HopeScope Stories Behind White Coat – 14 Maulik Nagar “Vichar”

તત્પર જીવ
સદાય નિખાલસ
વિચાર શૂન્ય

‘હેલ્લો મે’મ…’
‘ગુડ મોર્નિંગ મે’મ…’
‘કેમ છો? મેડમ!’
‘જો આ પેલા જ ડૉક્ટર છે જેમનાં કારણે જ પપ્પાને નવું જીવન મળ્યું છે….’
ડૉ. પિંકી રોજ સવારે હોસ્પિટલના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં જેવી પ્રવેશે ને ત્યાંના સિત્તેર ફૂટના કોરીડોરમાં ચાલતાં જ આવાં સત્તર જાતનાં ગ્રીટિંગ્સ અને કોમ્પ્લીમેન્ટ એને સાંભળવા મળે.
ડૉ. પિંકીનું વ્યક્તિત્વ જ એવું કે એમને જોતાંની સાથે જ દર્દી અડધો સાજો થઇ જાય. પિંકીની નિખાલસતાથી તો પોઝિટિવ એનર્જીના ફુવારા ઊડે.
જેટલો સાજ શણગાર એ પહેરવેશમાં રાખે એટલી જ સજાવટ એમની બોલીમાં પણ હતી. શબ્દો ચખાતા હોત તો નક્કી ડાયાબિટીસ થઇ જાય.
ડૉ. પિંકીની ડ્યૂટી હંમેશા સવારે નવ વાગ્યાંથી ચાલુ થતી. સાચે જ પોતાની સાથે સવાર લઈને ફરતાં હોય તેવી તાજગી એમની હાજરીમાં અનુભવાય.
મળતાવડા સ્વભાવની સાથે હંમેશા લોકોને મદદ કરવામાં તત્પર રહેવું એવી ડૉ. પિંકીની છાપ હતી. ડૉ. પિંકીના સર એને સેવાભાવી આત્મા કહીને જ બોલાવતા હતા.
બસ, પિંકીની એક જ કમજોરી હતી “ચા”.
રાબેતા મુજબ દર્દીઓ તપાસ્યા પછી જુનિયર ડૉક્ટર કૃપા સાથે ચોથે માળ આવેલી કેન્ટીનમાં ગઈ.
‘પિંકીદીદી, હમણાંથી તમે મેકઅપ કરવાનું ઓછું કરી દીધું છે છતાંય દિવસે દિવસે તમારી ચમક વધતી જાય છે.’ બટકબોલી કૃપાએ ચાની ચુસ્કી મારતા પિંકીની ઠેકડી ઉડાડી.
‘જો કૃપલી એવું કંઈ નથી, અમે તો એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ, નથીંગ ન્યુ ફોર અસ’ બંનેની નજર પિંકીના રણકતા ફોન પર પડી.
‘યસ સર, ઓકે સર, કમીંગ સર’
‘ચલ..ચલ..જલ્દી..સર ઑફિસમાં બોલાવે છે. બધાં જ સ્ટાફની ઇમર્જન્સી મીટિંગ બોલાવી છે.’

‘ગુડ આફ્ટરનૂન ડૉક્ટર્સ. હમણાં જ આરોગ્ય વિભાગ તરફથી ઈમેલ દ્વારા આરોગ્ય મંત્રીનો આદેશ આવ્યો છે કે આપણે જરૂરી ઈન્જેક્શન્સ અને દવાઓનો સ્ટોક પૂરતો કરી લેવો જોઈએ.’
વેસ્ટર્ન સંગીતનું ક્વાયર ગાય એમ બધાંના મોઢામાંથી એક જ પ્રશ્ન નીકળ્યો, ‘બટ વ્હાય!!!’
‘ઈમેલમાં વિગતમાં લખ્યું છે કે વિશ્વમાં મહામારી ફેલાવે તેવો કોરોના નામનો ચેપી રોગ ફાટી નીકળેલ છે. આ કોરોનાએ ભારતમાં પણ પગ પેસારો કરી દીધો છે અને ગમે ત્યારે આપણા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આખા ભારતમાં લોકડાઉન થવાની સંભાવના છે.’
વળી પાછું બધાંએ એકી સાથે સુર પૂરાવ્યો, ‘ઓહ, ઈટ સિમ્સ લાઈક અ પેન્ડેમિક.’
કુતૂહલ સાથે બધાં જ ડૉક્ટર્સ અને સપોર્ટ સ્ટાફ બહાર નીકળ્યો.

