હેલીના માણસ – 2  । આપણને નહીં ફાવે!

Heli na manas Poster

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,

અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,

પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,

ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?

તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,

પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

– ખલીલ ધનતેજવી

ખલીલ સાહેબના અદના મિજાજની ઓળખ બની ગયેલી આ ગઝલના ભાવને રજુ કરતો રસાસ્વાદ :

ઘણી વાર આપણને શું ગમે છે તેની પોતાને જ ખબર નથી હોતી. અથવા એ બાબત વિચારવાની તક જ ન મળી હોય તેવું પણ બને! ક્યારેક તો શું ભાવે છે કે, શું ફાવે છે તે બાબતથી પણ અજાણ હોઈએ છીએ! ખાસ કરીને, ગૃહિણી હંમેશા ઘરના તમામ સભ્યોને શું ગમે તે જાણવા અને કરવા કટિબદ્ધ હોય છે. તે ભાગ્યે જ પોતાની પસંદગી વિશે વિચારતી હોય છે. પરંતુ આપણા કવિશ્રીના પોતાની પસંદગી વિશેના ખ્યાલો સ્પષ્ટ છે. શું ફાવશે અને શું નહીં જ ફાવે તે બાબત તેઓ ચોક્કસ વિચારો ધરાવે છે. વાદળને સંબોધતા હોય તે રીતે કહે છે, મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે. પણ ખરેખર તો આ આડકતરી રીતે પ્રિય પાત્રને કહેવાયું છે કે, વ્હાલ વરસાવો તો ભરપૂર વરસાવો, કંજુસાઈ આપણને નહીં ફાવે! દિલની આ વાતને વરસાદ સાથે સરખાવીને કવિ કહે છે જેને હેલી પસંદ હોય, તેને પ્રસાદ જેટલી માત્રામાં માવઠું પડે તે કેમ ચાલે? અને  કેટલા ગર્વથી તેઓ કહી દે છે કે, ‘અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.’ કશું ઓછું કવિને નહીં ફાવે, તે વાત વધુ દ્રઢ પણ કરે છે. અને કહે છે, અગાધ જળરાશિ ધરાવતા સમુદ્રમાં જઈને માછલીની નાની આંખોમાં પણ ડુબકી મારવાની હશે તો એ ચાલશે પરંતુ છીછરું ખાબોચિયું! ના, એ તો નહીં જ ફાવે. પ્રિય પાત્રને સાવ ઓછા સમય માટે ઉભા ઉભા કે, અલપઝલપ મળવાનું થાય એનો શો અર્થ? એના કરતાં તો ના મળવું જ વધુ સારું. અહીં આપણને, ‘અભી ના જાઓ છોડકર કે, દિલ અભી નહીં ભરા.’ એ ગીત યાદ આવી જાય. પણ ખલીલ સાહેબ તો પોતાની આગવી અદામાં કહી દે છે કે, તમે નહિં આવો તે ચાલશે પણ આવીને પાછા જવાનું! એ તો હરગીઝ નહીં ફાવે! 

પ્રિય પાત્ર, સુંદર વ્યક્તિત્વ ધરાવતું હોય ત્યારે તેને ચાહનારાઓ બીજા પણ હોઈ શકે. આ સંજોગોમાં જ્યારે પ્રિયતમા સાથે સમય વિતાવવો હોય ત્યારે તેના ચાહનારાઓની સૂક્ષ્મ હાજરી પણ કવિને કઠે છે. એટલે જણાવી દે છે કે, એવું બધું તો ક્યાંથી ફાવે? એના કરતાં તો પછી આવો સંબંધ ન રાખવો વધુ સારો. આ જ વાત કવિ કેવા શબ્દોમાં કહે છે! ‘તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ? તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે’ 

જે વ્યક્તિ તમારો આદર્શ હોય અને જેમના આદર્શો અને આચરણને તમે અતિ સન્માનનીય અને ગ્રાહ્ય ગણતા હો, છતાં એનું આંધળું અનુકરણ કરવાનું કવિને માન્ય નથી. ગાંધીજી એ કહ્યું હતું કે, કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરવો. આ અને તેમણે કહેલી અનેક વાતો સન્માનનીય અને ગ્રાહ્ય છે જ અને આપણે જીવનમાં ઉતારવી જ જોઈએ, પણ તેઓની જેમ પત્નીને બા કહેવાનું તો ન જ ફાવે એમ કવિ દ્રઢપણે માને છે. પોતાની તીવ્ર લાગણીઓ દર્શાવવા કવિ સખત શબ્દોમાં પોતાને ન ફાવતી વાતોનો વિરોધ કરે છે અને એટલે સુધી કહી દે છે કે,

‘તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ, પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે!’

આલા ગજાના ગઝલકારની આ ગઝલના ભાવજગતની સફર આપે માણી હશે. ખલીલ સાહેબની આવી જ એક અદકેરી ગઝલ અને એનો રસાવાદ માણીશું આવતા અંકે!

રશ્મિ જાગીરદાર 

તા. 31 જાન્યુઆરી 2022

4 thoughts on “હેલીના માણસ – 2  । આપણને નહીં ફાવે!

 1. પણ તેઓની જેમ પત્નીને બા કહેવાનું તો ન જ ફાવે એમ કવિ દ્રઢપણે માને છે.
  ખરેખર કવિની સચોટતા પારદર્શી રૂપે વર્ણવી છે બેન🙏👌

  Liked by 1 person

 2. “તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ, પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે!”

  Liked by 1 person

 3. વાહ વાહ.. જેટલી સુંદર રચના છે એટલો જ સુંદર રસાસ્વાદ છે! કવિનાં મનોભાવનું સચોટ વર્ણન કર્યું છે 👍

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.