ડહાપણથી ત્રણ વાઈઝ મેનને એની તપાસ કરવા મોકલ્યા . અને બે વર્ષથી નાના બાળકોને મારી નાખવાનું કાવતરું ઘડ્યું . જોકે કૃષ્ણની જેમ આ ક્રાઈષ્ટ પણ બચી જાય છે ! રોમન સામ્રાજ્યના હાથમાંથી બચવું એ સહેલી વાત નહોતી જ- જેમ ભગવાન કૃષ્ણની જીવન કથામાં આવે છે તેમ !

આજથી અઢી હજાર વર્ષ પહેલાં ઈટાલીના એક શહેર રોમના રાજાએ ધીમે ધીમે એક પછી એક ગામ , શહેર અને આજુબાજુના દેશો જીતીને રોમન સામ્રાજ્યનો ફેલાવો કર્યો હતો . મેરી અને જોસેફ ઇજિપ્ત જતાં રહે છે. ત્યાર પછીના અમુક વર્ષો વિષે કોન્ટ્રવર્સી છે પણ જીસસ ત્રીસ વર્ષની ઉંમરે જેરૂસલમ પાછા આવે છે. અને ત્યાંથી પ્રેમ અને શાંતિનો ઉપદેશ આપે છે

(જોકે હજુ આજે પણ જેરૂસલમ શહેર માટે વિવાદ છે: મિડલ ઈસ્ટમાં મેડીટરેનીયન અને ડેડ સી વચ્ચે ડુંગરોથી ઘેરાયેલ આ શહેર ઇઝરાયલનું છે એ બાબત અશાંતિ પ્રવર્તે છે).પૂરાં બે હજાર વર્ષ પૂર્વે બનેલ યુરોપ – મિડલ ઇસ્ટ માં બનેલ ઐતિહાસિક આ ઘટનાઓ અને તેથીયે કાંઈક હજાર વર્ષ પૂર્વે ભારતમાં બનેલ આ પ્રસંગો ઉપર વિચારતાં થયું :

આવું કેમ ? આ સામ્યતાઓ ? પણ એ સમયે એવું બધું બનતું જ રહેતું . ગોવાળિયા હોય કે ભરવાડ , સામાન્ય પ્રજા સ્વપ્નમાં કાંઈ દેવદૂત કે ફરિસ્તાને જુએ , સારી વ્યકિત પર ખરાબ – તાકાતવાન આધિપત્ય જમાવે .. એને રહેંસી નાંખવા પ્રયત્ન કરે અને કોઈ દૈવી શક્તિથી એ બચી જાય ..

જો કે સારા અને ખરાબ – Good v/s evil – નો સંઘર્ષ હજારો વર્ષોથી થતો જ આવ્યો છે! જયારે સમાજમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી જાય ત્યારે ભગવાન પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા કોઈ પણ રીતે અવતાર લે છે!

પણ સમાજના ઉત્થાન માટે જેમણે પોતાનું જીવન ખર્ચી દીધું તે મહાન વિભૂતિઓની કદર તેમની હયાતીમાં ભાગ્યે જ થતી હોય છે!
એવુ કેમ?

એમને તો આ નિસ્વાર્થ પ્રેમનો શાંતિ સંદેશો ફેલાવીને છેવટે તો કાં તો યાદવાસ્થળીમાં વીંધાઈ જવાનું હોય છે ને કાં તો વધસ્થંભ ઉપર જ વધેરાઈ જવાનું હોય છે!

સોક્રેટિસ જેવાને ઝેરનો પ્યાલો પીવો પડે છે તો ગાંધીજીને, ગોળીએ વીંધાઈ જવું પડે છે! પ્રેમ અને શાંતિના આ ચાહકો મૃત્યુ પછી અમરત્વને પામે છે ; પણ જીવતાં હોયછે ત્યારે ? ત્યારે તેમની અવહેલના અને ઉપેક્ષા ?
એવું કેમ?

