HopeScope Stories Behind White Coat – 12/ Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

“અલ્યાં એય મીઠીબુન, કાં આજે હવાર હવારમાં પોદરાથી હોળી રમો સો”, અધકચરું ભણેલાં, રમુજી સ્વભાવનાં ઝીણાંભાઈ સરકારી શાળાના માસ્તર હોઈ વહેલી સવારે નિશાળે જતાં જતાં મીઠીબેનને આવો રમૂજી સાદ આપ્યો.
“અમને મૂઆ શીની હોળી ને શી દિવાળી, અમાર તો વસ્તારે પરદેસમાં સે. દીકરો દાક્તર બનીને પરદેશ જતો રયો. ઈ તો ન્યાં બોલાવે સે પણ મારે તો મું ભલી અને મારું આ ગોમ ભલું.
આ’તો અમસ્તી હાથ ટાંટિયા હાલે અને અમારાં ઝૂંપડામાં થોડી ઠંકડ રી’યે.” મીઠીબુનનું વાક્ય પતે એ પહેલાં તો ઝીણાંભાઈ સાયકલના કચૂડકચૂડ અવાજ સાથે પગ વડે હલેસાં મારતા ક્યાંય પહોંચી ગયાં હતાં.
કેમકે મીઠીબુન અને ઝીણાં કાકાની આ રોજની દીનચર્યા હતી. મીઠીબુન રોજ સવારમાં પોતાનાં ઝૂંપડાની બહાર કોઈકની કોઈક રોજિંદી પ્રવૃત્તિ કરતાં હોય અને ઝીણાંભાઈ આવી ખાટીમીઠી ટીખળથી કૂકડે-કુક કરીને જતાં હોય.
મીઠીબુનનું ગામ નાનું હતું એટલે ગામડાનાં સીમાડાની જેમ ગામ લોકો પણ એકબીજાની નજીક હતાં. વિધર્મી પરિવારના સભ્યો કરતાં પણ ઓછાં ગામમાં ઘર હતાં.
ગામનાં લોકોમાં સંપ પણ વખાણવા લાયક હતો, સદ્ભાગ્યે હિન્દી ફિલ્મની જેમ એકેય વિલન પણ હતો નહીં. એટલે આ ગામનાં લોકોને ‘ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય’ એ કહેવતની ખબર જ ન હતી.
ગામનાં દરેક લોકો હંમેશાં એકબીજાની પડખે ઊભાં રહે. સુખ હોય તો બધાં સાથે મળીને ઉત્સવ ઊજવે અને દુઃખ હોય તો એક એકબીજાનાં સાડલે આંસુ લૂછે.
ગામનાં લોકોએ પોતપોતાનાં કામ સારી પેઠે વહેંચી લીધાં હતાં.
ઝીણાંભાઈ માસ્તર હોઈ ગામનાં છોકરાઓને ટ્યુશન આપતાં. શહેરમાંથી લાવીને વેલજીભાઈ ઘરે ઘરે કરીયાણું આપવાં આવતાં. નરસિંહભાઈના પણ નામ એવાં ગુણ હતાં. નરસિંહભાઇ ભજનીક હોઈ આખા ગામને સંધ્યાકાળે આરતી અને ભજનો સંભળાવતા અને એ બધામાં મીઠીબુન એમનાં વડીલ હતાં. મીઠીબુને એક હોમિયોપેથીક દાક્તરને ત્યાં આયાનું કામ કર્યું હોવાથી થોડી ઘણી ઘરઘથ્થુ ઉપચારની જાણકારી એમને પણ હતી એટલે મીઠીબુન એ બધાંના વૈદ્ય હતાં.

મીઠીબુન અને ઝીણાંભાઈ બંને જણા ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા જેવાં હતાં. બંને પોતપોતાનો સમય સાચવી લેતાં હતાં. નિત્યક્રમ અનુસાર વહેલી સવારે એ જ સાઇકલનો કચૂડકચૂડ અવાજ અને ઝીણાંભાઈનો રમૂજી ટહુકો સંભળાયો તો ખરા પણ આજે મીઠીબુન ગાયોને નવડાવતા નજરે ના પડ્યાં. ઝીણાંભાઈના હૃદયમાં ફાળ પડી. આટલાં વર્ષોમાં આજ પહેલીવાર સૂરજ સંતાઈ ગયો હોય એવું લાગ્યું. ઘભરાયેલા ચહેરે ઝીણાંભાઈ એ સાઇકલ દીવાલે ટેકવી, મીઠીબુનની ભાળ લેવાં ઝૂંપડીની અંદર ગયાં.
