વાચકોના ભાવ-પ્રતિભાવ…
“The reader’s feedback is the muse for great written works of art” – Sarah Scott
મિત્રો, જાન્યુઆરી ૨૦૨૦ માં શરુ થયેલી “મેરે તો ગિરિધર ગોપાલ” લેખમાળાની સફર હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. આ સમગ્ર વર્ષ દરમિયાન તમે સૌ વાચકો મારી સાથે આ સફરમાં જોડાયા અને મને અનેક માધ્યમોથી પ્રતિભાવ અને પ્રોત્સાહન આપતા રહ્યા તે માટે હું આપ સૌની આભારી છું.આ પ્રતિભાવોમાંથી થોડાક ચૂંટેલા પ્રતિભાવો આજે તેમનાજ શબ્દોમાં અહીંયા રજુ કરું છું.
આવતા અઠવાડિયે આ લેખમાળાનો ૫૧મો અંતિમ લેખ હું રજુ કરીશ અને જેમાં આ લેખમાળાના સર્જન દરમિયાન સર્જકની એટલે કે મારી અનુભૂતિ વર્ણવવાનો પ્રયત્ન કરીશ.
– અલ્પા શાહ.
ડૉ. ભારતીબેન પરીખ, વડોદરા
ડૉ. ભારતીબેન પરીખ આમ તો વડોદરાના રહેવાસી પણ હાલ અમેરિકામાં પોતાના પુત્ર/પુત્રી સાથે રહે છે. સાહિત્યની સાથે નાનપણથીજ નિસ્બત. ડૉ. પરીખ અંગ્રેજી/સંસ્કૃત સાહિત્યમાં M.A. અને English Literature માં Ph.D. ની પદવી પ્રાપ્ત કરેલ છે. ૨૦૧૦ માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ઇંગ્લીશના પ્રોફેસરના પદેથી નિવૃત થયા. તેમના સેવાકાળ દરમિયાન તેમને ૪૦ જેટલા શોધ લેખો અનેક પુસ્તકોમાં પ્રકાશિત કરેલ છે. સાથે સાથે અનેક national અને international conferences માં papers present કરેલ છે. બંગાળી, મરાઠી, ગુજરાતી તથા English ભાષાના સાહિત્યના વાંચન અને અધ્યયન નો આસ્વાદ વર્ષો સુધી માણ્યો . સેવાનિવૃત્તિ બાદ પણ ગુજરાતી સાહિત્યનો રસ સર્વોપરી રહ્યો છે.
ડૉ. ભારતીબેન પરીખનો પ્રતિભાવ તેમના શબ્દોમાં…
લખવાનો શોખ તો મારુ ગમતું કામ છે પણ કંઈક કારણ શોધતી હતી. અલ્પાની “મેરે તો ગિરિધર ગોપાલ” શ્રેણીએ એ કારણ પણ આપી દીધું. આમતો અલ્પા મારી ભત્રીજી થાય. અલ્પાના પિતાશ્રી પ્રિયવદનભાઈ શાહ મારા ફોઈના દીકરા ભાઈ થાય. ભાઈ અને વીણાભાભી (અલ્પાના માતુશ્રી) મારાપર ખુબ વહાલ વરસાવે. બંનેનો સ્વભાવ ખુબ આનંદી,હસમુખો અને જીવનથી ભર્યો ભર્યો. તેઓના લગ્ન પછી વીણાભાભી તો મારા પ્રિય ભાભી બની ગયેલા.આજે પણ એ બંનેને યાદ કરું ત્યારે આંખોમાં ઝળહળીયા આવી જાય છે. અલ્પા સાથે લગભગ ૨૦ વર્ષ પછી આ વર્ષે Januaryમાં વડોદરામાં મુલાકાત થઇ અને આ મુલાકાત આનંદના અતિરેકમાં શબ્દોના સથવારે ફરી ઝીલાશે તેની ક્યાં ખબર હતી!
