આજે ઈન્ફોર્મેશનનોનો રાફડો ફાટી નીકળ્યો છે , ત્યારે કોઈ પણ માહિતીનું સાતત્ય તપાસવું હોય તો બે ચાર મીડિયાની વેબ સાઈટ જોવાથી , જરા વધારે ઊંડાણમાં તપાસ કરવાથી સત્ય ખોદી શકાય છે . સત્ય શોધી શકાય છે . હા , સાથે સાથે આ સોસ્યલ મીડિયાઓને લીધે જેટલી અફવાઓ અને અર્ધ સત્ય સમાચારોમાં પ્રસરી રહ્યા છે તેનો પણ અસ્વીકાર થઇ શકે તેમ નથી .. લોકો ગમે તે માહિતી ગમે તે વ્યક્તિને નામે ચઢાવી દે ! જો કે એ એક ગુનો છે , અને ખોટી માહિતી ફેલાવવા બદલ , કે ઉઠાંતરી કરવા બદલ તમને કડકમાં કડક સજા થઇ શકે છે .
પણ આજથી પચાસ – સો વર્ષ પૂર્વે તો સમાચાર પત્રોનું મહત્વ જ કૈક અનન્ય હતું ! એ જે સમાચાર છાપે એ જ તો જનતા સુધી પહોંચે ! ક્યારેક ફિલ્મ જોવા જઈએ ત્યારે ડોક્યુમેન્ટ્રીમાં થોડે વત્તે અંશે તત્કાલીન સમાચાર જોવા મળે .. પણ ‘તાજા’ સમાચાર માટે તો લોકો રોજ સવારના છાપાની જ રાહ જોઈને જ બેઠાં હોય ! સવારનું છાપું એ સમાજનું , દરેક ઘર , કુટુંબનું અભિન્ન અંગ હતું . એવા “સવારના છાપાનાં” યુગમાં , પત્રકાર હોવું એ અતિ મહત્વનું ક્ષેત્ર ગણાતું . ( આજે પણ પત્રકાર હોવું એ એટલું જ મહત્વનું ગણાય છે , માત્ર એવી સેવાઓ આપનારો વર્ગ ઘણો મોટો છે . સામાન્ય વ્યક્તિ પણ પોતાની આસ પાસ માં કૈક અજુગતું બને તો તરત જ ન્યુઝ એજન્સીને ફોન , વિડિઓ દ્વારા માહિતી આપી શકે છે . પણ પહેલા એ શક્ય નહોતું ) તો અર્ધી સદી પૂર્વે સૌરાષ્ટ્રનું ‘ફૂલછાબ ‘ એ રીતે અગત્યનું , સમાજનું ધોરી નસ જેમ મહત્વનું કામ કરતું . રોજ સવારે એમાં ગાંધીજીએ શું કહ્યું અને હવે ગાંધીજી કયો પ્રયોગ આપવાના છે , દેશને આઝાદી કેવી રીતે મળે , તે માટે જનતાને શી હાકલ કરવામાં આવી છે .. વગેરે વગેરે સમાચારોથી જન સમુદાયમાં ઉત્તેજના આવી જતી . હા , એ સમય જ એવો હતો ! બસ્સો વર્ષથી ઘેરી ઊંઘમાં અજગરની જેમ પડી રહેલો દેશ ગાંધીયુગ સાથે જાગી રહ્યો હતો ! સ્વદેશાભિમાન , સ્વાતંત્ર્યની ઝંખના સમગ્ર દેશમાં સુનામી બનીને જાણેકે વ્યાપી ગઈ હતી! અને સાચા પત્રકાર તરીકે ‘ફૂલછાબ’ના તંત્રી મેઘાણી કલમની તાકાત પર માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાત ઝૂમી રહ્યું હતું , ત્યારે એક સમાચાર બાબત મેઘાણી ઉપર સરકારે કેસ દાખલ કર્યો .
હા , લોકોને સાચી માહિતી આપવી અને સાથે સાથે સાહિત્યનું સંવર્ધન કરવું એ મેઘાણીનો જીવન અભિગમ હતા . કલકત્તાની સાહેબગીરી છોડી ને તેઓ અવાજ કોઈ અગમ્ય કારણસર વતન પાછા ફર્યા હતા . આવીને એમની કલમના જોરે એમને નવા જ શરૂ થયેલ ‘સૌરાષ્ટ્ર ‘ દૈનિકમાં નોકરી મળી ગઈ હતી . પછી , એ બંધ પડતા. તેઓ મુંબઈ જઈને જન્મભૂમિ માં જોડાયા . અને ફરી પાછા સૌરાષ્ટ્રના ‘ ફૂલછાબ ‘ માં જોડાઈને વતન પાછા ફરેલા . એક સાહિત્યકાર અને પત્રકાર તરીકે તેઓ દિલથી સેવા આપતા . લોકોને જગાડવા , દેશ ભક્તિ જાગૃત કરવી , ભણેલ વર્ગ અને ‘બીજો ‘ વર્ગ વચ્ચે સેતુ ઉભો કરવો આ બધું એમનું અવીરથ વહેતુ કાર્ય ઝરણું હતું ! પણ એ બધા માટે ખોટી માહિતી , અફવા , હરગિજ વાપરી નથી!
