ઓ ભારતની સન્નારી

Women month March

મિત્રો ભારતની સન્નારી માટે વધુ એક કવિતા

 

મિત્રો

નારીત્વનો મહિમા વધારતી એક સન્નારીની    કવિતા લાવી છું . નારી દરેક મનુષ્ય ના જીવનમાં એક મહત્વનો ભાગ ભજવે છે ..કયારેક માતા તો બ્હેન કે દીકરી પરન્તું  માસી તો નારીના એક નોખા સ્વરૂપને શબ્દોમાં સર્જીને લાવ્યા છે. અને એક ખાસ વાત એ છે કે આ સ્ત્રીના અવતાર માત્ર કવિની કલ્પના નથી પરન્તું વાસ્તવિક જીવન માં જોયેલા નારીના રૂપ છે .  તમે બધાએ આ ભજન સાંભળયું  હશે  હું સાવ નાની હતી ત્યારથી એક ભજન સાંભળતી આવી છું. ”મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, રે મારા રામ તમે સીતાજીની તોલે ન આવો….”. બસ  ત્યારે  માસી આજ વાતને કવિતામાં  સરસ રીતે  ગુંથીને લાવ્યા છે.   એમની  કવિતા  આપણા મનમાં પ્રેમ, સન્માન, વીરતા અને ગૌરવ  જેવા સંખ્યાબંધ ભાવો જગાડે છે. તો મિત્રો માણો આ કવિતા

ઓ ભારતની સન્નારી

ઓ ભારતની સન્નારી, તારી શક્તિ જગમાં ન્યારી
તારા જીવનની બલિહારી, હું જાઉં વારી  વારી    …..   ઓ ભારતની સન્નારી

સેવા સૂશ્રુષા સંસ્કાર ધર્યા તે, સૃષ્ટિની સર્જન હારી
સ્નેહ સંપ સહનશીલતા ધારી, પુરૂષ સમોવડી નારી  …  ઓ ભારતની સન્નારી

તું લક્ષ્મી ને સરસ્વતી તું, મહાકાલી દૈત્યોને હણનારી
બ્રહ્મા વિષ્ણુ શિવ પૂજે તુજને, શ્રધ્ધાથી  ઓ માં ત્રિપુરારી
હું જાઉં વારી વારી      ….  ઓ ભારતની સન્નારી

લક્ષ્મીબાઈ લડી સંગ્રામે, ઝાંસીની વીર  મહારાણી
કેડે બાંધી બાળ પુત્રને, દીધા અંગ્રેજો  ને હંફાવી
હાલરડા ગાયા જીજાબાઇએ, શિવાને પારણીયે પોઢાડી
પિયુષ પાયા શૂરવીરતાના, મોગલ સલ્તનત ડોલાવી
વીરતા પર જાઉં વારી,  …  ઓ ભારતની સન્નારી

ગાંધી કસ્તુરબા ને ઇન્દિરા, હતા બંને સાહસિક નારી
ચારે દિશાએ સદાયે ગુંજે, સ્ત્રી શક્તિની મહિમા ભારી
ક્ષમા સેવા સહનશીલતાથી  સુખડ સમ મહેંકે શક્તિ તારી
વિશ્વે કર્યા સન્માન નારીના, આ વાતો ન્યારી ન્યારી
હું જાઉં વારી વારી,  ……  ઓ ભારતની સન્નારી

દયાળુ મધર ટેરેસા જગમાં, જીવનભર સેવા વ્રત ધારી
બિમાર ગરીબ વૃદ્ધો અનાથને, નવજીવન આશ્રય દેનારી
અજર અમર રહેશે ધરતી પર, દયાની ધારા અવિરત ભારી
ડોક્ટર પ્રોફેસર એસ્ટ્રોનોટ થઇ, ચંદ્ર પર પહોંચી નારી
વીરતા પર જાઉં વારી ……  ઓ ભારતની સન્નારી

માતા પત્ની પુત્રીથી હરિયાળી, સુખી આ સંસાર વાડી
હું જાઉં તુજ પર વારી વારી, તારા જીવનની બલિહારી
ઓ ભારતની સન્નારી  …. ઓ ભારતની સન્નારી

પદ્માબેન કનુભાઈ શાહ

વિશ્વ મહિલા દિન

મિત્રો ,

આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સહુ સ્ત્રીઓને હાર્દિક અભિનંદન.


