વાત્સલ્યની વેલી :૧૦) મેરી ક્રિશ્ચમસ!!

મેરી ક્રિશ્ચમસ!!
આજથી સાડા ત્રણ દાયકા પહેલાં , બાળ ઉછેર અને બાળ શિક્ષણનું પધ્ધતિસરનું જ્ઞાન મેળવ્યાં પૂર્વે માતૃસહજ પ્રેમ અને સ્નાનુભવ ભાવથી પ્રેરાઈને ઘેર બેઠાં મારું બેબીસિટીંગનું કામ ચાલતું હતું .
અમારી પડોશમાં એક ચુસ્ત કેથલિક કુટુંબ રહે : એ ઘરની ગૃહિણી એડ્રિયા મારી બેનપણી અને એનાં બાળકો અમારા છોકરાંઓનાં મિત્ર. કોઈ માંદગીમાં એમણે પિતા ગુમાવ્યા બાદ ચર્ચે તેઓની જવાબદારી લઇ લીધી. ક્રિશ્ચમસ પર એ બાળકોને ઓછું ના આવે એટલે ઘણી બધી ગેઇમ્સ અને રમકડાં ચર્ચ તરફથી પહોંચાડ્યા !
બાળપણમાં તેઓની આર્થિક પરિસ્થિતિ એવી કથળેલી નહોતી , પણ; ‘અમે બધાં તમારી સાથે છીએ ‘ એવો વણકથયો સંદેશો એમાં છુપાયેલ હતો. આપણે ત્યાં મંદિરો અને ધર્મગુરુઓની જે જવાબદારી છે તેનાથી ઘણી જુદા પ્રકારની જવાબદારીઓ અહીંના ધર્મ ગુરુઓની હોય છે. અને તે પશ્ચિમના બધા દેશ સંસ્કૃતિ માટે સહજ છે .ચર્ચ કે સીનેગાગ ( યહુદીઓનું પ્રાર્થના સ્થળ ) સૌ સ્થળોએ આ જાતની વ્યવસ્થા સહજ સ્વાભાવિક છે: તેનાં નોંધેલા સભ્યો હોય; બધાંને પાદરી (કે રેબાઈ )ના માર્ગદર્શન હેઠળ કાર્યરત અન્ય સભ્યો દ્વારા સહાય મળે !
ક્યારેક ચર્ચનાં સંબધીને નર્સિંગ હોમમાં મળવા જવાનું હોય તો ક્યારેક કુદરતી આપત્તિમાં ફસાયેલ વ્યક્તિઓને સહાય કરવા જવાનું હોય! અમારે ઘેર પણ ચર્ચમાંથી એવીરીતે ખબર અંતર પૂછવા એ લોકો ક્યારેક આવતાં હતાં !બાળકો પણ આ બધી પ્રવૃત્તિઓ જુએ અને મોટા થઈને આવી સહાયક પ્રવૃત્તિમમાં પોતાનું યોગદાન આપે!!
નાનપણમાં આપણો જે રીતે ઉછેર થયો હોય છે તેની છાપ જીવનના અંતિમ સમય સુધી રહે છે. અને તેથી કોઈને મદદ કરવી, કાંઈક આપવું ; કોઈ જાતનું પુણ્ય મળશે એવી આશા વિના – એ ગુણો મેં અહીંની નવી પેઢીમાં જોયા છે! ક્રિશ્ચમસ એનું સર્વોત્તમ ઉદાહરણ છે. હા , ક્યારેક એ ઉમદા ગુણો ખીલવવા નાના બાળકને સમજાવવું પડે છે; પણ આચરણ કરીને સારું દ્રષ્ટાંત ઉભું કરી શકાય છે.એડ્રિયાના સંતાનોને પહેલેથી જ આમ ધાર્મિક સંસ્થા ચર્ચ પ્રત્યે લગાવ થઇ ગયો ; અને સ્વાભાવિક રીતે જ મને પણ અહીંના લોકોની આ જીવન શૈલી ગમી !
