અજ્ઞાતવાસ-૨૧

Harsha incorporated

રુખીબાની અને ટીનાની મારાં જીવનમાંથી થયેલ વિદાય પછી ,પાનખરનાં ખરી પડેલાં સૂકા નિષ્પ્રાણ પાંદડાંઓ પર ચાલતાં,જે ચરરર ચરેરાટીનો અવાજ આવે તેવાંજ મારાં દિલનાં ચચરાટ સાથે ફેક્ટરીનું કામ હું આગળ વધારી રહ્યો હતો. રુખીબા અને ટીના બંને કોઈ પણ રીતે એકપણ દિવસ મારે માટે ભૂલવા શક્ય નહોતા.એ લોકો ભલે ફિઝીકલી મારી સાથે નહોતાં પણ મેં તો તેમનો સાથ છોડ્યો જ નહોતો.હું તો હંમેશા એકાંતમાં તેમની સાથે વાતો કરતો જ રહેતો.મેં હંમેશા તેમને મારી સાથે જ રાખ્યા હતાં.


ફેક્ટરીમાં ડ્રેસનાં ઓર્ડર આવતા હતાં.કામ ચાલતુ હતું.પણ દેવું વધતું જતું હતું ,કારણ હું ખરીદી ,વેચાણ અને માણસોનાં પગાર કરવામાં, ફર્નિચર,મશીનો વિગેરે લીધેલ વસ્તુનાં હપ્તા ભરી શકતો નહતો. ફેક્ટરીનાં બેછેડા ભેગા કરતા મને નાકે દમ આવતો હતો.મારે ફેક્ટરીમાં પૈસાની એટલી તૂટ પડતી હતી કે મેં ફેક્ટરીનાં માણસોની સોશ્યલ સિક્યોરીટીનાં પૈસા ગર્વમેન્ટમાં ભરવાને બદલે અને ફેક્ટરીનાં ખર્ચાઓમાં જ વાપરી નાંખ્યા.બેંકનાં વ્યાજ અને ગર્વમેંન્ટનું દેવું કૂદકે અને ભૂસકે વધવા લાગ્યું હતું.ફેક્ટરી ચાલતી હતી પણ હું પૈસા કમાતો નહેાતો.

મારી કોલેજમાં મારી મિત્ર Carole Towne,કોલેજમાં બિઝનેસ સાથે lawyerનું ભણતી હતી .તેણે માધવરાજને ગુજરાતી છાપું પબ્લીશ કરી ગ્રીનકાર્ડ મેળવવામાં પણ અમને મદદ કરી હતી. તેણે મને ફેક્ટરીનાં દસ્તાવેજ કરવામાં,પ્રાઈવેટ લિમિટેડ કંપની કરવામાં પણ ખૂબ મદદ કરી હતી.તે કોલેજનાં પહેલા દિવસથી મારી સાથે ખૂબ પ્રેમ સાથે મિત્રતા રાખતી. તેની મારાં તરફની કૂણી લાગણીઓ હું અનુભવતો ,પણ હું તો ટીનાને પ્રેમ કરતો હતો.તેમજ તે જ્યારે મને પ્રેમ કરે છે તેવું આડકતરી રીતે કહેતી ત્યારે હું તેની સાથે મારી ગર્લફ્રેન્ડ ઇન્ડિયામાં છે અને હું મારી અને ટીનાની વાતો પણ તેની સાથે કરતો.પરતું તેણે મને બે અઢી વર્ષથી શિકાગોમાં જ રહેતો જોયેલો.તે મારી બંને બહેનો અને ભાઈ અને બહેનને પણ મળેલી .મેં આટલી સરસ ફેક્ટરી કરી એટલે મારી હિંમત,જીવનપ્રત્યેની ઊંચી આંકાંક્ષાઓ અને આત્મવિશ્વાસથી અભિભૂત થઈ,તે તેનો એક તરફી પ્રેમ દર્શાવવાનું ક્યારેય ચુકતી નહીં.


