વિસ્તૃતિ ..૧૯ જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


અનુરાધા આ વાર્તા શરદબાબુની ટૂંકી વાર્તાઓમાં ઊંચા કસબનો નમૂનો છે. વાર્તાનો સંદેશ ખૂબ સ્પષ્ટ છે અને તે ઊંચ્ચ ભદ્ર સમાજમાં શોભતા ,વિલાયત જઈ આવેલા વિજય ઘોષાલના આ ઉદગારોમાં વ્યક્ત થાય છે. “બી.એ.ની ચોપડીઓમાં દિયરના છોકરા પર વહાલ રાખવાનું લખેલું નથી.”
‘અનુરાધા ‘વાર્તા અનુરાધાની આસપાસ ફર્યા કરે છે. તેનો ગુજરાતી અનુવાદ રમણલાલ સોનીએ કર્યો છે.
અનુરાધા ત્રેવીસ વર્ષની થઈ ગઈ હતી. તેની લગ્ન કરવાની ઉંમર વીતી ગઈ હતી ,એમ બંગાળી સમાજના લોકોને લાગતું હતું. આ વાત જૂના સમયની નથી ,નિતાંત આધુનિક સમયની જ છે. તેનાં કુટુંબમાં એક મોટો ભાઈ હતો ,હજુ છે પણ જમીનદાર હરિહર ઘોષાલનો તે ખટપટ કરી ગુમાસ્તો બની ગયો હતો. અનુરાધા સાવકી બહેન હતી આમ જોવા જાવ તો આ જાગીરદારી તેમની જ હતી, પણ પિતાના દેવામાં વેચાઈ ગઈ હતી. નવા જાગીરદાર હરિહર ઘોષાલ બન્યા હતાં. ગગન ચાટુજ્જે ગુમાસ્તો બની બે જ વરસમાં જે આવક થઇ હતી તે બધી જ હોઈયા કરી ગાયબ થઈ ગયો હતો. જૂના ઘરમાં અનુરાધા ને તેનો ભાણેજ સંતોષ જેમ તેમ જીવન ગુજારતા હતા.
હરિહર ઘોષાલ હવે ગગનના પિતાનું બધું જ ઋણ ચૂકતે કરી આ જમીનદારી ને જાગીરદારી લઈ લીધી હતી. શરતમાં એટલું રાખેલું કે જે ઘર તેમનું હતું તેમાં આગળના ભાગમાં બે ત્રણ ઓરડામ કચેરી માટે રાખે અને પાછળના ભાગમાં ગગન રહે. ગગન બધું ઉચાપત કરી ભાગી ગયો હતો. હરિહર ઘોષાલને બે દીકરા હતાં તેમાંનો વિજય ન અહીં ન વિલાયત ભરપૂર ખર્ચ કર્યા છતાં ભણ્યો નહિ કે કોઇ ડિગ્રી વગર જ પાછો આવ્યો, પણ વિદ્વતાનાં ફળ રૂપી મિજાજ ગરમ કરી વરસથી દેશમાં પાછો આવી રહેતો હતો. તેનો વિલાયત માટે મત હતો કે ત્યાં પાસ નપાસ નો કોઈ ભેદ નથી. આથી ઘરે પાછા ફરી તેણે પિતાના લાકડાના વેપારમાં બધી વ્યવસ્થા જોય. તેથી તેમાં મન પરોવી દીધું મુનીમોમાં
હાંક વાગી ગઈ . કારકુનો પણ તેનાથી ડરવા લાગ્યાં. આમ કામમાં વ્યવસ્થા આવી ગઈ.
મિત્રો, અહીં શરદબાબુએ વિલાયતના ભણતર માટે કેવો ગુઢ વ્યંગ કર્યો છે ! તે જમાનામાં વિલાયત જવું સહેલું નહોતું . ગણેશપુરથી ગગનના સમાચાર આવ્યાં વિજયે કહ્યું, “જ્યાં બાપા કામ કરે ત્યાં આવું જ થાય”અને બનાવના સ્થળે જાતે જવાનું નક્કી કર્યું.