મીઠીબુન તો મસ્ત મજાની સુખડી બનાવતાં હોય એવી ગોળની સુગંધ આવતી હતી.
“અરે ઓ મીઠીબુન, ચમ ઝૂંપડીમાં બેઠાં સો, ગાયો રીસાણી સે કે તમે એમનાથી રીસાણા સો”
“ઝી..ભાઈ, અમાર ગાયુ હારે આખુંય દા’ડો કચકચ હાલે પણ ક્યારેય રિસામણાં નો થાય, આ તો ગાયુને બોંધવાની મોરી બનાવતી’તી તો ત્યાં રાંડની ફાંસ વાગી ગઈ.”
“તો ઈમા આ સુખડી ચમ બનાવો સો.”
“સુખડી નથ ભઈ, ગોળ ગરમ કરીને લગાવું સુ, હમણાં જ મારી રોયી ફાંસ બારે નિકરી જાસે.
અવે આવ્યાં જ સો અમાર ઉંબરે તો આવ ચાય પીતા જાઓ ઝીણાંભાઈ. મારેય અત્તારે બીજીવારની પીવાની બાકી જ સે, આ લોયુ જ ચડાવતી’તી, સંગાથે ભજીયાં પણ ઉતારતી’તી.”
“ભજીયાં” સાંભળીને ઝીણાભાઈ પોતાની જાતને રોકી ના શક્યા.
“લો આ ફાંસ પણ બહારે આઈ ગઈ, હવે થોડો સમય સણકા વાગશે અને પસી મટી જશે” મીઠીબુનનું કરચલીવાળું દાંત વગરનું બોખું મોઢું મલકાઈ ગયું.
“બુન એક વાત કઉ, તમે તો વૈદ્યુને ન્યાં કોમ કર્યું સ ઈટલે તમને આવું બધુંય આવડે.”
“હારુ તા’રે બુન, બૌ બધી વાત્યું કરી આજે તો, હવે નિહાળે જાવું પડસે આજે તો મારે જ ઘંટ વગાડવાનો સે, મૂઓ પટ્ટાવાળો એ રજા પર સે.”
 રામ રામ કહીને ઝીણાભાઈ ચા-નાસ્તો કરીને નીકળ્યાં અને અહીંયા મીઠીબુન પણ કામે લાગી ગયાં.

એ જ વળી પાછા સૂરજમામા ઉઠક-બેઠક કરતાં હોય એમ દા’ડા વીતતા ગયાં. ગામે ભેગાં મળીને હોળી ધુળેટી પણ ઊજવી, નિશાળે વેકેશન હોવાથી ઝીણાંભાઈ અને મીઠીબુનને બે-ચાર દિવસે સાંજે વડલા પાસે આવેલી હનુમાનની દેરી એ મુલાકાત થતી. અને એક બીજાનાં ખબર અંતર પૂછી લેતાં હતા.
ગામ એટલે લાગણીઓનું પ્રાપ્તિ સ્થાન. વાડકી વહેવાર તો શહેરમાં થાય. આ તો ગામ હતું, અહીંયા તો થાળીઓનો વહેવાર થાય. એક દિવસ ઝીણાંભાઈની પત્ની એ ખમણની થાળી ઉતારી અને એ એમનાં દીકરાનાં હાથે મીઠીબુનને આપવાં મોકલી.
 ચાલતો ચાલતો ગયેલો દીકરો “બાપા ભૂત…..બાપા ચૂડેલ……”ની બૂમો સાથે હાંફતો હાંફતો પરસેવે રેબઝેબ થાળી સાથે જ પાછો આવ્યો.
“બાપા..પેલાં મી..મી..મીઠી બા…ને ચૂડેલ વળગી લાગે સ.”
