૩૯ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

બે વૃક્ષ મળે ત્યારે,
સોના અને રૂપાનું
પ્રદર્શન નથી કરતા.
માત્ર સૂરજના પહેલા કિરણનો
રોમાંચ આલેખે છે.
બે પંખીઓ મળે ત્યારે,
રેલ્વેના ટાઇમટેબલની
ચિંતા નથી કરતાં.
કેવળ સૂરને
હવામાં છુટ્ટો મૂકે છે.
બે ફૂલ મળે ત્યારે,
સિદ્ધાંતોની ગરમાગરમ
ચર્ચા નથી કરતાં.
ફકત સુવાસની
આપ-લે કરે છે.
બે તારા મળે ત્યારે,
આંગળીના વેઢા પર
સ્કવેર ફીટના સરવાળા-બાદબાકી
નથી કરતાં…
અનંત આકાશમાં
વિરાટના પગલાંની
વાતો કરે છે!

આપણે કેમ પ્રકૃતિ જેટલા સરળ, સાહજિક નથી રહી શકતા એનું આશ્ચર્ય કદાચ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને રહેતું જ હશે. પ્રકૃતિની સ્વભાવિકતાનું કારણ એ હોઈ શકે કે પ્રકૃતિ પાસે ભરપૂર છે અને તેમ છતાં એને ક્યાંય કોઈની સાથે કોઇ સરખામણી કે બરોબરી નથી એનામાં કોઈની સામે પોતાના ઐશ્વર્યનો દેખાડો કે આડંબર દાખવાની વૃત્તિ જ નથી. એ તો પોતે પોતાનાથી જ માતબર છે. કુદરતના બે કે તેથી વધુ સર્જન જ્યારે પોતાના પરમ કે ચરમ સ્થાને હોય છે ત્યારે એનું ઐશ્વર્ય આપોઆપ દેખાઈ જ આવતું હોય છે ને? જે આપોઆપ પરખાઈ આવે એ જ સત્ય અને એ જ તથ્ય. જેનામાં સત્વ છે, જેનામાં સાતત્ય છે એ તો આપોઆપ પરખાઈ જ આવતું હોય છે ને?

બે સામસામે ઊભેલા વૃક્ષને પોતાની ખાસિયત વિશે કાંઈ કહેવું પડતું હોય છે? ના…રે…એના પર ઝૂમતી ડાળખીઓ, એના પર લહેરાઈ રહેલા લીલછમ પાન, લચી રહેલા ફળ કે ફૂલથી જ એની ઓળખ છતી થતી જ હોય છે ને?

બે પંખીઓ મળે ત્યારે એમના જ રંગ-રૂપ કે ટહુકાઓ એમની ઓળખ બનીને કુદરતને રણકતી કરી દે છે ને? આજે હું ચણ ક્યાંથી અને કેવું શોધી આવ્યું એના ગાણા ગાય છે? માળો બનાવવા કયા આર્કિટેકને કન્સલ્ટ કર્યા અને કયું વૃક્ષ પસંદ કર્યું એની વાત કરતાં હશે? ના….રે…એ તો ટહુકાની આપ-લે કરીને આગળ વધી જતા હશે.

વસંતની સાથે મોસમ છલકે ત્યારે ચારેકોર ફૂલો પોતાના પર બાઝેલી ઝાકળને ઊગતી સવારના કિરણોથી સુશોભિત જોઈને કેવા ઝળકી ઊઠે છે? એમાના કોઈ પોતાનામાં રહેલી સુવાસની જાહેરખબર આપતા હશે? ના…રે… એ તો વહેતો પવન જ એમની સુવાસ લઈને વાતાવરણને મહેકાવી દે ને!