પણ છતાંયે એમના ઉપર કેસ દાખલ થયો હતો !
વાત બની હતી ૧૯૪૧માં . ગાંધીજીએ અંગ્રેજોને ‘દેશ છોડો ‘ ની ઓફિસિયલ હાકલ કરી નહોતી .
દેશને આઝાદી મળે તે પહેલા હજુ તો ગાંધીજીને દેશવાસીઓને સ્વતંત્રતા માટે તૈયાર કરવાનાં હતાં.
હજુ તો દેશમાં ઊંચ –નીચ , છુત– અછૂત અને સૌથી મહત્વનાં ધાર્મિક પાસાંઓને વ્યવસ્થિત કરવાનાં હતાં . પણ , કેન્સરની જેમ પ્રસરી રહેલ એ ધાર્મિકતાને નામે અંધશ્રદ્ધા અને ઝનૂનનો રોગ નાથવો મુશ્કેલ હતો . વળી અંગ્રેજોને એજ તો જોઈતું હતું , લડો , ઝગડો અને અંદરઅંદર મારામારી કરીને મારો !
અમદાવાદમાં હિન્દૂ – મુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડ ફાટી નીકળ્યું . ફૂલછાબ સાપ્તાહિકમાં મેઘાણીએ એ કોમી તોફાનોને રજૂ કરતું એક કાર્ટૂન દોર્યું . હા , પત્રકાર હોવા સાથે એમણે આમ કાર્ટૂનિસ્ર્ટ તરીકે પણ કલમ ચલાવી છે . આપણને આપણા યુગના ‘શંકર ‘ કાર્ટુનિષ્ટનું નામ યાદ હશે .એ રોજ દિલ્હીથી રાજકારણનું એક કાર્ટૂન ગુજરાત સમાચાર માટે મોકલતા . બસ ! એ જ રીતે મેઘાણીએ પણ આ કાર્ટૂન તૈયાર કરેલું . અને એમણે એને શીર્ષક આપ્યું : “ મુખડા ક્યા દેખ દર્પણમેં !”
‘કાર્ટૂન કેસ’ તરીકે મશહૂર બનેલ એ કેસના એ કાર્ટૂન ચિત્રમાં એક પોલીશ અરીસામાં જોતાં જોતાં તૈયાર થઇ રહ્યો છે ; અને અરીસાની પાછળ બેકગ્રાઉન્ડમાં એક કરચલીવાળો, હાથમાં લોહીવાળું ખંજર લઈને , લાલ આંખ અને અર્ધું ઉઘડેલું મોં અને લાંબા વિકરાળ નાખવાળો શખ્સ ઉભો છે . ને પાછળ મકાનો ભડકે બળી રહ્યાં છે … મેઘાણીએ બહુ યોગ્ય રીતે લખ્યું; “ મુખડા ક્યા દેખ દર્પણમેં ?”
પણ સરકારને મેઘાણી સામે જ તો કદાચ વાંધો હતો ! એમણે મેઘાણી પર કોમી લાગણી ભડકાવવાનો આક્ષેપ કર્યો .
જો કે મેઘાણીએ કહ્યું : “ ગુંડો ન તો સાચો મુસ્લિમ હોઈ શકે કે ના તો હિન્દૂ ! કોઈ પણ ધર્મ માં ગુંડાગીરીને સ્થાન નથી . ગુંડો તો ગુંડાગીરીને જ મજહબ માને છે . મેં એ કાર્ટૂન દ્વારા નિર્દોષ શહેરી ઉપર ગુંડાઓનું આક્રમણ દર્શાવ્યું છે . ઠઠ્ઠા ચિત્રનું મુખ્ય લક્ષ પોલીસની નિષ્ક્રિયતા , અધિકારી ઓફિસરોની નિષ્ક્રિયતા છે .. જો કે ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળી .
