
‘ડૉક્ટર ડૉક્ટર’
“ભાભી, ચા લેશો કે કૉફી?”
“નાનકી…મારે ઑફિસ જવાનું મોડું થાય છે. ફરી ક્યારેક આવીશું. તું અત્યારે ચેક અપ પતાવી દે ને!” નાનકી સાંભળીને ડૉ. કાવ્યાને પિતરાઈ ભાઈ અનંત સાથે ગાળેલા બાળપણના દિવસો યાદ આવી ગયાં. કોઈ પણ પ્રસંગે જયારે આખો પરીવાર ભેગો થતો ત્યારે કાવ્યા ડૉક્ટર બનતી હતી અને બીજાં પિતરાઈ ભાઈ-બહેનો પેશન્ટ અને પેશન્ટના સગાવ્હાલા બનતા.
“પંદર મિનિટ પછી પાછું ચેક કરવું પડશે ભાભી હો! ભાઈનું બ્લડ પ્રેશર બહું જ હાઈ આવે છે.” ભાઈની દોર હંમેશા ભાભીના હાથમાં હોય એમ સમજીને ડૉ. કાવ્યાએ ભાભીને સંબોધીને જ પાછો ચા માટે આગ્રહ કર્યો.
અનંતભાઈની આનાકાની વચ્ચે ત્રણેય જણાએ ચાની ચૂસ્કી મારી અને કાવ્યા પાછી ડૉક્ટરના રોલમાં આવી ગઈ.
બચપણમાં કરતી હતી તેવી જ રીતે અનંતને તપાસ્યો અને એવાં જ કાકલુદીભર્યા અંદાજમાં કાવ્યાએ એ જ કીધું જે બચપનમાં રમતી વખતે કહેતી હતી.
“ભાઈ! તમારે રોજ દવા તો લેવી જ પડશે.”
સાથેસાથ નિયમિત કસરત કરવી પડશે. અને ખાવાપીવામાં ધ્યાન પણ રાખવું પડશે.”
ફરક એટલો જ હતો કે આ વખતે એ બાળપણની ‘ડૉક્ટર ડૉક્ટર’ રમત નહીં પણ હકીકત હતી.
“અંગતભાઈ છેલ્લા ચાર મહિનાથી તમે આમને આમ જ મારા ક્લીનીકે આવો છો. ચેક કરવો છો. પણ તમે ન તો દવા લો છો! અને ન તમારી લાઈફ સ્ટાઇલમાં સુધારો આવે છે.”
“પ્લીઝ ડૉન્ટ ટેક ઈટ લાઇટ્લી. ભાભી પ્લીઝ!!” અંગતના હાઈ બ્લડ પ્રેશરની ગંભીરતા પિતરાઈ બહેન ડૉ. કાવ્યના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. હી વૉઝ ઓન હાઈ રિસ્ક.
“આઈ વિલ બી કેરફુલ નાઉ, પ્રોમિસ! ચલ હવે અમારે નીકળવું પડશે કાવ્યા, કાકા કાકીને યાદ આપજે.”
“ચોક્કસ. ઘરે બે ત્રણ દિવસ નિયમિત તમારું પ્રેશર ચેક કરતા રહેજો અને મને જણાવજો.”
ઓકે કાવ્યા..બાય બાય..”
બાય ભાઈ..બાય ભાભી!!”
==============================
“અનંત કાવ્યા રોજ મને રિમાઇન્ડર મેસેજ કરીને તમારા બ્લડ પ્રેશરના રીડિંગ પૂછે છે.”
“તમે આટલાં બેદરકાર કેમ રહો છો?” અનંતનું મગજ તો માર્કેટીંગના ફંડા અને સ્ટાફની હાજરી ગેરહાજરીના લફડામાં જ પરોવાયેલું હતું. એટલે દર્શનાને મૌનનો જ સામનો કરવો પડ્યો.
અડધી મિનિટના મૌન પછી દર્શનાએ પાછું ચાલુ કર્યું. “જો કાવ્યા એમ કહેતી હોય કે ‘ડૉન્ટ ટેક ઈટ લાઇટ્લી’ તો કંઈક તો કારણ હશે જ ને!” હજી પણ અનંતના એક પણ ઉચ્ચારનું ઉદ્દઘાટન ન થયું.
હવે દર્શના પણ અકળાઈ ગઈ.
“અનંત, શી ઇસ ડૉક્ટર. ડૉન્ટ ટેક હર લાઇટ્લી, ઓકે!”
“દર્શના, આ ડૉક્ટરો તમને ડરાયા જ કરે.” અનંતે જોરથી રાડ પાડી. રાડ પાડવાની સાથે જ અનંતના હાથ ગાડી ચલાવતા ધ્રૂજવા લાગ્યાં.
“તમે ડરો એટલે જ તમે એમની પાસે જાઓને! ચિંતા ન કર મને કશુ જ થવાનું નથી. આઈ એમ સ્ટીલ યંગ.”
“અનંત શી ઇસ નોટ ઓન્લી ડૉક્ટર, શી ઇસ યૉર કઝિન ટૂ”
“તને ખબર ના પડે દર્શના, આ લોકો આવી રીતે જ ઘરાક બનાવે. આને કહેવાય માર્કેટિંગ સ્કિલ.”
ઊંચા થતા હોદ્દાની સાથે અનંતની વિચારસરણી ઉતરતી જતી હતી.
“તું હવે મારા મગજની………” અનંતે સ્ટેયરીંગ પર હાથ પછાડ્યો અને બોલતા અટકી ગયો.
