સોરઠ , તારાં વહેતાં પાણી .
હા , જે પાણી વહેતું છે એ નિર્મળ છે અને જીવનનું પણ એવું જ છે !
ઝવેરચંદ મેઘાણીનું જીવન પણ આમ વહેતી નદી જેવું અનુભવોથી પુષ્ટ અને પુલકિત હતું . પણ શું એમણે એવું ઇચ્છ્યું હતું ખરું ,આ આટલી બધી દોડાદોડી , આટલો બધો રઝળપાટ? હા, નાનપણથી જ એમનામાં એક ઈચ્છા પ્રબળ બનતી જતી હતી – જે સમાજ વચ્ચે એમનો ઉછેર થતો હતો , જે સંજોગોમાં એ પેલાં અભણ પણ દિલાવર દિલનાં ગરીબ લોકોના સંપર્કમાં આવતા હતા એ ઉપરથી એમણે જાણેકે એક ધ્યેય નક્કી કર્યું હતું ; અભણ અબુધ ભલી પ્રજામાં છુપાયેલ લોક સાહિત્ય પ્રકાશમાં લાવવું !
જીવનમાં કોઈ નાનેરું પણ ધ્યેય હોવું એ એક વાત છે અને ધ્યેય હાંસલ કરવા કૃતનિશ્ચયી બનવું એ બીજી અને અઘરી વાત છે. ‘હું આવું છું’ એ અંતરના અવાજને અનુસરવા મેઘાણીએ પુરી કિંમત ચૂકવી છે, અને હા, રાષ્ટ્રીય શાયર , પ્રખર સાહિત્યકારનું માન પણ એમને એટલે જ મળ્યું છે . પોતાની જાતને એ પહાડનું બાળક ગણાવે છે . ચોટીલા અને ગીરના પહાડો વચ્ચે ઉછરેલ મેઘાણીએ ક્યારેક ઘોડા ઉપર તો ક્યારેક ઊંટ ઉપર ને ક્યારેક પગપાળાં ડુંગરો , કોતરો , ભયાનક જંગલ ઝાડીઓ , નદી નાળા, પસાર કરીને શાળા જીવન દરમ્યાન અનુભવોનું ભાથું બાંધ્યું છે .. એ લખે છે ; “ નદીની ભેખડ પરના અમારા નિવાસની બારીઓમાંથી હૂ હૂ ભૂતનાદ કરતા પવન સુસવાટાએ મારી નીંદરું ઉડાવીને પહાડોના સંદેશા સંભળાવ્યા છે ..”
કયા હતા આ સંદેશાઓ ? એ , જે એમનું જીવન ધ્યેય બન્યા ! ફાગણી પૂનમના હુતાશણીનાં ભડકા ફરતા ગોવાળિયાઓ , ખેડુ – દુહાગીરો સામસામા દુહા સંગ્રામ માંડતાં તે આ બાળના માનસપટ પર સદાયે કોરાઈ ગયા. બે ચારણો સામસામા માત્ર ડાંગને ટેકે ઉભા રહીને કલાકોના કલાકો સુધી દુહા લલકાર્યા કરે, એવા અનેક પ્રસંગો એમના દિલમાં જડાઈ ગયા હતા .. વરસતા વરસાદમાં ઘોડાપુર પાણીમાં અંધારી રાતે જંગલો વચ્ચે બહારવટિયાઓના ભય સાથે કુદરત પ્રકોપ એ બધુંય ખરું અને દૂર કોઈ નેસડામાં રાત વાસો કર્યો હોય અને ઘરનો માલિક કોઈ દુહા શરૂ કરે ને પછી તો છેક સવાર પડે એ બધું આ પહાડના છોરૂંએ અનુભવ્યું …અને પછી એના ઉપર અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ પડ્યો! ભાવનગર અને જૂનાગઢ કોલેજોમાં મહાવિદ્યાલયોનું શિક્ષણ મળ્યું અને વિશ્વ લોકસાહિત્યની સમજ ઘડાઈ,દ્રઢ થઇ ,મન ઉતાવળું બન્યું એ સોરઠ અમૃત વાણીને વહાવવા.. સુજ્ઞ સમાજને આ અભણ સમાજનું સાહિત્ય દર્શાવવા ! ‘અદભુત ખજાનો! મારા સોરઠી સાહિત્યનો! આ અભણ અબુધ નિર્દોષ પ્રજાને કોણ સમજાવે કે ભાઈ આ બધું તો કાચું સોનુ છે? હું એ કરીશ! ‘એમણે વિચાર્યું હશે પણ – પણ ?