પ્રિય વાચક મિત્રો , મેઘાણીની આ કોલમમાં આ પ્રસંગ વણી લેવાનું એક કારણ તત્કાલીન સમાજનું ચિત્ર અને સાથે ન્યાય પદ્ધતિનું ચિત્ર પણ ખડું કરવાનું રહ્યું છે .
ન્યાયાધીશની સમક્ષ ફરિયાદ પક્ષમાં ત્રણ મુસ્લિમ લીગના સભ્યો હતા . એટલે એ સૌની જુબાની કેટલી વિશ્વાસપાત્ર છે તે માટે ન્યાયાધીશે શંકા વ્યક્ત કરી ; અને સામે પક્ષે મેઘાણીનું સાહિત્ય તપાસ્યું ; જેમાં તેમની ઐતિહાસિક નવલકથાઓ અને નવલિકાઓનું કથા વસ્તુ તપાસ્યું જેમાં મેઘાણીએ મુસ્લિમ પાત્રોને ઉચ્ચ કક્ષાએ મુક્યાં છે , મુસ્લિમ શૌર્ય , વીરતા અને વફાદારીની પ્રસંશા કરી છે ; ઇસ્લામનાં ગુણ ગાન ગાયાં છે .
ન્યાયાધીશે ચુકાદો આપ્યો : “ તહોમતદારે બે કોમો વચ્ચે શત્રુતા કે દ્વેષ ફેલાવવાના બદ ઈરાદાથી આ કાર્ટૂન પ્રગટ કર્યું હોય તેમ હું માનતો નથી . હાથમાં ખંજર લઇ ખૂન કરનારો શખ્સ માનવ નહીં પણ દૈત્ય છે , જે નાત જાતના ભેદ ભાવ વિના ખૂન કરે છે . અને મને લાગે છે કે એ કાર્ટૂન પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે .
મેઘાણીને આવી રીતે પત્રકાર હોવાને નાતે , કે ક્યારેક માત્ર માનવતાને નાતે , પણ કોર્ટ કચેરીઓ માં ધક્કા ખાવા પડ્યા હતા .. પોતાના આ સૌ અનુભવોને એમણે ક્યાંક ને ક્યાંક સાહિત્યમાં વણી લીધાં છે.. હા , માત્ર અર્ધી સદીનું આયુષ્ય ભોગવીને એક સદી જેટલું સાહિત્ય પીરસનાર વીરલો ઇતિહાસમાં મળવો મુશ્કેલ છે ! એમની ખૂબીઓ અને ખામીઓની વધુ વાતો આવતે અંકે !
ગીતાબેન,
મેઘાણીના નિર્ભીક પત્રકારત્વની વાત જાણી. સાથે યોગ્ય રીતે જ એ સમયે વર્તમાનપત્રોનું કેટલું મહત્વ હતું તેની સરસ વાત કરી છે.
LikeLiked by 1 person
જો કે મેઘાણીએ કહ્યું : “ ગુંડો ન તો સાચો મુસ્લિમ હોઈ શકે કે ના તો હિન્દૂ ! કોઈ પણ ધર્મ માં ગુંડાગીરીને સ્થાન નથી . ગુંડો તો ગુંડાગીરીને જ મજહબ માને છે . મેં એ કાર્ટૂન દ્વારા નિર્દોષ શહેરી ઉપર ગુંડાઓનું આક્રમણ દર્શાવ્યું છે . ઠઠ્ઠા ચિત્રનું મુખ્ય લક્ષ પોલીસની નિષ્ક્રિયતા , અધિકારી ઓફિસરોની નિષ્ક્રિયતા છે .. જો કે ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળી .
મેધાણી તો સ્પષ્ટ વક્તા હતા..સાચે જ જીવનમાં જાત પાતના વાડા ..કાલનો હરિયાણાનો બનાવ જોઈ દુખ થયું રાજકારણીઓને કારણે નિર્દોષ બાળકીઓ હેરાન થઈ રહી છે આસુરી વ્યક્તિઓ ખરેખર જ..ગુંડા તત્વોની ઉપજ છે
પણ સરસ લખાણ છે તમારું જ્ઞાન વર્ધકને સચોટ🙏🌹👌
LikeLiked by 1 person
રીટાબેન , જયશ્રીબેન , આભાર ! આજે મેઘાણીના સંત ચરિત્ર વિષે લખતાં બેકગ્રાઉન્ડમાં તમારી વાત પણ મનમાં ઘોળાતી હતી ! લખવું તો ઘણું છે , દુઃખ અને ક્રોધ પણ છે જ ! Hope things will improve , May be the government will impose stick rules ! 🙏
LikeLike