HopeScope Stories Behind White Coat – 16 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

‘પંક્તિ?’
‘હા મમ્મી!’
‘શું કરે છે મારો બચ્ચો? મમ્માને એક હેલ્પ જોઇતી’તી!’
એક ક્ષણ પણ વેડફ્યા વગર આ કિશોરાવસ્થાના ઉંબરે પહોંચેલી ‘પા પા પગલી’ મમ્મીને મદદ કરવા રૂમમાં આવી.
છત્રીસ વરસની હીના પોતાના સ્માર્ટ ફોનમાં મોઢું નાખીને બેઠી હતી. નાકની કિનારી સુધી લબડતા ચશ્માં અને વાળની એકાદ બે ધોળી પડી ગઈ લટના કારણે હીનાની ઉંમર છેતાલીસની લાગતી હતી.
આ સોશ્યલ મીડિયાની કવીન હંમેશા હકારમાં જ જીવતી હતી. હીના દિવસમાં કેટલાય લોકોને વર્ષગાંઠની શુભેચ્છાઓ આપે, એનિવર્સરીનાં મેસેજ કરે અને કોઈક દુઃખદ સમાચાર હોય તો તેઓને શાંત્વન આપવા પહેલી જ પહોંચી જાય. દંપતીની સમસ્યા હોય કે સંપત્તિની સમસ્યા બધાં જ હીનાની કોઠાસૂઝની સહાય હંમેશા લે. વાણીયા ધંધાદારી પરિવારમાં જન્મેલી હીનામાં ત્રણસો સાઠ ડિગ્રીનાં એંગલથી વિચારવાની ક્ષમતા હતી. સમયસૂચકતા અને હાજર જવાબી એ બંને ગુણ એને વારસામાં મળ્યાં હતાં. હીનાનાં ઓળખીતા પાળખીતા લોકો એને ફાઈટર કહીને જ બોલાવતા હતાં.

કોઈને પણ મદદની જરૂર હોય એટલે એના લોહીનું પરિભ્રમણ બમણું થઇ જતું.
“થઇ જશે વ્હાલા, થઇ જશે વ્હાલી” એ તો એનો તકિયા કલામ હતો.
સફેદ લટોનું કારણ કદાચ પારકી પંચાત નહીં પણ પારકી ચિંતા પણ હોઈ શકે.

‘પંક્તિ બેટા, મારા ફેસબુકમાં કંઈક એરર આવે છે. મને પાસવર્ડ બદલી આપ ને!’
પંક્તિએ એનાં પંજાથી મોટો સ્માર્ટફોન હાથમાં પકડ્યો. પંક્તિની નાની નાજુક આંગળીઓના સ્પર્શથી એક ક્ષણ માટે તો હીનાને ધ્રુજારી છૂટી ગઈ.
નદીના પાણીની જેમ લહેરાતી પંક્તિની આંગળીઓ જોઈને હીનાની મમતાનું “લાસ્ટ સીન” છ મહિના પાછળ ઠેલાઇ ગયું.


‘ચિંતન, મને લાગે છે હવે આપણે બીજું બેબી પ્લાન કરવું જોઈએ. આઈ ફીલ આઈ એમ ગેટીંગ ઓલ્ડર નાઉ.’ હીનાએ એનાં પતિ ચિંતનની બાહોપાશમાં સમાઈને ઈચ્છા વ્યક્ત કરી.
‘જો હવે તો પંક્તિ પણ સમજણી થઇ ગઈ છે. કેટલી ટેલેન્ટેડ છે. કવિતાઓ પણ મસ્ત લખે છે. આપણું બીજું બેબી આવશે આપણે એને મ્યુઝિશ્યન બનાવીશું અને પંક્તિને રાઇટિંગ બહું ગમે છે તો એને જર્નાલિસ્ટ બનાવીશું.
‘અરે ઓ સપનાઓની રાજકુમારી…પહેલાં આ બારીઓ બંધ કર ખુબ વાવાઝોડું આવ્યું છે.’ પ્રેમાળ ચિંતને હીનાના મનમાં પ્રવેશેલા વાવાઝોડાને અલ્પવિરામ આપવા આડકતરી રીતે સંકેત કર્યો.
હીના ઉભી થઇ. ઉડતા પડદાઓને ખસેડીને બારીઓ બંધ કરે એ પહેલાં બહારથી ધડામ કરતો દરવાજો પછડાવાનો અવાજ આવ્યો.
બીજી જ ક્ષણે પંક્તિનો ભેંકડો સંભળાયો.
ચિંતન અને હીના બંને બહાર ગયાં. હૃદય કંપાવી નાખે તેવી ચિચિયારીઓ સાથે પંક્તિ હાથ પકડીને ભોંય પર બેઠી હતી.
એનાં આંગળાઓમાંથી લોહીની ધારા વહેતી હતી અને પ્રથમ ત્રણ આંગળીઓના ટોચના ટેરવાં વાવાઝોડાથી ફંગોળાઈને આવેલા પાંદડાઓની બાજુમાં પડ્યાં હતાં.
હંમેશા બધાંની પડખે ઉભી રહેતી હીના આજે પોતાની પુત્રીની આવી હાલત જોઈ સુન્ન થઇ ગઈ હતી.
પંક્તિ અને એની કપાયેલી આંગળીઓ જોઈને હીના લગભગ બેભાન જેવી જ થઇ ગઈ. ચિંતનને પણ સમજાતું ન હતું કે શું કરવું.
ચિંતને હીનાને પાણીની છાલક મારી અને ફટાફટ પંક્તિને ડૉક્ટર પાસે લઇ જવી પડશેનું ભાન કરાવ્યું.
હીના થોડી સ્વસ્થ થઇ. હીના ફટાફટ રસોડા તરફ દોડી. પંક્તિને લઈને ચિંતનને ગાડીમાં બેસવા જણાવ્યું.
હીના રસોડામાંથી બે થેલી લાવી અને કપાઈ ગયેલા ટેરવાં પાસે ગઈ.
આ કંઈ શાક સમારતા કરેલ એક ગવારના ત્રણ કટકા ન હતા. આ તો પોતાના હૃદયનો કટકો સમાન વ્હાલસોયી દીકરીના કપાઈ ગયેલા ટેરવાં હતાં. હીનાની સામે વળી પાછા આંખોમાં અંધારા આવી ગયા. બે ત્રણ ઊબકાની સાથે ભગવાનનું નામ દઈને એક પછી એક એમ ત્રણ આંગળીના ટેરવા પ્લાસ્ટિકની થેલીમાં મૂક્યા.
ત્રણે જણા હોસ્પિટલ પહોંચ્યા. ત્રણ કિલોમીટરના રસ્તામાં હીના ત્રીસ વખત “થઇ જશે વ્હાલી”નું તકિયા કલામ બોલી હશે.
હીનાને માનસિક રીતે સ્વસ્થ જોઈને ચિંતનમાં પણ થોડી હિંમત આવી. છતાંય હીના અને ચિંતન બંનેના ચહેરા ડરેલા હતા.
કાન અને ખભાની વચ્ચે ફોન દબાવી પ્લાસ્ટિક સર્જન ડૉ. સુશીલને ફોન કરતા કરતા ઓન ડ્યૂટી રેસિડેન્ટ ડૉક્ટરે સૌ પ્રથમ પંક્તિને ડ્રેસિંગ ટેબલ પર બેસાડી પેઈનકિલર ઈંજેક્શન આપ્યું.
‘સર, નાઈન યર ઓલ્ડ ગર્લ. થ્રી ફિંગર્સ એમ્પ્યુટેડ ઈન રાઈટ હેન્ડ.’
‘ગીવ હર પેઈન કિલર, આઈ વિલ બી રાઈટ ધેર’
‘ગીવન સર’ રેસિડેન્ટ ડૉક્ટરે ખોંખારો ખાઈને સરને જણાવ્યું.

