કલમના કસબી કનૈયાલાલ મુનશી અંતર્ગત આપણે માણી રહ્યા છીએ – ‘કૃષ્ણાવતાર’ નો ખંડ -3 ‘ પાંચ પાંડવો’. અને પ્રસંગ છે દ્રૌપદીનો સ્વયંવર .
નવલકથા આગળ વધતાં આપણે હવે એવા વળાંક પર છીએ જ્યાં કૃષ્ણ દ્રૌપદીને વરવાનો દ્રુપદનો પ્રસ્તાવ સ્વીકારતા નથી. પરંતુ સૂચન કરે છે કે આર્ય પરંપરા અનુસાર સ્વયંવર રચવામાં આવે અને તેમાં દ્રૌપદી તેની ઇચ્છા પ્રમાણે શ્રેષ્ઠ ધનુર્ધરને વરમાળા પહેરાવી પોતાનો પતિ નિર્ધારિત કરે. દ્રુપદ તે અનુસાર બધા રાજાઓને આમંત્રિત કરે છે. ભવ્ય તૈયારી થઈ ચૂકી છે. પણ દ્રુપદ અને દ્રૌપદીને મૂંઝવણ થાય છે. દ્રુપદની મૂંઝવણ રાજાઓ વિષે છે તો દ્રૌપદીની મૂંઝવણ કંઇક આવી છે. તે કૃષ્ણ ને કહે છે કે સ્વયંવરના કારણે કદાચ દુર્યોધન કે અશ્વત્થામા જીતી જાય તો તેને હસ્તિનાપુર લઈ જાય તો ? કે જરાસંધ કસોટીમાં જીતે તો? હવે કૃષ્ણ આનો ઉત્તર કંઇક આ રીતે આપે છેઃ તમે મારામાં મુકેલી શ્રધ્ધાએ મને બળ આપ્યું હતું. પણ હવે તમારી અશ્રદ્ધા જોતાં લાગે છે કે હું નિષ્ફળ ગયો છું. તમને મારામાં શ્રદ્ધા નથી. જે લોકો શ્રદ્ધાનો ચમત્કાર જોઈ શકતા નથી કે શ્રદ્ધાનું સંગીત સાંભળી શકતા નથી તો હું કઈ રીતે ચમત્કાર કરી શકું ? કૃષ્ણ સમજાવે છે કે દ્રૌપદીનું પિતાના સન્માન માટેનું આત્મબલિદાન એ ધર્મ છે, પણ ધર્મ માત્ર અહંકાર કે દ્વેષનું સાધન ન હોય શકે. ધર્મ એ ભગવાનની ઈચ્છા છે – મંદિરમાં મૂર્તિરૂપે વસે એ ભગવાનની નહીં, પણ આપણા બધામાં પરમતત્ત્વ રૂપે વસે છે તે ભગવાન. અને કૃષ્ણ કહે કે આર્યાવર્તના રાજ્યોમાં ધર્મનું શાસન સ્થપાય તે તેમનું કાર્ય છે.
દ્રૌપદી પૂછે છે કે આ સમયે તેનો શો ધર્મ છે? કૃષ્ણ કહે છે કે શ્રધ્ધા સાથે સ્વયંવરમાં પ્રવેશ કરી આર્યાવર્તના શ્રેષ્ઠ ધનુર્ધરની પત્ની બની તેણે ધર્મને અનુસરવું. તો તારા પિતાનો વિજય થશે અને દ્રોણનો પરાજય. કારણ કે રણક્ષેત્રમાંનો પરાજય જીવનને હણે છે, જ્યારે ધર્મક્ષેત્રમાંનો પરાજય અહંકાર , ક્રોધ અને દ્વેષને હણે છે. કૃષ્ણ તેને કહે છે કે તેણે કોઈ ભય વગર સ્વયંવરનો સામનો કરવો. કૃષ્ણ તેની પડખે જ છે. અને પરિણામે દ્રૌપદી અને દ્રુપદ ચિંતા મુક્ત બને છે.