ભણી લીધા બાદ ભાવનગરમાં શિક્ષકની નોકરી મળી પણ ભાઈને માંદગીમાં મદદ કરવા કલકત્તા ગયા . જોકે સારું થયું કારણકે ત્યાં બંગાળી ભાષા પણ શીખી લીધી! મોરના ઈંડાને કાંઈ ચીતરવા પડે ? ભણવામાં પહેલેથી જ હોશિયાર !રોજ ઘેરથી નીકળીને સાયકલ પર હુગલી નદી સુધી જાય , ત્યાંથી બોટમાં સામે પાર નોકરી કરવા જાય , ત્યારે સવારે અને સાંજે દુકાનોના બોર્ડ વાંચે ને ધીમે ધીમે બંગાળી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું !રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યોનો ભાવાનુવાદ પણ હસ્તગત કર્યો !આ બધું જ એમને એમના ભાવિ ઘડતરમાં સહાયક થયું.
ઉમાશન્કર જોશી લખે છે , ‘ સારું થયું કે લોકસાહિત્યના ( આ ) સંસ્કારો પર અંગ્રેજી , સંસ્કૃત , બંગાળી સાહિત્યનો પુટ લાગ્યો ; નહીં તો સેંકડો સરસ્વતીપુત્રો – ચારણો સૌરાષ્ટ્રમાં હોવા છતાં હજી સુધી લોકસાહિત્ય નવા યુગનો સમાદર પામ્યા વગર રહ્યું હતું એ સ્થિતિનો અંત કેમ આવત?’ પણ આ માનવીના જીવનમાં ભગવાને હજુ ભ્રમણ લખ્યું હતું .. ૧૯૨૧માં કલકત્તાથી પાછા આવેલ આ ધ્યેયનિષ્ટ યુવાનને સૌરાષ્ટ દૈનિકમાં નોકરી મળી…અહીં એમણે પોતાની સૌ પ્રથમ સાહિત્ય કૃતિ પ્રકાશન કર્યું . રવીન્રન્દ્રનાથ ટાગોરની ‘ કથા ઓ કાહિની ‘ બંગાળી કવિતોને મેઘાણી ‘ કુરબાનીની કથાઓ ‘ એમ ભાવાનુવાદ કર્યા.લોકસાહિત્યનું મંગલાચરણ પણ ત્યારેજ થયું “ડોશીમાની વાતો ‘ દ્વારા .. અને લોકસાહિત્યની ભેખ પહેરેલ આ યુવાનને ધ્યેય સિદ્ધિની બધી અનુકુળતાઓ કુદરતે બક્ષી…
અબ્દુલ કલામે કહ્યું છે ને કે સાચું સ્વપ્નું તો એ છે કે તમને સુવા પણ ના દે; જેને સાકાર કરવા દિલ તત્પાપર હોય !
ઝવેરચં મેઘાણીએ માત્ર સાત વર્ષમાં સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ સાહિત્ય જગતને આપ્યા! બાળગીત , નારી ભાવનાને ઝીલતાં ‘ વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’ આપ્યાં ! સાહિત્ય જગતનો ઉગતો સિતારો ! અને એટલે જ તો ૧૯૨૮નો પ્રતિષ્ઠિત ‘ રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત થયો ! ગાંધી પ્રવાહ હેઠળ ૧૯૩૦માં રાષ્ટ્રભાવના ઉત્તેજિત કરે તેવા શૌર્ય ગીતોનો સંગ્રહ ‘સિંધૂડો’ પ્રગટ કર્યો.
કુદરત ફરી પોતાનો દાવ રમી ગઇ,જોધાણી નામની કોઈ વ્યક્તિને પકડવાની હતી પણ પોલિશ કોન્સ્ટેબલ મેઘાણીને પકડી ગયા અને બે વર્ષની જેલની સજા ફટકારી ત્યારે કોર્ટમાં મેઘાણી ગુજરાતી સાહિત્યની અનમોલ પંક્તિઓ બુલંદ અવાજે ગાયું ત્યારે કોર્ટમાં બેઠેલાં બધાંની આંખો ભીંજાઈ ગઇ ન્યાયાધીશ પણ બાકાત ન રહ્યા એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયા..
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ..
કલેજાં ચીરતી કંપાવતી એ ભય કથાઓ
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આસુડાંઓ
સમર્પણ એ સહુ પ્રભુ તારે ચરણ હો !
જેલમાં બીજાં સત્યાગ્રહીઓ સાથે એ પરિચયમાં આવ્યા ! જેના પ્રભાવે જેલમાં પણ એમણે ઘણાં અમર કાવ્યો રચ્યાં , તે વિષે આગળ સ્વતંત્ર લેખમાં વાત કરીશું.
