Vicharyatra : 20 Maulik Nagar “Vichar”

એ વ્યક્તિત્વને સગી માનું ધાવણ નસીબમાં ન હતું એટલે જ કદાચ તે મા-ધવથી ઓળખાય છે.

માધવની તો મારા પર જબરી કૃપા છે. મનમાં વિચાર લાવનાર પણ તે અને એ જ વિચારનાં પરિણામનું કારણ પણ તે જ.
જયારે પણ કૃષ્ણ સંબંધિત કોઈ પણ પુસ્તક વાંચું એટલે પહેલાં જ એ વિચાર આવે કે શું હજી પણ ગોકુળમાં ગોપીઓ હશે? અને જો ક્યાંક ગોપીઓ હશે પણ ખરા તો અત્યારે તો તે ગોપીઓની લચકતી કમર પણ હવે લચી પડી હશે. એમની ગાગર પણ હવે નક્કર થઈ ગઈ હશે. ગાગર પર મંડાતા કંકરના અવાજની જગ્યા હવે મધુવનના સુકાયેલા પાંદડાઓએ લઇ લીધી હશે. કાલિંદીનું જળ હવે ખારું થઇ ગયું હશે. કારણ માધવને જેટલો શોધવાનો પ્રયન્ત કરીએ છીએ તેટલું જ તે દૂર ભાગે છે.
જીવન મધુરું તો છે. પણ અધૂરું પણ એટલું જ છે.
માધવની યાદ છે પણ વાંસળીનો સાદ નથી.
માધવનો અંશ છે પણ એનો સ્પર્શ નથી.
કુળનું હિત છે પણ માધવનું સ્મિત નથી.

માધવની ગેરહાજરી એટલે શ્વાસને ઉછીના મૂકવા જેવી બાબત છે. માધવ એવું વ્યક્તિત્વ છે, જેને સગી માનું ધાવણ નસીબમાં ન હતું, એટલે જ કદાચ તે મા-ધવ તરીકે ઓળખાય છે. જન્મતાવેંત જ સામાજિક પરીક્ષા શરૂ થઇ ગઈ છતાંય એમને હંમેશા આપણે હસતા જ નિરખેલા છે. પ્રત્યક્ષ કદાચ કોઈએ જોયા નહીં હોય, પણ કૃષ્ણ નામ આવે એટલે એક હસતો સૌમ્ય ચહેરો આપણી નજર સમક્ષ ઉભો થઇ જાય છે.
માધવનું જીવન એટલે જવાબદારીઓનું પોટલું, જેમાં તેમણે બધાને ખુશ રાખ્યા છે. પાછલા જન્મમાં રામ અવતારે આપેલા બધાં જ વચનો પણ નિભાવ્યા છે અને કૃષ્ણાવતારમાં અનેક સંબંધો પણ.
ગોકુલની એકેએક રજને મોક્ષ આપ્યો છે, તો દ્વારકામાં રાજપાટ સંભાળી ત્યાંના લોકોને ધન્ય કર્યા છે.
માધવ ક્યારે ક્યાં હોય છે એની કોઈને ખબર નથી હોતી. કૃષ્ણને શોધવા માટે નારદમુની જેવાં જ્ઞાનીને પણ વર્ષો લાગ્યા હતા. તો કૃષ્ણ ક્યાં છે? તે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન કરનાર પાસે જ છે. શબ્દથી નહીં પણ અનુભવથી.
કૃષ્ણને શોધવા એક દ્રષ્ટિની જરૂર છે, આંતરદ્રષ્ટિની.
કૃષ્ણ સ્મિતની સોગાદ આપે છે અને વિરહની વેદના પણ આપે છે.
આપણામાં એક મોટી ગેરસમજ છે. આપણા મને ઈશ્વર એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ ઈશ્વર. પરંતુ ઈશ્વર પાસે હંમેશા આપણે કંઈકને કંઈક ઝંખતા હોઈએ છીએ. પણ જો કૃષ્ણને કૃષ્ણ છે તેમ જ સ્વિકારીએ તો આપણી દ્રષ્ટિ કોઈ જ પણ લાલચ વગરની પ્રેમાળ બની જાય છે. અને કૃષ્ણની હાજરી આપણી આસપાસ મહેસૂસ થાય છે. એકદમ અનકંડીશ્નલ.
એટલે “માધવ ક્યાંય નથી મધુવનમાં” નહિ પરંતુ હવેની બાકી રહેજી જિંદગીમાં “જ્યાં સુધી માધવ ત્યાં સુધી આપણું મધુર મન.”
મૌલિક “વિચાર”

Vicharyatra : 19 Maulik Nagar “Vichar”

મૌન

જો આપણે એવું વિચારતા હોઈએ કે “મૌન” શબ્દકોશમાંનો એક શબ્દ છે. તો આપણી સમજ હજી પણ અધૂરી જ છે. “મૌન” તો એક ભાષા છે. આ ભાષામાં કોઈ શબ્દો નથી છતાં પણ એ સચોટ રીતે અભિવ્યક્ત કરી શકે છે. કોઈ પણ કવિ પોતાની કવિતા ભલે ગમે તે ભાષામાં કલમથી લખે પણ સૌથી પહેલાં તે કવિતા કે લેખની ઉત્પત્તિ મૌનમાં જ થતી હોય છે અને એ જ મૌનને કાળા, ભૂરા કે લાલ રંગથી આકાર મળે છે.

