હાં રે દોસ્ત હાલો અમારે દેશ-26) મેઘાણી, અને મારી ઓરેન્જ ની વાર્તા !

મેઘાણી, અને મારી ઓરેન્જ ની વાર્તા !

ઝવેરચંદ મેઘાણીની વાર્તા ‘ વહુ અને ઘોડો’ વાંચતા ન જાણે કેમ મને મારાં શાળા જીવનનો એ ભૂગોળનો પાઠ યાદ આવી ગયો!
ભૂગોળ અને મેઘાણીને શું લાગેવળગે ? તમે શંકાશીલ બની આશ્ચર્યથી પૂછશો .
પણ યાદ આવી જાય છે મને અનાયાસેજ મેઘાણી, અને મારી એ ઓરેન્જ ની વાર્તા !
આમ તો ભૂગોળ અને સાહિત્યને શું લાગેવળગે ?
દેશ પ્રદેશની ,ત્યાંના હવામાનની વગેરે વાતોમાં સાહિત્ય ક્યાં આવ્યું ? પ્રશ્ન થશે .
પણ પહેલા મેઘાણીની વાર્તા જરા જોઈ લઈએ !
‘વહુ અને ઘોડો ‘
આ વાર્તામાં વાર્તાની નાયિકા તારાને નાનપણથી જ પોતાના ઘરની નજીક આવેલ હવેલીમાં રહેતાં લોકો કેવાં સુખી હશે ,એ લોકો કેવી રીતે રહેતાં હશે …તે બધું જાણવાની ઈચ્છા થતી ! ‘તે સૌ સોનાના ઘરેણાં પહેરીને ઘોડાગાડીમાં કેવાં સરસ તૈયાર થઈને ફરવા જાય છે! ઓહો ! એ બધાં કેવાં સુખી છે ! ‘ તારા વિચારતી .

તો અમદાવાદ રહેતાં અમને સૌને પણ માધ્યમિક શાળામાં ભણતાં ત્યારે આ પ્રકારની કોઈક કલ્પના તરંગોની અનુભૂતિ થયેલી !
‘આ પ્રકારની એટલે ‘વહુ અને ઘોડાની’ વાર્તા જેવી?’ તમે પૂછશો .
ના , જુઓ , વાત એવી બની ને કે અમને અમેરિકાની ભૂગોળ વિષે કાંઈક શિખવાડતાં શિક્ષિકા બેન કહે; ‘ દુનિયામાં સૌથી વધારે ફળ અમેરિકામાં થાય છે , તેમાંયે કેલિફોર્નિયામાં તો દુનિયાનાં સૌથી વધુ મોટાં મોટાં ખેતરો છે … માઈલો સુધી લાંબા ! સફરજન , કેળાં, દ્રાક્ષ , નારંગી ,મોસંબી ,અખરોટ અને અંજીર વગેરે વગેરે પુષ્કળ જાત જાતનાં ફળ ત્યાં પાકે છે ..‘ . શિક્ષિકા બેન અમને રસથી શીખવાડતાં હતાં . અમારાં ભૂગોળ નાં પુસ્તકમાં અસંખ્ય નારંગીઓથી લચેલ ઓરેન્જનાં ઝાડવાંઓનો ફોટો હતો ..!
હજુ આજે પણ એ પાનું મારી સમક્ષ તાદ્રશ્ય થાય છે ..
ને ત્યારે અમને થાય કે એવાં કેવાં ખેતરો હશે ને કેવી હશે એ ફળની વાડીઓ !
અને માઈલો સુધી લાંબા ખેતરોમાં ખેતીએ કેવી રીતે થાય ? ખેડૂત બળદને હળ જોડીને માઈલો સુધી કેવી રીતે જાય ? અને પછી પછી કેવી રીતે આવે ? મગજમાં મને આવા કારણ વિનાના પ્રશ્નો ઉપજ્યાં ! પણ એ બધાનું કારણ હતું પેલું ચિત્ર!
બસ ,મેઘાણીની વાર્તાઓમાં પણ આમ સામાન્ય માનવીની અંતર્ગત સંવેદનાઓ સિફ્તથી વણી લીધી છે .
સામાન્ય માનવીને ,એની સંવેદનાઓને સહજ સ્વાભાવિક રીતે આલેખનાર , તેમનાં સુખ દુઃખ , આશા આકાંક્ષા , મનોપ્રદેશમાં ઉઠતાં સહજ ભાવ વિપુલ પ્રમાણમાં ,સચોટ રીતે દર્શાવનાર તેઓ પ્રથમ સાહિત્યકાર છે !
ધૂમકેતુ કે મુનશીનાં પાત્રો કરતાં મેઘાણીનાં પાત્રો વધુ સાચુકલાં લાગે છે. એમાં ભવ્ય ભૂતકાળની જાજરમાન રાજરાણીઓ ને શૂરવીર રાજવીઓની વાત નથી , એમાં તો છે નરી વાસ્તવિકતા !
‘વહુ અને ઘોડો ‘વાર્તામાં ધનવાન ઘરનો દીકરો વાર્તાની નાયિકા તારાને ધમકાવે છે , ‘ લાયકી મેળવજે નીકર પતો નહીં લાગે , તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે.’
પાંચ વર્ષની ઉંમરની હતી ત્યારથી તારા એ હવેલીમાં રહેવા ઝંખતી હતી , કારણ કે એના કુમળા માનસ પર એ હવેલીની ઘોડાગાડીમાં ફરવા નીકળતી વહુવારુઓ , ઘરેણેથી મઢેલ હાથ પગ અને દોમ દમામ સજાયેલ સ્ત્રીઓ અને શણગારેલ ઘોડો અને ઘોડા ગાડી છવાઈ ગયાં હતા . પંદર વર્ષની થઇ ત્યાં સુધીમાં શેઠના ચાર છોકરાઓની કાંઈક કેટલીયે વહુઓ બદલાઈ ગઈ હતી ,અને શણગારેલા ઘોડાઓ પણ સાત બદલાઈ ચુક્યા હતા !પણ મનોમન તારા હવેલીમાં હવે કોઈ મરે ને પોતાને એ હવેલીમાં વહુ થવાનો અવસર મળે એની પ્રાર્થના કરતી હતી ..
હા , મેઘાણીની આ બધી વાર્તાઓ વાંચતાં ત્યારના સમાજના દર્શન થાય છે , અને સાથે સાથે દેશમાં જાગૃતિ લાવવા મથતા મહાત્મા ગાંધીજીને કેટ કેટલી મુશ્કેલીઓ પડી હશે તેની કલ્પનાથી ધ્રુજી ઉઠાય છે ! કેવો રૂઢિચુસ્ત અને અજ્ઞાની અંધકારમાં રાચતો હતો એ સમાજ !
ગાંધીજીએ તેથી જ તો ક મા મુન્શીના એક પુસ્તક Gujarat and It’s Literature ની પ્રસ્તાવનામાં મેઘાણીની પ્રશંશા કરતા લખ્યું , ‘ ભણેલા અને અભણ વચ્ચે સેતુરૂપ ભાષા એક માત્ર મેઘાણીએ જ પ્રયોજી છે …
ત્યારના સમાજથી અલગ રીતે , ગાંધીજીની જેમ ગરીબ ગ્રામ્ય માનવી અને અભણ , નિરક્ષર અને સ્ત્રી વર્ગ પ્રત્યે તેમને પક્ષપાત છે . તેમના ઉત્થાન માટે રાજકીય ,આર્થિક અને સામાજિક ન્યાયની વાતના મેઘાણી અગ્રેસર હતા . પાછળથી તો અનેક સાહિત્યકારોએ આવી વાર્તાઓ લખી , પણ વહુ અને ઘોડો , કે ચિતાના અંગારા , કે બુરાઈના દ્વાર પરથી , કે મારો વાંક નથી … વગેરે વાર્તાઓ આ જ વસ્તુ પ્રસ્થાપિત કરે છે .
સામાન્ય માનવીની સામાન્ય આકાંક્ષાઓ !
અને એ સામાન્ય આકાંક્ષાઓ પણ ઠોકર વાગે ?
આપણું દિલ રડી ઉઠે છે !
પણ આજે તો માત્ર ‘વહુ અને ઘોડો ‘- ૨૫ પાનાથી પણ લાંબી લઘુ નવલ જેવી વાર્તાની જ વાત કરવી છે .
૧૫ વર્ષની તારા તેની ઈચ્છા પ્રમાણે , શેઠના નાનદીકરાની ત્રીજી વારની વહુ બને છે .
લગ્નની પહેલી રાત !
તારા કેટ કેટલી આશાઓ સંઘરીને બેઠી છે : ‘ મારુ આખું શરીર જાણે હમણાં ઓગળીને પાણીની અંદર સાંકરની કણી જેમ ભળી જશે .. રૂના પૂમડાં જેવી બની હું પવનવેગે ઉડી જઈશ .. કપૂરની સુગંધની જેમ હું મહેકી ઉઠીશ .. નવોઢા તારાના એ અરમાનો છે !
અને શેઠ પુત્ર પધારે છે :
એનું મોં માતેલું દેખાયું , આંખોમાં રુઆબનો તાપ બળતો હતો . કબૂતરને દાઢમાં ભીંસનાર કોઈ બિલાડીની જેમ એણે એની બેહોશ ઈચ્છાને તારા ઉપર ભીસી દીધી !કપૂરની ગાંગડીને જાણે કે કોઈએ છુન્દે છૂંદો કરીને માટીની ભઠ્ઠીમાં ભભરાવી દીધી .. સુગંધ આપ્યા વિના યૌવન ભસ્મ બની ગયું !
આખી વાર્તા રઘુવીર ચૌધરીએ કહે છે તેમ ; ‘નારીની અવહેલના અને કરુણા જે શબ્દ રૂપ પામી છે તે ગુજરાતી સાહિત્ય જગતની નોંધ પાત્ર ઘટના છે ! ‘ વાર્તામાં ઘોડો પણ એક પ્રતીકાત્મક બની જાય છે . જાણે કે પોતાનો ભાઈ હોય તેમ તારા છાનીમાની એ ભૂખ્યા જનાવરને , આખો દિવસ ઢસરડો કરતા ઘોડાને ઘાસનો પૂડો આપે છે , એને વેચી દેવામાં આવે છે ત્યારે એ બોલે છે ,” ઘોડાની માફક માણસને શા સારું કાઢી નાખતા નહીં હોય ? હવે એને પેલો છાપ વેચતો ગરીબ પણ મહેનતુ છોકરો રસિક યાદ આવે છે .. ઉપેક્ષિત, એકલી , અસહાય ,અને અપમાનિત તારા ભદ્ર સમાજની ઉધઈ ખાધેલી પ્રતિષ્ઠાથી વાજ આવી ગઈ છે .. એને થાય છે કે પેલા ઘોડાની જેમ જો કોઈ એનેય અહીંથી લઇ જાય … એક કટાક્ષ વાર્તા કલાત્મક કૃતિ તરીકે પણ સાંગોપાંગ ઉતરે તેવી છે . ને તેથી જ વાચકને એ ગમી જાય છે .
અને હા , પેલી ભૂગોળની ચોપડીમાં જોયેલ ઓરેન્જની વાડી અને શિક્ષિકા બેને કહેલ વાતો જે દિલમાં ભંડારાયેલી હતી તેનું શું થયું ?
તમે પૂછશો!
કેલિફોર્નિયામાં લોસ એન્જલસથી સાનફ્રાન્સિસ્કો જતાં એક બે માઈલ નહીં પણ દશ દશ માઈલ લાંબી ફળોની વાડીઓ અને હજ્જારો નહીં પણ લાખ્ખો છોડવાં જોઈને, ક્યારેક વાવણી ચાલતી હોય તો ક્યારેક લણણી ! ક્યારેક ટ્રેકટરથી વાવણી થતી હોય ઓ ક્યારેક મોટાં પાણીના પાઇપો ને મશીનો દ્વારા પાણી પીવડાવવામાં આવતાં હોય ; ને કયારેક એય મોટાં મસ મશીનોથી નવા ફસલનાં ફળોની કાપણી થતી હોય.. એ જોઈને મન હજુ પણ આશ્ચર્યથી ધરાતું નથી! ઘણાં ખેતરો અને વાડીઓમાં ટ્રેકટરમાં અને પગપાળા ચાલવાનો લ્હાવો મળ્યો પણ હજુયે પેલું ભૂગોળનું ચિત્ર વિસરાતું નથી! કોઈ સુંદર કવિતા કે વાર્તાની જેમ જ કહોને !!!