પણ મેઘાણીની ગેરહાજરીમાં ‘સૌરાષ્ટ્ર ‘મેગેઝીન સરકાર જપ્ત કરી લીધું એટલે “ ફૂલછાબ” શરૂ થયુ અને જેલમાંથી છૂટ્યા બાદ મેઘાણી એ સાપ્તાહિકને સક્ષમ બનાવવા મચી પડ્યા. ત્યારે કુદરત ફરી કારમો ખેલ ખેલી ગઇ. દમયંતીબેનના અકુદરતી મૃત્યુથી સ્તબ્ધ બની ગયેલ મેઘાણી બરફ શીલા જેમ થીજી ગયા.. એક તરફ જોબ પોલિટિક્સ : “સૌરાષ્ટ્ર અને ફૂલછાબ રાજ રંગોમાં ઝબોળાયાં અને જીવતર પર હિમ પડ્યું .. મેં ખસીને માર્ગ આપ્યો..” મેઘાણી લખે છે ; “ એ હિમ ઉપર મિત્રોના સ્નેહ કિરણ ચમકતાં રહ્યા .. કાળ સંજોગો મેઘાણીને મુંબઈ લઇ આવ્યા.. જેમણે ‘સૌરાષ્ટ્ર ‘શરૂ કરેલ તેઓ જ હવે મુંબઈમાં એક નવું દૈનિક શરૂ થયુ ત્યાં મેઘાણીને છાપાનો એક નાનકડો વિભાગ આપ્યો મેઘાણી લખે છે , “ મારી ઝીણી બત્તી અજવાળી શકે એટલો નાનકડો ખૂણો”
તેમણે જન્મભૂમિના કલમ અને કિતાબ કોલમમાં લેખક અને વાચક બન્નેને રસ પડે તેવું પિરસયું ; સોરઠના વહેતાં પાણી હવે છેક મુંબઈ પહોંચી! કેવી રીતે અણગમતી પરિસ્થિતિમાં ટકી રહીને ગમતી પરિસ્થિતિ માટે ઇંતેજાર કરવો એ કોઈ મેઘાણી પાસેથી શીખે ! કેવાં વિપરીત સંજોગો હતા પણ કોઈ ઉચ્ચ ધ્યેય માટે દુઃખના વાદળોમાંથી બહાર નીકળવું જરૂરી હતું ..અને એજ અરસામાં નેપાળના રાજદરબાર ઘરાનાની સંસ્કારી વિધુર દીકરીને લઈને એ પંડિત કુટુંબ લાખ્ખોની મિલ્કત ગુમાવીને મુંબઈ આવ્યા હતા . સત્યાગ્રહના સંગ્રામ વેળાએ યરવડા જેલમાં જનાર આ વિધવા ચિત્રાદેવી પણ હતાં જેમની સાથે મેઘાણીના મિત્ર પત્ની પણ હતાં.
વિધિની વિચિત્રતા તો જુઓ! ઝવેરચંદ મેઘાણી ઉપર ચાર બાળકોને ઉછેરવાની સમસ્યા તો હતી જ ; અને મિત્ર પત્ની ચિત્રાદેવીનું નામ સૂચવ્યું, જે માત્ર ચૌદેક વર્ષે જ વિધવા થયેલ .. એટલે એ બંને લગ્નગ્રંથિથી જોડાય છે . કોઈ સમાજસુધારક આ આખા પ્રસંગને ‘ સુધારક પગલું ગણી એની ઉજવણી કરવા સૂચવ્યુ પણ મેઘાણી એને કહ્યું ; “ અમે તો અમારી સગવડનો જ વિચાર કર્યો છે” એમની નિખાલસતો જોવો …
મા વિનાના બાળકને ઉછેરવામાં પડતી મુશ્કેલીઓનું આબેહૂબ હ્ર્દયસ્પર્શી વર્ણન એમની ટૂંકી વાર્તાઓમાં દેખાણું જાણેકે સ્વાનુભવમાંથી જ આવતું હોય તેમ લાગે છે ! પણ આ સોરઠી જીવે જાણેકે જીવન વહેતાં પાણી જેમ વહેતું રાખ્યું હતું , તે ફૂલછાબ બંધ પડી જાય તેમ હતું એટલે બે જ વર્ષમાં એ પાછા બોટાદ આવી ગયા અને ત્યાં અંતિમ શ્વાશ છોડ્યા .આ સાહિત્યજીવ માનવ હૈયાને દિલથી ચાહનારો હતો , માત્ર લોકસાહિત્ય અને બહારવટિયાઓની લુખ્ખી વાતો કરનારો નહોતો.