દરમ્યાનમાં શિખંડી, યક્ષ સ્થૂલકર્ણની મુલાકાત કરાવી દ્રુપદને જણાવે છે કે લાક્ષાગૃહમાં દુર્યોધનના કાવતરાંના લીધે આગ લાગી હતી. જો દુર્યોધન ધનુર્વિદ્યાની કસોટી જીતી જશે તો રાજસભા સમક્ષ પાંડવોને બાળી મૂકવાનો આરોપ મૂકી તે
દરમ્યાનગીરી કરશે. દ્રુપદ કહે છે કે દુર્યોધન જેવા આતતાયીને પુત્રી વરે એ કરતાં તે ધર્મયુદ્ધમાં ઉતરશે. કૃષ્ણની મુલાકાતના લીધે જરાસંધ પણ દ્રૌપદીના અપહરણની યોજના રદ કરે છે.
પરંતુ …સ્વયંવરમાં શું થાય છે ?
સ્વયંવર મંડપ વચ્ચે એક જળાશય હતું. તેની ઉપર લક્ષ્ય ગોઠવવામાં આવ્યું હતું. તે હતું એક વર્તુળ આકારે ઘૂમતી માછલી. ધનુષ્ય વડે પાણીમાં પ્રતિબિંબ જોઈ તેને વીંધવાનું કાર્ય કરવા રાજસભા ઉપસ્થિત હતી. તેમાં ક્ષત્રિય રાજાઓ અને બ્રાહ્મણો પણ હતા. એક પછી એક રાજાઓ નિષ્ફળ પ્રયત્ન કરે છે.
અને…
કૃષ્ણની દ્રષ્ટિ બ્રાહ્મણોના કક્ષમાં બેઠેલા પાંડવો પર સ્થિર થાય છે. તેમની આંખોમાં ચમક છે કેમ કે કૃષ્ણને હવે પૂર્ણ વિજય દેખાય છે. તે બલરામને આ કહે છે …ત્યાં તો દુર્યોધન દ્રૌપદીને વરવાના મનોરથ સાથે ધનુષની પણછ બાંધવા પ્રયત્ન કરે છે અને તેને સંભળાય છે ભીમનું અટ્ટહાસ્ય. તેનો આત્મવિશ્વાસ રહેતો નથી અને તે નિષ્ફળ જાય છે. કર્ણ પણ સારથિપુત્ર હોવાને લીધે તેને ધૃષ્ટદ્યુમ્ન ભાગ લેતો અટકાવે છે.
અને…
બ્રાહ્મણોના કક્ષમાંથી ઉભો થાય છે એક તરુણ. દ્રુપદ કહે છે સ્પર્ધા બ્રાહ્મણો માટે પણ ખુલ્લી છે.
હવે…
સમસ્ત સભા અધ્ધર શ્વાસે આ બ્રાહ્મણ તરુણને , તેની ચપળતાને , તેની કુશળતાને જોઈ રહી છે. દ્રૌપદી પણ આતુરતાથી આ વીરના પ્રયત્નને નીરખી રહી છે …દૃઢતાથી યુવક લક્ષ્યના પ્રતિબિંબને જોઈ તીર છોડે છે અને માછલીની આંખ વીંધાય છે.
…ઉત્તેજનાથી સભર આંખો વાળી દ્રૌપદી સલજ્જ વદને યુવકના કંઠમાં વરમાળા આરોપણ કરે છે…
એ છે અર્જુન.
કેટલાક રાજવીઓ શસ્ત્રો લઈ ઊભા થાય છે. રાજકન્યા બ્રાહ્મણને ન વરી શકે. સ્વયંવરમાં માત્ર ક્ષત્રિયો જ હોય .
…પણ ભીમ ભયંકર ગર્જના સાથે એક વૃક્ષ ઉખેડી નાખી બધાને રોકી દે છે .
સભાના હર્ષનાદ વચ્ચે..
કૃષ્ણ કહે છે : “કૌંતેય , તને મારા આશીર્વાદ છે.”
દ્રુપદને સત્ય સમજાય છે. દ્રૌપદીને વરનાર આર્યાવર્તનો શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન જ છે .
દ્રુપદ કહે છે..
વાસુદેવ તમે તમારો કોલ પાળ્યો ખરો .
અને પાંચાલરાજના ગાલ પર હર્ષના અશ્રુ વહી રહ્યાં…
દ્રૌપદીના સ્વયંવરનું આ શબ્દચિત્ર મહાભારતની એ ક્ષણોને સજીવ કરી દે છે. મુનશીનું આ શબ્દ આલેખન માણતા આપણે પણ કલ્પના સૃષ્ટિમાં સજીવ થઈએ છીએ ….આપણને પણ દેખાય છે વાસુદેવનું સ્મિત , એ સ્નેહાળ આંખો, એ ચાલાક છતાં મમતામય વ્યક્તિત્વ , ધર્મના સંસ્થાપન માટે ઝઝૂમતા કૃષ્ણ …આંખોની એ ચમત્કારીતા ..