ઝવેરચંદ મેઘાણીની સામાજિક વાર્તાઓને ક્યાંય ઝાંખી પાડીદે તેવી સોરઠી બહારવટિયાઓ અને સૌરાષ્ટ્રની રસધાર જેવાં અપ્રતિમ પુસ્તકોની થોડી વાર્તાઓનો રસાસ્વાદ હવે પછી !

હાં રે દોસ્ત હાલો અમારે દેશ -25) મેઘાણીની નવલિકા : ચંદ્રભાલની ભાભી!

આજના જમાનામાંય આપણને વાંચવી ગમે એવી ,જે આઉટ ડેટેડ ના લાગે તેવી સો વર્ષ જૂની વાર્તાઓમાં એવું ક્યુ તત્વ હોય જે આપણને આકર્ષિત કરે ?

મેઘાણીની બધી વાર્તાઓ નહીં પણ કેટલીક વાર્તાઓ એવી છે કે જે કાળના પ્રવાહમાં ,સ્થળ અને સમય પાર કરીનેય ટકી રહેશે .

મારી સમક્ષ એમની નવલિકાઓના પુસ્તક ભાગ અને ભાગ (2008) પડ્યા છે . એમાં મેઘાણીની કુલ દોઢસો જેટલી વાર્તાઓમાંથી વીણેલી ચાલીસ વાર્તાઓનો સંગ્રહ થયો છે . તેમાંથી દશેક જેટલી વાર્તાઓ ખરેખર કાળના પ્રવાહમાં ટકી રહે તેવી ગણી શકાય . જોકે અમુક વાર્તાઓ વાર્તા તત્વ સિવાય તત્કાલીન સમાજનું ચિત્ર અને તળપદી ભાષા વગેરેને લીધે પણ પ્રશંસીય બની છે .

ચાલો , આજે હું તમને મેઘાણીની નવલિકાઓ ભાગ) ની પહેલી વાર્તા ચંદ્રભાલની ભાભી! ની વાત કરું :

વાર્તાનો ઉઘાડ જુઓ :

વાર્તાલેખક ચન્દ્રભાલની સ્ત્રીનું જયારે અવસાન થયું ત્યારે આખાયે ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની! એની સ્ત્રી દશ બાર મહિનાનું બાળક મૂકીને મરી ગઈ હતી

હં, તમે કહેશો કે એમણે પોતાની વાત તો નથી લખી ને ?

ઝવેરચંદ મેઘાણી તો વાસ્તવના લેખક હતા .

એમને ગુજરાતની અસ્મિતા કે સઁસ્કૃતિની મહાનતાની વાતોના બણગા ફૂંકવામાં રસ નહોતો . નરી વાસ્તવિકતામાં ઝઝૂમતો માનવી એની મુશ્કેલીઓ અને તેમાંથી બહાર નીકળવાની તાલાવેલી અને વીટમ્બણાઓને મેઘાણી વાચા આપવા માંગતા હતા

, તેથી જ તો એ આપણને સ્પર્શી જાય છે !

ચંદ્રભાલને દિલાસાના પત્રો ઢગલાબંધ સવાર સાંજ અવિરથ મળતા હોય છે , પણ પેલા રડતા , માંદલા બાળકને કોણ સાચવે ? વાર્તાઓય લખાય કેવી રીતે ?

એના વાર્તા સંગ્રહને બહાર પાડવા પ્રકાશકે લોકો પાસેથી લવાજમના પૈસાયે લઇ લીધા છે !ચંદ્રભાલને કહે છે ; “ લ્યો વધારે રૂપિયા . છોકરા માટે આયા રાખી લો ને તમે માથેરાન જઈ આવો, મન ચાહે તો તાજમહાલની પ્રેમ યાત્રા કરો , પ્રેરણા મળશે !”

પોતાના બાળકને સાચવવાની ચિંતાનો ખ્યાલ ગરજુડા પ્રકાશકોને ક્યાંથી હોય ? ચંદ્રભાલને બાળકને સાચવવા કોઈ યોગ્ય વ્યક્તિ મળતી નથી .. મેઘાણી લખે છે ,

કેટલીક સ્નેહી સ્ત્રીઓ જેને ચંદ્રભાલે પોતાનાં વાર્તા સંગ્રહો અર્પણ કર્યા હતા , મા વિનાનાં બાળકોની વાર્તાઓ વાંચીને સ્નેહ મૂર્તિ બહેનો ચિત્રકારનાં ચિત્રોનેય વીસરાવે તેવી વ્યથાભરી રીતે રડી હતી , તેમણે પણ; ‘ મન કઠણ કરી ને કામમાં લાગી જજોએથી વિશેષ કાંઈ લખ્યું નહીં !

કોઈને મુશ્કેલી છે અને કોઈને તે ! બાળકને સાચવામાં રઘવાયો થઇ જાય છેને માંદલું બાળક સખ્ત હેરાન થાય છે અને હેરાન કરે છે

આપણને મેઘાણી વાર્તા પ્રદેશમાં ઘસડી જાય છે ..

એક વિધવા કણબણ છોકરાની સંભાળમાં આવે છે અને ; ‘ અહીં રાત રહેવાનું કહેતા લાજતો નથી? ચૂલામાં જાય તારો છોકરો ! હું આખી રાત તારાવાંઢાના ઘરમાં છોકરું સાચવવા રઉ ? મને તેં એવી નકટી જાણી ?’ કહી ગાળો આપીને જતી રહેછે .

છેવટે જેને આવવા માટે સ્પષ્ટનાનો તાર કર્યો હતો તેં ચંદ્રભાલની ભાભી આવીને ઉભી રહે છે !

નાનો તાર પોંચ્યોતો તોયે લાખ વાતે આયા વિના રઉ ?રઈ કેમ શકાય ?” લાંબી મુસાફરીએથી આવેલી ભાભી કહે છે!

ચંદ્રભાલ સમક્ષ પોતાની સાહિત્ય સખીઓ ને મિત્ર પત્નીઓના મધુર ચહેરા સળવળી રહ્યા હતા ત્યાં ઠેબું આવ્યું . જુના ઢેબરાંની ગંધમાં અપચાના ઝાડાંની વાસનું મિશ્રણ હતું . આવનાર સ્ત્રી [ ભાભી] ના હાથમાં વીસેક ચોમાસાં ખાધેલી એક જૂની ટ્રંક હતી . એણે ચંદ્રભાલનાં દુખણાં લીધાં.. એમાંથી છીંકણીની ગંધ આવી ..

મરતી મરતી પોગી હો ભાઈ ! રસ્તામાં સુરતથી મને ઝાડો ને ઉલ્ટી , ઝાડો ને ઉલ્ટી, શરૂ થિયાં ..તમારા પુણ્યે પોગી છું !’

અહીં મેઘાણી એક શબ્દ પણ દિયર ભોજાઈના વિષે કહ્યા વિના ઘણું કહી દે છે .. ચીસો પડતા બાળકને ચીંથરું છોડીને ભાભી ગાંઠિયાનો ટુકડો ખવડાવે છે ને બાળક શાંત થઇ જાય છે .

અઠવાડિયા પછી બાળકને પ્રેમથી ગંવાર સ્ત્રી પોતાની ઘેર લઇ જાય છે અને બાળકનાં રોગો પણ ગંવાર ભાઈ ભાભીના પ્રેમ હેઠળ અદ્રશ્ય થઇ જાય છે . બે વર્ષમાં બાળક સરસ થઇ જાય છે .. ચંદ્રભાલ પણ સાહિત્યમાં ખુબ આગળ વધી જાય છે .. એની હ્ર્દયસ્પર્શી વાર્તાઓ વાંચીને પેલી સખીઓ ; “ તમારી બધી વાર્તાઓ જેટલી વાર વાંચીએ છીએ એટલી વાર રડીએ છીએએમ લખે છે .

બે વાર્તા સંગ્રહ પોતાનાં ભાઈ ભાભીને અર્પે છે.

ભાઈ ભાભીને છોકરાં થતાં નહોતાં . ચંદ્રભાલ ક્યારેય પોતાના છોકરાને મળવા ગયો નથી .કહે છે , ‘ તો હવે એનો છોકરો છેજીવે કે મરે!

પણ ત્રણેક વર્ષે હવે ચંદ્રભાલને વિચાર આવે છે ,’ પરણવું નથી . મુક્ત જીવન શું ખોટું છે ?

બાળકને પાછું બોલાવી લઉં? મારે સોબત થશે અને કોઈ નોકર રાખીશ! એ પત્ર દ્વારા બાળક પાછું માંગવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ભાભી જેનના જીવનમાં બાળક ઓતપ્રોત થઇ ગયું છે , તે સહેજ પણ આનાકાની વિના બાળકને મુકવા આવે છે !

છોકરો ભાભીનો હેવાયો છે એટલે ચંદ્રભાલ ખિજાયો ; ‘ છોકરાને આટલો બધો શો હેડો? તમે એને પંપાળો .. એ ભાભીને કહે છે

હું શું કરું ભાઈ ? ‘ ભાભી છાનાં છાનાં રડતાં.

હેડો કેવી રીતે છોડાવવો ? પોતાના પરથી હેત ઉતારીને બીજાના કંઠે કેવી રીતે પહેવરાવવું ? ‘

તમે જશો એટલે તો એની જાતે ઠેકાણે આવી જશે !’

હવે એને ફરી પાછી ભાભીના નાહ્યા વિનાનાં દેહની , કપડાંની ,છીંકણીની ,દુર્ગંધ આવવા લાગી

અને છેવટે ભાભી અને બાળક ઉપર ગુસ્સો કરીને , જે ગાંઠિયા નો ટુકડો ભાભીએ ત્રણ વર્ષ પહેલાં બાળકનાં મોમાં મુકેલો અને બાળક શાંત થઇ જતાં ચંદ્રભાલે શાંતિ અનુભવેલી , બસ રીતે બાળકને ભાભીના ખોળામાં બેસીને ગાંઠિયા ખાતાં જોઈ વાડકી ખુંચવી લે છે અને પછાડે છે . વાર્તા ત્યાં પુરી થાય છે .

વાર્તા મને કેમ ગમી ? આજે પણ સમાજમાં અમેરિકા આવીને પોતાનું જીવન બનાવનારા માં બાપ વતનમાં બાળકોને મૂકીને પોતાને મરજી પડે ત્યારે બાળકોના દિલ સાથે ખેલતાં નથી ,શું ? જ્યાં લાગણીનો તંતુ બંધાઈ ગયો છે તેવાં ભાઈ ભાભી શું અપને સમાજમાં જોતાં નથી ? પોતાની સગવડનો વિચાર કરતાં મા કે બાપને આપણે જયારે સમાજ માં જોઈએ ત્યારેચંદ્રભાલનાં ભાભીવાર્તા યાદ આવે .. વાચકને બસ વિચારબિંદુએ છોડીને મેઘાણી આપણાં lમન માં રમ્યા કરે : શું થયું હશે પછી ? શું બાળક ભાભી સાથે પાછું ગયું હશે ? કે ચંદ્રભાલે એને પરાણે રાખ્યું હશે ? તમે શું માનો છો ? મેઘાણીના વાર્તા વૈભવ વિષે ઘણું લખી શકાય પણ અપને મહત્વના સીમા ચિન્હો વિષે જ જોઈશું

મેઘાણીની બહુજ પ્રસિદ્ધ વાર્તા વિષે આવતે અંકે.,

હાં રે દોસ્ત હાલો અમારે દેશ – 24 મેઘાણીનું વાર્તા વિશ્વ

મારી કલમ ઘણા સમયથી આ વિષય પર લખવા થનગની રહી હતી, મેઘાણીની વાર્તાઓ વિષે. અને કેમ નહીં? કેટલો રસપ્રદ વિષય છે આ!