એ જ અરસામાં અમને એક ફેમિલીએ એમને ત્યાંક્રિશ્ચમસ પાર્ટીમાં આમંત્ર્યા. ઘરના યજમાન કે જેમનાં બાળકો અમારે ઘેર બે ત્રણ વર્ષથી આવતાં હતાં ,એમનાં ફેમિલીમાં કોઈનેય ઇન્ડિયા કે ઇન્ડિયન વિષે બરાબર માહિતી નહોતી ! એન્જલિનાની દાદીએ મને પૂછેલું કે સાપને તમે મારો નહીં તો એ પાછો તમારે ઘેર કે પડોશમાં બીજાને ઘેર જાય તો? તમે ઉંદરને મારો કે નહીં? હા, વીંછી , ઉંદર , સાપ એ બધાંયને જીવવાનો અધિકાર છે જ , પણ તમારાં બાળકોને સલામત સ્વસ્થ જીવન આપવું એ શું તમારી ફરજ નથી ?એમણે અમને પૂછ્યું . ત્યાર પછી ગાયને માતા ગણવાની વાત તો એ સારી રીતે સમજ્યાં. પણ હાથીના મોં વાળા ગણપતિ દાદા વિષે અમે બહુ સ્પષ્ટ સમજાવી શક્યાં નહીં. આમ અમે બે ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે, પણ પ્રેમ અને હૂંફથી ઉછરી રહેલ એમનાં સંતાનો એન્જલિના અને એરિક સાથે અમારાં સંતાનો , બીજાં અન્ય બાળકો વગેરે વિષે વાતો કરી રહ્યાં હતાં…
એમનાં ઘેર તે દિવસે રસોડામાં એન્જલિનાના દાદા અને ડેડી બધું કામ કરતા હતાં. જમ્યા પછી એમણે નવા ખરીદેલા બીજા ડીપ ફ્રિઝની જાહેરાત કરી અને જણાવ્યું કે આગલે અઠવાડીએ જ હરણના શિકાર કરવાની ઋતુ શરૂ થઇ હતી અને એન્જલિનાના ડેડીએ હરણનો શિકાર કર્યો હતો !!! હવે બધું પ્રોફેશનલી પેક થઈને આવશે ત્યારે આ ડીપ ફ્રીઝમાં વરસ સુધી રાખશું !
પ્રેમ , કરુણા , જીવદયા એ બધાનું બાષ્પિભવન થઈને ભંયકર ઠંડી માંય હું પરસેવે રેબઝેબ થઇ ગઈ ! એ બધાં આનંદથી જાણે કે વાઘ માર્યો હોય તેમ વાતો કરી રહ્યાં હતાં :જોકે અહીંયા તો સાચ્ચેજ નિર્દોષ બિચારાં હરણાંની વાત હતી.. મને જાણેકે ચક્કર આવતાં હોય તેમ લાગ્યું .. હવે કૉફી અને ઘેર બનાવેલ અંજીરની કૂકીઝ અને બીજાં અનેક કેક ,પાઇ ,પેસ્ટ્રીનો સમય હતો પણ અમારે ઇન્ડિયા અગત્યનો ફોન કરવાનો છે એમ કહીને -એ લોકોના ખુબ આગ્રહ છતાં -અમે ભાગ્યાં !
ફરીથી બે સંસ્કૃતિઓ બે રાષ્ટ્રો અને બે કુટુંબો વચ્ચે સમતોલન કરવાના વ્યર્થ પ્રયાસમાં મારી વાત્સલ્યની વેલ ઝૂલી રહી હતી!
જો કે બીજે દિવસે બધાં બાળકો અમારે ઘેર રેગ્યુલર સમયે આવી ગયાં અને સાન્તાક્લોઝ , ગિફ્ટ્સ વગેરેય વાતો કરતાં હતાં પણ પેલું હરણ જાણેકે મારાં મનમાંથી ખસતું જ નહોતું ! કહો કે જડ ભરત મૃગલામાં મોહ્યા હતાં અને બધી તપશ્ચર્યા નિષ્ફ્ળ બની જતાં પુનર્જન્મના ચક્કરમાં ફસાયા હતાં તેમ કોઈ અગમ્ય લાગણીઓથી હું ન જોયેલ હરણનો શોક કરતી હતી.. ક્યાં પેલાં વૃક્ષને પ્રેમ કરતી ,ક્યાં હરણોને પોતાના પ્રેમની વાતો કરતી ,શકુન્તલાનો દેશ ભારત અને ક્યાં એન્જલિનાનો બાપ !! મને પાંચ વર્ષે હવે
મારી મા ભોમ યાદ સતાવતી હતી..

