‘મારા પથદર્શક ભગવતીકુમાર શર્મા ‘ તરુલતા મહેતા

જેમણે મારા જીવનને સર્જનાત્મક માર્ગે પ્રેરણા દર્શન કરાવ્યું તેવા આદરણીય
સાહિત્યકાર મુ.ભગવતીકુમાર શર્માને આજે પ્રેમથી યાદ કરી રહી છું.સુરતથી હું દસ હજાર
માઈલ દૂર બેઠી છું,પણ તેમના લાગણીભર્યા સહકારથી મારી  લેખિનીમાં હમેશા બળ
પૂરાયું છે.પરોક્ષપણે તેમની નવલકથા ,વાર્તાઓ અને ગઝલોથી હું એમને જાણતી
હતી.પણ 1975ની સાલમાં સુરતમાં મને પ્રથમ ભગવતીકુમાર શર્માનો પ્રત્યક્ષ પરિચય
થયો.સાવલીના કવિમિત્રો પુરુરાજ જોષી અને જયદેવ શુક્લ દ્રારા તેમને
મળવાનું થયું.સુરત મારા માટે અજાણ્યું શહેર હતું,કોલેજની નોકરી નવી
હતી,પરંતુ તેમના મિલન પછી સુરત આજે પણ મારું પ્રિય શહેર છે.
સુરતમાં એનીબેસન્ટરોડ પર જયદેવ શુક્લ અને ભગવતીકુમાર શર્મા પાડોશી,ગુજરાત
મિત્રના પત્રકાર,લેખક તરીકે તેમને સૌ ઓળખે.એમના ત્રણ માળના મકાનના ત્રીજા
માળે સાહિત્યગોષ્ઠી થાય.મારા જેવા નવોદિતોને પ્રોત્સાહન અને માર્ગદર્શન
અનાયાસ ત્યાં મળે,વાર્તા,કવિતા,લેખો સૌનું વાંચન થાય,સૌની રચનાઓને તેઓ
હદયપૂર્વક માણે,સાંભળે.તેમનો પ્રતિભાવ તેમના સન્વેદનશીલ ચહેરાના હાવભાવથી
કે એકાદ હુકારાથી ખબર પડે.તેમની અનેક ગઝલો અને કાવ્યોનો રસાસ્વાદ થાય.
તેઓ પ્રતિષ્ઠિત અને નામી સર્જક પણ અમારી રચનાઓને પોંખે ,અમે
પોરસાઈએ,અમારી સર્જનશક્તિને સઁકોરે. આકાશમાં ઉદિતમાન સૂર્ય તેની અજવાળાની
અંગુલિથી પથદર્શન કરાવે તેવી ભગવતીકુમારની અમાર્રી વચ્ચે હાજરી સર્જનની
સીડી ચીંધે.તેમાં સ્વ.તેમના અર્ધાંગી જ્યોતિભાભી હૂંફાળા સ્વાગતથી અમને
પ્રસન્ન કરી દે.નયન દેસાઈ ,બકુલેશ ,રવિન્દ્ર પારેખ અને બીજા અનેક ત્યાં
ભેગા મળે.સ્વ.મનહર ચોકસી જેવા અનુભવીનો લાભ મળે.મુકુલ ચોકસીની નવજાત મસ્ત
રચનાઓ માણીએ.
ભગવતીકુમારની સાહિત્યનિષ્ઠા મને માર્ગ ચીંધે.વર્તમાનપત્ર સાથે પત્રકાર
તરીકેનો નાતો રાખી , ઉંચા સાહિત્યિક મૂલ્ય ધરાવતી કૃતિઓની રચના કરવાનું
કઠિન કામ તેમણે સમતુલા જાળવી કર્યું તે મારા માટે માર્ગદર્શન આપે
છે.કેટલીક વાર રજાના દિવસે તેમના ત્રીજા માળના બેઠકરૂમમાં હું જતી ત્યારે
બારી પાસેના ટેબલખુરશીમાં એક કુશકાય,જાડા ચશ્મા પહેરેલા લેખક માથું ઢાળી
‘અસૂર્યલોક ‘જેવી સદીની નોંધપાત્ર નવલકથાનું લેખન કરતા હોય,એ દ્રશ્ય
નર્મદ કે ગોવર્ધનરામના વારસાને જીવન્ત કરે.ગમે તેવી વિપરીત
સામાજિક,રાજકીય કે શારીરિક પરિસ્થિતિમાં તેમનું લેખનકાર્ય અવિરત ચાલ્યા
કરે.
આજે પણ લેખનમાં નિમગ્ન ભગવતીકુમારની એ મૂર્તિને હું લખવા બેસું ત્યારે
સ્મરું છું.એક સર્જક તરીકેનું તેમનું નમ્ર,પ્રેમાળ ,સાલસ વ્યક્તિત્વ મારા
જેવા અનેકને સાહિત્ય સર્જનનો પથ દર્શાવે છે.ફળથી પલ્લવિત વૃક્ષો નીચે નમે
છે.ભગવતીકુમાર શર્મા ભારતીય સાહિત્ય એકાદમી અને બીજા અનેક પુરસ્કારોથી
સન્માનિત હોવા છતાં એમને મળવું એટલે સહદય સાથેની હળવાશ,પ્રેમની અમીવર્ષા
અને ‘શું નવું લખ્યુંની?’મીઠી પુછપરછ. એમણે પ્રમાણિક  ,નિષ્ઠાપૂર્વકની
કલમથી ગુજરાતી સાહિત્યની સેવા કરી છે,અને કરી રહ્યા છે,તે જ તેમનો
સાહિત્યસન્દેશ મારા માટે આજે પ્રેરણા  છે,મારું સદભાગ્ય કે મારા સુરતના
દશ વર્ષના નિવાસ દરમ્યાન મુ.ભગવતીકુમારની સતત પ્રેરણા અને પથદર્શન મને
ઉપલબ્ધ થયું.કેટલાંક ઋણ હદયમાં તાંબાના લેખની જેમ  કોતરાઈ જાય છે,એને કોઈ
રીતે ચૂકવી શકાતા નથી,શબ્દો દ્રારા એમને મારી ઝાઝેરી સલામ.ગુજરાતી
સાહિત્ય ભગવતીકુમાર જેવા સાહિત્યરત્નોથી સદા ગોરવવન્તિ છે.જે આવનાર
પેઢીને પથદર્શન કરાવતી રહે છે.એમની ગઝલની બે પંક્તિથી મારા જીવનના
પ્રવાસમાં મને મળેલા પથદર્શકને વન્દન કરીશ.
આ ક્ષણો પછીથી નહિ રહે,ન સુવાસ ફોરશે શ્વાસમાં ,
ચલો સન્ગ થોડુંક ચાલીએ ,સમયના આ દીર્ઘ પ્રવાસમાં (ભગવતીકુમાર શર્મા)
તરુલતા મહેતા

2 thoughts on “‘મારા પથદર્શક ભગવતીકુમાર શર્મા ‘ તરુલતા મહેતા

  1. tarulataben, I am delighted to learn more about Bhagwati Kumar Sharma from your article. Once I wrote him to invite to Baroda from my concert, he mentioned that my wife is from Kapadwanj etle hu to tamara gamno Jamai kahevau ! Unfortunately, he could not come due to his poor health. I still remember his premal way of talking to others! Wonderful article, Thank you very much.

    Like

  2. હવે થોડા દિવસમાં એમની મુલાકાત થશે. તૈયારીમાં મદદ કરજો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.