ગિજુભાઈ બધેકા

મિત્રો આજે ૨૩મી જુન  ગિજુભાઈ બધેકા યાદ આવી ગયા …

 

આપણે નાના હતા ત્યારે એક વાર્તા ખુબ સાંભળી છે એક હતો ચકો અને એક હતી ચકી…  ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો એની બનાવી ખીચડી … ..

આવી જ એક બીજી વાર્તા હતી…..

“કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.”

પણ મિત્રો તમને ખબર છે એને રચયિતા કોણ હતા  ?………..

ચાલો ત્યરે એ વાર્તા વાંચી જ લઈએ.

ચલ ભંભોટિયા અપને ગામ


એક હતી ડોશી. તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે.

ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે – ડોશી, ડોશી! તને ખાઉં.

ડોશી કહે –

દીકરીને ઘેર જાવા દે,
તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;
પછી મને ખાજે.

વાઘ કહે – ઠીક.

પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે – ડોશી, ડોશી! તને ખાઉં.

ડોશી કહે –

દીકરીને ઘેર જાવા દે,
તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;
પછી મને ખાજે.

સિંહ કહે – ઠીક.

વળી આગળ ચાલતાં ડોશીને રસ્તામાં વરુ, ચિત્તો વગેરે જનાવરો મળ્યાં. ડોશીએ બધાં જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો.

ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ. પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું – માડી! ખાતાંપીતાં તમે પાતળાં કેમ પડતાં જાઓ છો?

ડોશી કહે – દીકરી, બાપુ! હું તો પાછી ઘેર જઈશ ને, ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાનાં છે. મેં તેમને બધાંને કહ્યું છે કે…હું પાછી આવું પછી મને ખાજો.

દીકરી કહે – અરે માડી! એમાં તે બીઓ છો શું? આપણે ત્યાં એક ભંભોટિયો છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો.

ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો. પછી ડોશીમા તેમાં બેઠાં અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો.

રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈ વાઘ કહે – ભંભોટિયા, ભંભોટિયા! ક્યાંય ડોશીને દીઠા?

ભંભોટિયો કહે –

કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.

વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો – માળું, આ શું? આ ભંભોટિયામાં તે શું હશે?

વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ, વરુ વગેરે બીજાં જનાવર મળ્યાં. સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો.

કિસકી ડોશી, કિસકા કામ,
ચલ ભંભોટિયા અપને ગામ.

આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યાં.

છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો.

ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે – ડોશી! તને અમે ખાઈએ. ડોશી! તને અમે ખાઈએ.

એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં.

પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં જતાં રહ્યાં.

બાળવાર્તા માટે  ગીજુભાઈ બધેકા નીએક વાત અહી ખાસ કહીશ કે 

“બાળકને વાર્તા સંભાળવા નો અધિકાર છે.”

હા એમની વધુ વાર્તા વાંચવા અહી આપેલ લીંક પર જજો…… http://mavjibhai.com/balvarta.htm

આ બાળવાર્તાના લેખક જે ગુજરાતના બાળકોની મૂછાળી મા તરીકે જાણીતા છે. એ છે ગીજુભાઈ બધેકા: 

જન્મ: 15/11/1885, નિધન: 23/06/1939

શું કર્યુ…. મોન્ટેસરી (બાળકો માટેની) શિક્ષણ પ્રણાલિને ભારતમાં પ્રસ્તુત કરી. જે બોધ આપતા હતા… બાળકોમાં શિક્ષણને પ્રિય બનાવવું હોય તો એક બાળકની જેમ શિક્ષણ રચવું રહ્યું.. શિષ્ય કોઈ વ્યક્તિગત શિષ્યનું સર્જન કરવા કરતાં તેમના દ્વારા સ્થાપિત શિક્ષણ પ્રણાલિએ ભારતમાં બાળ શિક્ષણનું સ્વરૂપ બદલી નાંખ્યુ હતું. ગિરિજાશંકર બધેકા આમ તો વ્યવસાયે હાઈકોર્ટના વકીલ અને આ વ્યવસાય તેમને પહેલા ઈસ્ટ આફ્રિકા અને પછી મુંબઈ સુધી લઈ ગયો. ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજ અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર બધેકાએ બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે તેવા માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટકનું સર્જન કર્યું. બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ તેમણે સર્જી છે. ગીજુભાઈ બધેકાએ પોતાના શિક્ષણના પ્રયોગો પર લખેલું ‘દિવાસ્વપ્ન’ પુસ્તક આજે પણ અનેક શિક્ષકોને આદર્શ બનવાનો માર્ગ બતાવે છે.