આરોગ્ય વિભાગની આગાહી અને ડર સાચો પડ્યો. જોત જોતામાં દિવસ દિવસ ના રહ્યો, રાત રાત ના રહી. બસ બધે આ મહામારીની જ ચર્ચા હતી.
આ પારદર્શક વાયરસે પોતાનો રંગ બતાડવાનો ચાલુ કર્યો અને કહેરની લહેર લહેરાવાની ચાલુ થઈ ગઈ. માણસ માણસથી દૂર ભાગવા લાગ્યો, પણ બધા જ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પોતાની ફરજ બજાવવા અડીખમ ઊભા રહ્યાં.
‘બેટા, આ બધું ક્યારે થાળે પડશે?’ પિંકીની મમ્મીની આંખમાં એક પ્રશ્ન અને ચિંતા બંને ચોખ્ખા તરી આવતાં હતાં.
‘થઇ જશે બધું મમ્મી, નહીં હોય તો સાદાઈથી કરી લઈશું. તું ચિંતા ના કર.’
ચિરાગ અને એનાં પરિવારવાળા પણ સમજુ છે.’ પિંકીના વર્તનમાં પરિપક્વતા ભારોભાર છલકાતી હતી. એનું કારણ એનાં પપ્પા હતાં.
પપ્પાની હાજરી નહીં પરંતુ ગેરહાજરી.
પિંકી બાવીસ વર્ષની હતી ત્યારે જ એનાં પપ્પા ગુજરી ગયાં હતાં.
‘મને તારા લગ્નપ્રસંગની સાથે સાથે તારી પણ ચિંતા થાય છે. તું જો તો ખરા, આ રોગ કેવો કાળ બનીને બધાને ભરખી જાય છે.
‘તારે તો આખો દિવસ આ વાયરસની નદીમાં જ તણાવાનું હોય છે ને!!’
‘હા મમ્મી ચિંતા ના કર, અમે બધાં ડૉક્ટર્સ અમારું ધ્યાન રાખીયે જ છીએ.
અમને પણ આ સમયે સમાજની સેવા કરવાનો અવસર મળ્યો છે.’
‘ચલ મારે નીકળવું પડશે. તું તારું ધ્યાન રાખજે. શાક કે દૂધ લેવાં ક્યાંય બહાર નીકળીશ નહીં. મેં ઓનલાઇન ઑર્ડર કરી દીધા છે.’
જેમ જેમ હોસ્પિટલ નજીક આવતી ગઈ તેમ તેમ સૂમસામ દેખાતા રસ્તામાં થોડી થોડી ભીડ દેખાવા લાગી અને હોસ્પિટલની આસપાસ એમ્બ્યુલન્સ અને ચંદ્ર પરથી હમણાં જ આવેલા અવકાશયાત્રીઓ જેવાં દેખાતા, પીપીઈ કીટ પહેરેલા મેડિકલ સ્ટાફ નજરે પડવાના ચાલુ થઇ ગયાં.
‘ચાલ ચિરાગ, ટોક ટુ યુ લેટર, બી સેફ, ક્યાંય બહાર ના જતો, વર્ક ઓનલાઇન.’ હોસ્પિટલ પહોંચતા જ પિંકીએ આજુબાજુ જોઈ ફોનના માઇક પર કિસ કરી અને ચિરાગે પણ મધુવંતી રાગના લહેકામાં ‘ટેક કેર, આઈ વિલ મિસ યુ’ કહી ફોન મૂક્યો.
હોસ્પિટલ પહોંચતા જ પિંકીમાં ડૉક્ટર પિંકીની આત્મા આવી ગઈ અને પાછી મન મૂકીને બધાની ડ્યુટીએ લાગી ગઈ.
શહેરમાં જ નહીં આખા દેશમાં સ્થિતિ વણસવા લાગી હતી. દવાનો પુરવઠો, ઇંજેક્શન, હોસ્પિટલમાં બેડ વગેરે ખૂટવા લાગ્યા હતા. પરંતુ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફની ધીરજ અને હિંમત અકબંધ હતા.
જયારે પણ કોઈ દર્દી કે દર્દીના સગાવ્હાલાને હોસ્પિટલમાં જગ્યા નથી, એવું “ના” પાડવાનું આવતું ત્યારે હોસ્પિટલના કર્મચારીઓની આંખોમાં પાણી આવી જતાં.
દર કલાકે, આરોગ્ય વિભાગ, સરકાર, હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નિયમો, નિર્ણયો અને પ્રોટોકૉલ બદલાતા હતાં.
સાપોલિયાની જેમ સમય સડસડાટ સરકવા લાગ્યો.
દેશ દુનિયામાં રોગની સ્થિતિ પણ ગાંડા બનેલા વાંદરાની જેમ ક્યારેક શાંત થતી તો ક્યારેક ઉથલો મારતી.
આ દરમ્યાન સેંથીમાં સિંદૂર થકી પિંકીના મેકઅપમાં ઉમેરો થયો.
વર્ક ફ્રોમ હોમ કરતાં સોફ્ટવેર એન્જિનિઅર ચિરાગની કોમ્પ્યુટર પર સડસડાટ ફરતી આંગળીઓનો ભાર પણ વેડિંગ રિંગે વધારી દીધો.

