‘ઈન્દુની દીકરી’
ખીચોખીચ ભરેલી હોવાનાં લીધે માંડ ચાલી શકતી હોય એમ ગાડી પ્લેટફોર્મ પરથી ઊપડી. જીવ લેવા ગરમીથી ત્રાસેલા રામલાલે એક ઊંડો શ્વાસ લઈને બાજુમાં બેઠેલા પસીનાથી તરબતર , અર્ધ ઉઘાડા એવા ગામડીયા તરફથી નજર ફેરવીને સામેની સીટ પર બેઠેલી પત્ની તરફ કરી.
રામલાલના બે વર્ષનાં લગ્ન જીવનમાં હવે પહેલાં જેવી તાજગી રહી નહોતી. આમ પણ થોડા સમય પછી ગૃહસ્થીમાં અન્ય જવાબદારીઓનું ભારણ વધી જતું હોય છે. માતૃત્વ-પિતૃત્વની ભાવના, સમાન વિચારો, વીતેલા દિવસોની યાદો એક બીજાને જોડેલાં રાખે બાકી તો ક્યારેક મનના ક્લેશ એ જૂની તાજગીને ભૂસી નાખે એવું બને.
રામલાલના જીવનમાં આવું કશું જ નહોતું, સંતાન પણ નહોતું. જો હોય તો એ એક બીજાને સંતાપ્યા હોવાની યાદ માત્ર હતી. બસ એ પોતે કમાઈ લાવે અને પત્ની ઘર સંભાળે એમ એક બીજાની સગવડ સાચવી લેતાં. જો આને સુખ કહેવાય તો એ સુખી હતા. રામલાલ બી.એ. પાસ હતા. ક્યારેક એમને થતું કે પત્નીને એ ખબર હોવી જોઈએ કે પતિને ઘરમાં બે સમયની રોટી સિવાય બીજી અપેક્ષાઓ હોય છે.
વિચારોમાં ગરકાવ રામલાલની પત્ની માટેની ચીઢ ક્રોધમાં પલટાવા માંડી. એક તીખી નજર પત્ની પર નાખી. નથી એનો રંગ ગોરો, નથી એ જરાય સુંદર દેખાતી, આવી ગમાર એને ગમી ક્યાંથી ગઈ? જોકે પહેલી વાર જોઈ ત્યારે એટલી ખરાબ નહોતી લાગી. અને એને જાણ્યાં વગર જ માની લીધું હતું કે જીવનનો બધો ભાર એને સોંપી દઈને એ નિશ્ચિંત થઈ શકશે.
રામલાલે ઈન્દુ તરફ ફરી એક તીખી દૃષ્ટિ નાખી અને તરત ફેરવી લીધી. એમાં એવો ભાવ હતો જાણે કોઈ ગોવાળ મંડીમાંથી હટ્ટી-કટ્ટી ગાય ખરીદીને લઈ આવ્યો હોય અને પછી આવીને ખબર પડે કે એ દૂધ આપી જ નથી શકતી. સારું થયું કે એ દૃષ્ટિ પર ઈન્દુની નજર નહોતી.
એટલામાં ગાડીની ગતિ ધીમી પડી. દર એક સ્ટેશને ધીમી પડતી આ લોકલ ગાડીની સાથે રામલાલની જીભે એક બિભત્સ ગાળ આવીને અટકી જતી.
એની પત્નીએ બહાર નજર કરીને પૂછ્યું,” સ્ટેશન આવ્યું?”
રામલાલને એના પ્રશ્ન પર ખૂબ ચીઢ ચઢી. સાથે એમ પણ થયું કે નાહક પત્ની પર રોષ કરે છે. આનાથી વધારે સમજણવાળો સવાલ એ કરી એટલે એનામાં અક્કલ જ ક્યાં હતી.
વળી ગાર્ડની સીટી વાગી, લીલી ઝંડી ફરકી અને ગાડી ઊપડી.
