અભિવ્યક્તિ -૩૨-પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’

એક જૂના બંગલાની દસ બાય આઠની રૂમ, જમીન પર પથારી, એક ખૂણામાં આઠ વાટનો મૂંગો સ્ટવ, જમીન પર પડેલ બે ખાનાવાળા ખૂલ્લા ઘોડામાં ગોઠવેલ ચા-ખાંડના ડબ્બા, પ્યાલા-રકાબી, એક તપેલી, બે સ્ટીલના પ્યાલા, સાણસી, બીજા ખૂણામાં રકાબી ઢાંકેલ પાણીનું માટલું, ડોલ-ડબલું અને બે-ચાર જરૂરી વસ્તુઓ. લોખંડની પટ્ટીવાળા પલંગ નીચે પતરાની ટ્રંક અને એક ચેનવાળો થેલો. ખીંટી પર લટકાતાં લેંઘો, બે શર્ટ, બે પેન્ટ. ક્રોસમાં બાંધેલી દોરી પર બે-ત્રણ ઇનર્સ અને ઝાંખો ટુવાલ.
બંગલો કહેવાતા આ ટેનામેન્ટના કંપાઉંડની જમણી તરફથી પ્રદક્ષિણા કરો એટલે એક નળવાળી કોમન બાથરૂમ અને દેશી ટોઇલેટ, ખૂલ્લી ચોકડી અને નળની ઊંચી ચકલી. ચોમાસામાં છત્રી લઇ નહાવા જવાનું અને ‘કળશે જવા’ અરધી રાત્રે કસરત કરવાની. ટેનામેન્ટના કમ્પાઉંડમાં બે-ત્રણ આસોપાલવ, સફેદ કરેણન અને તુલસીજી ખરાં પણ આજુબાજુ નહિ ક્યાંય આંબો, નહિ વડ, નહિ પીપળો કે નહિ લીમડો. ક્યાંય નહિ નદી નહિ નાળા, નહિ સરોવર નહિ કૂવો.
શહેર કહેવાતા એક મોટા ગામથી નોકરી કરવા મોટા શહેરમાં નવાસવા આવેલ એક પોપટનું આ ઘર, આ એનું પ્રારંભિક રાચરચીલું.
માસીના રસોડે નિયમિત જમતો આ પોપટ રવિવારે સાંજે રસોડું બંધ હોય એટલે ભેળની લારી કે સેન્ડવીચના થડા શોધતો હોય છે. યોગાનુયોગ એક સાંજે વતનથી શહેરમાં કામ માટે આવેલ કોઈ દૂરના સંબંધીના સગાનો ભેટો થતાં જ પોપટની આંખમાં ચમક આવી જાય છે, પગમાં જોમ આવી જાય છે. એમ જ કહોને કે એની રગેરગમાં વતન વ્યાપી જાય છે. એ ત્યાંને ત્યાં રસ્તા પર જ વડિલને ભાવપૂર્વક પગે લાગે છે જાણે આખું ગામ એને આશીર્વાદ આપવા ઊતરી ન આવ્યું હોય!
બસ, પછી તો ઊભાઊભ ખબર-અંતરનો દોર ચાલે છે અને પેલા વડીલ ‘ઘરનું કંઈ પણ કામ હોય તો વિના સંકોચ જણાવ’ એવો વિવેક કરે છે. પોપટ જવાબ વાળે છે, ‘બસ, બીજું કંઇ નઈ, કે’જો કે મજામાં છું’. અને વડિલ પોસ્ટકાર્ડ બની બીજે જ દિ’ ગામ પહોંચી જાય છે અને પોપટના ઘરની ડેલીમાં દાખલ થતાંવેંત મોટે અવાજે સમાચાર આપે છે, ‘એ…પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’. પોપટના સમાચાર સાંભળી મા-બાપને પણ પોપટ રૂબરૂ આવીને કહી ગયો હોય એવી નિરાંત થાય છે.
‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’ એક કહેવત માત્ર હોવા છતાં અજાણ્યા બનીને મા-બાપ પણ સંબંધીના શબ્દમાં વિશ્વાસ મૂકે છે અને એમનો ભારોભાર આભાર માને છે.
નથી એમણે પોપટનું દસ બાય આઠનું ‘ઘર’ જોયું હોતું કે નથી એ લોકોએ ચાખી હોતી માસીના હાથની રસોઈ. છતાં એ લોકોમાં પોપટ આંબાની ડાળે ઝૂલતો હોય અને સરોવરની પાળે બેઠો હોય એવો રાજીપો ઉભરતો હોય છે. પોપટ પણ ઘર ભૂલીને ઉડાઉડ કરતો રહે છે.
ખરેખર તો ઉભય પક્ષે અણદીઠો વલવલાટ હોય છે, ભારેલો તલસાટ હોય છે. નોકરીમાંથી અઠવાડિયાની રજા ભેગી કરીને પોપટ ઘર ભણી જવા નીકળે છે ત્યારે એની પાંખમાં વેગીલો પવન વીંઝાય છે. એ આંબાની ડાળીએ બેસવા આવે છે ત્યારે વગર બોલે કબૂલાત થાય છે. પોપટને રોજ ‘ફરતું ફરતું’ ખાવા મળે છે. મા ‘અંદર ખાને’ જાણે છે કે પોપટ કેવો ભૂખ્યો હશે. બાપ પણ મનમાં સમજતો હોય છે કે પોપટ શું શું ન કરીને દર મહીને મનીઓર્ડરની કાપલીમાં પોપટ ‘હું મજામાં છું, તમે કુશળ હશો’ એવું લખતો હશે. મા વિદાય વખતે ખારાં થેપલાં અને ગોળપાપડી બાંધી આપી ઓટલે આવજો કરવા આવે ત્યારે બાપને ઓસરીથી આગળ આવવાની હામ નથી હોતી.