કોઈ પણ લેખક એની માનસ સપાટી ઉપર એનાં વિચારોની મૌનથી કોતરણી કરે તો તે કાવ્યો, તેનાં વિચારો જગતભરમાં ગૂંજે છે. કોઈ સચોટ આધ્યાત્મિક કે પ્રેરણાત્મય વક્તા પોતાનાં વક્તવ્ય પહેલાં પોતાનાં મૌનને સાંભળે તો એના એક-એક વાક્યથી શ્રોતાઓને પારદર્શક દિશા દર્શન મળે. જો કોઈ ગાયક પોતાનાં મધુર કંઠે નીકળતા સૂરો પહેલાં મૌનનો રિયાઝ કરે તો તેનાં સૂરોને અવિરત વેગ મળે. મૌનની ભાષા કાનથી સંભળાતી નથી, તે કંઈ આંખથી જોવાતી પણ નથી. તે તો આપણાં રુંવાટાથી જ અનુભવાય છે.

શબ્દથી કોઈ પણ સમસ્યાનું સમાધાન થઇ શકે પરંતુ મૌનથી તે સમસ્યાઓનું નિરાકરણ અને ઉકેલ આવી જાય છે. મૌનમાં અદ્રશ્ય તાકાત સમાયેલી છે. ધ્યાન માત્ર આંતરિક કોલાહલને શાંત પાડે છે. પણ મૌન આંતરિકથી બાહ્ય શાંતિ સ્થાપે તે વર્તુળ છે. મૌન એ આપણી એવી મિલકત છે જે આપણી પાસેથી કોઈ છીનવી નહિ શકે.

હમણાં થોડા દિવસો પહેલાં મારાથી બેવડી ઉંમરના મારા એક વિદ્યાર્થીએ મને પૂછ્યું, “કે સાહેબ તમે તો સંગીતના માણસ અને ઉપરથી કવિતાઓ પણ લખો એટલે તમને “પ્રેમ”ની વ્યાખ્યા તો ખબર જ હોય ને! તમારા મતે “પ્રેમ” એટલે શું?” મારાં માટે જવાબ આપવો અઘરો હતો કેમકે તે અંકલ પણ સારું એવું લખે છે. એટલે એમની પાસે પણ તર્ક અને દલીલ બંને ભારોભાર હોવાનો મને પરચો છે. છતાંય મારા ઉત્તરને તેમણે બાથ ભરીને સ્વીકાર્યો. મેં તેમને કહ્યું,”અંકલ, જો કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રેમિકા, પત્ની કે તેના કોઈ પણ પ્રિયજનના ના બોલાયેલા શબ્દો પણ સાંભળી શકે તે જ “પ્રેમ”. કેટલી સાચી વાત છે. ઈશ્વર પણ આપણી સાથે મૌન વહેવાર જ રાખે છે ને! છતાં પણ આપણને તેમનાં પર અતૂટ શ્રધ્ધા છે.

મને તો એવું લાગે છે કે હવેથી મારે “મૌન”ની પણ ૧૦૮ મણકાવાળી માળા ફેરવવાનું ચાલું કરી દેવું જોઈએ.
-મૌલિક વિચાર

Vicharyatra : 18 Maulik Nagar “Vichar”

વિશ્વાસ

વિશ્વાસ શબ્દ કેટલો જોરદાર છે. એક જ શબ્દમાં વિષ પણ છે અને શ્વાસ પણ છે. આ તો મલ્ટી ટેલેન્ટેડ શબ્દ કહેવાય. ૩૬૦ ડિગ્રીએ માણસને ઘેરી લે તેવો શબ્દ છે.
“વિશ્વાસ” શબ્દમાં ગીતાજીના અઢારે અઢાર અધ્યાય આવી જાય છે.
વિશ્વાસમાં બે ભાવ છુપાયેલા છે. નકારાત્મક ભાવ એટલે “વિષ” અને હકારાત્મક ભાવ એટલે “શ્વાસ”
એક ભાવ જીવ લેવાની પ્રવૃત્તિ રાખે છે અને એક જીવાડવાનું સાહસ કરે છે. વિશ્વાસ એટલે ઈશ્વરનો શ્વાસ પણ જો તે ખરોના ઉતરે ત્યારે તે ઘાતક વિષ બનીને સંબંધનું મરણ કરી નાખે છે. દિલ તૂટવાની વાતો આખું ગામ કરે છે. અનેક કવિઓ, લેખકો આ દિલ તૂટવાના વિષય પર લખ્યાં કરે છે. એમાં એક કૉમન વસ્તુ છે કે એ દિલ તોડનાર કલ્પ્રિટ (અપરાધી) દિલ તોડતા પહેલાં સૌથી પહેલો વિશ્વાસ તોડે છે. એટલે જ કહેવાય છે ને કે ‘ક્યાંક આપણાથી ભૂલ થાય તો આપણે માફી માંગી શકીએ પણ જો આપણે કોઈનો વિશ્વાસ તોડીએ તો તે ક્યારેય સંધાતો નથી.’ એનાથી ઉલ્ટું જો કોઈક અજાણ્યાએ આપણા પર કરેલા નાનકડા ભરોસા પર આપણે ખરા ઉતરીએ તો ત્યાં એક નવા સંબંધને શ્વાસ મળે.