મોટો ભાઈ અજય એટર્ની હતો. ખૂબ જ સ્વાર્થી પોતાની ઓફિસ ને પોતાના બૈરી-છોકરાં આ સિવાય સંસારની બીજી તમામ  બાબતમાં તે અંધ બની જતો. હા, જ્યારે ભાગ હિસ્સાની બાબત આવતી ત્યારે તેની એક આંખ દશ આંખનું કામ કરવા લાગતી. તેની સ્ત્રી પ્રભામયી કલકત્તા વિશ્વ વિદ્યાલયમાંથી ગ્રેજ્યુએટ થયેલી .?તેને ઘરનાં માણસો કે સાસુ-સસરા કોઇની પરવાહ નહોતી.ઘરનાં પાંચ-છ ઓરડામાં તેઓએ કબજો કરેલો હતો. કોઈ સગા-સંબંધીઓની અવર-જવર નહોતી. ત્યાં જુદા ઉડિયા દાસી નોકરો હતાં. ફક્ત ઘરનાં વડીલનો સખત નિષેધ હોવાને લીધે હજુ ત્યાં મુસલમાન બાવર્ચી આવી શક્યો નહોતો. આનું દુખ પ્રભા ને ખૂબ જ હતું. સસરાના મરણ પછી આનો ઉપાય થશે એમ તે વિચારતી. જુઓ મિત્રો માબાપએ આજના આધુનિક યુગ માટે સમસ્યા છે, એવું નથી એ આપણને શરદબાબુ તે જમાનામાં પણ સહજતાથી કહી ગયા. પોતાની બેન જે બી.એ. થઈ હવે એમ.એ કરી રહી હતી ,તેનાં વિવાહ તે વિધુર દિયર જે વિલાયતથી પાછો આવ્યો હતો તેની સાથે કરાવવા માંગતી હતી. તેથી પોતાનાં હાથે રાંઘીને જમાડવા વારંવાર બોલાવતી ને બહેનની ઓળખ પણ કરાવી હતી.
દિયર ગણેશપુર જાય છે જાણી પોતે જણાવે છે કે બધું બરાબર થાય પછી સંદેશો મોકલશો ત્યાં આવીશું. ત્યાંની મિલકત પર પણ તેની નજર હતી. વિજય ગણેશપુર જવા નીકળ્યો તો સાથે નોકર ,રસોઈયો અને તેના સાત આઠ વર્ષના પુત્ર કુમારને પણ લઈ નીકળ્યો હતો. પુત્રને નહિ લઈ જવા માટે મા-બાપ ને ભાભીએ સમજાવેલો, પણ તે એમ માનતો કે તેને ઘડાવા દેવો જોઈએ.
અહીં વાર્તા વળાંક લે છે. ગણેશપુર વિજયે નવી કચેરી ખોલી હતી. અને ત્યાં કામ શરૂ કર્યું હતું .વિનોદ ઘોષ સાથે વાતચીત કરતાં જાણ્યું કે અનુરાધા ઘર ખાલી કરવાની ના કહી રહી હતી. વિજય ત્યાં જઈ તેને મળ્યો , અનુરાધા તેની પાસે થોડો સમય માંગ્યો. તે દરમિયાન તેનો પુત્ર કુમાર અનુરાધા અને તેના ભાણેજ સંતોષ સાથે હળી મળી ગયો ,તેની કલ્પના પણ વિજયને નહોતી.
ચાર પાંચ દિવસ માટે આવેલો વિજય કામને લીધે પંદરથી વીસ દિવસ રહ્યો. અનુરાધાનો પ્રેમાળ સ્વભાવ , તેની દરકાર રાખવાની રીત, તેની વાર્તાઓ તેને માટે પ્રેમનું સાધન બની ગઈ હતી ને તેથી કુમાર અનુરાધા ને માસીનાં સંબોધનથી બોલાવતો થઈ ગયો હતો. વિજય કામમાં વ્યસ્ત રહેતો હતો ,જ્યારે તેને પુત્ર માટે આ જાણકારી મળી ત્યારે તે ફરી ફરી અનુરાધાને મળતો થયો. અનુરાધાનાં સ્વભાવથી પરિચિત થયો. તેથી તેને અનુરાધાનાં સામાન્ય રૂપ કરતાં તેમાં ગુણની જીત થતી દેખાય.