હવે તો કાચી ઉમરનાં પોપટ-પોપટીના ઝૂંડેઝૂંડ શહેર ભણી ઉડે છે. પાણી માગો ત્યાં અને રહેવું-વિહરવું એટલે જાહોજલાલી! પોપટ-પોપટીને ગોળપાપડી નથી ભાવતી, એમને મેકડોનાલ્ડ કોઠી પડી ગયું છે. પોપટ-પોપટીને ઝટ આંબાની ડાળી નથી સાંભરતી. મન પડે ત્યારે ‘કાચ અને કચકડા’ પર ‘એ..રામ રામ!’ બોલે છે. પોપટ ખરેખર ભૂખ્યો નથી અને તરસ્યો પણ નથી. એ ખરેખર આંબાની ડાળ અને સરોવરની પાળ ભૂલવાના પાઠ શીખે છે!Anupam Buch

તમે જૂની કહેવતનો પોપટ હો તો તમારા પૌત્ર-પૌત્રીને આંબાની ડાળના એ પોપટની દંતકથા કહી હળવા થજો.

અનુપમભાઈ બુચ

3 thoughts on “અભિવ્યક્તિ -૩૨-પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી’

  1. એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો,ચકો લાવ્યો મગનો દાણો . તેની બનાવી ખીચડી.
    ના… રે… ના,આજના ચકા ચકીને ભાત ભાતના દેશી વિદેશી ડીનર જ ખપે છે.હવે આ ચકા ચકી અને પોપટ પોપટીની દુનિયા આપણી કલ્પના બહારની રીતે બદલાઈ રહી છે.

    Liked by 1 person

  2. વાહ! કેવું સરસ વર્ણન.કોઈ ઉચ્ચકક્ષાના લેખક જ આ કરી શકે.દરેક વાચકનું હૈયુ આ વાંચીને વલવલાટ અને તલસાટ ચોક્કસ અનુભવે…નરી વાસ્તવિકતા.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.