તમે પોતે જ એક પ્રયોગ કરો. શાંતિથી એક નાનકડાં સમુદાયમાં વાત માંડો, “એક હતો રાજા-” અને તરત જ બધાના કાન સરવા થશે. “પછી શું થયું એ રાજાને?” કોઈ પૂછશે. અને તમે કહેશો, “એ રાજાને એકવાર શિકાર કરવાનું મન થયું!” અને શબ્દોને લડાવતા સ્વર સહેજ ઘેરો કરી તમે વાત આગળ ચલાવો છો. ‘રાજા જંગલમાં ગયો જ્યાં રાતનું મારણ કરીને ધરાયેલો એક દીપડો ધરતીના એક પોલાણમાં હાંફતો હાંફતો આરામ લેતો હતો.” વાત પાણીના રેલાની જેમ આગળ વહેવા માંડે. શ્રોતા હોય કે વાચક શરૂ કરેલી વાર્તા પૂરી ના થાય ત્યાં સુધી અધૂરી તો મુકાય જ શાની? બસ, મેઘાણીની વાર્તાઓ વાંચતાં આવી જ અનુભૂતિ થાય. જેટલું સુંદર એમનું પદ્ય સાહિત્ય છે; લોકગીતો, ગરબા, બાળગીતો, શૌર્ય ગીતો, સ્વરચિત અને અનુસર્જિત કાવ્યો, લગ્નગીતો અને ઋતુગીતો. તે સૌથીએ વધુ સુંદર તેમનું વાર્તા વિશ્વ છે. વાર્તા કહેવાની કલા તેમનામાં શાળા જીવનથી જ કેળવાયેલી. તેમાંયે ચારણ, રાજપૂત જેવાં વિવિધ જાતિના મિત્રોની એમના પર અસર પડી એટલે મેઘાણી વાર્તા કહેતા ખાસ શીખ્યા. પછી પિતાની રાજ્ય પોલીસની નોકરીને કારણે જયાં માથાભારે લોકો હોય તેવી ખીણ, કોતરો, ડુંગર, જંગલોમાં પિતાને રહેવાનું હોઈ મેઘાણી પણ રજાઓમાં ત્યાં જતા. અવનવા અનુભવો થાય. ક્યારેક પગપાળાં, ક્યારેક ઘોડા ઉપર, ક્યારેક ગાડામાં ને ક્યારેક ઊંટ સવારી કરીને પિતાનાં ઘેર જવું પડે. ક્યારેક વરસતા વરસાદમાં, નદી ગાંડી થઈ હોય ને પૂર આવ્યું હોય કે અંધારામાં જે તે જગ્યાએ કોઈ રબારીવાસ કે એકલદોકલની ઝુપડીમાંયે રાતવાસો કરવો પડે. આ બધું એમણે જીવનમાં અનુભવેલ અનુભવોનું ભાથું. ઝવેરચંદ મેઘાણીનાં વાર્તાવિશ્વમાં આ બધું એવું સુંદર રીતે ગુંથાઇને આવે છે કે સમગ્ર દૃશ્ય આપણી નજર સમક્ષ ઊભું થઈ જાય. આપણે તો સિંહની ત્રાડ સાંભળીએ અને ભડકી ઊઠીએ પણ મેઘાણી પોતે ખુલ્લી આંખે અને દિલથી બધું જોનારા સંવેદનશીલ વ્યક્તિ હતા. એમણે પોતે ઘણું બધું જે અનુભવ્યું છે તેમાં કલ્પનાના રંગો પૂર્યા છે. એમાં નરી કલ્પના નથી. એમની વાર્તાઓમાં વાસ્તવિકતાનું બીજ કલ્પનાથી પાંગર્યું છે એટલે સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને યોગ્ય સ્થળે અભિવ્યક્તિ તેમની વાર્તાઓમાં આપણને જકડી રાખે છે.

લોકભારતી (સણોસરા)ના નિવૃત્ત આચાર્ય મનસુખભાઈ સલ્લા લખે છે તેમ, ‘મેઘાણી દેહ વર્ણન કરતા હોય કે સ્થળ વર્ણન, ભાવ છબી આપતા હોય કે વાસ્તવ, ચિત્ર આલેખતા હોય એવા તો એ અસરકારક હોય. એ પાત્રોને તાદૃશ્ય કરે છે.

ચાલો, હું તમને એકાદ બે પ્રસંગોથી મારી વાતની પુષ્ટિ કરાવું. હા, એમણે દોઢસો જેટલી વાર્તાઓ લખી છે. આમ તો લોકોએ એમને લોકસાહિત્યના સંશોધક અને સંવર્ધક તરીકે ઓળખ્યા. સાહિત્ય જગતમાં એમના પગરણ મંડાયાં અને સાતેક વર્ષમાં તો રણજિતરામ સુવર્ણ ચંદ્રક પણ એ વિષયમાં એનાયત થયો. જોકે, એમની સાહિત્ય કારકિર્દીની શરૂઆત ટૂંકી વાર્તાઓથી થયેલી. એ કલકત્તા હતા ત્યારે કવિ નાન્હાલાલના પુત્ર અનુપમ કવિને ઘેર સાહિત્ય પ્રવૃત્તિઓમાં જોડાતા. પોતે બંગાળી વાર્તા સંગ્રહ ‘કથાઓ કહાની’માંથી ગુજરાતીમાં વાર્તા કરતા. એમનું સાહિત્ય જગતનું પ્રથમ પુસ્તક પણ આ વાર્તાઓનું રૂપાંતર ‘કુરબાનીની કથાઓ (૧૯૨૨)’ હતું. એમની અમુક વાર્તાઓ મને ગમતી. સાહિત્ય જગતમાં સ્થાન પામેલી વાર્તાઓનું અહીં વિહંગલોકન કરવાનો ઈરાદો છે. આમ તો એમની વાર્તાઓનું વિષય વૈવિધ્ય અપાર છે. પણ આજે હું તમને ‘શિકાર’ વાર્તાની વાત કરું. એક તો એમાં દેશી રજવાડાઓનું ચિત્ર ઊભું થયું છે તેથી મેં એને પસંદ કરી છે. આપણો ભારત દેશ કેવી ભયંકર ગુલામીમાં સબડતો હતો, આપણે કેવી દયાજનક કફોડી સ્થિતિમાં રહેતાં હતાં તેની યાદ અપાવવાનો પણ પ્રયાસ છે. કલકત્તા સ્થિત જયંતીલાલ મહેતાએ ઝવેરચં મેઘાણી શતાબ્દી ગ્રંથમાં ‘શબ્દોનો સોદાગર’ માં લખ્યું છે તે મુજબ : દેશી રજવાડાના ‘બાપુ’ની લાચારી, ગોરા અમલદારની ક્રૂર ને છતાં કાયરતાભરી વર્તણુકની હાંસી ઉડાવતી આ વાર્તા કટાક્ષ કડવી શૈલીથી શોભે છે. જોકે, પ્રિય વાચક મિત્રો, જયારે પહેલી વાર મેં આ વાર્તા વાંચી ત્યારે વાંચતાં વાંચતાં હું દુઃખ, આક્રોશ અને દિલગીરીથી ઘેરાઈ ગઈ હતી. મારા પોતાના જ દેશમાં, સો વર્ષ પૂર્વેની મારા દેશબંધુઓને સહેવી પડતી આવી લાચારી અને અંગ્રેજોની જોહુકમીએ મને અસ્વસ્થ કરી દીધી. હું એ સમયના ઇતિહાસ તરફ ખેંચી ગઈ.

વાર્તાનું કથાવસ્તુ આવું છે :

અંગ્રેજ અમલદાર મહેમાન થઈને ગામમાં આવ્યો છે. એને દીપડાનો શિકાર કરવો છે પણ એને પકડવા જંગલો કોતરોમાં દોડવું નથી. એ દીપડાને એક જગ્યાએ ખીણમાં ખૂણામાં લઈ જવાનું કામ બિચારાં ગ્રામવાસીઓનું છે.
મેઘાણી લખે છે, ‘ચાર પાંચ રજપૂતો, ચાર છ સંધીઓ, કોળી પગીઓ, રબારી ને આહિરો સૌ એમાં જુવાનિયાઓ અને બુઢ્ઢાઓ હાથમાં લાકડીઓ અને ગાંઠવાળા ગોબા અને બંદુકો લઈ નીકળ્યા હતા પણ એમાં શિકારે નીકળેલા સેલાણીની છટા નહોતી. આશા અને ચિંતાની ગંગા જમની ગુંથાયેલી હતી. દીપડાને પકડવાનો છે પણ મારી નાખવાનો નથી. એ કામ તો ગોરા અમલદારે મોટો શો કરીને ડઝન જીપ ભેગી કરીને બધાને પોતાનું પરાક્રમ બતાવવા બાકી રાખવાનું છે. અંધારું થાય તે પહેલાં દીપડાને એ કોતરનાં એક ખૂણામાં ઘાયલ કરીને રાખવાનો છે.

જુવાન છોકરા આ નાટકથી કંટાળ્યા છે. અકળાઈને બાપાને કહે છે, ‘તમે બાપુ કોઈ ધિંગાણે પડકારતા હોત તો અમારાંય પારખાં થાત પણ આ અઘરણીનાં પગલાં ભરતા કુત્તા માથે અમારું શું જોર ચાલે? કયો તો લાકડિયે લાકડિયે ટીપી નાખીયે. એ દીપડો એક કવાડીનો ઘરાક છે.”
“ના બાપ, જીવતો ને જીવતો જ એને ગવન્ડર સા’બ સામે પોગાડજો નીકર વાટકીનું શિરામણ રિયું છે એય આપણે હારી બેસશું.” ને અંગ્રેજ ગવન્ડર (ગવર્નર)નો માણસ -અમલદાર – ન સંભળાય તેવી ગાળો વરસાવતો દીપડાને ફસાવવા આ લોકોને સંભળાવે છે, “દોડો , મલકના ચોરટાઓ,” એણે દાંત ભીંસીને કહ્યું, “ભેંસુના ખાડુને વાળી આવો, ને નાખો જરમાં (ધરતી- ધરતીના એ ખાડામાં આખાં ગામની ભેંસોને એક દીપડાનાં મોઢામાં ઓરવાની વાત) થીજી કેમ રિયા છો ?” અધિકારી જીભ પરઘસતા વિશેષણો દબાવી બોલ્યો, “આ દી આથમશે ત્યારે તમે ને તમારાં છોકરાં….” અધિકારી દાટી ભિડાવે છે. લાચાર બે જુવાનિયા કોતરમાં બખોલમાં સંતાઈ રહેલા દીપડાને છંછેડવા નીચે ખીણમાં ઊતરે છે. નીચે કરાડમાં બેઠેલા દીપડાએ છલાંગ મારી. નીચે ઊતરેલા સંધીની ગરદન દીપડાના દાંત વચ્ચે ગઈ. નીચે પાણીનો ખાડો ભર્યો હતો ને ખાડામાં દીપડાએ સંધીનું માથું ઝબોળી નાખ્યું. પોતાના ભાઈને ચુંથાતો જોઈ પાછળ પહોંચેલા સંધીએ ચીસ પાડી, “પગી, પગી, ભડાકો કર મારા ભાઈ ..!” પણ હાકેમ (મોટા સાહેબ)ના શિકાર માટે નક્કી થયેલ દીપડાને પગી કેમ મારી શકે?’

