૪૦- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

ફોર્થ જુલાઈ- અમેરિકાનો સ્વાતંત્ર્ય દિન..૧૭૭૬ના દિવસે અમેરિકા બ્રિટિશ હકૂમતથી આઝાદ થયું. સ્વભાવિક છે એ સમય, એ ક્ષણ કેવી ઉત્તેજનાભરી હશે! આઝાદી કોને વહાલી નથી? ભારતની જેમ અહીં પણ આ આઝાદીની ઉજવણી આજે પણ એટલી જ ઉત્સાહથી ઉજવાય છે. વાત અહીં ફોર્થ જુલાઈની નથી કરવી. વાત કરવી છે અહીં એ ઉત્સાહની. આમ પણ અહીં ઉનાળાના લાંબા દિવસો સૌને ઉત્સવ જેવા લાગતા હોય છે ત્યાં આવા કોઈ પણ દિવસની જાહેર રજા એટલે સોનામાં સુગંધ….

આવી ઉજવણીના જ દિવસે નજીક એક મેળામાં જેને અહીં ફનફેર કહે છે ત્યાં જવાનું થયું. નાના બાળકો પણ રમી શકે એવી સગવડો, ઘોડેસ્વારીની મોજ, પહેલાના સમયમાં મળતી એવી ઘોડાગાડીની સહેલ, ઉમંગથી છલોછલ મેદનીનો ઉત્સાહ વધારતું જાઝ બેન્ડ, એની પર પોતાની જ મસ્તીમાં ઝૂમતા ત્રણ વર્ષથી માંડીને ત્યાસી વર્ષ સુધીના લોકો…માહોલ જ એવો હતો પોતાની ઉંમર ભૂલીને પણ સૌ કોઈ ઝૂમી ઉઠે.

આવા મસ્ત માહોલમાં એક યુગલ એવું જોયું કે જેમને કદાચ એમને આ મસ્તી, આ મ્યૂઝિક સાથે અનેરો તાલમેલ હોય એમ એ એટલી તો મસ્તીમાં રાચતું હતું, નાચતું હતું કે એમને જોયા જ કરીએ. એમને જોઈને તો બીજો કશો વિચાર સુધ્ધા ન આવે. દેખીતી રીતે એ લોકો પણ આ મસ્તી, આ મોસમ, આ સમાના જ એક અવિભાજ્ય અંગ હોય એવા ભળી ગયેલા હતા. સરસ મઝાનું દેખાવડું અને સુખી દેખાતું એ જોડું  અને એમની સાથેના સ્ટ્રોલરમાં બેઠેલું એકાદ વર્ષનું બાળક જોતા વેંત ગમી જાય એવા હતા. જે રીતે બંને લાઈવ બેન્ડ સાથે તન્મય થઈ ગયા હતા અને એમના પગ તાલ મેળવીને થિરકતા હતા એ જોવાની સાચે જ મઝા આવતી હતી. એકાદ ધૂન પુરી થવા આવી ત્યાં સ્ટ્રોલરમાં મુકેલું એ બાળક રડવા લાગ્યું. બે-પાંચ મિનિટ એમ જ રડતું રહ્યું, માતા-પિતા તો પોતાનામાં જ મશગૂલ. પહેલા તો લાગ્યું કે આ જાઝ બેન્ડની વધુ પડતા નજીક હોવાથી અને એના સંગીતના અવાજની બુલંદીના લીધે એમને બાળકના રડવાનો અવાજ નહીં સાંભળ્યો હોય. થોડી વધુ ક્ષણો એવી રીતે જ પસાર થઈ ગઈ. થોડીવાર પહેલાં જે યુગલને જોવાનો આનંદ આવતો હતો, હવે એજ યુગલ પર થોડો રોષ ઉપજવા માંડ્યો. કેવા છે બેપરવા છે આ લોકો? બાળક આટલું રડે છે અને એમને કશી જ પડી નથી? વધુ ક્ષણો એમજ પસાર થઈ ગઈ હોત તો કદાચ રોષની માત્રા વધી ગઈ હોત પણ નસીબે માતાનું ધ્યાન એ રોતા બાળક પર ગયું અને એણે વ્હાલથી એના બાળકને સ્ટ્રોલરમાંથી તેડી લીધું. પતિને હાથથી હડબડાવીને સ્ટ્રોલરમાં મુકેલી બેગમાંથી દૂધની બોટલ કાઢવા કહ્યું અને એક આંચકા સાથે ખ્યાલ આવ્યો કે એ બંને મૂક- બધિર માતા-પિતા હશે કારણકે એ પછી બાકીની તમામ ક્ષણોમાં બંનેને સાઈન લેંગ્વેજથી વાત કરતાં જોયા. બંને એટલા માટે કે જો કોઈ એકાદની પણ સાંભળવાની ઈન્દ્રિય સતેજ હોત તો બાળકને રડતું તરત સાંભળ્યુ જ હોત.

