સામી વ્યક્તિ તમારી નજરથી સમગ્ર સંસારના તંત્રને નિહાળે એવી અપેક્ષા શું કામ?
કવિતાની કેડીએ… – નલિની માડગાંવકર
તો?
તને નયન હોત જો મુજ, અને હતે ન્ય્હાળું તેં
સદૈવ મુજ દૃષ્ટિથી સકળ તંત્ર સંસારનું,
શક્યો ન હોત સંભવી કદીય તો વિસંવાદ આ,
ન હોત વણસ્યા બધા મૃદુ મનોરથો આપણા.
અને ઉભય આપણે સુખદ હૂંફ અક્કેકની
સદા અનુભવી કરે કર ગ્રહી, હસી વિઘ્નને,
સ્ત્રજી નિતનવીન કો મુધરપે મનોરાજ્યને,
અખંડ જયકામના ગજવતાં હતે જીવને.
‘અરે! નયન હોત જો મુજ તને!’-રહું ચિન્તવી;
અને હૃદય મુગ્ધ આ દ્રવતું એક નિ:શ્ર્વાસમાં;
મનોરથ વિનષ્ટ સૌ નયન પાસ નાચી, ઘડી
રહે છ મુજ મુંઝવી મતિ; તદા ફરી ચિંતવું.
નિહાળ્યું કંઈ તેં નહીં કદીય નેત્રથી માહરાં;
પરંતુ તુજ નેત્રથી નિરખી હું શક્યો હોત તો?
– મનસુખલાલ ઝવેરી
કવિ સુન્દરમ્-ઉમાશંકર જોશી પછી ગાંધીયુગના કવિઓમાં જેમનો અવાજ અલાયદો તરી આવતો જણાય છે એ છે કવિ મનસુખલાલ ઝવેરી. પંડિતયુગના સાક્ષર કવિઓ નવાં નવાં કાવ્યસ્વરૂપોનો વારસો પછીની પેઢીને આપ્યો અને આ સ્વરૂપોની ઉપાસના પ્રયોગ અને પરંપરાની સમતુલા જાળવીને ગાંધીયુગના કવિઓએ કરી છે. આજે એવા જ એક સોનેટની વાત કરવી છે. સોનેટમાં વિચાર સૂક્ષ્મ ગતિએ છેલ્લી બે પંક્તિઓમાં વળાંક લેતો હોય છે એની પ્રતીતિ અહીં પણ થાય છે.
કવિ મનસુખલાલની કવિતામાં એક ભાવ વારંવાર દેખાય છે અને એ છે વિષાદનો. એ માનતા કે ‘માનવજીવનમાં’ અષાઢ અને ફાગણ-આવનજાવન કરે છે. બાકી જો કોઈ સનાતન મોસમ હોય તો તે શ્રાવણની છે.’ આ માન્યતા જ ઘૂંટાઈ ઘૂંટાઈને અનેક કવિતામાં પ્રગટ થઈ છે. જીવનમાં અનેક કડવાં સત્યનાં ઘૂંટડાં પીધા પછી એને પચાવવા હોય તો સ્વીકૃતિ અને સમજણને સ્થાયી રાખવાં જોઈએ. માણસની વધતી અપેક્ષાઓ જ એને અકળાવીને શંકાશીલ બનાવે છે અને એ શંકાઓ આખરે તેમની વચ્ચેનાં સંબંધસૂત્રને છેદી નાખે છે. આવાં પરિણામોથી દૂર રાખવા ખુદને અને અન્યને જગાડતું આ કાવ્ય છે.