અહીં આપણાં હૃદયના ધબકારાય વધી જાય છે. પણ મેઘાણીની કલમનો જાદુ જુઓ. એ લખે છે, ‘સંધીએ બંધુકની વાટ જોવાનું છોડી દીધું ને દોટ કાઢી. લાકડીનો ઘા કર્યો. દીપડાનાં જડબામાં ઝીક્યો. એ ભાગ્યો.’

જુવાનિયો બચી ગયો તેનો આપણે હાશકારો અનુભવીએ છીએ. અંદરથી અમલદાર તરફ જુગુપ્સા ને ગ્રામવાસીઓ માટે પ્રાર્થના કરતું આપણું હૈયું વાર્તા સાથે ઐક્ય ધારણ કરે છે. આખરે અંગ્રેજ સાહેબ ઘવાયેલા લંગડા દીપડાનો શિકાર કરે છે અને આપણને ત્રાસ, દુઃખ અને હાશકારો થાય છે. મેઘાણીની વાર્તાઓની વધુ રસપ્રદ વાતો અને તેનું રસદર્શન આવતે અંકે…..

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 23 મેઘાણી પિતા-માતાના રોલમાં

‘ઈન્દુમતી રે મારી ઈન્દુમતી! રુમઝૂમતી બેની મારી ઈન્દુમતી!’

પોતાનાં સંતાનો માટે ગીત પંક્તિઓ લખવી ને ગાવી ઘણાં માબાપ માટે સાવ સહજ હોય છે. પછી રાષ્ટ્રીય કવિનું વ્હાલસોયું બિરુદ મળ્યું હોય તેવા કુટુંબપ્રેમી મેઘાણી જ કેમ ન હોય?

વેણીના ફૂલ કાવ્ય સંગ્રહમાં છે તે :નીંદર ભરી રે ગુલાલે ભરી
બેની બાની આંખડી નીંદર ભરી રે….
નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં
અંકાશી હિંચકાની હોડી કરી.
બેની બાની આંખડી નીંદર ભરી રે….
પોતાની પુત્રી ઈન્દુમતીને હિંચોળતાં એમણે આવાં હલરડાની રચના કરી હતી. એમનાં અનેક બાળ કાવ્યોમાં એ પિતૃપ્રેમ છુપાયેલ છે.

સામાન્ય રીતે સાહિત્યકારની ઓળખ માટે જે તે સાહિત્યકારની સાહિત્યિક રચનાઓનું અવલોકન ને મૂલ્યાંકન થતું હોય છે. ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય કવિ તરીકે સમજવા માત્ર એમનાં સર્જનનું મૂલ્યાંકન પૂરતું નથી. એમને સમગ્ર વ્યક્તિ તરીકે ઓળખવું મહત્વનું છે. તેઓ કવિ કે સાહિત્યકાર પહેલાં એક સહૃદય વ્યક્તિ હતા અને તેથીયે વિશેષ તેઓ એક ગૃહસ્થી પિતા હતા.

પિતા શિશુ બન્યો. શિશુ, બની રહ્યાં તમે તાત શા!

આપણે એમનાં છસ્સો જેટલાં પત્રોની વાત કરીએ છીએ. પુત્ર અને પુત્રવધૂને – થનાર પુત્રવધૂને – પણ સાચી સલાહ આપનાર મેઘાણીએ પોતાની પુત્રી ઈન્દુમતીનેય એ જ સાચી શિખામણ આપેલી. ભણતર મહત્વનું છે પણ ગૃહકાર્ય પણ ઓછું મહત્વનું નથી. સંતાનો સ્વાવલંબી બને તે માટે કપડાં ધોતાં, વાસણ માંજતાં, ચૂલો ફૂંકતા, વાસીદું વાળતાં એમ સર્વ કાર્ય કરતાં શીખવાડવા સાથે પત્રો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ આપતા.
ગાંધીજીને એમની આ પારદર્શકતા પસંદ પડી હશે જેમાં કોઈ જાતનો દંભ નથી, ક્યાંય ડોળ નથી, દેખાડો નથી.

તેમનાં મોટાં પુત્રી ઈન્દુમતીબેન ‘શબ્દોનો સોદાગર શતાબ્દી ગ્રન્થમાં ‘મારા પિતા’ લેખમાં લખે છે તેમ પિતા-પુત્રી વચ્ચે ઊંડાણમાં દરેક વાતની ચર્ચા સંભવતી હશે તેમ લાગે છે.

…અને એ વાત આજે આપ સૌ સુજ્ઞ વાચકો સામે શા માટે રજૂ કરું છું? કારણ કે, એમનાં પત્રો માત્ર ભૂતકાળને મમળાવવા માટે નથી પણ ભવિષ્યની વાટે ભાથું બાંધવા માટે છે. પત્રો દ્વારા તત્કાલીન સમાજ સાથે વ્યક્તિનાં વ્યક્તિત્વનો સાચો પરિચય થાય છે. એવાં જ પાત્રો પાછાં આપણે એમની નવલિકાઓનાં પાત્રોમાં ડોકાતાં જોઈશું.

કુટુંબ માટેનો એમનો પ્રેમ કોઈ નિકટનાં સ્વજન પાસે વ્યક્ત કરતાં એમણે લખ્યું હતું, ‘નાનાં બાળકો સિવાય કોઈમાં મારું દિલ ઠરતું નથી. બાકી તો હું ઊખડી ગયેલ મૂળિયાંવાળું ઝાડવું બન્યો છું’

પોતે જેની હૃદયશૂળ વેઠી છે એનું ક્યાંયે પુનરાવર્તન ન થાય એ માટે રૂબરૂ-પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કે પાત્રો દ્વારા સંતાનોને સાચી સલાહ આપે છે.

ઈન્દુમતીબહેન પોતાના એ મહાન પિતાને યાદ કરીને જણાવે છે કે, ‘મને મારી મા યાદ નથી પણ મારા બાપુ પાસેથી માનું વ્હાલ પણ પામી. મારા અનેક અંગત પ્રશ્નોમાં તે રસ લેતા અને મદદરૂપ થતા.’

એમણે લખેલ એક પત્ર આપણને આજે પણ વિચારમાં મૂકી દે છે કે કેવી નિખાલસ રીતે યૌવનને ઉંબરે ઊભેલી દીકરી પિતાને પોતાની શારીરિક સમસ્યા જણાવે છે.

‘વ્હાલા પૂજ્ય બાપુજીની સેવામાં – એમ પત્રની શરૂઆત કરી અને અંતે, ‘એક વાત લખવી ભુલાઈ ગઈ. મારે જે મેન્સીસને સમયે મુશ્કેલી રહેતી હતી તે હજુ ચાલુ જ છે. ખૂબ વેદના થાય છે. આગળથી જ ચાર-પાંચ દિવસ દુખાવો રહે છે. શું કરવું? દેશી દવા કરી હોય તો?’
કેવી નિખાલસતાથી પિતા-પુત્રી પત્રો દ્વારા એ સંવાદ રચે છે! જાતીય જ્ઞાન બાબત આપણા સમાજમાં એક પ્રકારનો છોછ આજે પણ પ્રવર્તે છે ત્યારે આજથી લગભગ સો વર્ષ પૂર્વે પણ મેઘાણીના વિચારો કેવા નિખાલસ હતા!

સંતાનો સાથે કમ્યુનિકેશનની લિંક ચાલું રહે તે માટે પત્રો દ્વારા જળવાઈ રહેલ આ વિચારસેતુ કેટલો મહત્વનો છે તે અન્ય પિતા-પુત્રીઓના સંદર્ભમાં વિચારતાં ખ્યાલ આવશે.

ફાધર્સ ડે પણ નજીકમાં જ છે તો સરદાર વલ્લભભાઈ અને તેમના પુત્રી મણીબેનને, જવાહરલાલ નહેરુ અને પુત્રી ઇન્દિરા ગાંધીને અને તે સૌ દીકરીઓનાં જીવનને યાદ કરી લઈએ. પિતાનું સ્થાન સંતાનોના ઉછેરમાં ખાસ મહત્વનું છે. એટલું કહીને ખાસ વિષયાંતર કર્યા વિના મેઘાણી જેવા મહાન વ્યક્તિત્વને અહીં અંજલિ અર્પીશું.

એમની નિર્ભીક પર્સનાલિટી, સ્પષ્ટવક્તાપણું વગેરે વિષે આપણે જયારે એમના પત્રકારત્વ વિષે વાત કરીશું ત્યારે ઊંડાણથી વિચારીશું. પણ હવે અહીંથી ઊડીશું એમના નવલિકા પ્રદેશમાં… આવતે અંકે….

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 22 સ્નેહાધીન ઝવેરચંદ

સમગ્ર ભારતમાં જે ગ્રંથની જોડી જડવી મુશ્કેલ છે એવો ગ્રંથ એટલે મેઘાણીના પત્રોનો સંચય છે તે. ‘લિ. હું આવું છું’. એમાં લગભગ છસ્સો જેટલા મનનીય પત્રો સંગ્રહાયેલાં છે. તે અજોડ અને અમૂલ્ય છે એમ શ્રી કનુભાઈ જાની મેઘાણી શતાબ્દી ગ્રંથમાં જણાવે છે.

પત્રો તો આપણે ત્યાં અને વિશ્વની અન્ય ભાષાઓમાંયે અનેક લખાયેલાં છે. જવાહરલાલ નહેરુએ પુત્રી ઈન્દીરાને લખેલ પત્રો મશહૂર છે. ગાંધીજીનાં પત્રો અને અન્ય લખાણો મહાદેવભાઈ દેસાઈની ડાયરીઓમાં સચવાઈને વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે. પણ મેઘાણીનાં પત્રો ઐતિહાસિક અને રાજકીય પરિસ્થિતિ ઉપરાંત સામાજિક અને અંગત જીવન પર પ્રકાશ પાથરે છે તેથી જ તો કનુભાઈ જાનીને લખવું પડ્યું કે તે અજોડ છે.

યુવાન વયના ઝવેરચંદ મેઘાણી કલકત્તાની સારી નોકરી મૂકીને કાઠિયાવાડ પાછા આવવાનું નક્કી કરે છે ત્યારે મિત્રને લખે છે, ‘ગોધૂલીનો સમય થયો છે. મને મારો ગોવાળ બોલાવે છે.’
આ અંતરનો અવાજ છે. મોટા પગારની મેનેજર કક્ષાની નોકરી છોડીને વતનમાં કોઈ જ ખાસ યોજના વિના માત્ર અંતરની ઈચ્છાથી એ કાઠિયાવાડ પાછા આવે છે. શા માટે?

મેઘાણીના પત્રો વિશે પ્રો. યોગેન્દ્ર છાયા સમજાવે છે કે જેમ સર્જનહારને આપણે જોયા નથી પરંતુ તેમના સર્જન ઉપરથી આપણે એમને પિછાણીએ છીએ, એવી જ રીતે સાહિત્યકારની કૃતિઓ ઉપરથી, શબ્દો કે વાણી દ્વારા સર્જકનાં જીવનવિચાર પારદર્શક બનીને ઉપસી આવે છે. અંગ્રેજીમાં જેને Revelation of the writer’s personality કહે છે તે એમાંથી બહાર આવે છે.

