વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…
નમસ્કાર મિત્રો, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજે ડિસેમ્બર મહિનાનો પ્રથમ ગુરુવાર. જોતજોતામાં આપણે 2021ના અંત સુધી પહોંચી ગયા. આ ડિસેમ્બર મહિનો એટલે ઈસુખ્રિસ્તના અવતરણનો મહિનો જે સમગ્ર વિશ્વમાં મૉટે ભાગે આનંદ અને ઉત્સવની છોળો વચ્ચે જ પસાર થાય. કેટલેક ઠેકાણે પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા પણ વ્યક્ત થાય. આ મહિને આપણે અંતર્ગત “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા(Gratitude) અને અહોભાવ વ્યક્ત કરતી કવિતાઓનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું.

હમણાં ગયા ગુરુવારે અહીં USAમાં Thanksgiving Dayની ઉજવણી થઇ. એક વર્ષના વિરામ પછી બધાએ પોતપોતાના મિત્રો અને પરિવારજનોની સાથે ઉજવણી કરી. Thanksgiving Day -એક એવો ખાસ દિવસ જેમાં તેજ રફ્તારે ભાગતી આ જિંદગીમાંથી થોડો પોરો ખાઈને, પ્રભુએ આપણા પર વરસાવેલા અગણિત આશીર્વાદ બદલ આભાર અથવાતો Gratitude વ્યક્ત કરવામાં આવે છે. આપણે આપણા પ્રત્યેક શ્વાસ રૂપી આશીર્વાદ માટે પરમાત્માના ઋણી છીએ.પરમાત્માની સાથે સાથે આપણા જીવનની નૈયાના ચાલકબળ સમી અનેક વ્યક્તિઓ અને વસ્તુઓ જે આશીર્વાદ બની પધારી છે તેના પણ આપણે ઋણી છીએ અને તે સર્વે પ્રત્યે સતત નિરંતર આભારની અનુભૂતિ થવી જોઈએ. પણ આપણે આપણા મોટા ભાગના આશિર્વાદને “taken for granted” ગણી લઈએ છીએ અને આપણને જે મળ્યું છે તેનો ઉત્સવ બનાવી ઉજવવાને બદલે જે નથી મળ્યું તેના પરત્વે વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને જિંદગીના છેવાડે પહોંચી જઈએ છીએ. English Poet William Henry Dawsonની કવિતા “Count Your Blessings” પર આધારિત અને જિંદગીમાં આપણને મળેલા અગણિત અમૂલ્ય આશીર્વાદને યાદ દેવડાવતી એક કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. તમે મૂળ અંગ્રેજી રચના આ લિક પર વાંચી શકશો. http://www.yourdailypoem.com/listpoem.jsp?poem_id=3596

૧૮૫૩માં જન્મેલા William Henry Dawson એટલે કે W.H. Dawsonના જીવન વિષે બહુ માહિતી ઉપલબ્ધ નથી. તેમણે લખેલું પુસ્તક Sunshine of Hope, and Other Poemsઘણી પ્રસિદ્ધિ પામ્યું. ૧૯૨૮માં તેમની જીવનલીલા સંકેલાઇ ગઈ હતી
ખુબ સરળ ભાષામાં લખાયેલી આ કવિતામાં કવિએ આપણી આસપાસ હરિએ છુટ્ટે હાથે વેરેલી નાની નાની ખુશીઓને સમાવી લીધી છે. હરિયાળી પ્રસરાવતા આ પુષ્પો અને પર્ણો અને કલરવ રેલાવતો આ પંખીઓનો સાદ એ પ્રભુના આશીર્વાદ નહિ તો બીજું શું છે?. આવી તો કેટકેટલી નાનીમોટી આશિર્વાદોની પોટલીઓ પ્રભુએ આપણી આસપાસ વેરેલી છે. પણ મોટેભાગે આપણે આપણા જીવનમાં મળેલી વ્યક્તિઓ અને વસ્તુઓને taken for granted ગણી લેતા હોઈએ છીએ. બાકી કસોટીઓ અને મુશ્કેલીઓ તો એ જિંદગીનો એક ભાગ છે, એક અફર સત્ય છે. આ કસોટીઓની સાથેજ આપણને મળેલા અમૂલ્ય અગણિત આશીર્વાદ માટે પ્રભુ પ્રત્યે આભાર વ્યક્ત કરતા કરતા જીવન વ્યતીત કરીએ તોજ કદાચ જિંદગીની સફર સુહાની બને. કોઈકે બહુ સરસ લખ્યું છે.
Count your blessings instead of your crosses.
Count your gains instead of your losses.
Count your joys instead of your woes.
Count your friends instead of your foes.
તો ચાલો, આજે મારી જિંદગીમાં પ્રભુએ વરસાવેલા આશીર્વાદનો આભાર માનતા માનતા હું મારી કલમ ને વિરામ આપું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક નવી કવિતા સાથે.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….
–અલ્પા શાહ