વિકિપીડીયામાં આપેલ અમુક વિગત અહી મુકું છું

(૧૫ નવેમ્બર ૧૮૮૫ – ૨૩ જૂન ૧૯૩૯) શિક્ષણવિદ્ હતા, જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.તેઓ “મૂછાળી મા” ના હૂલામણાં નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી,તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.એટલે

તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

  • શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું.
  • બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( ૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો),
  • બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા),
  • જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦),
  • બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
  • ચિંતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં.
  • દિવાસ્વપ્ન.

વધુ વિગત અહી મળશે ….

http://www.readgujarati.com/2015/09/19/gijubhai-badheka/

ગિજુભાઈ બધેકા , Gijubhai Badheka

*************************************************************
બધેકા ગિજુભાઈ ભગવાનજી (૧૫-૧૧-૧૮૮૫, ૨૫-૬-૧૯૩૯) : બાળસાહિત્યકાર. જન્મ ચિત્તળ (જિ. અમરેલી)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મૅટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩ થી ૧૯૧૬ સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો. ૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત. પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.

ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે.

‘મહાત્માઓનાં ચરિત્રો’ (૧૯૨૩), ‘કિશોરકથાઓ’- ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), ‘રખડુ ટોળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) વગેરે છ જેટલાં એમનાં કિશોરસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે.

બાળસાહિત્ય ગ્રંથમાળામાં પ્રત્યેકમાં આઠ પુસ્તિકાઓ સહિતની અવલોકન ગ્રંથમાળા, કથાનાટ્ય ગ્રંથમાળા, ગાતી ગ્રંથમાળા, ચાલો પ્રવાસે ગ્રંથમાળા, જીવનપરિચય ગ્રંથમાળા, જ્ઞાનવર્ધક ગ્રંથમાળા, પશુપક્ષી ગ્રંથમાળા, પાઠપોથી ગ્રંથમાળા, રમ્યકથા ગ્રંથમાળા અને હાસ્યવિનોદ ગ્રંથમાળા બાલોપયોગી છે.

‘બાળસાહિત્યગુચ્છ’માં ‘લાલ અને હીરા’, ‘દાદાજીની તલવાર’, ‘ચતુર કરોળિયો’ જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે; તો ‘બાળસાહિત્યવાટિકા’- મંડળ : ૧ માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ : ૨માં ચૌદ પુસ્તકો છે. આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો- ગધેડા’ (૧૯૩૪), ‘ઈસપકથા’ (૧૯૩૫), ‘આફ્રિકાની સફર’ (૧૯૪૪) જેવાં મહત્વનાં કહી શકાય એવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે.

બાળશિક્ષણને લગતાં ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), ‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), ‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), ‘શિક્ષક હો તો’ (૧૯૩૫) જેવાં પંદર જેટલાં પુસ્તકો અને ‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), ‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), ‘તોફાની બાળક’ (૧૯૨૯), ‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ એમના નામે છે. અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત ‘આગળ વાંચો-ચોપડી ૧-૨-૩, ‘કેમ શીખવવું’ (૧૯૩૫), ‘ચાલો વાંચીએ’ (૧૯૩૫) જેવાં ઉપયોગી પુસ્તકો અને ‘પેટલાદની વીરાંગનાઓ’ (૧૯૩૧), ‘સાંજની મોજો’ જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.

‘પ્રાસંગિક મનન’ (૧૯૩૨), ‘શાંત પળોમાં’ (૧૯૩૪) વગેરે એમનું ચિંતનસાહિત્ય છે

-ચંદ્રકાન્ત ટોપીવાળા

3 thoughts on “ ગિજુભાઈ બધેકા

  1. Interesting article ! Thanks for sharing. Up till then , kids were consider just the small ” human being”” Gijubhai was the first one to mention that kids are ” not just the small form ” of human beings , they think and act differently .Thats why it is very important to know child psychology . ( Now a days it is called Early Childhood Education) In our Indian culture ” Child labor” is common . It stars with the arrival of a second sibling . Very often parents ask the older child to look after younger sibling .. But in USA the law are strick . You cannot leave a 5 year old home alon under 8 year Old’s supervision and go out… Thanks for nice article.

    Like

  2. બહુ સુંદર. બાળપણ યાદ આવી ગયું . નવાઈ ની વાત તો એ કે આટલા વર્ષો પછી પણ હરેક શબ્દો યાદ છે. આભાર.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.