કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 06

અત્યાર સુધી આપણે કનૈયાલાલ મુનશીનો સામાન્ય પરિચય મેળવ્યો. તથા તેમની આત્મકથા પર આધારિત તેમના જન્મ, બાળપણ અને કોલેજકાળની વાતો જાણી અને માણી. પણ મને ખબર છે કે મારા વાચકો હવે અધીરા બન્યા હશે તેમના સહિત્યલેખનની વાતો જાણવા. તો વહાલા વાચકો, ચાલો પહોંચી જઈએ મુનશી રચિત સાહિત્યના દરિયામાં ડૂબકી લગાવવા. મુનશીજીએ આમ તો  સાહિત્યના  ઘણા પ્રકારો પર હાથ અજમાવ્યો છે, પણ તેમાં શિરમોર તો છે તેમની ઐતિહાસિક નવલકથાઓ.

મુનશીજીની શ્રેષ્ઠ નવલકથા કંઈ એ વિશે મતમતાંતર હોઇ શકે પણ વિવેચકોના મત પ્રમાણે ‘પૃથિવીવલ્લભ’ એમની શ્રેષ્ઠ નવલકથા છે. એની પહેલી આવૃત્તિ 1921માં એટલે કે લગભગ એક શતાબ્દી પહેલાં પ્રગટ થઈ.  એની અનેક આવૃત્તિઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, તામિલ, કન્નડ અને અંગ્રેજીમાં પ્રગટ થઈ છે. ગુજરાતી અને સંસ્કૃતમાં તો એ નાટ્ય સ્વરૂપે પણ રજૂ થઈ છે. જે તેનાં સારાપણા અને સજીવતાનો પુરાવો છે. એને નવલકથાને બદલે ખરેખર તો લઘુનવલ કહેવી જોઈએ. માંડ 167 પાનાંની, એક જ બેઠકમાં વાંચી શકાય એવી રસાળ અને ઘટનાપ્રચુર એવી આ ઐતિહાસિક કથા છે. માલવપતિ મુંજ તેના નાયક છે. ‘પૃથિવીવલ્લભ’ પરથી હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ફિલ્મો પણ બની છે અને નાટક પણ ભજવાયું છે. આ નવલકથા જ્યારે પ્રગટ થઈ ત્યારે જેટલી વખણાઈ એટલી વખોડાઈ પણ હતી.

ગાંધીજીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિખ્યાત નવલકથા ‘પૃથિવીવલ્લભ’  વાંચી.  વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો. તેમાં નવલકથાની વિગતવાર સમીક્ષા કરી. પોતાને શા માટે આ નવલકથા ખાસ ન ગમી તેનાં કારણો પણ લખ્યાં. મુનશીએ સામો પત્ર લખીને ખુલાસા કર્યા. વાંચીને મજા પડી જાય એવો આ પત્રવ્યવહાર છે. ગાંધીજી ‘પૃથિવીવલ્લભ’નું શૉર્ટ ફૉર્મ ‘પ્ર. વ.’ એ રીતે કરે છે. સેગાંવ, વર્ધા (મહારાષ્ટ્ર)થી 26 સપ્ટેમ્બર 1936ના રોજ ગાંધીજી લખે છેઃ

ભાઈ મુનશી,

કાકાસાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે, તેથી તમારાં લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે ‘પૃથિવીવલ્લભ’ વાંચ્યું ને મને વાંચી જઈ તેની ઉપર અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. ચાર દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. . ‘પ્ર. વ.’ બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઈચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવાં તમે ચીતર્યાં છે એમ કહું તો એ બરોબર બંધ નહીં બેસે. આ પંચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા, વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં ને તેના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દે? માણસ વાંચે શાને સારું? કેવળ મોજ માણવા ને તે પણ કેવી? કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ન પડી. તેઓની પાસેથી કંઈક શીખ્યો. તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો. તમારી તરફ હું આકર્ષાયો છું. તમ બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ બાંધી રહ્યો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે (પૃ. વ. ગણાય છે ના?) તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડી જ ઉકેલી શકે? એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવાપણું હોય જ નહીં.

હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છેઃ ‘મુંજનું શબ હાથીના પગ તળે છૂંદાઈ રોટલો બની પડ્યું.’ રોટલો શબ્દ તો સારો લાગ્યો પણ શરીરનો રોટલો બની જ ન શકે એ વિચાર્યું છે? ‘છૂંદો થઈ રહ્યું’ ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.