‘કૃષ્ણાવતાર ‘ 3 માં દ્રૌપદીના સ્વયંવર અને કૃષ્ણનું અદભુત ચરિત્ર માણ્યા પછી આવે છે ભાગ 4માં ‘ભીમનું કથાનક’. દ્રૌપદીના સ્વયંવરના અનુસંધાનમાં મુનશીની કલમનો કસબ અહીં પણ જોવા મળે છે. પાંડવો દ્રુપદ પાસેથી હસ્તિનાપુર જવાની યોજના બનાવે છે કેમ કે પિતામહ તથા ધૃતરાષ્ટ્ર તેમનું સ્વાગત કરવા માગે છે. ભીમ દ્રુપદ સાથે તેની તૈયારી કરવા ચર્ચા કરે છે. તે દ્રુપદને કહે છે કે તમારા જમાઈઓ વિજેતાના ઠાઠમાઠથી હસ્તિનાપુરમાં પ્રવેશે કે ધૃતરાષ્ટ્રના દીન , આધીન આશ્રિતો રૂપે? દ્રુપદ કહે છે કે તે જોઈએ તે હસતા મુખે આપશે . ભીમ ભાઈઓને આ વાત કરી સ્વાગત યાત્રાનો માર્ગ નક્કી કરે છે અને કહે છે કે તે મોખરે રહેશે અને કૃષ્ણ છેલ્લે જેથી લોકો તેને જ કૃષ્ણ સમજીને સ્વાગત કરે . કૃષ્ણ કહે છે કે ભીમ ડાહ્યો છે.
એ જ રીતે કાશીની રાજકુમારી અને દુર્યોધનની પત્ની ભાનુમતીની બહેન જાલંધરાના ભીમ સાથેના પ્રેમ પ્રકરણનું વર્ણન કરતાં મુનશીની રસાત્મક અને વિનોદી શૈલી જણાઈ આવે છે. કૃષ્ણ પણ અહીં વિનોદી પાત્ર તરીકે નજરે પડે છે. કૃષ્ણ અહીં વિનોદી વ્યક્તિત્વ તો છે જ પણ દુર્યોધનની પત્ની ભાનુમતીનો સંદેશ તેની બહેન દ્વારા મળતાં જ કૃષ્ણ દુર્યોધનની પરવા કર્યા વિના જ ભાનુમતીને મળવા જાય છે. પુત્રજન્મ બાદ બિમાર ભાનુમતી પોકાર કરે છે:” ગોવિંદ, તમે ક્યાં છો?” કૃષ્ણ ભાનુમતીનો હાથ આર્યપરંપરાથી વિપરીત, પરિણીત સ્ત્રીને સ્પર્શ ન કરવાની પ્રણાલિકા હોવા છતાં મરણોન્મુખ ભાનુમતીનો હાથ હાથમાં લઇ વચન આપે છે: “બહેન , હું હંમેશા તારી વહારે રહીશ”. ભાનુમતી દેહત્યાગ કરે છે. આપણી સજળ આંખોમાં પ્રસ્તુત થાય છે કૃષ્ણનું સ્નેહાળ , આર્દ્ર અને વાત્સલ્યમય સ્વરૂપ.
કૃષ્ણ માત્ર પ્રણાલિકા ભંજક નથી , વિનોદી અને વ્યવહારકુશળ જ નથી, કૃષ્ણ છે સામર્થ્ય અને સ્નેહ ; કૃષ્ણ છે વાત્સલ્ય અને પ્રેમ. આ વાત્સલ્ય , આ પ્રેમ , આ સ્નેહ પ્રતીત થાય છે ‘કૃષ્ણાવતાર’માં. મહાભારતની પૃષ્ઠભૂમિ સાથે મુનશીની શબ્દયાત્રા આપણી પણ સ્નેહયાત્રા બને છે. આપણી આંખો સમક્ષ એ જ મૂર્તિ પ્રસ્તુત છે … એ જ મોહિની …કૃષ્ણાવતાર…કૃષ્ણ એટલે જ મોહન… મનમોહન .
રીટા જાની