
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-41 ‘સંવેદના, સૌંદર્ય અને ગઝલ’ એની 40મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ
એવું ન સમજો કે ફક્ત વંચાય છે ગઝલ,
દા’ડે ખવાય રાતના પીવાય છે ગઝલ!
અમથી ગઝલને લોકપ્રિયતા નથી મળી,
નાદાન વિવેચકને પણ સમજાય છે ગઝલ!
સોંદર્ય માટે કેવું સુંવાળું ઉદાહરણ,
સુંદર રૂપાળી કાયાને કહેવાય છે ગઝલ!
ખાવી પડે છે ચોટ મહોબ્બતની દિલ ઉપર,
સંવેદના વગર તો ક્યાં સર્જાય છે ગઝલ!
કોઈના માંડવાની એ મહોતાજ પણ નથી,
બે જણ જો મળી જાય તો ઉજવાય છે ગઝલ!
ના કાફિયા રદિફ ન મુદ્દો ન માવજત,
એથી તો ઘણી વાર વગોવાય છે ગઝલ!
તમને ખલીલ એ રીતે રાહત મળી ગઈ,
છાપે છે છાપનારાં ને વેચાય છે ગઝલ!
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ –
નવસર્જક પોતાની રચનાઓ લખે પછી વારંવાર વાંચીને એને મઠારે. આમ કરવાથી સર્જન ઉંચી કક્ષાનું બને છે. આવી રચનાઓ ભાવકને ગમી જાય છે. ખૂબ વંચાય છે. આપણા આ ડીજીટલ યુગમાં તો બધું ઓન લાઈન વાંચવા મળી જાય છે. પરંતુ ઘણા સમય પહેલા પ્રકાશક, શ્રેષ્ઠ રચના લખતા સર્જકોનાં પુસ્તક છાપતા. આ પુસ્તકોની યોગ્ય કિંમત નક્કી કરીને, તે વેચાણ માટે મુકાય. એમાંથી જે આવક થાય. તેનાથી સર્જકના પરિવારનો નિર્વાહ થાય. એમાંથી
ખાવાપીવાનો ખર્ચ તો નીકળી જતો પરંતુ હાથ હંમેશાં તંગીમાં રહેતો. એટલે એ જમાનામાં લોકો કહેતા કે, કવિ કે લેખક હંમેશાં આર્થિક સમશ્યામાં ઘેરાયેલા જ રહે.અને એટલે ઉપાર્જનના સાધન તરીકે લેખન નકામું પડે. આ જ બાબત ગઝલકારને પણ લાગુ પડે. તેમને માટે ગઝલ જ ખાણી અને પીણી. ગઝલના શેરો જો મસ્ત મઝાના રદિફ-કાફિયાથી સજ્જ હોય અને શેરિયત તેને રોચક બનાવે તેવી હોય તો એ ગઝલ ખૂબ વખણાય છે. ખૂબ વંચાય છે. અને અત્યંત લોકપ્રિય બની જાય છે. આવી ગઝલો પર ટિપ્પણી કરવા માટે વિવેચક પણ હકારાત્મક લખાણ લખે છે. એટલે સર્જકને લાગે કે, વિવેચકને સમજાય તેવી સરળ છતાં સફળ રચના લખાઈ છે. પણ જો વિવેચક નકારાત્મક અભિપ્રાય આપે તો કવિ એવું પણ વિચારી શકે કે, તેમને ગઝલ સમજાઈ તો હશે ને!
કોઈ સુંદર નવયુવતિ ગઝલ લખતાં શીખવાનો મનસુબો બનાવે અને કોઈ ગઝલ કારને શીખવાડવા માટે વિનંતી કરે, ત્યારે પહેલી નજરે તો તે એવું જ વિચારશે કે, ‘તમે તો ખુદ ગઝલ છો તમારે વળી ગઝલ લખવાની શું જરૂર? તમને જોઈને તો કેટલાય લોકો ગઝલ લખી નાખશે. આમ અતિશય સુંદરતાને જોઈને ગઝલના શેરો અનાયાસ મુખેથી સરી પડે તેવું બને! બીજી શક્યતા એ પણ ખરી કે, જ્યારે મન પર ગહેરી ચોટ લાગે ત્યારે ઉંચી શેરિયત ધરાવતી ગઝલ સર્જાય છે. એમાં ય ચોટ જો પ્રેમની હોય તો? તો ગજબનું સર્જન બની રહે.
ખાવી પડે છે ચોટ મહોબ્બતની દિલ ઉપર,
સંવેદના વગર તો ક્યાં સર્જાય છે ગઝલ!
ખરેખર જો ગઝલ સુંદર બની હોય તો તેને માણવા માટે કોઈ મોટી મહેફિલની જરૂર નથી પડતી. માત્ર એકાદ બે સમજદાર અને માણનાર સાથીઓ મળી જાય તો પણ સરસ ઉજવણી થઈ જાય. પણ હા, કોઈ ગઝલમાં જો, ન કાફિયાનું ઠેકાણું હોય, ના રદિકનું. અને શેરની પુરી માવજત પણ ન થઈ હોય. વળી શેરિયતનું તો દુર દુર સુધી નામો નિશાન જણાતું ન હોય! તો આવી ગઝલો જ્યારે લખાય, ત્યારે ગઝલ ખુદ વગોવાઈ જતી હોય છે.
ના કાફિયા રદિફ ન મુદ્દો ન માવજત,
એથી તો ઘણી વાર વગોવાય છે ગઝલ!
આનાથી ઉલટું જેમની ગઝલો અનોખા રદિફ-કાફિયાથી સજ્જ હોય, તેમજ તેમાં ઉંચી શેરિયતથી તગડા શેરો રચાયા હોય, તેવી ગઝલના સર્જકને ખરી રાહત હોય છે. તેમની ગઝલો એટલી ઉમદા હોય છે, એટલી વખણાય છે કે, અનેક છાપનારા તૈયાર હોય છે. અને એ પુસ્તકો ફટાફટ વેચાય પણ છે. ખલીલ સાહેબની ગઝલો આવી હતી! મિત્રો એક આખી ગઝલ, તેમણે ‘ગઝલ’ પર લખીને આપણને આશ્ર્ચર્યમાં મુકી દીધા ખરૂં ને? આવી એક બીજી મસ્ત ગઝલનો સાથ માણીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર