રમેશ પટેલ(આકાશદીપ

-રમેશ પટેલ

મિત્રો ,

મધર્સ ડે’ ના અવસર માટે  રમેશભાઈ પટેલે મોકલેલો આ લેખ અત્યારે જ મુકું છું ,શું માંને યાદ કરવા માટે કોઈ દિવસ જોઈએ ખરા ?ખુબ જાણીતા લેખક રમેશભાઈ પટેલે ખાસ શબ્દોના સર્જન માટે આ લેખ મોકલાવ્યો છે તો માણીએ ,”બા બોલુંને ઝૂલે રે બાળપણ”,સ્પર્શી જાય તેવી પંક્તિ।. પરંતુ લેખ વાંચશો તો માની યાદથી આંખો ભીજાય જશે ,એમણે વર્ણવેલા પ્રસંગ સાથે તમારાં માં સાથેના પ્રસંગ એવા જોડાઈ જશે કે માતૃવંદના થી માથું ઢળી પડશે,આપ સહુ વાંચો અને અભિપ્રાય આપી શબ્દોના સર્જનપર આવકારી લો તો સારું……

વિષય-માતૃવંદના…કાશીબા…રમેશ પટેલ(આકાશદીપ)

 લેખ-‘મધર્સ ડે’ ના અવસર પર….આપના આમંત્રણ બદલ આભાર સાથે.

સંસારનું વટવૃક્ષ ખીલે છે મા થકી.

પશુ પંખી કે માનવજાત માટે વ્હાલ એજ અમૃતપાન.

માનું હૈયું એટલે મમતાની સુગંધ.

માતાના આ ઋણનાં સંભારણાં એટલે બાળપણનો મજેદાર લ્હાવો.

