ઘર એટલે ઘર…..(19). રાજુલ ભાનુશાલી

મિત્રો  આપણા બ્લોગ પર રાજુલ બેનનું સ્વાગત છે ,ખુબ સારા લેખિકા છે અને સ્વય એક બેઠક ચલાવે છે  હું એમનો પરિચય આપું એના કરતા એમના જ શબ્દો માં લખું છું 

મને મારો પરિચય કેટલો?

સતત બે દિવસ સુધી ગડમથલ ચાલી..જવાબ મળ્યો..જેટલી ક્ષણ હું સ્વ ને મળું છું એટલો..!

(https://rajulbhanushali.wordpress.com/ )

‘ઘર’ એટલે

‘ઘર’ એટલે કાનામાત્રા વગરની એક એવી સંજ્ઞા જે ઉચ્ચારતાંજ જીવને “હા…..શકારો” થઈ જાય!

ઘર એટલે ધોધમાર વહેતી સંવેદનાનું સરનામું..!

ઘર એટલે આખો દિવસ બહાર રહ્યા-રખડ્યા પછી તમે પાછા આવો, ડોરબેલ પર આંગળી દબાવો, ને………દરવાજો ખૂલે ત્યાંજ અડધો થાક ઉતરી જાય એ પ્લેસ.

ઘર એટલે તમે ભલેને કોક અત્યંત મહત્વનું કામ કરતા હો , તો પણ વાસણોનો ખખડાટ કે બાળકોનો કલબલાટ તમને જરાય ડિસ્ટર્બ ના કરે એ જગ્યા.

ઘર એટલે જ્યાં રજાને દિવસે તમે આખો દિવસ હાથમાં ટી.વી.નો રીમોટ લઈ સોફા પર રીંછની જેમ પડયા રહો તોય ચાલે એવી સ્થાન.

ઘર એટલે મા ના હેતની હરફર.

ઘર એટલે પિતાની કાળજી.

ઘર એટલે સવારસવારમાં રસોડામાંથી આવતી આદુવાળીચા અને બટાટાપૌંઆની સ્ફુર્તિદાયક સુગંધ.

ઘર એટલે રોટલી કરતી પત્નીની પાછળ ચુપકેથી આવીને પતિએ કરેલું મસ્તીભર્યું અડપલું.

ઘર એટલે એ સ્થળ જ્યાં ચોળાયેલી નાઇટીમાં ફરતી ગૃહિણી એટલી જ મીઠી લાગે જેટલી પાર્ટીમાં જવા તૈયાર થાય ત્યારે લાગતી હોય.

ઘર એટલે સુખ, સગવડ અને સલામતીનો ત્રિવેણી સંગમ.

હા.. આજે વાત માંડવી છે ‘ઘર’ની…

જેમ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અને અનોખી હોય છે તેમ દરેક ઘર પણ પોતપોતાની રીતે અલગ અને અનોખો હોય છે. પ્રત્યેક ઘરની પોતાની આગવી ક્ષમતા, છટા અને સ્વભાવ હોય છે. દરેક ઘરમાં એનાં ઘટમાં ઘટતાં નાનાં નાનાં પ્રસંગોમાંથી, બાબતોમાંથી પોતાનું સુખ જાતે શોધી લેવાનો  જન્મજાત ગુણ હોય છે અને પછી ઘર  એજ સુખ  માણસને પરત આપે છે એનાથીજ દરરોજ માણસ નવોનક્કોર બને છે. એવું મારું માનવું છે. આજ કારણસર આપણને  ‘ગઈકાલ’ કદી જ વાસી લાગતી નથી..આપણી અને આપણા ઘરની.. જયારે જ્યારે મમળાવીએ એટલી જ તાજગીસભર ..!

સૃષ્ટિમાં દરેક અજીવ-સજીવનાં પોતાનાં પ્રકૃતિગત ગુણધર્મો હોય છે.  ગુલાબ ગુલાબ છે અને રાતરાણી રાતરાણી છે ડીટ્ટો તેવીજ રીતે દરેક ઘરની પ્રકૃતિ જુદી જુદી હોય છે. એમની વચ્ચે સરખામણી શક્ય નથી,  કરવી પણ ના જોઈએ. આ બન્ને ફૂલનું પોતાનું આગવું મહત્વ અને સુંદરતા છે. એમ તો ગલકાંનાં ફૂલનું પણ પોતિકું સૌંદર્ય હોય જ છે ને! ઘરનું પણ એવું જ છે પછી એ નાનું હોય કે મોટું, ઝુપડું હોય કે આલીશાન મહેલ..!

ઘણીવાર જ્યારે આપણે મોટ્ટા-લાંબા વેકેશન પર જતાં હોઈએ ત્યારે ઘરેથી નીકળતી વખતે કેટ્લો ઉત્સાહ, આનંદ અને હોંશ હોય છે. પણ અઠવાડીયું થતાં થતાં આ ઉત્સાહમાં ઓટ આવવા લાગે છે. મનમાં  ક્યાંક ઉંડે ઉંડે ઘરની યાદ સળવળવા લાગે છે. ફાઈવ સ્ટાર હોટેલનાં સ્ટે દરમ્યાન, સરસ મજાનાં સુખ-સગવડ-સાહ્યબીમાં પણ ઘરઝૂરાપો  કનડવા લાગે છે અને જાણે અજાણે આપણે ‘પાછા ઘરે ક્યારે પહોંચશું’ એ પળની રાહ જોવા લાગીએ છીએ. પોતાનાં આવા 

ખાલીખમ્મ અને સૂના દિવસો દરમિયાન શું ઘર પણ એકલવાયાપણું અનુભવતું હશે જયારે એનો પરિવાર પાસે, સાથે નથી હોતો! શું એ પણ કાગડોળે પોતાના પરિવારના પાછા ફરવાની રાહ જોતું હશે?

