HopeScope Stories Behind White Coat – 21 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

ચેક લિસ્ટ

“ડૉક્ટર સાહેબ, અમદાવાદ- હીથ્રો અને રિટર્નમાં હીથ્રો-અમદાવાદ વાયા દુબઇ. આ રૂટની બેસ્ટ ડીલ મળે છે! બોલો શું કરું?”
“પરફેક્ટ છે મનીષભાઈ, તમતમારે કરો બુક” ઢગલો વખત યુ.કેનો પ્રવાસ કરી ચૂકેલા ડૉ. શાહે ટ્રાવેલ એજન્ટને હોલિડેની ટિકિટ બુક કરી દેવા જણાવ્યું.
લંડનનું નામ આવે એટલે શાહ સાહેબ હંમેશા ગેલમાં આવી જાય. લંડન એટલે એમનું બીજું ઘર. ગમે તેટલા દિવસ ત્યાં રોકાય પણ એમને રોકાણના દિવસો તો ખૂટે જ.
ડઝન જેટલાં સગા વ્હાલા ત્યાં રહે અને અડધો ડઝન જેટલાં અંગત મિત્રો.
ડૉ. શાહનો સ્વભાવ એટલે પોતાના ક્લીનીકની એક નીડલ હોય કે લેટેક્સના ગ્લોઝ એક પણ વસ્તુનો વ્યય ન થવા દે.
ડૉ શાહ કંજૂસ નહીં પણ ચોક્સાઈમાં માનવાવાળા. મિ. પરફેશનિસ્ટ.
બધાં જ માટે ડૉ. શાહ એટલે પાક્કા વાણીયા. સ્વભાવ અને વર્તનથી ભારોભાર કૃષ્ણપંથી અને હવેલી સંગીતના શોખીન.
ડૉ. શાહ ઉંમરમાં તો સુડતાલીસ વર્ષના જ પણ જીવનશૈલીની ઢબે ૧૯૪૭ના જમાનાના.
ડૉ. શાહ ઘડિયાળના કાંટે જ આખા દિવસનો કાર્યક્રમ ગોઠવે અને અનુસરે.
એકેએક કામને ડાયરીમાં નોંધવાની ફાવટ તો એમને એમનાં સ્કૂલના સમયથી જ હતી.
થોડાં વર્ષો પહેલાં એમણે સિંગાપુરથી ડિજિટલ ડાયરી પણ વસાવી હતી પરંતુ તેમને એ માફક ન આવી.
ક્રિકેટ અને સિનેમાનાં શોખીન એટલે તેઓ બધાને કહે કે “ઓલ્ડ ઇઝ ગોલ્ડ બાકી બધું જ ક્લીન બોલ્ડ!”
પેશન્ટ તપાસવા રાઉન્ડમાં જાય એટલે એમની ચોકસાઈના કિસ્સાઓની સાથેસાથે એમની સસ્તી રમૂજની લ્હાણી પણ કરતા જાય.

ડૉ. શાહ રાઉન્ડ પતાવીને ઑફિસમાં આવ્યા અને પાછો એમનો ફોન રણક્યો.
“યસ સર, ટિકિટ ઇઝ બુક્ડ. મસ્ત ડીલ મળી ગઈ. એન્જોય કરજો સર, છોકરાઓને પણ મજા આવશે..”
પેમેન્ટ કરાવી દેજો એટલું જ કહેવાનું બાકી હતું. બાકી બધી જ સલાહો ટ્રાવેલ એજન્ટે આપી દીધી. પણ ડૉ. શાહ પણ એટલાં ચીવટવાળા કે ચાલુ ફોને જ પેલાં એજન્ટનું પેમેન્ટ ટ્રાન્સફર કરી દીધું.

સૌથી પહેલા મિસિઝ શાહને ફોન કર્યો, એમનાથી સ્વભાવમાં સાવ વિપરીત, હંમેશા મિસિઝ શાહના દિમાગનો પંખો ફાસ્ટ જ ચાલે અને જીભ સુપર ફાસ્ટ.
“બેબી, ટિકિટ ઇઝ કંફર્મ, વી વીલ ફ્લાય નેક્સટ વીક!”
“અવે આ શું બેબા ને બેબી…લંડન જવાનું નામ આવે એટલે જાણે તમને તો અંગ્રેજ વળગે!”
“હા..હા..અવે..” શાહ સાહેબ પણ થોડાં છંછેડાયા.
લગેજમાં શું લઇ જઈશું એનું ચેક લિસ્ટ બનાવી દે! અને હા તારા ઢેબરાં અને અથાણાં……!” છેલ્લે ક્રિકેટ રસિક ડૉ. શાહ સાહેબે કટાક્ષનો છક્કો મારી જ દીધો.
“ચેક લિસ્ટ તમે જ બનાવી લે જો…તમારી તો અડધો અડધ ડાયરીઓ શાયરીઓ અને એવાં ચેક લિસ્ટ જેવાં આયોજનોથી તો ભરેલી હોય છે.” મિસિઝ શાહના સુપર સોનિકની સામે શાહ સાહેબની લોકલ ટ્રેન જેવી જીભની ગતિ ધીમી પડી ગઈ.