કોઈના ઉપર વિશ્વાસ કરવો એનાં કરતા કોઈના વિશ્વાસુ બનવું વધારે અઘરું છે. જો આપણે આપણાં પોતાના વિશ્વાસુ બનીએ ત્યારે એક પ્રામાણિક જીવનો જન્મ થાય. અને આપણામાં એક મૂલ્યવાન પાત્રનું ઘડતર થાય. વિશ્વાસ નરી આંખે જોઈ નથી શકાતો એટલે એને સ્વિકારવો બહું અઘરો છે. વિશ્વાસ ડગે એટલે માણસની મતિ મરી જાય. પરંતુ એવું પણ બને કે અડગ વિશ્વાસથી આપણું જીવવું સફળ બની જાય. પૈસા કમાતા કદાચ એટલી વાર ન લાગે જેટલો સંઘર્ષ આપણે વિશ્વાસ કમાવવા કરવો પડે.
ક્યાંક ખૂબ સુંદર વાક્ય નજરે પડ્યું હતું. “વિશ્વાસ કમાતા વર્ષો લાગે છે અને એને તૂટતાં માત્ર એક ક્ષણ અને તે તૂટેલો વિશ્વાસ ક્યારેય પાછો જીવિત નથી થતો.”

જો આપણા પર લોકો વિશ્વાસ કરતા હોય તો સમજવાનું કે આપણે ઈશ્વરના પ્રિય પાત્ર છીએ.

  • મૌલિક વિચાર

Vicharyatra : 17 Maulik Nagar “Vichar”

“ખોટા નિર્ણયનો સંતોષ જયારે સાચા નિર્ણયના આયુષ્ય કરતાં વધારે હોય તો સમજવાનું કે ઈશ્વર તમારી સાથે છે!” -મૌલિક “વિચાર”

મારો એક સ્વભાવ કહો કે દુર્ગુણ કહો, પરંતુ હું કોઈ પણ નિર્ણય લઉં તો ક્યારેય કોઈની સલાહ નથી લેતો. એ જ મને મારા માટેનો સદ્ગુણ લાગે છે.
મારા મતે કોઈ નિર્ણય સાચો કે ખોટો નથી હોતો. એ તો માત્ર સમયના માપદંડથી માપેલું પરિણામ છે. આપણે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે એમણે આપણને નિર્ણય લેવાં માટે સક્ષમ તો બનાવ્યાં.

આ શીર્ષકનું વિધાન વાંચવામાં બહું અટપટું લાગે છે. સમજવામાં એનાથી વધું અટપટું છે. પણ જો એ એક વાર સમજાઈ જાય તો આપણે જે સામાજીક કે પારિવારિક બંધનમાં પીસાઈએ છીએ તેમાંથી આપણે મુક્ત થઇ જઈએ. આ સમસ્યા હજી પણ સંયુક્ત કુટુંબમાં જોવાં મળે છે. છોકરી હોય, નાનોભાઈ હોય કે નાનાભાઈના સંતાનો હોય બધાએ એક કહેવાતા વડીલનો નિર્ણય માન્ય રાખવો પડે છે. આમ તો કંઈ ખોટું નથી. વડીલનો નિર્ણય એ આપણા માટે હીતકારી જ હોય. પરંતુ પોતાની ઈચ્છઓને મારીને એ નિર્ણય સ્વીકારવો પડે તે પણ જાણ્યે અજાણ્યે એક સામાજીક જુલમ જ છે. હું તો એવું માનું છું કે પોતાની નીતિમય ઈચ્છઓને મારી નાખવી તે ઈશ્વરની આસ્થાને દફનાવવા બરાબર છે.
એક દિવસ આવા જ કોઈક મુદ્દા પર ચર્ચા ચાલતી હતી અને મેં પણ સહજતાથી મારી આવી વાત રજૂ કરી. ત્યાં એક વડીલે સામે દલીલ કરી કે, “ભાઈ, આપણે તેમની બધી ઈચ્છઓ પૂર્ણ કરવા દઈએ તો તે લોકો માથે ચડી જાય.” જવાબમાં મેં મારાં સ્વભાવ પ્રમાણે “વાત સાચી” કહીને એ ચર્ચાને ત્યાં જ દફનાઈ દીધી. પરંતુ જો મેં તેમને પૂછ્યું હોત કે “ભાઈ, તે લોકો એટલે….??”
આ તો કંઈ હરીફાઈ છે? તે લોકો અને અમે લોકો? અને તે લોકોમાં આવે કોણ? તમારા જ સગા દીકરા-દીકરી, ભાણ્યા-ભત્રીજા, પત્ની, ઘરની બધી જ વહુઓ…! હમણાં જ પરિવાર દિવસ ગયો. અનેક મેસેજીસ આવ્યાં. બધાએ પોતાનાં પરિવાર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. ખૂબ ગમ્યું. એમાં એક મેસેજ મને બહુ જ ગમ્યો. તે હતો કે “ગ્રુપમાં ફેમીલી હોય તો આનંદ આવે પણ ફેમીલીમાં ગ્રુપ હોય ત્યારે….?

મેં મારાં માટે લીધેલાં દરેક નિર્ણયનો હંમેશા મને સંતોષ મળ્યો છે. બની શકે કે બીજા કોઈને એવું લાગે કે આનો આ નિર્ણય ખોટો છે. પણ તે જ શુભેચ્છક કે પરિવારની દ્રષ્ટિથી લાગતો સાચો નિર્ણય મને એટલું સુકુન ન આપત જેટલું મને મારા લીધેલા ખોટાં નિર્ણયથી મળે છે. હવે તો હું આ સાચાં ખોટાની ગણતરીમાંથી પરે છું. કેમ કે, મારાં બધાં જ નિર્ણય નીતિથી મંજાયેલા હોય છે. અને એટલે જ મને લાગે છે કે ઈશ્વર મારી સાથે છે.
ઈશ્વર બધાને પોતાનું ધાર્યું કરવાની શક્તિ અને હિંમત આપે! -મૌલિક “વિચાર”

Vicharyatra : 16 Maulik Nagar “Vichar”

કાશ! મારું કોઈ ગામડું હોય,
એક ફળિયું રળિયામણું હોય,
ત્યાં શહેર જેવી દોડધામ નહીં.
પણ એકેએક જણ મારું હોય.

