મુરલીધરની મુરલીના સૂર મીરાંબાઈના શબ્દોના સથવારે….
बर्हापीडं नटवरवपु: कर्णयो: कर्णिकारं
बिभ्रद् वास: कनककपिशं वैजयन्तीं च मालाम् ।
रन्ध्रान् वेणोरधरसुधया पूरयन्गोपवृन्दै-
र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्ति: ॥ ५ ॥
શ્રીમદ ભાગવતના દસમ સ્કંધમાં ૨૧માં પ્રકરણમાં આલેખાયેલા વેણુગીતના ઉપરના શ્લોકમાં મુરલીધર શ્રી કૃષ્ણ ના મનમોહક સ્વરૂપના વર્ણનની સાથે સાથે મુરલીધરની મુરલી એટલેકે બંસીના સૂરનું વર્ણન કરતા શ્રી વેદવ્યાસજી કહે છે કે, મુરલીધરના વેણુના સૂર છેડાતાંની સાથેજ દેવ,યક્ષ,ગંધર્વ, કિન્નર, યોગી-મુનિ, નાર-નારી, પશુ-પક્ષી વગેરે મોહિત થઈને પોતાના કર્તવ્ય અને મન-વાચા અને કાયાની સુધબુધ ગુમાવી દે છે. મુરલી અને શ્રી કૃષ્ણ – એકબીજાના પર્યાય. મુરલી વગરના શ્રી કૃષ્ણની કલ્પના કરવીજ અશક્ય છે અને શ્રી કૃષ્ણનું નામ પડતાજ ક્યાંક અણદીઠા દેશથી કાનમાં મુરલીના સૂર ગુંજવા લાગે… વાસ્તવમાં શ્રી કૃષ્ણની બંસી વગર સમસ્ત વ્રજભૂમિ અને વ્રજલીલાનો વૈભવ નીરસ બની જાય છે. શ્રી કૃષ્ણની મધુર લીલાઓમાં આ વાંસળીનો પ્રભાવ એટલો બધો મનોમુગ્ધકારી છે કે સ્વયં શ્રી વેદવ્યાસજીએ વાંસળીનો મહિમા પ્રગટ કરવા સ્વતંત્ર વેણુ-ગીતની રચના કરી.
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, મુરલીધર ત્રણ પ્રકારની વાંસળીઓ તેમની પાસે રાખતા. વાંસળી એ એક સુષિર વાદ્ય ગણાય છે અને સામાન્યતઃ તે વાંસમાંથી બને છે. બંસીધારી પાસે જે સાત છિદ્રો વાળી વાંસળી કે જે મુરલી તરીકે ઓળખાયછે તે ભૌતિક સંસાર અને ગાયોને આકર્ષવા અનામત હતી. નવ છિદ્રો વાળી વાંસળી કે જે વેણુ તરીકે ઓળખાય છે તે શ્રી રાધાજી અને ગોપીઓ માટે અલાયદી હતી અને રાસલીલામાં આ વેણુને સ્થાન મળતું. જયારે જે બાર છિદ્રો વાળી વાંસળી કે જે બંસી તરીકે ઓળખાય છે તે પ્રાકૃતિક તત્વો જેવાકે ઝાડ, જંગલે અને નદીઓને આકર્ષવા માટે વપરાતી.
મીરાંબાઈએ પણ વાંસળીને કેન્દ્રમાં રાખીને ઘણાબધા પદોની રચના કરી છે. મીરાંબાઈ જેવા પ્રેમ-યોગીની અને શ્રી ગિરિધર ગોપાલને જન્મોજનમના પ્રિયતમ તરીકે પ્રસ્થાપિત કરનાર માટે તો વ્રજલીલા તેમનો આત્મા અને વાંસળી તેમના પ્રાણ સમાન છે. એવું કહી શકાયકે મીરાંબાઈના રોમેરોમ માં વાંસળીનો ધ્વનિ એકાકાર થઇ ગયેલ છે. મીરાંબાઈના વાંસળીને કેન્દ્રમાં રાખી રચાયેલા પદોમાં વિવિધ ભાવ વ્યક્ત થઇ રહેલ છે. અમુક પદોમાં સર્વદા પોતાના પ્રિયતમ શ્યામસુંદરના શ્રીમુખ પર બિરાજમાન વાંસળી ના સૂરનો પ્રભાવ કેવો છે તેના ભાવ વ્યક્ત થાય છે. જેમકે નીચેના પદમાં જમનાના તીર પર જયારે શ્યામસુંદર ની મુરલી વાગે છે ત્યારે તે ગોપીઓ પર કેવા કેવા કામણ કરે છે તેના મનોભાવો વ્યક્ત કરે છે.
