શ્રી ચિનુ મોદી ગુજરાતી ગઝલ-કવિતાનું એક સશક્ત નામ.
આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.
વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.
એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.
સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.
દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.
-ચિનુ મોદી
ગુજરાતી ગઝલક્ષેત્રે મુઠ્ઠી ઊંચેરૂં નામ- ચિનુ મોદી, એમનાં તખલ્લુસ
“ઈર્શાદ”થી વધારે પ્રસિદ્ધ છે.
પ્રારંભિક તબક્કાથી લઈ આજે જ્યારે ગુજરાતી ગઝલ ‘સોળેય કળાએ’
નિખરીને સહુથી વધારે ખેડાતો કાવ્ય પ્રકાર બની ગઇ છે ત્યારે,
એમની કલમ દ્વારા આપણને મળેલ અનેક ગઝલોનાં બહુમૂલ્ય વારસામાથી ગઝલનાંપ્રથમ શેર(મત્લા)ને ઉઘાડવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે, આ રીતે…
પ્રસ્તુત ગઝલમાં
કવિએ પોતપોતાની સમજની ગેરસમજણમાં રાચતા અને
‘મારૂં એટલું સારૂં’નાં વર્તુળમાં વિચરતા માણસોની માનસિક્તાને
આડા હાથે લીધી હોય એવું લાગે છે કારણ કે
આપણા માટે સમજદારી નથી એવું જ્યારે સમજદાર ગણાતી
શખ્સિયતનું બયાન હોય ત્યારે મર્મ જાણવો અનિવાર્ય થઇ જાય!
પછીની પંકિત જ આગળની પંક્તિને ઉઘાડે છે કે,
મારી વાતો સાચી છે,સારી નથી
પોતે જ આંખ બંધ કરી અંધારું નોતરી બેઠેલા, ખુલ્લી આંખનાં
અજવાળાને ક્યાંથી માણી શકે?
છતાં કવિ કહે છે કે સૂર્ય જેમ મારી વાત પણ સાચી હોવા છતાં
એનો મર્મ કે એમાં રહેલી વ્હેવારૂતા જે સમજવા તૈયાર જ નથી
એ સાચી હોવા છતાં સારી સાબિત નહીં જ ગણે!
એટલે અહીં કવિકર્મ એ છે કે,
સહુની પોતાની સમજ છે જ્યાં,સાચી હોવા છતાં વાત સારી નથી ગણાતી!
પ્રસ્તુત ગઝલના મત્લાનો અર્થ મને આ રીતે અભિપ્રેત છે.
વિવેચક તો છું જ નહીં(થવું ય નથી)પણ, એક ભાવક તરીકે
ચિનુકાકાની ગઝલને હું જે રીતે સમજ્યો છું એ,એમની
ક્ષમાયાચના સાથે…!
મહેશભાઈ રાવલ