ગાડીની સાથે રામલાલના વિચારોએ ગતિ પકડી, “ મેં પણ એની સાથે કયો સારો વ્યહવાર કર્યો છે? ભણી-ગણીને જો મારામાં આટલી સમજ નથી આવી તો એની પાસે શું ખાક હોય? સમજવાનું કામ સમજદારે કરવાનું છે. મેં વળી કયા દિવસે એની સાથે પ્રેમથી વાત કરી છે, પણ મનમાં એવો ભાવ જાગતો જ ન હોય તો ઢોંગ કરવાનો મતલબ શું?
વળી સ્ટેશન આવ્યું અને ગાડી અટકી. ઈન્દુએ બહાર નજર કરતા કહ્યું,” તરસ લાગી છે.”
રામલાલને એ અવાજ સાંભળવો પણ ન ગમ્યો. આવી રીતે કહેવાય? જરા આગ્રહપૂર્વક એવું કહેવું જોઈએ કે, સ્વામી મને તરસ લાગી છે. મને પાણી પીવડાવશો? બસ, બોલી લીધું. જાણે કોઈ પણ પાણી લાવીને પીવડાવશે તો ય એ પી લેશે, નહીંતર એમ પાણી પીધા વગર ચલાવી લેશે. છે જરા જેટલી પણ ઉત્સુકતા?
મન મારીને રામલાલે પાણીનો લોટો લીધો અને બહાર પ્લેટફોર્મ પર નજર કરી. થોડે દૂર લોકો ધક્કામુક્કી કરી રહ્યા હતા. રામલાલે ઊતરીને એ તરફ ચાલવા માંડ્યું.
ગામડામાં રહીને રામલાલ માંડ થોડું કમાઈ લેતો એટલે વધુ કમાણીના આશયથી શહેરમાં સ્થાયી થવા માંગતો હતો. શહેરમાં એક આદમીને રહેવાનું ભારે ન પડે. ખર્ચોય ઓછો થાય. પણ ખર્ચાનું વિચાર્યા વગર પત્નીને સાથે લીધી હતી.
વિચારોમાં ડૂબેલો રામલાલ પાણીના નળ સુધી પહોંચ્યો. એટલામાં ગાર્ડે સીટી મારી, લીલી ઝંડી ફરકી અને ગાડી ઊપડી. વિચારોમાં મગ્ન રામલાલને થોડી વાર સુધી તો ખબર ના પડી. રામલાલ પાછો ન આવ્યો અને ગાડી ઊપડી એટલે ઈન્દુને ચિંતા થઈ. આકળવિકળ થઈને કંપાર્ટમેન્ટના બારણાં સુધી દોડી. દૂરથી રામલાલને પાણીનો લોટો લઈને દોડતો જોયો. એ પોતાના ડબ્બા સુધી તો ન પહોંચી શક્યો, પણ પાછળના ડબ્બાનું હેન્ડલ પકડીને ગાડીની સાથે દોડતા એને જોયો. ગાડીની ગતિના લીધે એ ડબ્બામાં ચઢી પણ નહોતો શકતો.
હવે? એ પાછળ રહી તો નહીં જાય ને? એ ડરી ગઈ. ક્ષણમાં તો કેટલાય વિચારો ગાડીની ગતિથી મનમાં આવીને પસાર થઈ ગયા. પરદેશમાં એ એકલી છે. પાસે પૈસા નથી. અરે! પૈસા તો ઠીક અત્યારે હાથમાં ટિકિટ પણ નથી. ટિકિટ ચેકર ટિકિટ માંગશે એ શું કહેશે?
એ જેટલું બહાર વળી વળીને જોતી એટલી વાર એને રામલાલ ગાડીનું હેન્ડલ પકડીને દોડતો દેખાતો. એના પગની ગતિ પરથી સમજી શકતી હતી કે એને ખૂબ ઝડપથી દોડવું પડી રહ્યું છે. પોતાની જાત પર ગુસ્સો આવ્યો. એવી તે કઈ પાણી પીધા વગર મરી જતી હતી કે રામલાલને દોડાવ્યો?
