Vicharyatra : 16 Maulik Nagar “Vichar”

કાશ! મારું કોઈ ગામડું હોય,
એક ફળિયું રળિયામણું હોય,
ત્યાં શહેર જેવી દોડધામ નહીં.
પણ એકેએક જણ મારું હોય.

-મૌલિક વિચાર

માણસ હંમેશા સમય સાથે બદલાતો રહે છે. જો એ બદલાવનો આપણને સંતોષ હોય તો એની મજા અનેરી છે. એક સમય હતો જયારે ગામ શબ્દ સાંભળું ત્યારે કાચા-પાકા રસ્તા, છાણાથી લીપેલાં ઘરો, કાદવ, કીચડ, ધોતિયું પહેરેલાં માણસો, માથે દેગડું લઇને જતી સ્ત્રીઓ એ બધું જ નજર સમક્ષ આવતું. પણ જ્યારથી મિત્રો સાથે સ્વતંત્ર હરતો ફરતો થયો, મિત્રો સાથે તેમનાં ગામડે કાકા-મામાનાં ઘરે જતો થયો ત્યારથી ગામ અને ગામના લોકોમાં કંઈક અનોખું જ જોવાં મળ્યું.
હું તો કમનસીબ છું કે મારે તો કોઈ ગામડું જ નથી. અમારો તો પેઢીઓથી અમદાવાદમાં જ વસવાટ છે. લગભગ જે બધું જ ગામમાં છે તે બધું જ શહેરમાં પણ છે. કાચા પાકા રસ્તા, છાણ કાદવ, લારી-ગલ્લા બધું જ એમનું એમ અહીં શહેરોમાં પણ છે. બસ, ખાલી એક જ ફરક છે. ગામના લોકો એકબીજાને નામથી ઓળખે છે. જયારે શહેરોમાં ફ્લેટ કે બંગલા નંબરથી ઓળખાઈએ છીએ.

માણસો તો બધે જ સારા જ હોય છે. હોય જ ને વળી, કેમકે તેઓ માણસો છે. પણ ગામનાં માણસોની ફ્લેવર કંઈક ઔર જ હોય છે. ગામમાં ગલ્લે સરનામું પૂછીએ તો પેલો માણસ છેક સુધી આપણા ઠેકાણે મૂકી જાય અને અંતે તો આપણે તેને ગામડીયો જ કહીએ. પણ તે ગામડાનાં લોકોનો એક સ્વભાવ હોય છે. જો તેમને કોઈ સમસ્યા જણાવે તો તે તેમની પોતાની સમસ્યા સમજીને એકબીજાને મદદ કરે. અને જ્યાં સુધી એનું સમાધાન ના મળે ત્યાં સુઘી તે પડખે જ ઉભો રહે. મને તો લાગે છે કદાચ એટલે જ ત્યાં વાતાવરણમાં પ્રદૂષણ ઓછું હોય છે. આપણે નાહકના ગાડી સ્કૂટરના ધુમાડાઓને દોષ આપીએ છીએ.

સાત-આંઠ વર્ષ પહેલાંની વાત છે. હું એક મિત્ર અને એનાં પરિવાર સાથે ગણપતિનાં એક મંદિરના દર્શન કરવાં ગયો હતો. પાછા ફરતી વખતે તેનાં મમ્મીએ કહ્યું કે, “ચાલ, આપણું ગામ રસ્તામાં જ આવે છે. મામાને ત્યાં જ જમી લઈએ.” બપોરનાં બે વાગ્યા હતાં. એટલે સ્વાભાવિક છે કે તેનાં મામાના પરિવારે તો જમી જ લીધું હોય.
પેલાં મિત્રએ મામાને ફૉન કર્યો.
મામાએ કહ્યું, “અલા ભાણા…ઇમ તો કંઈ ફૂન કરવાનો હોય, આઈ જ જવાનું હોય ને.અમે તો રાજી થઇ ગ્યાં લે…..ને હાંભાળ નિરાંતે બે-ત્રણ દી’ રોકાઈને જ જજો.”
અમે લગભગ પંદર મિનિટની આસપાસ ગામની હદમાં પ્રવેશ્યાં. મારી નવાઈનો પારના રહ્યો. મારો મિત્ર અને તેનાં પરિવારના લોકો પણ વર્ષનાં વચલે દિવસે જ ગામડે જતાં છતાંય ત્યાંના છોકરાઓને મારાં મિત્રનાં નામની બૂમો પડતાં અને ફોઈબા ફોઈબા કરતા અમારી ગાડી પાછળ ધૂળની ડમરીમાં મેં દોડતાં જોયાં. જો અમારા જવાથી એ ગામના આમ બાર-ચૌદ વર્ષનાં છોકરાઓ પણ હરખમાં આવી જતાં હોય તો ત્યાંનાં વડીલોની તો વાત જ ન થાય. એનાં મામાના ફળિયાં સુધી પહોંચતા અમને બીજી પાંચ મિનિટ લાગી અને મારી ગાડીનાં હોર્ન સાથે તેમનાં કૂકરની છેલ્લી સિટીનો અવાજ આવ્યો. અને બસ, એ જ ક્ષણે આ શિર્ષકની પંક્તિ લખાઈ હતી. વીસ જ મિનિટની અંદર બટાકાનું રસાવાળું શાક અને ઘીથી લથબથ ખીચડી અમારાં માટે તૈયાર હતી.
મને મજા તો ત્યાં આવી કે, તે દિવસે મામા-મામીએ “લૂગડું”,”ડોલચું”,”ટોયલી” જેવાં તળપદી શબ્દો વાપર્યા હતાં તે બધાં જ મને પણ ખબર હતાં. અને એ સ્વચ્છ વાતાવરણમાં મેં પણ સંતોષનો એક એવો ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે, “ભલે મારું કોઈ ગામડું ના હોય પણ મારામાં પણ એક દેશી જીવ તો જીવે જ છે.”
-મૌલિક વિચાર

Vicharyatra : 12 Maulik Nagar “Vichar”

આપણી સફળતાનું પ્રમાણ વાઇફાઇનું નેટવર્ક અને માણસની નેટવર્થ કે પછી….?

આજનો દિવસ જીવવા મળ્યો છે? તો જીવી લો! ક્યાંક બહુ જ અદ્ભૂત વાક્ય વાંચવા મળ્યું હતું. “આપણી લાસ્ટ નાઈટ ઘણાં લોકોની લાસ્ટ નાઈટ હોય છે.” આ વાત જેને સમજાઈ જાય તે ક્યારેય પોતાની એક પણ ક્ષણનો વ્યર્થ બાબતમાં વ્યય ન કરે.
જીવવા મળતો નવો દિવસ આપણાં માટે એક અમૂલ્ય ભેટ છે. સફળતા અને નિષ્ફળતાના ત્રાજવે હિંડોળા ખાતા મારાં દરેક વિધ્યાર્થીઓને કહું છું કે ‘ભાઈ સફળતા અને નિષ્ફળતા તો મિથ્યા છે. એ બંનેની જે જનની છે તે તો “તક” છે. અને એ જ તક પર હક જમાવીને ડગલું ભરો, સફળતા અને નિષ્ફળતાની છીછરી માનસિકતાથી બહાર આવી જશો અને આ જીવનરૂપી ખુલ્લા આકાશમાં તમે તાજગી અનુભવી શકશો.’

પ્રમાણિકપણે જો તમને કહું તો હું ક્યારેય એવું નથી વિચારતો કે હું કેવું લખું છું, કેવું વિચારું છું, કેવું ગાવું છું, કેવી રીતે વ્યક્ત કરું છું વિગેરે વિગેરે. બસ, મને આ બધું જ કરવાનો અવસર અને તક મળી છે એ જ મારાં માટે જીવનની અમૂલ્ય ભેટ છે. ઘણાં એટલા સારા ગજાના વિચાર કરનાર હશે કે લખી શકે તેમ હશે છતાં પણ તેમને આવાં “બેઠક” જેવાં અનેક ફળદ્રુપ મંચ પર પોતાને વ્યક્ત કરી શકે તેની તક નથી મળી.
એટલે મારાં માટે તક મળવી એ જ મોટી સફળતા છે.

વાઇફાઇનું નેટવર્ક અને માણસની નેટવર્થ જો આ જ આપણી સફળતાનું પ્રમાણ હોય તો સમજી લેજો કે આપણે ખૂબ ખોટી દિશામાં એક મોટી હરીફાઈમાં લાગી ગયાં છીએ.
આ મોંઘવારીના જમાનામાં હરીફાઈ અને વાઇફાઇ બંને ભલે જાતે સસ્તા હોય પણ એણે સમયને મોંઘો કરી દીધો છે. એક જમાનામાં મેં ઘણાં લોકોને એવું કહેતા સાંભળેલા છે, “જવા દેને યાર પૈસા જ ક્યાં છે.” હવે લોકો એવું કહે છે કે, “જવા દેને ભાઈ ટાઈમ જ ક્યાં છે!” નિશાળથી માંડીને કૉલેજ સુધી, જોબથી માંડીને સગપણ સુધી બધે જ હરીફાઈ છે. કોણ કોની પાછળ દોડે છે એ જ નથી ખબર પડતી. ઘણી વખત અમદાવાદના કોઈ શાક માર્કેટમાં જજો, તમને ખબર જ નહીં પડે કે કોણ કોને વેચે છે!
જયારે માણસ પોતે જ પોતાની સાથે હરીફાઈ કરે તો માણસનો વિકાસ નક્કી છે. પણ જો એ કોઈ બીજાં સાથે હરીફાઈ કરે તો એનો કાસ પણ નક્કી જ છે.

કોઈને પણ સફળતાનાં રંગ, રૂપ, આકાર અને પરિણામની ખબર નથી. બધાં આંધળા ઘોડાની જેમ દોડ્યાં જ કરે છે. અને હવે તો આ સ્માર્ટફોને માણસના મગજને અસ્થિર કરી દીધા છે. આ દોટનો ક્યારે અને કેવો અંત આવશે એનું કશું જ જ્ઞાન નથી. બધાને સફળ થવાં માટે તક ઝડપવી છે. પણ જો તક મળી એ જ ક્ષણને એ સફળતા માને તો એનાં આનંદનો પાર ના રહે.

મૌલિક “વિચાર”

Vicharyatra : 10 Maulik Nagar “Vichar”

“હું સારો માણસ છું કે ખરાબ માણસ?”

જીવન જ્યાં સુધી અધૂરું રહે ત્યાં સુધી જ એ જીવનની મજા છે. જો જીવન સંપૂર્ણ થઇ જાય તો એની મજા પણ પૂર્ણ થઇ જાય. એટલા માટે જ તો આપણે ડેસ્ટિનેશન કરતાં જર્નીને વધારે માણી શકીએ છીએ. આજે એવી જ એક યાત્રાની વાત કરવી છે. કોઈ તીર્થધામ કે હિલ સ્ટેશનની યાત્રા નહીં પરંતુ સારાં માણસ બનવાની યાત્રા.