બા બોલું ને ઝૂલે રે બાળપણ
આયખે કેસર ઘોળેજી રે
તું રે માવલડી ચંદન તલાવડી
જગની તરસ્યું છીપાવેજી રે
લીલુડી ડુંગરમાળ અને રમતી રમતી વહેતી નાનકડી નદીને કાંઠે,
ખેડા જીલ્લાના બાલાશિનોર તાલુકાના પ્રખ્યાત  ડાયનોસર અસ્મી પાર્ક વાળા,
રીયોલી ગામની નજીકનું ગામ જેઠોલી , મારી માતા કાશીબાનું પિયર.બેઠી દડી ,પણ મજબૂત બાંધો અને ગોળમટોળ મુખ અને હસમુખો સ્વભાવ.આઝાદી સંગ્રામ અને આઝાદી બંન્નેની હવા માણેલી આ પાણીદાર પેઢી.ચાર ચોપડી ભણેલાં પણ જીવનનું ગણતર ખૂબ જ પાકું. ચૌદ વર્ષની કુમળી વયે પરણીને , ડાકોર પંથકમાં શ્રી રછોડરાય મહારાજા, ફાગવેલા મહારાજ અને નડીયાદના શ્રી સંતરામ મહારાજની કૃપા ઝીલતા , ત્રિભેટે ઉભેલા ગામ મહિસામાં આવ્યા. બા એજ કહેલી થોડીક વાતો આ નિમિત્તે માનસપટ પર રમવા લાગી ,જાણે કોઈ  રસપ્રદ ઈતિહાસ,એ જમાનામાં ભણ્યા ના ભણ્યા ને સંતાનો બાપોતી ધંધામાં જોતરાઈ જતા,પણ અમારા વડીલો કેળવણી બાબત સજાગ એટલે મારા દાદાશ્રી દ્વારકાદાસ છેક પુના જઈ ફોજદાર થયેલા  અને  ભારે રુઆબ અને કડપ. બા તો બિચારા   નાના ને ગભરું, અને મુખી કુટુમ્બનું પાંચમાં પૂછાતું ખોરડું એટલે પરોણાગતનો પાર નહીં . મારા પિતાશ્રી અમદાવાદ અભ્યાસ કરે. દાદાજીનો રસાલો તેમના ઘોડા અને ઘરના સામાન સાથે સુરત , ભરુચ અને સાદરા વગેરે સ્થળોએ ઘૂમતો અને નાનીવયનાં બા સૌની સાથે જીવનમાં ગોઠવાતાં જતાં. દાદીમાં વહેલાં ગુજરી ગયેલાં અને કોઇ નણંદ નહીં, એટલે ઘરની બધીજવાબદારી  નાનકડી વયે જ બાને ઉપાડવાની આવી. દાદાજીની તબિયત બગડતાં, પિતાજી અભ્યાસ છોડી મહિસા આવી ગયા અને બા ની બીજી ઈનીંગ્સ શરુ થઈ.ખેતીવાડી સાથે ઘર આંગણ દુધાળાં જાનવર  તથા બળદો એટલે ઘરનો ઠાઠ ગણાતો. એ જમાનામાં વીજળીની સુવિધા નહીં એટલે ગામડા ગામે ઘર ઘંટી , વલોણાં અને કુવાથી પાણી લાવી પાણિયારે ઝગમગાટ દાખવવામાં જ ઘરની મહિલાઓ ખૂંપી જતી. બા એ આ સઘળી જવાબદારી ઊપાડી ને સાથે સાથે અમે ચાર ભાઈ અને એક બહેનના ઉછેરમાં પણ કોઈ કચાશ ના રાખી.માવતરની આ તપસ્યાનાં ઋણ તો ઉતારે ના ઉતરે તેવાં છે.બા ભણેલાં ચાર ચોપડી પણ વાંચનનો શોખ ભારે અને મારા પિતાશ્રી ઝવેરભાઈએતો આ શોખ ને બિરદાવતાં , ધાર્મિક પુસ્તકો , સ્વામિવિવેકાનંદના આખ્યાનો,શ્રી ઝવેરચંદ મેઘાણીજી અને ચારિત્ર્ય ઘડતરનાં પુસ્તકોથી , ઘરમાં જ પુસ્તકાલય ઉભું કરી દીધું. અમારા ઘેર તે વખતે શ્રી પૂજાભાઈ બારોટ નામના વડીલ આવતા, બા તેમને અમારા ઘરના ચોકમાં રાખેલી મોટી પાટ પર બેસાડી , ફળિયાના છોકરાઓને બોલાવી , તેમની રસપ્રદ શૈલીમાં સુંદર ચાતુરીની વાતો  કહેવડાવતા. પૂજાભાઈનો તો પછી એ નિત્ય સેવાક્રમ થઈ ગયો અને આખા ગામના બાળકો વાર્તાઓ સાંભળવા આવવા લાગેલા. પૂજાકાકા પછીતો અમારા ઘરમાંની કોઈ ચોપડી પસંદ કરી વાર્તા કહેતા અને છોકરાઓને બાકી વાર્તાઓ વાંચવા પ્રોત્સાહિત કરતા ને બાળકોને મજાથી વાંચવાની આદત પાડી દેતા. બાના ઉત્સાહ વધ્યો ને કામમંમાં વધારો થયો ,એ નોંધી  નોંધીને વાંચવા પુસ્તકો આપે ને  પાછા લે .પૂજાભાઈના સહકારથી શરુ થયેલું એ પુસ્તકાલય , મોટાભાઈ વિષ્નુભાઈ આજે પણ ગ્રામજનો માટે ચલાવે છે. મને કવિતાઓ લખવાની અને સાહિત્યને મજાથી માણવાની  દેન ,એ કાશીબા અને પિતાશ્રી તથા પૂજાભાઈ  બારોટ જેવા પરગજું વડીલોના બાળપણમાં દીધેલા સંસ્કારોને આભારી છે…કેવાં કેવાં ઋણ આપણે શીરે છે,આ નિમિત્તે યાદ આવી ગયાં.  આજથી આશરે સો વર્ષ અગાઉ મારા ગામ મહિસામાં ફક્ત ચાર ધોરણ સુધીની શાળા અને આગળ અભ્યાસ માટે કુમળી વયે માવતરથી છૂટા પડી, નજીકના કઠલાલ ગામે બોર્ડીંગની વ્યવસ્થાવાળી જગ્યાએ બાળકોને જવું પડતું. મારા મોટાભાઈ વિષ્નુભાઈને જ્યારે આટલી નાની વયે  ભણવા બહાર મૂકવા પડ્યા ને બા નો જીવ કપાઈ ગયો. બા એ ભારે હૃદયથી પિતાજીને એ સમયે જે કહ્યું  અને સૌને એ પ્રસંગની વાત કહેલી એ આજે પણ ભાવવિભોર કરી દે તેવી છે.