બહાર કંઈક કૅશલેસ ઇન્સ્યોરન્સને લઈને કકળાટ ચાલતો હતો.
માત્ર એમના સ્ટાફ પાસેથી એટલું જ સંભળાયું કે “તમારે અત્યારે તો અમને કેશ જ આપવા પડે પછી તમારે અને તમારા વીમા એજન્ટે ફોડી લેવાનું…..”
સ્ટાફની વાત તો સાચી હતી. માટે તે અવગણીને શાહ સાહેબે તો વોટ્સઅપમાં લંડન ટ્રીપ માટે લંડન સ્થિત મિત્રોનું ગ્રુપ પણ બનાવી લીધું.
ગ્રુપનું નામ રાખ્યું, “નાઉ ઓન્લી રેડ વાઈન..નો રે…”
સ્માઈલી સાથે મિત્રોના મેસેજો ટપોટપ ચાલું થઇ ગયાં….એમાં પણ ટિક, ડબલ ટિક અને બ્લુ ટિકની રમત જામી..
“અફકોર્સ ઇટ્સ અ ફેમિલી ટ્રીપ ટોપા..” ટોપા શબ્દથી જ ગ્રુપમાં કોલેજના દિવસો તાજા થઇ ગયાં.
બીજા મિત્રે લખ્યું, “હા…હા..યુ આર મેરીડ બુલ નાઉ…:)”
ત્રીજો થોડો સીધોસાદો મિત્ર હતો, “ધીસ ટાઈમ નો કેશ એન્ડ કેરી, ઓન્લી આઉટીંગ..” વિગેરે વિગેરે….
શાહ સાહેબ, એમનાં પત્ની અને બે દીકરાઓએ ભેગા થઈને ચેક લિસ્ટ તૈયાર કર્યું અને બીજા જ દિવસથી એ ચારેય મંડળી ખરીદી કરવાં મંડી પડી.
ફ્લાઈટની ટિકિટનું બુકિંગ તો થઇ ગયું હતું એટલે શાહ સાહેબનું મોટું કામ પત્યું હતું. કેબ બુકીંગ, કરન્સી ચેન્જ જેવાં નાનાં-મોટાં કામ જ બાકી હતાં.
નાસ્તા, સૉક્સ, અન્ડરવેર જેવાં નાના-મોટા કામ મિસિઝ શાહ અને બે દીકરાઓએ પતાવી દીધાં.
ચેક લિસ્ટ પર ટિકની નિશાની લંડન જવાના છેક છેલ્લા દિવસ સુધી લગાવી પડી.
લાસ્ટ મિનિટ શોપિંગ પતાવી શાહ પરીવાર એરપોર્ટ પહોંચ્યું અને ત્યાંથી વિમાનમાં લંડન.
ઇમિગ્રેશન ઓફિસરે ચારેયના બોર્ડિંગ પાસ અને વિઝા જોતા જોતા અંગ્રેજી ઢબમાં જાણે ગુજરાતીમાં વાત કરતો હોય એમ બબડ્યો…”મિ. આનંદ હસમુખ શાહ.” નામની આગળ ડૉક્ટર સાંભળવાની ટેવવાળા શાહ સાહેબને “મિ” સાંભળી અજુક્તુ લાગ્યું.
ખેર! એમણે પ્રત્યુત્તર આપ્યો.. “યસ સર, ઇટ્સ મી….શી ઇઝ માય વાઈફ ખુશી આનંદ શાહ..માય કિડ્સ હર્ષ એન્ડ ઉલ્લાસ” આખાય પરિવારની માત્ર નામમાં જ નહીં પણ ત્રણ ત્રણ પેઢીમાં ખુશી અને હર્ષોલ્લાસ જ હતો.
લંડન એરપોર્ટ પર તો સાક્ષાત આનંદ, ખુશી અને હર્ષોલ્લાસનો સ્નો પડ્યો.
આયોજનના બાદશાહે આયોજનમાં એક પણ બાદબાકી રાખી ન હતી.
આખા પરિવારને ચાર પાંચ વખત જણાવી અને જતાવી પણ દીધું હતું કે જો પોતે ડૉક્ટર ન હોત તો તે એક સફળ ટ્રાવેલ એજન્ટ એન્ડ એડવાઈઝર હોત.
એક પછી એક મિત્રો સગા વહાલાંઓની વિઝિટ, પ્રથમ વખત ટ્રાવેલ કરી રહેલા બંને દીકરાઓ માટે જોવાલાયક સ્થળોની મુલાકાત, ઇસ્કોન મંદિરથી માંડી મદિરા સુધીની બધી જ પ્રવૃતિઓ સોળે કળાએ ખીલી હતી.
એક દિવસ એક મિત્ર સાથે મોર્નિંગ ટૂરનું આયોજન હતું.
સેન્ટ્રલ લંડનમાં ફન ફેસ્ટિવલમાં બુકીંગ કરાવ્યું હતું.
તેમાં મોર્નિંગની અવનવી પ્રવૃતિઓ, હેરિટેજ સાયકલિંગ રાઈડ અને છેલ્લે બ્રન્ચ કરીને ઘરભેગાં થવાનું હતું. એટલે મિત્રના ઘેર ભેગા થવાનું હતું.
એકાદ-બે કલાક રેડબુલ ફન ગેમ રમ્યા પછી, બધાં જ હેરિટેજ લેનમાં સાયકલિંગ કરવાં ગયાં.
નાની નાની ઇમારતો હતી.
સાંકળા રસ્તા અને લાલ ગુલાબી રંગબેરંગી ઓલ્ડ ફેશન સાયકલો હતી.
સેલ્ફીની શેઠાણી ખુશીભાભી માટે આ સાયકલિંગ પ્રવૃત્તિ ખૂબ રોમાંચક હતી.
ખુશીભાભીએ અમદાવાદની સાંકળી શેરીમાં તો સાયકલ ચલાવી હતી.
હવે લંડનની સાંકળી ગલીઓમાં સાયકલ ચલાવવા માટે આતુર હતી.
સાયકલનું એક પેડલ માર્યું અને ભાભીને સ્કૂલના દિવસોની યાદ આવી ગઈ.
અદ્લ આવી જ રીતે ખુશીભાભીએ સ્કૂલના પહેલા જ દિવસે સાયકલ લઇ જવા માટે પેડલ માર્યું. એમાં ગટરનું ઢાંકણું તૂટ્યું અને સાથોસાથ પગની ઢાંકણી પણ તૂટી. અને બે મહિનાનો ખાટલો ભેટમાં મળ્યો તે અલગ.
થવાનું શું હતું! એ જ ઘટનાનું પુનરાવર્તન…
અરે આ તો દેશથી દૂર બનેલી ઘટના બની હતી એટલે આ ઘટના નહીં પણ આ તો દૂર-ઘટના કહેવાય.
ભૂગોળમાં ભારે ખુશીબેન ધબાક કરતા જમીન પર પડ્યાં અને પાછળ આવતા આનંદભાઈ, હર્ષ-ઉલ્લાસ અને બીજાં મિત્રના પરિવારના સભ્યોએ દસ ફૂટ દૂર જ પોતાની સાયકલ થંભાવી દીધી.
રખેને કોઈ અડફેટે ચઢી જાય.
ખુશીભાભી ભોંય પર ઠરીઠામ થયા એટલે બધા એમની પાસે દોડ્યાં…
ઓ…માં…ઓ..માંના બરાડા વચ્ચે એમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં.
જોકે એમના કરતા તો વધારે એમની સાયકલને વાગ્યું હતું એટલે ડિપોઝિટના પચાસ પાઉન્ડ પણ પાછા ન મળ્યાં.
એમને માત્ર પગનું ફ્રેક્ચર જ થયું…
અમદાવાદની સ્ત્રીઓ અને એમનાં એક્ટિવા/કાઇનેટિક વચ્ચે પણ આવાં ફ્રેક્ચર,પાટાપિંડી જેવાં ગાઢ સંબંધો હોય છે જ.
એટલે એ ન્યાયે તો આ પગનું ફ્રેક્ચર માત્ર સામાન્ય ફ્રેક્ચર જ કહેવાય.
હોસ્પિટલમાં દુખાવાની દવા તો ફ્રીમાં અપાવી પણ પ્લાસ્ટર, ઑપરેશન અને બીજાં ડ્રેસિંગ થઈને સાત હજાર પાઉન્ડનો એસ્ટિમેશન ખર્ચ આવ્યો.
સાત હજાર પાઉન્ડ એટલે ભારતના લગભગ છ-સાત લાખ.
ડૉ. શાહે પોતાની બેગ પેકમાંથી ટિકિટના બંચની સાથે ચેક લિસ્ટવાળી ચબરખી પણ કાઢી..
એમની એક નજર કૅશલેસ માટે ઝગડતા પોતાના મિત્ર સામે પડી,
બીજી નજર નાખુશ પત્ની ખુશી ઉપર પડી.
હળવેકથી હર્ષોલ્લાસને પણ જોઈ લીધાં અને વળી પાછી છેલ્લી નજર પોતાના ચેક લિસ્ટ પર પડી.
જેમાં ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં કોઈ ટિક ન હતી….ન સિંગલ ટિક..ન ડબલ ટિક….ન બ્લુ ટિક…..કોઈ પણ ટિક નહીં.
સુપર સોનિકના એન્જિનની જેમ ધબકતા હાર્ટની રિધમ સાથે પેલી ગોરી ડૉક્ટરનો સૂરીલો સ્વર સંભળાયો…..”ઈટ ઇઝ નથિંગ ટુ ડીલ વિથ અસ, યુ નીડ ટુ સોર્ટ આઉટ વિથ યોર ઇન્સ્યોરન્સ એજન્ટ.”
ડૉ. શાહ સાહેબે મનમાં એ જ વાક્યનું રૂપાંતર ગુજરાતીમાં કર્યું, “……………એ તો તમે અને તમારા વીમા એજન્ટે ફોડી લેવાનું.”