જેઓ નિઃશ્વાર્થ ભાવે વિશ્વને પ્રેમ અને કરુણા , ભાઈચારો અને સમભાવનો સંદેશો આપવામાં જીવન ન્યોચ્છાવર કરી દે એમને આજે બે હજાર વર્ષ પછી પણ દુનિયા ઈશુ ખ્રિસ્ત ને યાદ કરે છે, કદાચ ચાર હજાર વર્ષ પૂર્વે જન્મેલા કૃષ્ણને ” કૃષ્ણમ વન્દે જગતગુરું” કહીને પૂજીએ છીએ છીએ! પણ જીવનની વિદાયની આ કેવી વિચિત્ર રીત ?
એવું કેમ?
આમ તો ઈસ્વીસન સંવત ઈશુ ખ્રિસ્તના જન્મ દિનથી શરૂ થઈ , પણ પહેલા સો વર્ષ તો એ ભુલાઈ જ ગયા હતા અને વર્ષની ગણતરીની શરૂઆત પછી ખબર પડી કે સાચી જન્મતારીખ એક અઠવાડિયું વહેલી છે , એટલે આગલા વર્ષની પચ્ચીસમી ડિસેમ્બર એ એમનો જન્મદિન એમ ઉજવણી શરૂ થઈ! ઇશુના જન્મ પૂર્વેની છઠ્ઠી સદી સુધીનો ઇતિહાસ જોવા મળે છે!

આવી આ મહાન વિભૂતિ, અને જીવતેજીવ એની કેટલી ઉપેક્ષા ! કેટલું દર્દ ? કેટ કેટલું દુઃખ ?
હે ભગવાન , એવું કેમ?

 

9 -આવું કેમ : ચૂંટણી અને મતદાન !-ગીતા ભટ્ટ

ભારતમાં આજ કાલ ઈલેક્શન /ચૂંટણીનો માહોલ બંધાયો છે તો આજે ઈલેક્શનની જ વાત કરીએ .

અમારા ઘર નજીકની એક પબ્લિક સ્કૂલના મોટા ક્લાસરૂમમાં ચાર પાંચ ટેબલ સામે અમે બધાં મતદાન કરવા લાઈનમાં ઊભાં હતાં . મારો નંબર આવ્યો એટલે એક ટેબલ પાસે મને બોલાવીને મારુ નામ મતદાતાઓના લિસ્ટમાંથી શોધ્યું ; અને પછી મને પૂછ્યું : “તમારે કોને મત આપવો છે? ”

મને આશ્રચર્ય થયું : મતદાન તો ખાનગી હોય ને ? મેં વિચાર્યું ! પણ ત્યાં જ એમણે વાક્ય પૂરું કર્યું ;” તમારે કોને વોટ આપવો છે ડેમોક્રેટને કે રિપબ્લિકને ?”

હા , એ અમેરિકાના પ્રેસિડેન્ટની પ્રાયમરી ચૂંટણી હતી ! આખાયે દેશના પચાસે પચાસ રાજ્યોમાંથી આ રીતે પહેલા પ્રાયમરી ઈલેક્શન થાય ! બંને પક્ષના ઉમેદવારો પ્રજાને તેમની રાય પૂછે .આપણે જે પક્ષને ટેકો આપતાં હોઈએ એ પક્ષના ઉમેદવારોનું ચૂંટણી મતપત્ર આપણને આપે  અને એ પક્ષમાંથી જે લોકો ચૂંટણીમાં ઊભાં હોય તેમાંથી કોઈ એકને આપણે મત આપવાનો અને જેને પોતાના પક્ષના બધાં ઉમેદવારોમાંથી સૌથી વધારે મત મળે તે ફાઇનલ ઈલેક્શનમાં સામેવાળા પક્ષના ઉમેદવાર સામે લડે !

ગયા વર્ષની અમેરિકાની પ્રેસિડેન્ટની ચૂંટણી આપણને યાદ છે.  જેવી રીતે રામાયણમાં રામના રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલતી હતી, સવારે તો રાજ્યાભિષેક નક્કી જ હતો  પણ ત્યાં જ વનવાસ જવાનું આવ્યું ! તેવી રીતે હિલરી ક્લિન્ટનનું પણ આવું જ થયું હતું ને?