મેં “મેરે તો ગિરિધર ગોપાલ” ના શરૂઆતથી માંડીને લગભગ ૪૫ લેખ વાંચ્યા છે. મીરાંબાઈને અલ્પાએ કણ કણ માં પીગળીને આત્મસાત કરેલ છે તે માણ્યા.આ લેખમાળામાં મીરાંબાઈના જીવન,આંતર વિશ્વ,તેમના આરાધ્ય પરનો અતૂટ વિશ્વાસ અને સમર્પણને તાદ્રશ થતા નિહાળ્યા.અલ્પાએ ખુબ જહેમતથી આ લેખમાળામાં મીરાંબાઈના જાણીતા,ઓછા જાણીતા અને લોકજીવનમાં વણાઈ ગયેલા પદોની તલસ્પર્શી અને ઉદ્દાતભાવ થી છણાવટ કરી છે.અને સાથે સાથે સંગીતનો પણ સાહિત્ય સાથે અદભુત સમન્વય સાધ્યો છે. કંઈક પામવા માટે કંઈક વિશેષ પ્રયત્ન કરવા પડે છે.જયારે માનવીએ વિજ્ઞાન ક્ષેત્રે અદભુત પ્રગતિ સાધી છે ત્યારે માનવીના આંતરવિશ્વમાં ડૂબકી મારવાની કેટલી તાતી જરૂરિયાત છે એ આ લેખમાળા સમજાવી જાય છે. અલ્પાને આ લેખમાળા આપવા બદલ ખુબ ખુબ અભિનંદન. અલ્પા એની કલમ દ્વારા વાચક, ભાવક અને સાહિત્યરસિકોને વધુને વધુ અમીપાન કરાવતી રહે તેવા અંતરના આશિષ.
અને સાથે સાથે, ગુજરાતથી માઈલો દૂર રહીને આપણી માતૃભાષાના સાહિત્યને તમે અપરંપાર પ્રેમથી પોંખો છે તે બદલ “બેઠક” અને પ્રજ્ઞાબેન દાદભાવાલાને ખુબ ખુબ અભિનંદન. એક સર્જનાત્મક પ્રયત્નને સદેહે આવકારવા અને પ્રેમ થી વધાવવા તમે આતુર છો તે અનુભવીને તૃપ્તિનો ઓડકાર આવે છે. ગુજરાતીઓ ના ગૌરવને તમે સહુ અમેરિકાની ભૂમિ પાર રહીને ખરેખર ચરિતાર્થ કરી રહ્યા છો તેનાથી મોટી સાહિત્યની સેવા બીજી શું હોઈ શકે. આપની આ પ્રવૃત્તિ વધુને વધુ ફેલાય અને વેગ પામે તેવી શુભેચ્છા સાથે વિરમું છું.
ડૉ. ભારતી પરીખ, December 1st, 2020
જયશ્રીબેન પટેલ, મુંબઈ/વડોદરા
જયશ્રીબેન પટેલ વડોદરાના રહેવાસી.અભ્યાસ એમ.એ ભારતીય સંસ્કૃતિમાં કર્યો. ગુજરાતી ભાષા સૌથી વધુ પ્રિય છે. તેમના કાવ્યો,લેખો ,ટૂંકી વાર્તાઓ,નવલિકાઓ તેમજ ભૂલકાઓનું બાળ સાહિત્ય માતૃભારતી,યુગ વંદના , નવ ચેતન પ્રતિલિપિ તેમજ અલગ અલગ ન્યૂઝ પેપરમાં આવે છે.
જયશ્રીબેન પટેલનો પ્રતિભાવ તેમના શબ્દોમાં…
પ્રિય અલ્પાબેન, નમસ્તે
मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ તમારી આ સીરીઝ ,એટલે મારે મન એક એવો અવસર કે હું ક્યારે મૂકાયને ક્યારે દિવાની મીરાંમય થાઉં એની રાહ જોતી હોઉં. મીરાંના પદ,ગીત અને ભજનને તેનો પરિચય વધુને વધુ તમારા લખાણની થયો. તમે કેટલું ચિંતન કર્યુ હશે, કેટલાં મીરાંનાં નજીક જઈ તેના હૃદયમાં વસેલી કૃષ્ણ ભક્તિને મંથન કરી લોકો સમક્ષ રજુ કરી છે.
આજે પણ મીરાંબાઈના વર્ષાઋતુના પદો વાંચી મન પ્રફુલ્લિત થઈ ગયું.વર્ષા ઋુતુ હોય કે ઠંડી કે ગરમી..એણે તો કહ્યું છે એકદિન સુખ તો એક દિન દુ:ખ તો પણ તેને માટે તો ગિરધર જ બધું.