HopeScope Stories Behind White Coat – 19 Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

“ગલ્લા ભારે રાણી! આ તો આપણો જ હાથ”

વિશ્વાસે ધરતી સામે જોયું.
ટૂંક જ સમયમાં થનાર સસરા અને સાળા પૃથ્વી સામે જોયું.
ધરતીને આંખ મારી.
પત્તાને ચુમ્મી કરી.
ચટાક કરતુ પત્તું ફેંક્યું અને બોલ્યો, “લે પૃથ્વી આપણી આ ગલ્લા ભારે રાણી! આ તો આપણો જ હાથ!”
પૃથ્વી અને વિશ્વાસ બંને એક બીજાને તાળીઓ આપીને કૂદાકૂદ કરવા લાગ્યાં…
“પપ્પા, આ બંને ચિટરીયાઓ જોડે ક્યારેય રમી રમવાનું જ નહીં” ધરતીએ હારેલો હાથ લઇ લીધો અને આખી બાજી વેરણછેરણ કરી નાખી.
“હાથ લાવ દીદી….”
“તમને અને પપ્પાને રમતા જ ના આવડ્યું દીદી..”
“તમારો હાથ ગયો..ડિક્કો…ડિક્કો” પૃથ્વી ડિક્કો…ડિક્કો અને કિટ્ટા બુચ્ચા કરે એટલો નાનો હતો નહીં. પણ રમતની ગેલમાં આવી જાય એટલે બધાં નાના જ થઇ જાય.

“હવે ઘડિયાળ જુઓ તમે બધાં..રાતના બે વાગ્યાં છે.” શોરબકોરથી જાગેલા પૃથ્વી અને ધરતીની મમ્મી ભારતીબેન ટકોર કરવા આવી ગયાં.
“અરે હા!! ધરતી કાલે તો આપણી એક્સ્ટ્રા શિફ્ટ છે. ભૂલી ગઈ કાલે પ્રજાસત્તાક દિન છે.
આપણાં ત્રણ ડૉક્ટર્સ રજા પર છે.” વિશ્વાસ તો ભારતીબેનનો કહ્યાગરો થનાર જમાઇ હતો.

એમ.બી.બી.એસના પાંચમાં વર્ષમાં ભણતાં વિશ્વાસ અને ધરતી બંને જણા સિનિયર ડૉક્ટરોના ડાબા અને જમણા હાથ હતા.
પાડોશમાં જ રહેતા વિશ્વાસે પોતાનું જીન્સ ખંખેર્યું . અહીંયા પણ બધાં બાજી સમેટીને પોતપોતાના રૂમમાં સૂવા ગયાં.

રાષ્ટ્રગાનની સાથે ધરતીના “મમ્મી સુવા દે ને, પ્લીઝ લેટ મી સ્લીપ…”ના સૂરો પણ ભળ્યાં. ઊંઘમાં તો ધરતી એવું જ વિચારતી હશે કે મમ્મી અત્યારે પલંગ ઝંઝોળીને કાલ રાતની ભડાશ કાઢી રહી છે.
બે-પાંચ સેકન્ડમાં તો બહારથી ભયાનક ચીસો અને બૂમો સંભળાવવા લાગી.
ધરતી જરાક પડખું ફેરવીને ઉભી થઇ ત્યાં તો બિલ્ડરની કચાશ કહો કે નસીબની, ધરતીની આજુબાજુ છત પરથી ઈંટના રોળં પડવાનાં ચાલુ થઇ ગયાં અને ઘડીક જ વારમાં કાટમાળનો ઠગલો થઇ ગયો.
“દીદી..દીદી..હાથ લાવ..”ની બૂમો પાડતો પૃથ્વી ધરતીને બચાવવા તો આવ્યો પણ આ વખતે ભગવાને જ પત્તુ ફેંક્યું હોય એમ ઉપર લબડતો સ્લેબ ચટાક કરતો પૃથ્વીના માથે પડ્યો.
ધરતીથી આ દ્રશ્ય જોઈને ચીસ તો નંખાઈ ગઈ પણ એ એક જ કાને હાથ મૂકી શકી. એ ચીસ પૃથ્વીને જોઈને પાડી કે પોતાનાં નિશ્ચેતન હાથ માટે…!! એ તો ધરતી જ જાણે.

અત્યાર સુધી ધરતીકંપ શબ્દ માત્ર સાંભળવામાં જ આવ્યો હતો. આ વખતે ગુજરાતની ધરતીએ એનો કડવો અનુભવ પણ કરી લીધો. ધરતીકંપના લીધે ધરતીના જીવનમાં તો વાવાઝોડું આવ્યું હતું.
પોતાનો ડોમિનન્ટ હેન્ડ ગુમાવવાનો દર્દ હતો એટલો જ દર્દ ધરતીને પોતાનો ભાઈ ગુમાવવાનો પણ હતો. સર્જન બનવું તો દૂરની વાત પણ હવે એમ.બી.બી.એસની આખરી પરીક્ષા પણ કઈ રીતે પાસ કરવી એ મોટો પ્રશ્ન હતો.
બીજી બાજુ વિશ્વાસ સાથેના સંબંધનો પણ શ્વાસ રૂંધાતો હતો.
‘થોડું ભણી લઉં, ક્લિનિક થઇ જાય પછી, મોટી બેનના લગ્ન થઇ જાય’ જેવા અવનવા બહાનાં સાથે વિશ્વાસે લગ્નના પ્રસ્તાવને આડકતરી રીતે નકારમાં આપવાનું ચાલુ કરી દીધુ હતું.
ખરેખર તો પોતાના મમ્મી પપ્પા સામે એ પોતે જ ગલ્લો હતો.