એટલામાં રામલાલ પાછળના એ ડબ્બાના બારણાંની ઘણી નજીક આવીને ચઢવા મથ્યો. ઈન્દુને થયું કે હવે એ ચઢી ગયો હોય તો સારું. જોવા નજર કરી. એ જ ક્ષણે અંધકારમાં જાણે કોઈ ડૂબ્યું. એક લાલ છોળ ઊઠી અને ગાડી ભયંકર ચિચિયારી કરતી ઊભી રહી ગઈ. ગાડી ઊભી રહેતાની સાથે કારણ સમજ્યા વગર દોડીને રામલાલ પહેલાં બેઠા હતાં એ ડબ્બામાં ઘૂસ્યો. ઈન્દુ ક્યાંય નજર ન આવી.
રામલાલને જોવા ઝૂકેલી ઈન્દુનો હાથ છૂટી જતાં એ ગાડી અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. એના સાથળ અને ખભા શરીરથી છૂટા પડી ગયા હતાં. ચહેરા પર બીજી કોઈ ઈજા નહોતી, પણ એક આંખ સૂજીને બંધ થઈ ગઈ હતી. લોહીથી લથપથે વાળ જટા જેવા બની ગયાં હતાં.
જરા વારે એકઠાં થયેલા ટોળામાં રામલાલ પણ ઘૂસ્યો. થોડી વારે ઈન્દુની એક આંખમાં કંપન થયું. રામલાલ તરફ નજર કરીને અનુમતિ માંગતી હોય એમ એ બોલી,” હું તો ચાલી.” અને સદાના માટે આંખ મીચી દીધી. રામલાલના હાથમાંથી પાણીનો લોટો સરી પડ્યો.
ડૉક્ટરે આવીને ઈન્દુના માથે એની સાડીનો પાલવ ખેંચીને એનો ચહેરો ઢાંકી દીધો. થોડી વાર ઊભી રહીને ગાડી ચાલી ગઈ.
રામલાલને થયું,ગાડી તો શું દુનિયા પણ ક્યાં કોઈના માટે અટકે છે?
******
એ વાતને વીસ વર્ષના વહણાં વહી ગયાં છે. આજે કલકત્તાથી રૂપિયા કમાઈને રામલાલ સેકંડ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરી રહ્યો છે. આજે એને ગાડી પર કોઈ ખીજ નથી, એ વતન પાછો ફરી રહ્યો છે. થોડો થાકેલો છે.
એક નાનકડાં સ્ટેશન પર ગાડી અટકી. રામલાલ હડબડાઈને બેઠો થઈ ગયો. પ્લેટફોર્મ પર ઊતર્યો. કુલીને ના જોતા, જાતે સામાન ઉતારીને એક બાંકડા પર ગોઠવાયો. નાના સ્ટેશન પર લાઇનમેન અને કુલી બધું કામ એક જ વ્યક્તિ કરતી હતી. દૂરથી એણે રામલાલને જોયો. પાસે આવી ઊભો રહ્યો. એણે આવો સરસ સૂટ-બૂટ પહેરેલી વ્યક્તિ પહેલાં ક્યારેય જોઈ નહોતી.
“બાબુજી, કેમ આવવાનું થયું? ક્યાં જવાના? રોકાવાના છો? “
“ના, કાલે સવારની ગાડીમાં જતો રહીશ.”
“બહાર ક્યાંક રોકાવું પડશે. અહીં તો વેઇટિંગ રૂમ નથી.”
“અહીં બેંચ પર જ બેસીશ.”
લાઇનમેન ઉલઝનમાં પડ્યો. આ આખી રાત અહીં ઠંડીમાં બેસીને ઠરી જશે.
“તમે અહીંયા કેટલાં વર્ષથી છો?” રામલાલે વાત કરવા સવાલ કર્યો.
“અરે ભાઈ! શું કહું, આખી ઉંમર અહીં જ પસાર થઈ છે.”
“તમે હતા અને કોઈ દુર્ઘટના બની છે?”
જરા વિચારીને એ વૃદ્ધ આદમીએ કહ્યું, “હા સાહેબ, થોડે દૂર ત્યાં એક ઓરત ગાડીની નીચે કપાઈ મરી હતી.”
“હમ્મ..”