બહુજ સરસ આલેખન .અભિવ્યક્તિ અને શબ્દોની ગૂંથણી કરી છે.આપે.ખૂબ ખૂબ અભિનંદન અને મીરાંની નજીકથી ઓળખાણ કરાવી માટે આભાર.
જયશ્રી પટેલ, ૪/૧૨/૨૦૨૦
કલ્પનાબેન રઘુ, બે એરિયા, કેલિફોર્નિયા
બે એરિયાના ગુજ્રરાતી સાહિત્ય વર્તુળમાં કલ્પનાબેન રઘુ ના નામથી કોણ અજાણ્યું હોય?, કલ્પનાબેન એક કટાર લેખક છે. બેઠકની શરૂઆતથી જ બેઠકના સહ સંચાલિકા છે. નારી શક્તિ, શબ્દ, કહેવતો, ફિલ્મી ફોરમ પર તેમજ અનેક ચિંતન લેખો લખ્યા છે. શબ્દોના સર્જન તેમજ અન્ય બ્લોગ પર, મેગેઝીનોમાં અનેક લેખો તેમજ ન્યૂઝપેપરમાં ન્યૂઝ રિપોર્ટ લખ્યાં છે. Food for soul અને food for body તેમના ગમતા વિષયો છે. અનેકવિધ પ્રતિભા ધરાવતા તેઓ લેખન ઉપરાંત સંગીત, વાચિકમ, અભિનય,યોગ, compering તેમજ counseling જેવા વિષયોમાં રસ ધરાવે છે.
કલ્પનાબેન રઘુ નો પ્રતિભાવ તેમનાજ શબ્દોમાં…
મીરાં અને માધવની સદીઓ પુરાની પ્રીતને ૫૦ લેખ દ્વારા શબ્દ સ્વરૂપે પ્રસ્થાપિત કરનાર અલ્પા બહેને માધવ સુધી પહોંચવાની એક કેડી રચી છે. ખૂબ ખૂબ ધન્યવાદ અલ્પાબેન! તમારી કલમની કોમળતા અને તેમાંથી ટપકતી ભક્તિનો રસાસ્વાદ એક એક લેખમાં અનુભવાય છે. તેનું રસપાન કરવા માટે વાચકે તમારા માનસ હૃદયમાં પ્રવેશ કરીને મીરાં બનવા પ્રયત્ન કરવો જ રહ્યો. પોતાના અસ્તિત્વને ઓળઘોળ કરીને, ભગવા રંગે રંગાઈને, વિરહની વેદના સહીને ,વૈરાગના રસ્તે જે રીતે મીરાંબાઈ માધવમાં સમાયાં હતાં તે અંગેની વણસાંભળી વાતોને તમે જે રીતે રજૂ કરી છે તે માટે મારી પાસે શબ્દો નથી. તમામ વાતો વાંચીને તેને મમળાવતા કૃષ્ણ ભક્તિ વધુ ને વધુ દૃઢ થાય છે. મીરાંને વાંચવા અને તેના સૂરની છાલકમાં ભીંજાવા, તમે પીરસેલી કથા ચોક્કસ વાચકને તૃપ્તિનો ઓડકાર આપશે તેમાં શંકા નથી. “मेरे तो गिरधर गोपाल:” શબ્દોથી નિ:શબ્દ થવાની આ યાત્રા માટે તમારો ખૂબ આભાર. તમારી કલમમાં મા સરસ્વતીનો વાસ રહે તેવા અંતરના આશિષ!
કલ્પના રઘુ
જિગીષાબેન પટેલ,બે એરિયા, કેલિફોર્નિયા
જિગીષાબેન -લેખક,કવિયત્રી,પત્રકાર,બેઠકનાં સહ-સંચાલક તેમજ ફેશનડીઝાઈનર. જીવનની દરેક પળને દરેક પરિસ્થિતિમાં આનંદ સાથે માણતા જીવવું તેવું માનતા જિગીષાબેન કલા,સાહિત્ય અને આધ્યાત્મમાં ઊંડો રસ ધરાવે છે.જીવનના ૨૫ વર્ષ ફેશનડીઝાઈનર તરીકે બુટિક ચલાવ્યા બાદ હવે લેખન અને સાહિત્યની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે.”બેઠક”ના બ્લોગ પર અને ફિલીંગ્સ,રાષ્ટ્રદર્પણ,ગુજરાત દર્પણમાં પણ નિયમિત રીતે તેમના લેખ પ્રકાશિત કરે છે. હાલમાંજ તેમણે “બેઠક” ના બ્લોગ પર “કબીર” પરની શ્રેણીના પચાસ લેખો પ્રકાશિત કર્યા છે જે ખરેખર માણવા જેવા છે. હાલ દિવ્યભાસ્કરનાં બ્યુરો ઈન ચાર્જ એન્ડ કોમ્યુનિટી રીલેશન ફોર કેલિફોર્નિયા છે અને ગુજરાત,કેનેડા અને અમેરિકામાં પ્રસિદ્ધ થતાં દિવ્યભાસ્કરમાં આર્ટિકલ લખી કેલિફોર્નિયાનું પત્રકારત્વ સંભાળે છે.