ટીનાનાં લગ્ન પછી હું જ્યારે દેવદાસ બની નિરાશાની ગર્તામાં ડૂબી ગયેલો ત્યારે તેણે મને ખૂબ પ્રેમ અને હુંફ આપેલી.તે હવે મારી વધુ ને વધુ નજીક આવવા મને ફેક્ટરીમાં બધી મદદ કરાવતી.એકબાજુ ફેક્ટરીમાં દેવું વધતું જતું હતું એટલે તેણે મને શિકાગોની લોકલ બેંક ‘Bank of Revenswood ‘ની મેનેજર ગ્રીક લેડી Aphrodite Loutasની ઓળખાણ કરાવી જેણે મને ખૂબ મદદ કરી.મને આ Aphrodite Loutas ગ્રીક ગોડેસનું નામ જેનો અર્થ પ્રેમ,સુંદરતા,અને આનંદની દેવી થાય તે ખૂબ ગમતું.નામ પ્રમાણે ગુણવાળી Aphrodite અમને હંમેશા મદદ કરવાની વૃત્તિવાળી અને સુંદર,હસતી સ્ત્રી હતી..મારી ફેક્ટરી ચલાવવામાં તેનો ખૂબ મોટો ફાળો હતો.તેને હર્ષાનાં ડિઝાઈન કરેલ ડ્રેસ ખૂબ ગમતાં. તેને પણ અમારી ફેક્ટરી જોઈ ખૂબ ગમી ગયેલી.તે પોતે હર્ષાનાં ડ્રેસ ખરીદતી અને તેના બીજા અનેક મિત્રોને અને ક્લાયંટને અમારા ડ્રેસ લેવા પ્રેરતી. તે અમને ૨૫,૦૦૦ ડોલર સુધીનાં ઓવરડ્રાફ્ટ કરી આપતી. અમારો કોઈ ચેક પાછો ન જાય તેનું પણ ધ્યાન રાખતી.

હવે હર્ષાની ડ્રેસ લાઈન ‘Harsha incorporated ‘નાં ડ્રેસીસ આખા અમેરિકાનાં મોટા મોટા બ્રેન્ડનેમ સ્ટોરમાં વેચાવા લાગ્યા હતાં. Neiman Marcus,Saks Fifth Avenue,J.Magnin,l.Magnin જેવા સ્ટોરમાંથી ઓર્ડર આવવાં લાગ્યા.આવાંજ સ્ટોરમાંથી બે થી અઢી લાખ ડોલરનો મોટો સમર ડ્રેસનો ઓર્ડર આવ્યો. સમર સિઝન બે મહિનામાં પૂરી થાય એટલે ઓર્ડર જલ્દી તૈયાર કરી મોકલી દેવાનો હોય.તેની સાથે સાથે જ લોસએંજલસના બેવર્લી હીલ્સની ‘Rodeo drive ‘ સ્ટ્રીટ ,જયાં અમેરિકાની નામી ડિઝાઈનર કંપનીનાં કપડાં મળે તેવી છે. તે પરનાં મોટા બુટીકનાં સ્પ્રીંગ સીઝનનાં મોટા ઓર્ડર પણ આવ્યા. રમણભાઈ પટેલ અમારા મોટેલ ઈન્વેસ્ટર આ વાત સાંભળી શિકાગો દોડી આવ્યા. મેં તેમને દેવાની વાત અને નવા ઓર્ડર પૂરા કરવા પૈસા નથી તેમ સમજાવ્યું. તેમણે તેમની ગેરંટી પર બીજા એક લાખ ડોલરની લોન ‘Wellsfargo ‘માંથી લઈ આપી. ‘T,B.C. -ટેક્ષટાઈલ બેકીંગ કોર્પોરેશન ‘ન્યુયોર્કનો મેનેજર પણ મને મળવા છેક શિકાગો આવ્યો.આ બધાં જ્યારે અમને મોટી બ્રેન્ડનેમ કંપનીઓનાં મળેલ ડ્રેસનાં મોટા ઓર્ડર જોતાં ત્યારે મોંમાં આંગળાં નાંખી જતાં અને મને પૈસા ધીરવા તૈયાર થઈ જતાં.