માનસિક, શારીરિક એવી અનેક કઠિનાઈઓ વચ્ચે ધરતીએ ફાઇનલ પરીક્ષામાં રાઇટર રાખીને સારા ગ્રેડ સાથે એમ.બી.બી.એસ પાસ કર્યું. એક સમયે જે સર્જન ડૉક્ટરોનો ડાબો જમણો હાથ હતી તે લોકો જ આ એક હાથવાળી સ્ટુડન્ટના પગ ખેંચવા લાગ્યાં.
પ્રોત્સાહનના નામે અનેક કડવી સલાહો પણ મળતી.
ઘણા લોકો પોતાના જેવો જ એક હાથ કે એક પગવાળો સાથી શોધીને પરણી જવા કહેતું, તો કોઈક દાક્તરી કે સર્જન બનવાના સપનાઓ બાજુ પર મૂકીને ટ્યૂશન ક્લાસ ચાલુ કરવાની સલાહ આપતું. પરંતુ ધરતીની સાથેસાથે એનાં મમ્મી-પપ્પા પણ મક્કમ હતા. બંને જણાએ બેવડી તાકાતથી ધરતીને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું.

અલગ અલગ રાજ્યોની મેડિકલ કોલેજોમાં વિવિધ ફેકલ્ટીઓ માટે ફોર્મ ભરવાનાં શરૂ કરી દીધા. ઘણા ખરાં તો ડિસેબિલિટીના કૉલમમાં ટિક માર્ક જોઈને જ રિજેકટ થઇ ગયાં. જ્યાં કોઈ જ ન જાય એવી દૂર દૂરના રાજ્યોની અમૂક કોલેજે ઈન્ટવ્યુ માટે બોલાવ્યાં તો પણ ખરા પરંતુ ત્યાંથી પણ વળતરમાં વણમાંગેલી ટિપ્પણીઓ અને સલાહો જ મળી.
“ધરતી એક હાથે તો કઈ રીતે સર્જરી કરી શકે?”
ધરતી ધીરે ધીરે હવે ડિપ્રેશનનો શિકાર થવા લાગી. ક્યારેક તો એવું પણ વિચારતી કે એ ભૂકંપમાં પૃથ્વી સાથે એ પણ….

વાંચનની શોખીન ધરતીને એક દિવસ વિચાર આવ્યો કે આ જ પરિસ્થિતિને જો બીજી દ્રષ્ટિથી જોઈએ અને દાક્ટરીમાં જ જો કોઈ એવી ફિલ્ડ લઈએ કે જ્યાં હાથનો વપરાશ જ નહિવત્ હોય.

“પપ્પા, મારે હવે સર્જન નથી બનવું.” ધરતીના અવાજમાં થોડો ભાર તો હતો પણ મૂડ હળવો હતો.
મમ્મી પપ્પા બંનેએ એક સાથે જ પૂછ્યું, “કેમ?” વધુમાં પપ્પાએ ઉમેર્યું, “બેટા, આટલું જલ્દી નાસીપાસ ના થઇ જા, ઈશ્વર અનેક રસ્તા દેખાડશે!”
“પપ્પા, ઈશ્વરે આંગળી ચીંધી દીધી છે. ભલે હું સર્જન ન બની શકું તો કંઈ નહીં, પણ આ ભૂકંપ અને આવી અનેક માંદગીઓ જેવી કે આજકાલ સોશ્યલ મીડિયાની માંદગી પણ ખૂબ વધી છે. તો હું મનોચિકિત્સક ડૉક્ટર બનું તો? એમાં તો એક શું બંને હાથ ન હોય તો પણ ચાલી જાય.”
મમ્મી પપ્પા તો આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઇ ગયા. ધરતી એ દ્રષ્ટિકોણ બદલ્યો એટલે નહીં પણ છેલ્લાં છ મહિનામાં ધરતી પહેલી વખત આટલી હળવાશ અનુભવતી હતી.

એમ.ડી ઈન સાયકિયાટ્રીમાં એડમિશન લેવા માટે પપ્પા અને દીકરીનો એડમિશન અધ્યાય શરૂ થયો.
શહેરની કોલેજોમાંથી એને ધક્કો મળ્યો અને રાજ્યની કોલેજોમાંથી મુક્કો…ક્યાંક કોઈ જગ્યાએ મેરીટથી અટકે તો ક્યાંક કમનસીબથી અટકે.
રાજ્યની બહારની એક મેડિકલ કોલેજમાંથી થોડા શુભ સંકેત આવ્યા. પણ તેઓના હાથમાં પણ તીર હતું. તેઓ એન.આર.આઈ સીટ ઉપર એડમિશન આપવા રાજી થઇ ગયા.
એન.આર.આઈ સીટ એટલે ચાર-પાંચ ઘણી ફી.
પૃથ્વીના ટ્યુશન માટે બચાવેલ રાખેલ સિલ્લક અહીં કામ લાગી ગઈ.

એન.આર.આઈ સીટના કારણે કૉલેજમાં ધરતીનું માનપાન વધી ગયું. કેમકે માત્ર કોલેજનું મેનેજમેન્ટ જ જાણતું હતું કે તેમણે તકનો લાભ લીધો છે.
ભણવામાં તો ધરતી પહેલેથી હોશિયાર હતી જ. સિનિયર ડોક્ટર્સના કામ કાઢી આપવાથી ક્લિનિકલ માસ્ટરી પણ હાથવગી હતી.
આ બધાની વચ્ચે જે વાંચનનો શોખ હતો અને એના અલગ જ દ્રષ્ટિકોણને કારણે અન્ય વિદ્યાર્થીઓ કરતા એ અલગ જ તરી આવતી હતી.