ત્યાર પછી બધાં એ ઈલેક્શનમાં હિલરીની હાર થવાના કારણો શોધવા બેઠાં ! ઘણાં કારણોમાનું એક મહત્વનું કારણ હતું કે આમ તો હિલરી ડોનાલ્ડ ટ્રમ્પ સામે જીતી ગઈ હોત પણ ડેમોક્રેટ પક્ષના ઘણાં લોકોએ મતદાન જ કર્યું નહોતું. માત્ર તેત્રીસ ટકા લોકોએ જ મતદાન કર્યું હતું!

આવું કેમ થયું ?

શું અમેરિકા જેવા શિક્ષિત દેશના લોકો એટલા બેપરવાહ હતાં ? શું એમને એક મતનું પણ મૂલ્ય હોય છે તે ખબર નથી  કે પછી એમને કોણ રાજ્ય કરે , કયો પક્ષ ગાદીએ (?) આવે તેની કાંઈ પડી જ નથી?

ભારત જેવા વિકસી રહેલા , અર્ધ શિક્ષિત દેશમાં સામાન્ય રીતે સાઠ થી સિત્તેર ટકા મતદાન થતું હોય છે!
તો એવું કેમ બન્યું ?

આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને કોઈએ આવું પૂછ્યું હતું . આપણા સ્વતંત્ર ભારતવર્ષની ૧૯૫૧-૫૨માં સૌ પ્રથમ ચૂંટણીઓ યોજાઈ હતી ; કોઈએ પૂછ્યું કે શું આ અભણ પ્રજા લોકશાહીમાં ચૂંટણી અને મતદાનનું મહત્વ સમજી શકશે ?
એમણે થોડો વિચાર કરીને કહ્યું ,” હું ગામડાનો છું  ને મને ખબરછે કે એ લોકો એટલું ભણેલાં નથી પણ એ લોકોમાં કોમનસેન્સ – સારાસારનો વિવેક છે , તેઓ પોતાનું હિત શામાં છે તે સમજીને સાચો નિર્ણય જ લેશે !”પણ એ આશા મહદ્દ અંશે ઠગારી નીવડી!

“સમજી વિચારીને લોકશાહીનું આ ચૂંટણીનું શસ્ત્ર વાપરવાનું છે. કિલો ચોખા કે બે જોડી કપડાં માટે , કે ખોટા વચનો પાછળ આ અમૂલ્ય મત વેડફવાનો નથી. કોઈના દબાણથી કે ડરથી નિર્ણય લેવાનો નથી! ” દેશનાં હિતેચ્છુઓએ તેમને સમજાવ્યું .

પણ એ શિખામણોનો કોઈ અર્થ ના સર્યો ! દેશ આઝાદ થયો ત્યારથી આમ જ થતું આવ્યું છે!બોગસ વચનો , બોગસ નારા ! દાવ પેચ ખુરસી જીતવાના !બૂમાબૂમ ! ભાષણના લવારા ! લાતમલાત, ને વિષનાં પ્યાલા!
આજે દેશના અમુક પ્રદેશોમાં – જેમાં ગુજરાતનો પણ સમાવેશ છે- ત્યાં ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે થોડી લોકશાહીની વાતો વાગોળવાનું મન થાય .

આમતો આપણે ત્યાં રાજશહીની જેમ લોકશાહી – લોકતંત્ર – નો વિચાર ઘણો પુરાણો છે. ગણતંત્ર અને તેનો નેતા , ગણપતિ ! ગણેશ ! અને એજ રીતે લોકશાહીની એક જૂની પરમ્પરા : પંચ કહે તે પરમશ્વર : એટલેકે રાજા નહીં પણ પ્રજાનાં જ પાંચ સમજુ ભેગા થઈને ન્યાય કરે ! વળી રાજા ઉપર પણ અષ્ટ ઋષિ મંડળ સલાહ આપવા બેસે. આ બધું સારી રાજ્ય વ્યવસ્થા પદ્ધતિમાં આવે અને આ બધું આપણે ત્યાં પુરાણા કાળથી ચાલ્યું આવે છે. એટલે કે લોકશાહી અને ચૂંટણીનો વિચાર ઘણો ઘણો પુરાણો છે.