-મૌલિક વિચાર

માણસ હંમેશા સમય સાથે બદલાતો રહે છે. જો એ બદલાવનો આપણને સંતોષ હોય તો એની મજા અનેરી છે. એક સમય હતો જયારે ગામ શબ્દ સાંભળું ત્યારે કાચા-પાકા રસ્તા, છાણાથી લીપેલાં ઘરો, કાદવ, કીચડ, ધોતિયું પહેરેલાં માણસો, માથે દેગડું લઇને જતી સ્ત્રીઓ એ બધું જ નજર સમક્ષ આવતું. પણ જ્યારથી મિત્રો સાથે સ્વતંત્ર હરતો ફરતો થયો, મિત્રો સાથે તેમનાં ગામડે કાકા-મામાનાં ઘરે જતો થયો ત્યારથી ગામ અને ગામના લોકોમાં કંઈક અનોખું જ જોવાં મળ્યું.
હું તો કમનસીબ છું કે મારે તો કોઈ ગામડું જ નથી. અમારો તો પેઢીઓથી અમદાવાદમાં જ વસવાટ છે. લગભગ જે બધું જ ગામમાં છે તે બધું જ શહેરમાં પણ છે. કાચા પાકા રસ્તા, છાણ કાદવ, લારી-ગલ્લા બધું જ એમનું એમ અહીં શહેરોમાં પણ છે. બસ, ખાલી એક જ ફરક છે. ગામના લોકો એકબીજાને નામથી ઓળખે છે. જયારે શહેરોમાં ફ્લેટ કે બંગલા નંબરથી ઓળખાઈએ છીએ.

માણસો તો બધે જ સારા જ હોય છે. હોય જ ને વળી, કેમકે તેઓ માણસો છે. પણ ગામનાં માણસોની ફ્લેવર કંઈક ઔર જ હોય છે. ગામમાં ગલ્લે સરનામું પૂછીએ તો પેલો માણસ છેક સુધી આપણા ઠેકાણે મૂકી જાય અને અંતે તો આપણે તેને ગામડીયો જ કહીએ. પણ તે ગામડાનાં લોકોનો એક સ્વભાવ હોય છે. જો તેમને કોઈ સમસ્યા જણાવે તો તે તેમની પોતાની સમસ્યા સમજીને એકબીજાને મદદ કરે. અને જ્યાં સુધી એનું સમાધાન ના મળે ત્યાં સુઘી તે પડખે જ ઉભો રહે. મને તો લાગે છે કદાચ એટલે જ ત્યાં વાતાવરણમાં પ્રદૂષણ ઓછું હોય છે. આપણે નાહકના ગાડી સ્કૂટરના ધુમાડાઓને દોષ આપીએ છીએ.

સાત-આંઠ વર્ષ પહેલાંની વાત છે. હું એક મિત્ર અને એનાં પરિવાર સાથે ગણપતિનાં એક મંદિરના દર્શન કરવાં ગયો હતો. પાછા ફરતી વખતે તેનાં મમ્મીએ કહ્યું કે, “ચાલ, આપણું ગામ રસ્તામાં જ આવે છે. મામાને ત્યાં જ જમી લઈએ.” બપોરનાં બે વાગ્યા હતાં. એટલે સ્વાભાવિક છે કે તેનાં મામાના પરિવારે તો જમી જ લીધું હોય.
પેલાં મિત્રએ મામાને ફૉન કર્યો.
મામાએ કહ્યું, “અલા ભાણા…ઇમ તો કંઈ ફૂન કરવાનો હોય, આઈ જ જવાનું હોય ને.અમે તો રાજી થઇ ગ્યાં લે…..ને હાંભાળ નિરાંતે બે-ત્રણ દી’ રોકાઈને જ જજો.”
અમે લગભગ પંદર મિનિટની આસપાસ ગામની હદમાં પ્રવેશ્યાં. મારી નવાઈનો પારના રહ્યો. મારો મિત્ર અને તેનાં પરિવારના લોકો પણ વર્ષનાં વચલે દિવસે જ ગામડે જતાં છતાંય ત્યાંના છોકરાઓને મારાં મિત્રનાં નામની બૂમો પડતાં અને ફોઈબા ફોઈબા કરતા અમારી ગાડી પાછળ ધૂળની ડમરીમાં મેં દોડતાં જોયાં. જો અમારા જવાથી એ ગામના આમ બાર-ચૌદ વર્ષનાં છોકરાઓ પણ હરખમાં આવી જતાં હોય તો ત્યાંનાં વડીલોની તો વાત જ ન થાય. એનાં મામાના ફળિયાં સુધી પહોંચતા અમને બીજી પાંચ મિનિટ લાગી અને મારી ગાડીનાં હોર્ન સાથે તેમનાં કૂકરની છેલ્લી સિટીનો અવાજ આવ્યો. અને બસ, એ જ ક્ષણે આ શિર્ષકની પંક્તિ લખાઈ હતી. વીસ જ મિનિટની અંદર બટાકાનું રસાવાળું શાક અને ઘીથી લથબથ ખીચડી અમારાં માટે તૈયાર હતી.
મને મજા તો ત્યાં આવી કે, તે દિવસે મામા-મામીએ “લૂગડું”,”ડોલચું”,”ટોયલી” જેવાં તળપદી શબ્દો વાપર્યા હતાં તે બધાં જ મને પણ ખબર હતાં. અને એ સ્વચ્છ વાતાવરણમાં મેં પણ સંતોષનો એક એવો ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે, “ભલે મારું કોઈ ગામડું ના હોય પણ મારામાં પણ એક દેશી જીવ તો જીવે જ છે.”
-મૌલિક વિચાર

Vicharyatra : 15 Maulik Nagar “Vichar”

મા સૃષ્ટિ છે.