ઝીણાંભાઈએ પણ બધાને બૂમો પાડીને બોલાવ્યાં અને ગલીની નાકે રહેતાં મીઠીબુનને ત્યાં પહોંચી ગયાં.
મીઠીબુનનો એક હાથ ઊત્તર દિશામાં અને બીજો હાથ દક્ષીણ દિશામાં હતો, હાથની આંગળીયો મોરની કલગીની જેમ ફેલાયેલી હતી. નટરાજની મુર્તિ જેવું રૂપ ધારણ કર્યું હતું અને ઘવાયેલ સૈનિક ધરતી પર આળોટતો હોય એમ મીઠીબુન ઘરનાં વરંડામાં આળોટતા હતાં. મીઠીબેનને દાંત તો હતાં નહીં પણ જડબેસલાક કિલ્લેબંધી કરી હોય એમ જડબાં એકબીજાં સાથે બીડાયેલા હતાં.  
મીઠીબુનનું આ ભયાનક રૂપ જોઈ એમણે ફટાફટ નરસિંહભાઈને તેડાવ્યાં. બધાં જ મીઠીબુનની પાસે જતાં ડરતાં હતાં. નરસિંહભાઈ આવ્યાં અને સંગાથે એક ભૂવાને પણ લેતાં આવ્યાં.
ભૂવો એની સાથે સાવરણી જેવું કંઈક ભૂત ભગાડવાનું હથીયાર લઈને આવ્યો હતો.
બધાંને પાછળ ખસેડી ભૂવો મીઠીબુન પાસે ગયો.
‘અગલી, બગલી કરમ કી પગલી બહાર નિકલ તું બહાર નિકલ’, ઊંચા સાદે વળી પાછો બોલ્યો, ‘અગલી, બગલી કરમ કી પગલી બહાર નિકલ તું બહાર નિકલ’નો તકિયાકલામ ચાર પાંચ વાર બોલ્યો અને સાથે લાવેલ પેલું ઝાડું ફટકાર્યું. મીઠીબુનમાં કોઈ ફરક ન પડ્યો, માત્ર હાંફતા જ રહ્યાં.
જોતજોતામાં આખેઆખું ગામ ભેગું થઇ ગયું. કોઈક ઝાડ પર તો કોઈક મેટાડોર પર, કોઈક પાળી ઊપર તો કોઈક થાંભલે ચડીને દૂરથી મીઠીબુન અને ભૂવા વચ્ચેનો ખેલ જોવાં લાગ્યાં.
બધાય પેલા ભૂવાની સાથે સૂર પુરાવા લાગ્યાં, “અગલી, બગલી કરમ કી પગલી…….”
ઝીણાંભાઈ જે શાળામાં શિક્ષક હતાં એ શાળાના આચાર્ય ત્યાંથી પસાર થતાં હતાં. ટોળાંને ત્યાં ભેગું થયેલ જોઈ તેમને આશ્ચર્ય થયું. એમની નજર ટોળાનું પ્રતિનિધિ કરતો હોય એમ આગળ ઊભેલાં ઝીણાંભાઈ પર પડી. તેઓ તેમની પાસે ગયાં.
ઝીણાંભાઈ તરફથી જાણવાં મળ્યું કે એમને ચૂડેલ વળગી છે અને આ ભૂવો એ ચૂડેલ જોડે કબ્બડી રમે છે..દૂરથી આચાર્યને અગલી-બગલીની જગ્યા એ કબ્બડી કબ્બડી જ સંભળાયું.
“અલ્યાં ઓય ગવારો, ઘેલાં ના થાઓ આમ, બધાંય શાંત પડો” આચાર્ય એ જોરથી હાંક મારી.
બગલથેલો ઝીણાભાઈને આપી આચાર્ય મીઠીબુન પાસે પહોંચ્યા. મીઠીબુનનો કલગી જેવો હાથ મસળ્યો અને શું થયું છે પૂછ્યું. જડબું બિડાઈ ગયેલું હોઈ મીઠીબુન કંઈ બોલી ન શક્યાં પણ ઈશારો તો કરતાં જ હતાં. આચાર્યસાહેબે ઝીણાંભાઈને નજીક બોલાવ્યાં. ઘભરાતા પગલે ઝીણાંભાઈ બે ડગલાં દૂર જ ઊભા રહ્યાં.
