રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા…
ગીતામાંથી આડકતરી રીતે શીખવાની વાતો છે.ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, આ લોકમાં કેમ સુખ, શાંતિ અને તંદુરસ્તી મળે ગીતા એની વાત કહે છે. ગીતા વૃધ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી આત્મસાત કરવા જેવી શીખામણ આપે છે.
ગીતા અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ છે. યુધ્ધના મેદાનમાં ઘણાંબધા સગા-સંબંધીઓ અને ગુરૂજનોને જોઈ, અર્જુન લડવાનો વિચાર માંડીવાળે છે. અહીંથી ગીતાની શરૂઆત થાય છે. કૃષ્ણ અને અર્જુન મિત્રો છે, એટલે બન્ને વચ્ચે દલીલો થાય છે. બન્નેનો અલગ અલગ મત છે, એટલે ચર્ચાના રૂપમાં દલીલો થાય છે, પણ ક્યાંયે એકબીજાને ઉતારી પાડવાનો પ્રયાસ નજરે પડતો નથી. ક્યાંયે એકબીજા ઉપર ગુસ્સે થતા હોય એવું લાગતું નથી. અર્જુન શંકાઓના રૂપમાં સવાલ કરે છે, અને કૃષ્ણ સમાધાનના રૂપમાં જવાબ આપે છે. આમ ગીતા આડકતરી રીતે બે સજ્જન માણસો વચ્ચે ચર્ચા કઈ રીતે થવી જોઈએ એનું એક ઉદાહણ છે.
કૄષ્ણની પ્રથમ દલીલ એ છે કે અર્જુન ક્ષત્રિય છે, એટલે અન્યાય સામે લડવાની એની ફરજ જ નહીં, એનો એ ધર્મ છે. એ ધર્મ પ્રમાણે નહીં વર્તે તો જગતમાં એની બદનામી થશે. આ વાત કૃષ્ણ અર્જુનને સમજાવીને કહે છે, એની ઠેંકડી ઉડાડીને નથી કહેતા. સાચી વાત પણ સારી રીતે કહેવી જોઈએ, એ ગીતાની બીજી શીખ છે. ગીતા એ પણ શીખવે છે કે બે મિત્રો વચ્ચે મદભેદ હોય તો પણ શિષ્ટાચાર છોડીને વર્તવું ન જોઈએ.
ગીતામાં એકની એક વાત ફરી ફરી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે Practice makes man perfect. કૃષ્ણ પોતાની દલીલ અર્જુનના મનમાં ઠસાવવા માટે એકની એક વાત અલગ અલગ રીતે કહે છે, જ્યારે એમને પાકી ખાત્રી થાય કે અર્જુન આ વાત હવે સમજી ગયો છે, ત્યારે એ બીજી નવી વાતો કહે છે. શિક્ષકોએ આ વાત ગીતામાંથી સમજવાની જરૂર છે. અર્જુન વચ્ચે વચ્ચે અનેક શંકાઓ વ્યક્ત કરે છે, અનેક સવાલો પૂછે છે, છતાં કૃષ્ણ કંટાળ્યા વિના શાંતિથી દરેક સલાલનો જવાબ આપે છે. સારા ગુરૂએ શિષ્ય પ્રત્યે આવો ભાવ કેળવવો જોઈએ.
હકીકતમાં મહાભારતની કથાનો સંદેશ સ્પષ્ટ છે. આપણી અંદર કૌરવો જેવી ૧૦૦ બુરાઈઓ છે, તેમ આપણી અંદર પાંડવો જેવી પાંચ સારી વસ્તુઓ પણ છે. આ બધા આપણી અંદર એક સાથે રહેતા હોવાથી આપણને એ બધાને સાચવવાની આદત પડી જાય છે, અને લડાઈ કરવાથી કતરાઈએ છીએ. ગીતા કહે છે, આ ખોટું છે, મક્કમતાથી બુરાઈઓ સામે લડાઈ કરી એમાંથી મુક્તિ મેળવવી જોઇએ. આપણે અર્જુનની જેમ આનાકાની ન કરીએ એટલા માટે ગીતા આપણને કૃષ્ણ બનીને માર્ગ દેખાડે છે.
