હજી મને યાદ છે -૯-એક માની આંતરડી ઠરી-તરુલતા મહેતા

નાના ભાઈ હરીશના લગ્ન મહાલી બસમાં અમે  સૌ હેમખેમ આણદથી ઘરે નડિયાદ આવી ગયાં,ઘણાં વર્ષે બધાં ભેગાં થઈ નિરાંતે હસીખુશી ગપ્પાં મારતાં હતાં.ત્યાં અચાનક બુમાબૂમથી અમે સૌ ચોકી ગયાં.

મારાં છોકરાં ક્યાં ગયાં ?’,કોઈએ જોયો મારા ભીખાને ?”મારી ગીતુ ક્યાં ગઈ?’ ચીસાચીસથી મોડી રાત્રે અમે સૌ દોડીને ઘરની બહાર બગીચામાં આવી ગયાં. સવિતા બાવરી બની ચારે બાજુ જોતી દોડીને સોસાયટીના રોડેથી રડતી ,કકળતી બૂમો પાડતી હતી.અમે સૌ અવાચક થઈ શું કરવું તેની મૂઝવણમાં પડી ગયા.ત્યાં બાપૂજીએ ઘાંટો પાડી કહ્યું,’જા,હરીશ સવિતાને બોલાવ, બધાં જાન્નેયા બસમાં આવ્યાં ત્યારે સવિતાના છોકરાંની ભાળ રાખી હતી કે નહી?’ બધાં બાપૂજીનો પ્રશ્ન સાંભળી નીચું જોઈ ગયાં.અમે મોટો ગુનો કર્યો હોવાનું અનુભવતાં હતાં. સવિતા એટલે બા -બાપૂજીની હાથલાકડી, ઘરના નાનામોટા કામ તે જ કરતી.અમે ચાર ભાઈ -બહેન અમેરિકા વસેલાં, અમારી ગેરહાજરીમા સવિતાના છોકરાંની દોડાદોડથી ઘરમાં વસ્તી લાગતી.બા -બાપુજીનું હેત જોઈ સવિતા કહેતી ,’ છોકરાંને  મન તમે હાંચાં દાદા-દાદી છો, ઘેર એનો બાપા લડે ત્યારે દાદા દાદા કહી દોડે છે.

બાપૂજી મારી તરફ જોઈ બોલ્યા,’તેં  મોટા ઉપાડે બઘી જવાબદારી લીધી હતી,તારી દીકરી અને ગીતુને મંડપમાં મેં રમતાં જોયાં હતાં,બધાયનાં છોકરાં બસમાં બેઠાં,સવિતાનાં છોકરાં કોઈને યાદ ન આવ્યાં?’ બા સવિતાને બરડે હાથ ફેરવતાં બોલ્યાં,’બઘાની બેગો -વસ્તુઓનું ધ્યાન રાખવામાં ખુદના છોકરાં ભૂલી ગઈ?’

બાપૂજીનો પિત્તો ઉછળ્યો,’ઘરના  માણસ સવિતા આ લાવ ,ને તે લાવ કરી બિચારીને અધમુઈ કરી દે છે.એનાં છોકરાનું જતન ક્યારે કરે?’

મેં હરીશના સાસરે ફોન જોડ્યો,રીંગો જતી હતી કોઈ ફોન ઉપાડતું નહોતું,ત્રીસેક વર્ષ પહેલાં દેશમાં મોબાઈલ ફોનનું ચલણ નહોતું,હું અકળાતી હતી,ફોનથી સમ્પર્ક થાય તો સવિતાના  છોકરાં વિષે જાણવા મળે. સવિતાનું રડવાનું ચાલુ જ હતું,’મારાં છોકરાંને કોઈ ભરમાવી ઉપાડી જશે તો મારો વર મને જીવતી નહિ છોડે,’

મેં તેને શાંત પાડતા કહ્યું ,’તારાં છોકરાંને ગમે તેમ કરીને લઈ આવીશું.

જાન્યુઆરીની  કાતિલ ઠંડીમાં મધરાત્રે રીક્ષામાં થરથરતા હરીશના સાસરે જવાનું હતું. નાના ગામમાં ટેક્ષીઓ મળવી મુશ્કેલ હતી.બાજુવાળા સુરેશભાઈ જાનમાં આવેલા તે જાગી ગયા હતા,એમણે કહ્યું મારા ટેમ્પામાં જઈએ,નડિયાદથી આણંદ અડધો કલાક થશે.હરીશ એમની સાથે જવા તેયાર થયો એટલે મારો વચલો ભાઈ કહે ‘,હું જઈશ.એને વહેલી સવારે ફ્લાઈટ પકડવાની હતી એટલે હું સ્વેટર લઈને ટેમ્પામાં બેઠી,દોડીને સવિતા આવી,જીદ કરીને મારી પાસે બેસી ગઈ. ટેમ્પાની એ અડધા કલાકની મુસાફરી દરમ્યાન સવિતા તેનાં સંતાન માટે હેયાફાટ રડતી અને તડપતી રહી.કામ કરીને રુક્ષ થઈ ગયેલા તેના હાથને ઝાલીને સાંત્વના આપતા મારું મન ડંખતું હતું,હું મા હતી માત્ર મારા સંતાનની ચિતા કરતી,લાડ કરતી અને ખુશ રહેતી હતી.