જિગીષાબેન પટેલનો પ્રતિભાવ તેમના જ શબ્દોમાં…
મેરે તો ગિરિધર ગોપાલ ‘ પ્રસ્તાવના
“જેના શબ્દ જ શ્રી કૃષ્ણ હોય એ તો મીરાંને ઓળખે જ ને!” પ્રજ્ઞાબહેને અલ્પાની ઓળખ આપતા પહેલાં લેખમાં લખ્યું હતું અને અલ્પાએ “મેરે તો ગિરિધર ગોપાલ’ કોલમ શરુ કરી.
મને ત્યારે પ્રજ્ઞાબહેનનું આ વાક્ય સમજાયું નહોતું.પરતું અલ્પાની આ કોલમ પૂરી થવાને કિનારે આવી અને મને અલ્પાએ તેને માટે અભિપ્રાય લખવાનું કીધું.મેં તેનાં બધાં આર્ટિકલ એક સાથે વાંચ્યાં ત્યારે સમજાયું કે અલ્પા તો મીરાં સાથે પોતેપણ શ્યામમયી બની ગઈ છે.
પ્રાગટ્યનાં પદોથી માંડી લાલનપાલનનાં પદો,ગોપીગીત,બાળલીલા,વ્રજલીલા,રાસલીલામાં મગ્ન બની પોતાના મન હ્રદયમાં સુંદીરશ્યામને જીવંત કરી રહીછે.તેના આલેખનમાં ગીતાનાં બારમાં અધ્યાયનાં ભક્તનાં લક્ષણોને મીરાં બની પોતાનામાં ઉતારવાનો પ્રયત્ન દેખાય છે.કૃષ્ણનાં મોરપીંછનાં રંગોને પોતાનાં રંગોમાં ઉતારવા તરફની ગતિ દેખાય છે.મને આ લેખમાળા વાંચતાં અનુભવાયું કે તેણે આ કોલમનું સર્જન ‘શબ્દોનાંસર્જન ‘માટે નહીં પણ પોતાના આનંદ માટે,મીરાંમય બની કૃષ્ણમય બનવા માટે,પોતાનાં સાંસારિક ક્લેશોને દૂર કરી,આત્મમંથન દ્વારા અહંકારને અનાવૃત કરી આત્મિક ઉર્જા પેદા કરવા લખી છે.
કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલ આજકાલની યુવાન I.T પ્રોફેશનલ અલ્પાની,મીંરાંનાં નામે કરેલ કૃષ્ણ સાથેની ભક્તિભાવ નીતરતી વાતો મને તેના એક એક લેખમાં સંભળાઈ.આ લેખમાળા વાંચતાં તમને પણ જરુર સંભળાશે.મીરાંને લખતાં અલ્પા મીરાંમયી થઈ શ્યામમયી બની ગઈ એમ હું કહીશ.
તેના ભાગવત,ભગવદ્ગીતા,બ્રહ્મસંહિતા,વેણુગીત,નવરત્ન સ્તોત્ર,તુલસીકૃત રામાયણ,શુક્રાચાર્ય રચિત કૃષ્ણાષ્ટકમ્ નાં અભ્યાસ સાથેનાં સંસ્કૃત શ્લોક સાથેનાં કોટેશ્યન
તેની વૈષ્ણવ સંપ્રદાય પ્રત્યેની ઊંડી શ્રધ્ધા અને કૃષ્ણભકિતમાં રસતરબોળ થવાની ઝંખના પ્રદર્શિત કરે છે.મીરાંને આખેઆખી સમજવી હોય અને મીરાંએ લખેલ દરેકે દરેક પદોને રસાસ્વાદ સાથે માણવા હોય તો આ લેખમાળા વાંચવી જ રહી.અલ્પાએ મીરાંનાં જીવન,કવન,લગ્ન,તેમનું ડાકોર,દ્વારકા પરિભ્રમણ,મધ્યકાલીન યુગમાં પોતાનું જીવન પોતાનાં વિચારો થકી જીવવાનું –નારી સ્વાતંત્ર્ય જેવી અનેક વાતો ભાવવાહી રીતે રજૂકરી છે.
