હમણાં આ અઠવાડીએ રાષ્ટ્રીય શાયર મેઘાણીની સવાસો વર્ષની જન્મ જ્યંતી વિશ્વમાં ઠેર ઠેર ઉજવાઈ ત્યારે જે એક કાર્ય માટે મેઘાણીનું પ્રદાન આજે પણ અજોડ ગણાય છે તે લોકસાહિત્ય વિષે આજે આ કોલમમાં વાત કરવી છે : લોકસાહિત્યની બે બાજુઓ ! સારી – અને અવળી !!
સંત સૂરો ને સતીયુંને દીધી જેણે વાણી ,
અરે પાળિયા એ જીવતા કર્યા , તને ધન્ય છે મેઘાણી !’
હા , લોક સાહિત્ય ને ચિરંજીવ કરનાર, પાળિયા એ જીવતા કરનાર ,સામાન્ય લોકોની અસામાન્ય વાતો વિશાળ પ્રમાણમાં સુજ્ઞ સમાજ સમક્ષ લઇ આવનાર- સૌ પ્રથમ હતા મેઘાણી !
એક વખત એકપુસ્તકલયમાં ભણેલ ગણેલ ગુજરાતીઓનું મંડળ ભેગું થયું હતું . અને મેઘાણી (કદાચ અનાયાસે જ)એ પુસ્તકાલયમાં હતા .
જાણીતા સાહિત્યકાર વિદ્વાન જયંત કોઠારી લખે છે ; “ રોયલ એશિયાટિક સોસાયટીના એ ગ્રંથાલયમાં પારસી ગુજરાતીઓની એક નાનકડી મંડળીમાં મેરેજ સોન્ગ્સ “Marriage Songs” વિષયનો એક અંગ્રેજી નિબંધ વંચાઈ રહ્યો હતો …અને એમાં એક ગુજરાતી લગ્ન ગીતનો -તુચ્છ ગુજરાતી લગ્ન ગીતનો -નિર્દેશ હતો … ( એટલે કે એ લોકો અંગ્રેજીમાં ગુજરાતી લગ્નગીતની નકારાત્મક ટીકા કરી રહ્યા હતા )
ઝવેરચં મેઘાણી પોતે સ્નાતક કક્ષાના અભ્યાસ કરેલ , કોલેજ ગ્રેજ્યુએટ હતા એ તો વાચક મિત્રો તમને ખબર જ છે !
પોતે દ્રઢ માનતા કે યુનિવર્સીટી શિક્ષણમાં જે પ્રકારની પંડિતાઇ પોષાય છે તેને માટે તેમનું માનસ ઘડાયેલું નથી ..
આમ તો મેઘાણીએ પોતે પણ સાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો . કોલેજમાં એમણે અંગ્રેજી સાથે અન્ય ભાષાઓનો અભ્યાસ કર્યો હતો . કલકત્તામાં રહ્યા ત્યારે બંગાળી સાહિત્યનો અભ્યાસ પણ કર્યો હતો .તેઓ પોતે સૌરાષ્ટ્રના પહાડો અને જંગલો વચ્ચે ઉછર્યા હતા અને ક્યારેક ભયન્કર અંધારી રાત્રીએ ફરજીયાત કોઈ જંગલમાં અજાણ્યાઓ વચ્ચે રાતવાસો કર્યો હતો . એ લોકોની મહેમાનગીરી માણી હતી . એમનામાં છુપાયેલ લોકસાહિત્યનો વારસો એમણે પીછાણ્યો હતો . અને એ લોકો પ્રત્યે પ્રેમ હતો જ . એમનું સાહિત્ય શોધીને સમાજને આપવાની ઈચ્છા પણ હતી . અને એટલે જ કલકત્તાથી સારી નોકરી છોડીને એ ગુજરાતમાં પાછા આવેલ .