અમેરિકામાં ૭૯ -૮૦ નાં સમયમાં જીમી કાર્ટર પ્રેસિડન્ટ હતા.વ્યાજનો દર ૧૫થી ૧૮% થઈ ગયો હતો.અમેરિકામાં રીસેશન હતું અને મોંઘવારીએ માઝા મૂક્યા હતા.T.B.C. મને એક લાખ ડોલરનાં માલ પર ૮૦,૦૦૦ ડોલર Receivable financing Factoring પર આપતાં ,પણ ૨૦,૦૦૦ ડોલર વ્યાજ ખર્ચમાં અને બેંકની સેફ્ટી પેટે બેંક પહેલા જ કાપી લેતી. ૧૮ ટકા વ્યાજ ,ત્રણ ટકા T.B.C. નાં અને એક ટકો ખર્ચો અને ટેકસ ,એટલે મારાં મોટા ઓર્ડરમાં મળતાં નફામાંથી ૨૨ ટકા વ્યાજમાં જ જતાં રહેતાં. મેં વધુ મોટા નફો કરવા ‘Bijalee’નામની એક cheap બ્રાન્ડ હર્ષાની આસિસ્ટન્ટ ડિઝાઈનર સાથે ચાલુ કરી ,તેનો રીસ્પોન્સ પણ ડિઝાઈનર સ્ટોર્સમાંથી જ સરસ મળવા લાગ્યો . તેનું કારણ તે ડ્રેસીસમાં પણ આખરી ટચ હર્ષાનો જ રહેતો.Carole પણ મને કોન્ટ્રાક્ટ કરવામાં,અકાઉન્ટસમાં ખૂબ મદદ કરતી હતી .તે વધુને વધુ સમય મારી સાથે ગાળવા પ્રયત્ન કરતી.કેટલીય રાતોની રાતો મને કામમાં મદદ કરાવવાં ફેક્ટરીમાં રોકાતી.
વ્યાજનાં ભારણમાં તૂટતો અને પૈસાની તૂટમાં પણ આ મોટા ઓર્ડર થકી બહાર નીકળી જ જવાશે તેવી આશાએ હું દિવસરાત કામ કરતો રહ્યો.હર્ષા પણ ખૂબ મહેનત કરી રહી હતી.

એક દિવસ કોફી બ્રેકમાં મિસ.ટ્રીશીયાને હર્ષાએ ત્રણ ચાર વાર બોલાવી પણ અમેરિકાનાં રિવાજ મુજબ ટ્રીશીયા તો કોફી બ્રેક પૂરો કરીને જ આવી. હું બહારથી પાછો ફેક્ટરીમાં દાખલ થતો હતો અને મેં ટ્રીશીયાને બહાર નીકળતી જોઈ. પાર વગરનું કામ હતું અને આમ પેર્ટનમેકર ટ્રીશીયા ક્યાં બહાર જાય છે? હું વિચારમાં પડી ગયો! મેં તેને પૂછ્યું,” ટ્રીશીયા ક્યાં જાય છે?”તો એણે કહ્યું,”હું તો જોબ છોડીને જાઉં છું” મેં તેને બહુ સમજાવી પણ તે માની નહીં. હું દોડીને હર્ષા પાસે ગયો ,તો એણે ગુસ્સામાં કહ્યું,”જવા દે ,એને ,હું છું ને! મને બધું આવડે છે. હું કરીશ બધું.”આટલા મોટા અને નામી કંપનીનાં ઓર્ડર માટે હું આવું રીસ્ક લેવા નહોતો માંગતો.હર્ષાનું કામ માત્ર અને માત્ર ડિઝાઇનીંગનું હતું .ડ્રેસનાં ફીટીંગ તો પેર્ટનમેકર જ કરી શકે.પણ હર્ષાની એની સાથે શું બોલાચાલી થઈ ? તે તો તે બંને જાણે! મેં તો ટ્રીશીયાને પાછી બોલાવવાં ખૂબ પ્રયત્ન કર્યો ,તેનાં ઘેર પણ બોલાવવા અને મનાવવા ગયેા પણ તે એકની બે ન થઈ. હર્ષાએ ઓર્ડરો પોતે જ પેર્ટનમેકરનું કામ સંભાળી ,બધાં ટાઈમ પ્રમાણે ખૂબ મહેનત કરી મોકલી દીધાં.હવે હું,હર્ષા,Carole ,ભાઈ,બહેન,રમણભાઈ બધાં ખૂબ ખુશ હતાં અને……પછી જે થયું તે મારા જીવનનો ઈતિહાસ બની ગયો…..


જિગીષા દિલીપ

1 thought on “અજ્ઞાતવાસ-૨૧

  1. ઝીરોમાંથી હીરો બનવા જઈ રહેલા નકુલના ભાવિના એંધાણ આજની વાર્તામાં વર્તાયા.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.