હવે એ વૃદ્ધ લાઇનમેને વર્ણન શરૂ કર્યું. રામલાલને થયું કે એણે આ નહોતું પૂછવું જોઈતું. એને વાત કરતાં અટકાવવા એણે પૈસા આપીને વિદાય કર્યો. લાઇનમેને ત્યાંનો એક માત્ર લેમ્પ હાથમાં ઊઠાવીને ચાલતી પકડી. વિચારોના ચક્રવાતમાં અટવાતા રામલાલે પ્લેટફોર્મ પર ટહેલવા માંડ્યુ. એને થયું,આદમી ક્યારેક વીસ વર્ષો વીસ મિનિટ કે વીસ સેકંડમાં જીવી લે. અને ક્યારેક એ વીસ સેકંડ કે વીસ મિનિટ વીસ વર્ષ જેવા લાગે. અંધકારમાં એકલતા વધુ સાલવા માંડી.
ચાલતા ચાલતા પ્લેટફોર્મ પરથી રેલ્વે ટ્રેક પર ઊતરી આવ્યો. આગળ જતા રેલ્વે ટ્રેક પર જાણે લાકડાંની સ્લીપરો પર લોહીના ધબ્બા દેખાતા હતાં.
“આવું તો ના હોય, મનમાં આવેલી શંકાને ધક્કો મારતાં બબડ્યો. આ વીસ વર્ષમાં તો કેટલીય વાર સ્લીપર બદલાઈ હશે. પણ મન કહેતું હતું કે સ્થળ તો આ જ હતું. આંખો બંધ કરીને ફરી એ વીસ વર્ષ પહેલાંનું દૃશ્ય જોઈ રહ્યો. એણે જાણે પોતાની જાતને ઈન્દુના હવાલે કરી દીધી. એટલમાં ક્યાંકથી એને સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો. એ અવાજ તરફ એણે ચાલવા માંડ્યું, જો કે ઈન્દુ તો ક્યારેય રડી નહોતી. તો આ અવાજ કોનો? આ અવાજમાં આટલી કશિશ કેમ અનુભવાય છે? કોણ છે આ?
કોઈ જવાબ ન મળ્યો. પણ રેલ્વે ટ્રેક પર ઘેરા રંગના આવરણમાં લપેટાયેલી એક સ્ત્રી જાણે દેખાઈ. રામલાલ એની પાછળ દોરવાયો. હજુ આગળ, વધુ આગળ એ ચાલતી રહી. રામલાલ એની પાછળ દોરવાતો રહ્યો, ત્યાં પગમાં જાણે કશો મુલાયમ સ્પર્શ થયો. એણે વાંકા વળીને સ્પર્શી જોયું. એક રેશમી પોટલીમાં લપેટાયેલું નાનું બાળક હતું. રામલાલે એને ઊઠાવી લીધું. ઠંડીની રક્ષણ આપવા ઓવરકોટ નીચે ઢાંકી દીધું. સવારની પાંચ વાગ્યાની ગાડીમાં એ પેલી પોટલી સમેત ગોઠવાયો.
પોતાના ગામ પહોંચીને રામલાલે પાકું મકાન બાંધી દીધું છે. એમાં પેલી નાનકડી શિશુ-કન્યા સાથે રહે છે. એનું નામ ઈન્દુકલા રાખ્યું છે. એક આયા છે છે જે ઈન્દુકલાનું ધ્યાન રાખે છે.
ગામના લોકોને રામલાલ ગાંડો લાગે છે. જ્યાં ઈન્દુ જાય છે ત્યાં આંગળી ચીંધીને કહે છે, “ પેલી જાય, પાગલ બુઢ્ઢાની દીકરી.”
કોઈ વ્યંગમાં પૂછે છે,” દીકરી કે પાપનું પોટલું?” પણ રામલાલને કોઈની પરવા નથી. એના હૃદયમાં વિશ્વાસ છે કે, એની ક્ષમાશીલ ઈન્દુએ જ પોતાના સ્નેહપૂર્ણ પ્રતીક સમી દીકરીની ભેટ આપી છે.
સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સયાયન-અજ્ઞેયની વાર્તા ‘ઈન્દુ કી બેટી’ ને આધારિત ભાવાનુવાદ
રાજુલ કૌશિક
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com