કિશોરભાઈ વ્યાસ લખે છે; “ પ્રજાની રસરૂચીને સંવર્ધે એવું સાહિત્ય આપવા સાથે વ્યાપારી વૃત્તિઓથી દૂર જીવનના પ્રાણ સમ શુદ્ધ સાહિત્ય આરાધનાનો યજ્ઞ માંડેલો ; અને એવી જીવનશૈલી અપનાવેલી . રાણપુર નજીક નાગનેશ ગામ પર બહારવટિયા ચડી આવ્યા ત્યારે બહારવટિયાઓને ભીંસમાં લેવા પોલીસોની સાથે આખી રાત ખાઈમાં પડી રહ્યા હતા. બન્દૂક લઈને નીકળી પડેલ મેઘાણીને ખ્યાલ હતો કે ગામને પાદર બહારવટિયા આવે ને આપણે સામનો ન કરીએ તો બીજાને શું (ધર્મ સમજાવીએ)? જેવું લખવું એવું જ જીવવું એ મઁત્ર સાથે એ જીવેલા !”
એમના સાહિત્યમાં ચમકતા ઓજસ્વી તેજ પુંજ ની સરળ અને ભવ્ય વાતો આવતે અંકે !
અતિ સુંદર રજૂઆત. ખરેખર તમે મેઘાણીને
ઓળખ્યા છે. એટલું જ નહીં પણ તમે મેઘાણીને
આ પ્લેટફોર્મ પરથી એમના ચાહકોને ઓળખાવી
રહ્યાં છો. ધન્યવાદ, ગીતાબેન.
ભરત ઠક્કર
LikeLiked by 1 person
Thanks Bharatbhai! મેઘાણી વિષે લખું છું અને એમના જેવા નાનકડા ગામડાનો માનવી આટલું મોટું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરીને મહાન બની ગયો એમ વિચારતાં આપણા સૌ સાથે એમની સરખામણી કરતાં એમની મહાનતા સમજાય છે
જીવનમાં કોઈ નાનેરું પણ ધ્યેય હોવું એ એક વાત છે અને ધ્યેય હાંસલ કરવા કૃતનિશ્ચયી બનવું એ બીજી અને અઘરી વાત છે. અમેરિકામાં આવીને પૈસો અને ધન સંપત્તિ મેળવીને આપણું ઘ્યેય ભૂલી આનંદથી જીવનારાં આપણે સૌ !
Thanks , IPlease keep reading
LikeLike
ગીતાબેન, ખૂબ સુંદર આલેખન. લોકસાહિત્ય એટલે જેના હૈયામાં લોકોનું હિત હોય એવું સાહિત્ય. મેઘાણીએ પોતાના કઠિન સંજોગોથી વિચલિત થયા વગર કઈ રીતે આપણને આ સાહિત્ય પીરસ્યું તેની સુંદર વાત વાંચવાની મજા આવી.
LikeLiked by 1 person
Thanks Ritaben! સાહિત્યકારની કૃતિ વાંચીએ અને આનંદ આવે પણ જયારે ખબર પડે કે એ બધું માત્ર લખવા ખાતર લખાયેલ શબ્દ વૈભવ નહીં પણ જિવાયેલ સત્ય પ્રામાણિક જીવન હતું ત્યારે એ સાહિત્યકાર માટે વધારે માન ઉપજે . ગાંધી યુગ પહેલાં પંડિત યુગ હતો જેમાં ગુજરાતી સાહિત્યકારોએ ભરી ભરીને પાંડિત્ય પીરસ્યું છે .. જેમ જેમ હું મેઘાણી વિષે અભ્યાસ કરું છું તેમ તેમ તમારી જેમ હું પણ સાનંદાશચર્ય અનુભવું છું !
LikeLike
સૌરાષ્ટ્રં નો વટ પડે તેવી વાર્તાઓ માં સાથે સાથે “જેવું લખવું એવું જ જીવવું એ મઁત્ર સાથે એ જીવેલા” મેઘાણીની વાતો તમે સરસ વણી લીધી છે. આવતા અંક ની રાહ જોઈશું.
LikeLike
મેઘાણીની વાતો જેટલી વાંચીએ તેટલું વધુ વાંચવાનું મન થાય
LikeLike
લખવા ખાતર લખાયેલ શબ્દ વૈભવ નહીં પણ જીવાયેલ સત્ય વધુ બુલંદ હોય. મેઘાણીની રચનાઓ જેવું જ તો….
આ લોક સાહિત્યને ફરી એક વાર તમે તાજું કરી રહ્યા છો ગીતાબેન.
LikeLike