હંમેશની જેમ આજે પણ કહું છું કે આમ તો મારાં મૌલિક વિચારોની દ્રષ્ટિએ જીવનનો મળેલો એક નવો દિવસ એ ઉત્તમ અને પવિત્ર જ છે. છતાંય તારીખો અને તિથિઓની માયાજાળ પણ મને ગમે છે. થોડાંક જ કલાકોમાં આખું વિશ્વ્ “મધર્સ ડે” ઊજવશે. પોતપોતાની મમ્મીઓને ભેટ-સોગાદ આપશે. વિશ્વ એટલું જાગૃત છે કે હવે ભેટ-સોગાદની જગ્યાએ તેઓ પોતાનાં માતા-પિતાને સમય આપશે. ખરેખર, આ જાગૃતિ ફેલાવવા બદલ સોશ્યલ મીડિયાનો ખૂબ આભાર માનવો જોઈએ. આ અભિયાન સોશ્યલ મીડિયાનું ઘણું સારું અને પોઝિટીવ પાસું છે. જો મા સૃષ્ટિ છે તેમ કહીએ તો ૩૬૫ દિવસ મધર્સ ડે, બાકી બધાં અધર ડે…મા શબ્દ આવે એટલે કંઈ જ બાકી નથી રહેતું. હાલમાં જ એક વિડીયો માટે સ્ક્રિપ્ટ લખવાની હતી તો તેનું પ્રથમ વાક્ય જ મને એ સૂઝ્યું કે “મા એ શબ્દકોશનો એક અક્ષરવાળો એવો શબ્દ છે કે જેની સામે મોટાં-મોટાં ગ્રંથો પણ નાના લાગે.

મને ક્યારેક એવો વિચાર આવે કે આપણે ક્યારેય પણ સૃષ્ટિ સાથે શું સંબંધ છે તેવું ક્યારેય નથી કહેતા. તો એ જ ન્યાયે મા અને દીકરા/દીકરીનો સંબંધ પણ ન જ કહી શકાય. કેમકે મારાં અનુભવે મેં તો દરેક સંબંધમાં હંમેશા કોઈકને કોઈક કન્ડિશન જ જોઈ છે. પરંતુ મા હંમેશાં આપવાનો જ વ્યવહાર રાખે છે.
પહેલા રક્ત પછી દૂધ અને અંતમાં આંસુ.. એટલે જ માનું દિલ પ્રવાહી જેવું નિર્મળ છે. કોઈ પણ સ્ત્રી, સ્ત્રીરૂપે ગમે તે હોઈ શકે પરંતુ તે મા સ્વરૂપે માત્ર મા જ હોય છે. મા શબ્દનો પણ કોઈ પર્યાય નથી. એ જે છે, એ જ છે. આપણા તન અને મનનું જતન તે માની દિનચર્યા છે. તે પાત્રએ આપણને નવ-નવ મહિના પેટમાં ઉછેર્યા અને એનો ભાર સહન કર્યો. અને હજી થોડુંક આગળ દ્રષ્ટિ કરીએ તો તેણે આપણને આપણા સ્કૂલની બેગનો ભાર પણ ઉંચકવા નથી દીધો. મા જયારે પણ ફૂંક મારીને ગરમ ગરમ રોટલી ખવડાવતી તે કોળીયાંમાં મીઠાશ જ અનેરી હતી.

તમને ખબર છે..માએ આપણાં શોખ એ તેનાં શોખ બનાવી લીધાં અને આપણાં ચહેરાં પરનું સ્મિત એ તેનું મનોરંજન હતું. કવિઓએ કોયલનો ટહુકો ભલે મધુર વર્ણવેલ હશે, પણ માના સ્વરથી મધુર બીજો કોઈ સ્વર નથી. ગઝલકારો માટે કદાચ પ્રિયતમાના સ્પર્શમાં નાજુકતા હશે, પણ માના ટેરવાંનો એકેએક સ્પર્શ અદ્ભૂત છે.

અંતે એક ઝાંખી વાસ્તવિકતા કહું તો કુદરતે દરેકને ત્રણ-ત્રણ માના વરદાન આપેલ છે. પ્રથમ જેના કૂખે જન્મ લીધો તે જનની. બીજી, આપણો ભાર સહન કરી આપણને વીર બનાવ્યા તે માતૃભૂમિ, અને છેલ્લે આપણા સંસ્કારના પરિવહન માટેનું જે માધ્યમ બની તે માતૃભાષા.
કુદરતે આપેલ આ ત્રણેય માને શત શત વંદન.
કારણ કે,
મા જ સૃષ્ટિ છે.
– મૌલિક “વિચાર”

Vicharyatra : 14 Maulik Nagar “Vichar”

“બડા આદમી”

‘હેલ્લો, મૌલિક સર! સલામ! કૈસે હો! સબ ખૈરીયત?’, અજાણ્યાં નંબર પરથી ફોન હતો.
‘બઢીયા, સલીમભાઇ.’
‘અરે સાબ! આપને તો મેરી આવાઝ પિછાણ લી’
તુક્કો લાગી ગયો એટલે મેં પણ રંજનીકાંત અંદાઝમાં કહ્યું, ‘સલીમભાઇ યે તો સંગીતકાર કે કાન હૈ! આપ કૈસે હો?