તારે મઢેલી રાતમાં ચમકી રહેતા તારાઓ પોતાનો પ્રકાશ ક્યાં સુધી રેલાય છે એની સ્પર્ધામાં ઉતરતા હશે ખરા? તારાઓ અવકાશમાં રોકેલી જગ્યાની ગણતરી માંડતા હશે અને એની ઉપર પોતાની નેમ-પ્લેટ મુકતા હશે? ના….રે… આ અખિલ બ્રહ્માંડમાં અગણિત તારાઓ છે પણ સપ્તર્ષી કે ધ્રુવનું સરનામું શોધવામાં કે એમને ઓળખવામાં ક્યાં વાર લાગે છે? એ તો બસ એમ જ એમની મેળે જ પ્રકાશિત અને એ જ એમની ઓળખ…

આ પ્રકૃતિને સારી રીતે જાણવા છતાંય આપણે એમાંના એક થઈ શકીએ તો ગનીમત…

વાત જાણે એમ છે… બે દિવસ પહેલાં એક બચ્ચાઓની પાર્ટીમા જવાનું થયું. જન્મદિનની એ પાર્ટી એક પાર્કમાં હતી. ચારેબાજુ કુદરતની મહેર વચ્ચેનું એ પિકનિક એ સ્થળ ખરેખર ખુબ તાજગીભર્યું હતું. આ પાર્કમાં વચ્ચે વચ્ચે છુટા છવાયા ગઝીબો અને એક તરફ બાળકોને રમવા માટે હિંચકા, લપસણી વગેરે વગેરે…

બચ્ચાની પાર્ટી અને ઉનાળાના લીધે સાવ જ કૅઝુઅલ કપડામાં જ સૌ આવેલા અને વાતાવરણ પણ એટલું જ સહજ હતું. મોટાઓ પોતપોતાના ગ્રૂપમાં એકદમ સહજ વાતોમાં પોરવાયેલા હતા. સ્વભાવિક રીતે વાતોમાં આસપાસની મસ્ત મોસમની ચર્ચા તો હોવાની જ. એટલામાં એક મહેમાન ઉમેરાયા. પાછળથી જોડાયા એટલે પોતાની ઓળખ આપીને આ ગ્રૂપમાં ગોઠવાયા. સહજ ચાલતી વાતોનો દોર થોડા સમય માટે એમની તરફ ફંટાયો. જાણે આવી જ કોઈ તકની રાહ જોતા હોય એમ એમણે પોતાની ઓળખને સવિશેષ બનાવવી હોય એમ હળવેકથી સૌના પહેરવેશ પર નજર નાખી….અને આશ્ચર્ય પ્રગટ કર્યું, “ ઓ મને તો એમ કે પાર્ટી છે એટલે તો પાર્ટીવેરમાં જ જવાનું હોય ને એટલે હું તો……કહીને જરા અટક્યા…but that’s ok….અમારા ત્યાં તો પાર્ટીની તો વાત જ અલગ કહીને એમણે કરેલી પાર્ટીઓની વાતથી માંડીને પોતાની-પોતાના પતિની, દિકરા -દિકરીની સંપત્તિ સુધીની કથા આદરી. એમના પતિએ કેવી રીતે ભારતમાં એમ્પાયર ઊભુ કર્યું ત્યાંથી માંડીને દુનિયામાં ફરવું અને ફરતાં રહેવું એ એમના માટે સાવ ગૌણ બાબત છે એની રજૂઆત કરી. ભારતમાં સૌથી મોંઘી ગણાય એવી કાર એમની પાસે હોવી એ એમના માટે સામાન્ય વાત છે એવું કહેવાનું પણ એ ન ચૂક્યા. એટલેથી અટક્યા હોત તો ગનીમત પણ એમના વર્તુળમાં, એમના સંબંધીઓ કોણ છે અને એમની  પાસે કેટલી સંપત્તિ છે એની ગણતરી મુકવા માંડી ત્યારે તો એમની વાતોમાં આપવડાઈનો ભાર વર્તાવા માંડ્યો.

શા માટે? કોઈએ પૂછ્યું હતું? એમના માટે સૌના મનમાં અહોભાવ ઊભો થશે એવી એમની માન્યતા કે ગણતરી હશે? કેમ કોઈ આવું હોઈ શકે? કેવી રીતે આવું કોઈને પણ કહી શકાતું હશે? કહી શકાતું હોય તો પણ શા માટે કહેવું જોઈએ? જેમાં સત્વ છે, તત્વ છે એ તો આપોઆપ ઊભરી જ આવવાનું છે એને કહી દર્શાવવાથી વિશેષ નથી બનાતું એ કેમ નહીં સમજાતું હોય? સમૃધ્ધિને શાબ્દિક શણગારની જરૂર જ ક્યાં છે? એને કહી બતાવવાથી એનું ગૌરવ ઘટે એવું એમને નહીં સમજાતું હોય?