ડૉ ધરતીના નામની આગળ હવે ગોલ્ડ મેડલીસ્ટ ઈન સાઇક્યાટ્રી ઉમેરાયું.
ધરતીએ બે-બે આસિસ્ટન્ટ સાઇક્યાટ્રી ડૉક્ટર્સ રાખીને સાઇક્યાટ્રી ક્લિનિકની સ્થાપના એકલા હાથે કરી. “પૃથ્વી સાઇક્યાટ્રી ક્લિનિક”
થોડાક જ સમયમાં સાથે ભણતો હતો તે આકાશ સાથેની મૈત્રી પ્રેમમાં પરિણમી. ઠાવકા, વિવેકી અને પ્રેમાળ આકાશ સાથેના હસ્તમેળાપ સાથે ધરતીના બાવળા મજબૂત થયા. સેવા અને સંપત્તિ વચ્ચે ધરતી અને આકાશના ઘરે ખ્યાતિનો જન્મ થયો.
ઉખડખાબડ ભર્યું ધરતીનું જીવન હવે સમતલ થવા લાગ્યું. સવાર સાંજ માનસિક બીમાર લોકોના સમાધાન કરતાં કરતાં એટલું થાકી જવાતું કે પલંગમાં પડતાં વેંત જ ઊંઘ આવી જતી હતી.
શિયાળાની એક રાત્રે ધરતી પૃથ્વીના નામની ચીસ પાડીને એક કાને હાથ દઈને ઝબકીને જાગી ગઈ.
“શું થયું ધરતી, કેમ આટલું હાંફે છે?” આકાશે ધરતીના ખભે હાથ મૂકીને પોતાની તરફ જકડીને પૂછ્યું.
આકાશ છેલ્લા ઘણાંય દિવસથી રોજ રાત્રે મને પૃથ્વીના ભણકારા સંભળાય છે.
“હાથ લાવ દીદી…હાથ લાવ દીદી…”

HopeScope Stories Behind White Coat – 18 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

દરવાજો ખુલતાની સાથે જ ફૂલનો ગુલદસ્તો લઈને ઉભેલા શૈલેન્દ્રદાદાને જોઈને દિવ્યતા ખુશ ખુશ થઇ ગઈ.
“દા…દા…આજે તો ઇંજી નથી લાવ્યાંને?”
“અરે બેટા, તારા માટે તો ચૉકલેટ કેક લાવ્યો છું..મેની મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધ ડે ટુ માય એંજલ દિવ્યતા એન્ડ યોર મમ્મી અવની.” હેપી બર્થ ડેના મધુરા સૂરો પછી શૈલેન્દ્રદાદાએ પ્રેમાળ અવાજે પૂછ્યું, “ક્યાં ગઈ અવની?
“એ જાડી તો ઉપર હશે! મમ્મી અને પપ્પા બંને કંઈક રક્ઝક કરતા હતાં.” દસ વર્ષની દિવ્યતાએ કાલા કાલા લહેકામાં દાદાને કહ્યું.
“જાડી” અને “રક્ઝક” સાંભળતાની સાથે જ શૈલેન્દ્રદાદા બાર વર્ષ જૂની સ્મૃતિમાં ખોવાઈ ગયાં.

“જીદ હું નથી કરતી મિસ્ટર શાલીન, તમે જીદ કરો છો!” ત્રીસ ત્રીસ વર્ષે પણ માતૃત્વથી કોરી રહી ગયેલ અવનીની જીદ આજે તોફાને ચડી હતી.
“અવની, આઈ લવ યુ સો મચ ડાર્લિંગ, પણ જે શક્ય નથી તે નથી જ.” શાલીનને આ “મિસ્ટર શાલીન”નો કટાક્ષ અસહ્ય લાગ્યો. જયારે કોઈ પણ વિવાહિત સ્ત્રી જો માતૃત્વથી વંચીત રહે તો એનામાં પણ આવાં કટાક્ષકાર લેખકોની આત્મા આવી જાય.
“મારે પણ બાળક જોઈએ છે, પણ શૈલેન્દ્રફુઆએ તને શું કહ્યું છે કે હજી થોડું વજન વધાર તો ડિલિવરીમાં તને કોઈ વાંધો ના આવે.” સુકલકડી અવનીના સૂતળી જેવા બાવડા પકડીને હિન્દી સીરિયલના હીરોની જેમ શાલીન બોલ્યો.
“હા, તો શું? આજથી પણ જો ગણતરી કરીયે તો મારી પાસે નવ-નવ મહિના છે.” નવ મહિના બોલતાની સાથે જ અવનીમાં રોમાંચ આવી ગયો.
“તું નહીં સમજે એટલે નહીં જ સમજે અવની, ખરું ને?” શાલીનથી એક રાડ નંખાઈ ગઈ.
શાલીનમાં આવું વર્તન પહેલી જ વખત જોઈ રહેલી અવનીનું આખું શરીર ધ્રુજવા લાગ્યું અને સોફા પર જોરથી પછડાઈ.
શાલીને પણ બધો ગુસ્સો અને ચર્ચા બાજુ પર મૂકીને કાગળિયા જેવા અવનીના શરિરને આલિંગન કર્યું અને એનું માથું પોતાનાં ખોળામાં લઇ પીઠ થાબડવા લાગ્યો.

“શાલીન મને બહું જ ચક્કર આવે છે, મારી કમર બહું જ દુઃખે છે.”
“પાછી તારી આ કમ્પ્લેઇન્ટ ચાલુ થઇ ગઈને! જયારે જયારે પણ તું ગુસ્સે થાય છે કે નારાજ થાય છે ત્યારે તારી આ કૉમન કમ્પ્લેઇન્ટ હોય છે.”
“અત્યારે અસહ્ય દુખે છે, આઈ નીડ પરમેનન્ટ સોલ્યૂશન યાર. સીન્સ લાસ્ટ ફ્યુ ડેયઝ ઇટ્સ ઈમ્બેરેબલ.”
“સારું, કાલે હું વર્કફ્રોમ હોમ કરીને આપણે શૈલેન્દ્ર ફુઆને બતાવી આવીએ.” આજે રજા નહીં લેવાય..હમણાં હમણાં બહું જ રજાઓ પાડી છે.