પિંકીની જવાબદારીઓ વધવા લાગી પરંતુ જે આખા સમાજ, હોસ્પિટલ, હોસ્પિટલના સ્ટાફ વિગેરેને બખૂબી નિભાવી શકે એને માટે આ ષટ્કોણીયું પરિવાર સાચવવામાં કોઈ મોટી વાત ન હતી.
પ્રેમાળ સ્વભાવ તો પિંકીની તાસીર જ હતી એટલે સ્વાભાવિક છે કે સુગંધી સોનાનું સૌંદર્ય એ જાળવી જ શકે.
નવી નવી ગૃહસ્થી અને પેશન્ટોની લાંબી કતારોમાં વ્યસ્ત પિંકીએ બે-ત્રણ દિવસથી કૃપાને જોઈ જ ન હતી. આ વિચારને હજી પૂર્ણવિરામ લાગે એ પહેલાં જ પિંકીનો ફોન રણક્યો. જાણે કે ટેલીપથીએ જ ટેલિફોન કર્યો હોય.

‘પિંકીદીદી, આઈ નીડ યોર અર્જન્ટ હેલ્પ, મારા ફિયોન્સેનો ભાઈ કોવીડ પોઝિટિવ છે. સીન્સ ફોર ડેયઝ, આપણી હોસ્પિટલથી માંડીને બીજી ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરાવી. ક્યાંય પણ બેડ અવેલેબલ નથી. પ્લીઝ કંઈક કરો, એની તબિયત ખૂબ બગડતી જાય છે. ઑક્સિજન પણ ઓછું થઇ ગયું છે. સમયસર ટ્રીટમેન્ટ નહીં મળે તો હી વૉન્ટ સર્વાઇવ’
‘તું ચિંતા ના કર કૃપા, લેટ મી ટ્રાય ટુ અરેન્જ.’ પિંકીએ ફોન મૂક્યો અને કૉંટેક્ટ લિસ્ટમાંથી એક પછી એક ફોન ચાલુ કરી દીધા. બધી જ જગ્યાએથી દિલગીરી ભર્યો પ્રતિસાદ મળ્યો.
ઘણી મહેનત કર્યા પછી નાનકડી એક થોડી હોપ જાગી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ જાણવા મળ્યું કે આપણા એક પેશન્ટને એકાદ કલાક પછી ડિસ્ચાર્જ સ્કેડયુલ કરેલ છે, તો તેમનો બેડ આપણે બુક કરાવી શકીશું.’
પિંકીને હાશકારો થયો એણે તરત જ કૃપાને ફોન લગાવ્યો.
‘કૃપા, ડોન્ટ વરી, તારા દિયરને અહીંયા આપણી હોસ્પિટલમાં જ લેતી આવ, એકાદ કલાક પછી એમને બેડ મળી જશે ત્યાં સુધી એમનું ઑક્સિજન અને પલ્સ ચેક કરતી રહેજે…..’
‘ઓકે દી…….’
ઘણી બધી સૂચનાઓ હજી આપવી હતી પણ ત્યાં પાછળ વેઇટિંગમાં ચિરાગનો કોલ આવતો હતો.
‘આઈ વીલ કૉલ યુ બેક ઈન ટુ મિનિટ્સ કૃપા.’
કૃપાનો ફોન મૂક્યો અને ઝડપભેર ચિરાગને ફોન લગાવ્યો.
“આઈ મિસ યુ” કહેવા જ ફોન આવ્યો હશે. ઘરના બધાંને ચેપ ના લાગે એટલે પિંકી છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની બાજુમાં જ આવેલ સ્ટાફ ક્વાટર્સમાં રહેતી હતી.