‘જખ્મી હૃદય’ લેખમાં પ્રો. પ્રકાશ શાહ લખે છે, ‘મેઘાણીના મૃત્યુ બાદ તરત જ ‘સ્નેહાધીન ઝવેરચંદ’ નામનાં પુસ્તકમાં બસ્સો જેટલાં પત્રોનો સંગ્રહ પ્રાપ્ત થયેલ. એમાંનાં અનેક પત્રોમાંથી એક જેમાં પોતાની પત્ની ‘વ્હાલી ચિત્રાદેવીને’ લખે છે.
એમાં કુટુંબ જીવનનું સુંદર ચિત્ર ઊભું થાય છે.
‘બધાં રાતે સૂતાં પહેલાં થોડીવાર ભેળાં બેસીને વાતો કરવાનું રાખજો.’ મેઘાણી લખે છે
પુત્રવધૂ નિર્મળાને પણ આ જ વાત દોહરાવ્યા કરી છે. વાળુ વેળાએ ભેગાં બેસવાનું કે રાત વખત તાપણું તાપતા કુટુંબ મેળાનાં સૂચનો આ સૌમાં કૌટુંબિક પ્રેમબંધન જણાવે છે.’

એમાં હૃદયના ભાવો છે. એમાં ઝુરાપો પણ છે. યુવાનીને ઉંબરે પ્રથમ પત્નીની ક્સમયની વિચિત્ર વિદાય બાદ પોતાનાં એ દુઃખદ અનુભવને એ ક્યારેય ભૂલ્યા નથી. તેથી જ, પુત્રની વાગ્દત્તાને એ નિખાલસ ભાવે લખે છે : તું મારી પુત્રવધૂ બને કે ના બને પણ મારાં તારા પરનાં વાત્સલ્યની આસ્થા જરૂર રાખજે.
અને સ્પષ્ટ શબ્દોમાં લખે છે: ‘સામા પાત્રનો ઉમળકો ન હોય તેવા લગ્નને સ્વીકારીશ નહીં. કોઈનો પ્રેમ તારા પ્રેમના દબાણ વડે પ્રાપ્ત કરતી નહીં.’
મારી કલમ મેઘાણીના આ શબ્દો પર અટકી જાય છે. કયા સમયે, કેવા જુનવાણી દેશમાં એમણે આવું હિંમતથી લખ્યું છે? જયારે કન્યાને નાની ઉંમરે પરણાવી દેતાં હતાં. બાળલગ્નો અને માબાપે નક્કી કરેલ લગ્નોનો જ મહિમા હતો ત્યારે પોતાની થનાર પુત્રવધૂને પત્ર લખવો અને તે પણ આ વિષયનો!

વાચકમિત્રો, કદાચ એ જ કારણથી મેં મેઘાણીના ગદ્ય સાહિત્યની આલોચના એમનાં પત્રોથી કરી છે. કદાચ સાચો મેઘાણી એનાં પત્રોમાં જ છુપાયેલો છે.

મેઘાણી પોતાના પુત્ર મહેન્દ્રનો ઉલ્લેખ કરી પુત્રવધૂને સ્પષ્ટ લખે છે, ‘મહેન્દ્રને તું એ ઉમળકાની શરતે જ જો ન મેળવી શકે તો તું એને જતો કરજે.’ કેવી સ્પષ્ટ સલાહ! અને તે પણ પોતાનાં જ ઘરમાં આવનાર સૌભાગ્યાકાંક્ષિણી પુત્રવધૂને!

પ્રિય વાચક મિત્રો, શરૂઆતમાં આ કોલમમાં મેં મેઘાણીના જીવનસંઘર્ષ વિશે લખ્યું હતું તે અહીં ફરી યાદ કરાવું. પુત્ર મહેન્દ્ર માટે એ ક્યાંક લખે છે તેમ ‘મારે પણ મારો નમાયો બાળક વધારાનો નથી એટલે જીવ બળ્યાં કરે છે.’ પણ લગ્નને ઉંબરે ઊભેલ સૌને સાચી જ સલાહ.

મિત્રો, આગળ ઉપર મેઘાણીની નવલિકાઓમાં આ પ્રકારની નવલિકાઓનું આપણે અવલોકન કરીશું ત્યારે મેઘાણીનાં આ અંગત પત્રો દ્વારા તેમનાં સાહિત્ય ઉપર તેની અસર ફરીથી નોંધીશુ.
તત્કાલીન સમાજ અને આજના આધુનિક સમાજમાં અમુક મૂલ્યો જે શાશ્વત છે તે જુઓ.
એ જ નિર્મળાને લખે છે કે જેનાં હજુ લગ્ન નથી થયાં. ‘અભ્યાસ કરવા સાથે બાને મદદ કરો છો તે પણ સાચો અભ્યાસ છે. સર્વ વિદ્યાનું સુફળ તો સંસાર જીવનને મધુર બનાવવામાં જ આવવું જોઈએ.’ શિક્ષણની કેવી સાચી વ્યાખ્યા! અને આપણે પશ્ચિમની સંસ્કૃતિમાં જોઈએ છીએ તે ‘ગૃહકામ એ તો સ્ત્રી અને પુરુષ સર્વને માટે વિદ્યાનો એક મહાન અંશ છે તે વગર સંસાર જીવનની મધુરતા જામતી નથી.

‘કાવ્યમાં જેમ છંદ છે તેમ જીવનમાં શ્રમ છે.’

ઓહો ! સાહિત્ય જગતનું આ સુંદર વિધાન આપણે વાસ્તવ જગત સાથે પણ સંધાન કરે છે.
એમના પત્રોમાં ‘રાત વરત ભેળું મળતું અને દિલની વાતું કરતું’ જે કુટુંબ કલ્પેલ છે એમાં શ્રમ અને છંદ એકાકાર થઈ ગયેલ છે. એમની કુટુંબની વ્યાખ્યાય નિરાળી છે જેમાં બદૂડી માટેય ચિંતા વ્યક્ત કરે છે. બદૂડી એક નાનકડી વાછડી છે. પિતા-પુત્રીના સંવાદો તો મને અદભુત જ ભાષ્યા છે.

અને હા, તેમનાં સાહિત્ય સર્જનમાં એ કેવા દૃષ્ટિગોચર થાય છે તેની વાત હવે આગળ ….

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 21 : મેઘાણીનું ગદ્ય સાહિત્ય ‘લિ. હું આવું છું.’

કલ્પના કરો, આજના આ આધુનિક યુગમાં આપણને ઘણું બધું મળ્યું છે પણ સાહિત્યનો એક પ્રકાર તદ્દન લુપ્ત થતો જાય છે. એક વસ્તુથી આપણે દૂર થઈ રહ્યાં છીએ, વંચિત થઈ રહ્યાં છીએ. કયો છે એ સાહિત્યનો પ્રકાર? અને કઈ છે એ લાગણી?

હા, હું હસ્તાક્ષરમાં લખાયેલ પત્રો જેમાં માહિતી સાથે સંવેદનાઓ પણ વણાયેલી હોય, લાગણીઓ છુપાયેલી હોય અને વ્યક્તિની હયાતી બાદ પણ એ અક્ષરો જીવંત બનીને કંઈ કેટલીયે લખી-વણલખી વાતો તાજી કરાવતાં હોય તે સ્વહસ્તે લખાયેલ પત્રોની વાત કરું છું. ટેક્સ્ટ મેસેજ અને ટેલિફોન પહેલાં એક જમાનામાં પત્ર લખવાને પણ એક કલા ગણવામાં આવતી હતી.

તો આજે ગદ્યની શરૂઆત પત્રોથી કરીશું.
મેઘાણીએ ખૂબ લખ્યું છે. આમ તો ગદ્ય એટલે આપણે સૌ રોજિંદા જીવનમાં લખીએ, બોલીએ અને વ્યવહાર કરીએ તે. આપણી ગુજરાતી ભાષાને ગદ્ય સાહિત્યથી પુષ્ટ કરી હોય તો, આપણાં ગદ્યને ઘડનારાઓમાં નર્મદ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કાકાસાહેબ કાલેલકર વગેરેના નામોની ગણતરી થતી હોય છે. (અને સરળ ભાષામાં લોકોને સમજાય તેવું, ટૂંકા વાક્યોમાં લખવાની શરૂઆત કરવાનું શ્રેય ગાંધીજીને ફાળે જાય છે)

પણ, ઝવેરચંદ મેઘાણીનું ગદ્ય સાહિત્ય આ લેન્ડ માર્ક – સીમા ચિહ્નોથી કંઈક અંશે જુદું પડે છે. એમનાં ગદ્યમાં એક શૈલી છે જે અન્ય સાહિત્યકારોમાં જોવા મળતી નથી.
જાણીતા સાહિત્યકાર ડો. દલપતભાઈ પઢીયાર જણાવે છે, ‘બોલતાં ગદ્યની જ સંગત કરીને સાહિત્યને વિધ વિધ સ્વરૂપોમાં મબલખ રીતે પ્રયોજીને, પ્રતિષ્ઠિત કે પ્રસ્થાપિત – સુસ્થાપિત કરનાર તો મેઘાણી જ. એમણે કલમ ઉપાડી પત્રકાર લેખે પણ મિજાજ રાખ્યો સાહિત્યિક. ગધનું વાદન લીધું લોકજીવનનું.’

આપણે એમના મબલખ ગદ્ય સાહિત્યનું રસદર્શન હવે પછીના થોડા અંકોમાં કરીશું… એમની નવલકથાઓ અને નવલિકાઓ વિષે આપણે ક્યાંક ક્યાંક વાંચ્યું સાંભળ્યું હશે. પણ પ્રિય વાચક મિત્રો, જે સાહિત્ય વિષે તમે કદાચ ક્યારેય જાણ્યું નથી તેનાથી આપણે શરૂઆત કરીશું. મેઘાણીના પત્રો. તેમનાં જાહેર જીવન સાથે સંકળાયેલ પત્રો. તેમનાં મિત્રવર્તુળ સાથેનાં પત્રો. તેમના અંગત પત્રો.

હા. તેમાંયે ઘણાં પત્રોમાં સાહિત્યની છાંટ વર્તાય છે . વૈચારિક દ્વિધાઓ અને દ્વંદ્રયુદ્ધ જણાય છે. ભૂલો અને પશ્ચાતાપ વર્તાય છે. મને એમાં રસ પડ્યો છે કારણકે એમાં મેઘાણી એક વ્યક્તિ તરીકે પોતે જ પ્રગટ થાય છે.

એમનો સૌથી વધારે જાણીતો અને જીવન બદલી નાંખનારો પત્ર ‘લિ. હું આવું છું’ જાણીતા સાહિત્યકાર શ્રી મકરન્દ દવે એ મેઘાણીનાં પત્રોનો સંચય ‘લિ. હું આવું છું’ (1988) પુસ્તકમાં કર્યો છે. એ મેઘાણીનાં વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. એમનું છૂટુંછવાયું આત્મચિત્રણ દર્શાવે છે. એમાં અંગત પત્રો પણ છે. એ વાંચતાં આપણને એમાં એમનાં મન, વચન અને વાણી ઐક્યની પ્રતીતિ થાય છે.

પોતાના સૌથી મોટા પુત્ર મહેન્દ્રભાઈને એમણે પોતાનાં અવસાનનાં દસેક વર્ષ પહેલાં લખ્યું હતું.  ‘હું આટલું આયુષ્ય વિતાવી ચૂક્યો છું તેમાં મને દુનિયાની દ્દૃષ્ટિએ ઘણાં નુકસાન થયાં છે પણ મને સંતોષ છે કે મેં મારું સ્વમાન જાળવ્યું છે, મસ્તક ગર્વથી ઊંચું રાખ્યું છે.’

