ગયા પ્રકરણમાં આપણે જોઈ ગયાં કે મિત્રો સત્યેન્દ્ર
નલિની પર સામાન્ય શુદ્ર વાત પર ક્રોધ કરી, રિસાયને તેનાં સ્વાભિમાનને ઠેસ પહોંચાડી ચૂક્યો હતો. વળી ધીરે ધીરે નલિની અને સરલાની વચ્ચે તુલના કરી તેની અવગણના કરવા લાગ્યો.
એક દિવસ નલિનીનાં ભાઈને બોલાવી તેના પિયર વિદાય કરી દીધી સાથે તેની દાસી માંતગીને પણ વિદાય કરી. સત્યેન્દ્રને કોઈ દુઃખ નહોતું તે પોતાના અભિમાનને પંપાળી રહ્યો હતો મનને બહેલાવી રહ્યો હતો. માએ નલિનીને પાછી બોલવવા કહ્યું નહિતો કાશી જવાની ધમકી આપી તો તેણે માને જવા માટે વ્યવસ્થા કરવાની
વાત કરી માનું પણ અપમાન કરી નાંખ્યું!
બે ત્રણ મહિના પછી સત્યેન્દ્રને ખૂબ પસ્તાવો થયો. ક્ષણભર નલિની વગર ન રહી શકનારો સત્યેન્દ્ર છટપટવા માંડ્યો , નલિનીના પત્રની રાહ જોવા લાગ્યો. નલિની પણ શુદ્ર કારણે મળેલી સજા હવે ન સહી શકી.
મનમાં વિચારવા લાગી કે વાંક શું? હવે નહિ સહે. વાતને છ મહિના વિતી ગયા. સત્યેન્દ્રે નવા લગ્ન કરવાનો નિર્ણય કર્યો, એમ કરી તે નલિનીની સાથે ભયંકર અપમાન કરી બદલો વાળવા માંગતો હતો. માને આ વાત મંજુર નહોતી તે કાશીવાસ ઈચ્છતી હતી. તેણે પુત્ર પાસે ભીખ માંગી મને આ યાતનામાંથી મુક્ત કર. સત્યેન્દ્ર હવે પહેલાં જેવો સરલાનો પ્રેમાળ પતિ નહોતો રહ્યો કે ન તો તે નલિનીનો સમજુ પતિ રહ્યો હતો તે તો પ્રતિશોધની જ્વાળામાં બળતો એક પુરુષ હતો. આખરે પોતાનું ધાર્યું કરનારો અંહકારી પતિ બની ગયો. ત્રીજા લગ્ન કરી તે ગિરીબાલાને લઈ જ આવ્યો. મા પોતાના પતિ હરદયાલમિત્ર ને યાદ કરી રડી પડી , નલિની જેવી ગુણિયલ વહુને યાદ કરી વધુ અશ્રું વહેવા લાગ્યા. ગિરીબાલા મુહફટ હતી. અવિચારી વાણી હતી એની.
લગ્ન સમયે તે કાંઈ ન બોલી પણ પછી તે માનસન્માન ન રાખતી. તેઓની લગ્નની ફૂલસજ્જાની રાત્રે ગૃહિણીને મળવા કોઈ મોટા ઘરની ભેટ સોગાદ લઈ આવી પહોંચ્યું. ગૃહિણીએ તેમાંથી મિઠાઈ વહેંચી દીધી. બનારસની સાડી ને ઊંચા પ્રકારના મલમલના કોટ ને ધોતી , દર દાગીનાની ભેટ કોઈ મિત્રે મોકલી છે જાણી સત્યેન્દ્રને નવાઈ લાગી.
ઘરમાં ગુસરપુસર નોકર નોકરાણીઓ વાતો કરી રહી હતી, મહોલ્લાની સ્ત્રીઓ એ નલિનીને કુલક્ષણા કહી. આ સાંભળી ગૃહિણી ખૂબ જ ક્રોધિત થઈ ગઈ. તેણે પુત્ર પાસે જીદ કરી નલિનીને બોલાવી મંગાવવા માટે.
આવેલી ભેટ સોગાદ જોતા સત્યેન્દ્રે ક્રોધિત થઈ તેનો ઇન્કાર કરી દીધો. મા દરવાજા બંધ કરી ગણગણતી રહી મારી પુત્રવધૂ કુલક્ષણા નથી. તેનું દર્દ સમજવા કોઈ નહોતું. માંતગી જ ભેટ લઈ આવી હતી તેને અંદર બોલાવી તેની પાસે નલિનીનાં હાલચાલ પૂછ્યા, તેમજ નલિની ને સત્યેન્દ્રના સામાન્ય ઝઘડામાંથી વણસેલી વાતની માહિતી આપી. ગૃહિણી પુત્ર સત્યેન્દ્રને માફ ન કરી શકી.તેની નજર બનારસની સાડી પર પડી. ખૂબ કિંમતી હતી પણ તેના પાલવે બાંધેલી ચબરખી ખોલી. વાંચતા ને અક્ષર ઓળખતા સત્યેન્દ્ર આશ્ચર્ય ચકિત થઈ ગયો. તે નલિનીની ચિઠ્ઠી હતી. ગિરીબાળાને લખી હતી અને સત્યેન્દ્ર સાથે સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. ગિરીબાળાને નાની બેન ગણી ઘણી સરસ ભેટ મોકલી હતી. સત્યેન્દ્ર તે રાતે સૂઈ ન શક્યો તેનો ત્રીજો વિવાહ બોજ બની ગયો.
બે ચાર મહિના વિતી ગયા ને એક દિવસ ટપાલી એક પાર્સલ આપી ગયો. જેમાં એક વિંટી હતી અને એક પત્ર હતો. નલિનીનો ને એક પત્ર તેનાંભાઈ નરેન્દ્રનો હતો.
પવિત્ર ગંગા જેવી સતી જેવી નલિની મૃત્યું પામી હતી. તેણે સત્યેન્દ્રની આપેલી વિંટી ગિરીબાળા માટે પાછી મોકલી હતી. સત્યેન્દ્રને શીખ મોકલી હતી મારી નાની બેન ને દુઃખ ન પડે તે માટે સલાહ સૂચન કર્યા હતા.
સત્યેન્દ્રને હવે પસ્તાવો થઈ રહ્યો હતો, મા તો આ સમાચાર જાણી કાશી પ્રયાણ કરી ગઈ હતી. સત્યેન્દ્ર એક બોજ ભરી જીવન વંઢોરી રહ્યો હતો. તે સમાજ જેવો
કઠોર વિચાર શૂન્ય ધરાવતો સામાન્ય માનવી બની ગયો હતો.
મિત્રો , કરુણાંત ભરી આ વાર્તામાં સત્યેન્દ્ર દ્વારા અહમને દર્શાવે છે તો નલિની દ્વારા ધીરજ ને સહનશક્તિ
સહીને સ્વમાન ને દર્શાવે છે. એક નાનો મનભેદ કેવો બોજ બની જાય તે આ વાર્તાનું મૂળ કથન છે.
આવતા અંકે ફરી કંઈક નવીન શરદબાબુ વિશે તેમના આલેખન ને બંગાળી સમાજને સ્પષ્ટ આલેખતી વાર્તા વિશે જાણીશું.
(સંપૂર્ણ)
અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૧/૧૨/૨૨