સમયાંતરે હું મારી જાતને એક પ્રશ્ન પૂછ્યા જ કરું છું. કે “હું સારો માણસ છું કે ખરાબ માણસ?” સ્વાભાવિક છે આમાં આધ્યાત્મિક જ્ઞાનીઓને સાંભળીને પંડિત બનેલા લોકો આનો એવો જ જવાબ આપશે કે “ભાઈ, દરેક વ્યક્તિ સારાં પણ હોય અને ખરાબ પણ હોય” આનું બીજું પાસું એવું પણ છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ ખરાબ કે સંપૂર્ણ સારો નથી હોતો. સાચી વાત. પણ હું આ જ પ્રશ્નને અલગ દ્રષ્ટિથી જોઉં છું. બને ત્યાં સુધી નકારાત્મક તો વિચારવું જ નથી.

એટલે જો આ બાબતે હકારની જ હોડી હાંકવી હોય તો મારા મતે સારો માણસ એ કે જે હંમેશા સારું વ્યક્તિત્વ બનવા પ્રયત્ન કર્યા જ કરે. કેમકે સારાં ખોટાની કોઈ વ્યાખ્યા જ નથી. એમાં તો નકરું ગૂચ્ચમ જ છે.
દરેકમાં થોડાં ઘણાં દુર્ગુણ હોઈ શકે પણ એને એ બધાય દુર્ગુણોની જાણ હોય અને અમુક અંશે એને એ સુધારવાની ત્રેવડ અને આકાંક્ષા ધરાવતો હોય. એ જ સારો માણસ.એનું ચિત્ત હંમેશા પોતાને સુધારવામાં જ જાગ્રત રહેતું હોય. તે ખોટું થવાનો કે ખોટું કર્યાનો સ્વીકાર કરી શકે અને એને સુધારવાની પહેલ પણ કરી શકે.
એક વખત માણસે એવું નક્કી કરી લીધું કે મારે સારા જ વ્યક્તિ બનવું છે એટલે એની બ્લિસફુલ એટલે કે પરમ સુખની યાત્રા ચાલુ થઇ જાય.
જો કોઈ ખરાબ કર્મોવાળી વ્યક્તિ સારા વિચારો તરફ આકર્ષાય તો તે પછી તે વ્યક્તિ ખરાબ નહીં પણ સારા વ્યક્તિત્વનો યાત્રી બની જાય છે.
કેમકે હવે તેણે સારાં તરફની પહેલ કરી છે. આપણે તો નસીબદાર છીએ કે આપણને સારાં બનવાની તક તો મળી છે!
સારું વ્યક્તિત્વ બનવું એ તો એક સાહસ છે. અને એની યાત્રા હંમેશા સુખરૂપ હોય છે.

“જંગલમાં જો માત્ર સારું સંગીત ગાતા પંખીઓને જ ગાવાની છૂટ હોત તો જંગલના વાતાવરણમાં આટલું સંગીત ક્યાંથી આવત!” કેટલો બંધબેસતો વિચાર છે. “જે છે તે તો છે જ, પણ જે નથી જોઈતું તે પણ છે, અને જે જોઈએ છે એની યાત્રા હવે ચાલું થઇ છે! નિરંતર સદંતર નિરાંતે!”

  • મૌલિક “વિચાર”

Vicharyatra : 6 Maulik Nagar “Vichar”

એકાંતવાળુ ના સ્થળ કોઈ જડે છે,
માણસો ના હોય પણ ત્યાં વિચારો નડે છે.

એકાંત એટલે માણસોનાં ટ્રાફીકનો અંત અને સ્વયં સાથે ગાળેલી માસુમ પળ. માસુમ એટલા માટે કેમકે હવે આ સૃષ્ટિ પરથી નિર્દોષતા અદૃશ્ય થઇ ગઈ છે. એકાંતની શોધમાં આપણે એકલવાયા થઇ ગયા છીએ. આ કપરા સમયની પરાકાષ્ઠા છે કે અઢળક સંપત્તિ હોય તો પણ માણસ એકાંત માટે વલખા મારતો હોય છે. એક જમાનામાં ઘરમાં જ એકાંતની અનેક ક્ષણો મળતી હતી. એકાંતના સમયમાં વાંચન, લખાણ, ચિત્રકામ જેવી અનેક સ્વના લાભ માટેની પ્રવૃત્તિઓ કરી શકાતી હતી. એકાંત કોઈ જગ્યાનું મોહતાજ ન હતું.
એકાંતની પળોને એની પોતાની આત્મા હતી. જે હવે સોશ્યિલ મીડિયાની અગરબતીમાં પોસ્ટ્સ, લાઈક અને શેરની ધુમ્રસેર બનીને ઊંચે આકાશમાં ઉડી ગઈ છે. એકાંતનો જો કોઈ મોટો દુશ્મન હોય તો તે છે આપણાં વિચારો.એકાંતને હંમેશા વિચારોનું વિઘ્ન નડે છે. પોતાની સાથે રહેવા માટે આપણે ગમે તેટલું શાંત સ્થળ શોધીએ. સ્થળ તો એકાંતને સ્થૂળ બનાવી દે છે.

એકાંત એટલે સાત્વિક ક્ષણનો અંત અને પરમ સાત્વિક ઉલ્લાસનો પ્રારંભ.
એકાંત તો આત્માની તરસ છે. એકાંત જાગૃત મનનું સારથી છે અને મૌનનો પુનર્જન્મ છે. એકાંત કેળવવું એ એક કળા છે.
ક્ષણના શરબતી મિજાજને માણવું હોય તો આ કળા વિકસાવવી ખૂબ જ જરૂરી છે.
જે વ્યક્તિ એકાંતને માણી શકે એ જરૂરથી કવિ જ હોય અને કાવ્યમય જીવનનો આસામી. કેમકે ત્યાં એ ઉજાસને જોઈ પણ શકે, એક જ સ્થાને બેસીને નદીની સાથે વહી પણ શકે, વાદળ સાથે નદી પર્વત અને થપ્પો પણ રમી શકે.
એકાંત માણી શકનાર વ્યક્તિને હંમેશા દલીલો અને ફરિયાદો જેવાં રોગો રદ્દબાતલ છે.
એનામાં તો માત્ર સ્વની જ સાયરન વાગે છે. જે વ્યક્તિ ક્ષણ સાથે નિખાલસ રહી શકે તે જાહેર જીવનમાં તો નિખાલસ જ હોય.
એકાંત એ તો વ્યક્તિના નડતરરૂપ વિચારોનું ઘડતર છે. એકાંત નબળા સમયની એકતાનો અંત છે.
એકાંત એ કાવ્યમય જીવનની પ્રથમ પંક્તિ છે.

આપણે એકાંત મેળવવું અને માણવું એ તો જીવનની સમૃધ્ધિ છે જ! પણ કોઈને એકાંત આપવું તે પણ એક સાત્વિક દાન છે.

કુદરતે આપેલી મને અમર ભેટ….મારૂં કાવ્યમય એકાંત!!!

HopeScope Stories Behind White Coat – ૪૧ / Maulik Nagar “Vichar”

ધીરુભાઈ

“ધીરુભાઈ, મને થોડી મદદ કરોને! આ મારું સ્કૂટી નીકળતું નથી!” હોસ્પિટલમાં કામ કરતી સિસ્ટરે નવા જ નોકરી પર લાગેલા સિક્યુરિટી ગાર્ડ ધીરુભાઈને વિનંતી કરી.
બેબી સ્ટેપ જેવું દોડતા દોડતા ધીરુભાઈ સિસ્ટર પાસે આવ્યા અને બાઈક, મોપેડ આઘાપાછા કરીને સિસ્ટરને મદદ કરી.
જોકે, પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા ધીરુભાઈને બીજા કોઈએ સહારો આપવો પડે તેટલાં સુકલકડી હતાં.
બંને હાથ જાણે સૂતળીની દોરી જેવાં પાતળા, ગાલથી બેસી ગયેલું મોઢું, મૂર્તિ પર રેશમી કપડું ઓઢાડ્યું હોય તેમ હાડકા પર કરચલી પડી ગયેલી ચામડી ઓઢાડીને મૂકી હોય તેવું જ લાગે.
ધીરુભાઈને કોઈ પણ જાતનું વ્યસન ન હતું પરંતુ એમનાં જડબાંમાં ક્રિકેટના મેદાન જેટલી જગ્યા થઇ ગઈ હતી.
નામ પૂરતો પણ એક દાત ન હતો.
“થૅન્ક યુ ધીરુભાઈ” સિસ્ટરે પાછળ જોયા વગર પોતાની સ્કૂટી દોડાવી અને હાથ ઊંચો કરીને ભાઈનો આભાર માન્યો.
ધીરુભાઈને હવે કોઈ પણ “થૅન્ક યુ”નો વળતો જવાબ આપવાનું આવડી ગયું હતું.
કેમ કે, રોજ સવાર સાંજ એમને આ વાક્ય લગભગ ૧૦૮થી વધારે વખત સાંભળવા મળતું હતું.
“ભલુ થાઓ તમારું.” આજ એમનો “થૅન્ક યુ”નો વળતો જવાબ હતો.

ગાર્ડ શબ્દ સાંભળીયે એટલે આપણને આજના જમાનામાં જેમને ‘બાઉન્સર’ કહીએ તેવી જ ઘટાદાર આકૃતિઓ દિમાગમાં આવે.
પણ ધીરુભાઈ તો બિચારા ગરીબડી ગાય જેવાં હતા.
હોસ્પિટલનો મૅનેજમેન્ટ સ્ટાફ પણ કોઈ વાંધો ઉઠાવ્યાં વગર જાણે કે ધીરુભાઈને શિફ્ટ પર રાખીને કોઈ ધર્માદા કાર્ય કરતા હોય તેવું જ અનુભવતા હતા.

ધીરુભાઈના મુખ્ય કામોમાં ગળે લટકાયેલી સિસોટી મારીને સ્ટાફ કે દર્દીઓના સગાવ્હાલાઓના વાહનો સરખી રીતે પાર્ક કરાવવાના, આવતા જતા લોકોના ઓળખકાર્ડ ચેક કરવાનાં, સંદેશાઓ એક દરવાજેથી બીજાં દરવાજે પહોંચાડવાના, બસ આવા જ પરચૂરણ કામ કરવાના.

ધીરુભાઈ આવતા જતાં લગભગ બધાને સલામ કરતાં હતા. તેઓ તેમની ડ્યૂટીની ફરજ સમજતા હતાં.
એક દિવસ હોસ્પિટલના હેડ ડૉ. કમલેશ અને તેમના સાથી મિત્ર ડૉ. અખિલેશ પોતાની લકઝરી મર્સીડીસ સી કલાસ કારમાં હોસ્પિટલના વી.આઈ.પી એક્ઝિટથી પસાર થઇ રહ્યાં હતાં.
ત્યાંના સિકયુટી ગાર્ડનો લંચ ટાઈમ હોવાથી તે બપોરે ધીરુભાઈ પેલા ગાર્ડની ડ્યૂટી કવર કરતા હતાં.
પાણી પર સરકતી બોટની જેમ મર્સીડીસ જેવી નજીક આવી કે તરત જ ધીરુભાઈએ સલામ કરી.
ડૉ. કમલેશના મોંઢા પર કોઈ હાવભાવ ન હતો. છતાંય તેમણે ધીરુભાઈની સલામીની નોંઘ લીધી.
આમ તો કોઈ ગાર્ડ સલામ ભરે એ મોટા સાહેબો માટે સામાન્ય વાત ગણાય પરંતુ ખખડી ગયેલ ધીરુભાઈના વ્યક્તિત્વમાં કોઈક નોંઘપાત્ર જ ઉજાસ હતો.