સવિતાની ગીતુ સાથે રમવાનું મારી અલ્પાને  ખૂબ ગમતું.અમેરિકામાં આવું રમનારું કોણ મળે?બાની ઘેર સવિતા કામકાજમાં મદદ કરતી,અને અલ્પુને કમ્પની મળી ગઈ એટલે બજારના કામકાજ મને છુટ્ટોદોર મળી ગયો હતો.અત્યારે સવિતાની મોઘી અનામતને જો આંચ આવશે તો મારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું પડે તેવી દશા થશે.એના છોકરાં એકલાં ગભરાઈને ક્યાંક જતાં રહેશે તો કેમ શોધીશું?વાડીમાં લગ્ન હતાં,પરવારીને બધા જતાં રહેશે. અમારાં છોકરાંનું ધ્યાન રાખ્યું ને ગીતુ અને ભીખુને ભૂલી,અરર..બા -બાપૂજી કદાચ  માફ  કરે પણ મારો અતરઆત્મા કેમ માફ કરશે?અલ્પુ મોટી થઈ પૂછશે કે ગીતુ ક્યાં ગઈ ?

સુરેશભાઈએ વાડી આગળ ટેમ્પો ઊભો રાખ્યો.વાડીમાંથી સામાન લાવી મજૂરો બહાર ખટારામાં મૂકતા હતા,સવિતા સીઘી વાડીમાં દોડી ને ,’ભીખુ ,ગીતુ ને બોલાવવા લાગી‘,બહાર આવીને મને વળગી પડી.કોઈ બોલતું નથી,હાય ,હું ક્યાં શોધીશ? ‘ સુરેશભાઈએ મજૂરોને પૂછ્યું આટલામાં બે નાનાં છોકરાં ફરતાં જોયાં છે?’મજૂરે કહ્યું ,’અંદર તપાસ કરો,અમે કામમાં છીએ.

વાડીમાં મોટાભાગની લાઈટો બંઘ હતી,સુરેશભાઈએ  ટેમ્પામાંથી બેટરી લાવી બધે જોવા માંડ્યું ,એક ખૂણામાં પાથરણા વાળીને મૂક્યા હતા.ત્યાં સવિતા બોલી ઉઠી ,ભીખુ ઉઠ તારી મા છું ,ગીતુ ..બિચારા  ઠંડીમાં ઠીગરાઈ ગયાં છે,બોલતા ય નથી ‘. મેં સુરેશભાઈને કહ્યું ,’તમે અડઘી રાત્રે મદદ કરી,છે તે એક માની આતરડી ઠારી,થેંક્યું વેરી મચ

મારા મનમાં હું સુરેશભાઈનો એમ પાડ માનતી હતી કે આજે તેમને કારણે એક મોટા અપરાધમાંથી બચી ગઈ.હા એવો અપરાધ કે  મારા જેવી સ્વાર્થી માને  બીજી મા જેણે પોતાના સંતાનો ખોયાં છે તે કદી માફ ન કરે.મારી પાસે બેઠેલી સવિતાના ખોળામાં બેસવા ચડસાચસડી કરતાં એનાં છોકરાં જોઈ અત્યાર સુધી બાંધી રાખેલી મારી  લાગણી પ્રવાહી બની વહેવા લાગી. સવિતા એની બહેન હોય તેમ એના ખોળામાં  ગીતુને બેસાડી બોલી, ‘લો,આ બે જણા સાજાસમાં મલ્યા,હવે શેના ઢીલાં થાવ છો.ઈ તો કાલે માતાજીને હુખડી ધરીશ પછી સૌ સારાવાના.

સવિતાનની દીકરી મારી છાતી પર માથું ઢાળી નિદ્રામાં ઝૂલતી હતી,એના વાળમાં ફરતી મારી આંગળીઓ અલ્પુના વાળમાં ફરતી હતી.  અલ્પુની માબનવા લાયક થઈ હોય તેવો ભાવ થયો,

તરુલતા મહેતા

7 thoughts on “હજી મને યાદ છે -૯-એક માની આંતરડી ઠરી-તરુલતા મહેતા

  1. Thank God! એક શ્વાસે , અધ્ધર જીવે આખી વાર્તા વાંચી ગઈ ! સરસ રજુઆત ! Nice story!

    Like

  2. બાળકો મળી ગયાં એની ખુશી થઇ મા તે મા બીજા વગડાના વા..

    Like

  3. એક મા જ માના દિલ ને સમજી શકે!!!ખુબ સરસ સંવેદનશીલ ઘટના.

    Like

Leave a reply to geetabhatt Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.