હાસ્ય સપ્તરંગી -(5)વાણિયાગીરી-નિરંજન મહેતા

જીવનમાં ક્યારેય હવાઈસફર ન કરનાર પ્રેમજીભાઈને યમદૂત આવીને લઈ ગયા ત્યારે તેનો લાભ મળ્યો. દૂતે તેને ચિત્રગુપ્ત સામે ખાડો કરી દીધો. વાહ, હવે તો ચિત્રગુપ્તજી પણ ચોપડો ન લખતા કોમ્પ્યુટર વાપરે છે ને શું? આશ્ચર્યથી પ્રેમજીભાઇએ વિચાર્યું.

દૂતને પૂછી ચિત્રગુપ્તે બધી વિગતો કોમ્પ્યુટરમાં નાખતા પ્રેમજીભાઈનો પૂરો હિસાબ સ્ક્રીન પર આવી ગયો. તે જોઈ ચિત્રગુપ્તે કહ્યું, ‘તમે જ્યારે પૃથ્વી પર હતા ત્યારે તમે કરેલા પાપ અને પુણ્યનો હિસાબ આમાં છે. તે પરથી તમે સ્વર્ગને લાયક છો કે નર્કને તે નક્કી થશે. સૌ પ્રથમ પુણ્યનો હિસાબ જોઈએ. વાહ, પુણ્ય તો કર્યા છે.’

‘પ્રભુ, હું એક જ વાર જમતો અને એમ ઉપવાસ કર્યા છે. ભલે પછી એક વખતમાં ત્રણ ટંકનું કેમ ખાધું ન હોય. એકબીજાની વ્યથાની વાતો કરતા કરતા કથા-ઉપદેશ પણ સાંભળ્યા છે. તો વર્ષમાં એકવાર તો તીર્થયાત્રા પણ કરતા ભલે તે હનીમૂનની માફક મનાવી હોય.’

 

‘ચાલો, હવે પાપની ગઠરી છોડીએ. વાહ, આમા પણ તમે પાછું વળીને નથી જોયું.’

 

આ સાંભળી પ્રેમજીભાઇ થોથવાઈ ગયા. ‘પ્રભુ, જાણીને તો કોઈ પાપ નથી કર્યા કારણ અમને નાનપણથી શીખ આપવામાં આવી હતી કે પાપ કરશો તો નર્કમાં જશો. તેમ છતાં તમારે ચોપડે જે કાઈ થોડુંઘણું નોંધાયું હશે તે નાસમજ કે ભૂલથી થયું હશે.’

 

‘મને ખબર હતી કે તમારી પાસે કોઈને કોઈ બહાના તો હશે જ કારણ ગુજરાતી બચ્ચો એમ પોતાનો વાંક કબૂલ ન કરે. મને ખબર છે કે તમે પાણી  ઉકાળીને પીઓ છો પણ લોકોનું લોહી એમને એમ પીઓ છો. આમ તો અહિંસાની વાતો કરો છો અને રાત્રે મચ્છરો મારતા અચકાતા નથી. એક લેખકને જ્યારે અહી લાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે જે કહ્યું તે સાંભળો. તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ ઓફિસમાં સેક્સની વાતો કરે છે અને બેડરૂમમાં ટેક્સની. જો કે તમને આ કથનની જાણ નહી જ હોય કારણ ગુજરાતી લોકોને સાહિત્યના ચોપડા કરતા હિસાબના ચોપડામાં વધુ રસ હોય છે.’

 

‘અમારે માટે લક્ષ્મીજી માતા સમાન છે એટલે અમે તેનું પૂજન વધુ કરીએ છીએ જેથી માતાજીની કૃપા બની રહે. એટલે તો દુનિયાભરમાં ઠેરઠેર અમારો વાસ છે.’

‘પાપ અને પુણ્યનો હિસાબ જોતાં લાગે છે કે કરેલા પાપ ધોવા તે પુણ્ય કર્યાનો ઢોંગ કર્યો છે. પણ એ બન્ને અલગ અલગ વસ્તુ છે એટલે થોડો સમય સ્વર્ગમાં અને થોડો સમય નર્કમાં રહેવું પડશે.’

હવે અસલ સ્વભાવ પર આવીને પ્રેમજીભાઇએ કહ્યું, ‘આપ જો પાપના હિસાબની માંડવાળ કરી મને નર્કમાંથી બચાવો તો હું પુણ્યને કારણે મળતું સ્વર્ગનું સુખ જતું કરવા તૈયાર છું.’

આ સાંભળી ચિત્રગુપ્તને પરસેવો છૂટી ગયો કે આવું કહેનાર જીવ તો આ પહેલા મળ્યો નથી. પછી કહ્યું કે જો હું તને સ્વર્ગ પણ ન આપું અને નર્ક પણ ન આપું તો તને રાખું ક્યાં?

‘એનો ઉપાય છે, પ્રભુ. સ્વર્ગ અને નર્કની વચ્ચે જે નો મેન્સ લેન્ડ છે તેમા મને એક દુકાન ઉઘાડવાની રજા આપો.’
નિરંજન મહેતા

2 thoughts on “હાસ્ય સપ્તરંગી -(5)વાણિયાગીરી-નિરંજન મહેતા

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.