“ધીસ ગાર્ડ ઇઝ સો ડિસિપ્લિન્ડ, ઇઝન્ટ ઈટ, ડૉ. કમલેશ?” સામાન્ય વાત હોવા છતાં પણ ડૉ. અખિલેશથી રહેવાયું નહીં.
“આઈ ડૉન્ટ થિંક ઇટ્સ ડિસિપ્લિન. ઈટ મસ્ટ બી સમ ફેસ્ટીવલ સ્ટ્રેટેજી.”
“વ્હોટ ડુ યુ મિન.”
“દોસ્ત, દિવાળી નજીક છે એટલે આ લોકો…..” હજુ ડૉ. કમલેશ આગળ કંઈ જ પણ બોલે તે પહેલાં સિગ્નલ પર ઉભેલા રંગોળીના બીબાં વેંચતા ફેરિયાએ કાચ ખખડાવીને ડૉ. કમલેશને ખલેલ પહોંચાડી.

દિવાળીના દિવસો ચાલું થયું. ધનતેરસ, કાળી ચૌદસ……!!!
હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય બીજી બધી પ્રવૃતિઓમાં ઘસારો ઓછો જણાયો.
ધીરુભાઈએ એક પણ રજા ન હોતી લીધી.
એમણે તો ઘણીય દિવાળી જોઈ હતી અને ફટાકડા પણ ઘણાં ફોડ્યાં હતાં.
એ તો ખડે પગે પોતાની ડ્યૂટી પર હાજર જ હતાં.

થોડાં ઘણાં પૈસા મળે એટલે તેમણે દિવાળી પૂરતી રાતપાળીની ડ્યૂટી પણ સ્વિકારી હતી.
દિવાળીના ફટાકડાના લીધે વાતાવરણના ઓક્સિજનમાં ધુમાડાએ પગદંડો જમાવ્યો હતો.
તેવી જ દાદાગીરી ઘોંઘાટે કાન સાથે કરી હતી.
રાતના બારેક વાગ્યાં હશે.
હોસ્પિટલનાં મુખ્ય ગેટ પર એક રીક્ષા આવીને ઉભી રહી.
“અલા, મુકા આ હું થ્યું અનિલને..?” ધીરુભાઈનું બોખું મોઢું અનિલની હાલત જોઈને ધ્રુજવા જ લાગ્યું
રાતે જમ્યા પછી ધીરુભાઈના નવ વર્ષના પૌત્રએ લૂમ ફોડવાની જીદ કરી હતી.
ધીરુભાઈના છોકરા મુકાએ આળસ કરી.
પોતે જોડે જવાની જગ્યાએ મિત્રો સાથે અનિલને ચાલીમાં જ લૂમ ફોડવા જણાવ્યું.
પણ આ તો નવ વર્ષનું લવિંગ્યું કહેવાય.
લૂમ તો ફૂટતા ફૂટી ગઈ પણ સાથે સાથ અનિલની આંખ પણ દાઝી ગઈ.

ધીરુભાઈ તો દીકરાના દીકરા અનિલને આવી હાલતમાં જોઈને જેટલાં હતા તેનાથીયે અડધા થઇ ગયા.
જલ્દી જલ્દી અનિલને અંદર ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઇ ગયાં.
ધીરુભાઈ તો બધાંના લાડકા હતાં.
જોકે, વાતોનો વહેવાર તો એકે સાથે ન હતો.
પણ દરેક સ્ટાફ સાથે સ્માઈલથી અનેક મુંગા સંવાદ થયા હતાં.

“ધીરુભાઈ, અત્યારે ઑન-ડ્યૂટી ડૉ. કમલેશ સર છે!”
“આપણે એમને બોલાવ્યા છે!”
“તમે ચિંતા ન કરો!”
“તેઓ હમણાં જ આવી જશે!” વારાફરથી એક એક વાક્ય બોલીને બધા જ સ્ટાફે પોતપોતાની હાજરી પૂરાવી.
ડૉ. કમલેશ થોડીક જ ક્ષણોમાં આવી પહોંચ્યા.
રિસૅપ્શનમાં આવતાં દરેક મહેમાનનું સ્વાગત કરતા હોય તેમ ધીરુભાઈ ડિપાર્ટમેન્ટના દરવાજા પાસે હાથ જોડીને ઊભા હતાં.
ડૉ. કમલેશે અનિલની આંખની તપાસ કરી.
એની જરૂરી સારવાર કરી અને ધીરુભાઈના ખભાને જકડીને પકડતા જણાવ્યું કે “ચિંતા ના કરો. આંખ બચી ગઈ છે. ચાર દિવસ ડ્રેસિંગ કરાવશો એટલે સારું થઇ જશે.”
ડૉ. કમલેશ તો ટ્રીટમેન્ટ કરીને જતા રહ્યા.
અનિલને રજા પણ આપી દીધી.
ઘરે જતી વખતે ધીરુભાઈએ સ્ટાફને “કેટલા રૂપિયા થયા?” તેમ પૂછ્યું.
તેમણે રિસૅપ્શન તરફ આંગળી ચીંધી.
“ભાઈ, અમારે કેટલા રૂપિયા આપવાના?” પૌત્ર બચી જવાના કારણે ધીરુભાઈની આંખમાં દિવાળીના ફટાકડા જેવી ચમક હતી.
“ધીરુભાઈ..સરે પૈસા લેવાની ના પાડી છે. તમે તો અમારા સ્ટાફના જેવાં જ કહેવાઓ.”
“પણ…અરે…એવું તો…….” કૈક લાંબી રક્ઝક ચાલી.
દિવાળી ગઈ..ક્રિસ્ટ્મસ ગઈ..હોળી ગઈ અને નાણાકીય વર્ષ પૂરું થવા આવ્યું.
અકાઉન્ટન્ટ સાથે બેઠેલા ડૉ. કમલેશ અને ડૉ. અખિલેશ એફ.ઓ.સી (ફ્રી ઑફ ચાર્જ)નો હિસાબ કરતા હતાં.
ડૉ. કમલેશને અચાનક યાદ આવ્યું અને એમણે બધી જ એન્ટ્રી ચકાસી પરંતુ ધીરુભાઈની એન્ટ્રી એમાં ન હતી.
હોસ્પિટલના રિવાજ પ્રમાણે અનિલની મેડિકલ ફાઈલ તો બની જ હતી.
તેનો પેશન્ટ નંબર ચકાસતા ૬,૦૦૦/-ની સામે એફ.ઓ.સી (ફ્રી ઑફ ચાર્જ)ની જગ્યાએ ૬,૦૦૦/- કૅશ લખ્યું હતું.

ડૉ. કમલેશે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ધીરૂભાઇએ પૈસા આપવા માટે ખૂબ જ રક્ઝક કરી હતી.
રિસૅપ્શન સ્ટાફ દ્વારા તેમને જાણવા મળ્યું કે “તેમણે એક જ લત પકડી રાખી હતી સર, “કે અમને તો અમારો અનિલ સાજો થઇ ગયો એ જ માતાજીના આશીર્વાદ છે. અમે ફ્રીમાં ટ્રીટમેન્ટ ન કરાવી શકીએ.”
જાણતાની સાથે જ અકાઉન્ટન્ટ સાથે બેઠેલા ડૉ. અખિલેશે ટિપ્પણી કરી.” સાચ્ચે જ ધીરુભાઈ!!”

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 3૯ / Maulik Nagar “Vichar”

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ

“રઘુ, હવે તારા લેપટોપને બાજુ પર મૂક અને સૂઈ જા.”
“હા, મમ્મી આ પ્રોગ્રામમાં બગ આવ્યો છે તો મારે રિસોલ્વ કરવો પડશે. વર્ક ફ્રોમ હોમ મમ્મી, યુ સી.” રઘુની ભાષા ગુજરાતી હતી પણ છટા અંગ્રેજી હતી.
રઘુના પપ્પા ડૉ. દિનકર ચૌહાણે રઘુ નાનો હતો ત્યારથી જ એમના મોટાં ભાઈને ત્યાં અમેરિકા મોકલી દીધો હતો.
દિનકરભાઇનું માનવું એમ હતું કે ત્યાં અમેરિકામાં રહે તો છોકરાનું ભણતર અને ભવિષ્ય બંને સુધરી જાય.
દિનકરભાઇ પોતે જડબાના કૅન્સરના નિષ્ણાંત હતા. અને ગુજરાતની પ્રખ્યાત સરકારી હૉસ્પિટલના હેડ હતા.
ડૉ. દિનકર અનેક મેડિકલ સંસ્થાનોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની કામગીરી પણ બજાવતા હતા.
સેવા કાર્યોમાં ડૉ. દિનકર હંમેશા આગળ પડતા જ હોય.
દીકરો રઘુ હંમેશા એમને અહિયાંથી કાયમ માટે અમેરિકા સ્થાયી થવા આગ્રહ કરતો હતો.
પરંતુ પાણીપુરી અને ભાજીપાઉંના શોખીન, ટૂંકમાં ખાવાપીવાના શોખીન ડૉ. દિનકર હંમેશા એવું કહીને ટાળી દેતા કે,
“હમણાં નહીં બેટા. રિટાયર્ડ થઇ જઈશ એટલે હું અને તારી મમ્મી બંને તારી સાથે અમેરિકા આવી જઈશું. ત્યાં સુધીમાં અમે તો દાદા-દાદી પણ બની ગયાં હોઈશું.”

હજી પણ રઘુની લાઈટ ઓલવાઈ ન હતી એટલે દિનકરભાઇ પોતે જ રઘુને સુવાનું કહેવા માટે ઊપર ગયાં.
આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ નિષ્ણાંત રઘુની સ્ક્રીન પર પંદર-સોળ જેટલા સી.સી.ટી.વી કૅમેરા જોઈને એનાં પપ્પાને એનું કામ વિસ્તારથી જાણવાની ઉત્સુકતા થઇ.
રઘુ પણ પોતાનું કામ કરતો જાય અને મોઢામાં લેયઝ વેફરના બે-ચાર કટકા મૂકતો જાય અને પપ્પાને એનું કામ સમજાવતો જાય.
ડૉક્ટરની ઉચ્ચ ડિગ્રી અને અનેક પ્રચલિત સંસ્થાઓની ટોચની પદવીઓ હોવાં છતાંય ડૉ. દિનકારને માત્ર ઑડિઓ અને વિડીયો એ બે શબ્દ સિવાય બીજી કઈ ગતાગમ ના પડી.
ખેર, રઘુની ભારત આવવાનું કારણ એક મહીના બાદ એનાં લગ્ન હતાં.