એટલે , એ દિવસે ગ્રંથાલયમાં પારસી ગુજરાતીઓની -આવા છીછરાં લોકોની અતિશય છીછરી વાતોથી એ ઘવાયા … એટલે તે દિવસે એમણે કટાક્ષમાં કહ્યું ; “વાહ , ( આ ભણેલાં લોકો !) થોડી સામગ્રી સાંપડે એટલે તરત જ તેના પર લખવું ! અને પંડિત બની જવું ! આ અંગ્રેજી ભાષાની ઘેલછા પણ એવી છે કે એ અંગ્રેજી ભાષા ચીંથરાની ઢીંગલીને પણ પાંડિત્યનો પોષાક પહેરાવી શકે છે !”
હા , વાત પણ સાચી જ હતી ને? આપણે ત્યાં એ સમયે ( અને હજુ આજે પણ ) અંગ્રેજીમાં જે પણ લખાયું હોય તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય લાગે , પણ આપણું ઉચ્ચ કક્ષાનું સાહિત્ય જો ગ્રામીણ લોકો પાસેથી આવે તો તુચ્છ લાગે !!
એટલે એ દિવસે એમણે કહેવાતા ભણેલ સમાજ પર રોષ ઠાલવ્યો હતો .
આજે આપણે ‘ લોક’ શબ્દનો અર્થ people એમ કરીએ છીએ ; એટલે કે ‘જનતા’ એમ કરીએ છીએ પણ સાચા અર્થમાં લોક એટલે Folk – મેઘાણીનાં એ લોકો એટલે ખેડૂત – કણબી ,વાણિયાં, બાહારવટિયા, સાધુ -સંતો , ખારવા – માછીમારો , હજામ , હરિજન , અને મકરાણી – બલોય , વાઘેર , હિન્દૂ અને મુસલમાન ..! એ બધાંય સ્વાભાવિક રીતે જ અભણ ને ઓછું ભણેલ ! એ સૌ એ ‘લોક’ શબ્દમાં અભિપ્રેત છે .
મેઘાણીએ પોતે જ કહ્યું છે કે સામાન્ય માનવીની વાતો લખનાર શામળ ને પ્રેમાનંદ ય બધાનું સાહિત્ય ગજ રાજનાં સાહિત્ય જેવું જાજરમાન છે . અને એને ભણેલ ગણેલ સમાજમાં સ્થાન મળ્યું છે , પણ આ લોકસાહિત્ય તો બકરી ને ગાય જેવું ! એ ગામની શેરીઓમાં , મહોલ્લાઓમાં ,વાડામાં ને ગલીઓમાંયે સમાઈ જાય ; ને પૌષ્ટિક દૂધેય આપે !
મેઘાણીને દેખીતી રીત જ એ લોકો અને એમનાં આ સાહિત્ય પ્રત્યે પક્ષપાત છે ..
પણ આ લોકસાહિત્ય જે શહેરથી દૂર ,ગામડાઓમાં વસેલાં રબારાં , કોળી , રજપૂત , ગરાસિયા વગેરે સમાજનું વારસાગત ઉતરી આવેલું લોકબોલીમાં સચવાયેલું સાહિત્ય હતું તેની , સિક્કાની બીજી પણ બાજુ છે!
સુજ્ઞ સમાજે એની ટીકા પણ કરી છે . અને આપણે તટસ્થ રીતે જોઈએ તો આપણને પણ એ સાહિત્યની બીજી બાજુ દેખાશે.
તમે જ જુઓ :
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્યની એ બીજી બાજુ દર્શાવે છે :
સ્ત્રીના કૌમારત્વની વાત કરતા એ લખે છે કે એ કુંવારિકાઓ , “ ચોખો”પુરુષવાચક શબ્દ એટલે એ જમવામાં પણ ના લે !એટલું તો કડક બ્રહ્મચર્ય પાળે ! અરે જીવતા પુરુષની સામે પણ ના જુએ એટલું જ નહિ ચોખા , બજારો , મગ, જેવા અનાજ પણ પુરુષવાચક હોવાથી એ પણ ના ખાય !
વાચક મિત્રો ! આને તમે શું કહેશો ?
લોકસાહિત્યની વાતોમાં એ વર્ગનાં સંસ્કારો અને જીવન મૂલ્યોને બિરદાવીને એને “દિલાવર સંસ્કાર” કહીને સોરઠી બહારવટિયાઓ અને સંતોની વાતો કહે છે ; પણ એની નબળી બાજુઓ પણ છે જ .