મારે મારા આ બીજા નાનકાને ઘરથી દૂર કરી ભણાવવો નથી…બા બોલ્યાં.પિતાજી કહે છોકરાં ને તો ભણાવવાં જ પડે…આમ કેમ વાત કરોછો?તમે ગામના મુખી છો અને આટલા વડીલો …જુઓ ને આખો વર્ગ અબૂધ જેવાં બાળકો બહાર જાય છે તો આગળ નવા વર્ગ માટે સગવડ કરોને?મા અને આ નાનાં છોકરાની આંખોમાં આંખો પરોવશો તો કઈંક દેખાશે અને સમજાશે.બાની વાત સાંભળી આખી રાત પિતાજીને ઉંઘ ના આવી. બીજે દિવસે..ગામ લોકોએ મળી, એક કેળવણી મંડળ સ્થાપ્યું , પિતાજી ટ્રસ્ટી બન્યા અને શાળા માટે જમીન દાનમાં આપી. અમારા ગામમાં ધર્મશાળા હતી તેમાં તાત્કાલિક ઓરડાની વ્યવસ્થા કરી , મંજૂરી મેળવી એકપછી એકવર્ગ ખોલવા પ્રયત્ન કરતા ગયા. બા નો આ બીજો દીકરો એટલે હું , ઘર આંગણે ભણ્યો અને આગળ વધી ઈલેક્ટ્રીક એન્જીનિયર થઈ , આજે ગુજરાતને ઝળહળ કરતા…મહાકાય વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના નિર્માણનો સહભાગી બન્યો.મારી સાથેના ઘણા સહાધ્યાયી ધર્મશાળાના એ ઓરડાઓમાં બેસી ભણીને યુએસએ આવેલા છે અને મળીએ ત્યારે , એ વાતોની યાદ  આજે પણ મમરાવે છે.ઘર આંગણે કેળવણીનો વ્યાપ કરવાની બાની આ પહેલથી બાળમાનસને કેટલી મોટી વ્યથાથી કેવો મોટો છૂટકારો કે હાશ મળી હશે? … સાચે જ કાશીબાનું ઋણ ચૂકવે ના ચૂકવાય તેવું છે.કાશીબા એટલે પરોપકારની સુગંધ અને એ તેમની જીવન મૂડી.યુવાન વયે  એક ગોરપદું કરતા , બ્રાહ્મણની દીકરી વિધવા બની, માવતર ગુજરી ગયાં એટલે શહેરમાં ભાઈ ભાભી સાથે ગઈ પણ સાથે રહેવું કઠિન લાગતાં , એક દિવસ કાશીબા પાસે આવી બોલી…ઓ કાશીબા…. તમારા આશરે આવી છું. મરજાદી છું અને મારા આ લાલજી ઠાકોર સાથે આયખું પૂરું કરવું છે. તમે જાણો છો કે  ગોરપદુ હતું એ બાપ ગયા પછી હવે આવકમાં કંઈ નથી. હવે આ ગામમાં તમારે ને આ લાલજીને આશરે આવી છું.દીકરીની વ્યથા જોઈ બાની  આંખ ભીંની થઈ ગઈ. બહેન..તમે ચીંતા ના કરશો. આ મારા ફળિયાને તમારું ઘર જ માનજો. દૂધમાં સાકર ભળે તેમ એ દીકરી બની ગયાં ખડકીનાં બાળકોનાં ફોઈ રામરતિફોઈ.અગિયારસ પૂનમ કે ખડકીના કૌટુમ્બિક  પ્રસંગોએ સૌ  ફોઈના લાલજીમહારાજના ચરણોમાં સેવા અર્પતા..દાન સીધું દઈ પૂણ્ય કમાતા . ફોઈનું આંગણું બાળકોને ભેગા થવાનું ,પ્રસાદ લેવા દોડતા જવાનું સ્થાન બની ગયું.આખી જીંદગી તેમણે સુખથી વિતાવી ,કોઈ ઊણપ કાશીબાએ વરતાવા ના દીધી.રામરતીફોઇના અંતરના આર્શીવાદથી આખું ફળિયું સુખી થઈ ગયું.ક્યાં શોધવા હવે એવા માનવતાના દીવડા જેવા કાશીબા ને રામરતિફોઇ ને?કાશીબાના સંતાનમાં અમે ચાર ભાઈ અને બહેન જશોદા ,પિતાની વ્હાલસોયી છાયા ઝીલતું કુટુમ્બ. દિવાળીનો તહેવાર  આવે એટલે  સાફસૂફી અને સજાવટ. સાંજે લાડવાની ઉજાણી બાદ ઘરના ચોકમાં અમને લઈબા દારુખાના સાથે આવી જતા. નાના ભાઈ બળવંત અને અશોકને લઈને તે પાટપર બેસતા અને અમે મોટા એટલે તારામંડળ , ભોંયઘંટી કે તડતડિયાં જેવાં બાળકોને લાયક આઈટમો અમને ફોડવા મળતી. બા ,અમારા નાનાભાઈ અને અમારી ખુશીથી જે હરખ અનુભવતાં , એ ભાવનો ચહેરો યાદ કરતાં, એ   દિવાળીના દિવસોની ખુશાલી , આજે લાખોના ‘ફાયર વર્ક્સ-આતશબાજી’ કરતાં પણ ચઢિયાતી લાગે છે. બા અને કુટુમ્બ સાથેની એ દિવાળી , મીઠાશને યાદ કરતાં સાચે જ હૈયું ઊભરાઈ ગયું ને બોલાઈ ગયું ..કાશીબા એ કાશીબા.મારી ધર્મપત્ની સવિતાને સોનેરી શીખામણ આપતાં કહેતાં કે દુનિયાનું સાચું સુખ ઘરમાં જ મળે અને એ ઘરનો આધાર ઘરવાળી, સુખદુઃખની સાચી સાથી. કુટુમ્બ, ગામ અને દેશ કાજે ભારતીય સંસ્કૃતિથી આયખુ ઉજાળનાર મારી બા કાશીબાને , ‘ગુજરાત ટાઈમ્સ’ના સૌજન્યથી યાદ કરતાં, આજે ગૌરવ સાથે વંદન કરું છું.