બાપુના આર્શીવાદ

કનૈયાલાલ મુનશીએ નવ દિવસ પછી એટલે કે પાંચમી ઑક્ટોબર, 1936ના રોજ ગાંધીજીને જવાબ લખ્યો, મુંબઈથી. મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી તેનાં બે વર્ષ પહેલાંની આ વાત. એમણે શું લખ્યું કાગળમાં? વાંચોઃ

પૂજ્ય બાપુજીની સેવામાં,

‘પૃથિવીવલ્લભ’ સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દષ્ટિબિંદુ હું જાણું છું. અને ‘Gujarat and Its Literature’માં તે લખ્યું પણ છે.

પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી.

આપે ‘Art for Art’s Sake’નો નમૂનો કાકાસાહેબ પાસે માંગ્યો હતો અને તેમણે ‘પૃ. વ.’ સૂચવ્યું હતું એમ કહેતા હતા.

આ વાર્તાનું વસ્તુ ગુજરાતમાં 9મી કે 10મી સદીમાં અપભ્રંશમાં લખાયેલા કાવ્યના અવશેષો અને 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. 1914-15માં યોગસૂત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન Superman અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવો Blonde Beastની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો, આમ ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વો જન્મ્યાં. આ ભેદ ‘માનવતાના આર્ષદર્શનો’ નામના આદિવચનમાં દર્શાવ્યો છે. (આ સાથે મોકલાવેલ ‘ગુજરાત, એક સાંસ્કૃતિક વ્યક્તિ’માં આવે છે.)

કાલિદાસ અને શેક્સપિયર જેવું હું લખી શકું તો હું ગાંગો તેલી શા માટે રહું? રાજા ભોજ ન બનું?
બીજું, ‘પૃથિવીવલ્લભ’ ‘Literature of Inspiration’નો નમૂનો નથી, ‘Literature of Escape’નો છે, શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી, કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે એ જ એમનો જન્મી પડવાનો હક અને માતાની માફક ધારેલા એ બાળકને – પછી જેવું હોય તેવું – જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય.

જો એ રસદાયી નીવડે તો પછી શા સારુ એને બીજાં ધોરણો વડે ડામવું? રસદાયિત્વ એ ધોરણ શા માટે નહીં?

સેફોનાં ઉર્મિગીત, જયદેવનું ગીતગોવિંદ, નરસિંહની રામસહસ્ત્રપદી, શેલીનું Epipsychidion, આનાતોલ ફ્રાન્સનું Thais – આ બધાં આવા કોઈ જ નિયમને વશ થઈ, સર્જકની કલ્પનામાંથી બહાર પડ્યાં. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે માનવહૃદય એ વાંચવા ઝંખે છે.
આવા જ કુલનું એક નજીવું પુસ્તક ‘પૃ. વ.’ છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું – આચારે કઈંક સીધો છું. તો પણ મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ ને પાત્રો બની બહાર પડે છે, અને પછી તેમને લખી નાખું છું – કે લખી નાખવાં પડે છે. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે – શીખવવાના કે પ્રેરવાના હેતુઓ નહીં – પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.
આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. स्वभावनियतं कर्म कुर्वंन्नाप्नोति किल्विषम् – એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છેઃ કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે.

મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બંને રીતે દુખનો आत्यन्तिक अभाव – પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગ સરખા થઈ રહે – આ એક દષ્ટિબિંદુ!

પછી આ જ પત્રમાં બીજી થોડી વાતો લખીને મુનશી અંતે ઉમેરે છેઃ

‘પૃથિવીવલ્લભ’ મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે. ઘણા ‘વેરની વસૂલાત’ ગણે છે. એમાં ‘કર્મયોગ’ની ભાવના પર કેટલાંક સ્ત્રીપુરુષો ચીતર્યા છે. આપ હિંદુસ્થાન આવ્યા તે પહેલાં લખી હતી – એટલે કેટલાક રંગ પૂરવા રહી ગયા છે.