એ અભણ વર્ગની જુનવાણી માન્યતાઓ ,એની રૂઢિઓ , વહેમ , કલહ કંકાસ અને અજ્ઞાન પણ છે જ . જુના વેર , દગો , ઘાતકીપણું એ બધું જ અહીં છે.
લોક સાહિત્યમાં સાસરિયામાં ત્રાસ અને પિયરમાં નણંદ ભોજાઇના દુઃખની ગાથા , દેરાણી જેઠાણી વચ્ચેના વિવાદ , એ બધું જ જે દર્શાવ્યું છે એ શું એટલે અંશે સત્ય હશે ? પ્રશ્ન છે .
“વહુએ વગોવ્યાં મોટા ખોરડાં રે લોલ !“અને “માડી હું તો બાર બાર વર્ષે આવીયો “ વગેરે લોકગીતો યાદ આવે છે .. જેમાં વહુને નસીબે ઝેર પીને મરવાનું જ લખ્યું છે !!
એ જ રીતે સંત ચરિત્રો અને વ્રત કથાઓમાં સાધુ સંતોનું માહત્મ્ય છે .. પણ એ સાધુઓ જે સાદું સરળ જીવન જીવે છે તે પૂરતું નથી : એ કથાઓમાં એ જ સાધુઓ મહાન છે કે જે પરચો બતાવે છે ; ચમત્કાર કરે છે ! હવામાંથી ભસ્મ કાઢીને સોનામહોરો વરસાવે છે !છોકરાને ખાંડણીમાં ખાંડી નાખી ને પછી દીકરાને જીવતો કરે છે !
આ લોકસાહિત્યમાં :સ્ત્રીના શિયળ પર શંકા કરનાર કોઢિયો થાય .. અથવા તો સતીના સતને પ્રતાપે ભગવાન પ્રસન્ન થાય અને ધણીને શ્રાપ આપે .. વગેરે વગેરે !!
વાચક મિત્રો , આપણે ખબર છે કે વસ્તવિક જીવનમાં આવું કાંઈ બનતું નથી ; પણ આ બધાં ચમત્કારોની વાતો અભણ પ્રજાને ગુમરાહ કરે છે ..
જો કે ઝવેરચંદ મેઘાણીની કેટલીક નવલિકાઓમાં આવી અંધ શ્રદ્ધા ઉપર એમણે એ પ્રશ્ન પણ કર્યા છે ..
આજકાલ શ્રાવણ માસમાં નાગ પાંચમ, શિતળા સાતમ વગેરે તહેવારો આપણે ઉજવી રહ્યા છીએ … એમાં સત કર્મ કરવાની પ્રેરણા મળે તેવા પ્રસંગો છે . કોઈનાં દુઃખ દૂર કરવા મહેનત કરનારને શિતળા માતા પ્રસન્ન થાય એ સંદેશો સારો છે , પણ બાળકને જો ખરેખર શિતળા કે ઓરી અછબડાં નીકળ્યાં હોય (હવે તો આ બધું વિશ્વમાંથી નાબૂદ થઇ ગયું છે – રસીની શોધ થતાં ) તો યોગ્ય મેડિકલ મદદ લેવી જોઈએ એવો સન્દેશો પણ એ અભણ પ્રજા સુધી પહોંચવો જોઈએ ને ?
મેઘાણીએ પણ કબુલ્યું છે કે હા , મરેલાં પુનર્જીવિત થાય તેવી ભ્રાંતિ આપણે ઉભી નથી કરવાની , પણ , રાજાની કુડી નજર પડતાં જાતને સમૂળગી વાઢી નાખનાર કે શરીરે સાપ વીટળાયો હતો છતાં પોતાની દેહ મર્યાદા ન છોડનાર સ્ત્રીને નમન કરવામાં ખોટું શું છે ?