“બેટા, એક કામ કરજે કાલે તું અને મમ્મી ડ્રાઇવર સાથે સીધા હૉસ્પિટલ આવી જજો. ત્યાંથી આપણે ખરીદી કરવા નીકળીશું.” ડૉ. દિનકરને આર્ટિફિશલ ઇન્ટેલિજન્સમાં કઈ ટપ્પો ન પડ્યો એટલે એમણે પણ રઘુને ઉંઘાડવાનો વ્યર્થ પ્રયત્ન કરવાનો માંડી વાળ્યો.

પંદરથી પણ વધારે વર્ષ બાદ ભારત આવેલા રઘુએ સરકારી હૉસ્પિટલની ગંદકી વિશે સાંભળ્યું તો હતું પરંતુ જોવામાં આજે પ્રથમ વખત આવ્યું હતું.
એની મમ્મીએ તો પહેલેથી જ એને માનસિક રીતે તૈયાર કરી દીધો હતો કે “બેટા, બધી જ ઇન્દ્રિયો બંધ કરીને સીધેસીધા પપ્પાની કૅબિનમાં ઘૂસી જજે.”
રઘુએ એનાં પ્રોગ્રૅમીંગના કમાન્ડની જેમ બધું જ માન્યું પરંતુ આંખ તે કઈ રીતે બંધ થાય!!!
ચારે બાજુ પાનની પિચકારીઓ અને લોકો આમ-તેમ થૂંકતા નજરે પડ્યાં.
મેડિકલનો વપરાયેલો સામાન ગમે ત્યાં પડેલો જોયો.
બેડ શીટ્સ, પિલો કવર બધું જ ગંદી હાલતમાં ગંદકી પર પડેલું જોયું.
લિફ્ટની જાળીનો બદલાયેલો લાલ કલર જોયો.
આ બધું જ જોતાં તરત જ એણે એનાં પપ્પાને કહ્યું કે “પપ્પા આવી ગંદકીમાં તો માણસ વધારે માંદો પડે!”
પપ્પાએ પણ મોળો જવાબ આપ્યો. “શું કરીએ બેટા જે છે તે આ જ છે! એટલે તો તને અહીંયાથી હંમેશા દૂર રાખવો હોય છે.”
રઘુની બધી જ ઇન્દ્રિયો હજી પણ શાંત જ હતી.
એકાદ-બે વાક્ય સિવાય એણે બોલવાનું ટાળ્યું.
આખીય ખરીદી એણે માત્ર ઇશારાથી જ કરી.
એનું મન ક્યાંક ભટકતું હતું.
ખરીદી પત્યાં બાદ અંતે એણે મૌન તોડ્યું.
“પપ્પા આઈ હૅવ વન સોલ્યુશન!” સેવાભાવી બાપના સેવાભાવી બેટાને જાણે કૈક તુક્કો સૂઝ્યો હોય એમ ચપટી મારી.

“અલ્યાં….આવું બધું અહીંયા ના થાય…કેટકેટલી પરમિશન અને કેટકેટલી માથાકૂટ..” રઘુના પ્રસ્તાવથી તો બાપા ભડક્યાં.
રઘુની મા જો આને, “આ સમાજ સુધારકને હોસ્પિટલમાં સી.સી.ટી.વી લગાવીને કંટ્રોલરૂમ જોડે કનેક્ટ કરવાં છે. જાણે એનાં બાપની હૉસ્પિટલ હોય એમ.”
રઘુની માએ તો બંને બાપ દીકરામાં કઈ દખલ ન દીધી.
પણ અંતે રઘુ પપ્પાને કન્વિન્સ કરવામાં સફળ થયો.
જો બેટા, તારી આટલી જીદ છે તો બનાવ તારો પ્રોગ્રામ આપણે કોઈ સારી સી.સી.ટી.વી કંપની સાથે વાતચીત કરીશું પરંતુ સરકારી હૉસ્પિટલમાં આવું શક્ય નથી. “આપણે પ્રયોગ પૂરતું મેડિકલ એસોસિએશનની મેઈન ઑફિસમાં લગાવીશું.”
“જો એમાં સફળ થઈશું તો આપણે આગળ મિનિસ્ટ્રીમાં વાત કરીશું.”
રધુ તો ખુશ થઇ ગયો.
એણે તો લગ્નની તૈયારીઓ મૂકી પડતી અને એનું કૅમેરાનું પ્રોગ્રૅમીંગ કરવા મંડી પડ્યો. અવેલેબલ ડેટા કલેક્ટ કરાવી લીધાં.
ઍલ્ગરિધમ સેટ કરવાનું ચાલુ કરી દીધું.
જો કે એણે એટલી બધી મહેનત કરવાની પણ ન હતી.
આવો પ્રોગ્રામ એણે અમેરિકાની એક કંપની માટે બનાવ્યો જ હતો.
માત્ર થોડાં ઘણાં જરૂરી ફેરફાર જ કરવાના હતા.

હાર્ડવેર અને સોફ્ટવેર લગભગ તૈયાર થઇ ગયાં.
ડૉ. દિનકર મેડિકલ એસોસિએશનના પ્રમુખ હોઈ એમણે વિશેષ પરવાનગીની જરૂર ન હતી.
મેડિકલ એસોસિએશનની ઑફિસના જૂના કૅમેરા ઉતરાવીને નવા હાઈ રિસોલ્યૂશન, સેન્સર ડિટેક્શન અને ૩૬૦º ફરે તેવાં કૅમેરાનું ઈન્સ્ટોલેશન ચાલુ થયું.
ઑટમૅટિક સિસ્ટમના પ્રથમ પ્રયોગમાં જ કમિટિના બધાં જ મેમ્બર્સ ખુશ થઇ ગયાં.
બધાંના મોંઢામાંથી એક જ શબ્દ નિકળ્યો, “વાહ!”
સેવાભાવી અને દીર્ઘદ્રષ્ટા ડૉ. દિનકરના આનંદનો પાર ન રહ્યો.
એણે હાજર બધાં જ કમિટિ મેમ્બર્સને જણાવ્યું કે આપણી આ સફળતા હેલ્થ મિનિસ્ટ્રિ સુધી પહોંચવી જોઈએ.
આપણે આ નવતર પ્રયોગનું ઉદ્દઘાટન કરીશું અને એ ઉદ્દઘાટન માટે આપણે આપણા રાજ્યના હેલ્થ મિનિસ્ટરને આમંત્રણ આપીશું.
જોગાનુજોગ ૨જી ઑક્ટોબર પણ નજીક હતી.
રઘુના લગ્નને હજી થોડાં દિવસોની વાર હતી.
આવાં અનોખા પ્રયોગના સહભાગી બની ઉદ્દઘાટન કરવા માટે હેલ્થ મિનિસ્ટર પણ આતુર હતાં.
ખાદીની ગાંસડીમાં લપેટાઈને મિનિસ્ટરથી માંડીને બધાં જ કમિટિ મેમ્બર્સ અને પરિવારના સભ્યો અને બીજાં મહાનુભાવો નિર્ધારિત સમય અને તારીખે હાજર થઇ ગયાં.
એકાદ-બે ઔપચારિક ભાષણ થયાં.
રઘુના અને ડૉ. દિનકરના ગુણગાન ગવાયા.
ગાંધીજી કરતા આજે આ બંનેનું મહત્વ વધારે જણાયું.
આટલી હાઈ-ટેક સિસ્ટમ સરકારી હોસ્પિટલમાં પણ હોવી જોઈએ એવું હેલ્થ મિનિસ્ટરે સામેથી જ પોતાના ભાષણમાં જણાવ્યું.
આ સાંભળીને ડૉ. દિનકર અને રઘુની ખુશીમાં બમણો વધારો થયો.
સર્વેનો આભાર માનીને હેલ્થ મિનિસ્ટર શાહ સાહેબે જવાની પરવાનગી માંગી.
ડૉ. દિનકર પણ એમનાં સિક્યુરિટીના કાફલા સાથે જોડાઈને એમને છેક લાલ બત્તીવાળી ગાડી સુધી મૂકવા ગયા.
રઘુ અને બીજા કમિટી મેમ્બર્સ તો હજી સ્ટેજ પર જ હતા.
સફળ પ્રયોગ અને કાર્યક્રમની સફળતાની વાતો વાગોળતા હતાં ત્યાં જ રઘુના ફોનમાં નોટિફિકેશન આવી.
“વાહ…..”ની સાથે બધાના મોંઢા ખુલ્લા જ રહી ગયા.
રઘુએ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ થકી પ્રિમાઇસમાં અમૂક ગેરરીતિ થાય એનાં પેરામીટર્સ સેટ કર્યા હતાં.
ઑટોમેટેડ સિસ્ટમની ઉદ્દઘાટન બાદની આ પ્રથમ નોટિફિકેશન હતી.
રઘુએ પોતે જ ડેવલપ કરેલી ઍપ્લિકેશન ખોલી.

પાછળ બધાય કમિટિ મેમ્બર્સ જાણે ગાડી અને બાઈકની “મોત કા કુઆ” રમત ચાલતી હોય તેમ ડોકાચિયું નાખીને રઘુના ફોનમાં જોતા હતાં.

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ડેટાબેઝમાં દરેક કર્મચારીની વિગત નાખી હતી એટલે એમાંથી જે પણ કોઈ ગેરરીતિ દાખવે તો એ ડિટેક્ટ કરીને એમનાં ત્રણ ફોટા સાથે એનાં નામની પાવતી બની જાય અને એના સરનામે કુરિઅર થઇ જાય.
હેડીંગમાં “સ્પિટિંગ ઓન ધ વૉલ” લખ્યું હતું.
ત્રણ અલગ અલગ એંગલથી મેડિકલ એસોસિએશનના એન્ટ્રન્સના ફોટા હતાં.
કૉર્નરમાં તારીખ 0૨/૧૦/૨૦૧૪ સમય:૧૧:30 લખ્યું હતું.
દંડ : અંકે ૧૦૦૦/-
અપરાધીનું નામ : ડૉ. દિનકર ચૌહાણ.

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 3૮ / Maulik Nagar “Vichar”

સોરી

બસ બે જ દિવસમાં ડિસ્ચાર્જ! અત્યારે તો પરફેક્ટલી ઑલરાઇટ છે. હમણાં જ એને ચેક કરીને આવ્યો છું. હવે તો એને માત્ર ઓબ્સર્વેશનમાં જ રાખેલ છે.” ફિલ્મના હીરો જેવાં દેખાતા ડૉ. પરીખે કેટલાય દિવસોની માંદગીથી સપડાયેલા સર્વાયુના ડિસ્ચાર્જના સમાચાર આપી એનાં મમ્મી પપ્પાને ચિંતા મુક્ત કર્યા.
“પરંતુ સર, યુવરાજ સરે તો…??!!” ડૉ. યુવરાજ પાસેથી કંઈક અલગ જ માહિતી મળેલ હોવાથી સર્વાયુના મમ્મી અને પપ્પાએ બંનેએ સાથે ઉદ્દગાર કર્યો.
પરંતુ એ ઉદ્દગાર ઉચ્ચારમાં બદલાય તે પહેલાં જ સાથે ભણેલાં, સરખી ડીગ્રી અને હોસ્પિટલમાં સરખી જ પદવીવાળા ડૉ. પરીખે સર્વાયુના મમ્મી પપ્પાને અડધે જ અટકાવ્યા અને થોડું બીજું મરચું મીઠુ ભભરાવ્યું.