આમ જોવા જઈએ તો એ પોતે ગુજરાતી ભાષા સાહિત્યમાં લોકસાહિત્ય આપીને એક મહત્વનું કાર્ય કરે છે એની એમને ખાતરી હતી એટલે કોઈ મિશન માટે – હેતુ માટે જીવતા હોય તેવું માનતા હતા. ‘સંસારરથ જગન્નાથરથ બની ગયો હતો.
મકરંદ દવે લખે છે, ‘એ પત્રો તો કમલપત્ર પર ઝરતાં જલબિંદુ સમા છે. સંતાનો માટેની મમતા, કાળજી, ચેતવણી, વ્યથા, ગુસ્સો, ઠપકો, ઔદાર્ય, પ્રોત્સાહન , પ્રશંશા, ગૌરવ, આનંદ અને સમાન આસને પુત્રને બેસાડી સલાહ સૂચનોની આપ લે કરતા મેઘાણીનું પિતૃત્વ મેઘ ધનુષ્યનાં રંગો ધારણ કરે છે.’

મને અંગત રીતે, એમણે પોતાની થનારી પુત્રવધૂ ઉપર લખેલાં પત્રો અને પુત્રી ઈન્દુબેન પર લખેલ પત્રો વાંચીને એક વ્યક્તિ તરીકે પણ એ મહાન લાગ્યા છે. જેટલું સુંદર એમનું સાહિત્ય સર્જન છે તેવું જ સુંદર એમનું આંતર મન છે. ઉમાશંકર જોશી કહે છે ને?
‘વ્યક્તિ મટી હું બનું વિશ્વ માનવી ; માથે ધરું ધૂળ વસુન્ધરાની.
તો મેઘાણી વિશ્વ માનવ બનવાની શરૂઆત અહીં એક પિતૃ હૃદયથી કરે છે.

મકરન્દ દવે કહે છે તેમ, ‘એક કવિ , લોકસાહિત્યકાર, નવલકથાકાર, નવલિકાકાર, પત્રકાર (અને એમણે નાટકોયે લખ્યાં છે, ફિલ્મ લાઈનને પણ અજમાવી છે) સાથે સર્જક, અનુસર્જક તરીકે વિવેચકો તેમને ગમે તે ખાનામાં ગમે તેટલી ગુણવત્તા આપે પણ મેઘાણીનું જે સમગ્ર કાઠું બંધાય છે તે સવા વેંત ઊંચું જ રહેવાનું.

ઘણા પત્રો અંગ્રેજીમાં છે પણ આ સૌ પત્રોનો સાહિત્યિક દૃષ્ટિએ, સામાજિક દૃષ્ટિએ અને આજે સો સવાસો વર્ષ બાદ આપણને કેવી રીતે ક્યાં ઉપયોગી થાય એ દૃષ્ટિએ આછો ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીશું. આવતે અંકે …..

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 20 : મેઘાણીનાં વિવાદાસ્પદ કાવ્યો

પૃથ્વી પર રાજ કોનાં? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડૂનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં,
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન
બનતા ધનવાન – જ્ઞાનવાન તેનું સ્થલ ના :
ગર્વોન્નત ગરુડ – બાજ, ભક્ષક ઓ પંખીરાજ !
તમ વ્હોણો સૂર્યકાલ તપવું નહિ ત્યાગે;
જાગો શ્રમજીવી લોક, ત્યાગો તંદ્રા ને શોક:
પૃથ્વીના પાટ પર કરાલ કાલ જાગે.

ઝવેરચંદ મેઘાણીનું આ કાવ્ય, તમે આને કાવ્ય કહેશો?

કદાચ કોઈ હેતુ માટે લખાયેલ લાગે! પણ એકાદ કાવ્યનો વિચાર કરવાને બદલે /અને આવાં અનેક કાવ્યો વિષે કાંઈ પણ વિચારતાં પહેલાં, ત્યારની પરિસ્થિતનો આછો ખ્યાલ મેળવવો જરૂરી છે. સાહિત્ય જો એ સમાજનું પ્રતિબિંબ ઝીલતું ના હોય તો એ સાહિત્ય લોકભોગ્ય કેવી રીતે બને?

આ સમય સાહિત્ય માટે પંડિતયુગ હતો અને ગાંધીયુગમાં પરિવર્તન લાવી રહ્યો હતો.

બ.ક.ઠાકોર ગાંધીજીના સમકાલીન અને પંડિતયુગનાં પ્રખર વિદ્વાન! એક જ વર્ષે જન્મેલ આ બન્ને એ ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ખૂબ મહત્વનું પ્રદાન કર્યું છે. તેઓ બન્નેએ સમાજ અને સાહિત્યનું માળખું બદલ્યું. ઉચ્ચ વાણી વૈભવ અને કડક છંદ રાગ માટેના હિમાયતી બ.ક.ઠાકોર (જેમણે ગુજરાતી સાહિત્યને સોનેટ જેવો સ્પષ્ટ માળખાનો પ્રકાર આપ્યો.)ને મન મેઘાણીનું સાહિત્ય સાહિત્ય હતું જ નહીં! અને આમ જુઓ તો જે ‘ગાંધી’ યુગની આપણે વાત કરીએ છીએ તે ગાંધીજીને માટે સમગ્ર દેશને એક વિચારે બાંધવો શું સહેલું હતું? દેશમાં સદીઓથી ઘર કરી ગયેલ માન્યતાઓ અને રહેણીકરણીને લીધે તો આ મહાન દેશ ગુલામીમાં ગરકાવ થઈ ગયો હતો! આપણે આપણાં એક ઘરની સફાઈ પણ સારી રીતે ઘરનાં સભ્યોને અકલાવ્યાં વિના કરી શકતાં નથી તો ગાંધીજીએ દેશની સફાઈ કરવાની હતી અને સદીઓથી લૂંટી રહેલ અંગ્રેજોને બહાર કાઢવાના હતા! સાચ્ચે જ છેલ્લાં હજાર વર્ષની મહત્વની વ્યક્તિઓમાં ગાંધીજીનું નામ આઈન્સ્ટાઈન પછીનું બીજા નંબરે આવ્યું! એ ગાંધીજીએ મેઘાણીનાં સાહિત્યને ઉમળકાથી વધાવ્યું કારણ કે એમાં લોકોનું પ્રતિબિંબ પડતું હતું! પણ એ જ ‘લોકોમાં’ વિદ્વાન વર્ગ સ્વીકારવાં તૈયાર જ નહોતો!

પ્રિય વાચક મિત્રો! સાહિત્યને જયારે તેનાં મૂળ સ્વરૂપે માણીએ છીએ ત્યારે તે વધારે હૃદયંગમ લાગે છે! એટલે મેઘાણીનું આ કાવ્ય ફરીથી વાંચીએ:

પૃથ્વી પર રાજ કોનાં ? સાચાં શ્રમજીવીઓનાં,
ખેડુનાં, ખાણિયાનાં, ઉદ્યમવંતોનાં
રંકોનું રક્તપાન પી પીને પે’લવાન
બનતા ધનવાન-જ્ઞાનવાન તેનું સ્થલ ના :

વાત જરા વધારે રસપ્રદ બનાવું!

૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે ક.મા.મુન્શી હતા. બ.ક.ઠાકોરની જેમ તેઓ પણ લોકસાહિત્યને સાહિત્યનો દરજ્જો આપવા તૈયાર નહોતા. વળી ગાંધીવિચાર ધારાથી જુદું મન્તવ્ય ધરાવતા હતા. પણ ગાંધીજીને આ પરિષદમાં પ્રવચન આપવાં આમંત્રણ આપેલું. ત્યારે સ્પષ્ટવક્તા ગાંધીજીએ પ્રવચનમાં જણાવ્યું કે પાંડિત્યથી ઉભરાતું સાહિત્ય સમજનાર કેટલાં? વર્ધા આશ્રમમાં જ્યાં તે રહેતા હતા ત્યાં એ ગામમાં વાંચી શકે તેવાં માણસોની સંખ્યા બે ટકા હતી! એમને ભાર દઈને લોકભોગ્ય, સરળ ભાષામાં, સૌનાં જીવનને સ્પર્શતું સાહિત્ય રચવાં ગુજરાતી સાહિત્ય પરિષદને અનુરોધ કર્યો!

મેઘાણીએ લખ્યું : વિરાટ દર્શન કાવ્યમાં –

આખરે એની જ જીત, સમજી લેજો ખચીત જાગો, ભયભીત જાલીમો, વિરાટ આવે!
નૂતન શક્તિને ભાન, ગાતા શ્રદ્ધાનું ગાન
એક તાલ, એક તાન, લોકસૈન્ય આવે!!


ચારણી છંદ જે ચારણ કોમમાં ખાસ પ્રસિદ્ધ એમાં મેઘાણીએ પુષ્કળ સાહિત્ય આપ્યું મેઘાણીનો હલકદાર કંઠ અને કહેવાની છટા અને એમાં ભળ્યું આ ચારણીછંદનું આગવું માધુર્ય! વેગીલી વાણી અને શબ્દોનો નાદ વૈભવ અને લોકભોગ્ય સરળ શબ્દોથી સાહિત્ય અને લોકજગત સૌએ એમને વધાવી લીધા!

મેઘાણીનાં કાવ્ય અને પદ્ય કૃતિઓનો આછો પરિચય મેળવ્યા બાદ, હવે એમની ગદ્ય કૃતિઓ; નવલકથા, નવલિકાઓ, નાટ્ય કૃતિઓ વગેરેનો આછો અભ્યાસ કરીશું – આવતે અંકથી….

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 19 : મેઘાણી અને દાંડીકૂચ


હજારો વર્ષની જુની અમારી વેદનાઓ!
કલેજાં ચીરતી કંપાવતી અમ ભય કથાઓ.

હા, જીવનમાં ક્યારેક એવું બને કે ગુનો કર્યો ના હોય, કોઈ ખોટા પુરાવાઓ રજૂ કરે અને નિર્દોષને જેલમાં જવાનો વારો આવે! પણ તમે એવું જોયું છે કે જે ગુનો કર્યો જ નથી  તેને માટે જેલમાં જવાનો પણ આનંદ આવે? ગાંધીયુગમાં એવાં ઘેલાં લોકોનો તોટો નહોતો. ઝવેરચંદ મેઘાણી એ જ ગાંધીયુગના બડભાગી ઇન્સાન હતા!

૧૯૩૦ના માર્ચ મહિનામાં ગાંધીજીએ બ્રિટિશ રાજ્ય સામે ‘સવિનય કાનૂન ભંગ’નું એલાન કર્યું . એ વખતે ઝવેરચંદ મેઘાણીએ દેશપ્રેમ અને ખુમારીથી ભરેલ ‘સિંધૂડો’ કાવ્ય સંગ્રહ લોકોને આપ્યો હતો. સરકાર મેઘાણીને પકડવા પેંતરો રચતી જ હતી કારણ કે મેઘાણીનાં કાવ્યો લોકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનો એક જુવાળ ઊભો કરતાં હતાં.

ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે
પૂરપાટ ઘોડલે છૂટો,
ઓતરાદા વાયરા ઊઠો, ઊઠો રે તમે ઓતરાદા વાયરા, ઊઠો!
મેઘાણી લખતાં, ગમે તે જુવાનિયાનું લોહી ગરમ થઈ જાય તેવા શબ્દો. આ પંક્તિઓ જુઓ :

આવો વિપ્લવ! આવો જ્વાળામુખી? આવો રૂડા ભૂમિકમ્પ રે!
મેઘાણીનાં એક એક કાવ્યમાંથી સ્વાતંત્ર્ય માટેની તીવ્ર અભિલાષા પ્રગટતી હતી: આઝાદીનો પવન ફરી વળ્યો હતો. દેશ દાઝ, દેશપ્રેમ અને આ દેશ્ભક્તિનાં કાવ્યો!

શિવજીનાં હાલરડાંના ઢાળ ઉપરની આ પંક્તિઓ જુઓ:

માતા તારો બેટડો આવે, આશાહીન એકલો આવે!
જ્વાળામુખી એને કાળજડે રે, ને આંખમાં અમૃત ધાર!
ભેળાં કાળ નોતરાં લાવે, માતા તારો બેટડો આવે!