“આવો..આવો શાલીનકુમાર, આવ બેટા અવની, હોલીડેનો થાક હજી ઉતર્યો નથી હે ને?” અમદાવાદ શહેરના નામી ગાયનેકોલોજિસ્ટ અને અવનીના ફુઆ ડૉ. શૈલેન્દ્ર શાહે શાલીન અને અવનીને માનભર્યો આવકાર આપ્યો.
“સોનોગ્રાફી રિપોર્ટ લઈને આવ્યાં છો ને?” ફુઆએ શાલીનકુમારને પૂછ્યું.
“હા, ફુઆ..પણ…”
“મને ખબર છે તમે બંને ચિંતિત છો કે મેં અવનીને ચકાસ્યા વગર જ સોનોગ્રાફી કરાવવાનું કેમ કહ્યું. હે ને?” ડૉક્ટર કમ ફુઆએ સોનોગ્રાફી રિપોર્ટ હાથમાં લેતાં હળવેકથી કહ્યું. “અમે ડૉક્ટરો થોડાં શંકાશીલ તો ખરા જ!!”
“હા, પણ એ શંકા ક્લિનિક સુધી જ..” આવા ગરીબ જોકનું માન રાખવા શાલીન અને અવની ખોટું તો ખોટું હસ્યાં!
ફુઆ પણ રિક્ષાના ડાંચકા વાગે એમ થોડું હસ્યાં પણ રિપોર્ટ વાંચતાની સાથે જ એમનાં બાળસહજ મોઢાં પર ગંભીરતા આવી ગઈ.
“આઈ હેડ અ ડાઉટ એન્ડ ઈટ…” ડૉ. શૈલેન્દ્ર એમનાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન માટે પ્રખ્યાત હતાં.
શાલીન અને અવનીએ એમને મળવાની વાત કરી હતી તે જ વખતે તેમણે અવનીનો સોનોગ્રાફી રિપોર્ટ કરાવીને જ આવવા જણાવ્યું હતું.
બંનેને આ રિપોર્ટ કરાવવું અજુક્તું તો લાગ્યું હતું પણ એમને ડૉક્ટર ફુઆની કાબિલિયત પર ઊંડો વિશ્વાસ હતો.
“બેટા, આઈ એમ સોરી ટુ સે બટ યુ હેવ “સી.કે.ડી” (ક્રોનિક કિડની ડિસીઝ).”
“ઈનફેક્ટ આ રિપોર્ટ પ્રમાણે તારી એક કિડની નાનપણથી જ કામ નથી કરતી અને એનાં કારણે તને આ બીજી કિડની ઉપર ખૂબ લોડ પડે છે.” ફુઆ ડૉક્ટરના અંદાજમાં બોલ્યા તો ખરાં પણ સૌથી વધારે એમને જ વેદના થઇ. કારણકે એમની પત્નિ દિવ્યાનું અવસાન પણ ક્રોનિક કિડની ડિસીઝના કારણે જ થયું હતું.
થોડીવાર વાતાવરણ ઠંડુ ગાર થઇ ગયું. શાલીન અને અવની બંને તો બરફની મૂર્તિની જેમ સજ્જડ થઇ ગયાં. ભવિષ્ય સામે દેખાતું જ હતું કે અવની ટૂંક સમયમાં પીગળીને પાણી થઇ જવાની અને એનાં વગર શાલીન પણ ક્યાં જીવી શકવાનો હતો. ફુઆનું એક વાક્ય જ વાવાઝોડું બની ગયું.
“શાલીનકુમાર આમ બંને જણા ઢીલા ન પડો. હવે આ જમાનામાં આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવાં અનેક ઉપાયો છે.” બંનેના ડુસકાઓને ઘડીક આશ્વાશન મળ્યું.
“પણ એ ક્યાંથી…કઈ રીતે..કોણ…” શાલીનની અધીરતા એનાં પ્રશ્નોમાં દેખાઈ.
“જુઓ, મારાં બે-ત્રણ મિત્રો નેફ્રોલોજિસ્ટ છે. આપણે એમની સલાહ લઈશું. જો આપણને કોઈ કિડની ડોનર મળી જાય તો અવનીની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવીને એને નવજીવન આપી શકીશું.”
‘રામ રાખે તેને કોણ ચાખે’ના ન્યાયે સ્ટેટ કિડની ફાઉન્ડેશનની મદદથી એક કિડની ડોનર મળી જ ગયો. અવનીની કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ પણ થઇ ગયું. પણ નેફ્રોલોજિસ્ટ ડૉક્ટરની સલાહ હતી કે મોડે મોડે પરણેલ આ યુગલ હવે સ્વપ્ને પણ બાળકનું ન વિચારે.

ટ્રાન્સપ્લાન્ટના થોડાક જ સમયમાં અવનીનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે સુધરવા લાગ્યું હતું. મનના મક્કમ સ્વભાવને લીધે એનાં શરીરની નબળાઈ હવે સ્વસ્થ થવા લાગી હતી.
રોજીંદુ જીવન પાછું આવતા બંને જણાએ એકાદ બે વર્ષ તો જનેતા બનવાની ઈચ્છાને દબાવીને રાખી. પણ એક દિવસ અચાનક જ ડૉક્ટરની સલાહને અવગણીને અવનીએ શાલીન સમક્ષ મા બનવાની ઈચ્છા વ્યક્ત કરી.
શાલીન અને શૈલન્દ્રફુઆના ઘણું સમજાવવા છતાં પણ અવની એકની બે ન થઇ. જીદે ચડેલી અવનીની ઈચ્છાને અંતે હકારની મહોર લાગી.
કુદરતને પ્રાર્થના કરીને બે-બે વખત પ્રયત્ન કરવાં છતાં પણ અવનીના ખોળાને અસફળ ડિલિવરીની જ સોગાદ મળી.
અવનીની મા બનવાની લગની હજી પણ અકબંધ હતી. એની આટલી બધી હકારાત્મકતા જોઈને પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અને પોતાના સગા ફુઆ ડૉ શૈલેન્દ્ર શાહે અવનીને “આઈવીએફ” પધ્ધતિ દ્વારા પણ માતૃત્વ પ્રાપ્ત કરી શકાય છે તેવી નવી આશા આપી.
આખરે માતૃત્વની જીત થઇ અને અવનીના જન્મદિવસે જ એને કુદરતે એક પુત્રીની સોગાદ આપી.
સલાહ, સૂચન, સાથ, સહકાર અને સકારાત્મકતામાં હંમેશા સંગાથે રહેલા શૈલેન્દ્ર ફુઆના ફાળે આજે ફોઈનું કર્મ કરવાનું નસીબમાં આવ્યું.
અવનીની ઇચ્છામાં માતૃત્વની દિવ્યતા નીતરતા જોઈ ફુઆએ અવની અને શાલીનની દીકરીનું નામ “દિવ્યતા” રાખ્યું.