દર્શનાને અનંતનો આ સ્વભાવ અને આવી વિચારસરણી જરાક પણ ના ગમી.
અણગમો દેખાડીને પણ કોઈ ફાયદો ન હતો.
“એક કામ કરીશ દર્શના? હું તને અહીંયા ઉતારી દઉં છું. તું રિક્ષામાં ઘરે જતી રહે. મારે ઑફિસ જવું પડશે. ઇટ્સ અર્જન્ટ.” દર્શનાને સમજાતું ન હતું કે અનંતને સાચે કામ હશે કે આ લપમાંથી છૂટકારો મેળવવા કામનું બહાનું કાઢે છે!”
“હમમ…” જેવાં હળવા રીપ્લાય સાથે અનંતની ગાડી પણ હળવી થઇ.
“પ્લીઝ બી કૅર…………”ગાડીમાંથી ઉતરતા દર્શના કંઈક કહેવા ગઈ પણ અનંતની ગાડી તો સમયની જેમ સરકી ગઈ.
ભર શિયાળામાં માહોલ ગરમ થઇ ગયો હતો.
દર્શનાએ રીક્ષા પકડી અને લગભગ પાંચ-દસ મિનિટના ગાળામાં જ અનંતનો ફોન આવ્યો.
“આઈ નો તમે સૉરી કહેવા ફોન કર્યો છે.!” દર્શનાએ વાળની લટો સરખી કરી અને થોડું મલકાતાં બોલી.
“હા દર્શના, સોરી યાર…ગુસ્સામાં મેં તને આલુ અવલું તીધુ……”
દર્શનાનું મલકાયેલું મોઢું હવે હસવા લાગ્યું, “આ શું કાલા કાઢો છો!”
“દલ્સના…દલ……” રિક્ષાના અવાજના કારણે કંઈ બરોબર સંભળાયું તો નહીં પણ ધડામ કરતો અવાય આવ્યો.
દર્શનાએ અનંત અનંત નામની અનેક બૂમો પાડી..પણ સામે છેડેથી માત્ર વાહનોનો ઘોંઘાટ જ સંભળાયો.
થોડી ક્ષણના અંતરાલ પછી કોઈક અવાજ આવ્યો.
“બુન..બુન…….”
સામે છેડેથી કોઈ ઉંમરલાયક વ્યક્તિનો અવાજ હતો.
“બુન, આ સાહેબના મિસિસ બોલો સો…ઇમનો એક્સિડન્ડ થ્યો સ” દર્શનાને ફાળ પડી.
“બઘવાઈ ગયેલી દર્શનાએ એ ભાઈને 108 બોલાવી અનંતને ‘સુંદર મલ્ટી સ્પેશિયાલીટી’ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું અને એ જ રિક્ષામાં પોતે પણ ત્યાં પહોંચી ગઈ.
હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના ડૉક્ટરને પ્રથમ તો આ રોડ સાઈડ એક્સિડેન્ટનો કેસ લાગ્યો. પણ પછી તેમણે જોયું કે આ તો ઓલ્ટર્ડ બિહેવિયર છે.
દર્દીને પથારીમાં જ પેશાબ થઇ ગયો છે.
ખેંચ પણ આવેલી છે.
અરેરેરે…!!! બ્લડ પ્રેશરનું રીડિંગ જોતાં ડૉક્ટરની આંખો જ પહોળી થઇ ગઈ.
બ્લડ પ્રેશર 220/170ની આસપાસ પહોંચી ગયું હતું.
અનંત અર્ધબેભાન અવસ્થામાં હતો.
અનંતના ડાબી બાજુનાં હાથ અને પગમાં લકવાની અસર જણાતી હતી.
ડૉક્ટરે સ્ટાફને ઇન્સ્ટ્રકશન્સ આપવાના ચાલુ કરી દીધા હતાં.
“કવીક…કવીક…કવીક…આમના મગજનો સ્કેન કરવો પડશે.”
“એમનાં ઘરેથી કોઈને બોલાવો……જલ્દી જાણ કરો.” ઓન ડ્યૂટી ડૉક્ટરને એક એક સેકન્ડનું મૂલ્ય ખબર હતું.”
અનંત થોડી ઘણી હલનચલન કરી શકતો હતો અને ‘મા…ય…વાઈફ…માય વાઈફ’ તૂટ્યું ફૂટ્યું બોલવાનો પ્રયન્ત કરતો હતો.
ત્યાં જ ઇમર્જન્સી વિભાગના મુખ્ય દરવાજેથી દર્શનાને દોડતી આવતા જોઈ. અને એ જ સમયે
દરરોજની જેમ દર્શનાના મોબાઈલમાં કાવ્યાનો રિમાઇન્ડર મેસેજ આવ્યો.
“ભાભી પ્લીઝ ડૉન્ટ ટેક લાઇટ્લી, ભાઈ તો મારા મેસેજનો જવાબ જ નથી આપતા એટલે જ તમને રોજ મેસેજ કરું છું. જો ભાઈ હવે દવા ચાલુ નહિ કરે અને લાઈફ સ્ટાઇલ નહિ સુધારે તો હવેથી હું એમને રાખડી નહીં બાંધુ. એમને કહી દેજો એમની કિટ્ટા :(“
ફોનના સ્ક્રીન પર દર્શનાના આંસુના એક ટીપાં સાથે ફોનની ડિસ્પ્લે લાઈટ ડીમ થઇ અને સાથે અનંતની…!
Wonderful
LikeLiked by 1 person
Thank you🙏
LikeLike