અંતર ની અભિલાષા [Mothers Day]

અભિલાષા
 
 મા ! તારી આ અદ્વિતીય શક્તિ ,
ચાપલ્ય,  શૌર્ય અને  સુશીલતા ,
લાવી અમ જીવનમાં ઉજ્જવળતા.
 પ્રેમાળ ,ચમકતી કાળી  આંખોમાં ,
સ્મિત ભરેલ , સુકાયેલ ગાલો માં , 
કરચોળી  વાળી રૂક્ષ હથેળી માં 
મા ! મેં દેખી હીરની  સુંવાળપતા.
અમૃત  સમ ઉપદેશ  અર્પતી , 
અમૂલ્ય દિવ્ય પ્રેમ વરસાવતી ,
એ જનની  ને જન્મોજન્મ પામું 
એ મુજ  અંતર ની અભિલાષા.
માતૃદિન “ના શુભ અવસરે 
પ્રભુને પ્રાર્થું અંત:કરણ થી,
દીર્ઘ આયુષ્ય, આરોગ્ય અને 
સુખ સંતોષ બક્ષજો સૌ માડીને.

ફુલવતી શાહ 

‘મધર્સ ‘ડે

મિત્રો ,

આપ સૌને ‘મધર્સ ‘ડે ‘ની મારામાં રહેલા માતુત્વ તરફથી અંતકરણપૂર્વકની શુભેચ્છા.માતાને બાળકના જન્મની ધન્યતા અનુભવવા માટે પ્રભુએ કૃપા કરી છે.પણ મેં મિત્રોના સંબોધનમાં પિતાનો સમાવેશ કર્યો છે .સ્ત્રી-પુરુષનું યુગલ પરસ્પરનું અર્ધાંગ છે.મા અને બાપ તેમના સેતુરૂપ બાળકને પૂરા સમર્પણ અને પ્રેમથી ચાહે છે,ઊછેરે છે.આજકાલ સિંગલ ફાધર બાળકની મા અને પિતા બનતા હોવાના કિસ્સા જાહેરમા ચર્ચાતા થયા છે. .પિતા મોટેભાગે બહારની જવાબદારી અને કુટુંબના ભરણપોષણમાં વ્યસ્ત તેથી  બાળકને સમય ફાળવી શકતો નથી.બાળકને સ્તનપાન કરાવતી માં,એને નવડાવતી,એનાં મળમૂત્ર સાફ કરતી મા બાળકની કોણ છે?આદરણીય કવિ મુ.ભગવતીકુમાર તેનો ઉત્તર આપે છે:

માં મારી મિત્ર

મા મારી પહેલી મિત્ર

અને શ્રેષ્ઠ અને છેલ્લી પણ ….

બીજી મિત્રતાઓમાં કદીક સ્વાર્થ ,

તે નહીં તો અપેક્ષાનું બારીક કણું આવી જાય
પછી ઉઝરડો ,તિરાડ
ઉદારતાથી ક્ષમા કરીએ એ વાત જુદી
થીગડું ..અને ભીંગડું રહી જાય
પતિ પત્નીની મૈત્રી આદર્શ પણ વિરલ
હું-પદની ત્વચા એમ શાની ઝટ ઊખડે ?
નખ જરા આદિ જાય ,લોહીની ધાર થાય
હિંડોળાની ઠેસમાં ,પાનનાં બીડામાં ,
ખભે મુકાતા હાથમાં ,બાળકો પ્રત્યેની મીટમાં
નેજવાની છાજલીમાં દાંમ્પત્ય ઓગળે અને મૈત્રી મહોરે તો ભયો ભયો
પણ પરસેવાની ગંધ જુદી તે જુદી જ
માને તો આકાશ જેટલું ચાહી શકાય
દેવમૂર્તિની જેમ પૂજી શકાય
અને પાછું એવું કશું વિચારે -ઈચ્છે કે માગે નહિ
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની ગંધ
એ સાથે લઈને જ જાય ઈશ્વર પાસે!
અને ઈશ્વર સુગંધ સુગંધ !
ભગવાનની યે મા તો હશે જ ને?
(ભગવતીકુમાર શર્મા )
‘જનની જોડ નહીં જડે ‘ એવાં માતુપ્રેમનાં અઢળક કાવ્યોમાંથી ‘મા મારી પહેલી મિત્ર ,શ્રેષ્ઠ અને છેલ્લી પણ ‘ મારા મનમાં વસી ગયું .વિસ્મૃતિના ટાપુ પર બેઠેલી મારી માએ એના અંતિમ દિવસોમાં મારી ઓળખને ભૂંસી નાંખી હતી ત્યારે મને સમજાયેલું કે મારી જન્મદાત્રી મા જે મારી પહેલી ,શ્રેષ્ઠ અને છેલ્લી મિત્ર મેં ખોઈ હતી.હવે કોની આગળ હદયનો વલોપાત ,ઊકળાટ ,ઊભરો ઠાલવવાનો! બાને શબ્દોમાં કહેવાની પણ ક્યાં વાત હતી? એ તો કરમાયેલું મોં ,ભીની આખો કે ઢગલો થઈ સુનમુન બેઠેલી દીકરીની વાત જાણી જાય.સાચા મિત્રો પણ શબ્દોની લેવડદેવડ કર્યા વિના સમજી જાય છે.
દુનિયામાં મિત્રો તો ઘણા હોય ,તેમાંના કેટલાક બાળગોઠિયા ,ખૂબ નિકટના પણ હોય ક્યારેક અપેક્ષાને કારણે તિરાડ પડતી હોય છે,કૃષ્ણ સુદામાની ‘તને સાંભરે રે ‘
એવી સાંદિપની ઋષિના આશ્રમની મૈત્રી.ગરીબ મિત્રની પત્ની કૃષ્ણ પાસે મોકલે છે,ભગવાન તત્કાલ સુદામાને હાથમાં કાઈ આપતા નથી તેથી સુદામાને માનહાનિ અને દુઃખ થાય છે,પછી ઘેર જાય છે ત્યારે ભગવાનની કૃપા જુએ છે.પતિ-પત્નીમાં પણ અહમ ટકરાયા કરે.ગાંધીજીએ પત્નીને કસ્તુરબા કહ્યા પછી તેમને મિત્ર માન્યા.અહમ ઓગળે માના પલ્લુમાં ગમે તેટલી ઊંચાઈ પર જગતમાં પહોંચો મેલો મેલો તો ય માનો ખોળો
છેલ્લી પંક્તિઓમાં માના અપાર ,નિસ્વાર્થ પ્રેમને પ્રભુરૂપ ગણે છે,પ્રભુએ પોતાના રૂપને માના સ્વરૂપે ઘડી તેથી મા બાપનો આદર એજ મનુષ્યનું ઉત્તમ કર્તવ્ય છે.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ અંત સુધી માના અંશરૂપે આપણામાં રહે છે.અંતની પન્ક્તિઓ માટે કવિને સલામ માના ખોળાની બાળકના પેશાબની ગંધ ઈશ્વરને
સુગંધમય કરી દે કારણ મા ઈશ્વરરૂપ છે.એક બાળક જેવો નિર્દોષ પ્રશ્ન ‘ભગવાનને ય મા તો હશે જ ને ?’ કેટલો ગહન પણ સરળ પ્રશ્ન।પ્રેમનું પિષ્ટપેષણ ન હોય1 ,પોથી પઢી પ્રેમ ન પામી શકાય એતો અનુભવ છે.’મુંગા કેરી સર્કરા ‘
હેપી મધર્સ ડે
તરૂલતા મહેતા 12મીમે 2017