દ્રષ્ટિકોણ 47: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – હિન્દૂ ધર્મ (સર્વ ધર્મ સમાન) – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ કોલમ ઉપર યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, બુદ્ધ, શીખ, ઇસ્લામ વગેરે ધર્મો ઉપર આપણે ચર્ચા કરેલી છે. આજે હિન્દૂ ધર્મ અને સાહિત્ય અને તેના શિલ્પકામ ઉપર થોડી વાત કરીએ.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.
હિન્દૂ ધર્મ: હિન્દૂ ધર્મ પુરાતન ધર્મ છે અને તેનું સાહિત્ય ખુબ જ વિશાળ છે.  તેથી સઘળા હિન્દૂ સાહિત્ય વિષે કઈ પણ કહેવું સહેલું નથી. સૌ પ્રથમ, હિન્દૂ સાહિત્ય માં વેદ અને ઉપનિષદ નો ઉલ્લેખ થાય. ભગવદ ગીતા, અગામા, ભાગવત પુરાણ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ નો સમાવેશ તેમાં થાય. ત્યાર બાદ શ્રુતિ અને સ્મૃતિ નો સમાવેશ થાય. શ્રુતિ એટલે સાંભળેલું ધર્મ સાહિત્ય અને સ્મૃતિ એટલે સ્મરણ કરેલું સાહિત્ય – કેમકે મોટા ભાગનું ધર્મ વિશેનું પુરાતન જ્ઞાન આ બે પ્રકારનું હતું. હિન્દૂ દાર્શનિક જ્ઞાનીઓ, નિબંધકારો, કવિઓ વગેરે લોકોએ રાજકારણ, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિ, કલા, સમાજ, સામાજિક નિયમો, અને સાત્વિક અને આધ્યાત્મિક તેમજ રોમેન્ટિક પ્રેમ જેવા વિવિધ વિષયો સાથે હિન્દૂ ધર્મને એ રીતે સાંકળી લીધો છે કે હિન્દૂ ફિલસુફી જીવન જીવવાનો માર્ગ બતાવે છે.  
ખાસ કરીને નરસિંહ ના કાવ્યો, તુલસીદાસ ની કૃતિઓ, મીરા ના ભજનો, કબીર ના દોહા અને કાલિદાસ ના નાટકો જેવી સર્જનાત્મક અને કલાત્મક કૃતિઓમાં હિન્દૂ ધર્મ ના સંદેશ ને સુંદર રીતે સાંકળી લેવામાં આવ્યો છે. સંત તુલસીદાસ હનુમાન ભક્ત હતા અને તેમણે હનુમાન ચાલીસામાં એ રીતે ઈશ્વરને સાંકળી લીધા છે કે શ્રી અટકિન્સે હનુમાન ચાલીસા નો અંગ્રેજી માં ભાષાનુવાદ કર્યો ત્યારે તેમણે કહ્યું કે “ઈશ્વર વિષે આટલી સુંદર રચના માણ્યા બાદ કોણ ભાવના થી બુલંદ થઈને સ્વર્ગ ના સીધા માર્ગે જવાનું પસંદ ન કરે?” 
તુલસીદાસે કહેલું,
रामचरितमानस बिमल संतनजीवन प्रान ।
हिन्दुवान को बेद सम जवनहिं प्रगट कुरान ॥
એટલે  “નિષ્કલંક રામચરિતમાનસ સંતોના જીવન ના શ્વાસ સમાન છે. તે હિન્દુઓ માટે વેદો અને મુસ્લિમો માટે કુરાન સમાન છે. 
ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિમય રંગે રંગાયેલ મીરા ના ભજન હૃદય સોંસરવા નીકળી જાય તેવા છે.
पायो जी मैंने राम रतन धन पायो
जन्म जन्म की पूंजी पाई
जग में सबी खुमायो
पायो जी मैंने राम रतन धन पायो
કબીર ના તો નાના નાના દોહા માં એટલું શાણપણ સમાયેલ છે કે બે વાક્ય માં જીવન નો માર્ગ મળી જાય અને સાંભળવામાં પણ તે ખુબ સુંદર લાગે છે. તેમાં માત્ર ઈશ્વરનો ઉલ્લેખ નથી પણ જીવન માટેના સિદ્ધાંતો સમાયેલ છે. જેમકે જો ખરાબ વ્યક્તિને શોધવા નીકળું તો મારાથી ખરાબ કોઈ નથી મળતું, અને ઈશ્વર; જયારે તું જગત માં આવ્યો ત્યારે તું રોયો, બધા હાસ્ય, હવે એવા કર્મો ના કરીશ કે તું જાય પછી બીજા હસે, ચોપડીઓ વાંચી વાંચીને પંડિત ન બનાય પણ અઢી અક્ષર પ્રેમ નો જે સમજે તે પંડિત થાય , અને તારો ઈશ્વર તારામાં જ છે, તું જાગી શકે તો જાગ.
બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલા કોઈ
જો મન ખોજા અપના, મુજસે બુરા ન કોઈ 
જબ તું આયા જગત મેં, લોગ હસે તું રોય
ઐસી કરની ના કરી, પછે હસે સબ કોઈ 
પોથી પઢ પઢ કર જગ મૂઆ, પંડિત ભાયો ના કોઈ
ઢાઈ અક્ષર પ્રેમ કે જો પઢે સો પંડિત હોય 
જૈસે તિલ મેં તેલ હૈ, જ્યોં ચકમક મેં આગ
તેરા સૈ તુજમેં હૈ, તું જાગ શકે તો જાગ 
અને વારંવાર હિન્દૂ ધર્મ માં શાંતિ નો ઉપદેશ વણી લેવામાં આવ્યો છે જેમકે…
સર્વે જન સુખીનો ભવંથુ – દરેક જણ ને સુખ મળે
માનવ સેવે, માધવ સેવા – વ્યક્તિની સેવા કરવી તે પ્રભુ ની સેવા કરવા સમાન છે.
અહિંસા પરમોધર્મ – હિંસા ન કરવી તેજ સૌથી મોટો ધર્મ છે. 
હિન્દૂ ધર્મ માટે ઘણું ઘણું લખાયું છે અને મોટા ભાગના વાચકો પણ મારા કરતા ખુબ મોટા જ્ઞાન  નો ખજાનો આ વિષય ઉપર ધરાવે છે. આ વિષય ને પૂરો ન્યાય આપવાનું મારી કુશળતા ની બહાર છે. 
હિન્દૂ મંદિરોનું શિલ્પકામ: વિશાળ હિન્દૂ મંદિરો દુનિયા માં ઠેર ઠેર છે. પણ સૌ પ્રથમ ખુબ જુના વિશાળ હિન્દૂ મંદિર વિષે હું નાનપણમાં શાળામાં ભણી હતી તે જોવાની મને ખુબ ઉત્કંઠા હતી અને આખરે પુરી થઇ તેની વાત કરું. ચારેક વર્ષ પહેલા મારી દીકરી અને હું કંબોડીયા ગયા ત્યારે ત્યાંના અંકોર વાટ હિન્દૂ મંદિર ની સફર અમે કરી. અંકોર વાટ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે અને તે 402 એકર ની જગ્યા ઉપર રાજા સૂર્યવર્મન 2 દ્વારા 12મી સદીમાં બનાવાયેલ. તે મંદિર ભગવાન વિષ્ણુ ને અર્પિત છે. 
ભારત માં ઘણા સુંદર હિન્દૂ મંદિરો છે. તામિલનાડુમાં આવેલ શ્રીરંગમ મંદિર હાલ માં ઉપયોગ માં લેવાતું સૌથી મોટું હિન્દૂ મંદિર છે અને તે 156 એકર ના વિસ્તાર માં આવેલ છે. જો કે, આખા મંદિરનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે કરવામાં આવતો નથી.  સાતમાંથી પ્રથમ ત્રણ દિવાલોનો ઉપયોગ રેસ્ટોરન્ટ્સ, હોટલો, ફૂલ બજાર, રહેણાંક ઘરો અને વ્યાપારી સંસ્થાઓ માટે રાખવામાં આવ્યો છે. દિલ્લીનું આકાશવર્ધન મંદિર પણ ખુબ પ્રખ્યાત છે અને તેની ઉપર 7000 શિલ્પકારો અને 3000 સ્વંયસેવકોએ કામ કરેલ છે. ભારત ના બિરલા મંદિરો, બેલુર મઠ, મીનાક્ષી મંદિર, જગનાથ પુરમ નું મંદિર વગેરે બધાજ મંદિરો નું શિલ્પકામ અદભુત છે. થિરુવનંથપુરમ માં આવેલ શ્રી પદ્મનાભસ્વામી નું મંદિર પ્રખ્યાત છે અને ત્રણ વર્ષ પહેલા મારા કઝીન્સ જોડે હું તેની મુલાકાતે ગયેલ. કહેવાય છે કે આ મંદિર ના પાયા એટલા જુના છે કે હિન્દૂ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ માં તેનો ઉલ્લેખ થાય છે. અને આ મંદિર દુનિયા ના બધા ધર્મસ્થળ માં સૌથી ધનવાન જગ્યા છે. કહેવાય છે કે તેના નીચા ભાગ માં આવેલ સોના, હીરા, કિંમતી પથ્થરો અને દાગીના ની કિંમત 1.2 લાખ કરોડ એટલે કે 17 બિલિયન અમેરિકન ડોલર જેટલી થાય. લોકો એટલું દાન કરે છે કે તે ધન વધતુંજ જાય છે. 
સ્વામિનારાયણ સંપ્રદાય ના 10 મંદિર ભારત માં બનાવવામાં આવેલ। અત્યારે દુનિયા માં તેવા 1000 થી વધુ સંખ્યામાં મંદિરો છે. શ્રી કૃષ્ણ ને અર્પિત આ મંદિરોમાં પૂજા માટે ના પરિભ્રમણ માટે મંદિરની મધ્યસ્થમાં માર્ગ હોય છે અને સ્ત્રીઓ અને પુરુષો માટે બે અલગ વિભાગ હોય છે. ભાગવત પુરાણમાં વર્ણવેલી ઘટના જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનના ગ્રામજનોને મુશળધાર વરસાદથી આશ્રય આપવા માટે ગોવર્ધન ટેકરી ઉંચી કરી હતી તેની કૃતજ્ઞતા દર્શાવવા ગોવેર્ધન પૂજા દરમ્યાન ભક્તો ભગવાન ને અન્નકૂટ (વિવિધ શાકાહારી ભોજન) અર્પણ કરે છે.