સાહેબજી, કેટલી ચમચી સુગર?” ડૉ. પરીખે પોતાની કૉફીમાં નાખેલી બે ચમચી સુગર હલાવતા હલાવતા ડૉ. યુવરાજને પૂછ્યું.
“પરીખ મને તારી આ હરકત નથી ગમતી. તને ખબર જ છે કે સર્વાયુ બે-ચાર દિવસનો જ મહેમાન છે. વ્હાય કાન્ટ યુ બી ટ્રાન્સપેરન્ટ. ખોટા હીરો બનવાની શી જરૂર છે?” ડૉ. યુવરાજના અવાજમાં થોડી અકળામણની સાથે ભીનાશ પણ હતી.

“સાહેબજી, તમારી કાઉન્સેલિંગ કરવાની સ્ટાઇલ અલગ હશે! મારી કાઉન્સેલિંગ કરવાની સ્ટાઇલ અલગ છે.” ડૉ. પરીખના ‘સાહેબજી’ સંબોધનમાં ભરપૂર ઇર્ષા નીતરતી હતી.
જોવામાં ડૉ. પરીખ લાગતા’તા તો હીરો જેવાં પરંતુ એમનાં વાણી, વર્તન, વિચાર બધામાં કપટ હતું.
એમનાં શબ્દો મીઠ્ઠા હતા પરંતુ એમની દાનતમાં મીઠાશ ન હતી.
એમને હંમેશા ડૉ. યુવરાજની અદેખાઈ આવતી હતી.
ડૉ. યુવરાજ પીડિયાટ્રિક ઇન્ટરસીવિસ્ટ તરીકે આખા ગુજરાતમાં ખૂબ જ જાણીતું નામ હતું.
નર્સિંગ સ્ટાફ હોય કે મેડિકલ ઓફિસર બધાની જ લાપરવાહીથી તે અજાણ ન હતાં. એટલા માટે જ જો તેમણે હોસ્પિટલમાં જ જો રાતવાસો કરવો પડે તો તે તૈયારી સાથે જ આવતાં હતાં.
લક્ઝરી કારના શોખીન ડૉ. યુવરાજના પાંચ એકરના મોટાં બંગલામાં ગૌશાળા પણ હતી અને બે-બે તાલીમ પામેલા ઘોડાં પણ હતાં.

સાચે જ, સાધનો જોઈએ તો તેઓ સંપન્ન હતાં.
રંગે ઘઉંવર્ણા ડૉ. યુવરાજની વાણીમાં સચોટતા અને નમ્રતા પણ એટલી જ સંપન્ન હતી.
તેમની જીવનશૈલી જોતાં જ પેલી કહેવત યાદ આવી જાય,”ઑલ્ડ વાઈન ઈન અ ન્યૂ બૉટલ”
ઈમાનદારી અને મહેનતથી કમાયેલી સંપત્તિને તેઓ બખૂબી ભોગવતા હતા પરંતુ ડૉ. યુવરાજને તેનું જરાક પણ ઘમંડ ન હતું.
બધી જ સુખ સાહેબીની સાથે તેમને નાના-નાના ભૂલકાઓની સેવા કરવામાં જે સંતોષ મળતો હતો તે જ તેમના નાદાન હસમુખા ચહેરાનું કારણ હતું.
દરેક પેશન્ટને જાણે તે પોતાનું બાળક હોય તેમ જ ટ્રીટમેન્ટ આપતા હતા.
બસ માત્ર એક જ કમી હતી..”આ બધું જ કમાયેલું ભોગવનાર જન્મતાની સાથે જ શૂન્યતામાં ભળી ગયો હતો.”

ડૉ. પરીખે બનાવેલ બે ચમચી નાખેલ ખાંડવાળી કૉફી ડૉ. યુવરાજને કડવી લાગતી હતી.
વારંવાર એમની આંખ સમક્ષ સર્વાયુ અને એનાં મમ્મી પપ્પાનો ચહેરો જ આવતો હતો.
આટલા અનુભવી ડૉક્ટર આજે છલકપટની જાળમાં ફસાઈને બેચેન થઇ ગયાં હતાં.
એમનાં મગજમાં તો સર્વાયુની મમ્મી પપ્પા સાથે કરેલ કાઉન્સેલિંગના સંવાદો જ ગુંજતા હતા.

“સોરી, સર્વાયુની હાલત ખૂબ જ નાજૂક છે.”
“એટલે..એટલે…એને ડિસ્ચાર્જ ક્યારે મળશે?”
“ગણતરીના જ કલાકો…”
“ડિસ્ચાર્જ?”
“ના…” અને આ જ શાબ્દિક ગૂંગળામણ ડૉ. યુવરાજના મગજમાં પડઘા બનીને ગુંજતી હતી.
સાથેસાથ ડૉ. યુવરાજને એ પણ ખૂંચતું હતું કે ડૉ. પરીખને જાણ છે કે સર્વાયુ હવે થોડાંક જ કલાકનો મહેમાન છે તેમ છતાં પણ એના સગાને અંધારામાં શું કરવા રાખે છે?
ડૉ. યુવરાજના મનમાં હજી વિચારોના ઝંઝાવાતે જોર પકડ્યું જ હતું ને ત્યાં જ નર્સિંગ સ્ટાફે આવીને સર્વાયુના સમાચાર જણાવ્યાં.
ડૉ. પરીખ અને ડૉ. યુવરાજ પી.આઈ.સી.યુમાં જઈને સર્વાયુને તપાસ્યો અને એનાં પેરેન્ટ્સને કાઉન્સેલિંગ રૂમમાં બોલાવ્યાં.

ડૉ. પરીખના ચહેરા પર દર વખતની જેમ બેફિકરાઈ જણાતી હતી.
સત્તાવાર રીતે ડૉ. યુવરાજ જ હંમેશા પેરેન્ટ્સ સાથે પ્રથમ વાત કરતા હોય તેથી
“ૐ શાંતિ”
“સોરી ટુ સેય..સર્વાયુ ઇઝ….?” વાક્ય પત્યું ન પત્યું અને સર્વાયુની મમ્મીએ ડૉ. યુવરાજને એક સમસમાટ લાફો ઝીંકી દીધો.
“વ્હોટ ધ હેલ આર યુ ડુઇંગ? સિક્યોરિટી…..સિક્યોરિટી…! ડૉ. યુવરાજના ગાલની સાથે એમનું મગજ પણ ગરમાગરમ થઇ ગયું.
સિક્યોરિટી..સિક્યોરિટીની બૂમો સાંભળતા ઉશ્કેરાયેલા સર્વાયુના મમ્મીએ બે-ચાર બીજાં લાફા ઝીંકી દીધાં.

“ચોર છે તું…બેદરકાર છે તું..ઈર્ષા આવે છે તને લોકોના બાળકોની..” ઘસાઈ ગયેલી ટેપ-રેકોર્ડરની જેમ ચીસો પાડતા સર્વાયુના મમ્મી સાથે એનાં પપ્પાએ પણ સૂર પૂરાવ્યો.
“સાંજ સુધી તો ડૉ. પરીખ કહેતા હતા કે એ એકદમ ઑલરાઈટ છે અને એને બે દિવસના ઓબઝર્વેશન પછી ડિસ્ચાર્જ કરવાના છે. કેમ અચાનક શું થઇ ગયું એને?”
સેન્ટ્રલી એરકંડીશનવાળી હોસ્પિટલમાં માહોલ ગરમાગરમ થઇ ગયો.
“વી આર ગોઈંગ ટુ સૂ યુ ડૉ. યુવરાજ”

શોકમય વાતાવરણ વચ્ચે વાત અંતે કાયદેસર કાર્યવાહી પર પહોંચી.
હોસ્પિટલનાં પ્રાંગણમાં આજે પ્રથમ વખત વકીલ આવ્યાં હતા.
ડૉ. યુવરાજની પ્રતિષ્ઠાને આજે પ્રથમ વખત ઠેસ પહોંચી હતી.
એમના વિશે છાપા અને સમાચાર પત્રોમાં જાતભાતના આક્ષેપો છપાતા હતાં.
કિસ્સો સી.સી.ટી.વીના જમાનાનો હતો.
એટલે પોલીસ અને વકીલ દ્વારા સૌ પ્રથમ પી.આઈ.સી.યુના સી.સી.ટી.વી ફૂટેજની માંગણી થઇ.

સી.સી.ટી.વી ફૂટેજની સેકંડ્સ જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ ડૉ. યુવરાજની છબી છત્તી થતી હતી.
એમનાં સ્પર્શમાં સર્વાયુ માનું વાત્સલ્ય અનુભવતો હોય તેવો હરખાતો હતો.
જે ક્ષણે ડૉ. યુવરાજે સર્વાયુના મમ્મી પપ્પાને કહ્યું હતું કે એની હાલત ખૂબ જ ગંભીર છે, તે જ ક્ષણથી ડૉ. યુવરાજ સર્વાયુ પાસેથી ક્યાંય ખસ્યા ન હતાં.
આખી રાત એની પડખે બેસીને એનાં માથા પર હાથ ફેરવ્યો હતો.
સાથેસાથ એને બચાવવાના અથાગ પ્રયત્નો તો ચાલુ જ હતાં.
જે સમયે ડૉ. પરીખે કહ્યું હતું કે ‘હું હમણાં જ એને ચેક કરીને આવ્યો છું’, ‘બે દિવસમાં ડિસ્ચાર્જ!..વિગેરે..વિગેરે..’ એ જ સમય દરમ્યાન ક્યાંય પણ ડૉ. પરીખની હાજરી જણાઈ ન હતી.
દર વર્ષે સર્વાયુના મમ્મી પપ્પા સર્વાયુની પુણ્યતિથિએ ડૉ. યુવરાજને એમની ગૌશાળાની ગાયોના ધાન માટે નાની અમથી રકમનો ચેક મોકલે છે અને સાથે એક ચિઠ્ઠી મોકલે છે. જેમાં માત્ર એક જ અક્ષર લખેલો હોય છે. “સોરી..”