અને એ જ રીતે વિશ્વ ઉપર નજર કરીએ તો જુના કાળમાં એથેન્સ અને રોમ ( ગ્રીસ અને ઇટલી ) માં ધર્મગુરુઓ ભેગાં થઇ મહત્વના નિર્ણય મતદાનથી લેતા.. જો કે આધુનિક યુગમાં અમેરિકાની શોધ થયા પછી આ દેશે ઘણા ઘણા નવા વિચારો ફેલાવ્યા. લોકશાહી રીતે નેતાની પસંદગી એ આ દેશની દેણ છે! અને World’s oldest democracy and world’s largest democracy : બે લોકશાહીનો સુભગ સમન્વય એટલે આપણે!

પણ તો આવું કેમ? ભણેલાં લોકોને ઇલેક્શનની પડી નથી ને લોકશાહી જેવા પાવરફુલ શસ્ત્રની ઉપેક્ષા કરે છે અને ઓછું ભણેલ લાલચમાં આવીને દેખાદેખીથી ,ખોટા પ્રલોભનમાં ખેંચાઈને અયોગ્ય વ્યક્તિને વોટ આપે છે!

આવું કેમ? કે જે વ્યક્તિ કે પક્ષ નાત- જાત અને ધર્મના નામે પ્રજાને અંદર અંદર , એકબીજા સામે ઝગડાવે છે ,ભ્રષ્ટાચારના રોગથી દેશને માંદલો કરી દીધો હતો , એની વાતોમાં ભોળી પ્રજા ખેંચાઈને પોતાનું જ અહિત કરેછે? શું દેશનો સાત દાયકાનો ઇતિહાસ તેમને યાદ નથી?
આવું કેમ?

જેના હૈયે માતૃભૂમિ માટે પ્રેમ અને માત્ર નિસ્વાર્થ પ્રેમ જ છે , જેના થકી વિકાસનો સૂર્ય ત્યાં ક્ષિતિજે ઉગી રહ્યોછે , એ સાચા દેશનેતાને લોકો ઓળખી શકતાં નથી? અને કહેવાતા કોઈ નાનકડા છોકરાની વાતમાં આવીને પોતાના જ પગ પર કુહાડો મારવા તૈયાર થયાં છે?શું આને તમે તંદુરસ્ત લોકશાહીકહેશો ?

આવું કેમ?

ચાલો લહાણ કરીએ (18)બારી એટલી નાખી શકાતી હોત –

 

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ઘણી વાર કોઈ પંક્તિ જાણે આપણે માટે જ રચાય હોય તેવું મહેસુસ થાય છે.એવા ઘણા પ્રસંગો જિંદગી માં આવતા હોય છે કે એમ થાય કે જો એક જ વખત પાછા વળીને ફરી કરી શકાય તો  ? આ પ્રસંગ નો અંત કૈક જોડે જ લાવી શકાય .. એક વખત હું રસ્તો ચુકી ગઈ એટલે બીજા રસ્તે ગાડી વાળી અને ત્યાં કોઈ માણસ ખુબ ગતિએ ગાડી હંકારી ને આવતો હતો તેને મારી ગાડીને એવી ટક્કર મારી કે મારી ગાડી ચાર ગોથા ખાય ગઈ.  અમને બધાને વાગ્યું પરંતુ મારી મમ્મી ની તો જિંદગીજ બદલાઈ ગઈ. તેમને અત્યંત શારીરિક ઇજા ઉપરાંત સખત મગજમાં અસર થઇ ગઈ  અને તેને લીધે તેમની યાદશક્તિ  ચાલી ગઈ અને વ્યક્તિત્વ પણ બદલાઈ ગયું। આવા સમયે એમ થાય કે એક ક્ષણ જો પાછી ફરી ગઈ હોત તો ! રસ્તો  કેમ બદલ્યો ? એક “guilt” ની ભાવના સદાને માટે રહી જાય છે.