બે વ્યક્તિ વચ્ચેના વિસંવાદના મૂળમાં આવી જ અપેક્ષાઓથી સભર વિષમ ક્ષણો જોવા મળે છે. સમગ્ર જિંદગી માણસ એક જ અફસોસ સાથે જીવતો હોય છે કે ‘મને કોઈ સમજતું નથી. મારી દૃષ્ટિનો કોઈ વિચાર કરતું નથી.’ અહીં ઉપહાસ તો આપણી માન્યતાનો જ થતો હોય છે, કારણ કે સામી વ્યક્તિની ભાવ-ભાવનાઓનો આપણે એકપક્ષી વિચાર કર્યો હોય છે. ચિંતનથી કવિતા ભારેખમ નથી બનતી પણ આપણી દૃષ્ટિ એને ભારેખમ બનાવી દેતી હોય છે. ઝાડ પરથી ખરી પડતાં પીળાં પાંદડાંના ઢગલાઓને વાળીઝૂડીને સાફ કરવાનાં હોય-તો જ એનાં મૂળિયાંને નિરામય બનવામાં ગતિ મળતી હોય છે. પરંતુ આપણે એનો સંચય કરીએ છીએ. એનું ખાતર બનાવવાની આશામાં ભેગાં કરીએ છીએ. અને કોહવાટની દુર્ગંધને સહીએ છીએ. ભલે વનસ્પતિશાસ્ત્રીઓ આ પ્રક્રિયાને સહજ ગણે પણ જીવનમાં મનોકામનાનાં આવાં સૂકાં પર્ણોને આપણે ત્યજી દઈએ એ જ જરૂરી છે. તો જ નિરામય પ્રેમની આપણી અપેક્ષાની નિકટ જઈ શકીશું. કવિતાની શરૂઆત જ વેદનાગ્રસ્ત શબ્દોથી થઈ છે. કવિ એમ નથી કહેતા કે ‘તને આંખો નથી’ એ તો કહે છે, ‘તારી પાસે જો મારી દૃષ્ટિ હોત તો’ જાણે કે બે વ્યક્તિ વચ્ચેની ગેરસમજૂતીનું બીજ અહીં રોપાઈ ગયું છે. શા માટે ભાઈ? સામી વ્યક્તિ તમારી નજરથી સમગ્ર સંસારના તંત્રને નિહાળે એવી અપેક્ષા શું કામ રાખો છો? જીવનસાથીનો હાથ પકડીએ છીએ ત્યાં જ બે હથેળીના સંગમમાં એકબીજાના જીવનની પુરુષાર્થની દિશા એક થઈ જતી હોય છે. અથવા તો સમાંતર દિશાએ ગતિ કરતી હોય છે. પછી બે પંક્તિઓમાં કવિ વણસતા સંબંધો માટેનો સંકેત આપે છે. વિસંવાદિતા જાગે છે. મૃદુ મનોરથો એકના નથી, બંનેના છે. એ વણસે છે એટલા માટે કે સામી વ્યક્તિ આપણા અંતિમથી વિચારે એવી અપેક્ષા રાખીએ છીએ, આપણે માનીએ છીએ કે આપણું પ્રિયજન જો બધા જ સંજોગોમાં આપણી દિશાએથી વિચાર કરે તો વિરોધનો સંભવ જ નથી હોતો. કવિતાના બીજા શ્ર્લોકમાં સુખી દાંપત્યજીવનનું એક સ્વપ્ન છે. એકબીજાની સુખદ હૂંફને અનુભવતાં, હાથમાં હાથ ગ્રહીને સુખ પામતાં અને વિષમતા તથા વિરોધી જીવનતત્ત્વોને હસતાં હસતાં દૂર કરી શકીએ જો આપણે એકબીજાને સમજી શકીએ તો! કવિતાનો દરેક શ્ર્લોક આ ‘તો’ની અનિશ્ર્ચિતતાનો સંકેત કરે છે. મનોરાજ્યના માધુર્યને અનુભવતાં સર્વ દિશાઓના સાફલ્યને ગજવતો વિજય જ આપણો સાથી બને, પરંતુ આ તો સ્વપ્ન છે. વાસ્તવિકતા આનાથી કંઈક જુદી છે. ત્રીજા શ્ર્લોકના આરંભમાં જે પ્રાપ્ત નથી થયું એના માટેનો આવો જ અફસોસ છે. હૃદય પાસે નિષ્ફળતાના નિ:શ્ર્વાસ સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. અહીં મનોરથ સાથે હંમેશાં હૃદયને કલ્પ્યું છે, પણ મતિ સાથે ફરી ફરીને વિચાર-ચિંતન ઘૂમી રહ્યાં છે. જાણે હૃદય અને બુદ્ધિ બંનેની આ નિષ્ફળતા છે. આપણે જગતને જે નજરથી નિહાળીએ છીએ એ જ નજરથી અન્ય પણ જુએ એવું બનવું શક્ય બને? પરિણામે મૃદુ મનોરથો પણ વણસે છે. મનોરથો કેટલા કોમળ છે? ફૂલની જેમ ખીલતાં અને કરમાતાં એને વાર નથી લાગતી. સામી વ્યક્તિ પોતાની જ દૃષ્ટિથી જગતને જુએ આ ભાવ સાથે માણસની ભીતરની દૃષ્ટિનો કવિ સંકેત કરે છે. જે દૃષ્ટિને ઘડવામાં માણસના અનુભવો-સંચિત અનુભવો બહુ મોટો ભાગ ભજવતાં હોય છે. આ સંચિત અનુભવોમાં જેમ સારું-માઠું સમાયું છે તેમ સુખ અને દુ:ખની અનુભૂતિ પણ જોડાઈ હોય છે.