Famous indian Madhya Pradesh tourist landmark - Kandariya Mahadev Temple, Khajuraho, India. Unesco World Heritage Site

ખજુરાહો મંદિરો: મધ્ય પ્રદેશ માં આવેલ ખજુરાહો ના પાંચ મંદિર જૈન અને હિન્દૂ ધર્મ ના છે. લગભગ બારેક વર્ષ પહેલા હું મારી અમેરિકન સહેલી ને લઈને ત્યાંની સફરે ગયેલ. આ મંદિરો ચંદેલ વંશ દ્વારા 950 થી 1050 ની વચ્ચે બનાવવવામાં આવેલા. આ મંદિરો તેમના શૃંગારિક શિલ્પો માટે પ્રખ્યાત છે.  મંદિરો સીબ સાગર, અને ખજૂર સાગર ની પાસે બાંધવામાં આવેલ અને મોટા ભાગના મંદિરો ના પ્રવેશદ્વાર સૂર્યોદય તરફ બનાવેલ છે. આ બધા મંદિરો માં દેવીઓ અને દેવતાઓ બંને નો સમાવેશ થાય છે.  શિલ્પકામ હિન્દૂ ધર્મ ના ચાર પ્રતીક ને ધ્યાન માં રાખીને બનાવેલ છે; તે છે ધર્મ, કર્મ, અર્થ, અને મોક્ષ. ત્યાંના મંદિરો શિવ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય દેવતા અને જૈન તીર્થંકરોને અર્પિત છે.  આ મંદિરો તેમના શારીરિક અને શ્રુંગારિક શિલ્પકામ માટે જાણીતા છે અને તે શિલ્પકામ ખરેખર અદભુત છે પણ તે માત્ર 10 ટકા નું કામ છે. બાકી પણ ઘણું બારીક શિલ્પકામ છે. 
AUROVILLE,PUDUCHERRY (PONDICHERRY)/INDIA-FEBRUARY 26 2018:A groundsman tends an area in front of the golden globe of Matrimandir or  Mother Temple, which stands as the spiritual center of Auroville.
છેલ્લે અરોબિન્દો આશ્રમ, પોન્ડિચેરી માં આવેલ માતૃમંદિર નો પણ ઉલ્લેખ કરું છું. માતૃમંદિર આમ જોઈએ તો હિન્દૂ મંદિર નથી. પણ સર્વ ધર્મ સમાન ની હિન્દૂ ભાવના થી બનેલ અત્યંત સુંદર મંદિર છે. હું નાનપણ માં બે, ત્રણ વાર ગયેલી પણ ત્યારે માતૃમંદિર બંધાતું હતું.  હમણાં ત્રણેક વર્ષ પહેલા મને ત્યાં જવાનો ફરી મોકો મળ્યો અને પૂરું થયેલ મંદિર ની સફર કરી અને તેમાં મેડિટેશન નો લાભ લીધો. માતૃમંદિર નું મહત્વ એ છે કે તે કોઈ પણ ધર્મ ના સાધક ને તેના જિંદગી માટેના મુખ્ય સિદ્ધાંતો ને વિચારવા માટે ત્યાં શાંતિપ્રધાન જગ્યા મળે છે. માતૃમંદિર ને બનતા 37 વર્ષ થયા અને તે સાલ 2008 માં પૂરું થયું. તે ગોળાકાર મંદિર ની 12 પાંખડી છે. જીઓડિસિક સોનેરી ગુમ્બજ સૂર્ય ના કિરણો નું પ્રતિબિંબ એ રીતે પાથરે છે કે તે ખુબ અદભુત દેખાય છે. આ વિશ્વનો સૌથી મોટો ઓપ્ટીકલી પરફેક્ટ ગ્લાસ ગ્લોબ કહેવાય છે.  સેન્ટ્રલ ડોમની અંદર એક મેડિટેશન હોલ છે અને તે લોકો માટે ખુલ્લો છે. ત્યાં મેડિટેશન કરવા માટે મૉટે ભાગે પહેલે થી નામ નોંધાવવું પડે છે. 
આપણે ભારત માં પ્રચલિત બધા ધર્મો વિષે અને તે ધર્મ ના દુનિયા ના શિલ્પકામ વિષે વાત કરી. આવતે અઠવાડિયે હું સમીક્ષા અને ધર્મ વિશેના મારા થોડા વિચારો રજુ કરીશ.