રમેશ પટેલ(આકાશદીપ)-http://nabhakashdeep.wordpress.com/

3 thoughts on “રમેશ પટેલ(આકાશદીપ

  1. શ્રી રમેશભાઈએ માતાની જીવન ઝરમર સરસ રીતે વર્ણવી છે . અભિનંદન .

    દરેક માતાની લગભગ એક જ સરખી કહાની છે .—- સંતાનો માટે પ્રેમ અને કુટુંબના ઉત્કર્ષ માટેનો ત્યાગ અને

    જહેમત .

    માવતર એ જ મન્દીર

    જીવતાં માબાપને સ્નેહથી સંભાળજો,

    ખવડાવશો–પીવડાવશો;

    પછી ગાયના પુંછડે પાણી ઢોળવાથી શો ફાયદો ?

    એક વાર ‘રાબ’ ખાવાની ઈચ્છા એમની સ્નેહથી સ્વીકારશો;

    પછી ગામ આખાને લાડવા ખવડાવવાથી શો ફાયદો ?

    મસ્તક પર હાથ ફેરવી ‘બેટા’ કહેનારના લાડને માણી લેશો;

    પછી ચીરવીદાયે પાછળ ‘સપ્તાહ’ બેસાડવાથી શો ફાયદો ?

    બેઠા છે ‘ભગવાન’ આપણા જ ઘરમાં એમને ઓળખી લેશો;

    પછી અડસઠ તીરથ કાજે દર દર ભટકવાથી શો ફાયદો ?

    સમય કાઢી ઘરના એ વૃદ્ધ વડલા પડખે બેસી લેશો;

    પછી બેસણામાં ફોટા સામે બેસી–બેસાડીને શો ફાયદો ?

    લાડકોડથી ઉછેરનારાં માવતરને સદાય હૈયે વસાવી રાખશો;

    પછી દીવાનખંડમાં તસ્વીર રાખવાથી શો ફાયદો ?

    હયાતીમાં જ હૈયું એમનું ઠારી સ્વર્ગ સમ સુખ આપશો;

    પછી ગંગાજળે અસ્થી પધરાવવાથી શો ફાયદો ?

    ‘માવતર એ જ મન્દીર’ – આ સનાતન સત્ય સમજી રાખશો;

    પછી ‘રામનામ સત્ય છે’ રટવાથી શો ફાયદો ?

    –વલ્લભભાઈ ઈટાલીયા

    Like

  2. Dear Pragnaben,

    I and my sister Fulvatiben will come on Friday evening for Shraddhanjali Meeting for Kanubhai.  I will be pleased to say a few words about the importance of what you have been doing to keep Gujarati Culture alive.  Please send me the address and time I should be there on Friday evening. 

    With best wishes and warmest personal regards,

    Dinesh O. Shah                                     

    The First Charles Stokes Professor of Chemical Engineering and Anesthesiology and Founding Director Emeritus of the Center for Surface Science and Engineering (1984-2008), 425 Chemical Engineering Dept.  University of Florida, Gainesville, FL 32611 USA Email: dineshoshah@yahoo.com       Phone (Cell) 352-871-4993    Website: http://www.che.ufl.edu/shah/GroupPublications.html , AND                                                                          Dinesh O. Shah, Founding Director (2008-Present) Shah-Schulman Center for Surface Science and Nanotechnology, Dharmsinh Desai University, Nadiad, 387001 Gujarat, India  Phone: 91- 94290 62293

    Citation Index:  http://scholar.google.co.in/citations?user=j-8lAu0AAAAJ

    My songs of two concerts on Youtube: Search for Dr. Dinesh O. Shah Songs  “Judge each day not by the harvest you reap but by the seeds you plant “

    Like

Leave a reply to Vinod R. Patel Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.