સંસ્પર્શ -૩૩-જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube


Posted on  by Jigisha Patel

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું ના કણ કણ દેશભક્તિમાં ડૂબી રહે છે અનહદ

હું દેશના સેવક ચીતરે રંગ કળાયલ મોર 

અડધો રંગે આધ્યાત્મિક ને અડધેથી- પડધો ચોર

વસ્તી નામે હું જ કે જેને નહીં કામ કે નહીં ફૂરસદ

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું બોલે કે દેશ છે મારો ખોબા જેવો નાનો

વળી કહે કે સચરાચરમાં હું જ વસું છું માનો

ગમ્મે તેવી વાત કરો ને કોઈ ગણે નહીં અચરજ

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

હું દેશના વતની કરતાં તું-તારાને પ્રેમ

(સાચું ખોટું રામ જાણે ભૈ આ તો અમથો વ્હેમ )

વચગાળામાં વાત ઊડે કો’ક કરે છે નફરત

હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

ઉપરોક્ત કવિતામાં કવિ ધ્રુવ ભટ્ટે અહંકારને દેશનું રૂપક આપી આખા કાવ્યને નાવીન્યતા પૂર્વક રજૂ કર્યું છે.માણસની અંદર રહેલ અહંકારનો વિસ્તાર એટલો મોટો છે કે ધ્રુવદાદા આ કવિતામાં અહંકારને,હું પણાને, દેશ તરીકે વર્ણવે છે. સૌમાં વિસ્તરેલ અહંકાર એટલો વિસ્તરેલ છે કે તેને કોઈ સીમાડા કે સરહ દ હોતા નથી.અહંકાર એ એટલો મોટો દુર્ગુણ છે કે તે વ્યક્તિના વિનાશને જ નોતરે છે. તેનું મોટામાં મોટું ઉદાહરણ રાવણ છે. જૂઓ આ મહિમ્ન સ્તોત્રનો શ્લોક,

અમુષ્ય તત્સેવાસમધિગતસાર ભુજવનં

બલાત્કૈલાસેઽપિ ત્વદ ધિવસંતૌ વિક્રમયત:।

અલભ્ય પાતાલેઽપ્યલસચલિતાં ગુષ્ટશિરસિ

પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહ્યતિ ખલ:॥

શિવ ભક્ત રાવણે મહાદેવની અનન્ય ભક્તિ કરી વીસ ભુજાનું બળ પ્રાપ્ત કર્યું.વર્ષોનાં તપ પછી તેનો ગર્વ રોમેરોમમાં વ્યાપી ગયો અને તે ત્રિપુરવર શિવજીનાં નિવાસસ્થાન કૈલાસને હલાવવા પ્રયત્ન કરવા લાગ્યો ત્યારે શિવજીએ માત્ર પોતાનો એક અંગૂઠો જ દબાવ્યો અને રાવણ પાતાળમાં પોતે હલવા માટે પણ અશક્તિમાન થઈ ગયો. ઉપરોક્ત પુષ્પદંત રચિત મહિમ્નસ્તોત્રનાં શ્લોકમાં તેનું જ વર્ણન છે કે અહંકાર જ તપસ્વી રાવણના વિનાશનું કારણ બન્યું હતું. અને કહેવત બની ગઈ “અભિમાન તો રાજા રાવણનું પણ ટક્યું નથી.”

આગળની પંક્તિમાં દાદા સૂચવે છે કે હું દેશના સેવક એટલે ,અહંકાર જે શરીરમાં રહ્યો છે તેવાં લોકો બહારથી આડંબર કરે કે તે કળા કરતો મોર ચીતરી રહ્યાં છે – આ વાત મને લોકોને આધ્યાત્મિકતાનો આંચળો ઓઢીને લોકોને ગેરમાર્ગે દોરતા બગભગત સાધુસંતો માટે લખાએલ લાગે છે. બની બેઠેલા બાપુઓ ,ઠગ ભગતો પર કટાક્ષ કરતા દાદા કહે છે,બહારથી સંત હોવાનો તેઓ ડોળ કરે છે અને અંદરથી કાળા ચોર જેવા ધંધા કરે અને ભોળા લોકોને સાધુ બની છેતરે છે.આ અહંકારની વસ્તી એટલે સૌમાં એટલો અહંકાર વ્યાપ્ત હોય છે કે તેની કોઈ સીમા કે સરહદ છે જ નહીં. આ નાનો અમથો લાગતો અહંકાર સચરાચર વ્યક્તિત્વોમાં વ્યાપેલો છે.એટલે જ નરસિંહે ગાયું,

“હું કરું હું કરું એજ અજ્ઞાનતા ,શકટનો ભાર જેમ શ્વાન તાણે

સૃષ્ટિ મંડાણ છે સર્વ અણી પેરે,જોગી જોગેશ્વરા કો’ક જાણે.

ગાડા નીચે કૂતરું ચાલે અને એમ માને કે હું આ ગાડા પર ભરેલા માલસામાનને ઊંચકી રહ્યો છું. દુનિયાનાં સૌ માનવો પણ આવો જ ,પોતે જ સર્વસ્વ છે ,તેવા અભિમાનમાં રાચી રહ્યા હોય છે. લોકો પોતાનાં નજીકનાંને જ પ્રેમ કરતા હોય તેવું બતાવતાં હોય છે પણ ખરેખર તે પણ સાચો પ્રેમ હોય છે કે કેમ? એટલે દાદા હાસ્યભરી શૈલીમાં કહે છે કે રામ જાણે ભૈ નજીકનાં સ્નેહી પણ પ્રેમ કરે છે તેવો વ્હેમ હોય ! અંદરની વાત તો તેની જાત સિવાય કોણ જાણે? 

સંત કબીર અહંકારની વાત કરતાં ખૂબ સુંદર વાત સમજાવે છે,

મત કર માયા કો અહંકાર,મત કર કાયા કો અભિમાન

કાયા ગાર સે કાચી….

હો,કાયા ગારસે કાચી રે…જૈસે ઓસરા મોતી

ઝોકા પવન કા લગ જાય,ઝપકા પવનકા લગ જાય

કાયા તેરી ધૂલ હો જાતી…..

આમ ધ્રુવદાદાએ પણ આપણા સૌમાં સર્વત્ર વ્યાપ્ત અહંકાર સીમા અને સરહદને ઓળંગી જાય તેવો છે તેમ સમજાવ્યું છે અને તેના પર આપણે કોઈપણ રીતે નિયંત્રણ રાખવું જોઈએ અને દુન્યવી ઠગભગતોથી ચેતતા રહેવું જોઈએ.

જિગીષા દિલીપ

૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૨

2 thoughts on “સંસ્પર્શ -૩૩-જિગીષા દિલીપ

  1. ખુબ સરસ હું નામનો દેશ દેશને નહીં સીમા નહીં સરહદ

    વાહ કાવ્ય પણ સરસ અને તમે કરાવેલ આસ્વાદ પણ એટલો જ સરસ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.