આજે અમે women  day ઉજવવા ગયા હતા ..સ્ત્રી અંગેની કેટકેટલીય ચર્ચા  થઈ.એક સ્ત્રી આવતી નવી પઢીને વારસામાં શું આપી શકે? . .સ્ત્રી આપી શકે.. પ્રેમ,સરળતા ,સચોટતા.મક્ક્મતા ,સમજદારી…સમર્પણ..સહનશીલતા અને ..દયા ,કરુણા, માન.,માફી મિત્રતા …સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ,.સ્ત્રી તો દૈવી શક્તિ છે. સ્ત્રી એટલે સેવા,. તો કોઈએ કહું કે સ્ત્રી સપના પણ બીજા માટે જુએ છે .માટે સ્ત્રીને  સંતોષ થાય તો  ઓડકાર  સમાજને આવે છે . જે કુટુંબ, સમાજમાં  દેશ માં સ્ત્રીનો ઉત્કર્ષ  થાય ત્યાં  સફળતા દેખાય છે ..

 

પહેલા સ્ત્રી વિષે થોડી વાતો ..સ્ત્રી એટલે શું? સ્ત્રી હોવું એટલે શું?……સ્ત્રી એટલે કોણ?…સ્ત્રીમાં એવું તે કયું તત્વ છે કે જે એને સૌથી અલગ પાડે છે??…..આવા અનેક સવાલો ઊઠે છે અને ગૂંજે છે…તેમજ   કેટ્લાય સંશોધનો થાય છે. કેમ ? કારણકે આ સ્ત્રીતત્વજ એવું છે. .”લાગણીઓથી સભર અને સાવ સરળ માનવદેહ એટલે સ્ત્રી.” .સ્ત્રી એટલે પરિપુર્ણતા અને સંપુર્ણતા, સ્ત્રી એટલે સરળતાતો ખરીજ પણ સાથે સચોટતા પણ! balance સ્ત્રી કઠોર હોઇ શકે પણ નિષ્ઠુરતો ન જ હોય.એનાં શરીરનું બંધારણ જોઈ એને અબળા કહી હશે પણ સ્ત્રીનું મન અને હ્ર્દય સાવ સબળ અને મક્ક્મસબળશક્તિ. વધુમાં અનુકૂલન અને વિલોપન..ધીરજ,ગંભીરતા,

મમતા,મક્ક્મતાંનો સમન્વય એટલે સ્ત્રી.જેને સ્થિતીની સંપુર્ણ સમજદારી હોય.જે સાથોસાથ ચાલે.અને અડધી જવાબદારી પોતાનાં ખભે ઉપાડે.એટલેજ કદાચ અર્ધાંગની પણ કહી હોય!! જે દુધમાં  ખાંડની જેમ ભળે,પોતાનું અસ્તિત્વ ગુમાવે અને સંપુર્ણતઃ મિઠાશ ફેલાવે. તે સ્ત્રી ..

છે ખરી આધ્યશક્તિ રૂપ, સંસાર મહીં, નારી,
છે સાચી સબળશક્તિ રૂપ, સંસાર મહીં, નારી.

છે પુરી, પ્રબળશક્તિરૂપ, સંસાર મહીં, નારી,
છે સારી પુરણ શક્તિરૂપ, સંસાર મહીં, નારી.

છે ખરી નારાયણી રૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી પરમેશ્વરી રૂપ, સંસાર મહીં, નારી.

છે સાચી પ્રેમ સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે પુરી મમતારૂપ, સંસાર મહીં, નારી.