ગીતાના કર્મ સંબંધી વિધાનો અંગે ઘણી ગેરસમજ પ્રસરેલી છે. ગીતા કહે છે, જે કંઈ કરો એ મન દઈને કરો, પુરી ઈમાનદારીથી કરો, પરિણામ અંગે શંકા-કુશંકાથી મુક્ત થઈને કરો. બીજા શબ્દોમાં રમો, આનંદ મેળવવા રમો, માત્ર જીતવા માટે જ રમવું અને જીત ન મળે તો ન રમવું એવું ન હોવું જોઈએ. વ્યહવારમાં તો આપણે હંમેશાં બોલીએ છીએ કે આપણે તો આ કામ ઈમાનદારીથી કર્યું છે, જોઈએ હવે પ્રભુ કેવો બદલો આપે છે. ગીતા કહે છે, આ માત્ર બોલવાની વાત નથી, જીવનના એકે એક કામ માટે આ વૃતિ કેળવવાની અને અમલમાં લાવવાની વાત છે. ગીતામાં ફળ નહીં મળે એવું ક્યાંયે કહ્યું નથી. એ તો માત્ર કેવું ફળ મળશે એના પૂર્વાનુમાનથી દૂર રહેવાની શીખામણ આપે છે.
પ્રકૃતિમાંથી આપણને કેટલી બધી અમુલ્ય વસ્તુઓ મફતમાં મળે છે. સૂર્યનો પ્રકાશ, જીવવા માટે જરૂરી ઓક્સીજન, પાણી; આપણે જો આના બદલામાં પ્રકૃતિને કંઈ ન આપીએ તો આપણી ગણત્રી ચોરમાં થવી જોઈએ. પ્રકૃતિ આપણી પાસેથી કંઈ વધારે માંગતી નથી. એ માત્ર આપણને આપણી ફરજ પ્રમાણિકતાથી બજાવવાનું કહે છે, જેથી પુરૂષ અને પ્રકૃતિ બન્ને ટકી રહે. પુરૂષ અને પ્રકૃતિ વચ્ચે પ્રમાણિક આપ લે કરવાથી જ પૃથ્વી ઉપરનું જીવન ટકી રહેશે. આપણે આપણી રોજીંદી જીંદગીમાં માણસ અને માણસ વચ્ચે કેવી રીતે લેવડ-દેવડ કરીયે છીયે? તો પછી પ્રકૃતિ સાથે આવો વ્યહવાર કેમ કરતા નથી.
ગીતામાં કહ્યું છે કે પુરૂષ અને પ્રકૃતિ એક જ પરમાત્માના અંશ છે. જો આ વાત સ્વીકારી લેવામાં આવે તો માણસ અને માણસ વચ્ચેના ઘર્મના ઝગડા બંધ થઈ જાય, અને પશુ અને પક્ષીઓ પ્રત્યેનો પણ વ્યહવાર બદલાઈ જાય.
ગીતાની શીખ પ્રમાણે વર્તવા સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન હોવાં જરૂરી છે, જેના માટે સ્વસ્થ ખોરાક લેવો જરૂરી છે. ગીતા રોજીંદા જીવનમાં ખોરાકનું મહત્વ સમજાવે છે, કેવો ખોરાક ખાવો જોઈએ અને કેવો ખોરાક ત્યજવો જોઈએ, એ ગીતામાં વિગતવાર સમજાવ્યું છે.
ગીતામાં એક મોટી વાત કહી છે. કોઈપણ કર્મ સારૂં કે ખરાબ નથી, એનો આધાર એ સારા કે ખરાબ ધ્યેય માટે કરવામાં આવ્યું છે એના ઉપર છે. દરેક વ્યક્તિને અમુક કામ એક કર્તવ્ય તરીકે મળ્યું હોય છે. જેલમાં ફાંસીગર જે કામ કરે છે એમાં કોઈ પાપ નથી. એ માણસને મારતો નથી, એ માત્ર કાયદાનું પાલન કરે છે.
અંતમાં ગીતા એક સંદેશ આપે છે કે સારી અને સાચી સલાહ આપવી એ તમારૂં કર્તવ્ય છે, પણ સામા માણસે તમારી સલાહ પ્રમાણે વર્તવું કે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવું એ સામા માણસ ઉપર છોડી દેવું જોઈએ. કૃષ્ણે પણ અર્જુનને અંતમાં એ જ કહ્યું છે કે હવે તને જે યોગ્ય લાગે તે કર.
પી. કે. દાવડા
વાહ…દાવડાસાહેબ
“ગીતાનું વિહંગાવલોકન” બહુ સરળ અને સહજ રહ્યું.ખાસ તો,
ગીતા વૃધ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી,એ બાળપણથી આત્મસાત કરવા જેવી શિખામણ આપે છે…..એ પાયાની વાત,બહુજ માર્મિક રીતે કહેવાઇ છે.
-વંદન.
LikeLike
દાવડા સાહેબ ખુબ સરસ રીતે સમજાવ્યું છે.અભિનંદન.
LikeLike
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
vah Davdasaheb.srs vat kri.
LikeLike
ખુબજ સુંદર ,સરળ રીતે ગીતા ઉપદેશ સમજાવ્યો, ખરેખર વાંચવાની મઝા આવી.
LikeLike