સામે છેડે રિંગ વાગી, ફોન ઉપડ્યો, કોઈ ફૂંકો મારતો હોય એવું લાગ્યું, પિંકીના કાનમાં બુચકારાઓએ મધ રેડી દીધું.
‘બસ બસ ચિરાગ, હું કંટ્રોલ નહીં કરી શકું અને ત્યાં ભાગીને આવી જઈશ.’
એકાદ સેકન્ડ પછી ચિરાગનો અવાજ સંભળાયો.’ પિંકી આઈ કાન્ટ બ્રી…….ધ…..’
‘ઓહ નો..’ પિંકીએ તુરંત જ ચિરાગના પપ્પાને ફોન કર્યો.
પપ્પાએ ચિરાગના રૂમમાં જઈને જોયું તો ચિરાગ ભાનમાં તો હતો પણ શ્વાસ ના લેવાના કારણે હાંફતો હતો.
પિંકીએ તરત જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી.
પોતે પણ ગાડી લઇને પળવારમાં જ ઘરે પહોંચી ગઈ.
ચાલુ ગાડીએ જ ચિક્કાર ભરેલી હોસ્પિટલોમાં ફોન પર ફોન કરવા માંડી. ક્યાંકથી કોઈક વેન્ટિલેટર સપોર્ટ કે ઑક્સિજન મળી જાય.
ઘરે પહોંચ્યા બાદ પિંકીએ આધારકાર્ડ લેવાં માટે ડ્રોઅર ખોલ્યું તો પાંચ દિવસ પહેલાનો ચિરાગનો પોઝિટિવ રિપોર્ટ હાથમાં આવ્યો.
બીજે ક્યાંય પણ સમય બગાડ્યા કરતા એમ્બ્યુલન્સને સીધી સરકારી હોસ્પિટલ પહોંચી જવા જણાવ્યું.
પિંકી પોતે પણ બીજી ગાડીમાં એમ્બ્યુલન્સની પાછળ પાછળ રવાના થઇ.
હજી પણ એણે બીજી કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળે એ માટે પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા.
હવે લગભગ સરકારી હોસ્પિટલ પહોંચવા જ આવ્યાં હતાં. સરકારી હોસ્પિટલની નજીક પહોંચવા માટે વીસ પચ્ચીસ એમ્બ્યુલન્સની વેઇટિંગની લાઈન જોઈ પિંકીના તો મોતિયાં જ મરી ગયાં. હંમેશા દરેકની સેવામાં અડીખમ ઊભી રહેતી આ કોરોના વૉરિયર આજે કોઈક એના પતિ માટે સેવા કરે એની પ્રાર્થના કરતી હતી.
એક જ સાથે ફોનમાં બે મેસેજ રણક્યાં. એક એમ્બ્યુલન્સમાંથી નર્સિંગ સ્ટાફનો હતો.
’મેડમ, આઈ એમ સૉરી, ચિરાગસર ઇસ નો મોર.’
અને બીજો કૃપાનો હતો, ‘થૅન્ક્સ ફોર ધ અરેન્જમેન્ટ દી’…..હી ઇસ સર્વાઇવ્ડ.’


Hopescope “Stories Behind White Coat”

Maulik Nagar “Vichar”