લખો, લખો, લખો-નિરંજન મહેતા

photoલખો, લખો, લખો

સારી સાહિત્ય કૃતિ વાંચતા વાંચતા સામાન્ય રીતે આપણને થાય કે કેવી સરસ રચના છે. આપણે પણ આવું કાઈક લખી શકીએ તો કેવું !

મારું તો માનવું છે કે આપણા દરેકમાં લખવાની ઈચ્છા અને શક્તિ સંતાએલા છે. તેને બહાર લાવવા માટે આપણે જ પ્રયત્ન કરવો જરૂરી છે. તમે કહેશો કે એમ દરેક જણ થોડા લેખક થઇ શકે? પણ ભલે તમે લખેલું લખાણ પ્રકાશિત ન થાય કે કોઈ અન્ય ન વાંચે પણ મનના વિચારો એક વાર બહાર લાવશો તો તેનાથી થતો આત્મસંતોષ અનેરો હશે.

તમે વયસ્ક થઇ ગયા એટલે લખવાને લાયક નથી એ વાત બેબુનિયાદ છે. આ માટે ઉંમરનો બાધ નડતો નથી. વયસ્કો પણ પોતાના અનુભવો અને વિચારોને બહાર મૂકી શકે છે. કદાચ એ એવા વિશાળ પણ હોઈ શકે કે લખતા લખતા થાકી જાઓ તો નવાઈ નહી.

જીવનમાં એવા કેટલાય બનાવો આપણા જીવનમાં બને છે જે અન્યોના જીવનમાં ન બન્યા હોય. પણ તે અનુભવોને બહાર લાવશો તો ન કેવળ આપ અન્યોને સહાય કરો છો પણ ખુદમાં પણ પરિવર્તન અનુભવશો અને જીવન પ્રત્યેનો અભિગમ પણ બદલાઈ શકે છે.

આમ તો બનાવો સામાન્ય લાગે એટલે તે વિષે શું લખવું માની આપણે કલમ હાથમાં નથી લેતા. પણ આ જ અનુભવોમાંથી વાર્તા, નિબંધ કે આગળ જતા નવલકથા બની જાય છે ત્યારે ખુદને નવાઈ લાગશે કે આ શું? આવું તો ધાર્યું ન હતું. અને તેમ થતા જે આનંદ થશે તે અનન્ય હશે.

આપણામાંના મોટાભાગના લોકોના જીવન એક જ ઘરેડમાં વણાયેલા હોય છે અને તે સામાન્ય અને કંટાળાજનક બની રહે છે. પણ દરેક પોતાના જીવનનું અને હસ્તિનું જે અર્થઘટન કરે છે તે બીજાઓથી અલગ હોય તે સ્વાભાવિક છે. આ જ વિભિન્ન અર્થઘટન તેને કાગળ પર જીવનમૂલ્યને કંડારવાની તક આપે છે. આનાથી લખનારને માનસિક તૃપ્તિ તો થાય જ પણ વાંચનારને પણ તે સહાયરૂપ થઇ શકે છે.

આવા આત્મવૃતાંત વડે તમે તમારી જિંદગીના અનુભવો અને વિચારો જાહેરમાં લાવો છો જાણે તમારી જિંદગી અન્યને સુપરત થઇ ગઈ ન હોય? આવા લખાણ દ્વારા તમે અન્યોને જણાવો છો કે જુઓ હું જે પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂક્યો છું અને તેમાંથી બહાર પણ આવી શક્યો છું તેમ તમે પણ જ્યારે આવું અનુભવો ત્યારે તેમાંથી સહેલાઈથી બહાર આવી શકશો તે આ લખાણનો ઉદ્દેશ છે. આમ તમે તમારી આપવીતી, અનુભવો અન્યોને વહેંચી તેમને સહાયરૂપ થાઓ છો જેને કારણે તેઓ ઓછી મુશ્કેલીએ તેનો સામનો કરી શકશે.

મોટી ઉંમરે પણ લખશો તો એક નવા રાહે આવી ઊભા રહેશો, કારણ જ્યાં સુધી તમારા વિચારો અને અનુભવ તમારા મનમાં ધબેરાયેલા હશે પણ કાગળ પર નહી ઉતારો ત્યાં સુધી તમે તે સમસ્યાઓને પૂરેપૂરી સમજી નહી શકો. જ્યારે આ બધું એક સૂત્રે બાંધશો ત્યારે તે તમારા વાચકો, મિત્રો અને કુટુંબીજન માટે એક અમુલ્ય ખજાનો પણ બની શકે છે.

વ્યક્તિ વ્યક્તિના જીવનની કહાણી અલગ અલગ હોય છે. અરે, એકના જીવનની કહાણીમાં પણ અલગ અલગ અનુભવોનો ખજાનો હોય છે. તમે તમારા બાળપણ વિષે લખો, તમારા પ્રવાસવર્ણન વિષે લખો, જેમાં તમને આનંદ મળે તે વિષયને પકડો પણ લખો. તમે કોઈ વ્યક્તિથી પ્રભાવિત થયા હો તો તેના વિષે લખો પણ લખો જરૂર. જીવનમાં તમને અન્યાય થયો હોય પણ તે વિષે અંદરને અંદર ધૂંધવાતા હો તો તેને લખીને બહાર લાવો. કદાચ લોકો આગળ તે મૂકતા અચકાઓ તો પણ લખીને રાખો અને તેમ કરીને મનની શાંતિ મેળવો.