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 32 / Maulik Nagar “Vichar”

લાલજી

“લે લાલા, આ લાલજીનો પ્રસાદ લેતો જા!” બાએ ક્રિશને સીંગ સાકરીયા ધર્યા.
“ઓકે ડોશી! આઈ એમ ગોઇંગ..ચલો…..પલટન.” ધડામ કરતો બંગલાના ઓટલા પરથી ક્રિશે કૂદકો માર્યો અને રજનીકાંતની જેમ સીધો સાઇકલની સીટ ઉપર.
ક્રિશ, પ્લીઝ બેટા ધમાલ ન કરતો. સાચવીને ચલાવજે….ટેક્ …મમ્મીનો “કેર” અવાજ સંભળાય એ પહેલા જ ક્રિશ સોસાયટીના સાયકલયા ગોવાળિયાઓ સાથે સાયકલ પર રખડવા નીકળી પડ્યો.
પલટન સાચે જ માથા ભારે હતી.
એકેએકના મમ્મી-પપ્પા હાયકારો પોકારી ઉઠ્યા હતાં.
જ્યાં પણ આ પ્રજા જાય ત્યાં ક્યાં તો કોઈકની કંઈક વસ્તુ તોડે, ક્યાં તો પોતાના હાથ ટાંટિયા તોડે.
બાની આરતી પત્યાની ઘંટડી વાગતી જ હતી અને ત્યાં ક્રિશની મમ્મી બબડતી હતી કે, “ક્રિશને બગાડવામાં આ બા-દાદાનો જ હાથ છે.
એમનાં લાડ પ્રેમને લીધે જ એ નફ્ફટ થઇ ગયો છે.”
બાને તો બે-બે કાન હતા.
એક કાને બા ઘંટડીનો અવાજ સાંભળતા હતા અને બીજા કાને બાએ વહુની નામોશીનું પુરાણ સાંભળ્યું.
“વહુ બેટા…ચિંતા ના કર. એની સાથે હંમેશા મારા ઠાકોરજી છે જ. મારા લાલ્યાની રક્ષા હંમેશા મારો લાલજી જ કરશે.”

આ બાજુ આખીય પલટન ગાંધીનગરના કક્કો બારાખડીવાળા વિભાગોમાં ફરવામાં મશગૂલ થઇ ગઈ હતી.
મે મહિનાનો તડકો માથે ધગમગતો હતો.

“ક્રિશ, જો તારા કરતા મારી સાયકલ ફાસ્ટ ભાગે…”
“એ મિન્ટુડા..ઉભો રે…તને તો હું મારી સ્પીડ બતાવું.”
“ઓય..ભગાવો નહીં..ત્યાં જુઓ મસ્ત નર્સરી જેવું લાગે છે. ગોળમટોળ નાની દિવ્યાએ બંનેને બૂમ પાડી.”
ક્રિશ, મિન્ટુ, દિવ્યા, આહાન, રોઝી પાંચે જણાયે પોતપોતાની રંગબેરંગી સાયકલો દિવ્યાના ઈશારા તરફ વાળી.
બધાંના મોઢામાંથી એક જ સૂર નીકળ્યો. “વાઉ”
“ચલ મિન્ટુડા, વાડ કૂદીને અંદર જઇયે.” ક્રિશે આંખ મચકાવતા કહ્યું.
“ના હો…ચોકીદાર આવશે તો!” કહીને દિવ્યા અને રોઝીએ બંનેને રોકવા પ્રયત્ન કર્યો.
ગરીબડી ગાય જેવો આહન આમતેમ ડાંફોળિયા મારતો હતો.
“હેય બ્રધર, અહીંયા તો નાનો ગેટ છે.” આહાને થોડે દૂર એક નાનકડા લોખંડના ગેટ તરફ ઈશારો કર્યો.
લોખંડનો ગેટ તો બંધ હતો પણ બાજુમાં ફેન્સીંગ સાથે ચણેલી ઈંટની દીવાલ તૂટેલી હતી.
એના પર ચઢીને ડંકીમાંથી લીક થયેલા નાનકડા ખાબોચિયામાં બધાએ કૂદકો મારી એ નાનકડાં પાર્કમાં અંદર પ્રવેશ્યા.
અંદર ઝાડી ઝાંખળાની સાથે રંગબેરંગી ફૂલોના છોડ પણ હતા.
એનાં પર ફુદાંઓ ઉડતા હતા.
બે નાના નાના સસલા રમતા પણ રમતા હતા.
પાંચેય જણા તો આ નાનકડો અવાવરો પણ રંગબેરંગી પાર્ક જોઈને તો ખુશખુશાલ થઇ ગયા.
એ લોકોને રોજની રમવાની જગ્યા મળી ગઈ હતી અને સાથે બીજા બે નવા મિત્રો પણ મળી ગયા.
એ પણ દૂધ જેવાં ઊજળાં અને સોફ્ટ સોફ્ટ.

“હેય બ્રો…લુક ઍટ ધીસ..” આમતેમ ડાફોળિયાં મારતા આહાને વળી પાછું બધાનું ધ્યાન દોર્યું.
“વાઉ..આ શું છે?” મિન્ટુએ પણ થોડું આશ્ચર્ય વ્યક્ત કર્યું.
ચેરી રેડ કલરના સૂર્યના કિરણોને કારણે ચક્મકીત અતિ આકર્ષક મોતીના દાણાં જેવાં બીજને જોઈને ક્રિશ તરત જ બોલ્યો.
“અરે..આ તો લાલજીનો પ્રસાદ છે.”
આ બધાની વચ્ચે એક માત્ર પોતાને જ આ શું છે એ ખબર હોવાથી ક્રિશ મનમાંને મનમાં બાનો આભાર માનવા લાગ્યો.
બે ઠેકડાં મારીને ક્રિશ હજી એ પ્લાન્ટની નજીક ગયો.
આજે પહેલી વખત આટલું ધારીને આ દાણાંને જોતો હતો.
“આ ને કહેવાય શું એ તો કહે સ્ટુપીડ” ચારેય જણાએ સાથે સૂર પૂરાવ્યો.
“ઉમમ..!” આંગળી ગાલ પર ટપકાવીને ક્રિશ ઊંડા વિચારમાં સરકી ગયો જાણે કે બહું મોટો બોટનિસ્ટ હોય.
“જુઓ ફ્રેન્ડ્સ મને એનું નામ તો નથી ખબર પણ ઇટ્સ વેરી ટેસ્ટી, મારા બા રોજ આ લાલજીને પહેરાવે છે. આઈ થિંક આ તો પ્રસાદ છે.” બીજાં ચારેયના મોંઢા જોઈ ક્રિશ ફોર્મમાં આવી ગયો.
એ છોડમાંથી થોડાં દાણાં તોડ્યાં.
એકાદ-બે મોંઢામાં મૂકીને ચાવી ગયો અને બીજાં દાણાં એણે પોતાના ખિસ્સામાં મૂક્યા.
એની આવી હીરોગીરી જોઈને બધા તો દંગ જ રહી ગયા.
પણ કોઈએ એ ખાવાની હિંમત ન કરી.
“લે..મિન્ટુડા…” ક્રિશે એક દાણો મિન્ટુને ધર્યો.
એના મોંઢા પરથી જ લાગતું હતું કે એમાં કંઈ સ્વાદ નથી.
સેકન્ડ કાંટો હજી એક વખત પણ આખું સર્કલ ફર્યો ન હતો ત્યાં ક્રિશે ઊલટી કરી.
“મિન્ટુડા, પેટમાં બહુ જ ચૂંક આવે છે..” વળી પાછી ઊલટી કરી.
ક્રિશના હાવભાવ જોઈ બધા ટેણિયાંઓ ગભરાઈ ગયા.
દિવ્યાએ કહ્યું, “મિન્ટુ, કૉલ આંટી.”
મિન્ટુએ પોતાના આઈફોન પરથી ક્રિશની મમ્મીને ફૉન કરીને એની ઊલટી વિશે જણાવ્યું.
“બેટા, તમારી સાયકલ ત્યાં જ રહેવા દો અને ક્રિશને લઈને તમે હોસ્પિટલ પહોંચો. અમે સીધા ત્યાં જ પહોંચીએ છીએ.”
છોકરાઓએ રીક્ષા કરી.
આંટીએ જણાવેલી હોસ્પિટલ પહોંચ્યા.
સીધા જ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં પહોંચ્યા.
ક્રિશના મમ્મી અને દાદી પણ ત્યાં પહોંચી ગયા.
ત્યાંના ડૉક્ટર્સ છોકરાઓ સાથે વાત કરતા હતા અને શું થયું હતું તે જાણવા પ્રયત્ન કરતા હતા.
ડૉક્ટરના અનુમાન પ્રમાણે “આટલા તડકામાં આટલી બધી સાયકલ ચલાવી એટલે ડીહાઇડ્રેશન થયું હશે!”
ક્રિશ “પેટમાં બહું જ દુખે છે”ની કંપ્લેન પણ કરતો હતો અને દુખાવાના કારણે સતત બૂમો પાડતો હતો.
ડૉક્ટરને લાગ્યું કે કદાચ અપેન્ડિક્સ પણ હોઈ શકે!
ક્રિશની મમ્મી અને બા બંનેના ચહેરાં પર ગંભીરતા જણાતી હતી.
ગંભીરતામાં થોડી ચિંતા પણ ભળી.
હાથમાં માળા લઈને આવેલાં સતત કૃષ્ણનું નામ જપતા બાએ કહ્યું, “હે મારા લાલજી, મારા દીકરાને સાજો કરી દે.”
“બા…બા…મને લાગે છે કે ક્રિશે લાલજીનો પ્રસાદ ખાધો પછી જ એને પેટમાં ચૂંક આવવાનું ચાલુ થયું હતુ.” દિવ્યાએ નાદાન અવાજે બાને કહ્યું
“ગાંડી થા મા…સીંગ દાણાં ખાય તો કંઈ આવી ઊલટીઓ થોડી થાય.” બાએ મોં મચકોડીને કહ્યું.
“ના બા..એણે પેલ્લા… પાર્કમાં લાલજીનો પ્રસાદ ખાધો હતો.” પેલ્લા…તો એવી રીતે કહ્યું જાણે કે એ પાર્ક કોઈ બીજા દેશમાં હોય.
“હેં..ક્યાં..?”
“અરે એ તો અમને પણ ખાવાનું કેહ્તો હતો.
“થોડા પ્રસાદના દાણાં તો એનાં ખિસ્સામાં પણ છે.” અંદર વૉર્ડ તરફ ઈશારો કરતા દિવ્યા બોલી.
બાએ તુરંત જ ડૉક્ટર્સને એના ખિસ્સા ચકાસવા કહ્યું.
“અરે..આ તો ચણોઠી” બાનું મોઢું તો ખુલ્લું જ રહી ગયું.
“અરે આ તો એબ્રસ પ્રીકાટોરિયસ” ત્યાંના કન્સલ્ટન્ટ ડૉક્ટરે વધુમાં ઉમેર્યું..”ઇટ્સ અ ટોક્સિન એન્ડ વૅરી ડેન્જર”
“ચિંતા ના કરો એને જરૂરી ઇંજેકશન આપી દીધું છે. હી ઇસ ઑલરાઇટ નાઉ”

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 31 / Maulik Nagar “Vichar”