એકવાર ચર્ચા ચર્ચામાં તેને જાણ થઈ કે અનુરાધા તેની ઉંમરથી બમણા ત્રિલોચન ગાંગુલી જોડે પરણવાની હા કહી ચૂકી હતી.અનુરાધાએ જ્યારે પોતાનો ભાઈ હતો ત્યારે પણ આ વાત તેને કહી હતી કે કોઈ મારી સાથે લગ્ન કરવા તૈયાર નથી તો આ આ માંગુ સ્વીકારી લઉં, કારણ ભૂખે મરવા ને ભીખ માંગવા કરતાં બે ટંક ખાવાનું અને માન તો મળશે. ભાઈએ ત્યારે બ્રાહ્મણ ફૂલની થઈ એવા વંશમાં હું જીવતો છું ત્યાં સુધી નહીં પરણાવું કહી વાત ટાળી દીધી હતી. વિજય હવે ઘર માંગી રહ્યો છે તો તેણે તેમને સામેથી માંગુ મોકલી કહેવડાવ્યું. વિજયને તે મહાશય આજે અનુરાધા તરફથી મળવા આવ્યાં હતાં ને જેઠ મહિના સુધી અનુરાધાને રહેવા દેવાની વિનંતી કરતાં હતાં. વિજયને આ શિક્ષિત છતાં અભણ પુરુષ પર ખૂબ ગુસ્સો આવ્યો . ત્રીજીવાર દીકરીની ઉંમરની સ્ત્રી ને પરણવા તૈયાર થનાર મહાશયને તેણે જેમતેમ વિદાય કર્યાં.
અનુરાધા નિત્યક્રમ કર્યા કરે છે વિજય સાથે ચર્ચા કરે છે પણ એક મર્યાદા રાખીને. જ્યારે જાણે છે કે વિજયને જમવાની અગવડ પડી રહી છે ,તો પોતાને ત્યાં સગવડ કરી દે છે. વિજય પણ સીધુ મોકલાવે છે તે વિના સંકોચે લઈ લે છે. ધીરે-ધીરે કુમાર પાસે તે કુટુંબની માહિતી મેળવતી રહેતી હતી. વિજયને પાછા જવાનું થયું શહેર કામ માટે ,ત્યારે કુમાર જવા તૈયાર થતો નથી. અનુરાધા વિનયથી તેને પાસે રાખવાની વાત કરે છે. વિજય પણ જો તે ગાંગુલી મહાશયને પરણે તો સંતોષને પોતે રાખશે?એમ જણાવે છે.બંને જણાં એકબીજા તરફ આકર્ષાયા છે , પણ અનુરાધા મર્યાદા તોડતી નથી. તેને પણ ખબર છે કે વિજયના લગ્ન તેની ભાભીની બહેન અનિતા સાથે નક્કી છે .એ જાણ્યા પછી વિજયના મોઢે તે આખી વાર્તાનું હાર્દ સમ વાક્યને સાંભળે છે કે.બી એની ચોપડીઓમાં દિયરના છોકરા ઉપર વહાલ રાખવાનું લખેલું નથી ,માંદા સાસુ-સસરા વિશે કંઈ કહેવું એ તો એથીયે વધારે હાસ્યાસ્પદ છે .લવલેશ કોઈનો વાંક ન કાઢવો એ ભદ્ર સુધરેલા સમાજનો નિયમ છે. કુમારને અનુરાધા પાસે મૂકી પોતે ઘરે પાછો ફર્યો ત્યારે જરૂર પડે તો અનુરાધાને જણાવશે એ વચન આપી બન્ને છુટા પડે છે.