થોડાં દિવસ પહેલાં આ સલીમભાઇનો ફોન આવ્યો હતો. ત્રણ ચાર વર્ષ પહેલાં ક્યાંય પણ અમારો મ્યુઝિક કોન્સર્ટ હોય તો આ સલીમભાઇ જ પાંચસો કિલોનો પિયાનો એમનાં છોટા હાથીમાં ટ્રાન્સપોર્ટ કરતા. અચાનક જ તેમનો ફોન આવ્યો એટલે મને લાગ્યું કે નક્કી આ માર્કેટિંગ કોલ લાગે છે. અને નીકળ્યું પણ એવું જ.
એમની પઠાણી એકસેન્ટના અને મારી ગુજરાતી એક્સેન્ટના હિન્દીમાં ખબર અંતર પુછાયા પછી એમણે મુદ્દાની વાત કરી.

‘અરે મૌલિક સર! મેરા પિછાણવાલા ગાંઉ સી આયા હૈ! અગર કિસી કુ ફ્રીજ, એ.સી રીપેર કરવાનાં હો તો વો અચ્છા કારીગર હૈ!’
‘મેં કીધું ચોક્કસ, આપકા પીચાનવાલા હૈ તો તો વો અચ્છા હી હોગા, મેં જરૂર બતાઉંગા’ મેં પણ થોડી પઠાણી બોલીમાં જ ઝીંકી દીધું.
પણ એ સલીમભાઇના આ અંતિમ વાક્યએ મને થોડી વાર તો વિચાર તો કરી મૂક્યો.
અંતમાં ફોન મૂકતા તેમણે કહ્યું કે, ‘સાબ, મેંને સોચા આપ જૈસે બડે લોગન કો ફૂન કરેંગે તો ઉસકો બહુત કામ મિલેંગા.’

હવે નાના મોટાં માણસની વ્યાખ્યા તો મને નથી ખબર પણ આ ફોન પછી મને એટલું ચોક્કસ ખબર પડી ગઈ કે ગાડી ને બંગલો હોવાથી કોઈ માણસ મોટું નથી થઇ જતું.
જો હું એને કામ જ ના અપાવી શકું તો શેનો મોટો માણસ! અને કદાચ એ કારીગરને એકાદ કામ આપીને કે અપાવીને થોડી ઘણી મદદ કરી પણ લીધી તો પણ શેનો મોટો માણસ!
બસ, આ જ નાનાં મોટાંનો તફાવત ઇન્ડિયા અને ઇન્ડિયનને ત્યાં નો ત્યાં જ રાખે છે. દેશનો વિકાસ થાય છે. માણસનો અને તેની સંપત્તિનો વિકાસ થાય છે. પણ એની વિચારશરણી તો હજી ત્યાંની ત્યાં જ છે.

આમ તો આપણામાં “પરસ્પર દેવો ભવઃ”ની ભાવના હોવી જોઈએ. અમુક અંશે તેવી ભાવના હોય છે પણ ખરા. પણ એમાં જો આપણે મદદમાં થોડી પહેલ કરી લઈએ તો આપણા વર્તનમાં પેલો “બડા આદમી”નો કીડો સળવળવાનો ચાલુ થઇ જાય છે. મારાં જેવાં માણસની પહોંચ એટલી તો નથી કે હું “બડા આદમી” સાબિત થઇ શકું. પણ આંગળીમાં જેટલા વેઢા છે બસ એટલા જ લોકોને થોડો ઘણો રોજગાર અપાવી શકું તો પણ સંતોષને રોજે રોજ માણી શકું. અને સાચો “બડા આદમી” તો આ સલીમભાઇ કહેવાય કે તેણે મારાં જેવાં કહેવાતા ઘણાં બધાં “બડા આદમી”ઓને વારા ફરથી ફોન કર્યા હશે અને એણે એનાં પહેચાનવાળાનો રમઝાન મહિનો સુધાર્યો હશે.

-મૌલિક “વિચાર”

Vicharyatra : 13 Maulik Nagar “Vichar”

મોટામાં મોટો ખાડો એટલે દેખાડો

આ જમાનામાં “દેખાડો” અનેક રોગોમાંનો એક નવો રોગ છે. એને માપવાનું કોઈ થર્મોમીટર નથી. પરંતુ જો એ ઝંઝાળમાં કોઈ પડે તો બહુ લાંબે સુધી ઉતરી જાય.
દેખાડો તો જાણે કે એક વ્યસન છે. વર્તનથી ફેલાતો એક માનસિક રોગ. દેખાડો કરનાર માણસ પોતે જ પોતાના માટે ઉપદ્રવી હોય છે. પહેલાંના જમાનામાં આ રોગનું ઉદ્ભવ સ્થાન માત્ર પરિવાર કે પાડોશ જ હતું પરંતુ હવે તો સોશ્યલ મીડિયાના કારણે આનો ફેલાવો ઠેર ઠેર પહોંચી ગયો છે.

દેખાડો અને દેખાદેખી એ મામા ફોઈના દીકરા દીકરી જેવાં છે. દેખાડો કરનાર અને આતંકવાદી વચ્ચે લગભગ કોઈ તફાવત નથી. જે વ્યક્તિ દેખાડો કરે છે એને ખબર નથી કે એના સંસાધનો કે પ્રતિષ્ઠાની એ એટલી બધી ગોળીબારી કરે છે કે તેનાથી અનેક લોકોના ઘમંડ ઘવાઈ જાય છે. સાચી વાત તો એ છે કે જે દેખાડો કરતો હોય તે અંદરથી તો ખોખલો જ હોય છે. એટલે જ કહે છે ને કે “દુકાનમાં માલ નહીં અને ડેકોરેશનનો પાર નહીં”. ખરેખર તો જેની પાસે દેખાડવા લાયક છે તેને એની પાસે તે હોવાનું ભાન જ નથી માટે જ તે આટલો તટસ્થ રહી શકે છે. એટલે થોડુંક ઘણું અજ્ઞાની હોવું પણ આ જમાનામાં આશીર્વાદરૂપ છે.