અલ્પા સાહિત્ય સાથે સાથે સંગીત અને ચિત્રકળાને પણ પોતાની સંવેદનાના એકભાગ તરીકે
જ ગણે છે જે વૈષ્ણવ સંપ્રદાયનો જ એક ભક્તિપ્રકાર છે તે પણ લેખ સાથે રજૂ કરી દર્શાવ્યું છે.
મીરાંનાં ભજનોને લત્તાજીથી માંડી કૌશિકી ચકર્વર્તીના સ્વરોમાં મૂક્યા છે ,તો લેખને અનુરૂપ આબેહૂબ ચિત્રો પણ લેખની ભક્તિસભર વેદનાને વધુ ગહેરી બનાવે છે.ઉધ્ધવલીલાનાં લેખ–૩૮નાં ચિત્રને જ ખાલી જોઈ તમારી આંખ ભીંજાઈ જાય!અલ્પાએ આ લેખમાળાનાં આલેખનમાં મીરાંની સાથેસાથે પોતે પણ પૂર્ણ શ્રદ્ધાથી લાલા સાથે સંવાદ સાધવાનો આનંદ લીધો છે.
મીરાંબાઈનાં દરેક જાતનાં પદોની સાથે તેમનાં સ્વ ને બદલે સર્વનો વિચાર,સાકાર ભક્તિથી નિરાકારમાં ભળી જવાની અનુભૂતિ,મીરાંનો રાધાભાવ અને રાધાતત્વની દિવ્યતા,સ્થિતપ્રજ્ઞ અવસ્થા,પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા રજૂ થયેલ નવધા ભક્તિ,રાસલીલાનાં નવરસ સાથે જોડાએલ આધ્યાત્મિકતાનો ઉઘાડ પણ કરાવ્યો છે.
કોઈને પણ દર્શદીવાની મીરાંને સાચા અર્થમાં જાણવા અને માણવા હોય તો અલ્પાની ઊંડા અધ્યયન કરેલ કૃષ્ણભક્તિસભર આ લેખમાળા વાંચવી જ રહી જૂઓ અલ્પાનાં જ શબ્દો:
“ભક્ત પોતાના નેત્રોમાં પ્રેમરુપી અંજન આંજીને ભક્તિથી રંગાયેલા નેત્રો દ્વારા પોતાના હ્રદયનાં પડળમાં દ્રષ્ટિ કરે છે ત્યારે ભક્તને હ્રદયમાં વિરાજમાન શ્રી શ્યામસુંદર કે જે અચિંત્ય અને સગુણ છે તેના દર્શન થાય છે.”
બીજી પણ ખાસ વાત કરવાની કે આ લેખમાળા આપણને વાંચવાં મળી તે માટે’બેઠક’ અને આપણા પ્રજ્ઞાબહેનનો પણ આભાર માનીએ તેટલો ઓછો છે. ‘શબ્દોનું સર્જન ‘ બ્લોગ ચલાવવા માટે તેમનો અથાગ પરિશ્રમ તેમજ અલ્પા અને મારા જેવા અનેક સર્જકોને લખવા ,વાંચવા,ગાવા અને સ્ટેજ પર લઈ આવી તેમની અંદર રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી પ્રોત્સાહન આપવા બદલ તેમનો અંત:કરણ પૂર્વક આભાર.
જિગીષા દિલીપ પટેલ
ખૂબ અભિનંદન અને આશીર્વાદ! લખતાં રહો…. ખિલતા રહો… તમારાં બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વને વેરતાં રહો!
LikeLike
Thank you so much Kalpanaben for your blessings and wishes. I truly appreciate it.
LikeLike
આભાર તો અમારે માનવો રહ્યો બેન મીરાં ના રંગમાં તમે અમને રંગી દીધાં.👌🙏🌹
LikeLike
Thank you Jayshreeben for your kind words.
LikeLike