ગાંધીજી માટે લખાયેલ આ આખું જ કાવ્ય સરસ છે. પણ અહીં, એનો ઉલ્લેખ માત્ર કરીને આપણે દાંડીકૂચના એ પ્રસંગ તરફ પ્રયાણ કરીએ.
..
દાંડી સત્યાગ્રહનો એ ૨૧મો દિવસ હતો. હજુ દાંડી સુધી પહોંચવાને ચાર દિવસની વાર હતી. સમગ્ર દેશ હવે શું થશે તેવા વિચારમાં હતો. ત્યાં રસ્તામાં અમુક સત્યાગ્રહીઓને ગિરફ્તાર કર્યાનાં સમાચાર મળ્યાં એટલે ઝવેરચંદ મેઘાણી એ લોકોને જેલમાં મળવા ગયા. પોલીસ ઇન્સ્પેકટર પાસે ‘સિંધૂડો’ દેશભક્તિનાં કાવ્યોનો સંગ્રહ લખનાર મેઘાણીનું નામ જાણીતું હતું જ. એણે જોધાણી નામના એક ભાઈને સ્થાને મેઘાણી લખીને ઝવેરચંદ મેઘાણીને ગિરફ્તાર કર્યા. પોલીસ કેસમાં ખોટી માહિતી ભરી દીધી, ‘ફલાણી જંગી સભામાં ભાષણ આપીને લોકોને ઉશ્કેરવાનું કામ એમણે કર્યું છે.’

મેઘાણીએ એ ઉપજાવેલી વાતની સ્પષ્ટતા કરી કે એ દિવસે હું મારે ગામ રાણપુરમાં હતો પણ આવી વાત ઉપજાવીને મને કીર્તિ બક્ષવા બદલ તેમને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું, ‘મને ફાંસીના માંચડાની ભેટ થઈ હોત તો હું તેને વધાવી લેવાં પણ તૈયાર છું. એ ભેટને હું મારું પરમ સૌભાગ્ય સમજીશ.’

એમનું આખું બયાન હૃદયદ્રાવક છે. હા, અને એવું કહેનારાં એ વખતે અનેક હતાં. મા ભોમ કાજે ખપી જવાની તમન્ના. એમને બે વર્ષની જેલની સજા થઈ.

આજે અહીં આ પ્રસંગનો ઉલ્લેખ કરવાનું ખાસ કારણ છે. પ્રત્યેક સાહિત્યકાર કે નેતા આખરે તો એ સમયના સમાજ અને સંજોગોને સીધી કે આડકતરી રીતે પ્રતિબિંબિત કરે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસનથી વાજ આવેલી પ્રજાને જગાડનાર ગાંધી સાથે સમાજનો આવો વર્ગ પણ હતો. ગાંધીજીએ મેઘાણીને તેથી જ લોકોના કવિ કહ્યા હતા. મેઘાણીને સજા થઈ.

મેઘાણીએ એક આઈરીશ કવિ મેક્સવિનની કવિતાનું અનુસર્જન બુલંદ અવાજે કોર્ટમાં ગાઈ સંભળાવ્યું:

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ,
કલેજાં ચીરતી કંપાવતી અમ ભય કથાઓ.
મરેલાનાં રુધિર ને જીવતાનાં આસુડાંઓ
સમર્પણ એ પ્રભુ સહુ તારે ચરણ હો.
ન્યાયાધીશ આપણો દેશવાસી જ હતો ને? એમની આંખો પણ ભીંજાઈ ગઈ. બહાર બે હજાર લોકોની મેદની ઊભરાઈ હતી. સાબરમતી જેલમાં મેઘાણીને સરદાર વલ્લભભાઈ, મહાદેવભાઈ વગેરે સાથે રાખવામાં આવ્યા. આ પણ એક યોગાનુયોગ જ કહેવાયને? આ બધી મહાન પ્રતિભાઓને મળવાનો સંજોગ નહીંતો ક્યારે થાત?

એક આડ વાત, પ્રિય વાચક મિત્રોની જાણ માટે: અહીં બીજા એક કવિ રામનારાયણ વિ. પાઠક પણ હતા જેમણે આ તેત્રીસ વર્ષના નવયુવાન ઝવેરચંદ મેઘાણી ઉપર કાવ્ય લખ્યું હતું : ‘કોઈ કહેશો યુવાન ક્યાં સિધાવતો હતો?’ અને અહીં જેલમાં જ દેવદાસ ગાંધીએ એમને પેલું અંગ્રેજી કાવ્ય વંચાવ્યું હતું જે ઉપરથી મેઘાણીએ ‘કોઈનો લાડકવાયો’ કાવ્ય રચ્યું.

આ અને આવી ગાંધી યુગની, એનાં કાવ્યો અને કહાનીની રસપ્રદ કથા આવતે અંકે….

— ગીતા ભટ્ટ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ – 18 : ગાંધીયુગના રાષ્ટ્રીયકવિ મેઘાણી


નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે;
ખબર છે એટલી કે માતની હાકલ પડી છે!

આ પંક્તિઓ સ્વાતંત્ર્ય સંગ્રામ વેળાએ (1930-1947) રાષ્ટ્રગીત જેવી બની ગઈ હતી. અને આ ગીતના રચનાર ઝ.મે.ને શબ્દો તોળીને બોલનાર ગાંધીજીએ રાષ્ટ્રીયકવિ કહ્યા હતા.
તો એ રાષ્ટ્રીયકવિ મેઘાણી વિષે વાત કરતાં પહેલાં એ ગાંધીયુગનો આછો ખ્યાલ મેળવીએ.

આપણે મેઘાણીનાં લોકસાહિત્ય સર્જન વિષે આછો ખ્યાલ મેળવ્યો. બરડાડુંગર અને ગિરનારનાં પહાડો-કોતરો વચ્ચે જન્મ અને ઉછેરને લીધે તેઓ ગ્રામીણ પ્રજા – સામાન્ય લોકોના સંપર્કમાં આવેલા, અને એનાથી પ્રેરાઈને લોકસાહિત્યનો અમૂલ્ય વારસો એમણે આપણને આપ્યો.
એ સમયે ગાંધીજીનું હજુ સ્વદેશાગમન થયું નહોતું. ગાંધીજી હજુ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ્ય સામે લડત (અસહકારની લડત) આપી રહ્યા હતા. ગાંધીજી તેમની ભારતની ટૂંકી મુલાકાતો દરમ્યાન મહારાષ્ટ્રના ગોપાલ કૃષ્ણ ગોખલેને અને અન્ય પોલિટિકલ લીડરોને મળતા અને દેશની સમસ્યાઓનો ઉકેલ શોધવા પ્રયાસ કરતા હતા.
જો કે, ગોખલે અને બીજા અનેક દેશભક્તો પણ અંગ્રેજોની જોહુકમી દૂર કરવાનો ઉપાય શોધી રહ્યા હતા. પણ દેશમાં અંગ્રેજો કરતાંયે ઘણાં મોટા પ્રશ્નો હતા. તેમાંનો એક પ્રશ્ન અસ્પૃશ્યતાનો હતો. અને તેના ભાગ રૂપે, ગોખલેએ મહારાષ્ટ્રમાં અંત્યજ શાળા શરૂ કરી હતી.

એવી એક શાળા ભાવનગરમાં ૧૯૧૦માં ગોખલેની પ્રેરણાથી ઠક્કરબાપાએ પણ શરૂ કરેલી. આગળનાં પ્રકરણોમાં જણાવ્યું છે તેમ, ભાવનગરમાં કોલેજમાં ભણતા મેઘાણી મિત્રો સાથે એ શાળાના ઉત્સવમાં ગયેલા. ત્યાં હરિજન છોકરાના હાથમાંથી પાનબીડું લીધેલું અને બીજાં બધાની જેમ લઈને ફેંકી દીધું નહોતું – એમણે એ પાન ખાધું. હાહાકાર મચી ગયો. અછૂતનાં હાથને અડકેલું પાન ખાધું? બે વર્ષ સુધી હોસ્ટેલમાં એમને જમતી વખતે બધાથી દૂર બેસવું પડેલું. બીજે વર્ષે હોસ્ટેલ બદલી પણ ત્યાંયે જમવા માટે જુદાં જ બેસવાનું.

આવી હતી દેશની પરિસ્થિતિ. દલિત વર્ગ સાવ અભણ, ગરીબ અને અસ્પૃશ્ય હતો ઉપરાંત, અંગ્રેજોની જોહુકમી સાથે સાથે રાજા રજવાડાઓનો ત્રાસ પણ ખરો.

આ લખતાં શરમથી અને ક્રોધથી ધ્રુજી ઉઠાય છે. કેવા અંધકારમાં ડૂબેલો હતો આપણો દેશ! અને તેની સામે અંગ્રેજ જેવી જબરદસ્ત સરકાર હતી જેનું ધ્યેય દેશમાં અંદરોઅંદર ફાટફૂટ પડાવીને રાજ્ય કરવાનું હતું. હા, બ્રિટિશ સરકારે દેશમાં શિક્ષણ સંસ્થાઓ ખોલી, રેલવે લાઈન નાંખી વગેરે દ્વારા થોડી પ્રગતિનો પવન ફૂંકાયો એ વાત સાચી. રાજ્ય કરવાં પ્રજાને આટલું આપ્યું તો દલપતરામે લખ્યું,
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન!

ત્યારે પ્રશ્ન હતો કે, આવા અજગર જેમ ઊંઘતા દેશને જગાડવો કેવી રીતે? ક્રાંતિ કરવાની ભાવના, નવી દિશા શોધવાની તીવ્ર ઝંખના, કોઈક ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરવાની તાલાવેલી એ સમયે પણ ઘણાં દેશભક્તોમાં હતી જ. રાજા રામમોહન રાય જેવા સમાજ સુધારકોએ સતી પ્રથા માટે જીવન ખર્ચ્યું. બાળગંગાધર તિલક, કાકાસાહેબ કાલેલકર, મહર્ષિ અરવિંદ વગેરે દેશભક્તો ગાંધીજીના સંપર્કમાં આવ્યા. તેઓ પહેલાં ઉદ્દામમતના હિમાયતી હતા. સાવ અહિંસક રહીને દેશ આઝાદ થાય તેવું કોઈ માનવાં તૈયાર નહોતું.

આચાર્ય કૃપલાણીજીએ ગાંધીજીને કહ્યું, “હું ઇતિહાસનો પ્રોફેસર છું અને અહિંસાથી કોઈ પણ દેશ કે પ્રદેશ આઝાદ થયો હોય તેવું માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં મેં જોયું નથી.”
ગાંધીજીએ નમ્રતાથી કહ્યું, “હું એ કરીશ, પછી તમે એ ભણાવી શકશો. (૧૯૧૫, શાંતિનિકેતન આશ્રમ) અંગ્રેજોને જીતતાં પહેલાં પ્રજાને જીતીએ” ગાંધીજીનું સ્પષ્ટ મંતવ્ય હતું કે, એમને અસ્પૃશ્યતાના ભેદભાવવાળું સ્વતંત્ર ભારત નહોતું જોઈતું. એમનું માનવું હતું કે, પ્રજાને જીતવાં તેમનાં મગજમાં ઘર કરી ગયેલ વિસંવાદને જીતવો જરૂરી છે.

૧૯૨૧માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થવાની હતી. જો હરિજનોનો પ્રશ્ન પડતો મૂકવામાં આવે તો કેટલાક ધનવાનો સાત લાખ રૂપિયા આપવા તૈયાર હતા. ગાંધીજીએ તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “વિદ્યાપીઠ ફંડની વાત બાજુએ રાખો પણ અસ્પૃશ્યતા કાયમ રાખવાની શરતે મને કાલે હિન્દુસ્તાનનું સ્વરાજ્ય આપે તો તે સુધ્ધાં હું ન લઉં.”