ધોધમાર વરસાદની વચ્ચે ડૉ. સુશીલ ગણતરીની મિનિટોમાં જ હોસ્પિટલ આવી પહોંચ્યાં અને ઑર્ડર કર્યો : ‘ટેક હર ટુ ઓ.ટી’
બધા જ સ્ટાફે સાથે સૂર પૂરાવ્યો, ‘યસ સર’
બીજી બાજુ હીના અને ચિંતન તો લગ્નમાં વણબોલાવેલ મહેમાનની જેમ સાઈડ પર જ ઊભા રહ્યાં. એમનો કોઈયે ભાવ જ ન પૂછ્યો.
દીકરીની આંગળીઓનું ઓપરેશન ચાલુ થઇ ગયું. હીનાએ ધીમા અવાજે મોબાઇલમાં હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી.
એક કલાક…બે કલાક…ત્રણ કલાક…..ઓ.ટી.માં ન કોઈ જાય, ના કોઈ બહાર આવે.
જાણે ચાર ચાર કલાક પછી પિક્ચરનો શો છૂટ્યો હોય એમ ઓ.ટી.માંથી એક પછી એક બધા બહાર આવ્યા.

ડૉ. સુશીલ પણ બહાર આવ્યા.
એણે ચિંતન અને હીના પાસે આવીને જણાવ્યું કે ‘ડોન્ટ વરી નાઉ.’
‘દીકરીને તમે અહીંયા સમયસર લાવ્યા એટલે વી કુડ ફિક્સ હર ટિપ્સ.’
‘વેલ, તમને આ પ્લાસ્ટિકની થેલીવાળો આઈડિયા ક્યાંથી મળ્યો?’
ચિંતનને કંઈ સમજાયું નહીં. એણે હીનાને પૂછ્યું, ‘કયો આઈડિયા?’
‘સર, મેં ફેસબુક ઉપર એક વિડીયો જોયો હતો કે આવી રીતે આંગળી કપાઈ જાય તો એને એક થેલીમાં ભરીને બીજી થેલીમાં મૂકી દેવી અને બહાર વાળી થેલીમાં ઠંડુ પાણી અથવા બરફ મુકવો. એવું કરવાથી જો સમયસર ઑપરેશન થઈ જાય તો જોઈન્ટ પાછો જોડાઈ શકે.’
આ જાણકારી સાંભળીને ડૉ. સુશીલના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું.
હીનાએ વધુમાં ઉમેર્યું, સર જોગાનુજોગ એ જાણકારી આપતો વિડીયો તમારો જ હતો.


‘લે મમ્મી, પાસવર્ડ બદલી નાખ્યો.’ સાંભળતાની સાથે જ હીનાનું મગજ પાછું ઓનલાઈન થઇ ગયું.
પંક્તિના કપાળ પર એક ચુમ્મી કરતા હીનાની નજર સામેની દીવાલ પર ટીંગાવેલ સર્ટિફિકેટ પર પડી.

“પોયમ-વર્લ્ડ.કોમ દ્વારા યોજાયેલી કાવ્ય સ્પર્ધામાં પ્રથમ”
કાવ્ય શીર્ષક : વાવાઝોડું
કવયિત્રી : ચિ. પંક્તિ આચાર્ય