છે સારી ત્યાગ સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી કરુણા સ્વરૂપ, સંસાર મહીં, નારી.

છે સાચી ક્ષમા સ્વરૂપ, સંસાર મહીં, નારી,
છે ખરી માન સ્વરૂપ, સંસાર મહીં, નારી.

by-દેવજી ચૂડાસમા.

-88888888888888888888888888888888888888-

નારી તું નારાયણી

નારી તું નારાયણી હો જગત જનની કહેવાય છે
જગત કેરું તું   સર્જન  કરનાર  તારો મહિમા અપરંપાર
તું જ છે  વિદ્યા ને તું જ છે મહા માયા
ઐશ્વર્યની દેવી ભંડાર ભરનાર  તારો મહિમા અપરંપાર
તું બની સીતા તું  જ બની  દ્રોપદી
કામ ક્રોધી રાક્ષસો ને હણનાર તારો મહિમા અપરંપાર
રામની તું કોઉંશ્લ્યા ને કૃષ્ણ ની દેવકી
જશોદા રૂપે તું જ  પાલનહાર  તારો મહિમા અપરમ્પાર
દીધાં છે  તે રત્નો ભારત ભરમાં
શિવાજી,પ્રતાપ ગાંધી  સરદાર  તારો મહિમા અપરંપાર
ઝુલાવે પારણું તે જગ શાસન કરે
ઇન્દિરા,માર્ગરેટ,હસીના ,મેયર તારો મહિમા અપરંપાર
પધારે ત્યારે ગૃહ લક્ષ્મી પદ પામે
બાળક જન્મે માતૃપદ પામનાર તારો મહિમા અપરંપાર
કદી તું અવકાશે કદી જમીને લડી
દુશ્મનોને તારા દેખાડ્યા અપાર તારો મહિમા અપરંપાર
ગાવે ગોવિદ ને સ્વપ્ન સજાવે

નારી તું જ છે જગતનો શણગાર તારો મહિમા અપરંપાર .

સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )

888888888888888888888888888888888888888888888888888888888888888

પ્રહલાદ પ્રજાપતિ

સ્ત્રી એક રૂપ અનેક [ કાવ્ય ]
======================
સવાર પડે ને બસ ઉઘડે ભૂખ આ પેટની
શરુ થાય,કોલાહલો જીવન ના દિશાઓ મહી
દ્વાર ઉઘડે, ધમ, ધમતી,ચોમેર જિંદગીઓ ફરે
ધંધા, રોજગારનો અરમાનો લઇ માનવો ફરે
રસ્તાઓ ઉભરે, ભીડના, બઝારો સૌ ધમ ધમે
પોઠિયા બની સૌ સ્ત્રી પુરુષ જીવન રથ ને ખેચે
એમોયે હે નારી તું દિવસનો ભાર ઉચકીને વહે
જગત જનની,રાખે,વંશ,જગતનો કુખે ગર્ભ ધરી
માં,બહેન,બેટી ,સ્ત્રી,નો સર્વે અવતારો તું, નિભાવે
વોચી ન શકયા નર,તુજ લલાટે લખેલ જીન્દગી
કોયડો તું,દેવોને પણ ,દેનારી જન્મ,તું ,હે,સંનારી,
કોટી કોટી વંદન,જન્મોજનમ,હે,વૈતરો,ને,વેઠનારી

888888888888888888888888888888888888888888888888888888888888

વિશ્વના સર્જનહારનું અનોખું, સર્જન છે નારી!
સમાયા એકમાં અનેક ચહેરા, એ દર્પણ છે નારી!!
યુવા-વસંતે કામદેવનું, મોહક નર્તન છે નારી!
તો જરાની પાનખરે, દિલાસાનું દર્શન છે નારી!!
મા-બહેન-પત્ની-પુત્રી, પ્રિયતમાના રૂપમાં!
ન જાણે કેટકેટલા સ્નેહના સગપણ છે નારી!!
સંસારભરના પાપોનું પવિત્ર, તર્પણ છે નારી!
અમૂલ્ય ભેટ ‘નર’ને ‘નારાયણ’ની,અર્પણ છે નારી!!