આચાર્ય એ કહ્યું કે “એમને નજીકમાં આવેલ શહેરની હોસ્પિટલમાં લઇ જવા પડશે. ક્યાં તો એમને લકવો મારી ગયો છે, ક્યાં તો મગજ સુધી લોહી પહોંચતું નથી.” આચાર્યસાહેબ દાક્તર તો ન હતાં પણ ગમે તેમ હોય આ બીજાં બધાં ગામવાળાઓ કરતાં તો ભણેલાં જ હતા ને!!
બાજુમાં પડેલી મેટાડોરમાં જ મીઠીબુનને નજીકના શહેરમાં આવેલી હોસ્પિટલમાં લઇ ગયાં. સંગાથે આચાર્યસાહેબ અને ઝીણાંભાઈ પણ મેટાડોરમાં બેસી ગયાં. આખા ખેલની મજા લેતાં અર્ધનગ્ન છોકરાઓ પણ મેટાડોરને લટકી ગામની પાદર સુધી મેટાડોર અને મીઠીબુનનો સાથ આપ્યો.
 સરકારી હોસ્પિટલ પહોંચતા ત્યાંના દાક્તરો એ જાત જાતનાં રિપોર્ટ્સ કર્યા અને મીઠીબુન વિશે જેટલી પણ બને એટલી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો.
પરિવારનું સભ્ય તો કોઈ હતું નહીં પણ ઝીણાંભાઈને રોજના ‘કેમ છો, કેમ નહીં કહેવાં ના માત્ર સંબંધ હતાં’, એટલે ઝીણાંભાઈ જ એક માત્ર થોડાં ઘણાં અંગત હતાં.

સરકારી હોસ્પિટલના એક દાક્તર ઝીણાંભાઈ અને આચાર્ય સાહેબ પાસે આવ્યાં અને કહ્યું કે એમની ઓપિસ્થોટોનસ અવસ્થા એટલે કે  જડબું બિડાઈ જવું અને  આવી રીતે શરીર અકડાઈ જવું એ એવું સૂચવે છે કે બાને ધનુર ઊપડ્યું છે. ડૉકટરે વધુમાં આગળ કહ્યું, “બાને આજથી થોડાં દિવસ કે મહિનાઓ પહેલાં કંઈક લોખંડ કે બીજી કોઈ ધાતુંથી ઇજા થઇ લાગે છે.”
ઝીણાંભાઈનું અધકચરું જ્ઞાન કામમાં લાગ્યું, “ડૉક્ટર સાહેબ આ ‘ધનુર’ ફાંસ વાગે તો થાય ખરાં?”
“હા, જો કોઈ પણ ઘાવ થયો હોય અને એને આપણે ખુલ્લો રહેવાં દઈએ અને એને ધૂળ, રજકણ લાગે તો પણ ‘ધનુર’ થઇ શકે.”
“ઓ માડી, નક્કી બુનને ધનુર જ સ”, આચાર્યની સામે જોતાં ઝીણાંભાઈ એ બુનને ફાંસ વાગ્યાની વિગતવાર વાત કરી અને ભજીયા ખાતાંખાતાં મીઠીબુને કહ્યું પણ હતું કે, “એમને આ પાણી ભરેલી બાટલીઓમાં કોઈ વિશ્વાસ નથી એટલે એમણે ક્યારેય પણ ધનુરની કે બીજી કોઈ પણ જાતની રસી લીધી નથી.”  
“ચિંતા ના કરો, બાને જરૂરી ઇંજેક્શન આપી દીધાં છે, થોડાંક દિવસોમાં સાજા થઇ જશે.”
આચાર્યસાહેબ અને ઝીણાંભાઈને પણ થોડી હાશ થઇ. એક જીવ બચાવવાનાં આનંદ સાથે એક નવો બોધપાઠ મળ્યો અને બંનેને પોતાની શાળામાં અવારનવાર આવાં રસીને લગતા જાગૃતિ અભિયાન અને રસીકરણના કેમ્પ યોજાવાની જિજ્ઞાસા જાગી.