અને ઝવેરચં મેઘાણીનાં લાગણીશીલ, ઊર્મિલ, કવિ હૃદયમાં એ દલિત, પીડિત, કચડાયેલ, ઉપેક્ષિત અને ગરીબ પ્રજા પ્રત્યે સહાનુભૂતિ હતી. કિશોરાવસ્થામાં ઘણીવાર બોર્ડિંગ સ્કૂલમાંથી ડુંગરાળ પ્રદેશમાં, પિતાને ત્યાં વેકેશનમાં ઘેર જતી વેળાએ, વરસાદ વાવાઝોડાઓ વચ્ચે એમણે જ્યાં ત્યાં રાતવાસા કર્યા હતા. એ લોકોનાં દિલની અમિરાતને માણી હતી. એટલે એમની રાષ્ટ્રભક્તિની કવિતાઓમાં બે પ્રકારની કવિતાઓનાં દર્શન થાય છે; સ્વાતંત્ર્ય ઝંખના કરતાં ઉદ્દામ મનોવૃત્તિનાં ‘હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ!’ જેવાં કાવ્યોમાં સાથે સાથે દબાયેલ-કચડાયેલ પીડિત વર્ગને પણ વાચા આપે છે. ‘..પીડિતની આસુંડા ધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ!’

પંડિત યુગ હતો. એમાં ગાંધી વિચારધારા એક સુનામીની જેમ ફરી વળી હતી. ગાંધીજીએ પ્રજામાં રાષ્ટ્રપ્રેમ અને દલિત સમભાવ જગાડ્યાં. ને મેઘાણીએ એને કવિતાઓ, દુહા, છંદ, ભજન, લોકગીત ઢાળોમાં ઢાળીને લોક જીભે રમતાં કર્યાં.

અમે ખેતરેથી, વાડીએથી, જંગલ ને ઝાડીએથી, સાગરથી, ગિરિવરથી આવ્યાં,
અમે સુણી સાદ આવ્યાં.
અમે કંટકનો પુનિત તાજ પહેરી શિર પરે આજ
પીડિત જનતાને કાજ આવ્યાં.

મેઘાણીનાં કાવ્યો જનજીવનમાંથી પ્રેરણા લઈને જનતાને પ્રેરણા આપે છે.

ઓતરાદા વાયરા ઊઠો
ઊઠો રે તમે ઓતરાદા વાયરા ઊઠો.
ભીડ્યા દરવાજાની ભોગળ ભાંગીને તમે પુરપાટ ઘોડલે છૂટો, ઓતરાદા વાયરા ઊઠો

‘યુગવંદના’; એમનો કાવ્યસંગ્રહ, દેશભક્તિનાં કાવ્યોથી વંદનિય છે. તેમનાં દેશભક્તિનાં કાવ્યોની વાતો આવતે અંકે…

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ-17 :કોઈનો લાડકવાયો

ઝવેરચંદ મેઘાણી જેવા મહાન રાષ્ટ્રીય શાયરનાં વિશાળ સાહિત્ય ફલકને આપણે અહીં, ‘હાં રે દોસ્ત, હાલો અમારે દેશ’ કોલમમાં આવરી રહ્યા છીએ ત્યારે એક વાચક મિત્રનો પ્રશ્ન છે કે, મેઘાણીએ આટલાં વિશાળ સ્તર પર અનુસર્જિત સાહિત્ય શા માટે પિરસ્યું છે? એમનો પ્રશ્ન વાજબી છે. મેઘાણી જેવા મહાન સાહિત્યકારે ઘણું બધું વિધ વિધ પ્રકારનું સાહિત્ય આપ્યું છે, પણ તેમાંયે અનુસર્જનો અનેક છે! એથી, મેઘાણીનાં અનુસર્જિત કાવ્યોની વાત કરીએ છીએ ત્યારે બે ઘડી થોભીને સહેજ આડ વાત કરીએ. એ સમય અને પરિસ્થિતિનો જરા ખ્યાલ મેળવીએ:
એમનાં જેવી બહુવિધ પ્રતિભાને સમય, સંજોગ અને ગર્ભ સંસ્કારમાંથી જ લોકસાહિત્યની લગની લાગી હતી. કલકત્તામાં રહેવાથી બંગાળી સાહિત્યનો અનુભવ થયો, સાથે વિલાયતની સફરે પણ ઘણું શીખવાડ્યું. ત્યારબાદ, એ કલકત્તાથી પાછા રાણપુર આવી ગયા અને એ જ સમયે નવું અઠવાડિક ‘સૌરાષ્ટ્ર’માં જોડાયા. હવે એમને સાહિત્યક્ષેત્રે કાર્ય કરવાનું આંગણું મળ્યું. જે એમણે કલકત્તામાં રવીન્દ્રનાથ ટાગોર અને અન્ય સાહિત્યકારો વિષે જાણ્યું અને અનુભવ્યું હતું તે પોતાની ગુજરાતી પ્રજાને પીરસવા એમનું દિલ ઊછળી રહ્યું. આમ, એમણે નોબલ પ્રાઈઝ મેળવનાર રવીન્દ્રનાથનાં કાવ્યોનાં અનુસર્જન કર્યા. એમણે સુંદર અનુસર્જનો આપણને આપ્યાં છે પણ તેની પાછળ એક બીજું પણ પ્રેરક બળ છુપાયેલું હતું.
અજગરની જેમ ઊંઘતા દેશને, પાંડિત્યના ભાર નીચે દબાયેલ સમાજને, અંગ્રેજોની ‘ભેદભાવ કરો અને સૌને છૂટાં રાખી, છેટાં રાખી રાજ્ય કરો’ની નીતિને લીધે પ્રજા દિશા વિહોણી હતી. ત્યારે – ૧૯૧૫માં ગાંધીજીનું સ્વદેશાગમન થયું! એમની પાસે એક જ શસ્ત્ર હતું: જે વિચારે તે જ બોલવું અને તેવું જ કરવું. ગાંધીજીએ જોયું કે માત્ર પાંડિત્યની વાતોથી કાંઈ નહીં વળે. એ વિલાયત ભણવા ગયા ત્યારે એમણે ત્યાંની પ્રજાને નજીકથી નિહાળી હતી. એમણે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અનુભવ્યાં હતાં. અને દેશમાં આવીને એમણે શું જોયું? કૂવામાંના દેડકાની જેમ ડ્રાંઉં ડ્રાંઉં કરતો કૂપમંડૂક સમાજ!
દરેક વ્યક્તિને રાષ્ટ્રભાવના માટે જાગૃત કરવાની હતી! તેમાં ગરીબ – તવંગર, ભણેલ-અભણ, છૂત-અછૂત સૌને પોતપોતાની સ્થિતિ મુજબ જોડવાનાં હતાં. એમણે સુજ્ઞ સાહિત્યકારોને સૂચવ્યું કે અન્ય સાહિત્યમાંથી જે સારું હોય તે આપણી ગુજરાતી ભાષામાં પીરસશું તો લોકો જાગૃત થશે અને આપણી ભાષા પણ સમૃદ્ધ થશે. તેઓ માતૃભાષા શિક્ષણના હિમાયતી હતા. એ સમયે એક જ કૃતિનાં બે ત્રણ અનુવાદો તેમની પાસે આવતાં, એમાંથી એક પોતે નવજીવન મેગેઝીનમાં પ્રસિદ્ધ કરતા.
આજે જે કાવ્યની વાત કરવી છે તે ‘કોઈનો લાડકવાયો’ એના બીજી ભાષાઓમાં પણ અનુવાદો થયા છે, પણ આ કાવ્ય ગુજરાતી ભાષાનાં જ વાઘાં પહેરીને સર્વાંગે ગુજરાતનું બનીને જનતાનાં હૃદય પર છવાઈ ગયું છે.


મૂળ કાવ્ય છે : Somebody’s Darling સમ્બડીઝ ડાર્લિંગ! અમેરિકામાં સિવિલ વોર થયું ત્યારે, મરી રેવનાલ Marie Revenal de la Costeએ પોતાના પતિને યુદ્ધમાં મરતા જોયો હતો. એ સમયે, જ્યોર્જિયામાં સવનાહ Savannah ગામની હોસ્પિટલનાં વોર્ડમાં એણે બીજાં પણ અનેક લોકોને વીરગતિ પામતાં જોયાં હતાં. એ અસહ્ય દુઃખનું દિલથી કરેલું એ સાચું વર્ણન છે. મૂળ કાવ્ય ઘણું જ સુંદર અને હૃદયસ્પર્શી છે! કાવ્યની શરૂઆત આમ થાય છે :
Somebody’s darling, somebody’s pride;
Who will tell his mother, where her boy died?
Into a ward of whitewashed halls,
Where the dead slept and dying lay,
Wounded by bayonets, sabres and balls,
Somebody’s darling was borne one day .. (ઊંચકીને લાવવામાં આવ્યો હતો)

આ પંક્તિઓનો અનુવાદ મેઘાણી કેવી રીતે કરે છે તે જુઓ:
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમળ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે,માતની આઝાદી ના આવે.

મેઘાણીનું ‘કોઈનો લાડકવાયો‘ વાંચ્યા કે સાંભળ્યા પછી આંખ ભીની થયાં વિના ના જ રહે, પરંતુ જયારે ખબર પડે કે, આ તો કોઈ અંગ્રેજી કાવ્યનું અનુસર્જન છે ત્યારે તો આશ્ચર્યચકિત થઈ જવાય છે!
એક વિચાર બીજને દિલમાં આત્મસાત કરીને સમગ્ર દેહની રગેરગમાં વહેતું કરવાની કળા, મેઘાણી જેટલી કોઈ કવિ કે સાહિત્યકારમાં નથી જ નથી!
આ શબ્દોનો જાદુ જુઓ:
એનું શિર ખોળામાં લેવા કોઈ જનેતા ના’વી;
એને સીંચણ તેલ કચોળા નવ કોઈ બેની લાવી,
કોઈના એ લાડકવાયાની ન કોઈએ ખબરે પૂછાવી.
અને પછી મૂળ કાવ્યની આ પંક્તિઓ-
Pale are the lips of delicate mould-
Somebody’s darling is dying now,
Back from the beautiful blue- veined face
Brush every wandering, silken thread
એનું અનુસર્જન મેઘાણીની કલમે કેટલું જોરદાર બન્યું છે તે વાંચતા આ મહાન કવિના ગુજરાતી હોવાનો આપણને ગર્વ થશે :

કોઈના એ લાડકવાયાનાં લોચન લાલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આસું કપોલ પર ઢોળાયાં
આતમ દિપક હોલાયાં, ઓષ્ઠનાં ગુલાબ કરમાયા
Kiss him once for Somebody’s sake,
Murmur a prayer, soft and low
One bright curl from the cluster take
They were somebody’s pride, you know.

મેઘાણીની પંક્તિઓ :
કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એના હૈયા ઉપર કર – જોડામણ કરજો
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઊચરજો.
આખું કાવ્ય જ સુંદર છે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ – ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી,
લખજો ‘ખાક પડી આહીં કોઈના લાડકવાયાન.

ગાંધી યુગ અને સાહિત્યમાં તેનું પ્રતિબિંબ વગેરે વિષે વાતો હવે પછીના થોડા લેખોમાં કરીશું. મેઘાણીને સર્વાંગી સમજવા એમના સાહિત્ય ફલકને માણવું જરૂરી છે

એક અંગત વાત પણ કરું: ગાંધીયુગમાં, દાંડી સત્યાગ્રહ અરસામાં જન્મેલી મારી બાની ગરબાની નોટબુક મેઘાણીનાં ગીત ગરબાથી જ ભરેલી છે; મેઘાણીનું આ ગીત તેને મુખે જ સાંભળવા આ લિંક મૂકી છે:
Gujarati gt Rakta tapakati so so zoli bMahavidyaBa