મિત્રો, જુઓ અહીં વાર્તા ફરી વળાંક લે છે. વિજય ગામડેથી શહેર તરફ પાછો ફરી ઘરે પહોંચ્યો તો કુમાર નથી આવ્યો જાણી મા ચિંતામાં પડી ગયા પણ જાણ્યું કે તેની અનુરાધામાસી તેને ખૂબ સાચવે છે. તેનાથી છૂટો પડવા તે તૈયાર નથી ત્યારે માને સંતોષ થયો મા કહે છે કે સારું જ થયું એ છોકરા પર કોઈ જ કદી વહાલ બતાવતું નહોતું . મા ફરી અફસોસ કરે છે કે અમારા વખતનું ગામડું કે ત્યાંનાં લોકો હવે ક્યાં રહ્યાં છે!વિજય થોડું હસી કહે છે કે ઘણું બદલાયું છે પણ તમારાં જેવા જીવતા છે ત્યાં સુધી તમારા પુણ્યપ્રતાપે હજુ કંઈક બાકી છે ,એનો થોડો અંશ આ વખતે જોઈને આવ્યો છું, પણ તને એ ચીજ બતાવવાનું બને તેમ નથી ,તેનું દુઃખ મને મનમાં રહી ગયું .
સાંજે ભાઈ ભાભી ને મળવા ગયો તો ત્યાં તો કુરુક્ષેત્ર મચી ગયું હતું .માનવ માત્રની માણસાઈ અંતભાગમાં વાચકોને દ્રશ્યમાન થાય છે .ભાભીનાં પિયરવાળા અનિતાનાં લગ્ન ભણેલા-ગણેલા સિતાંશું સાથે નક્કી કરી દીધાં હતાં ને ભાઈ ત્યાં જવા તૈયાર નહોતો, કારણ કે તેઓએ તેના ઘરનાં ને છેતર્યા હતાં તેનું દુઃખ હતું .વિજય આ સમાચાર જાણીને મનોમન ખૂબ રાજી થયો.એક બોજ હળવો થઈ ગયો એવું અનુભવે છે. તે ભાભી સાથે જવા તૈયાર થયો તો ભાઈ તેને મના કરે છે કે તેને આમંત્રણ નથી તેથી તે નહીં જાય. તે ભાઈને સમજાવે છે કે તે જરા પણ દુઃખી નથી તેઓ જરૂર જાય. તેના મોઢા પરના ભાવ એવા લાગતા હતા કે જાણે કોઇ ચોક્કસ વિપત્તિનાં પંજામાંથી છટકી ને તેનું મન કુદરતી આનંદથી ભરાઈ ગયું હોય.
ભગવાનની ઘડેલી આ દુનિયામાં ઓચિંતું કોઈ ક્યાંથી આવી પહોંચે છે અને તમારા મન ઉપર તે તેની ઊંડી છાપ કેવી છોડી જાય છે તે કોઈ કહી શકતું નથી. આખી વાર્તાનાં અંતમાં વિજય તેની ભાભીને જે તેનાં હાસ્યથી દુઃખી અને અપમાનીત થયેલી સમજે છે ,તે કંઈક બોલવા જતાં તેનું ગળું રૂંધાઇ જાય છે .તેને જોઈ વિજય બોલી ઊઠે છે ,”ભાભી મારી બધી વાત કરવાનો હજી વખત આવ્યો નથી કદી આવશે કે એ જાણતો નથી, પણ જો કદી પણ આવશે તો તમે પણ કહેશો કે ઠાકુરપો તું નસીબદાર છે ભાઈ ,તને આશીર્વાદ આપું છું .
મિત્રો વાર્તામાં ન કોઈનો મેળાપ છે ને જુદાઈ છતાં વાર્તા જાણે અંતમાં ઘણું બધું કહી જાય છે વાચકોને .
આ ભદ્ર સમાજમાં લોકો વચ્ચે એક ગામડાની સ્ત્રી ને તેનો પ્રેમ અને તેનું વર્તન કેટલું ભદ્ર અને ઊચ્ચ સ્થાને હતું . વિજયના અંતિમ વાક્યોમાં અનુરાધા તરફની આશા પ્રગટ થાય છે જે પુત્ર માટે તે શોધી રહ્યો હતો તે પ્રેમ તેના ચહેરા પર સ્પષ્ટ અંકિત થાય છે.
મિત્રો ફરી આવતા અંકે જરૂર ફરી મળીશું , શરદબાબુની નવી કથા વાર્તા લઈને.
અસ્તું,
જયશ્રી પટેલ.
૫/૬/૨૨

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.