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,

પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

કેટલીયે વખત કહેવાનું કહેવાતું નથી અને સાંભળવા મથતું મન આશાના તોરણ બાંધે છે.

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,

એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

માણસ વગર એકલા અટુલા  તો જિંદગી જીવાયજ નહિ. પણ દુઃખ પણ મૉટે ભાગે માણસ ના લીધેજ થતું હોય છે. દરેક આવનારા જો સુખની લહેરી લઈને આવે તો જીવન કેવું સુખમય જાય?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,

ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

સમય ની તાકાત  તો જુઓ…. છુટી ગયેલો સમય પાછો આવતો નથી એ વાત સત્ય છે.સમય જિંદગીના તાંતણા જોડે છે તેમ  સમય ને લીધેજ તાંતણા છૂટે છે, તરાડો પડે છે, દીવાલ બંધાય છે, સબંધો તૂટે છે અને દુઃખ પેદા થાય છે. ક્યારેક સબંધો સંધિ શકાય છે. પણ ઘણી વખત અતૂટ વેદના મૂકી ને તે સમય આગળ ચાલ્યો જાય છે.

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,

વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ધૂળ ને ખંખેરવાની વાત લાગણી માટે વ્યક્ત કરતા  દિલની વેદનાને ખુબજ નાજુક રીતે વ્યક્ત કરે છે.  આમ તો મૉટે ભાગે આપણે ઉદાસી ખાંખેરીને જ પ્રસંગો માં પ્રવેશ કરતા હોઈએ છીએ. અને ખંખેરી ન શકાય ત્યારે તેને ઢાંકીએ તો છીએજ। પણ છતાંયે આપણી ઉદાસી આપણા હૃદય સાથે જોડાયેલી હોય છે અને હાસ્ય વચ્ચે ડોકિયાં કરતી હોય છે. ભલે લોકો તે જોય ન શકે પણ આપણે તો જાણીએ છીએ કે  રંગબેરંગી કપડાં નીચ્ચે, મેકપ ના થથોડા નીચ્ચે, હાસ્યના ઝબકારા નીચ્ચે એક ઉદાસીની નાની લહેર છે.

અનિલભાઈ ચાવડા જેટલી સુંદર રચનાઓ લખે છે તેવુંજ હૃદયસ્પર્શી તેમનું સુંદર વ્યક્તિત્વ છે.  તેમની બધીજ રચનાઓ મારા હૃદય ને તરતજ સ્પર્શી જાય છે માટે મેં તેમની રચના પસંદ કરી છે.  તેમની આ ગઝલ મને ગમે છે કારણ કે દરેક લીટી ગહેરા અર્થસભર છે.  જીવનના ઘણા પ્રસંગોને લાગુ પડતી હોય તેવી આ ગઝલ છે.

કેટલી સુંદર છે આ ગઝલ?

 

Darshana

Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000

Updates on Twitter @DarshanaN

Blog – http://darshanavnadkarni.wordpress.com/
“Success is the ability to go from one failure to another, with no loss of enthusiasm” – Sir Winston Churchill

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ.. દર્શના નાટકરણી

darshanaરૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
– નરસિંહ મહેતા
“રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી”- નરસિંહ કાવ્ય ની ઉપર આસ્વાદ

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ 

નરસિંહ ક્રષ્ણ ભક્તા ગોપીઓ સાથે પણ તેઓ નાચ અને ગીતો દ્વારા ક્રષ્ણ ભક્તિ માં ભાગ લેતા.તેમની રચનાઓ માં સ્ત્રીની લાગણીઓનું વર્ણન તેમણે ખુબ નાજુકતા અને erotic રીતે કર્યું છે.  તે જમાના પ્રમાણે તેમની રચનાઓ સાહસિક અથવા bold કહી શકાય