હા.. ચોક્કસ જોતું હશે… ઘટમાં વ્યાપેલો સુનકાર એને પણ ખાવા ધાતો જ હશે!

આવા કોક લાંબા વેકેશન બાદ જ્યારે તમે પાછા ઘરે પહોંચોને ત્યારે એની એકાદી દિવાલ પર હાથ ફેરવી જોજો…તમારા ટેરવાં પર ભીનાશ તો નથી ચોંટી ગઈને? ચેક કરજો! મને તો ક્યારેક  એવોય ભાસ થાય  કે જાણે મારા ઘરની ચાર દિવાલો એની અંદર બનતું બધું જ પોતાની અંદર શોષી લેતી ના હોય! સુખ-દુઃખ, વેદના-સંવેદના.. બધું જ..
મારા સુખે સુખી ને મારા દુખે દુ:ખી!

પરિવારનો ઘરઝુરાપો અને ઘરનો એનાં પરિવાર માટેનો  ઝૂરાપો — સરખો જ..

તસુ નો ય ફરક નહિં. જે લોકો નોકરી અર્થે કે ભણતર સંબંધે લાંબા અરસા સુધી ઘરથી દૂર રહેતા હોય એમની મનોસ્થિતિની કલ્પના પણ હ્રદય ભીનું કરી જાય છે. વિજ્ઞાન આટ્લું આગળ વધ્યું પણ ઘરઝૂરાપાની થતી પીડા માટે હજુ સુધી કોઈ પેઈનકીલર શોધી શકાઈ નથી..!

 ક્યારેક જયારે ‘ઘર’ને કશુંક નાછૂટકે સહન કરવાનું આવે ત્યારે એ કેવો સીધોદોર થઈ પોતાની ફરજ બજાવતો હોય છે અને પોતાનાં દરેક સભ્યને પણ સાચવી  લેતો હોય છે. ‘હિમ્મત હારી જવી’ એ ગુણ કદાચ આ જમાતનાં સ્વભાવમાં જ હોતો નથી એવું લાગે. આપણે પણ ગુણ અપનાવવા જેવો કે નહિં ? કેવી કેવી કપરી પરિસ્થિતિઓમાં ઘર આપણને હુંફથી, હેતથી સાચવે છે ! તો આપણી પણ એવી જ  ફરજ છે કે નહી ? એમ પણ કોઈ એક ઘરની વાત કરી બતાવો જેમાં ક્યારેય દુઃખ, મતભેદ, પીડા કે વિષાદની એક્કેય ક્ષણ સુદ્ધાં ના આવી હોય! અસામાન્ય સંજોગો અને વિપરિત સમય વચ્ચે પણ પોતાની ખૂબી પર અડીખમ રહી પોતાની આગવી ઓળખ જાળવી રાખવી એ  દરેક ઘરની  ખાસિયત છે — એટલેજ કદાચ એને  ‘દુનિયાનો છેડો -ઘર’ જેવી માતબાર ઉપમાથી નવાજવામાં આવ્યો હશે..!

છેલ્લે મારા સાસુ પાસેથી સાંભળેલો એક પ્રસંગ યાદ આવે છે. વર્ષો પહેલા દેશમાંથી  રોટલો કમાવવા મુંબઈ શિફ્ટ થવું એવો નિર્ણય પરિવારે લીધો. દેશનાં ઘરનો બધો જ અસબાબ સમેટી લેવામાં આવ્યો.પ્રયાણની બધી જ તૈયારી થઈ ગઈ. ઘરમાં એક ગાય હતી. એ ગાયને બા-બાપુજીએ એક ઓળખીતાને ત્યાં વળાવી દેવાનો નિર્ણય કર્યો અને સજળ આંખે વળાવી પણ આવ્યાં. (દેશમાં પશુધન– ગાય ભેંસ વગેરે– ઘરનાં જ મેમ્બર ગણાય.. ગાય ને બીજા કોઈને સોંપી એટલે ‘વળાવી’ શબ્દ વાપર્યો.. વેચી નહિં..).. ત્યાર બાદ દેશમાં પ્રસંગપાત આવવા જવાનું થતું રહેતું. ક્યારેક ગાય મળી જતી તો માથે હાથ પણ ફેરવી લેતાં.આગળ બન્યું એવું કે લગભગ દસેક વરસ પછી મુંબઈનું ઘર સમેટી ફરી પરિવાર ગામમાં આવીને વસ્યો. વર્ષોથી બંધ પડેલું ઘર પાછું ખુલ્યું. તે દિવસે સંધ્યા ટાણે સીમમાંથી જ્યારે પેલી ગાય ધણ સાથે પાછી ફરી ત્યારે એના ‘હાલનાં વર્તમાન ઘરે’ જવાને બદલે સીધી અમારા ઘરે, પોતાની નિયત જગ્યાએ આવીને ઉભી રહી..!

આ છે ઘરની માયા..
આપણને ઘરની– ઘરને આપણી!

કવિ માધવ રામાનુજની પંક્તિઓ સાથે વિરમું છું.

“એક એવું ઘર મળે વિશ્વમાં, જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું!”

અસ્તુ.

~~ રાજુલ

5 thoughts on “ઘર એટલે ઘર…..(19). રાજુલ ભાનુશાલી

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.