આ બધાં પુસ્તકો વાંચવા માટે નથી મોકલાવતો. કોઈક વાર વખત ને રુચિ હોય તો ડોકિયું કરજો. એમ તો નહીં જ લાગે કે હું ‘પૃ. વ.’ ને ‘બ્રહ્મચર્યાશ્રમ’ જ લખ્યા કરું છું.
હવે તો પરિષદમાં મળશું.

લિ.
ક. મા. મુનશીના પ્રણામ

ગાંધીજીને ‘શરીરનો રોટલો થઈ ગયો’ શબ્દપ્રયોગ સામે વાંધો પડ્યો હતો. તેના વિશે ખુલાસો કરવાનું મુનશી ચૂકતા નથી. આ જ પત્રમાં સાવ છેલ્લે તાજા કલમ કરીને તેઓ ઉમેરે છેઃ

‘તા.ક. શરીરનો દબાઈને રોટલો કેમ ન થાય – ચપ્પટ બની જાય તો? એ ભરૂચી ઇડિયમ છે.’

મુનશીના આ પત્રમાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદરભાવ છલકાય છે. તેમણે ખૂબ વિવેકપૂર્વક લખ્યું છે અને છતાંય એક નવલકથાકાર તરીકે માનસિક સ્પષ્ટતા છે અને ખુદની સર્જનશક્તિ પર એમને જ ગર્વ છે તે ભરપૂર દઢતાથી વ્યક્ત કર્યો છે! 
આ નવલકથા વિશે વધુ આવતા અંકે…

— રીટા જાની

10 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 06

 1. રીટાબેન ! સાહિત્ય કૃતિ તો પુસ્તક ભંડારમાંથીયે મળે , અરે ગુગલ પર અને એમેઝન પર પણ છે જ ;પણ એના વિષયક વાતો તો કોઈ અભ્યાસુ જ કહે ને ? ગાંધીજીનો પત્ર અને મુન્શીનો પ્રત્યુત્તર વાંચીને આનંદ થયો .. આવું વિવેચનાત્મક, ક્યાંકથી શોધીને લખો છો તે વાંચવાની મઝા આવે છે …

  Like

  • આભાર ગીતાબેન. આ વાચકોનો પ્રેમ અને પ્રતિભાવ મને મોટીવેશન પૂરું પાડે છે.

   Like

 2. રીટાબેન,
  મુનશીજી વિશે જેટલું જાણવા મળે એ તો ઓછું જ પડે પણ આજે તો તમે મુનશી અને ગાંધીજી વચ્ચેના પત્રનો જે ઉલ્લેખ કર્યો છે એ ઘટના ય જાણે એક ઈતિહાસ જ કહેવાય.

  ખુબ રસપ્રદ પત્રવ્યહાવર છે.

  Like

  • આભાર રાજુલબેન. અત્રે હું જાહેરમાં તમારો આભાર માનવાની તક ઝડપી લઉં છું. મને ખૂબ ખુશી છે એ વાતનો કે તમે ફક્ત મારો લેખ વાંચતા જ નથી પણ પ્રતિભાવ પણ આપો છો અને પૂરક માહિતી પણ. હું આ લેખ લખી રહી હતી ને તમે મને પૂરો પત્રવ્યવહાર મને મોકલ્યો.

   Liked by 1 person

   • રીટાબેન,
    બેઠક અને બેઠકના આપણે સૌ સર્જકો તો એક પરિવાર કહેવાય.
    આપણે આપણા વિચારોને ભલે અલગ અલગ વિષયને અનુલક્ષીને આપણી અભિવ્યક્તિ દ્વારા રજૂ કરીએ છીએ પણ અંતે તો એકના એક જ ને?

    Like

 3. પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી…..આ વાત અત્યારની પેઢીને ગળે ઉતારી જાય તેવી છે.
  આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. स्वभावनियतं कर्म कुर्वंन्नाप्नोति किल्विषम् – એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છેઃ કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે.

  Like

  • આભાર પ્રજ્ઞાબેન. હું તમારી સાથે સંમત છું કે એક સર્જક માટે તેની કલ્પના સર્વોપરી છે અને તેને શબ્દદેહ આપી અવતરવનો અવકાશ હોવો જોઈએ. આજની પેઢીને પારદર્શિતા વધુ પસંદ છે. તે મુનશીજીની માફક બીજાને કેવું લાગશે નો વિચાર કરવાના બદલે પોતાના ભાવવિશ્વને વધુ મહત્વ આપશે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.