તમને લાગશે કે આવું લખીશ તો બીજાને સામાન્ય લાગશે. પણ કદાચ તે અન્ય વાંચશે ત્યારે તેને તે સામાન્ય ન પણ લાગે તો તેને તેના આનંદથી વંચિત શું કામ રાખો છો?

આટલું વાંચીને તમને થશે કે હું શરૂઆત કેમ કરૂં? તમારી પાસે એવો શબ્દભંડોળ નથી કે તમે એક ઉત્તમ કૃતિ આપી શકશો. અચકાઓ નહી. મનમાં જેવા આવે તેવા વિચારો અને શબ્દોને એકવાર કાગળ પર રમવા દો. કારણ શરૂઆતમાં તમે અન્ય માટે નહી પણ સ્વ માટે લખો છો. અન્યો વાંચશે કે નહી અને વાંચશે તો ગમશે કે નહી તેનો વિચાર કરી અટકો નહી. આમ કરવાથી જ આત્મવિશ્વાસ જાગૃત થશે અને તમે સાથે સાથે આત્મસંતોષ પણ મેળવશો. તમારી યાદોને સાચા અર્થમાં પ્રગટ કરવા જરૂરી છે આત્મખોજ. સ્વથી ઉપર જઈ બનાવોની છણાવટ કરી લખાયેલ યાદોનો રંગ જ અનેરો હોય છે.

તમારૂ લેખનકાર્ય એક ચિત્રકાર જેવું છે. એક કોરા કેનવાસ પર જે રીતે તે પીંછી વડે રંગછાટણી કરે છે અને પછી તેનાથી દૂર જઈ તેને નિહાળી ફેરફાર કરે છે તે જ રીતે તમારે પણ એકવાર લખી ફરી ફરી વાંચી, જરૂરી ફેરફારો કરવા પડે તો પણ તેનો વાંધો નહી. એમ કરતા જ કૃતિ સુંદર બની રહે છે. આમ કરશો તે સત્યની શોધ બરાબર છે. જેટલા ઊંડા તમારા અતીતમાં ડોકિયું કરશો અને અનુભવોને તરાસશો તેટલું તમારૂ લખાણ વ્યવસ્થિત અને સુંદર બની રહેશે. કદાચ એવું પણ બને કે જે યાદો તમારી અંદર રહી તમને મૂંઝવતી હતી કે તમે માનસિક સંતાપ અનુભવતા હતા તે એકવાર લખાણના રૂપમાં બહાર આવશે તો કદાચ તેનું તમારા ઉપરનું પ્રભુત્વ પણ ઓછું થઇ શકે.

આ મારો સ્વ અનુભવ છે, કારણ કોઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘોંચપરોણા(!)ને કારણે લખતો થયો જેમાનું ઘણું બધું પ્રકાશિત પણ થયું છે. મિત્રો અને પરિવારજનોએ તેની સરાહના કરી છે અને તેથી આ પ્રવૃત્તિ કરતા આજે સ્વને આનંદ તો થાય છે પણ અન્યોને પણ ખુશી વહેંચી રહ્યો છું તેનો પણ આનંદ છે.
નિરંજન મહેતા

7 thoughts on “લખો, લખો, લખો-નિરંજન મહેતા

  1. લખીને કમાણી કરી શકાય?
    દેખીતું છે કે લેખક લખે એ પહેલાં એને જીવવું પડે છે.
    અને એ પણ દેખીતું છે કે જીવવા માટે જોઈએ લક્ષ્મી.
    હું પણ એક અદનો લેખક છું.
    લક્ષ્મીમાતાની કૃપાથી લખીને કમાવાનું સાધન મને મળી ગયું છે.
    અને એ સાધનથી નિયમિત લક્ષ્મી મળશે અને સરસ્વતીમાતાની કૃપાથી મારા સાહિત્યસર્જનનો પણ વિકાસ થશે.
    –ગિરીશ પરીખ
    E-mail: gparikh05@gmail.com

    Like

  2. Sh Niranjanbhai
    Your article really inspired me to start writing an article.
    I did it when I was in Fremont & inspired by Pragnaben Dadbhawala in Bethak & I wrote a small article VATAN which was corrected by Pragnaben & put on Face Book & appreciated my effort
    Thanks for inspiring new writers!!!
    Subodh Trivedi

    Like

  3. લખતાં લહિયો થાય એમ કહેવાય છે એ મારા અનુભવે સાચું છે. સાહિત્યના દરિયામાં તરવાનું શીખવા માટે કોઈનો ધક્કો વાગવો જોઈએ .કોઈની લખવા માટેની પ્રેરણા મોટું કામ કરી જાય છે. આ પ્રેરણાત્મક લેખ માટે નિરંજનભાઈ ને ધન્યવાદ.

    Like

    • “લખતાં લખપતિ થાય” એમ ક્યારે કહેવાશે? હું લખીને નિયમિત આવક મેળવાનો ૨૦૧૭માં પ્રયોગ કરી રહ્યો છું.
      –ગિરીશ પરીખ
      E-mail: gparikh05@gmail.com

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.