નટવર કંવારિયા, અમદાવાદ

****

************************

નાજુક નારી,
મોહક જુહીની વેલ ,
માતૃ કુખે , કોળી કુંપણ ,
પિતૃ છાંયે ઉજરી નંદિની .
પીયુ આલિંગને મ્હોરી મોહિની .
પ્રમદાએ પ્રભવ્યા પ્રસૂન ,
જાણે કે પુષ્પિત જુહી .                                                                     પિયુ પ્રમુદિત , પ્રફુલ્લ પ્રાંગણ .
જીવન ઉદ્યાન મહેંક મહેંક !

પારૂ કૃષ્ણકાંત  “પિયુની”

******************************

નારી હું નવા યુગની,
નારી મુક્તિ,નારી સ્વાંતંત્ર્યના
કરું ભાષણો..
મેળવું બધાની વાહ વાહ!
સમાજમાં પામું એક ચોક્કસ સ્થાન
માન,પાન ઇનામ,અકરામ
પતિ જાહેરમાં ગર્વ લઇ શકે જેને માટે
પત્ની એ બની શકું.
નારી હું નવા યુગની…!!!

ઘરમાં આવું ને ચડવાનું,
વહેવાર ના ચાકડે,
મારે તો બનવાનું…
ભોજયેષુ માતા,કાર્યેષુ મંત્રી ને…શયનેષુ રંભા….
(ઇચ્છા,અનિચ્છાનો કોઇ સવાલ નહીં)
શબ્દોના ઘા કરી ચાલી જાય કોઇ નિરાંતે,
ને હું આખી વેરવિખેર…!!
અસ્તિત્વના થાય લાખ લાખ ટુકડા..
હું એ એક એક ટુકડામાં
મને શોધ્યા કરું…શોધ્યા કરું……
નારી હું નવા યુગની!!

નીલમ દોશી.

88888888888888888888888888888888888888888888

નારીને નમન

by:પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ સૃષ્ટિને મહેંક મળે, જ્યાં નારી ને સન્માન મળે
જીવ જગતની અજબ લીલાએ, નારી થી સંસાર વસે
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
અવની પરના આગમનને, માતા થકી અવતાર મળે
મહેંક જગતમાં મહેંકી રહે, જ્યાં માતાથી સંસ્કાર મળે
અનુસર્યા જ્યાં શ્રીરામને,  ત્યાં જગત સીતારામ ભજે
સંસ્કાર સિંચન મળી રહે,  જ્યાં પતિને નારી વરી રહે
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
પરમકૃપાળુ પરમાત્માને, અવનીપર અવતાર મળ્યો
માતાની મમતા મેળવી લઇને, નારીનો ઉધ્ધાર કર્યો
રામકૃષ્ણનામ લીધાત્યાં,સીતારામ ને રાધેશ્યામ જપે
નારી ને જ્યાં સન્માન મળે,એઅવનીનો આધાર બને
….. સકળ સૃષ્ટિને મહેંક મળે.
આશિર્વાદમળે જ્યાં માતાના, નાજગે જરુર કોઇની પડે
સદા સરળતાના સોપાન દીસે,ને પ્રેમ સૌનો જગે મળે
નારી એ તો નારાયણી રહે,  જ્યાં પ્રભુ ભક્તિએ   સ્નેહ
ના અવધ વિહારી,ના કુંજબિહારી, મળ્યો માતાથી દેહ
….. સકળ સૃષ્ટિને મહેંક મળે

===============================================

પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી

અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ ઘરમાં હો અંધારૂ
તારા વિના તો સૂરજ પણ ના ફાવે, નારી તું નારાયણી

તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી

નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી

મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી

– અમિત ત્રિવેદી

888888888888888888888888888888888

જાગી છે નારી શક્તિ,હવે રણે ચડી સીમા(દુર્ગા)અને અંબિકા,
દુશ્મનના ખૂનથી ખપ્પર એના ભરશે  ચંડિકા અને કાલિકા.