વાચક મિત્રો , આ પ્રશ્ન તો હું તમને જ પૂછું છું :
મેઘાણીએ લખ્યું છે : “ બેશક , આજે આપણને દેહ મર્જાદનાં જૂનાં ધોરણો ઢીલાં કરવાની જરૂર પડી છે .લજ્જાની કેટલીક લાગણીઓમાં આપણને અતિરેક જણાયો છે .. પણ ઉપર જણાવ્યા તેવા દ્રષ્ટાંતોને નમવાથી આજના યુગમાં ગત યુગના પ્રસંગોને અપમાન સમજવાની જરૂર નથી . પતિ ભક્તિ , શિયળ , આતિથ્ય ઇત્યાદિ ગત યુગની ઉગ્ર ભાવના – અતિ ઉગ્ર ભાવના અને અતિરેકને અનુકરણીય ના ગણીએ, પણ એને આદર યોગ્ય તો ગણી શકાય ને ? એમાં કોઈ પ્રભાવક જીવન તત્વ તો જરૂર વિલસી રહ્યું છે ..
આપણે ત્યાં પુરાણોમાં વાર્તાઓમાં આવે છે કે એક ફૂલ ઓછું પડ્યું એટલે માથું વધેરી દીધું !
મેઘાણી આપણી એ કમળપૂજા ને જાપાનની હારાકીરી ની મૃત્યુ ભાવના સાથે સરખાવે છે અને કહે છે કે આવાં મૃત્યુને બુદ્ધિ હસી કાઢે છે , પણ તેમાં મરનારનો દેહ પરનો વિજય દેખાય છે તેને કોઈ પણ બુધ્ધિવાદની હોશિયારી ઝાંખો પાડીશકશે નહીં .. અહીં એ પ્રથાનું સમર્થન નથી પણ એમાં પ્રગટ થતી પ્રાણ શક્તિને અંજલિ છે .
આવા ગંભીર મુદ્દા પર સહેજ સ્પર્શવાનું એક કારણ છે !
મેઘાણીની વિદાયને પણ પોણી સાડી વીતી ગઈ . સમય બદલાયો . સંજોગો બદલાયાં. અરે સ્થળ પણ બદલાઈ ગયાં. મેઘાણીના સાહિત્યની શાશ્વતતા માણવા આ બધું જાણવું પણ જરૂરી છે . સારો સાહિત્યકાર માત્ર તત્કાલીન સમાજનું પ્રતિબિંબ જ નથી ઝીલતો , એ પોતે એનું પ્રતીક બની જાય છે ! એ સમયના સમાજમાં દેશ ગુલામીમાં ડૂબેલો હતો , મિથ્યા અભિમાન અને નાના નાના વાડાઓમાં વહેંચાયેલ લોકોને કોઈ પણ રીતે જગાડીને રાષ્ટ્ર ભાવના માટે જાગૃત કરવાનાં હતાં! ગાંધીજીએ ખુબ વિચારીને આળસુ લોકોને માત્ર રેંટિયો કાંતવાનું , સ્વાવલંબી બનવાનું સમજાવ્યું ; બસ , એ જ રીતે લોકોને એક કરવા રાષ્ટ્રીય કવિ મેઘાણીએ લોકસાહિત્યનું શસ્ત્ર હાથમાં લીધું !
લગ્નગીતો ઋતુગીતો સંત વાણી , ભજનો , હાલરડાંથી માંડીને મરશિયાં સુધીનું તમામ સાહિત્ય ભણેલ સમાજને પીરસ્યું અને આ બે વર્ગો વચ્ચે સેતુ બન્યા ! તેના વૈશિષ્ટય અને વૈભવ દાખવ્યાં છે.
રાષ્ટ્રીય શાયર, , લેખક , કવિ , નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર ,લોકસાહિત્યકાર,સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક, ,એવા શ્રી ઝવેરચંદ ઝવેરચંદ મેઘાણી 25 વર્ષોમાં સાહિત્યનું ૨૫૦ વર્ષોનું કામ કામ કરી ગયા…!
આજે આ કોલમ દ્વારા , સિક્કાની બીજી બાજુને સહેજ સ્પર્શીને એ દિવ્ય આત્મા ઝવેરચં મેઘાણીને ૧૨૫મી જન્મ જ્યંતીએ અંજલિ અર્પું છું !