વાસ્તવમાં અન્ય માટેની સેવેેલી અપેક્ષા જ વહેતા જળ સાથે તણાઈ જતી વસ્તુઓની જેમ નિષ્ફળ બની વહેતી હોય છે. જળની સપાટી પર તરતા દીવાની જેમ એ સાર્થ નથી બનતી. આવાં સ્વપ્નો એ ધૂમ્રસેરની જેમ આકાર બદલનારાં હોય છે. એનો આધાર, એનો બદલાતો ઘાટ વહેતી હવાની પર નિર્ભર હોય છે. આ વેરવિખેર સ્વપ્ન આપણી જિંદગી પર કાયમનો વસવસો મૂકતી જાય છે. ધ્રુવપંક્તિની જેમ એક જ વાત મનમાં ધુમરાતી હોય છે;
‘મને કોઈ સમજી શકતું નથી.’ આ માન્યતા એટલી બધી બળકટ હોય છે કે એ માણસના સમગ્ર જીવનને, એની મહત્ત્વાકાંક્ષાઓને, સ્વપ્નોને પોતાની મુઠ્ઠીમાં જકડી રાખે છે.
છેલ્લી બે પંક્તિમાં સોનેટનો વળાંક પ્રભાવક લાગે છે.
બાર પંક્તિ સુધી કવિ જાણે ‘તું’, ‘હું’,ના સંબંધમાંથી જન્મતા ‘આપણે’ ને જ કેન્દ્રમાં રાખે છે. પરંતુ છેલ્લી બે પંક્તિમા કવિ માનવીય સંબંધને નવો વળાંક આપે છે.
સંબંધનો એક છેડો જેમ બે વ્યક્તિને જોડનારો છે તેમ બીજો છેડો એને ખુદને પણ અંતરના સંબંધથી જોડનારો છે. જે માણસ ભીતરથી ખુદની સાથે સંબંધ બાંધી પરિસ્થિતિની સચ્ચાઈને ઓળખી શકે છે એને જગત સાથેના સંબંધમાં વધુ તડજોડ કરવી પડતી નથી. જે વ્યક્તિને ચાહતાં હોઈએ એ પણ આવા ભીતરના સંબંધતંતુથી જોડાયેલી હોય છે.
આ સત્ય જે સમજી શકે છે એના અંતરમાંથી જાગેલી આ કવિતાની છેલ્લી બે પંક્તિઓ છે. માની લો કે તમારું પ્રિયજન તમારી દૃષ્ટિથી જગતને જોઈ શકતું નથી. તો તમે તો એની નજરથી જોઈ શક્યા હોત? કવિતામાં પ્રગટ થતી વેદના અહીં જ જાણે અંતિમ ચોટને સાધે છે. શક્યો હોત તો? જે સમયમાં આવું બનવું શક્ય હતું એ સમય જ હવે હાથમાંથી ચાલ્યો ગયો છે. આંતરરૂપ સાથેની તન્મયતા જાણી લીધી પછી અપેક્ષાઓ ઓગળી શકી, સામી વ્યક્તિના અંતિમેથી વિચારી પણ શકાયું છતાં આવા અદ્વૈતને સાધવાનો સમય હાથમાં ન રહ્યો. પ્રેમનો મર્મ સમજાવવા અને સમજવા માટેની આ કેન્દ્રની અનુભૂતિ છે. જે પોતાની અપેક્ષાઓને ઓગાળી દઈને સામી વ્યક્તિની અપેક્ષાઓને જાણીને એને સંતોષવા પ્રયત્ન કરે છે એની પાસે પ્રેમ શબ્દ બોલ્યા વગર પણ પ્રતીત થતો હોય છે.
કવિતાની આ ‘તો’?ની દૃષ્ટિની યથાર્થતા ફક્ત પતિ-પત્ની કે બે પ્રેમીઓને જ સ્પર્શતી નથી, પરંતુ પ્રેમના વિશ્ર્વમાં જેમના અસ્તિત્વને આપણે પોતીકું બનાવ્યું છે એ પિતા-પુત્ર કે માતા-પુત્રીની પણ હોઈ શકે. પ્રેમ આત્મરતિને સ્થાન આપતો નથી. આવો પ્રેમ જ અવનિનું અમૃત બની શકે છે.
સૌજન્ય :મુંબઈ સમાચાર -આભાર
સરસ કાવ્ય નો સરસ આસ્વાદ લેખ ગમ્યો .
LikeLike