પુનર્જન્મ

“જય હે…જય હે..જય જય જય જય હે. ભારત માતા કી જય…”ના ઘરના ઓનીડાના ટી.વી.માં જયજયકારના નાદ સાથે ડૉ. ઊર્જાના મોબાઈલમાં સેટ કરેલી વંદેમાતરમ્ રીંગ વાગી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ એ જ સમય એ જ તારીખ અને એ જ ઢીંગલી જેવી છોકરી આકાંક્ષાનો ફોન હતો.
“હેલો, આકાંક્ષા!! કેમ છે તું બેટા? હેપી ઇન્ડિપેન્ડન્સ ડે!”
“ઊર્જાઆંટી, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે!” હું તો એકદમ મજામાં.. તમે કેમ છો? આકાંક્ષાનો તીણો અવાજ સાંભળતા જ ડૉ. ઊર્જામાં ઊર્જા આવી ગઈ.
“બસ મજામાં જ રહેવાનું બેટા..!”
સિદ્ધાંત તો કેટલો મોટો થઇ ગયો હશે હવે..હે ને?”
“હા, હવે તો આખુ ઘર માથે લે છે. તું કહે..તું ચાલે છે ને?…”
“હા, આંટી, થોડું… થોડું…હવે ઓછી તકલીફ પડે છે.” ડૉ. ઊર્જામાં હાશનો ભાવ થયો.
“આજના દિવસને કેમ ભૂલાય આંટી. એટલે જ દર વર્ષે આજનો દિવસ એટલે મારો પુનર્જન્મ દિવસ.”
“પંદરમી ઑગસ્ટના દિવસે તમે જ તો મને ચલાતી કરીને વર્ષોની બીમારી અને હોસ્પિટલની ગુલામીમાંથી મને આઝાદ કરીને ઘરે મોકલી હતી ને!”
ડિરેક્ટરે લખી રાખી હોય એમ દર વર્ષે આ જ દિવસે અને આ જ સમયે નિયમિત રીતે આકાંક્ષાનો ફોન આવે.
આકાંક્ષા સાથેની વાતચીત બે-ચાર વાક્યના ડગલાં ભરે ત્યાં તો ડૉ. ઊર્જાના આંખમાં ઝળઝળિયાં આવી જાય.

“હા આકાંક્ષા, આ વાતને હું પણ કદી ભૂલી નહિ શકું. એ માટે હું પણ મારી જાતને નસીબદાર માનું છું. ચલ મમ્મી-પપ્પાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે બેટા…”
“હા, આંટી ચોક્કસ…”
“આવજો.” બંને બાજુથી એક વર્ષ માટેનું પૂર્ણવિરામ મૂકાયું.

ડૉ. ઊર્જાએ જમીન પર ઘસડાઈને આમ તેમ આળોટતા પોતાના આંઠ વર્ષના દીકરા સિદ્ધાંતની સામે જોયું અને આકાંક્ષા સાથેનો એ દિવસ યાદ આવી ગયો. જયારે એણે આકાંક્ષાને પહેલી વખત પોતાની હોસ્પિટલમાં જોઈ હતી.


“મમ્મી મારૂં આખું શરીર દુઃખે છે.!” આકાંક્ષાએ આંખો ઝાંખી કરીને કહ્યું.
“ચલ..ચલ..ચંપા…ઊભી થા.તારા નાટકો મને ખબર છે.” આ મમ્મી પણ બધી મમ્મીઓ જેવું જ વર્ઝન હતું. આઉટ ડેટેડ!!
પણ મમ્મીનું વર્ઝન અપડેટ થતા વાર ન લાગી. તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા.

“દીકરીને સાંધાનો રોગ છે.” ત્રણેયના ચહેરા થોડાં ગંભીર થયા.
ડૉક્ટરે વધુમાં ઉમેર્યું, “આ રોગનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી.” અને ત્યારથી જ દિવાળીના દિવસોમાં ડૉક્ટરોના ઘર ગણવાનું ચાલું થયું.
નાસ્તાની બરણીઓ આકાંક્ષાની જાતભાતની દવાઓથી છલકાઈ.
સ્ટિરૉઇડ પણ લેવાં પડ્યાં.
જેમ તેમ કરીને ૧૦માં ધોરણની પરીક્ષા આપી.
હવે તો ઊભા થવું પણ મુશ્કેલ હતું.
આકાંક્ષાને હવે એકલી મૂકીને ક્યાંય બહાર જવું પણ શક્ય ન હતું.
આકાંક્ષાના ધાર્મિક મમ્મી-પપ્પાને પોતાના નસીબ પર અત્યંત ભરોસો હતો.
તેઓ કુદરત આપણી પરીક્ષા કરે છે. થોડાં સમયમાં સારું થઇ જશે. એમ કહીને આકાંક્ષા અને પોતાને બંનેને આશ્વાસન આપતા હતા.
એમની એકની એક દીકરીને પગેથી હલનચલન કર્યા વગર જોવી એ એક મા-બાપ માટે અસહ્ય હતું.
નાનું બાળક ઢીંગલી ઉંચકીને ફરતું હોય તેમ આ નાદાન મા-બાપ પોતાની દીકરી આકાંક્ષાને ઢીંગલીની જેમ ઉંચકીને જ ફરતા હતાં.

એક સગા મારફતે પ્રખ્યાત ડૉ. હિમાંશુ અને એમનાં ફિઝિયોથેરાપિસ્ટ પત્નિ ડૉ. ઊર્જાનું નામ જાણવા મળ્યું.
“ચલો બુલાવા આયા હે, ડૉક્ટરને બુલાયા હે.” ત્રિપુટી ડૉ. હિમાંશુ અને ડૉ. ઊર્જા પાસે પહોંચી ગઈ.

લગભગ તેર-ચૌદ વર્ષની લાગતી આકાંક્ષા ખૂબ જ સુંદર, રૂપાળી, નમણી અને હસમુખી છોકરી હતી.
મનમાં ડૉ. ઊર્જાએ વિચાર્યુ “આટલી સરસ છોકરીને શું થયું હશે?”
બધા જ ઇન્વેસ્ટિગેશન બાદ બંને ડૉક્ટર્સને ખબર પડી કે ૨૧ વર્ષની આકાંક્ષાને જુવેનાઇલ રૂમેટોઇડ આર્થરાઇટિસ છે.
ખેર, આ નાજુક ફૂલને પાછી બગીચામાં ડાળખીએ ઝૂલતી કરવી એ હવે આ બંને ડૉક્ટર્સની જવાબદારી હતી.
પ્રથમ નજરથી જ ડૉ. ઊર્જાના મનમાં આકાંક્ષા માટે કંઈક અલગ જ લાગણી હતી.
ડૉ. હિમાંશુએ તપાસ્યા પછી કીધું, “આશા છે..! પણ ધીરજ રાખવી પડશે, મહેનત ખૂબ કરવી પડશે..રેડી છે ને બેટા?” ડૉક્ટરે થોડાં મલકાઈને આકાંક્ષા સામે જોયું.
થોડા જ દિવસમાં બે ઘૂંટણના ઑપરેશન થયા.
કાટખૂણે વળેલાં બંને ધૂંટણ સીધા થયા.
હવે વારો હતો થાપાના ઑપરેશનનો.
આ ઑપરેશન માટે સાંધો ખાસ આકાંક્ષા માટે માપ લઈને પરદેશમાં બનાવડાવ્યો હતો.
આ બધી જ સારવાર અહીંયા વર્ણવી છે એટલી સહેલી ન હતી.
આકાંક્ષા અને એનાં માતા-પિતાને શારીરિક, માનસિક અને આર્થિક બધી જ રીતે લીસોટા પડતાં હતાં.
દરેક ડૉક્ટર્સ અને સ્ટાફ એને હાથમાંને હાથમાં રાખતા. જરૂર પડ્યે ડૉ. હિમાંશુ આર્થિક સગવડ પણ કરી આપતા હતા.
થાપાનું ઑપરેશન પણ સફળ થયું.
હવે હતો પગનો વારો.
પગનું માપ લઇ ખાસ બુટ બનાવ્યા.
જેની મદદથી આકાંક્ષા ઉભી થઇને ચાલી શકવાની હતી.

લગભગ છેલ્લા ૭ વર્ષથી ચાલી ન શકતી આકાંક્ષા આજે સ્વાતંત્ર્ય દિવસે વળી પાછી પ્રથમ વખત ચાલવા પ્રયત્ન કરવાની હતી.
ડૉ. હિમાંશુ, એમના પત્નિ ડૉ. ઊર્જા, બધા જ સ્ટાફના લોકો અને આકાંક્ષાના મમ્મી પપ્પા બધાય લોકો જવાન દીકરીને પોતાના પગ પર ઉભા રહેતી જોવાં આતુર હતા.
હસમુખી આકાંક્ષાએ ડગમગ થતા જેવું પ્રથમ પગલું માંડ્યું અને માવતરની આંખો ભીંજાઈ.
આકાંક્ષાના મમ્મી પપ્પાની આંખમાં હરખની હેલી જણાઈ.
નવી સવી મા બનેલા ડૉ. ઊર્જા પણ રાતી આંખો સાથે આખેઆખા ભીંજાઈ ગયા.
હોસ્પિટલના રૂમમાં રાખેલ બી.પી.એલ ટી.વી.માં બંદૂક અને તોપોની સલામી સંભળાઈ.
રાષ્ટ્રપતિ અને આખા રાષ્ટ્ર સાથે આકાંક્ષાએ પણ પોતાના પગ પર ઊભા રહીને રાષ્ટ્રગાન કર્યું.

ડૉ. ઊર્જાએ જમીન પર ઘસડાતા પોતાના દીકરા સિદ્ધાંતને જોઈને ઊંડો નિ:શ્વાસ નાખ્યો.

By:Maulik Nagar “Vichar”

Source: ડૉ. અંકિતા પંચાલ

HopeScope Stories Behind White Coat – 27 / Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

બાટલી બોય

“એક ગઝલ તારા નામની, ના રહીમની ના રામની
એક ગઝલ તારા નામની
મૂછોનાં દોરા ફૂટ્યાં અને ઋતુ આવી જામની
એક ગઝલ તારા નામની”
“આહાહાહા…મારા વ્હાલા અંકિત પંડ્યા..શું શેર માર્યો છે તે તો બાકી.” બાઇટિંગના પડિયામાંથી એક સિંગનું ભજીયું મોઢામાં મૂકતા મિત્ર પ્રણવે ભરચક નશામાં અંકિતના ભારોભાર વખાણ કર્યા.
“શું વ્હાલા વ્હાલા કરો છો પ્રણવભાઈ..તમારા વ્હાલા તો ભગવાનને વહેલા વ્હાલા થઇ જાય એટલું પીવે છે!” જાગૃતિનાં હાથમાં ચટપટી ચિકન લોલીપોપ હતી અને મોંઢા પર સૂગ.
“જાગૃતિભાભી..અંકિતને તો બમણો નશો ચડે છે..તમે પણ…..!” અંકિતનો મિત્ર પ્રણવ બીજી કોઈ પણ ચોખવટ કરે તે પહેલાં જાગૃતિ ચિકન લોલીપોપની ડિશ મૂકી ત્યાંથી નીકળી ગઈ.

