ઘર એટલે ઘર…..(18). ફૂલવતી શાહ

 ” ઘર ” એ કેટલો સરળ શબ્દ છે !  નહિ કા’નો કે નહિ માત્રા. જેટલો સરળ  છે તેટલો જ અર્થસભર અને ઉષ્માભર્યો શબ્દ છે. એની સાથે આત્મીયતા અને નિર્ભયતા સંકળાયેલી છે.એનું મૂલ્ય આપણી કહેવત બતાવે છે. ” પૃથ્વી નો છેડો ક્યા?” તો કહેવાય  કે  ” ઘર.”  સંતોષ ,પ્રેમ અને આનંદનું ધામ  એનું નામ ઘર. પછી  એ તપોવનમાં  વૃક્ષ નીચે બાંધેલી કુટીર કેમ નાં હોય !.  ઈટ ચૂનાનું બનાવેલું  મકાન હોય કે સિમેન્ટ કોન્ક્રીટ અને એર કંડીશન વાળી  ઈમારત હોય કે પછી આરસ પહાણ જડીત મહેલ હોય- પણ જો તેમાં રહેનાર વ્યક્તિઓ માં પરસ્પર પ્રેમ, વિશ્વાસ કે સહાનુભુતિ ના હોય તો એ રહેઠાણ- ” ઘર ” નથી.  

         સૃષ્ટિ પર નાં તમામ સજીવો ને પોતાના જીવને સાચવવાની  કુદરતી  વૃત્તિ હોય છે.  આથી  પ્રત્યેક પ્રાણીને  આશ્રય સ્થાનની જરૂર પડે  છે. દરેક પોતાની જરૂરીઆત મુજબ સ્થાન શોધે છે અથવા બનાવી લે છે.  આશ્રય  સ્થાનની પસંદગીમાં  પ્રથમ  જરૂરીઆત પોતાની અને  પોતાના પરિવારની   સંરક્ષણની  છે.  પોતાનાથી વધુ શક્તિશાળી પ્રાણી નો પોતે શિકાર ના બને તે મુખ્ય ધ્યેય હોય છે.   પવન, તાપ, ટાઢ અને વરસાદ  જેવી કુદરતી ઘટમાળ થી બચવા દરેક પ્રાણી અને મનુષ્યે પોતાને અનુકુળ રહેઠાણ બનાવ્યા.ઉંદર, છછુંદર કે સાપ  દર બનાવી રહે. પક્ષીઓ પોતાના વિશ્રામ માટે માળો બાંધે છે.વાઘ, સિહ ,વરુ જંગલી પ્રાણીઓ બોડકે ગુફા શોધે છે ગાય,ઘોડો બકરી વિગેરે પાલતું પ્રાણીઓને એમના પાલકો ઋતુ અનુસાર સગવડ સાચવી ગભાણ , તબેલો ઈત્યાદી બનાવે છે.જ્યારે માનવી પોતાને માટે મકાન બનાવે છે. માણસ જ માણસનો દુશ્મન બની શકે છે. એટલે માનવી ચોર, લુંટારા  કે અનિષ્ટ તત્વોથી બચાય તેવું રહેઠાણ પસંદ કરે છે.બને ત્યાં સુધી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.આ વિચારધારાએ  જ આપણને ખડકીઓ, પોળો , મહોલ્લા વિગેરે આપ્યા.અને એના પરિણામે ગામડા, ગામ અને શહેરો બન્યાં. 

સજીવની જરૂરીઆત પ્રથમ આત્મરક્ષણ , બીજી આહાર અને ત્રીજી  આશ્રયસ્થાન. એટલે માનવી પોતાનું  રહેઠાણ ભયરહિત સ્થળ છતાં નોકરી ધંધાની નજીક પસંદ કરશે .જેથી સમય અને શક્તિ બન્નેનો  બચાવ કરવાનું વિચારશે.પોતાના બાળકો નાં ઉત્તમ શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી સારા સ્કુલ એરિયા માં  મકાન પસંદ કરશે.આવી બધી તકેદારી રાખવા છતાં એ રહેઠાણ ” ઘર ” ક્યારે બને ? જ્યારે એમાં રહેનારા સૌ સભ્યો સ્નેહ સાકળથી બંધાયેલા હોય, એમના વિચારોમાં સામ્યતા હોય.  તેઓના સ્વભાવમાં  ક્ષમા અને સંતોષ ગુંથાઈ  ગયા હોય. જ્યાં  પતિ-પત્ની,  દીકરા-દીકરી, ભાઈ-બેન, માતા-પિતા, કે વૃદ્ધ દાદા -દાદી પ્રેમ અને સન્માન પૂર્વક રહી શકતા હોય , જ્યાં   આદરપૂર્વક  અતિથી   આવકાર પામતા હોય   અને જ્યાં આનંદ  કિલ્લોલ નો ગુંજારવ સંભળાતો હોય તો  તે  રહેઠાણ જ સાચું

” ઘર ”  છે. સૌને સાચા અર્થમાં રહેવા માટે નું  ” ઘર ” મળે એ જ શુભેચ્છા. 

 ફૂલવતી શાહ 

6 thoughts on “ઘર એટલે ઘર…..(18). ફૂલવતી શાહ

  1. Excellent and to the point write up on “Ghar” or Home ! My congratulations for an elegant article by Fulvati Shah. With best wishes for more of such articles which can inspire and encourage every one to live a fuller life !!!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.