888888888888888888888888888888888888888888888888888888888

જ્યાં જુઓ ત્યાં નારી
ઊંચા સિંહાસન પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પાવાગઢ પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
જીજાબાઈ નામે શિવાજીને ઘડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ઝાંસીની રાણી તલવાર લઈને લડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
ચૌદ વરસની ચારણ ક્ન્યા સિંહને ભગાડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
મધર ટેરેસા ગરીબોની સેવા કરનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
સંગીતકલામાં લતા મંગેશકર ગાનારી..

જ્યાં જુઓ ત્યાં નારી
ઈન્દીરા ગાંધી ગાદી પર બેસનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
પિટી ઉષા દોડમાં પ્રથમ આવનારી…

જ્યાં જુઓ ત્યાં નારી
કલ્પના ચાવલા હવામાં ઉડનારી…

જ્યાં જુઓ ત્યાં નારી

સર્જનહારનું અનોખું, સર્જન નારી

દિનેશભાઈ નાયક


************************************************

-પુત્રવધૂઓ-મેઘલતાબેન મેહતા

મિત્રો ,
દરેક કવિ કે લેખકે ગુજરાતની નારીને સમય સમયાંતરે જુદી જુદી રીતે ચીતરવાનો પ્રયાસ કર્યો છે    ..ગયા વખતે આપણે સાસુ વહુની   વાતો કરી  તો આજે મેઘલતાબેન   પણ એમીની કવિતામાં પુત્રવધુની વાત લઈને આવ્યા છે કહેવતકથા – પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી વાચી છે ,પરંતુ માસી તો કવિતા  રચીને લાવ્યા  છે.  પૃત્રવધુના અલગ રૂપ સરળ રોજની ભાષામાં મુકાયા છે   આમ જોવા જઈએ તો પુત્રવધુના જેટલા રૂપ આલેખ્યા છે તે સ્ત્રીના છે .. એકવાત ખુબજ સરસ કરીછે
…સંતૃપ્તે  કે સંતાપે;સાસુની  એ સંગાથી. . ..  પુત્રવધુઓ જાતજાની ભલે હોય પરંતુ ઘરના દરેક દુ:ખમાં વહુ પણ એટલો જ ભોગ આપે છે.અહી સાસુ કે વહુ  માત્ર સ્ત્રી છે. બન્ને આ વિરોધાભાસ વચ્ચે  જીવે છે છતાં લક્ષ એક છે  બન્ને પહેલા એક સ્ત્રી છે …. સ્ત્રીની એટલે  સંવેદના ,પ્રેમ, ભાવના ,કરુણા  ગમેતે સ્વરૂપે એ  તો લીલી છમ્મ જ રહે છે ..પછી તે વેલી કોઈ વાડ થોરની ……જ્યાં પણ ગઈ ત્યાં વળી પહોંચી…..


પુત્રવધૂઓ    જાતજાતની ;
રંગે   રૂપે      ભાતભાતની .


કોઈ અંબા કોઈ
માંત ભવાની;
કોઈ વેલી કોઈ વાડ થોરની


કોઈ પોચી કોઈ પકડે બોચી ;
કોઈ ચંદા કોઈ સુરજ જેવી ;


કોઈ નમણી કોઈ છેક છકેલી ;
કોઈ મીઠી કોઈ મદથી ભરેલી ;


ભગવાને અંધારે  વહેંચી ;
જેના ઘરમાં જેવી પહોંચી ;


જ્યાં પણ ગઈ ત્યાં વળી પહોંચી
નથી હવે કોઈ કાચી પોચી .


સંતૃપ્તે  કે સંતાપે;
સાસુની  એ સંગાથી.
પુત્રના લક્ષણ પારણામાંથી;
વહુના લક્ષણ બારણામાંથી.