અંકિત સ્વભાવે તો સારો વ્યક્તિ હતો. સવારે નાહીને પૂજા કરવાની, સૂર્યનારાયણને જળ ચડાવવાનું, જાગૃતિ માટે સવારની પહેલી ચા તો અંકિત જ બનાવતો. અઠવાડિયામાં એક દિવસ નિયમિતપણે જાગૃતિને ઘરવખરી અને કરિયાણાની ખરીદી કરવાં લઇ જવાની અને એક દિવસ સિનેમા ક્યાંતો વડોદરાની કોઈ સારી હોટેલમાં સહપરિવાર જમવા જવાનું.
એકંદરે સારું એવું કમાતા અને પોતાની પૂરેપૂરી જવાબદારી નિભાવતા અંકિતનું આ રૂપ માત્ર સાંજના નવ વાગ્યા સુધી જ રહેતું. નવ વાગે એટલે એનાં એકાદ-બે લોફર મિત્રો ઘરે આવી ચડે અને એમની મહેફીલ જામે. એમાં પતિને સંપૂર્ણ સમર્પિત બિચારી જાગૃતિનું આવી જ બને.

જાગૃતિની બધીય ઇન્દ્રિયો ભ્રષ્ટ થઇ જાય. અનેક ગાળો, અપશબ્દો અને ગંદકીભરી વાતો કાને પડે. સભ્ય પરિવારના લોકો ન જોઈ શકે એવાં ચલચિત્રોના દ્રશ્યો એનાં આંખે પડે..ક્યારેક અંકિતના અનાડી મિત્રોની નજર અને થાળી કે પાણીના ગ્લાસ આપતી વખતનો તેઓનો કંટાળો સ્પર્શ જાગૃતિને ખૂંચે. અને અધૂરામાં પૂરું ભૂદેવની દીકરી અને પત્ની હોવા છતાં ઘરે આવેલા ભૂખ્યાં તરસ્યાં દાનવોને માંસાહાર પીરસવું પડે એ મોટો રંજ હતો.
હદ તો ત્યાં થતી હતી કે જયારે અંકિત અને એનાં મિત્રો બધાં જ નશામાં ચૂર થઇ જતા ત્યારે અંકિત જાગૃતિને પોતાનાં મિત્રોને એમનાં ઘરે મૂકી આવવા આગ્રહ કરતો. પણ જાગૃતિ ટસની મસ ન થતી. અને અંતે અંકિત એનાં પિયક્કડ મિત્રોને પોતાનાં બેડરૂમમાં સૂઈ જવા કહેતો.
“અંકિત, તમને ખબર છેને કે હું તમને કેટલું ચાહું છું.”
“જાગૃતિ, તું મને ચાહતી હોઈશ એનાં કરતા હું તને બમણું ચાહું છું.” સ્વિટ વાઈનના રસિયા અંકિતે મધુર સ્વરે જાગૃતિનો હાથ પોતાનાં હાથમાં જક્ડયો.
“જો તમે ચાહતા જ હોવ તો………..”
જાગૃતિનું વાક્ય પતે તે પહેલાં જ અંકિત બોલી ઉઠ્યો “વૅરી સુન બેબી..”
વાસ્તવમાં આ ચર્ચા રોજની હતી. વૅરી સુન…સાંભળતા જ ઘરનું વાતાવરણ સૂનમૂન થઇ જતું.

અંકિતને એનાં મમ્મી પપ્પા, પત્ની જાગૃતિ, ચૌદ વર્ષની દીકરી નિરાલી બધા એ સમજાવ્યું પણ એની આ દારૂ પીવાની લતને લાત મારી શકતો ન હતો.
હવે તો સોસાયટીના સભ્યો અને અમુક મિત્રો તો એને બાટલી બોય કહેવાં લાગ્યાં હતાં.
જાગૃતિએ અનેક બાધાઓ માની, રુદ્રી કરાવડાવી, કથાઓ કરાવડાવી, ધાગા, દોરા, માદળિયાં અનેક ઉપાયો કર્યા.
એકાદ વખત તો પોતે પણ આખે આખી વાઈનની બાટલી પોતે એક ઘૂંટડે ગડગડાવી દીધી.
અંકિતમાં એની બે-ચાર દિવસ અસર રહેતી વળી પાછો નશાની બાટલીમાં ઉતરી જતો.

જાગૃતિ નાસ્તો બનાવી બેડરૂમમાં આવી.
એણે અંકિતને બાથરૂમમાં ગળું છોલાઈ જાય એટલી જોરથી ખાંસતો જોયો.
અંકિત ખાંસતો જાય અને મોઢામાંથી લોહીના ફુવારા ઉડાડતો જાય. જાગૃતિથી ચીસ નંખાઈ ગઈ.
જાગૃતિ પણ હોમિયોપેથી ડૉક્ટર હતી. સાસુ સસરા ઘરડા હોવાથી અને નિરાલીના જન્મબાદ ઘરની જવાબદારીઓ વધતા એણે એની હોમિયોપેથીની પ્રૅક્ટિસ છોડી દીધી હતી.
જાગૃતિની હોમિયોપેથી ડૉક્ટર મિત્રના હસબન્ડ ડૉ. મુખ્તાર ગેસ્ટ્રોફિઝિશ્યન હતાં. એણે એ મિત્રને ફોને કર્યો અને અંકિતની તકલીફ જણાવી.
તેઓએ તેમને પોતાની ક્લીનીક આવી જવા જણાવ્યું.
દરેક મેડિકલ કેસમાં બને તેમ બધા જ જરૂરી રિપોર્ટ્સ કરાવ્યા અને જાણવા મળ્યું કે અંકિતનું લિવર હવે સાવ ખલાસ થઇ ગયું છે.


મનના મોજી સ્પષ્ટ શબ્દોમાં સચોટ કહેવા ટેવાયેલા ડૉ. મુખ્તારે અંકિતને કહ્યું, “બરખુર્દાર, અબ તો સિર્ફ દવા ઔર દુઆ દોનો હી કામ આયેગી, દારૂ કો મારો ગોલી..પૈસે ભી બચેગે ઔર જાન ભી!”
ડૉક્ટરની આવી સોફેસ્ટિકેટેડ ધમકીથી અંકિતનું મગજ એકાદ અઠવાડિયું ઠેકાણે ચાલ્યું.
જાગૃતિને પણ થોડી હાશ થઇ.
પરંતુ બાટલીની પ્રવાહી આત્મા વળી પાછી અંકિતને વળગી.
બે વત્તા બે ચાર પેગ ગયાં અને પાછી લોહીની પિચકારી ચાલુ થઇ.
હવે તો ડૉ. મુખ્તારે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જનને પણ જાગૃતિ અને અંકિતની કાઉન્સેલિંગ માટે બોલાવી રાખ્યાં હતાં.
“સી મિસ્ટર અંકિત, આઈ એમ સોરી ટુ સે બટ યોર લિવર ઇસ કમ્પ્લીટલી ડેમેજ, ઇફ યુ ગેટ અ ડૉનર ધેન વી કેન ટ્રાન્સપ્લાન્ટ અધરવાઇઝ……”
સર્જન ડૉક્ટરના આ અટકી ગયેલાં વાક્યમાં અંકિતની અટકી ગયેલાં આયુષ્યના સ્પષ્ટ સંકેત દેખાતાં હતાં.
જરૂરી વિગતની જાણકારી લઇ જાગૃતિ લિવર ડૉનેટ કરવાં માટે તૈયાર થઇ ગઈ.
જો કે અંકિતના માતા પિતા, દીકરી નિરાલી, અન્ય અંગત મિત્રો પણ જાગૃતિના આ નિર્ણયથી ખુશ ન હતાં.
છતાં પણ જાગૃતિ એકની બે ન થઇ.
જાગૃતિને મનમાં હતું કે અનેક બાધા, કથા, દોરા, માદળિયાં કામ ન લાગ્યાં, પોતાના શરીરનો એક અંગ એને આપીશ તો કદાચ એ પ્રાશ્ચિત કરીને દારૂ પીવાનું છોડી દે. કેમ કે, અંકિતમાં દારૂ સિવાય એક પણ દુર્ગુણ ન હતો. અંકિત પ્રેમાળ પતિ, જવાબદાર પિતા અને પુત્ર હતો.

ત્રણ દિવસ પછી અંકિતના પુનર્જન્મની તારીખ નક્કી થઇ.
સાવ ખેંચાઈ ગયેલાં શરીર સાથે અંકિતની સર્જરી થઇ અને પત્ની તરફથી એક નવા જીવનની અમૂલ્ય ભેટ મળી.
જાગૃતિનું સ્વાસ્થ્ય પણ સારું જ હતું.
જાણે બગડેલા રેડિયોમાં વિદેશી ચિપ નાખી હોય તેમ અંકિતના જીવનના સૂરમાં પણ ગજબનો ચમત્કાર થયો.
દારૂ અને દારૂડિયા મિત્રો બંનેથી છુટકારો મળ્યો.
પહેલાં પણ આવા સુધારા અનેક વખત આવ્યા જ હતા પણ એ સુધારાના આયુષ્ય આટલા લાંબા ન હતાં.
હવે તો સારો એવો લગભગ એકાદ મહિના જેટલા સમયથી અંકિત આ સુધરેલા જીવન સાથે ટેવાઈ ગયો હતો.
પણ બીજી બાજુ જાગૃતિના શરીરમાં થોડો ઘસારો લાગ્યો.
ધીરેધીરે નાના મોટા કોમ્પ્લીકેશન ચાલું થઇ ગયાં.
એક દિવસ અસહ્ય પેટમાં દુખાવાને લીધે જાગૃતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
જાગૃતિની હાલત ગંભીર અને નાજુક હતી.
દોઢ-બે દિવસથી હોસ્પિટલમાં મળવા ન આવેલા અંકિતને સામે ઉભેલો જોઈ જાગૃતિ હરખાઈ, એને ઈશારામાં હગ કરવા જણાવ્યું.
લાલ લાલ ભીની આંખે અંકિત જાગૃતિને ભેટ્યો.
ભેટતાની સાથે જ અંકિત થોડું ખાંસ્યો અને એનાં મોંઢામાંથી સ્વીટ વાઈનની દુર્ગંઘ આવી.
“તે પાછું પીધું અંકિત?” જાગૃતિએ ગુસ્સામાં ડોળા કાઢયા પણ અવાજ નાજુક હતો.
“તું પણ પીતી હોત ને તો તારે હોસ્પિટલમાં રહેવું ના પડત જાગૃતિ!” અંકિતના અવાજમાં નફ્ફટાઈ હતી અને હોઠ પર સ્વીટ વાઈનની દુર્ગંઘ સાથે એક લુચ્ચી હસી.
જાગૃતિની બંને આંખોમાંથી એક ખારું પ્રવાહી ટપક્યું અને કોઈ બંધ ના કરે ત્યાં સુધી આંખો ખુલ્લી જ રહી.
ગઝલની પંક્તિ : મૌલિક “વિચાર”