એ રે મોરલી વૃંદાવન વાગી, વાગી છે જમનાને તીરે
મોરલીને નાદે ઘેલા કીધા, માંને કાંઈ કાંઈ કામણ કીધા રે
જમનાને નીર તીર ધેન ચરાવે, કાંધે કાલી કામલી રે
મોર મુગુટ પીતામ્બર શોભે, મધુરીસી મોરલી બજાવે રે
મીરાં કે પ્રભુ ગિરિધર ના ગુણ, ચરણ કમલ બલિહારી રે
તો વળી નીચેના પદમાં મીરાંબાઈ આ મુરલીના કામણ માત્ર ગોપીઓ પરજ નહિ પણ સમગ્ર સૃષ્ટિ પર અને શેષનાગ પર પણ થાય છે તેનું વર્ણન કરેલ છે.
कुण है सखी प्यारी कुण है सखी, ऐसी बंशी बजाय रह्यो कुण है
बछवा खीर नीर तज दिनों, गौ तो चारे नहीं तृण है
खग मृग तो दोए पंछी मोह्या, मोह्या बनका बन है
शेष नाग भवन तजि आयो, सुण मुरली की धुन है
मीराबाई के हरि गिरिधर नागर, हरि के चरण चित लीन है.
મીરાંબાઈના વાંસળીના અમુક પદોમાં મીરાંબાઈ ગોપી બનીને વાંસળીના સૂર સાંભળવાની ઉત્કંઠા પ્રદર્શિત કરે છે, જેમકે નીચેના પદમાં મીરાંબાઈ ગોપી સ્વરૂપે કહે છે કે મારા કલેજે વાંસળીની એવી ધૂન લાગે છે કે ખાવાપીવાની પણ સુધી રહેતી નથી.
कलेजे महारे बांसुरी की धुन लागी
हौ अपने गृह काज करात रही, श्रवण सुनत उठ भागी
खान पान की सुधि न सखी ऋ, कल न पड़े निसि जगी
रैन दिनां गिरिधरलाल के, मीराँ रहे रंग पागी
નીચેના સુંદર પદમાં મીરાંબાઈએ શરદપૂર્ણિમાની રાત્રે થતા મહારાસમાં મુરલીધરની ધૂન જયારે છેડાય છે ત્યારે ગોપીઓની શું હાલત થાય છે અને ખુદ શ્રી ભોલેનાથ પણ સ્ત્રી બનીને રાસલીલામાં હાજરી પુરાવે છે તે ભાવ પ્રદર્શિત કર્યો છે.નીચેના સુંદર પદમાં મીરાંબાઈએ શરદપૂર્ણિમાની રાત્રે થતા મહારાસમાં મુરલીધરની ધૂન જયારે છેડાય છે ત્યારે ગોપીઓની શું હાલત થાય છે અને ખુદ શ્રી ભોલેનાથ પણ સ્ત્રી બનીને રાસલીલામાં હાજરી પુરાવે છે તે ભાવ પ્રદર્શિત કર્યો છે.
बंसीवारा हो म्हणे लागे मुरली प्यारी
शरदपूनम की रेन सांवरा ऐसी मुरली बजाई
बंशीवट पे बंशी बाजी गगन मगन कर डारि
पग माँ हांश गले में पायल उलटे भूषनधारी
खीर में लूण दाल में मीठो उलट पुलट कर डारि
नर में रूप धर्यो नारी को शंकर जटाकारी
मीराँ ने श्री गिरिधर मिलिया चरण कमल बलिहारी
ક્યારેક એવો પ્રશ્ન થાય કે શા માટે શ્રી કૃષ્ણે બંસી અધરે ધરીને સૂર છેડતા રહ્યા? એક મત પ્રમાણે, શ્રી કૃષ્ણ કે જે ભગવાન સ્વયં છે તે બંસીમાંથી સૂર છેડીને આ લોકમાં સંગીતનું આધિપત્ય અને સાર્વભૌમ પ્રગટ કરવા માંગતા હતા. અખિલ વિશ્વની ઉત્પત્તિ, સ્તિથી અને લયની જે સ્થૂળ અને સૂક્ષ્મ ઘટનાઓ છે તે સર્વે માં નાદ એટલે કે સંગીત એક કે બીજા રૂપે સમાયેલ છે. શ્રી કૃષ્ણે સ્વમુખે શ્રીમદ ભગવદગીતામાં કહેલ છે કે “વેદો માં હું સામવેદ છું”. સામવેદ એ સંગીતનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે અને એટલેજ નાદ ને બ્ર્હમ સાથે સરખાવી શકાય. આ સમગ્ર પ્રકૃતિના કણ કણ માં સંગીત એક ય બીજા સ્વરૂપે સમાયેલું છે અને આ અખિલ પ્રકૃતિ નાદ-બ્રહ્મમય છે. તો ચાલો મુરલીધરની મુરલીના સૂર ને મન માં મમળાવતા મમળાવતા આજે હું મારી કલમને નાદ-બ્રહ્મના ચરણોમાં વિરામ આપું છું. આવતા અઠવાડિયે ફરી મળીશું મીરાંબાઈ ના અન્ય પદો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ! તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….
– અલ્પા શાહ