5 thoughts on “વાત્સલ્યની વેલી :૧૦) મેરી ક્રિશ્ચમસ!!

  1. જીવદયા એ આપણી સંસ્કૃતિ છે જે આપણી પ્રકૄતિમાં વણાઈ ગઈ છે. હજુ ય વૃક્ષો સાથે વાતો કરતી, હરણોનેને પ્રેમ કરતી શકુંતલા આપણામાં જીવે છે ત્યાં સુધી આ પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચેનું આપણું સમતોલન થોડુંક હાલકડોલક રહેવાનું જ…

    Liked by 1 person

    • સાચી વાત ! પણ આપણાં અને બીજાંનાં બાળકોને જીવ દયા અને કુદરતનું જતન કરવાનું શિખવાડનાર બાળ શિક્ષકનું શું ? કેવી રીતે આપણે છોકરાંઓને સમજાવીએ કે ચિકનને મારી નંખાય પણ કૂતરાને પાળી શકાય ? બાળકોનું કુમળું મન એ કેવી રીતે સમજે ? જો કે આ પ્રશ્ન આજે પણ એટલો જ વણઉકલ્યો છે .. Thanks Rajulben !

      Liked by 1 person

  2. Thank you Sureshbhai for yr honest opinion . If good reader like you wouldn’t point out the flous then who would?
    Hear is Sureshbhai , your comment :
    વાંચતાં થોડાક વિચાર આવ્યા. આ રહ્યા –

    તમારી ગુજરાતી ભાવના સારી છે. એમાં બેમત નથી. પણ શકુંતલા- દુષ્યંત વખતનો ભારતનો યુગ મહાવીર સ્વામીના યુગ કરતાં અનેક સૈકાં પહેલાંનો હતો. તે વખતે આર્યો હિન્દુ નહોતા! એ વેદિક સંસ્કૃતિ હતી અને શિકાર, માંસાહાર સાવ સામાન્ય હતા. એટલું જ નહીં – યજ્ઞોમાં પણ બલિ( માનવબલિ સમેત) ચઢાવાતા.

    ક.મા. મુન્શીની પૌરાણિક કથાઓ વાંચી જ હશે. ‘ઋષિ વિશ્વરથ’ માં શુનઃ શેપ વાળું પ્રકરણ યાદ આવી ગયું.
    Thank you Sureshbhai : My thoughts on the topic :
    પણ મારો પ્રશ્ન એ છે કે બાળકો જે શાકાહારી નથી અને જયારે તેમને ખબર પડે છે કે ડે કેરમાં જે સસલું આવેલું કે ગીતોમાં જે ઓલ્ડ મેક ડોનલ્ડના ફાર્મની વાતો આવે છે એ ચિકન વગેરેને મારીને ખાઈ જઈએ છીએ ત્યારે એમનાં કુમળા મન પર શી અસર થાય છે!
    બીજા સેન્સિટિવ પ્રશ્નોનોની જેમ અહીંયા પણ સમજદારીથી જવાબ આપવાનું અઘરું કામ શિક્ષકનું હોય છે.
    એ સમયે (૧૯૮૬-૮૭)માં આ બધાં પ્રશ્નો કે વિષયોથી હું / અમે તદ્દન અજાણ હતાં ! જ્યાં ત્યાં ગોટાળાં કરતાં ( હજુયે કરીએ છીએ!) એ ગાળામાં અમે પણ પૂરાં સ્ટ્રીક શાકાહારી નહોતાં: ગાંધીજીની જેમ અમને પણ અમારાં સંતાનોને સ્ટ્રોંગ બનાવવાની ઘેલછા હતી.. જોકે આ બધું જ બે જ વર્ષમાં બંધ થઇ જવાનું હતું .. આ બધું લખવા પાછળનો આશય એ જ છે કે જાત સાથે પ્રામાણિક રહેવાથી શિક્ષકો અને પેરેન્ટ્સ બાળકોને ભૂલો કરવા છતાં આનંદથી ઉછેરી શકે છે (Honesty to ourselves )બાળકોને હેપ્પી બાળપણ મળે એ મહત્વનું છે.. અને આ રીતે મારી વાત્સલ્યની વેલડી સીંચાતી રહી .. Thank you , once again , Sureshbhai ! Please let me have your honest opinions.. I appreciate them!

    Like

Leave a reply to Rajul Kaushik Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.