આ પહેલાની ક્ષણો સુધી જેમને જોવાનો ભરપૂર આનંદ માણ્યો, હવે પછીનો તમામ સમય એમને જોઈને માત્ર અને માત્ર પૂરેપૂરો વેદનાપૂર્ણ બની રહ્યો. દેખીતી રીતે આટલું સરસ હસતું-રમતું યુગ્મ અને અર્ધુ-અધુરું? બાળકને દૂધ પિવડાવીને હસતુ રમતું ફરી સ્ટ્રોલરમાં મુકીને પાછા લાઈવ બેન્ડ સાથે એકરૂપ થઈ ગયા.

વિશ્વમેળામાં સૌ આવે એમ આપણે પણ આવ્યા અને માનવ મેદનીમાં ભળ્યા. ઈશ્વરે સર્જેલા ટોળામાં કોઈ આવી વ્યક્તિઓને જોઈએ નહીં ત્યાં સુધી અપૂર્ણતા શું છે અને એ અપૂર્ણતા સાથે કેવી રીતે જીવી શકાય એનો વિચાર સુધ્ધાં આપણને આવતો નથી. જે સંપૂર્ણ છે એને તો ઈશ્વરની કૃપા સમું આ જીવન કેવી મોંઘી મિરાત છે એની પણ કલ્પના કદાચ નહી આવતી હોય. જ્યાં સુધી આપણી આસપાસ બધુ અકબંધ છે ત્યાં સુધી જે દેખાય છે, જે અનુભવીએ છીએ એ જ સત્ય  છે એમ માની લઈએ છીએ. સાથે જે સત્ય માન્યુ છે એ હંમેશ માટે સુંદર છે જ એમ જ માનીને જીવીએ છીએ પણ ના અહીં આવેલા સૌના નસીબમાં સુંદર સપનાભરી રાત નથી હોતી. કોઈના નસીબમાં અજંપાભરી ઊંઘ પણ લખેલી છે. કોઈના નસીબમાં અજવાસ જ અજવાસ છે તો ક્યાંક અંગત એકાંતનો અંધકાર છે. ક્યાંક ચારેકોર સુખના પતંગિયાની ઊડા ઊડ છે તો કોઈના નસીબમાં સન્નાટો ય છવાયો છે. કોઈના નસીબે ભીનાશભરી લીલીછમ ધરતી છે તો ક્યાંક સૂકાભઠ રણ છે. ક્યાંક સ્નેહની ઝરમર ઝરમર છે તો ક્યાંક ટળવળતી લાગણીઓ છે.

આ ભાતીગળ મેળામાં કોઈ અધિક સુખના લસરકા લઈને આવ્યા છે તો વળી કોઈ તનિક દુઃખની લકીરોય લખાઈને આવ્યા છે ભાઈ…….કોઈના માટે લખાઈ ઉઘડતી સવાર તો કોઈના માથે માઝમરાત પણ લખાઈ છે અને માટે જ આપણને મળેલા મેળાની મોજ માટે ઇશ્વરનો આભાર ……..

કાવ્ય પંક્તિ -રમેશ પારેખ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

5 thoughts on “૪૦- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. Reblogged this on રાજુલનું મનોજગત and commented:

    આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
    કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

    કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
    કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

    Like

  2. રાજુલ રમેશ પારેખ નું મારું મનગમતું ગીત છે તે ખરેખર ખૂબ સરસ રીતે આ યુગલની વાત વણી લીધી છે કોશિશ મુવી યાદ આવી ગયું। ખરેખર જીવન આવું જ છે થોડી ખુશિયાં હૈ થોડે ગમ હૈ યહી હૈ યહી હૈ છાવ ધૂપ

    Liked by 1 person

  3. વાહ…વાસ્તવિકતાનો એક સાચો,પીડાજનક ચિતાર.
    ર.પા.ના આ શેર..અરે, આખી ગઝલ ખૂબ વખણાઈ છે અને ગવાઈ છે. તેમાં જીવનના પંચરંગીપણાને જે રીતે વર્ણવ્યું છે તેમાંનો એક વેદનાભર્યો રંગ રાજુલબહેને કોઈનામાં જોયો અને એને એક નવા જ દૄષ્ટિકોણથી ચિત્રિત કરી બતાવ્યો.
    કવિતામાં પણ ભાતીગળ રંગોના મેળા જેવી જ અર્થચ્છાયાઓ ઉભરાય છે અને સરિતાની જેમ વહે છે તે અહીં સ્પષ્ટ થાય છે.
    લેખિકાની દૄષ્ટિને સલામ.

    Liked by 1 person

  4. રાજુ,રમેશ પારેખના આ ખૂબ જાણીતા કાવ્યની પંક્તિઓને કંઈક જુદીરીતે તારી નજરથી સરસ મૂલવી.એક મૂક-બધિર દંપતીને જોઈને તનેજે મનપાંચમનો મેળો અને તેમાં આ રાતના અંધાર સાથે લઈને આવેલ લોકોનો વિચાર……વાહ બહુસરસ

    Liked by 1 person

Leave a reply to Devika Dhruva Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.