આ કવિતા માં નરસિંહ મેહતાએ ગોપીઓની દ્વિધાની ની વાત કેટલી સુંદર રીતે કહી છે.  ગોપીઓ ને સંસાર માં રહી ને  રોજીંદા કાર્ય ની જવાબદારી તો સંભાળવાની જ. છતા પણ તે ભગવાન ના પ્રેમરસ માં એવી તન્મય થઇ જાય છે કે બીજું બધું ભગવાન ના ચરણો માં સમર્પણ કરીદે છે.  તે વાંસળી ના સાદે ભક્તિ રસ માં એવી તરબોળ થઇ જાય છે કે પછી કાનુડા ને ટીખળ થી ખીજાય છે, કે કાનુડા તમે જ મારો કેડો રોકી ઉભા છો .  નરસિંહ મહેતા એ ગોપીઓ ના ભગવાન પ્રત્યે ના પ્રેમ ની વાત એવી રીતે અભિવ્યક્ત કરી છે કે જાણે પોતે જ ગોપી હોય. તેમણે ગોપીઓ ના પાત્રને ઓઢી, ગોપીમય બની, અને ગોપીઓની લાગણી ને અહી આલેખી છે.  એક પુરુષ આટલા વર્ષો પહેલા સ્ત્રીની કુણી લાગણી જે તેને એક તરફ જવાબદારી નું ભાન કરાવે છે અને બીજી તરફ ભગવાન તરફ ખેંચે છે તેને આવી સુંદર રીતે વર્ણવી શકે તે કવિ વિષે વધારે તો શું કહેવું?
પુરુષ પ્રેમ કરે ત્યારે ઘણી વખત તે તેની સાહસિકતા વ્યક્ત કરે છે, તેની બહાદુરી ઉપર કાવ્ય રચાય છે, તે ચર્ચા નો વિષય બને છે.  પણ ઘણી વખત સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે તેને તેની જવાબદારી ને અવગણવા બદલ સમાજ માં કટુ વચનો  સંભાળવા પડે છે, પછી તેના પ્રેમ નું લક્ષ્ય હોય બાળક પ્રત્યે નો પ્યાર, પતિપ્રેમ કે ઈશ્વર પ્રત્યે નો  રસતરબોળ કરી દેતો અલૌકિક પ્રેમ. એટલે એક તરફ મોહ ખેંચે તો બીજી તરફ લાજ રોકે, એમ સ્ત્રીની લાગણી બંને તરફ ખેચાય છે.
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
દાખલા તરીકે નીચેનું ગીત તમે લતાજી ના અવાજ માં સાંભળ્યું જ હશે.  તેની પંક્તિ જુઓ.  અને નરસિંહ મહેતા ના કાવ્ય સાથે સરખામણી માં વાંચો.
મોરા ગોરા અંગ લઇ લે, મોહે શામ રંગ દઈ દે
છુપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દે દે
યેક લાજ રોકે પૈયા, યેક મોહ ખીંચે બૈયાં
જાઉં કિધર ના જાનું, હમકા કોઈ બતાઈ દે
મજાની વાત એ છે કે કામને જ બહાને, પાણી ભરવાને બહાને ગોપીઓ કાના ને મળવા જાય છે.  કાનુડા ની વાંસળી સાંભળે છે ત્યારે બેડું પાળે મૂકી, ઈંઢોણી ડાળે લટકતી રાખી, તે વાંસળી ના સાદે સાદે ખેંચાય ને જાય છે.  પ્રેમરસ માં રસતરબોળ તે ન્યાલ થઇ જાય છે.  પણ પછી તુરંત જ તેને તેની જવાબદારી નો ખ્યાલ આવે છે, કે જો તેની જવાબદારી ને અવગણશે તો સાસુ, નણંદ ના મેણા સંભાળવા પડશે.નરસંયા ના સ્વામી, કૃષ્ણ કનૈયા ની વાંસળી નો સાદ દિલ માં લઇ ને ઝાંઝર સાથે રણકતા તેના પગલા હળવે હળવે કામ તરફ વળે છે.

નરસિંહ અહી સ્વય ગોપી છે। …નરસિંહ નો પ્રેમ શુદ્ધ અને અલૌકિક છે એમાં રસતરબોળ થઈને પોતાની સાથે આપણને પણ ભીંજવે છે…………પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય

-DarshanaV. Nadkarni, Ph.D. –

http://darshanavnadkarni.wordpress.com/