આપણે દેખાડો નથી કરતા તેમ કહેવું પણ એક જાતનો દેખાડો જ છે. પૈસા ટકાનો દેખાડો તો હવે ઓલ્ડ ફૅશન થઇ ગઈ કહેવાય. હવે તો માણસ ઑર્ગનિક અને હમ્બલ બનવાનો દેખાડો કરે છે. થોડાં દિવસ પહેલાં જ એક બહેનની ફેસબુક પર પોસ્ટ જોઈ હતી. તેમાં તેમણે લખ્યું હતું કે ‘વધુ પડતો વપરાશ અને સમયનો બગાડ થતો હોવાથી આજથી હું ફેસબુક વાપરવાનું બંધ કરું છું.'(આ વાક્ય તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું.) થવાનું શું હતું! ઉપરાછાપરી મેસેજ અને સેડ ઈમોજી ચાલુ થઇ ગયા. ‘વી વીલ મિસ યુ બેના…’, ‘એની ટાઈમ કમ બૅક માય ડિયર’, ‘થેન્ક્સ ફૉર યોર પ્રેઝન્સ’ વિગેરે વિગેરે..વધુમાં કોઈક હાર્ડકોર સોશ્યલ માણસ હતો તેણે તો એવું પણ લખી નાખ્યું કે ‘રેસ્ટ ઈન પીસ’. અને એ જ પોસ્ટમાં એ બહેન લોકોને સાત-આઠ દિવસ સુધી ‘થેન્ક યુ’, ‘મી ટુ..’ વિગેરે કરતા રહ્યાં.
દેખાડો તો મૂર્ખ માણસની અને નબળા વ્યક્તિત્વની નિશાની છે.

સાચે, આપણે દેખાડો ઘણો કરવો છે પણ અંતે આપણને જ ખબર નથી હોતી કે આપણે આવા છીએ કે નહીં.

-મૌલિક “વિચાર”

Vicharyatra : 12 Maulik Nagar “Vichar”

આપણી સફળતાનું પ્રમાણ વાઇફાઇનું નેટવર્ક અને માણસની નેટવર્થ કે પછી….?

આજનો દિવસ જીવવા મળ્યો છે? તો જીવી લો! ક્યાંક બહુ જ અદ્ભૂત વાક્ય વાંચવા મળ્યું હતું. “આપણી લાસ્ટ નાઈટ ઘણાં લોકોની લાસ્ટ નાઈટ હોય છે.” આ વાત જેને સમજાઈ જાય તે ક્યારેય પોતાની એક પણ ક્ષણનો વ્યર્થ બાબતમાં વ્યય ન કરે.
જીવવા મળતો નવો દિવસ આપણાં માટે એક અમૂલ્ય ભેટ છે. સફળતા અને નિષ્ફળતાના ત્રાજવે હિંડોળા ખાતા મારાં દરેક વિધ્યાર્થીઓને કહું છું કે ‘ભાઈ સફળતા અને નિષ્ફળતા તો મિથ્યા છે. એ બંનેની જે જનની છે તે તો “તક” છે. અને એ જ તક પર હક જમાવીને ડગલું ભરો, સફળતા અને નિષ્ફળતાની છીછરી માનસિકતાથી બહાર આવી જશો અને આ જીવનરૂપી ખુલ્લા આકાશમાં તમે તાજગી અનુભવી શકશો.’

પ્રમાણિકપણે જો તમને કહું તો હું ક્યારેય એવું નથી વિચારતો કે હું કેવું લખું છું, કેવું વિચારું છું, કેવું ગાવું છું, કેવી રીતે વ્યક્ત કરું છું વિગેરે વિગેરે. બસ, મને આ બધું જ કરવાનો અવસર અને તક મળી છે એ જ મારાં માટે જીવનની અમૂલ્ય ભેટ છે. ઘણાં એટલા સારા ગજાના વિચાર કરનાર હશે કે લખી શકે તેમ હશે છતાં પણ તેમને આવાં “બેઠક” જેવાં અનેક ફળદ્રુપ મંચ પર પોતાને વ્યક્ત કરી શકે તેની તક નથી મળી.
એટલે મારાં માટે તક મળવી એ જ મોટી સફળતા છે.

વાઇફાઇનું નેટવર્ક અને માણસની નેટવર્થ જો આ જ આપણી સફળતાનું પ્રમાણ હોય તો સમજી લેજો કે આપણે ખૂબ ખોટી દિશામાં એક મોટી હરીફાઈમાં લાગી ગયાં છીએ.
આ મોંઘવારીના જમાનામાં હરીફાઈ અને વાઇફાઇ બંને ભલે જાતે સસ્તા હોય પણ એણે સમયને મોંઘો કરી દીધો છે. એક જમાનામાં મેં ઘણાં લોકોને એવું કહેતા સાંભળેલા છે, “જવા દેને યાર પૈસા જ ક્યાં છે.” હવે લોકો એવું કહે છે કે, “જવા દેને ભાઈ ટાઈમ જ ક્યાં છે!” નિશાળથી માંડીને કૉલેજ સુધી, જોબથી માંડીને સગપણ સુધી બધે જ હરીફાઈ છે. કોણ કોની પાછળ દોડે છે એ જ નથી ખબર પડતી. ઘણી વખત અમદાવાદના કોઈ શાક માર્કેટમાં જજો, તમને ખબર જ નહીં પડે કે કોણ કોને વેચે છે!
જયારે માણસ પોતે જ પોતાની સાથે હરીફાઈ કરે તો માણસનો વિકાસ નક્કી છે. પણ જો એ કોઈ બીજાં સાથે હરીફાઈ કરે તો એનો કાસ પણ નક્કી જ છે.