એ ક્ષણ સુધીનું સરળ અને સહજ વાતાવરણ ડખોળાઈ ગયું હોય એવું મને તો લાગ્યું જ અને સાથે બેઠેલા સૌના ચહેરા પર પણ દેખાયું કારણકે અહીં બેઠેલા અન્ય પણ એમનાથી જુદા તો નહોતા જ. માત્ર સૌથી અલગ ડ્રેસિંગના લીધે જ એમણે પોતાને સવિશેષ માની લીધા હશે.

અત્યાર સુધી સૌના મન પર છવાયેલી વાતાવરણની તાજગી ઓસરી જતી લાગી અને એટલે જ મનમાં ઊઠેલી કડવાશના લીધે આપોઆપ સ્વભાવિકતા, સૌજન્ય અને શાલીનતાની સામે આડંબર, આપવડાઈને ત્રાજવે મુકાઈ ગઈ.

પ્રકૃતિ કરતાં કેમ પામર છીએ એની સમજ પણ ઊભી થઈ ગઈ….

કાવ્ય પંક્તિ -વિપિન પરીખ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

9 thoughts on “૩૯ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. તમારા આજના વિષયમાંથી મને યાદ આવ્યું…..બે બાનુઓ મળે ત્યારે ગામની સારી વાતો નથી કરતા! પુરુષો પણ આમાં આવી ગયા હાં!

    Like

    • સાવ એવું ય નથી બનતુ. બે બાનુઓ મળે ત્યારે સારી જ વાતો થતી હોય છે પણ ક્યાંક ક્યારેક કોઈક
      અપવાદ પણ હોઈ શકે ને?

      Like

  2. વાહ..કેટલી ઊંચેરી વાત કરી તમે!
    “જે આપોઆપ પરખાઈ આવે એ જ સત્ય અને એ જ તથ્ય. જેનામાં સત્વ છે, જેનામાં સાતત્ય છે એ તો આપોઆપ પરખાઈ જ આવતું હોય છે ને?”
    બિલકુલ સાચું. ખૂણામાં પડ્યો હોય તોય હીરો તો ચમક્વાનો જ ને?

    Liked by 2 people

  3. ખરેખર, ખૂબ ઊંચી વાત છે….”જે આપોઆપ પરખાઈ આવે એ જ સત્ય અને એજ તથ્ય. જેનામાં સાતત્ય છે એ તો આપોઆપ પરખાઈ જ આવતું હોય છે ને?”
    ધ્રુવનો તારો આકાશમાં કયાં શોધવો પડે છે ?તેના અનોખા તેજ થી તે બધાંથી નોખો જ તરી આવે છે ને? કાશ! આપણે પણ પ્રકૃતિ જેવા સહજ વર્તતા હોત તો……

    Liked by 1 person

  4. ખૂબ સરસ વાત કહી રાજુલબેન.માણસ તેનામાં રહેલી પ્રકૃતિનો દુરુપયોગ કરે છે.તેની સામે થાય છે.પરિણામે પ્રકૃતિનો મૂળ ગુણધર્મ ભૂલીને પશુતા પર ઉતરી આવે છે.માટે તો મનુષ્યને પામર કહ્યો છે.તમે આવી સરસ વાત કરી ત્યારે મને એક વાત share કરવાનું મન થાય છે…
    સુરજમુખી,સૂર્ય સામે જોઇને ખીલે છે.પણ સૂરજ આગળ જેવા વાદળાં આવે કે બધા સુરજમુખી એક બીજા સામે જોઈ રહે છે! આવું કેમ?એમ કહેવાય છે કે તે સમયે તેઓ એક બીજાને energyની આપ-લે કરે છે..કેટલી સુંદર વાત!…અને માણસ! કોઈ વ્યક્તિ ઉપર દુખના વાદળ આવે તો?…તેના દુઃખમાં વધારો કરશે!આ માનવની ખાસિયત છે!

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.