કોઈને પણ સફળતાનાં રંગ, રૂપ, આકાર અને પરિણામની ખબર નથી. બધાં આંધળા ઘોડાની જેમ દોડ્યાં જ કરે છે. અને હવે તો આ સ્માર્ટફોને માણસના મગજને અસ્થિર કરી દીધા છે. આ દોટનો ક્યારે અને કેવો અંત આવશે એનું કશું જ જ્ઞાન નથી. બધાને સફળ થવાં માટે તક ઝડપવી છે. પણ જો તક મળી એ જ ક્ષણને એ સફળતા માને તો એનાં આનંદનો પાર ના રહે.

મૌલિક “વિચાર”

Vicharyatra : 11 Maulik Nagar “Vichar”

ઘણાં લોકો પળને જીવે છે,
ઘણાં લોકો પળને માત્ર માણે છે,
પણ, હું પળને જીવીને માણું છું. – મૌલિક વિચાર.

“હૅપી બર્થ ડે” કેટલું સુંદર વાક્ય છે. જેની પણ વર્ષગાંઠ હોય એને આ “હૅપી બર્થ ડે” કહેવામાં આવે તો કેટલો હરખાઈ જાય! સરસ જ છે ને! નો ઑફેન્સ! પણ જે વ્યક્તિને આ શબ્દથી બહું ઝાઝી ફરક ન પડે એ માણસ દુનિયાનો અત્યંત સુખી અને ખુશ માણસ હોય.
એનું કારણ ખબર છે? કેમકે, તેના માટે દરેકે દરેક દિવસ હૅપી જ હોય. એ હૅપી દિવસ નહીં પણ હૅપી દિવસો જીવવા ટેવાયેલો હોય. એનાં માટે “હૅપી બર્થ ડે”ની શુભેચ્છાઓ સામાન્ય જ લાગે કેમકે દરેક દિવસ એનાં માટે ખાસ હોય.
૩૬૪ દિવસ માત્ર જીવવા ખાતર જીવતા જીવો પણ ભરપૂર છે. જીવન માત્ર જીવી નાખવું, ક્યાંતો જીવી જવું એ અભિગમ તો આ ધરતી માટે શ્રાપ છે. પણ જીવન જીવીને માણવું એ તો આ સૃષ્ટિ માટે વરદાન છે. માત્ર જીવન જીવવાવાળો જીવ પણ નક્કામો અને માત્ર માણવાવાળો જીવ પણ નક્કામો.
માત્ર જીવવાવાળો જીવ ઘર, સોસાયટી, સમાજ, દેશ..માં માત્ર માયૂસી અને માનસિક માંદગી જ ફેલાવશે. તેનાથી પ્રત્યક્ષ કોઈ નુકશાન નહીં હોય પરંતુ પરોક્ષ રીતે તે આજુબાજુનું વાતાવરણ મંદ કરી નાખશે. અને માત્ર માણવાવાળો જીવ હશે તે તો “ફલાયિંગ ઈન ધ એર” મોડમાં જ હશે. તેને તે પોતે કરે તે બધું સાચું જ લાગતું હશે. તેના દિવસની શરૂઆત કીટલીથી અને અંત બાટલીથી થતો હશે. અતિશયોક્તિ તે તેનો સ્વભાવ હશે. આવાં માણવાવાળા જીવને લીધે તેની નિકટનું વાતાવરણ રંગબેરંગી તો હશે પરંતુ વિકટ અને ડામાડોળ પણ તેટલું જ હશે!
ખેર, આપણે તો બધાં જ જીવીને માણવાવાળા લોકો છીએ. જે વ્યક્તિ જીવન જીવતા જીવતા માણી શકે તે આ સમાજ અને સરાઉન્ડિંગની અમૂલ્ય મૂડી છે. તે આવનારી પેઢીને જીવન કઈ રીતે જીવવું તેનું ઉદાહરણ બનીને પારદર્શક સંદેશ આપે છે. આવી વ્યક્તિ પોતાની જીવન જીવવાની કળા થકી સમાજને કિંમતી મોરલ વૅલ્યુઝ આપીને જાય છે.
આવું વ્યક્તિત્વ એવું ઉદાહરણ બનીને નિખરે છે કે જીવનમાં ચારિત્ર્ય અને સદ્ગુણોથી જ સાચું બ્લિસફુલ જીવન જીવાય છે.
હું નાનો હતો ત્યારે ખૂબ ધમાલી હતો. સંયુક્ત કુટુંબમાં અમે રહેતા હતાં. જયારે પણ હું સ્કૂલેથી આવું એટલે મારે “ચા પીવી છે, ભૂખ લાગી છે…” જેવી નાદાન બૂમો પાડતો. ટી.વીમાં એમ.ટી.વી પર પોપ સોંગના ધમપછાડા ચાલુ થઇ જતાં. ત્યારે મારાં કાકી મજાકમાં એક કહેવત કહેતાં કે “આ આવ્યો એટલે જણાયો..” બસ, એ જ આશીર્વાદ સાથે જીવન જીવવું છે કે હું જઈશ તો પણ લોકોને જણાશે..

  • મૌલિક વિચાર